એક પ્રેમ પત્ર
આંદામાન નિકોબાર ટાપુના મુખ્ય શહેર પોર્ટ બ્લેરમાં ઋતુનો પહેલો વરસાદ શરૂ થઇ ગયો હતો. આમ તો અહીના હવામાન મુજબ લગભગ આઠેક મહિના ચોમાસું જ હોય છે. છતાંય પહેલાં વરસાદની સોડમ તોલે કંઈ જ ન આવે!મિષ્ટી પણ પહેલી વર્ષાની મહેકમાં ખેંચાતી જતી હોય એમ એકીટશે બાલ્કનીમાંથી બહાર અનરાધાર વરસતા વરસાદને જોતી બેઠી હતી. મોસમનો પ્રથમ વરસાદ એને અજ્ઞાતપણે પોતાના પહેલા પ્રેમની યાદોમાં ખેંચીને લઇ જઈ રહ્યો હતો. બહારનો વરસાદ તો એને અડી પણ નહોતો શકતો પણ એના મનમાં થઇ રહેલી યાદોની વર્ષા એને સતત ભીંજવી રહી હતી. આવી જ એક ભીની સાંજે એ શેખરને છેલ્લી વાર મળી હતી.
શેખર – એના પિયરમાં એના ઘરની બરાબર સામે જ ઘર હતું એનું. પોતાના રૂમની બારીમાંથી એ રોજ એને જોયા કરતી. વાંચતાં, ગીતો ગાતા કે પછી કૈંક લખતાં. એ બંને સાથે જ મોટા થયા હતા. બંને એકબીજાનાં ઘરે બેરોકટોક આવતા - જતાં. શેખરના પિતાના મૃત્યુ પછી એની માતાએ જ એને મોટો કર્યો હતો. મિષ્ટીનાં પપ્પા સરકારી ઓફિસમાં મોટા હોદ્દા પર હતા. શેખરનું ઘર સમાન્ય ગણાય એવી પરિસ્થિતિનું હતું. સ્વાભાવિક રીતે જ મિષ્ટી અને શેખરનાં પરિવાર વચ્ચે આ જ મોટો ફરક હતો - મિષ્ટી પૈસાદાર કુટુંબની અને શેખર સાધારણ ગણાતા કુટુંબનો. જોકે એ બંનેનાં માતા પિતાએ ક્યારેય આ કારણથી મિષ્ટી અને શેખરનું મળવાનું અટકાવ્યું નહોતું. બાળપણથી જ બંને એકબીજા સાથે હસી મજાક કરતા આવ્યા હતા. બાળપણની એ દોસ્તી ક્યારે પ્રેમનું રૂપ ધારણ કરીને સામે આવીને ઉભી રહી, એની બંનેમાંથી કોઈને ખબર ન રહી.
“અરે વાહ મિષ્ટી, આજે તો તું બહુ જ સુંદર લાગી રહી છે ને!!” શેખરે મિષ્ટીનાં હાથમાંથી મીઠાઈ લેતાં કહ્યું. દિવાળીના દિવસો હતા અને મિષ્ટી તૈયાર થઈને શેખરને ઘેર મીઠાઈ દેવા પહોચી ગઈ હતી. ફક્ત શેખર માટે જ પોતે આટલી સુંદર તૈયાર થઈને આવી હતી, પણ એ જ વાત જયારે શેખરનાં મોઢેથી સાંભળી ત્યારે મિષ્ટી શરમની મારી કંઈ જ કહ્યા વિના ત્યાંથી ભાગી નીકળી.
શેખર પણ પોતાના આવા ત્વરિત વર્તાવથી અચરજમાં હતો. આ પહેલા એણે ક્યારેય મિષ્ટી સાથે આવી રીતે વાત નહોતી કરી. આમેય એ પહેલેથી જ થોડો શરમાળ અને ધીર પ્રકૃતિનો હતો. એમાંય નાનપણથી જ ઘરની જવાબદારી પુરી કરતો આવ્યો હતો એટલે સમાજથી પુરી રીતે વાકેફ હતો. એ જાણતો હતો કે મિષ્ટી સાથે પોતાનો સંબંધ કોઈ કાળે શક્ય નથી, એટલે જ એણે ક્યારેય પોતાની લાગણી પ્રદર્શિત નહોતી કરી. પણ પ્રેમમાં તરબોળ દિલ ત્યાં જ ખેચાય છે જ્યાં પોતાની લાગણીનો પડધો પડે; પછી ભલેને એની ભાષા મૌનની હોય!!! એ ભાષા પ્રેમની અટપટી ગલીઓમાં ભોમિયાનું કામ કરે છે. મિષ્ટી બરાબર જાણતી હતી શેખરનો પોતાના પ્રત્યેનો પ્રેમ. એ પણ જાણતી હતી કે પોતાની સાધારણ સ્થિતીને લીધે એ કંઈ બોલતો નથી.
હદ તો ત્યારે થઇ ગઈ જયારે મિષ્ટીનાં લગ્નની વાત પાકી થઇ ગયા છતાં શેખર કંઈ જ ન બોલ્યો. મિષ્ટી બેશરમ થઈને શેખરની માંને પણ મળી આવી. કુસુમબેનને તો આવો કોઈ અંદાજો જ નહોતો. થોડા સંકોચ સાથે, ફક્ત શેખરની ખુશી માટે એ જાતે મિષ્ટીનાં ઘેર માંગું લઈને ગયા. હવે ચોંકવાનો વારો મિષ્ટીનાં માં-બાપનો હતો. ક્યાં મિષ્ટી અને ક્યાં શેખર? એક સાવ મામુલી ક્લાર્કની નોકરી કરતો છોકરો અને એક સરકારી અફસરની દીકરી. બને એટલી સભ્ય ભાષામાં એમણે આ સંબંધની ના પાડી દીધી. વડીલ એવા કુસુમબેનને તો કંઈ જ ન કહી શકાયું પણ શેખરને મિષ્ટીનાં પપ્પાએ ખૂબ સંભળાવ્યું. શેખર પણ સ્વાભિમાની હતો. ડેઈલી વાપીથી સુરત અપડાઉન કરતા શેખરે ત્યારે જ સુરત જઈને રહેવાનું નક્કી કરી લીધું.
જરૂર પુરતો સામાન લઈને શેખર ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો ત્યાં જ એણે મિષ્ટીને આવતી જોઈ. શેખરનું હ્રદય એક ધબકારો ચુકી ગયું.સફેદ કલરના સલવારમાં એ ખુબ સુંદર લાગી રહી હતી.
“ તું અહી શું કરે છે? ” શેખરે પૂછ્યું.
“ જે તું કરે છે એ. હું તારી સાથે જ આવવાની છું. ટ્રેનની ટીકીટ પણ છે મારી પાસે. ” મિષ્ટી જાણતી હતી કે આજે જો એ ખુલીને વાત નહિ કરે તો જીવનભર અફસોસ કરતી રહેશે; અને અફસોસ કરવો એના સ્વભાવમાં જ નહોતું.
“ આ શું મજાક છે મિષ્ટી? તું અને મારી સાથે? જા, ઘેર પાછી જતી રહે. ”
“ શેખર, તારી બદલે હું હોત તો તને આમ ઉપાડીને સાથે લઇ જાત. તું તો સાવ કાયર નીકળ્યો. ” મિષ્ટીનાં વ્યંગબાણોએ શેખરને વીંધી નાંખ્યો. મિષ્ટી લાજ શરમ નેવે મૂકીને પોતાના પ્રેમનો એકરાર કરી રહી હતી અને શેખર કહેવાતા સમાજની ચિંતા કરી રહ્યો હતો.
“ આ બધાં ડાયલોગ ફિલ્મોમાં જ સારા લાગે મિષ્ટી. હું રહ્યો મામુલી કારકુન. મારાથી ચાંદને પામવાના સપનાં ન જોવાય, સમજી? ” શેખર મિષ્ટીની નજરને સહન ન કરી શકતા બોલ્યો.
“ પોતની જાતને સાવ આવી હલકી માનવાવાળો માણસ મેં આજ સુધી નથી જોયો શેખર. ચાંદ કહીને તે મને એટલી દૂર કરી દીધી કે હવે એ અંતર પૂરવું મારાથી શક્ય જ નથી. ” મિષ્ટીને બહુ ગુસ્સો આવ્યો હતો આ માણસની કાયરતા પર.
“ એક વચન દેવું પડશે તારે મને. ખુબ મહેનત કર. અમીર બન. મારા માં-બાપનાં ઘરની સામે જ એક મહેલ બનાવ અને સૌથી પૈસાદાર છોકરી સાથે લગ્ન કર. મારા પિતાએ કરેલા અપમાનનો બદલો વાળવાનો આ જ એક રસ્તો છે. બોલ કબુલ છે? ”
“ આ બધાનો શું ફાયદો મિષ્ટી? ”
“ બધું જ કંઈ ફાયદા નુકસાન માટે જ નથી કરવામાં આવતું શેખર. પણ તારા આ પગલાથી મને એટલી શાંતિ થશે કે મેં કોઈ પથ્થરને દિલ નહોતું દીધું. ” આજે પહેલી વાર મિષ્ટી એ શેખર પ્રત્યેના પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો. મિષ્ટીની અંદર આજે એક તોફાન મચ્યું હતું જે એને નખશિખ ભીંજવી રહ્યું હતું. એક એવું પૂર ઉમટ્યું હતું જે પોતાની સાથે પહેલા પ્રેમની બધી જ નિશાનીને વહી લઇ જવા માંગતું હોય એમ ધસમસતું વહ્યે જતું હતું. મિષ્ટી પણ એ પૂરમાં પોતાની લાગણીઓને વહાવી દઈને સાવ કોરી થઇ જવા માંગતી હોય એમ શેખરના ગયા પછી ક્યાંય સુધી પલળતી ત્યાં જ ઉભી રહી.
અચાનક પાછળથી કોઈએ આવીને એની આંખો દાબી દીધી અને મિષ્ટીની વિચારધારા અટકી.
“ અરે, તું ક્યારે આવ્યો? આજે મોડું થવાનું હતું ને? ” મિષ્ટીએ પૂછ્યું. કાર્તિક, એનો પતિ, પોર્ટ બ્લેરમાં શીપીંગ કંપનીમાં એન્જીનીઅર હતો. કામ એટલું રહેતું કે લગભગ રોજ એ મોડો આવતો. આજે પણ એણે રોજની જેમ ફોન કરીને મિષ્ટીને મોડું થશે એવું કહ્યું હતું.
“ હું તારા માટે ચા બનાવી લાવું. ” મિષ્ટીએ ત્યાંથી ઉભા થતાં કહ્યું.
“ કંઈ જ નથી પીવું. તું બેસ અહિયાં. પહેલો વરસાદ હંમેશા પહેલા પ્રેમની યાદ સાથે લઈને આવે, ખરું ને? ”
મિષ્ટી જોઈ રહી આ માણસ સામે. કેવી માટીનો બન્યો હતો એ? એટલો સરળ અને દિલખુશ હતો કે મિષ્ટી લગ્ન પછી વધારે સમય પોતાને તાળામાં બંધ ન રાખી શકી. ધીરે ધીરે મિષ્ટી એનાં સરળ પ્રેમમાં વહેવા લાગી હતી. સમજણ અને આત્મસમર્પણ જયારે પ્રેમમાં ઢળે છે ત્યારે એ સૌથી વધુ ગાઢ અને નીડર લાગણીનું રૂપ ધારણ કરી લે છે. મિષ્ટીની બાબતમાં પણ એમ જ બન્યું હતું. નીડર પ્રેમની અસર હેઠળ એ કાર્તિકને શેખર વિષે બધી જ વાત કરી બેઠી હતી. કાર્તિક તો જાણે શેખરને વર્ષોથી ઓળખતો હોય એમ જયારે ને ત્યારે શેખરની વાત ઉખેળીને બેસી જતો.
“ એય મિષ્ટી, તને મારા પર બહુ ગુસ્સો આવતો હશે ને? ” કાર્તિકે શેખરની વાત સાંભળીને પૂછ્યું હતું.
“ તારી પર શું કામ? હા,મને મારા માં-બાપ પર બહુ ગુસ્સો આવ્યો હતો. એમણે શેખરને ખૂબ અપમાનિત કર્યો છે.”
“ મિષ્ટી, ક્યારેક એક ચિઠ્ઠી તો લખી શક તું શેખરને. ” ફરી એક દિવસ કાર્તિકે કહ્યું હતું.
“ મારી પરીક્ષા લેવી છે તારે? ” મિષ્ટી અકળાઈ જતી. એને સમજ નહોતી પડતી કે કાર્તિક ખરેખર શું ઈચ્છે છે?
“ અરે એમાં શું? અમે પુરુષો જન્મજાત ઈર્ષાળુ હોઈએ એવી ખોટી માન્યતા મૂકી દે. જે વ્યક્તિથી તને પ્રેમ હોય એ મારો પણ પ્રિય જ હોવાનો ને! ”
“ જેનો જોયો પણ નથી એના પર આટલી સહાનુભુતિ? ” મિષ્ટી પૂછી બેસતી.
“ હા, કેમ કે એની સાથે ક્યારેક તારું મન જોડાયેલું હતું. ” કાર્તિક મિષ્ટીને બાથમાં લઈને પ્રેમભર્યું વહાલ કરતો.
“ એય, ક્યાં ખોવાઈ ગઈ? આજે મારી પાસે તારા માટે એક સરપ્રાઈઝ છે. ચલ આંખ બંધ કરીને હાથ આગળ ધર.” કાર્તિકે મિષ્ટીની આંખ બંધ કરાવી.
“ તારા શેખરની ચિઠ્ઠી આવી છે. વાંચી લે.” કાર્તિક ઉભો થતાં બોલ્યો. ’ શેખરનો પહેલો પત્ર!! શું લખ્યું હશે?? ’ એક હલકી કંપન મિષ્ટીનાં આખા શરીરમાંથી પસાર થઇ ગઈ.
“ આ તારા શેખર મહાશય પણ ગજબ છે. મિસીસ વર્માનો લેટર કેર ઓફ કરીને મિ. કાર્તિક વર્માની ઓફીસ પર જ મોકલ્યો. ” કાર્તિકે અંદરના રૂમમાંથી કહ્યું.
“ એ પણ માને છે કે મિષ્ટીનાં પતિદેવ એક સજ્જન પુરુષ છે. ” મિષ્ટીએ પત્ર હાથમાં લેતા કહ્યું.
મિષ્ટીને ખબર હતી હવે કાર્તિક નહાવાને બહાને ઘણો સમય બહાર જ નહિ આવે. એ થોડી વાર તો એમ જ બેસી રહી. પછી થયું લેટર ખોલીને વાંચશે નહિ તો કાર્તિકને જ નહિ ગમે.
“ મિષ્ટી, મહેરબાની
મહેરબાની કરીને તારો આદેશ પાછો લઇ લે. ઈમાનદારીથી કે બેઈમાનીથી અમીર બનવું જ પડશે એવા તારા હુકમનો અમલ હું નહિ કરી શકું. તું સાચું જ કહેતી હતી મિષ્ટી, હું ખરેખર એક કાયર માણસ છું. પણ તું જ કહે મિષ્ટી, જેને મોટા કાકા-કાકી તરીકે માન આપ્યું હોય, પોતાના વડીલ માન્યા હોય, એને અપમાનિત કરું? નહિ નહિ, એ મારાથી શક્ય નહિ બને.
હું પાછો વાપી આવી ગયો છું. માંની તબિયત પણ સારી નથી રહેતી. હવે મને થાય છે જે થયું એ સારા માટે જ થયું. તારા ભાગ્યમાં સુખ લખેલું જ હતું. જબરદસ્તી એને બદલવા ગયા હોત તો કોઈ જ સુખી ન થાત.
આશા રાખું છું કે મજામાં હોઈશ. એવી જ રીતે રહેજે. તારા પતિને મારી યાદ આપજે.
“શેખર”
‘ આ હતો શેખરનો પહેલો પ્રેમપત્ર?! ’મિષ્ટીને હસવું આવી ગયું, અને સાથે સાથે પોતાના પ્રેમ પર ગર્વ પણ થઇ આવ્યો. શેખરે એ બંનેના પ્રેમસંબંધની ગરિમા બરાબર જાળવી હતી. આમ પણ હવે એના મનમાં શેખર માટે કોઈ જ કડવાશ રહી નહોતી. કાર્તિકનાં પ્રેમ અને સહવાસથી મિષ્ટી એ એક અલગ જીવનનો સ્વાદ ચાખ્યો હતો. પોતાના જીવનને બગાડવાનો કે સુધારવાનો હક માણસ પાસે જ હોય છે. બને તો ‘સીરીયસ’ બનીને એને પહાડ જેવું ભારે ભરખમ બનાવો; અથવા જળબિંદુ જેવું હલકું ફૂલકું. એના માટે જરૂરી છે ફક્ત પ્રેમ અને ઉદારતા. શેખરનો પહેલો-‘સર્વશ્રેષ્ઠ’ પત્ર બુકમાં સાચવીને મુકીને મિષ્ટી કાર્તિક પાસે પહોચી ગઈ. વરસાદ પછીનો ઉઘાડ માણવા; તનથી અને મનથી.
-શ્રદ્ધા ભટ્ટ