પ્રેમની સરૂઆત કે અંત બસ તારાથી જ.
પ્રકરણ-૧
વિષય : લવ સ્ટોરી.
ખુશનુમા સવાર હતી તે દિવસની. શાળા કોલેજોના દ્વાર વેકેશન બાદ આજે ફરી ખુલવાના હતા. કોઇને ઉચ્ચ માધ્યમિક માંથી કોલેજમાં જવાની ખુશી હતી તો કોઇ નાના ભુલકાઓને પ્રથમ વખત શાળાએ જવાનો ડર પણ હતો. એક મહિનાના વેકેશન બાદ આજે બધા બેસ્ટીઝ ફરી મળવાના હતા, અને ધમાલ મચાવવા તેમના દિલ થનગની રહ્યા હતા. એવી જ કંઇક ઇચ્છા સુકેતુ દવેના મનમાં પણ હતી. મુંબઇના વિખ્યાત બિલ્ડર જયપ્રકાશ દવેનો એક નો એક લાડકવાયો પૂત્ર, વાન ખુબ ગોરો પાંચ ફુટ , સાત ઇંચ હાઇટ, લંબગોળ ચહેરો, માંજરી આંખો, કસરતી ચુસ્ત શરીર, આવી તમામ ખાસિયતો ધરાવતા સુકેતુનો આજે કોલેજમાં પ્રથમ દિવસ હતો. એક જ પુત્ર હોવાથી બાળપણથી જ તે ખુબ લાડકોડમાં ઉછર્યો હતો. તેના દરેક અરમાનો તેના પિતાએ પુરા કર્યા હતા. બારમુ ધોરણ કમ્પ્લીટ કર્યા બાદ મુંબઇની બેસ્ટ કોલેજ “એચ.એન. શાહ કોલેજમાં” તેણે એડમિશન લીધુ હતુ. કોલેજનો સમય સવારનો હતો. આગલા દિવસે જ તેણે તેના પપ્પાને કહી રાખ્યુ હતુ કે શાળાએ તો તે બાઇકમાં જતો પણ કોલેજ તો તે પોતાની કાર લઇને જ જશે. તેના પિતાજીએ પણ કોઇપણ પ્રકારની જીદ્દ કર્યા વિના હા કહી દીધી હતી. સવારે કોલેજ જવા માટે રેડ્ડી થઇ તે નીકળ્યો. ઓફ વ્હાઇટ ચુસ્ત ટી-શર્ટ, ડેનીમ જીન્સ, વાળ ન્યુ સ્ટાઇલમાં વાળેલા, હાથમાં વોચ, સ્પોર્ટી શુઝ, ગોગલ્સ અને એક કાનમાં નાની એવી સોનાની ઇયરીંગ પહેરી તે પોતાની ફેવરીટ કાર સ્વીફ્ટ લઇ કોલેજ જવા નીકળ્યો. આમ તો તેના પપ્પા પાસે મ્ર્સિડિઝ બેન્ઝ પણ હતી છતા સુકેતુને તો સ્વીફ્ટ કાર જ પસંદ હતી. “આજ ઉનસે મીલના હૈ હમે.....” સોંગ લાઉડ વોલ્યુમથી ચાલુ હતુ અને કાર જાણે હવામાં વાતો કરી રહી હતી. સવારનો સમય હોવાથી ટ્રાફીક બહુ ખાસ્સો ન હતો અને સુકેતુ સ્વીટ સ્માઇલ સાથે કોલેજ તરફ આવી રહ્યો હતો.
કોલેજનુ કેમ્પસ આજે જીવંત દેખાઇ રહ્યુ હતુ. કોઇને જુના મિત્રો સાથે મળવાનો આનંદ હતો તો કોઇને કોલેજમાં ફર્સ્ટ ડે હોવાની ખુશી હતી. અચાનક જ કાર મેઇન ગેઇટથી એન્ટર થઇ તો બધાની નજર એ કાર પર અટકી ગઇ. અચાનક જ કારનો ડૉર ખુલ્યો અને સુકેતુ બેગ લઇ બહાર નીકળી ત્યાં ઉભો રહ્યો. થોડીવાર બાદ તે પોતાના ફ્રેન્ડસને શોધતો કેન્ટિન તરફ જવા લાગ્યો. “વાઉ વ્હોટ અ હોટ બોડી યાર.......” “સો સ્વીટ સ્માઇલ......” “વેરી હેન્ડસમ પ્લસ રીચ.........” આવા સેન્ટેન્સ સુકેતુના કાને અથડાઇ રહ્યા હતા. ગર્લ્સ અંદરોઅંદર સુકેતુને જોઇ વાતો કરી રહી હતી. સુકેતુ આ બધુ સાંભળી રહ્યો હતો અને આજુબાજુ ગર્લ્સ પર નજર કર્યા વિના તે મંદ મંદ હાસ્ય કરતો કેન્ટિન તરફ પહોચી ગયો જ્યાં તેના ફ્રેન્ડ્સ તેની રાહ જોઇ રહ્યા હતા. “હાય ડ્યુડ, લુકીંગ સો હેન્ડસમ સુકેતુ.” નવ્યાએ હસતા હસતા કહ્યુ. “થેન્ક્સ નવ્યા. આઇ એમ અલ્વેઝ કુલ યુ નો.” સુકેતુએ તેની આગવી છટા સાથે જવાબ આપ્યો.પ્રથમ દિવસે જ તે કોલેજમાં છવાઇ ગયો. તેની સાથે અભ્યાસ કરતી છોકરીઓ અને કોઇ સિનિયર છોકરીઓ પણ સુકેતુ સાથે મિત્રતા કેળવવા લાઇન લગાડવા લાગી. સુકેતુને આ બધુ જોઇને હસવું પણ આવતુ કારણ કે તે સમજતો હતો કે આ બધી છોકરીઓ તેના મન તરફ નહી પણ તેના શરીર અને પૈસા તરફ આકર્ષિત થઇ રહી છે.
“બીડુ પૈસા બોલતા હૈ આ બધો પૈસાનો નશો છે.” તે મનોમન વિચારી હસતો. એવુ પણ ન હતુ કે તેને પોતાના પર અભિમાન હતુ. તેની સાથે વાત કરનાર કોઇપણ સાથે તે હસીને અને વિના અભિમાને વાત કરતો. કોલેજમાં આવ્યાના બે ત્રણ દિવસમાં જ તેના ઘણા મિત્રો બની ગયા જેમા છોકરાઓ પણ હતા અને છોકરીઓ પણ હતી. પણ તેના મનમાં વસી જાય તેવી કોઇ છોકરી હજુ સુધી તેને મળી ન હતી. તે હસમુખો અને વાચાળ હતો આથી તે બધા દુધમાં સાકરની જેમ ભળી ગયો પરંતુ એટલી અક્ક્લ તો તેનામાં હતી કે કોઇ તેનો ખોટો ગેરફાયદો ઉઠાવી ન જાય. આમ ને આમ દિવસો વિતવા લાગ્યા અને સુકેતુ બધા સાથે હળી મળી ગયો. એક દિવસ તે તેના ટ્યુશન કલાસીસની સીડીઓ પર ફોનમાં વાત કરતો કરતો ઝડપથી નીચે ઉતરી રહ્યો હતો. તેનુ સંપુર્ણ ધ્યાન ફોનમાં વાત કરવામાં હતુ. ત્યાં એક છોકરી દોડતી દોડતી ઉપર આવી રહી હતી બન્ને જોરદાર એકબીજા સાથે અથડાયા અને સુકેતુ પોતાનુ સમતોલન ગુમાવી બેઠો, સાથે સાથે સામે વાળી છોકરી પણ સમતોલન ગુમાવી જ બેઠી અને નીચે પડી અને સુકેતુ સીધો પડયો તે છોકરી માથે અને બંને ગબડતા ગબડતા સીડીએથી પડયા નીચે અને નીચે ઉભેલા બધા વિદ્યાર્થીઓ જોર જોરથી હસવા લાગ્યા
પેલી છોકરી કાંઇ બોલ્યા વિના ઉભી થવા લાગી અને સુકેતુ પણ. સુકેતુના હાથમાં જરા છોલાઇ ગયુ હતુ અને પેલી છોકરીને ચાલતી જોઇ લાગતુ હતુ કે તેને મુંઢ ઘા લાગ્યો છે કારણ કે તે પગ અચકાવીને ચાલતી હતી. સુકેતુની બેગ અને ફોન બધુ પડી ગયુ હતુ અને ફોનની તો સ્ક્રીન પણ તૂટી ગઇ હતી. આસપાસના છોકરાઓએ તેને તેની વસ્તુઓ એકઠી કરવામાં મદદ કરી અને તેને બધુ ભેગુ કરીને આપી દીધુ. તે પણ બધુ લઇને કારમાં બેસી ગયો. આખા શરીરમાં ખુબ જ પીડા થતી હતી તેને પેલી અજાણી છોકરી પર ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો. “ન જાણે કેવી આંધળી હતી કે આમ અથડાઇ પડી. કાંઇ આજુબાજુ જોવાની તો સેન્સ જ ના હતી જાણે તેને. બહુ ઉત્તાવળ હતી ભણવાની તે સામે જોવાની પણ ફુરસત ન હતી.” બોલતો બોલતો સુકેતુ કાર હંકારી નીકળી ગયો.
ઘરે પહોચ્યો ત્યાં સુધી તેનો ગુસ્સો ઉતર્યો ન હતો. ભ્ંવા ચડાવતો તે ગુસ્સાથી તેના રૂમમાં જતો રહ્યો અને બેગનો ઘા કરી કપડા બદલવા જતો રહ્યો. કપડા ચેન્જ કરી બેડ પર આડો પડ્યો અને ઘરની લેન્ડલાઇનમાંથી તેના ફ્રેન્ડને ફોન કરી નવો મોબાઇલ ફોન લઇને તાત્કાલિક ઘરે આવવા કહી દીધુ અને પછી પોતાની બેગ ખોલી ફોન શોધવા લાગ્યો. ફોનની શોધ કરતા કરતા તેને એક ફોર્મ જેવુ કાંઇક દેખાયુ. તેણે જોયુ તો તે જે કોચીંગ ક્લાસમાં જતો ત્યાંનુ એ ફોર્મ હતુ અને એ ફોર્મ પર એ જ છોકરીનો ફોટો લગાવેલો હતો જેની સાથે તે અથડાયો હતો.
એ છોકરીનો ફોટો જોઇ વળી તેનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. એકવાર તો તેને એમ થયુ કે ફોર્મ ફાડી નાખે પણ તેણે એમ ન કર્યુ અને ફોર્મનો ઘા કરી દીધો અને પોતાનો ફોન કાઢી સીમકાર્ડ અને મેમરી કાર્ડ બહાર કાઢી ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે ફોનનો પણ ઘા કરી દીધો.
“અરે યાર શું આટલા ગુસ્સામાં છે? લે તારો ફોન લઇ આવ્યો છું.” તેના મિત્ર રાહુલે આવતા કહ્યુ. “નથીંગ યાર. એક છોકરી સાથે અથડાયો અને ફોનની સ્ક્રીન તૂટી ગઇ અને તને તો ખબર જ છે કે મને મોબાઇલ વિના એક મિનિટ પણ ન ચાલે.” સુકેતુએ કહ્યુ. “હાસ્તો યાર, જાણું છું તારી ટેવ હું. ચલ હવે હું જાંઉ છું. રાત્રે મળીએ.” કહેતો રાહુલ નીકળી ગયો. સુકેતુએ નવા ફોનમાં મેમરીકાર્ડ અને સીમકાર્ડ લગાવી સેટીંગ કરવામાં બીઝી હતો. હજુ તેને પિડા તો થઇ રહી હતી શરીરમાં પણ ફોનમાં બીઝી હોવાના કારણે તેનું ધ્યાન તે દર્દ તરફ કેન્દ્રિત થતુ ન હતુ. હવે તેનો ગુસ્સો પણ ઓછો થઇ ગયો હતો. અચાનક તેનુ ધ્યાન પેલી છોકરીના ફોર્મ તરફ પડ્યુ. તેણે તે ફોર્મ હાથમાં લઇ તે છોકરીના ફોટા તરફ જોયુ તો તે તેને જોતો જ રહી ગયો. શું નઝાકત હતી તેના ચહેરામાં. જ્યારે બન્ને અથડાયા ત્યારે તો ઉત્તાવળમાં અને દર્દના કારણે સુકેતુએ તે છોકરી સામે ધ્યાન પણ આપ્યુ ન હતુ પણ અત્યારે તે છોકરીના ફોટાને તે એકીટશે જોઇ જ રહ્યો.
તેણે તરત જ તે છોકરીનું નામ વાંચ્યુ, “સંજના રાય” સાથે સાથે તેની બધી ડિટેઇલ્સ તે ખુબ શાંતિથી અને ધ્યાનથી વાંચવા લાગ્યો. સંજના પણ કોલેજના ફર્સ્ટ યરમાં જ હતી તે જાણી સુકેતુ મનોમન ખુશ થઇ ગયો. સૌથી નીચે સંપર્ક નંબર લખેલા હતા. ફટાફટ એ સુકેતુએ સેવ કરી લીધા. હવે તેના દિલને ચેન ન હતુ. જાણે પહેલી નજરમાં જ સંજના તેના મનમાં વસી ગઇ હતી તેવો એહસાસ તેને થવા લાગ્યો. વારેવારે તે સંજનાનો ફોટો નિહાળે જઇ રહ્યો હતો. બીજે દિવસે સાંજે પાંચ વાગ્યે તે કોચીંગ ક્લાસ પહોંચી ગયો. તેનુ ધ્યાન આજુબાજુ સંજનાને શોધવામાં જ હતુ. તે શરીરથી તો તેના મિત્રો સાથે હતો પણ તેનુ મન સંજનાની શોધમાં હતુ. સમય થયો એટલે બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં જવા લાગ્યા પણ સુકેતુના પગ તેનો સાથ આપતા ન હતા. સુકેતુએ વિના કારણ ફોન લઇ વાત કરવાનો ઢોંગ કરવા લાગ્યો. અંતે સંજના ન આવી એટલે પરાણે તેણે ક્લાસ તરફ જવુ જ પડ્યુ.
ક્લાસમાં પહોંચતા જ તેણે જોયુ તો સંજના પ્રથમ બેન્ચ પર જ બેઠી હતી. સંજનાનુ ધ્યાન સુકેતુ પર પડતા જ તે નજર ફેરવી ગઇ પણ સુકેતુનું ધ્યાન તો તેની સુંદરતા નિહાળવામાં જ હતુ. તેને એ પણ ખબર ન રહી કે હજુ તે ક્લાસના પ્રવેશદ્વાર પાસે જ ઉભો છે. “અલ્યા સુકેતુ, ક્યાં ખોવાઇ ગયો? આવ આવ તારી જગ્યા બુક રાખી છે અહી.” તેના મિત્ર રોશને બૂમ પાડી ત્યાં તેનુ ધ્યાન ભંગ થતા તે પાછળ રોશન પાસે બેસવા જતો રહ્યો. ક્લાસ છુટતા જ સંજના નીકળવા લાગી તે સુકેતુએ જોયુ તો દોડીને તે તેની પાછળ ગયો. “એક્સક્યુઝ મી સંજના” તેણે ચાલીને જતી સંજનાને પાછળથી રોકતા કહ્યુ. પોતાનુ નામ આ રીતે કોઇ છોકરાના મુખે સાંભળી સંજના જરા આશ્ચર્યમાં મુકાઇ ગઇ અને તેણે જોયુ તો સુકેતુ ઉભો હતો. “યસ, બોલો. કાંઇ કહેવાનુ છે?”
“ફર્સ્ત ઓફ ઓલ આઇ એમ સોરી ફોર યસ્ટર ડે. મારા કારણે તમે કાલે પડી ગયા. ખરેખર વાંક મારો જ હતો. મારુ ધ્યાન ફોન પર વાત કરવામાં હતુ અને તેના કારણે......” “ઓ.કે. મિસ્ટર. નો પ્રોબ્લેમ. એ તો ચાલ્યા રાખે એવું.” કહેતી તે ફરી ચાલવા લાગી ત્યાં ફરી સુકેતુએ તેને રોકી. “એક વસ્તુ તમારી કાલે મારી પાસે રહી ગઇ હતી. આ ફોર્મ.” કહેતા તેણે સંજનાનું ફોર્મ આપ્યુ. “થેન્ક્સ મિસ્ટર. હું કાલે ફોર્મ સબમિટ કરવા જ આવી હતી પણ મળ્યુ નહી એટલે ફરી નવું ફોર્મ મેળવી નીકળી ગઇ.”
“મારુ નામ સુકેતુ છે. તમે મને સુકેતુ કહી શકો છો. બાય ધ વે તમે કઇ કોલેજમાં સ્ટડી કરો છો?” “આઇ એમ ઇન એચ.એન.શાહ કોલેજ.” “ઓહ ધેટ્સ ગ્રેટ. હું પણ એ જ કોલેજમાં છું, પણ તમને ક્યારેય જોયા નથી મે કોલેજમાં.” “કાલથી જ જોઇન કરવાની છું કોલેજ. મારા ફાધર બિમાર હોવાથી હું કોલેજ આવી શકતી ન હતી. હવે કાલથી આવવાની છું.” “ઓ.કે. ફાઇન. ઇફ યુ હેવ નો પ્રોબ્લેમ, કહો તો તમને ઘરે ડ્રોપ કરી દઉ. લાગે છે કાલે આપણે અથડાયા તેનાથી તમારા પગમાં મોંચ આવી ગઇ છે.” “ના ના, ઇટ્સ ઓ.કે. નોર્મલ મોંચ છે. એ ઠીક થઇ જશે. ડોન્ટ વરી.” કહેતી સંજના નીકળી ગઇ. સુકેતુ ત્યાં ઉભાઉભા સંજનાને જોતો જ રહ્યો. સંજના તેની આંખ સામેથી અદ્રશ્ય થઇ પછી સુકેતુ કારમાં બેસી તેના ઘર તરફ નીકળી ગયો. બીજે દિવસે સવારે સુકેતુ ખુબ ખુશ હતો. તેણે મનોમન નક્કી કર્યુ જ હતુ આજે તે સંજના સાથે દોસ્તી કેળવીને જ રહેશે. પોતાના મનપસંદ બ્લ્યુ કલરનું ટી-શર્ટ અને વ્હાઇટ કોટન જીન્સ પહેરી સુકેતુ કોલેજ જવા નીકળ્યો. આજે તેણે કાર લઇ જવા કરતા પોતાનુ બાઇક લઇ કોલેજ નીકળ્યો. સવારની ખુશનુમા તાજગીને પોતાના શરીરમાં ભરતો અને મનોમન સંજનાને યાદ કરતો હવા સાથે વાતો કરતો સુકેતુ તેના ચહેરા પર ગજબની સ્માઇલ સાથે કોલેજ કેમ્પસમાં એન્ટર થયો કે છોકરીઓની નજર તેના તરફ ફરવા લાગી. “વાઉ યાર કેટલો હેન્ડસમ લાગે છે સુકેતુ. બ્લ્યુ એન્ડ વ્હાઇટ કોમ્બીનેશનમાં!!!” એક છોકરીએ તેની ફ્રેન્ડને કહ્યુ. “હા યાર સાથે સાથે કાળા ગોગલ્સ અને તેના ચહેરાની સ્માઇલ કેટલો ક્યુટ લાગે છે નહી?” સુકેતુએ બાઇક પાર્ક કરી ચારેબાજુ સંજનાને શોધવા લાગ્યો. અચાનક તેનુ ધ્યાન દૂરથી સંજના પર પડ્યુ. દૂર તે એકલી ઉભી હતી. સુકેતુ દોડતો સંજના પાસે પહોંચી ગયો.
“હાય સંજના. કેમ અહી એકલી ઉભી છે? ચલ મારી જોડે, મારા ગૃપ સાથે તને ઓળખ કરાવું.” “નહી હું અહી ઠીક છું.”
“અરે ચલ ને યાર.” કહેતો સુકેતુ સંજનાનો હાથ પકડી પોતાની સાથે લઇ કેન્ટિન તરફ આગળ વધ્યો. “હેલ્લો ફ્રેન્ડ્સ, મીટ માય ન્યુ ફ્રેન્ડ સંજના રાય.” “હાય સંજના, હાઉ આર યુ? વેલકમ ઇન અવર ગૃપ.” ગૃપના બધા મિત્રોએ સંજનાને વાર્મ વેલકમ કર્યુ. “હાય એવરીવન. નાઇસ ટુ મીટ ઓલ ઓફ યુ.” સંજનાએ હસીને કહ્યુ. “કોલેજમાં કાંઇ પણ તકલિફ હોય કે કાંઇપણ કામ પડે એટલે સુકેતુને યાદ કરી લેવાનો અને હા આ ગૃપ સાથે જ રહેવાનુ, કોઇ દિવસ એકલુ ઉભુ રહેવાનુ નહી સમજી???” સુકેતુએ તેને સ્માઇલ આપતા કહ્યુ. “ઓ.કે. સુકેતુ.”
આજે સુકેતુ વર્ગમાં પણ સંજનાની બાજુમાં જ બેઠો. સુકેતુ ખુબ મોડર્ન હતો સામે સંજના ખુબ શાંત અને ધીરગંભીર હતી. તેના પહેરવેશ અને વાતોમાં તેની સાદગી ભારોભાર છલકાઇ આવતી હતી. કોલેજમાં બધી છોકરીઓ જીન્સ ટૉપ કે સ્કર્ટ વગેરે મોડર્ન પરિવેશમાં જ આવતી પણ સંજના તો દરરોજ પંજાબી ડ્રેસ પહેરીને જ આવતી.
સુકેતુ ખરેખર તો તેની સાદગી પર જ ફીદા હતો. સુકેતુને ઘણી છોકરીઓ સામેથી પ્રપોઝ કરી ચુકી હતી પણ સુકેતુ તો બસ સંજનાના જ સ્વપ્નમાં ખોવાયેલો રહેતો. દરરોજ સંજના સાથે વાત કરવામાં અને તેની સાથે સમય વ્યતિત કરવાના જ બહાના શોધે રાખતો. સંજનાને પણ સુકેતુનો સાથ પસંદ હતો પણ માત્ર એક ટાઇમપાસ માટે જ તે સુકેતુની સાથે રહેતી હતી બાકી તેના મનમાં બીજો કોઇ વિચાર હતો જ નહી. એક રીતે સંજનાને સુકેતુ પર પુરેપુરો વિશ્વાસ પણ ન હતો કારણ કે તેના મનમાં આ પૈસાદાર નબીરાઓ માટેની છાપ સારી હતી જ નહી. તે બસ એમ જ વિચારતી કે આ પૈસાદાર નબીરાઓને માત્ર છોકરીઓ સાથે ફ્લર્ટ કરવામાં અને ટાઇમ પાસમાં જ રસ હોય છે, તેમના મનમાં દિલથી કોઇ ભાવ હોતા જ નથી.
આ બાજુ સુકેતુ ભલે પૈસાદાર પિતાનો એકનો એક સંતાન હોય પણ તે દિલથી સંજનાને ચાહવા લાગ્યો હતો. તેણે મનોમન સંજનાને પોતાનુ દિલ આપી દીધુ હતુ. સંજના માટે થઇને તેણે ઘણી છોકરીઓને રિજેક્ટ કરી દીધી હતી.
To be continued……………..