સીમાને કોણ સમજાવે . Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સીમાને કોણ સમજાવે .

સીમાને કોણ સમજાવે? .

-સીમા, આજે તે ફરીથી બટાકાનું શાક બનાવ્યું? અઠવાડિયા મા આ ત્રીજી વાર તેં બટાકા બનાવ્યા.

-સતીશ, સોમવારે તો બટાકાની સુકી ભાજી કરેલી, બુધવારે જ્ઞાતિ ભોજનમાં હોય છે એવું મસ્ત રસાદાર બટાકાનું શાક બનાવેલું અને આજે શુક્રવારે ફરાળી સ્ટાઈલ નું બટાકાનું શાક બનાવ્યું છે. આટલી વેરાયટી રાંધુ છું તો ય તને પસંદ નથી?

-વેરાયટી રાંધવા બદલ હું તારો ખુબ આભારી છું, સીમા. પણ મને બટાકો વાયડો પડે છે, એનાથી ગેસ થાય છે. આજે તો તું ભીંડા બનાવવાની હતી ને?

-હા, ભીંડા જ બનાવવાની હતી, હું ભીંડા લેવા બજારમાં પણ ગઈ હતી, પણ ૮૦ રૂપિયે કિલોનો ભાવ સાંભળી ભીંડા લીધા વગર જ પાછી આવી.

-ઘણું સરસ, તો પછી તું એમ જ કરને, રોજ બટાકા જ રાંધ, એ જ સસ્તામાં સસ્તા હશે ને?

-આવું શું કરે છે, સતીશ?

-હું પણ તને એ જ કહું છું, સીમા, આવું શું કરે છે? હું તને ઘરખર્ચ માટે પુરતા પૈસા નથી આપતો? આ મહીને પણ તને વીસ હજાર રૂપિયા આપ્યા હતા ને? આજે તો હજી ૧૮ તારીખ થઇ છે, વીસ હજાર પુરા થઇ ગયા?

-તું વીસ હજાર આપે છે, એની હું ક્યા ના પાડું છું, પણ એક તો આ મોંઘવારી અને ઉપરથી સગા-વહાલાઓ અને વટ–વ્યવહાર સાચવવાના, પૈસા ક્યા પુરા થઇ જાય છે તે જ ખબર નથી પડતી.

-નથી ખબર પડતી તો હવે ખબર રાખ, પણ ખાવાની બાબતમાં કંજુસી ન કર. તને રોજ છાશ બનાવવાનું કહું છું તો તે પણ ક્યારેક બનાવે છે અને ક્યારેક નથી બનાવતી. પૈસાનું બરાબર આયોજન કરતી હોય તો વીસ હજારમાં રોજ જુદા જુદા શાક અને છાશ તો કરી જ શકાય.

-એટલે તમારું કહેવું એમ છે કે હું પૈસાનું આયોજન બરાબર કરતી નથી, એમ જ ને?

-એમ તો એમ સમજ. ગુરુવારે તેં આપણા ઘરે કિટી પાર્ટી રાખેલી, એમાં બહાર થી પીઝા, બર્ગર ને નાચોઝ મંગાવેલા. એવા ખોટા ખર્ચ કરવાને બદલે ઘરમાં નાસ્તો બનાવતી હોય તો પૈસા બચે કે નહિ?

-શેફાલી, અંગીરા, મોના, સુષ્મા.. બધા જ પોત પોતાના ઘરે કિટી રાખે ત્યારે બહાર ઓર્ડર આપીને જ નાસ્તો મંગાવે છે, ઉપરથી કોલ્ડ ડ્રીન્કસ, કુલ્ફી કે આઈસ્ક્રીમ પણ હોય જ. હું બટાકાપૌઆ, ઉપમા કે લોચાપુરી બનાવું ને સાથે ચા, તો એ લોકો આપણા વિશે શું ધારે? ‘ આ લોકો તો સાવ મુફલીસ છે’ એવું જ કહે ને? એમાં તો તારું જ ખરાબ દેખાય.

-તું મારા ખરાબ દેખાવા વિશે ચિંતા ન કર. પૈસાના પ્રદર્શન ના આધારે બહારના લોકો મારા વિશે શું કહે તેની મને પડી નથી. અઠવાડિયે ત્રણ વાર બટાકા ખાવા કરતા કોઈ મને ‘મુફલીસ’ સંભળાવી જાય તો તે સાંભળવામાં મને કોઈ વાંધો નથી.

-પણ મને છે ને.

-તારી આ જ તકલીફ છે. ‘સબ સે બડા રોગ, ક્યા કહેંગે લોગ’ એમાં ને એમાં જ તું ખેંચાઈ જાય છે.

-સમાજમાં રહીએ છે, તો એટલું ખેંચાવું તો પડે જ.

-એની કોણ ના પાડે છે? મારું તો ફક્ત એટલું જ કહેવું છે કે - ‘ચાદર હોય એ પ્રમાણે માણસે પગ પસારવા જોઈએ.’

-તારા કહેવાનો મતલબ શું છે?

-તારી મોટી બહેન અમેરિકાથી આવવાની હતી ત્યારે તેં દેખાડો કરવા આપણા ઘરના સોફાના કવર, પરદા, બેડશીટ બધું બદલી નાખીને ખોટો ખર્ચ કર્યો હતો કે નહિ?

-બહેન તો એના ઘરે દર બે વર્ષે બધું બદલે છે, જ્યારે આપણે તો પાંચ વર્ષે બદલ્યું.

-ફરીથી તને એ જ કહું છું, ‘લાંબા સાથે ટુંકો જાય, મરે નહિ તો માંદો થાય.’ તારી બહેનને પોસાતું હોય તો દર વર્ષે બધું બદલે, આપણને ન પોસાતું હોય તો આપણે બદલવાની જરૂર ખરી? ખોટો ખર્ચ કર્યો એમાં FD તોડવી પડી ને?

-તને તો મારા બધા ખર્ચ ખોટા જ લાગે છે.

-તું કરે એવું તો લાગે જ ને? બહેનના છોકરાઓને મોલમાં લઇ જઈને મોંઘામાના બ્રાન્ડેડ કપડાં અપાવવાની કોઈ જરૂર હતી?

-જરૂર હતી ત્યારે જ તો અપાવ્યા બહેનના છોકરા જે બ્રાન્ડના કપડાં પહેરતા હોય તે બ્રાન્ડના કપડાં અપાવવા જોઈએ એવું હું માનું છું, સસ્તામાના અપાવીએ તો એ પહેરે પણ નહિ.

-અને આપણા છોકરા સસ્તામાના કપડાં પહેરે તેનું કઈ નહિ? તું તારા જ ડ્રેસ જોને, કેવા ઘસાયેલા છે. આ તો ‘ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો’ એવું થયું.

-ઘરમાં આપણે ગમે તે પહેરીએ, કોણ જોવા આવવાનું છે?

-કોઈ જોવા આવવાનું હોય તો જ આપણે સારી રીતે રહેવાનું? તારી તો થીઅરી જ મારા ગળે નથી ઉતરતી. અને બીજી વાત, આપણે એ લોકોને મોંઘામાં મોંઘી હોટલમાં લઇ જઈને પાંચશો રૂપિયાના ભાવની ગુજરાતી થાળી મંગાવી, તો પણ એ લોકોને ખાવાનું ભાવ્યું નહિ. બીજી વાર પંજાબી હોટલમાં લઇ ગયા, તો છસો પર પર્સન ના ભાવે લંચ કેટલું મોંઘુ પડ્યું તે તું વિચાર. ઉપરાંત એમણે શહેરમાં ફેરવ્યા, મુવી દેખાડ્યું તે ખર્ચ જુદો.

-એ બધો ખર્ચ થયો એટલે જ તો પછી ભીંડાને બદલે બટાકા કર્યા.

-અચ્છા! તો તેં ‘હાથી નિકાલ ગયા ઔર દુમ રહ ગઈ’ જેવું કર્યું?

-એક જ તો બેન છે મારી, ને તે પણ બે ત્રણ વર્ષે આવે છે.

-સારું છે, એક જ બહેન છે અને બે ત્રણ વર્ષે જ આવે છે, નહીતર મારે ખર્ચ સરભર કરવા ક્યાંક પાર્ટ ટાઈમ જોબ કરવાનો વારો આવત. અથવા બોસને કહેવું પડત, ‘સર, મારે મહેમાનોને પોષવા લોન જોઈએ છે, આપશો?’

-સતીશ, તું જરા અમથી વાતને ક્યાં થી ક્યાં લઇ જાય છે?

-સીમા, અત્યારે ભલે તને વાત જરા અમથી લાગતી હોય, પણ વાત અત્યંત મહત્વની છે. આપણે જો આમ બિન જરૂરી ખર્ચ માટે બચત તોડતા રહીશું, તો જ્યારે જરૂર હશે ત્યારે – આપણા બાળકોના હાયર એજ્યુકેશન માટે કે આપણા ઘડપણ માટે – પૈસા જોઇશે ત્યારે હશે નહિ. મારા હાથ પગ નહિ ચાલે તે વખત કોની પાસે પૈસા માંગવા જઈશું?

સતીશની વાત વિચારવા જેવી હતી, ખરેખર તો આવો વિચાર સીમાને આવવો જોઈતો હતો. કેમ કે ઘરણા બજેટનું આયોજન પુરુષ કરતા પણ સ્ત્રી સારી રીતે કરી શકે. પણ સીમાનો ઉછેર જ એ રીતે થયો હતો કે એને આવી સમજણ પડતી નહોતી. વળી સીમાનું વાચન પણ ખાસ નહિ, એને લીધે એની વિચાર ધારા પણ વિકસેલી નહિ. ફ્રેન્ડ સર્કલ પણ એવું જ, પૈસાદાર હોવાને લીધે ખાઈ પીને મોજ કરવામાં માને એવું. પરિણામે સીમા આડેધડ ખર્ચ કરતી અને નહિ કરવી જોઈએ ત્યાં - ખાવા પીવામાં અને પહેરવાના કપડામાં એણે કરકસર કરવી પડતી.

‘અમે કઈ ગરીબ નથી’ એવી મનોદશા ધરાવતી સીમા સગાઓના ઘરે જવાનું થાય, ત્યારે મોંઘામાં મોંઘી મીઠાઈઓ લઇ જઈને સારું દેખાડવામાં માનતી, પછી ભલે પોતાના ઘરમાં સસ્તામાના લોટ અને ખાંડ લાવવા પડે. સગામાં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈની બર્થ ડે પાર્ટી હોય, તો વટ પડી જાય એવી મોંઘી ગીફ્ટ લેતી, કોઈને આપતી વખતે કવરમાં પાંચસો કે હજારથી નાની નોટ મુકવામાં એને નાનમ લાગતી. પોતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને નહિ, પણ સામેવાળાની હેસિયત પ્રમાણે એ વ્યવહાર કરવામાં માનતી. જ્યારે સતીશ માનતો કે જો ‘પૈસાનું આયોજન બરાબર કરવામાં આવે, દર મહીને ઘરનું બજેટ બનાવવામાં આવે કે આવક પ્રમાણે જાવક રાખવામાં આવે તો વધુ સારી રીતે જીવી શકાય. અને ખોટી કરકસર કરાવી પડે નહિ.’ એની વાત સાચી હતી, પણ આ વાત સીમાને કોણ સમજાવે?

Name: Pallavi Jeetendra Mistry.

E-mail: hasyapallav@hotmail.com