Punlagn - 2 books and stories free download online pdf in Gujarati

પુનર્લગ્ન - 2

પુન:લગ્ન

ભાગ:2

“બેટા ઉભી તો રહે જરા”

“શુ થયુ મમ્મી. કાંઇ અરજન્ટ કામ છે?” “હા કામ તો અરજન્ટ જ છે. પરંતુ હમણાં તુ કેટલી વ્યસ્ત રહે છે કે તને તારા માતા-પિતા માટે પણ સમય નથી.” “મમા, હમણાં જો ને માર્ચ એન્ડિંગ ચાલે છે તો ઓફિસે એટલુ બધુ કામ ચાલે છે કે જરાય સમય જ નથી અને પાછુ ઘરે આવીને પણ બધુ પુરુ કરવુ પડે છે. બસ હવે થોડા જ દિવસમાં ફ્રી થઇ જઇશ.” “બેટા આ સન્ડે ગેસ્ટ આવે છે. તો તુ જરા ફ્રી હોઇશ.” “કોણ, મમા?” ખ્યાતિને લાઇટ તો થઇ જ ગઇ હતી. પરંતુ છતાં પણ મમ્મીના મગજની વાત ચકાસવા પુછી લીધુ. “તુ તો જાણે જ છે બેટા. રાજકોટવાળા ઠેકાણાની વાત કેટલા દિવસથી ટલ્લે ચડી હતી. વચમાં તેના મમ્મીને વાગ્યુ હતુ અને પછી તારા પિતાજીની બિમારીને કારણે. હવે બધુ માંડ સેટ થયુ છે. તો તે તને જોવા આવવાના છે. તુ ફ્રી હોઇશ ને?” “મોમ સન્ડે તો લગભગ વાંધો નહિ આવે. પરંતુ મને વિચારવાની પુરી તક આપજો.” “ભલે બેટા. તારે જેટલો સમય લેવો હોય એટલો લઇ લેજે. પરંતુ ધ્યાન રાખજે કે અમે તો આજે છીએ અને કાલે નથી. ભાઇ ભાભીના સહારે તારી કયારેય આખી જીંદગી નહિ નીકળે. હવે બીજી વાર છે તો થોડુ ઘણુ એડજસ્ટ કરવુ જ પડશે.” બીજીવાર શબ્દ સાંભળીને ખ્યાતિના હૈયામાં કડાકો થયો. જે વાતને ભુલી જવા માટે ખ્યાતિએ પોતાની જાતને આખેઆખી કામમાં ડુબાડી દીધી હતી. તે વાત કોઇના કોઇ રીતે તેની સામે આવી જ જતી હતી. “ભલે મમ્મા હુ રેડી રઇશ” પરાણે સ્મિત આપીને સોફા પરથી ઉઠતા ખ્યાતિએ કહ્યુ. “બેટા આજે શુક્રવાર છે. તારે પાર્લરમાં જવુ હોય કે કોઇ તૈયારી કરવી હોય તો કરી લેજે. રવિવારે સાંજે પાંચ વાગ્યે તેઓ આવી જશે.” “ઓ.કે. મોમ” બોલીને તે સીધી તેના રૂમમાં જતી રહી. રૂમમાં જઇને રૂમનો દરવાજો બંધ કરી દીધો. હાથમાં રહેલી ફાઇલનો ટેબલ પર ઘા કરીને તે પલંગ પર ફસડાઇ પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. શિવાંગને કેટલો પ્રેમ કર્યો હતો? હવે તેના સિવાય તે કોઇ સાથે જોડાવા માટે તે જરાય તૈયાર જ ન હોતી. પરંતુ નિયતિના ચક્રને કોણ સમજી શકે છે? બે મિનિટ જ થઇ હશે ત્યાં તો ફોનમાં રિમાઇન્ડર વાગ્યુ. તેને મિટિંગમાં જવાનુ હતુ. તેને રડવા માટે કે આગલુ યાદ કરવા માટે પોતાની જીંદગીમાં સમય જ રાખ્યો ન હતો. તેને પોતાના શરીરને મશીન બનાવી નાખ્યુ હતુ. તે એક ઇન્ટરનેશનલ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે જોબ કરતી હતી અને તેના સિવાય તે ઘરે પણ એ ત્રણ નાની નાની ઓફિસોના હિસાબ લખતી રહેતી. પરિવાર, મિત્રો અને સમાજ જે તેના દુ:ખને ઉઝરડી શકે તે બધા સાથે પોતાનો સંબંધ સિમીત કરીને તે બસ યંત્રની માફક આખો દિવસમાં કામમાં જ ખુપી રહેતી. થોડી પણ નવરાશ મળે તો એકાઉન્ટને લગતા પુસ્તકો અને તેને લગતી રિસર્ચ કરવા લાગતી. તે એટલુ બધુ કાર્ય કરતી કે બધા કામ યાદ રાખવા માટે તેને રિમાઇન્ડર રાખવા પડતા અને આટલા બધા કામ કરવાથી મળતા પૈસા તે પોતાના પિતાજીને આપી દેતી તથા ગરીબોને આપી દેતી. તે પૈસા માટે નહિ પરંતુ ભુતકાળને ભુલી જવા માટે કામ કરતી હતી. આજે પણ રિમાઇન્ડર વાગ્યો એટલે ફટાફટ તૈયાર થઇને તે મિટિંગમાં જવા નીકળી ગઇ. જતા જતા પાર્લર માટે રવિવાર સવારનો રિમાઇન્ડર મુકી દીધો.

રવિવારે પણ ખ્યાતિ પોતાના કામમાં જ ડુબી રહેતી. આજે મમ્મી પપ્પાના આગ્રહથી રજા લીધી હતી. પરંતુ ઘરે તો તે પોતાનુ કામ ચાલુ જ રાખ્યુ. સવારે પાર્લરમાં જઇ આવી એટલે તેના મમ્મી ભારતીબહેને કહ્યુ, “બેટા આમ તો તને બધી ખબર જ છે ઠેકાણા વિશે તો પણ આપણે થોડી ચર્ચા કરી લઇએ તો વધારે સારું.” “મમા તમે બંન્ને ચર્ચા કરીને વિચારી લો. મને થોડો સમય આપજો. મને યોગ્ય લાગશે તો હુ “હા” પાડીશ પછી તમે જે નિર્ણય લો તે મને માન્ય છે.” “બેટા તારી આખી જીંદગીનો સવાલ છે. તારે જે કાંઇ જાણવુ હોય પુછવુ હોય તે જાણીને નિર્ણય લે જે.” “જીંદગીની કોને ખબર છે મમા? શિંવાગ સાથે પણ જીંદગીભર માટે જ જોડાઇ હતી ને?” “બેટા, પાછલા ચેપ્ટર કલોઝ કરીને આગળનુ વિચારજે. જે થવાનુ હતુ તે થઇ ગયુ.” ત્યાં તો ખ્યાતિનો ફોન વાગ્યો. “મમા બે મિનિટ પ્લીઝ” બે મિનિટનુ કહીને ખ્યાતિ ફોન પર વાતો કરવા લાગી એટલે તેને પોતાની ભોળી અને સમજદાર દીકરી ખ્યાતિ સામે જોઇને આઁખમાંથી એક આંસુ સરી પડયુ. “ભારતી ઓ ભારતી. જરા આવ તો અહીં” પ્રકાશભાઇ, ખ્યાતિના પપ્પાની બુમ સાંભળી ફટાફટ આઁખ લુછીને તે ગયા. “પેંડા અને ચવાણુ નાસ્તા માટે લાવ્યો છુ અને આ પેપ્સી ઠંડા માટે. હવે કાંઇ લાવવુ છે?” નાસ્તાની થેલીઓ નીચે મુકતા પ્રકાશભાઇએ કહ્યુ. “ના ના એ લોકો તો સાદા અને સમજુ છે. બહુ કાંઇ કરવુ નથી. બસ અરુણ અને સાધનાને કહી દેજો કે સમયસર આવી જાય” “હા હા તારા દીકરા-વહુને હુ કાલે સાંજે જ કહી આવ્યો હતો. તેઓ બપોરે જમીને જ તરત આવી જશે.” ******************* “આવો આવો વેલકમ વેલકમ” “અરે મિત્રને વેલકમના કહેવાનુ હોય પ્રકાશ. ખ્યાતિને જોવા આવેલા તેના મિત્ર સુરેશભાઇએ કહ્યુ. “સુરેશ, અત્યારે તો તુ તારા દીકરા માટે મારી દીકરીને જોવા આવેલો છે. તો કન્યાપક્ષ તરીકે તો મારે તમારુ સ્વાગત તો કરવુ જોઇએ જ ને.” “અરે આપણે એવુ રાખવુ જ નથી. ખ્યાતિ મારી દીકરી જ છે. આ તો બંન્ને છોકરાવ એકબીજાને જોઇને સમજી શકે એટલે આ બધુ કરવુ પડે તો બાકી તો આપણે ઘર જેવુ જ છે ને” સુરેશભાઇ અને પ્રકાશભાઇ બંન્ને બાળપણના મિત્ર હતા. તેના એકના એક દીકરા નયનની પત્નીનુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઇ ગયુ હતુ. આથી તેના માટે ખ્યાતિને જોવા આવ્યા હતા.

નાસ્તો પાણી થઇ ગયા પછી નયન અને ખ્યાતિને ઉપરના રૂમમાં એકલા બેસાડયા. જેમાં બંને એ ઔપચારિક વાતો કરી લીધી પછી તેઓ બધા જતા રહ્યા. સુરેશભાઇ તરફથી તો લગભગ બધુ પાકુ જ હતુ પરંતુ આ બીજીવારનુ હતુ તેથી બંન્ને વડીલ પોતપોતાના સંતાનને વિચારવાની પુરી તક આપવા માંગતા હતા. ખ્યાતિના ભાઇ ભાભી અરુણ અને સાધના જે બંન્ને નોકરી કરતા હતા અને નોકરીવશ તે દુર અલગ રહેતા હતા. તે પણ સાંજે નીકળી ગયા. જોવાની બધી ઔપચારિક વિધિ તો પુરી થઇ ગઇ. પરંતુ ઘરમાં રહેલા ત્રણેય ત્રણ વ્યક્તિઓ ઉદાસ બની ગયા. ઉદાસી છુપાવવા અને દુર કરવા માટે સૌ સૌના રસ્તા પર જતા રહ્યા. ભારતીબહેન સત્સંગમાં ચાલ્યા ગયા અને પ્રકાશભાઇ વોકિગ માટે અને પોતાના મિત્રમંડળ મળવા જતા રહ્યા. ખ્યાતિ પોતાના રૂમમાં ભરાય ગઇ. દિલમાં રહેલુ દુ:ખ એ વહેતા પાણી જેવુ હોય છે. તેને દબાવી કે કાપી શકાતુ નથી. તે સમય આવ્યે સામે આવી જ જાય છે. શિવાંગને ભુલવાનો તે ગમે તેવો પ્રયત્ન કરતી હતી તેમ તે વધારેને વધારે યાદ આવી જતો. આજે તેને શિવાંગની પહેલી મુલાકાત આવી ગઇ. પહેલીવાર તે આવી રીતે તે જોવા આવ્યો હતો અને ખાનગી મુલાકાતમાં તેને નિખાલસપણે પુછ્યુ હતુ “મારા પરિવારમાં હુ મારા માતા પિતા અને નાની બહેન સાથે રહુ છુ. તમે અમારા સંયુકત પરિવારમાં રહી શકશો ને?”

પોતે શરમાઇને નીચે જોઇને હા પાડી હતી ત્યારે, “તમારે જોબ કરવી હોય કે તમારી મનપસંદ પોશાક પહેરવા હોય. કોઇ જાતનુ બંધન નથી તમને. મારા પરિવારમાં કોઇ બંધન નથી.” પોતે મનોમન કેવી ખુશ થઇ ગઇ હતી. કેવો સુંદર અને સમજુ પરિવાર મળ્યો છે અને ઝડપથી એક મહિનામાં લગ્ન લેવાઇ ગયા પરંતુ એક મહિનામાં તો રોજ બે બે કલાક વાતો કરીને એકબીજાના ગાઢ પ્રેમમાં પડી ગયા. સરળ અને નિખાલસ શિવાંગ ગમે તેના દિલમાં વસી જાય તેવો હતો. વળી આ ઉંમરે પણ તે એકદમ મેચ્યોર બની ગયો હતો. લગ્ન કરીને સાસરે આવીને ખ્યાતિ ખુબ જ ખુશ હતી. શિવાંગ સાથે જન્મોજન્મની કસમ ખાઇ લીધી હતી. આજે તેને છોડીને બીજા સાથે સંબંધ બાંધવા જઇ રહી હતી. શુ એકવાર તે તેને મનાવવા ના આવી શકે? તેને મનમાં ઇચ્છા થઇ આવી. “ના બિલકુલ નહિ. હવે કયારેય તે એવા ઘરમાં પગ પણ નહિ મુકુ જયાં ઘરની લક્ષ્મીને તરછોડવામાં આવી હોય. શિવાંગને આટલો બધો પ્રેમ કર્યો હોવા છતા તે તેના માતા પિતાના આંધળા પ્રેમમાં નિર્દોષ પત્નીને છોડી દીધી હતી. તેનો શુ વાંક હતો? માત્ર તે કામ કરવામાં થોડી ધીરી હતી અને થોડી તેને હસવા બોલવાની ટેવ હતી. તે પણ ફકત પરિવારના સભ્યો સાથે જ. તે તેની પ્રકૃતિ હતી અને તેમાં તે બદલાવ લાવવાની હતી. છતાંય આખો દિવસ સાસુની કચ કચ શિવાંગના પ્રેમ માટે જ તે સહન કરતી હતી.

આખરે હદ આવી જયારે તેના સાસુ કલ્પનાબહેને તેના માતા પિતા વિરુધ્ધ બોલવાનુ ચાલુ કર્યુ અને જેને તે હદથી વધારે પ્રેમ કરતી હતી તે શિવાંગે પણ તેના માતા પિતાનો સાથ આપ્યો. હવે એકવાર છોડેલુ ઘર તે કયારેય નહિ વસાવે. શિવાંગ માટે પ્રેમ એ ખાલી શબ્દ છે તો પોતે શું કામ આટલો બોજ રાખીને ફરે છે. બસ હવે દુ:ખી નથી થવુ. હવે નવુ ઘર વસાવી લેવુ છે. નવો પતિ, પરિવાર અને બાળક આવશે ત્યારે બધુ ભુલાય જ જશે. બાળક વિશે વિચારતા જ તેની આઁખો ભરાઇ આવી. ઘરની માથાકુટ પાછળ તેને પોતાનુ ત્રણ માસનુ પિંડ પણ ગુમાવ્યુ હતુ. તેનુ બાળક તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સારું તેના ઘરમાં કોઇ હતુ નહી. નહિ તો તેના માતા પિતા તેને આ રીતે રડતી જોઇ ન શકત. તેઓને ખ્યાતિની માનસિક સ્થિતિની ખબર હતી આથી તેને થોડીવાર એકલી રહેવા દઇને બહાર જતા રહ્યા હતા. બે દિવસમાં જ પ્રકાશભાઇનો જવાબ આવી ગયો તેની તરફથી હા છે. બસ ખ્યાતિની ઇચ્છા હોય તો વાત આગળ વધારીએ. ખ્યાતિએ પણ મન મક્કમ કરીને હા જ પાડી દીધી. બસ હવે પંદર દિવસમાં બધી વિધિ પુરી કરીને ખ્યાતિએ પોતાના નવા સાસરે જવાનુ હતુ. ખ્યાતિ હવે કઠણ બની ગઇ હતી તે પણ હવે પ્રેકટિકલ બનવા માંગતી હતી. બસ જીંદગી ખાલી જીવવી જ હતી. ત્યાં એક દિવસ ઓંચિતા તેને ફોન આવ્યો, “ખ્યાતિ મારે તને મળવુ છે?” આટલા સાથે શિવાંગનુ ડુસકુ સંભળાયુ. “હવે શુ છે બાકી પ્લીઝ લીવ મી અલોન” ખ્યાતિ ફોન મુકવા જતી જ હતી ત્યાં “ખ્યાતિ પ્લીઝ એક જ વાર. હુ તને હાથ જોડુ છુ. તુ રિલાયંસ મોલ આવશે?” ખ્યાતિ ના ન પાડી શકી. આખરે તે હજુ ક્યાં શિવાંગને ભુલી શકી હતી. તે પણ એકવાર તેને મળવા માંગતી હતી. તેના દિલમાં હજુ ઉંડે ઉંડે આશા હતી. તે સાંજે શિવાંગને મળવા પહોંચી ગઇ. “ખ્યાતિ થેન્ક્યુ વેરી મચ. મને એક મોકો આપવા બદલ.” ખ્યાતિ આવી એટલે ઉભા થઇને શિવાંગે કહ્યુ. “હુ તને મોકો આપવા માટે નહિ પરંતુ ખુશખબર આપવા આવી છુ. મારા લગ્ન છે પંદર દિવસમાં જ. લે મીઠુ મોઢુ કર.” “ખ્યાતિ...” “હા શિવાંગ તારા વિના મારી દુનિયા અટકી પડતી નથી.” “કોંગ્રેર્ટસ ખ્યાતિ. તુ હમેશા ખુશ રહેજે. હુ ઇશ્વરને સદાય પ્રાર્થના કરીશ. બસ એકવાર મારી વાત સાંભળી લે પ્લીઝ.”

“વાત કરવા માટે ઘણો સમય હતો. આજે તને મારી યાદ આવી.” “ખ્યાતિ હુ તને કયારેય ભુલ્યો જ ન હતો. પરંતુ તારા જવા પછી પપ્પાની તબિયત ખુબ જ બગડી ગઇ હતી. તે હોસ્પિટલમાં દાખલ હતા. કોઇ રીતે સારુ થતુ જ ન હતુ. તેની પાછળ જ હતા. બસ થોડા દિવસથી મને ખુબ જ બેચેની થતી હતી જાણે મારા પ્રાણ મને છોડી જવાના હોય. રાત દિવસથી ચેન નથી એટલે પપ્પાને આવી હાલતમાં છોડીને તને મળવા આવી ગયો છુ. તુ ખુશ છે તો મને શાંતિ થશે.” બોલતા બોલતા શિવાંગને ડુમો ભરાઇ આવ્યો. “ખ્યાતિ તુ હમેંશા ખુશ રહેજે.” “શિવાંગ પ્લીઝ આજે આવી લાગણી બતાવે છે તો ત્યારે કેમ મારો સાથ ન આપ્યો? મારો શુ વાંક હતો? મને શા માટે છોડી દીધી? મારું દિલ કેમ તોડી નાખ્યુ?” “ખ્યાતિ બની શકે તો મને માફ કરી દેજે અને હુ તો માફીને જરાય લાયક નથી. મને તુ આકરામાં આકરી સજા આપજે. મે બહુ મોટી ભુલ કરી છે. મારા માતા પિતાના પ્રેમને કારણે હુ તને બહુ મોટો અન્યાય કરી બેઠો. ઇશ્વરે મને તેની સજા આપી દીધી છે મારા શ્વાસ સદાય માટે મારા સાથ છોડીને જતા રહેવાના છે. હવે હુ બસ જીવતી લાશ બનીને જીવીશ.” “બસ શિવાંગ સમય બધુ ભુલાવી દેશે. તુ તારા પરિવાર સાથે ખુશ રહેજે. હુ મારી જીંદગી સાથે. બસ કાનુની વિધિ પુરી કરી લઇએ એટલે સદાય માટે એક ફેસલો આવી જાય.” “ખ્યાતિ, મારી જીંદગી. મારા પ્રાણ તુ જ છો યાર. બાકી બધો મારો ભ્રમ છે. હુ ગમે ત્યાં ખુશી શોધુ. મારી ખુશી તુ એક જ છો. જો હવે તુ જ નહી રહી તો બાકી મારી જીંદગીમાં કાંઇ જ નથી રહ્યુ. તારી ઇચ્છા જે કાંઇ હોય તે બધુ હુ કરવા તૈયાર છુ. બસ તુ જે કાંઇ નિર્ણય લે તેમાં હમેંશા ખુશ રહેજે. બીજુ કાંઇ પણ મારે જોઇતુ નથી.” ******************* “બેટા કેમ આજે જમવુ નથી? તારી તબિયત તો બરાબર છે ને?” ભારતીબહેને ખ્યાતિને પુછ્યુ. “મમા, જીંદગી કેવા કેવા રંગ બતાવે છે.” “શુ થયુ બેટા? શિવાંગને મળી હતી? તેણે કાંઇ કહ્યુ?” “હા, મમા તે તડપે છે મારા વિના. શુ મારે તેને માફ કરી દેવો જોઇએ.” “બેટા તારી જીંદગીના નિર્ણયો તારે લેવાના છે. બસ હુ તને એક વાત જ કહેવા માંગુ છુ. આ દુનિયામાં દરેક વ્યકિત અલગ અલગ સ્વભાવ, ઇચ્છા ધરાવે છે અને એકથી વધુ વસ્તુને ચાહે છે. માતા પિતા, ભાઇ બહેન, મિત્રતા અને પતિ પત્નીનો પ્રેમ બધા પોતપોતાની જગ્યાએ અલગ અલગ સ્થાન ધરાવે છે. બધા સંબંધ સાથે જ જીંદગી નીકળે છે. શિવાંગે જે કર્યુ તે એકને માન આપતા બીજાને અન્યાય થયો છે અને તે પોતાના કૃત્ય પર પછતાઇ પણ છે તો એક મોકો તારુ દિલ કહે તો તેને જરૂર આપવો જોઇએ.” “મમા થેન્ક્યુ વેરી મચ” **************************** “ખ્યાતિ મને માફ કરવા બદલ અને મારી સાથે આવવા બદલ તારો ખુબ ખુબ આભાર. હુ હવે તને કયારેય અન્યાય નહિ થવા દઉ. હુ હમેંશા તારો સાથ નિભાવીશ.” ખ્યાતિને તેડવા આવેલ શિવાંગે કહ્યુ. “પપ્પા મમ્મી મારી મોટામાં મોટી ભુલ થઇ ગઇ. હવે હુ કયારેય ખ્યાતિનો સાથ નહિ છોડુ.”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED