એક પતંગિયાને પાંખો આવી - 36 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી - 36

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 36

વ્રજેશ દવે “વેદ”

“વ્યોમા, આ જંગલ પણ અજીબ છે. તેના એકાંતને તે કેવું સાચવીને બેઠું છે. કોઈને ય તેમાં શામેલ ના કરે.” નીરજાએ એકાંતમાં ડૂબેલા જંગલ સામે ફરિયાદ કરી.

“અરે, જંગલ તો ઠીક, પણ જગલનો માણસ પણ કેવો એકાંત પ્રિય ! તે પણ તેના એકાંતને સાચવીને જીવી રહ્યો છે. કોઈ એના એકાંતના વિશ્વમાં પ્રવેશી ના શકે. કોઈને તે પ્રવેશવા ના દે.“ વ્યોમાને વેદ સામે ફરિયાદ હતી તે વ્યક્ત થઈ ગઈ.

“આ એકાંત છે જ એવું મજાનું, કે તેમાં સદાય બેઠા રહેવા મન લલચાય. એકાંતની આ ક્ષણો ક્યારેય ના ખૂટે તો?”

“નીરજા, જંગલમાં આવીને તું લાલચુ થઈ ગઈ છે. તારે વધુને વધુ આ જંગલને અને તેના એકાંતને પામી લેવું છે. જાણે, આ એકાંત એટલે કોઈ અખૂટ ખજાનો...”

“વ્યોમા, દુનિયાનો કોઈ ખજાનો આ એકાંતના તોલે ના આવે. એક તરફ અખૂટ ખજાનો હોય, અને બીજી તરફ આવું એકાંત હોય, તો હું તો જીવનભર આ એકાંતને જ પસંદ કરું.”

“અને એ, જ્યારે શ્વાસ ખૂટે ત્યારે જ ખૂટે. ત્યાં સુધી આ ખજાનો ખૂટે જ નહીં.”

“હા, વ્યોમા. જેની પાસે આ એકાંત છે, તે કેટલો ધનવાન છે?”

“વાહ, નીરજા, તેં શોધી કાઢ્યો છે આ ખજાનો. મને હવે સમજાય છે કે પેલો વેદ તેના એકાંતમાં કોઇ ભાગ પડાવે તે માટે જરાય...”

“એ તો વેદ છે. સાવ નોખો માણસ. તેના એકાંતનો ખજાનો તો વળી અનુપમ હશે.“

“ખેર.. આપણાં નસીબમાં એ નહીં હોય.” વ્યોમાએ ઊંડો ની:શ્વાસ નાંખ્યો.

“જે નસીબમાં છે, તેને તો પૂરેપૂરું માણી લઈએ.” નીરજા નિરાંતે જંગલના એકાંતને માણવા બેસી ગઈ.

“નીરજા, મારે યાદ અપાવવું પડે છે, કે આ એકાંત, તારી કે મારી મંઝિલ નથી. માટે અહીંથી આગળનો પ્રવાસ શરૂ કરવો પડશે.”

“હા, એ પણ સાચું છે. પણ થોડી વાર રોકાઈ જા. પછી આ એકાંત મળશે કે કેમ? થોડી વાર એની જોડે ગોષ્ઠી તો કરી લેવા દે.”

“કેમ શંકા કરે છે, આ જંગલ પર? આખા રસ્તે તને આવા અનેક એકાંતો મળશે જ. આ તો હજુ શરૂઆત જ છે.”

“કદાચ આથી પણ વધુ સારું એકાંત મળી જશે. પણ પહેલાં એકાંતની મજા, તેનો આનંદ, તેનો નશો, તેની અનુભૂતિ, ક્યાંથી મળવાની? માટે આ પહેલાં પહેલાં એકાંતને મારી અંદર સમાવી લેવા દે.” નીરજાએ તેના બન્ને હાથ જંગલ તરફ પ્રસરાવી દીધા. જાણે આખા જંગલને પોતાના બાહુપાશમાં જકડી લેવા માંગતી હોય. એક ગાઢ આલિંગન આપવા માંગતી હોય.

જંગલ પણ થોડું નજીક આવ્યું હોય તેવો અભાસ થયો, વ્યોમાને. હવાથી જંગલની ડાળીઓ જાણે નીરજા તરફ ઢળી હોય તેવું લાગ્યું.

“આજે પણ આપણે 10 થી 12 કિમી રસ્તો કાપવાનો છે, તેની તને ખબર છે ને?” વ્યોમા યાદ અપાવવા લાગી, મંઝિલ તરફના રસ્તાની.

“હા યાર. માત્ર 10-12 કિમી તો ચાલવાનું છે.”

“એટલું અંતર કાપતા તો ચારેક કલાક જ લાગવાની છે.”

“યસ વ્યોમા. માત્ર ચાર કલાક. અને આપણી પાસે તો પડ્યો છે આખો દિવસ.” નીરજાને વ્યોમાની આ ગણત્રી ગમી ગઈ.

“હજુ તો 9 વાગી રહ્યા છે. સૂર્યાસ્ત પહેલાં આપણે કોઈ નવા સ્થળે ટેન્ટ બાંધવાનો છે. આજની રાત રોકાવા માટે.”

“એટલે કે લગભગ 8 થી 9 કલાકનો સમય છે, આ ચાર કલાકનો રસ્તો કાપવા માટે.” નીરજા ફરી નિશ્ચિંત થઈ ગઈ.

“પણ, જંગલ છે આ. તું ધારે છે તેમ, સીધે સીધો રસ્તો ના પણ મળે. આગળ રસ્તા પર શું થવાનું છે, તેની ક્યાં ખબર છે? કદાચ ચાર કલાકનો રસ્તો આઠ કલાકે પણ પૂરો ના થાય.”

“તો શું થઈ ગયું? આપણે ક્યાં કોઈ હોટેલ બૂક કરાવેલ છે, કે ત્યાં સમયસર પહોંચવું પડે. આપણે તો જ્યાં થાકી ગયા કે અંધારું થઈ ગયું, ત્યાં જ રાતવાસો.”

“અને જંગલના એક દિવસના પ્રવાસે, આપણાં મનને નીડર બનાવી દીધાં છે.”

“તો પછી, મનભરીને આ એકાંતને પી લેવા દે. તૃપ્ત થઈ જશું, તો ચાલવા મંડીશું.” નીરજા સરી ગઈ પહેલાં એકાંતના વિશ્વમાં.

વ્યોમાને પણ મળી ગયું એક એકાંત. બન્ને સ્થિર થઈ ગયા, એકાંતના એક નગરમાં. સમયની પરવા કર્યા વિના. કોઈએ તેમાં ખલેલ ના પહોંચાડી.