પ્રેમ એટલે સમર્પણ
વિષય : શોર્ટ સ્ટોરીચાંદની
“મેના બને તેટલી વધુ કોશિષ કરો, શરૂ શરૂમાં થોડુ અઘરુ લાગશે પણ પછી ટેવ પડી જશે.” મેનાને યોગ કરતી વખતે મુશ્કેલી પડતી જોઇ બાબા નામકરણજીએ ધીરજપુર્વક કહ્યુ. “હા બાબા, હું મારી બનતી મહેનત કરું જ છું પણ જીવનમાં યોગ અને ધ્યાન કે મુદ્રા આ કાંઇ ક્યારે નથી કર્યા તેનુ આ પરિણામ છે કે આજે મને આ તકલિફ પડે છે.” મેનાએ હતાશ થતા કહ્યુ. “મેના અને તેના જેવા બીજા ઘણા દર્દીઓને એક અલગ વિભાગમાં અલગથી બેસાડવામાં આવ્યા હતા અને તે બધાને બાબા નામકરણજી યોગ અને મુદ્રાઓ કરાવી રહ્યા હતા. સાથે તેના બીજા બે શિષ્યો પણ હતા કે જે કોઇ દર્દીને મુશ્કેલી પડે ત્યારે તેઓને પ્રોત્સાહન આપવાનુ કામ કરી રહ્યા હતા. લગભગ એકાદ કલાકના પ્રાણાયમ અને યોગ કસરત કરીને મેના ઘરે આવી. તેની આસપાસના ચાર-પાંચ બહેનો રોજ સવારે કસરત માટે જતા હતા. તેઓની કોલોનીની બાજુમાં જ એક વિશાળ મેદાન હતુ ત્યાં જ શિબિર હતી ત્યાં બધા સાથે ચાલીને દરરોજ જતા હતા. ઘરે આવીને જોયુ તો ઘડિયાલમાં સાડા સાત વાગવા આવ્યા હતા. કપિલને હમણા દરરોજ નાઇટ ડ્યુટીમાં જોબ હતી. મેનાએ જોયુ કે કપિલ આવીને સુઇ ગયા છે. મેનાએ માર્ક કર્યુ કે કપિલ ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. મેના થોડી વાર માટે પોતાને દર્પણમાં નિહાળવા લાગી. સાક્ષાત રૂપ રૂપનો અંબાર, હળવા સ્પર્શથી પણ જેના ગાલ લાલ થઇ ઉઠે અને હાથ લગાડૉ તો પણ શરીર મેલુ થઇ જાય, કોઇ પણ તેને પહેલી વખત જોઇને એમ જ કહી ઉઠે કે મેના જૈસા કોઇ નહી, ફિલ્મી હિરોઇન કે જે મેક અપના કૃત્રિમ સુંદરતા સામે મેનાની કુદરતી સુંદરતા બહુ ઉંચી હતી. તેવી મેના પોતાના રૂપને થોડી વાર એકી નજરે નિહાળતા ખોવાઇ ગઇ. પાંચ ફુટ છ ઇંચ હાઇટ, ઘંઉવર્ણો પણ ન કહી શકાય પણ કાળો કદરૂપો ચહેરો અને હેન્ડસમ શબ્દ તો તેનાથી ખાસ્સો દૂર હોય તેવા ચહેરા વાળો કપિલ કે જેના પર મેનાને સગાઇથી જ સુગ હતી તેવો તેનો પતિ આજે તેને બહુ વહાલો લાગી રહ્યો હતો. જાણે મેનાના હ્રદયમાંથી પ્રેમની સરવાણી અચાનક ઉછળી ઉછ્ળીને વરસી રહી હતી. આજે તે કપિલને નફરત કરવા બદલ પોતાની જાતને કોષી રહી હતી. તે પોતાની જાતને ખુબ નસિબદાર માનવા લાગી હતી. લગ્ન બાદ જેને પોતાનુ જીવન બદ્તર લાગી રહ્યુ હતુ એ જ મેનાને આજે કપિલ સાથે જીવન જીવી લેવાની ખુબ તમન્ના હતી. ધીરે ધીરે તે જાણે તેના રૂપ અને કપિલની મનની સુંદરતા વચ્ચે જોલા ખાતી દસ વર્ષ જુની યાદોમાં ખોવાઇ ગઇ. શહેરના સૌથી મોટા સોનાના શો-રૂમના માલિક ત્રિભુવનદાસ ઝવેરીની એક ની એક પુત્રી મેના બ્રેઇન પ્લ્સ બ્યુટીનો કોમ્બો પેક હતી. ખુબ જ હોશિયાર, ચતુર અને પાવરફુલ પર્શનાલિટી ધરાવતી મેના કોલેજકાળના ત્રણ વર્ષ દરમિયાન યુનિવર્સિટિ લેવલે બ્યુટિ ક્વિન રહી ચુકી હતી. મેનામાં જેટલી સુંદરતા અને ચતુરાઇ હતી તેનાથી બમણું તેને આ બાબતનું અભિમાન હતુ. ખુબ જ અભિમાની અને ખડુશ સ્વભાવ વાળી મેનાની બોલીમાં ભારોભાર અભિમાન છલકી આવતુ હતુ. કોલેજમાં પણ તેની અમીરીથી અંજાઇ જનાર એવી બે-ત્રણ જ સખીઓ હતી બાકી કોઇ તો મેના સાથે બોલતા પણ બે વાર વિચારતુ હતુ. કોઇ તેનો ચહેરો જોવા પણ ખુશ ન હતુ. કોલેજ બાદ તેણે માસ્ટર ડિગ્રી પણ મેળવી લીધી. ત્યાર બાદ તેણે અભ્યાસ છોડી દીધો. તેની લગ્નની ઉંમર થતા પિતા ત્રિભુવનદાસ તેના માટે યોગ્ય અને લાયક જીવનસાથીની તલાશ કરવા લાગ્યા પણ મેના જેન નામ. સર્વગુણ સંપન્ન છોકરામાં પણ તેને કાંઇ ને કાંઇ કમી નજરે ચડી જ આવતી. કોઇનું નાક ચપયુ છે, કોઇ બહુ ઊંચો છે તો કોઇની બોલી તેને ન ગમે એવા નાના નાના બહાના કાઢી તે લગ્ન ટાળી દેતી. એમ થતા તેની ઉંમર ત્રીસે પહોંચવા આવતા પિતા ત્રિભુવનદાસ પણ હવે ચિંતામાં પડી ગયા. તેને સમજાતુ ન હતુ કે મેનાને કઇ રીતે સમજાવવી કે ભગવાને આ દુનિયામાં કોઇને પરિપુર્ણ બનાવ્યા જ નથી. લગ્ન જેવી બાબતમાં એકાદ વાતને તો જતી કરવી જ પડે. મેનાનો શુષ્ક વર્તાવ અને નાની અમથી વાતમાં કોઇનું પણ અપમાન કરી લેવાની ટેવને કારણે નજીકના સગા વ્હાલાઓ તેના માટે કોઇ ઠેકાણું ચિંધતા અચકાતા હતા.
મેનાની ઉંમર વધવા લાગી તેમ તેમ તેના પિતાજીની ચિંતા પણ વધવા લાગી. ત્રિભુવનદાસ મેનાનો સ્વભાવ સારી રીતે જાણતા હતા છતા પણ બાળપણથી લાડથી ઉછરેલી દિકરીને તે કાંઇ કહી ન શકતા. દિલમાં એક ધરપત જરૂર હતી કે ઉંમર વધવાની સાથે થોડી બુધ્ધી પરિપક્વ થશે અને કાંઇક શાણપણ જરૂરથી આવશે. પણ શાણપણ અને મેનાને તો હજારો યોજન દૂરનું અંતર હતુ અને ઉંમર વધવાની સાથે તેનામાં સમજદારી અને શાણપણનું એક ટીંપુ પણ ન પડ્યુ. મેનાની આ રીતની નાસમજ અને બાળમાનસથી હવે ત્રિભુવનદાસ કંટાળી ગયા હતા, આખરે તેમણે પોતાની લાડકવાયી દિકરી માટે છેવટે કંટાળીને એક કાળો નિર્ણય લઇ જ લીધો. પોતાના ખાસ મિત્રના પુત્ર કપિલ સાથે મેનાનું સગપણ પાકુ કરી જ દીધુ. મેનાએ કપિલને જોયા વિના જ તેની સાથે પરણવાની સાફ ના કહી દીધી પણ આ વખતે ત્રિભુવનદાસ ના નિર્ણય આડે તેમનો પિતા-પ્રેમ ન આવ્યો. તેઓ એક ના બે ન થયા અને મેનાને સાફ શબ્દોમાં સંભળાવી દીધુ કે તારે કપિલ સાથે પરણવુ જ પડશે આ મારો નિર્ણય છે અને તેમાં કાંઇ ફરક પડવાનો નથી. આ વખતે જો તે કપિલ સાથે લગ્ન કરવાની ના કહી છે તો તેનુ પરિણામ મારુ મોત આવશે. હવે તારે એ નક્કી કરવાનુ છે કે તને તારો અહમ વ્હાલો છે કે તારા પિતા. નિયતીને પણ શું મંજુર હશે કે આવી રૂપ રૂપના અવતાર જેવી સુંદર મેનાએ તેનાથી તદ્દન વિરૂધ્ધ એવા કદરૂપા કપિલ સાથે પરણવાની હા કહેવી જ પડી પણ હજુ માત્ર મેનાએ તેના પિતાનુ મન રાખવા માટે જ કપિલ સાથે પરણવાની હા કહી હતી.
તે દોડીને તેના રૂમમાં બંધ થઇ ગઇ. ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો તેનો. આસપાસની વસ્તુઓ મનફાવે તેમ ફેકતી મેના ધમપછાડા કરવા લાગી. અચાનક સામે જ પડેલા તૂટેલા કાચના કટકાને હાથમાં દબાવતી મેના બોલી ઉઠી, “પાપા તમારા માટે હું કપિલ સાથે લગ્ન જરૂર કરીશ પણ તમારો કપિલ જ મને છોડી દેશે. નાઉ જસ્ટ વેઇટ એન્ડ વોચ.” હાથમાંથી લોહી નીકળી વહેતુ જતુ હતુ અને મેનાનો ગુસ્સો પણ વધી રહ્યો હતો.
કમને મેના અને કપિલ બન્ને પરણી ગયા. કપિલ પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. તેની ફેમિલીમાં માત્ર તેની એક બહેન જ હતી તે પણ પરણીને સાસરે હતી. તેના માતા થોડા વર્ષો પહેલા જ મૃત્યુ પામ્યા હતા. માતાના મૃત્યુ બાદ તેના પિતાજી અનાથાલયમાં સેવાકિય કામોની પ્રવૃતિમાં જોડાઇ ગયા અને તેઓ ત્યાં જ અનાથાલયમાં રહેતા હતા. ક્યારેક જ્યારે કપિલને મળવાનુ મન થાય ત્યારે એકાદ-બે દિવસ રોકાઇ જતા. આ રીતે મેનાના સાસરે કપિલ અને મેના એ બન્ને જ હતા. કોઇ આડુ કે ઉભુ હતુ નહી છતા મેનાને સંતોષ ન હતો. કપિલ સવારથી સાંજ સુધી જોબ પર રહેતો. પોતે આખો દિવસ ઘરે એકલી રહેતી. બધી સ્વતંત્રતા હોવા છતા મેના પોતાને કેદમાં હોય તેવુ જ મહેસુસ કરતી. રૂપથી એકદમ કદરૂપો એવા કપિલમાં ગુડ લુક સિવાય બધા ગુણો ભરપુર હતા. સ્વભાવે શાંત નિખાલસ, ધીર ગંભીર, સમજુ કપિલ મેનાને ખુબ પ્રેમ કરતો હતો. મેના ખુશ રહે તેવા જ તેના સતત પ્રયત્ન રહેતા પણ મેના જેનુ નામ. કપિલ કાંઇ પણ કરે કે કહે તેનો હંમેશા ઉલ્ટો જ મતલબ કાઢતી અને તેની સાથે ઝ્ઘડતી જ રહેતી.
કપિલ ખુબ જ સમજુ અને ધીરજવાન હતો. તે મેનાના આ વર્તનને કયારેય ધ્યાન પર લેતો નહિ. તે હમેંશા એ આશા રાખતો કે મેના એક દિવસ સમજી જશે. તે મોટે ભાગે મેનાના મેણા ટોણા અને ઝઘડાનો જવાબ મૌન અને ધીરજથી આપતો. તેના આ વર્તન છતાંય તે મેનાનુ ખુબ જ ધ્યાન રાખતો. પોતાના ઓછા પગારના હિસાબે તે જાતે કરકસર કરી લેતો પરંતુ મેનાને કયારેય ઓછુ આવવા દેતો નહિ. કપિલે કયારેય મેનાની વાત મન પર લીધી જ નહિ. બે ત્રણ વખત મેના મોટા ઝઘડા કરીને પોતાના પિયર જતી રહી. પરંતુ કપિલ તેને ધીરજપુર્વક પ્રેમથી સમજાવીને પરત લાવ્યો હતો. મેનાના પિતાને પોતાની દીકરીની અણસમજ માટે ખુબ જ દુ:ખ થતુ હતુ. પરંતુ તેને કપિલની સમજદારી પર વિશ્વાસ હતો. આથી તે પણ ધીરજ ધરી બેઠા હતા. દિવસે દિવસે મેનાનો સ્વભાવ બગડતો જતો હતો. તે હાલતા ચાલતા ક્રોધ કરતી રહેતી અને પોતાની જાત પર પણ ધુંધવાઇને રહેતી હતી. તેનો અણગમો વધતો જતો હતો. તે ગમે તે રીતે કપિલથી દુર થવા માગતી હતી. પરંતુ કપિલને તેના ક્રોધ અને અણગમાની કોઇ અસર જ પડતી ન હતી. તે એટલો સમજદાર હતો. તે મેનાના આવા વર્તનને સ્વભાવગત ખામી ગણી બધુ ચુપચાપ સહન કરતો હતો. મેના પહેલા તો કાંઇ કારણ વિના જ કપિલ પર ગુસ્સે થતી હતી પણ હવે એવુ બનવા લાગ્યુ હતુ કે ગુસ્સો તેની આદત બની ગયો હતો. હવે તેને કપિલ ઉપર તો ઠીક વિના કારણે તે એકલી હોય ત્યારે ગુસ્સો આવી જતો. આવો કટુતાભર્યુ વર્તનથી કંટાળી એક દિવસ તે તેમના પિયરના ફેમિલી ડોક્ટર પાસે ચેક અપ માટે જતી રહી. ડો. મહેરાએ પ્રાથમિક તપાસ કરતા તો બધુ નોર્મલ જણાયુ પણ મેનાની તકલિફ તેને કાંઇક અયોગ્ય જણાતા તેમણે બીજા ટેસ્ટ કરવાનુ નક્કી કર્યુ.
બે દિવસ બાદ જ્યારે મેના ડો. મહેરાના ક્લિનીક પહોચી ત્યારે જાણે જીવન ઉલ્ટી ગણતરી કરવાનુ શરૂ કરી દીધુ હતુ. તેના સ્વભાગગત કટુતા કે કોઇ બીજા કારણસર જે હોય તે, મેનાને કેન્સરનુ નિદાન થયુ. તે એક કેન્સર પીડિતા બની ચુકી હતી. ઓંચિતા ગંભીર બિમારીનુ નિદાન થતા તે ભાંગી પડી. તે બીજા કોઇને નહી પણ પોતાના જીવનને ખુબ જ પ્રેમ કરતી હતી. તેને જીવનમાં ઘણી મહેચ્છાઓ હતી, ઘણું બધુ કરી છુટવુ હતુ. એ બધાથી પર તેને રૂપનુ અભિમાન હતુ. આજે તેને સમજાઇ ગયુ કે આ રૂપ કે જેનુ તેને ભારોભાર અભિમાન હતુ તેને હવે છોડી જવુ પડશે. કોઇ પણ ગંભીર બિમારી આપણને મૃત્યુનો સાક્ષાત્કાર કરાવે છે. આજે તેને સમજાયુ કે જીવનમાં આટૅ આટલુ રૂપ મેળવીને શું ફાયદો? આ કરતા તો કાળી કુબરી બની ભગવાને મને લાંબુ આયુષ્ય આપ્યુ હોત તો સારૂ બની રહેત પણ વિધીના લખ્યા લેખ કોઇ દિવસ મિથ્યા થયા છે તે આજે થાય???
તેણે તેના પિતાને વાત કરવાની હિમ્મત ન કરી પરંતુ તે અંદરથી ભાંગી ચુકી હતી તેથી તેણે નાછુટકે આ બધી વાત કપિલને કરી. કપિલ પણ આ જાણી ચોંકી તો ગયો પણ હંમેશાની જેમ જ આવી પરિસ્થિતિમાં પણ તેણે પોતાના મન પરનો કાબુ ગુમાવ્યો નહી અને મેનાનો ઇલાજ સૌથી સારી હોસ્પિટલમાં કરાવવાનુ શરૂ કરી દીધુ. સમય જતા આ વાતની જાણ મેનાના પિતાજીને થતા તેણે આર્થિક રીતે મેના અને કપિલને મદદ કરવાનુ શરૂ કરી દીધુ. તેના ઇલાજ માટે તેને કિમિયોથેરેપી આપવામાં આવી. તેની આડઅસરના હિસાબે તેના ધીરે ધીરે વાળ ઉતરવા લાગ્યા. ગરમ દવાની અસર હેઠળ તેની ખુબસુરતી ધીરે ધીરે બદસુરતીમાં ફરવા લાગી.
તે હવે પોતાના ચહેરાને દર્પણમાં પણ ન જોઇ શકે તેટલી બદ્દસુરત બની ગઇ હતી પણ કપિલ જેનુ નામ, કપિલ તેની આવી હાલતમાં પણ તેનું ખુબ જ ધ્યાન રાખતો. તેની આ બિમારીને કારણે કપિલે કાયમી નાઇટ શિફટ સ્વિકારી લીધી. દિવસે તે મેનાને જરૂરિયાત વખતે હોસ્પિટલ લઇ જતો. ઘરનુ કામકાજ કરાવતો. તેના પર મેનાની બદસુરતીની કોઇ અસર થતી ન હતી. હવે તે પહેલા કરતા પણ વધારે મેનાનુ ધ્યાન રાખતો હતો. કપિલની આ રીતેની નિઃસ્વાર્થ ભાવના અને પ્રેમ જોઇ મેના મનોમન પોતાની જાતને ધિક્કારવા લાગી હતી. સુંદરતા અને પૈસો હોય તો દુનિયામાં બધુ જ મળી રહે છે તેમ માનનાર મેનાને હવે જીવનનુ સત્ય સમજાવવા લાગ્યુ હતુ. તેનો બદસુરત પતિ હવે તેને ખુબસુરત લાગવા લાગ્યો હતો. તેને પોતાના વર્તન અને વ્યવહાર પ્રત્યે ખુબ જ પસ્તાવો થવા લાગ્યો હતો.
કપિલે મેનાનુ ધ્યાન રાખવા માટે તેની બહેનને પણ સાસરેથી તેડાવી લીધી હતી. તેઓ મેનાનુ ખુબ જ ધ્યાન રાખતા. એલોપેથી સાથે આયુર્વેદીક અને યોગાનો સહારો પણ લીધો હતો. એક નાનકડી બિમારી વખતે પણ આપણે હેરાન પરેશાન થઇ જાય છે અને તેને સહન કરવી મુશ્કેલ બને છે તો કેન્સર જેવી બિમારી વખતે તેની પીડા અને દવાની આડ અસર સહન કરવી ખુબ જ અઘરી છે. પરંતુ કપિલ અને તેની બહેન સપનાની પ્રેમભરી સારવારથી મેના પોતાનુ બધુ દુ:ખ ભુલી ગઇ. તેને હવે જીવવુ હતુ. કપિલ સાથે લાબુ આયુષ્ય ભોગવવુ હતુ. એક દિવસ રાત્રે મેનાને જરાય ઉંઘ આવતી ન હતી. તેને ખુબ જ બેચેની થઇ રહી હતી. સપના તેની પાસે ઉંઘી રહી હતી પરંતુ આખો દિવસની થાકેલી સપનાને ઉઠાડવી મેનાને યોગ્ય ન લાગ્યુ. સપના તેની દેખરેખ માટે બંન્ને ઘર વચ્ચે દોડધામ કરતી રહેતી. આજે તે પોતાના ઘરેથી આવી હતી. કપિલ નાઇટ શિફટ માટે ગયો હતો. મેનાને ખુબ જ ઉલટી થવા લાગી. તેની ઉલટીનો અવાજ સાંભળી સપના ઉઠી ગઇ. તેણે મેનાને દવા આપી પરંતુ કોઇ અસર ન થઇ. ઉલટીનુ પ્રમાણ વધવા લાગ્યુ. કોઇપણૅ ભોગે ઉલટી બંધ થવાનુ નામ લેતી જ ન હતી. અચાનક સપનાએ જોયુ કે ઉલટીમાં લોહી પણ નીકળી રહ્યુ છે. સપના તો ગભરાઇ ગઇ. મેનાને લઇ તે હોસ્પિટલ ગઇ. કપિલને પણ ફોન કરી દીધો તે પણ દોડીને હોસ્પિટલ પર પહોંચી ગયો. “મેનાને શુ થયુ, ડોકટર સાહેબ?” દવાખાને પહોંચતા જ કપિલે ડોકટર સાહેબને પુછ્યુ. “મિસ્ટર વ્યાસ, તેને આઇ.સી.યુ. માં એડમિટ. આપની વાઇફની હાલત ખુબ ક્રિટિકલ છે. સોરી ટુ સે. અમે કાંઇ કહી શકિએ એમ નથી.” ડોક્ટરનો જવાબ સાંભળી કપિલ ભાંગી પડયો. ભલે તેને મેણા ટોણા મારતી હતી. તેની ઉપેક્ષા કરતી હતી. પરંતુ છતાંય તેની સાથે રહીને કપિલને લાગણી થઇ આવી હતી. “ડોકટર સાહેબ હુ એકવાર મારી પત્નીને મળી શકુ?” “મિસ્ટર વ્યાસ તેને ઉંઘનુ ઇજેકશન આપવામાં આવ્યુ. તમે પણ આરામ કરી લો. સવારે તેને મળી શકી શકશો.” પરંતુ કપિલને કયાં ચેન હતુ. તેને આખી રાત ઉંઘ આવી જ નહિ. તે આખી રાત પ્રભુનુ સ્મરણ અને પ્રાર્થના કરતો રહ્યો. મેનાને ભાન આવતા તે મળવા ગયો. “મેના કેમ લાગે છે હવે?” “ના હવે કોઇ પીડા થતી નથી અને ઉલટી પણ આવતી નથી. બસ થોડી સિકનેશ ફીલ થાય છે.” “મેના પ્લીઝ તુ સાજી થઇ જજે.” આટલુ બોલતા સંયમના બાણ ટુટી ગયા અને આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. “કપિલ મે તને આટલી દુ:ખ તકલીફો આપી છતાંય તુ મને કેમ આટલો પ્રેમ કરે છે? તુ કેમ મારુ આટલુ ધ્યાન રાખે છે? મને મારી જાત પર ખુબ જ ગુસ્સો આવે છે.” “મેના તે મને જેમ હમેંશા નફરત કરી. એમ મે હમેંશા તને પ્રેમ કર્યો છે. મને ખબર હતી કે તું મને નહી મારા કાળા ચહેરાને નફરત કરે છે. કદ્દાચ હું રૂપાળો અને હેન્ડસમ હોત તો તારા દિલમાં મારા પ્રત્યે નફરતના સ્થાને પ્રેમનો હિલોળ હોત જ. એ જ વાતને મનમાં રાખીને મે હંમેશા તારી નફરતને પણ પ્રેમ માની મારા જીવનમાં સ્વિકારી છે. તું આમ જતી રહે તો મારુ જીવન સ્ગુન્ય બની જશે.” બન્ને ભેટી પડ્યા અને એકબીજાને આલીંગનમાં ભરી રડવા લાગ્યા.
પણ અચાનક કપિલની આંખો ફાટી ગઇ. જોરદારનો આંચકો લાગ્યો હોય તેમ તેણે મેનાને સુવડાવી તાત્કાલિક ડૉક્ટરને બોલાવ્યા. નર્શ અને બધો સ્ટાફ ડોક્ટર સાથે દોડી આવ્યા અને ડોક્ટરે કપિલને બહાર મોકલી મેનાની ટ્રીટમેન્ટૅ શરૂ કરી દીધી. “શું થયુ ડોક્ટર?” “આઇ એમ સોરી મિસ્ટર કપિલ. ડોક્ટરના એ શબ્દોથી જાણે કપિલના જીવનમાં આંધી મચાવી દીધી. તેની બહેન પણ આ સાંભળી રડી પડી. કપિલને મન તો શું પ્રતિકાર આપવો એ કાંઇ ખબર ન હતી. તે ચાલતો થયો જ્યાં મેનાને રાખવામાં આવી હતી અને બસ વારે વારે એક જ શબ્દ ચોતરફ ઘુઘવાઇ રહ્યો હતો, “આઇ એમ સોરી મિ. કપિલ.”
સંપુર્ણ