પાસવર્ડ - 16 Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાસવર્ડ - 16

પ્રકરણ નં.૧૬

ટનલમાંથી બહાર આવ્યા બાદ તેઓ સૌ કોઈ ઐતિહાસિક બંગલાના મુખ્ય હોલમાં આવી પહોંચ્યા હતા. લાલ રંગના પથ્થરોથી બનેલી એ હવેલીના મુખ્ય હોલમાં બરોબર વચ્ચે બિછાવવામાં કલાત્મક સોફા પર એક વ્યક્તિ બેસેલી જોઈ. તેની માત્ર પીઠ જ તેઓને દેખાતી હતી. જેવી એ વ્યક્તિ ઉભી થઇ ને તેને પાછું વળીને જોયું તો અનંતરાયના છ એ છ મિત્રો દંગ રહી ગયા. તેઓની આંખો માની શક્તિ ન્હોતી. એ માણસ બીજું કોઈ નહી પણ ગ્રુપ લીડર પોતે જ હતો. તેને હસતા હસતા સૌને આવકાર્યા...............ગ્રુપ લીડર અહીં ક્યારે પહોંચી ગયો એવો સવાલ તેઓના દિમાગમાં સળવળાટ કરી રહયો હતો.....

" સ્વાભાવિક છે કે તમોને એ વાતનું આશ્ચર્ય થાય જ કે હું તમારી પહેલા અહીં કેવી રીતે અને ક્યાંથી પહોંચી ગયો. " સૌના મનમાં ચાલી રહેલા સળવળાટને શાંત કરતા ગ્રુપ લીડરે પોતાની વાત આગળ ધપાવી...... " તમે જે રીતે દસ કિ.મી. લાંબી ટનલમાં આવ્યા એવી જ રીતે હું પણ એક બીજી ટનલ વાટે અહીં પહોંચ્યો છું. આ તો બધું ઠીક છે. ચાલો હવે આપણા મુખ્ય કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. સ્ટીલના આ ત્રણેય બોક્સ જ્યાં પહોંચાડવાના છે એ સ્થળ હવે અહીંથી વધુ દુર નથી. થોડી વારમાં આપણે ત્યાં પહોંચી જઈશું. સર્વપ્રથમ તો ચાલો તમોને હું આ હવેલીના દર્શન કરાવી દઉં. તમોને ખ્યાલ તો આવે કે તમે ક્યાં આવી પહોંચ્યા છો? ચાલો મારી સાથે."

ગ્રુપ લીડર ઉભો થયો. તે બંગલાના મુખ્ય હોલમાં સામે દેખાતા દાદરા ઉપર સડસડાટ ચડી ગયો. સૌ તેની પાછળ પચ્ચીસેક પગથીયા ચડી જમણી બાજુએ વળ્યા ને વધુ દસેક પગથીયા ચડીને હવેલીની ત્રીસેક ફૂટ ઊંચી બનેલી ગેલેરીમાં આવી ગયા. આ જ પ્રકારે દાદરાની ડાબી બાજુ પણ આવી જ ગેલેરી હતી. પાંચેક ફૂટ પહોંળી ગેલેરીમાં થોડી પળો માટે તેઓ ઉભા રહયા ને એક નજર નીચે હોલમાં ફેરવી લીધી. ગ્રુપ લીડર તેઓને ગેલેરીના છેડે આવેલા એક રૂમના દરવાજા પાસે લઇ ગયો. દરવાજો ખોલી તેઓએ એક અંધારિયા રૂમમાં પ્રવેશ કર્યો. દરવાજો ફરી બંધ કરી દેવાયો. ગ્રુપ લીડરે પોતાની ટોર્ચ ચાલુ કરી અંધારિયા રૂમમાં રોશની પ્રગટાવી.

" જુઓ સૌ મારી વાત ધ્યાનથી સાંભળો. હવે આપણે થોડુંક કષ્ટ વેઠીને આગળ ધપવું પડશે. જે રીતે આપણે નીચેના હોલમાંથી અહીં આવ્યા તેવી રીતે હજુ એક વાર દાદરા ચડવા પડશે અને ત્યાંથી એક સાવ સાંકડા ભોંયરા વાટે આપણે ગંતવ્ય સ્થાને પહોંચીશું." ગ્રુપ લીડરની સૂચના બાદ સૌ તેની પાછળ ટોર્ચના પ્રકાશના શેર્દાની મદદથી દાદરો ચડ્યા. દાદરા છેવાડે વધુ એક દરવાજો દેખાયો. જોકે આ દરવાજો કાંઈક અલગ જ હતો. તે સામાન્ય ન્હોતો. તેને ખોલવા માટે પહેલા તો ન્યુમેરિક લોક ( સૂટકેસમાં હોય તેવું આંકડાકીય લોક ) ખોલવું પડે એમ હતું. ગ્રુપ લીડરે બે ચાર પળો માટે સૌનું ધ્યાન રૂમના એક અંધારિયા ખુણા તરફ દોરી ન્યુમેરિક લોક પર ફટાફટ કેટલાક આંકડા દબાવી દીધા. સૌ પાછળ ફરીને દરવાજા સામે નજર કરે એ પહેલા તો ગ્રુપ લીડરે લોક ખોલી નાંખ્યો હતો.

આ પછી તેણે પોતાના ખીસ્સામાંથી બે ચાવી બહાર કાઢી દરવાજા પરના અન્ય બે સાદા લોક પણ વારાફરતી ખોલી નાંખ્યા. રૂમમાં ઉભેલા સૌ તેને નિહાળી રહયા હતા. ગ્રુપ લીડરે દરવાજાને હળવેકથી સાઈડમાં સરકાવી દીધો. ત્યાંથી બહાર નીકળતા જ સૌને એવું અનુભવાયું કે તેઓ ત્યાં કોઈ રૂમમાં નહી પરંતુ પહાડની નીચે રહેલા કોઈ ભોંયરામાં હોય. ગ્રુપ લીડરે જે રીતે દરવાજો ખોલ્યો હતો તેવી જ રીતે બંધ પણ કરી દીધો. તેઓએ ટોર્ચના પ્રકાશમાં આખા ભોંયરા ઉપર એક નજર દોડાવી. માત્ર પથ્થરોની કુદરતી દિવાલ જ નજરે પડતી હતી. તેઓએ પાછળ વળીને જોયું પણ તેઓના આશ્ચર્ય વચ્ચે તેમને ક્યાંય દરવાજો ના દેખાયો. જાણ્યે કે પથ્થરની દિવાલ પાછળ ક્યાંક દરવાજો ખુદ પણ બંધ થઇ ચુક્યો હતો.

હવે કોઈ વ્યક્તિ એ કહી શકે એમ ન્હોતી કે ત્યાં કોઈ દરવાજા જેવી ચીજ પણ હોઈ શકે. ભોંયરામાં ઘનઘોર અંધારૂ હતું. હવે અહીંથી ક્યાં જવાનું હશે તેની ચિંતા અનંતરાયના છ મિત્રોને કોરી ખાતી હતી. એવામાં ગ્રુપ લીડરે તેના કેટલાક સાથીઓની મદદથી એક મોટો પથ્થર હટાવ્યો. પથ્થરની પાછળથી માત્ર ત્રણેક વ્યક્તિ વાંકી વળીને એક સાથે અંદર જઈ શકે એટલી જ પહોળી ને ઊંચી એવી એક ગુફા જોવા મળી. ગ્રુપ લીડર ગુફામાં પ્રવેશ્યો અને તેની પાછળ સૌ વારાફરતી તેની પાછળ ચાલ્યા. ગુફાનો રસ્તો પથ્થરનો બનેલો અને ચઢાણ વાળો હતો. તેઓ ઉપરની દિશામાં આગળ જઈ રહયા હતા. નર્યા અંધકારમાં ટોર્ચના આછા પ્રકાશમાં તેઓ પચાસેક ફૂટ ચાલ્યા હશે ત્યાં જ સૌથી આગળ ચાલી રહેલા ગ્રુપ લીડર તરફથી થોભી જવાનો આદેશ આવ્યો. પાછળ આવી રહેલા અનંતરાયના છ મિત્રોના મનમાં અનેક સવાલો રમવા લાગ્યા હતા.

ગ્રુપ લીડરે ગુફાના છેડે પણ એક મોટો પથ્થર હટાવી રસ્તો ખોલી નાંખ્યો ને એ સાથે જ સૂર્ય પ્રકાશનો તેજ લીસોટો ગુફામાં પ્રવેશ્યો. લીડર તેના બંને હાથના ટેકે ઉપર પહોંચ્યો અને સૌને બહાર આવી જવા સૂચના આપી. એક પછી એક સૌ બહાર નીકળ્યા. ગ્રુપ લીડરના સાથીઓએ પથ્થર ફરી વખત આડો મુકી ગુફાનું મોઢું બંધ કરી દીધું. અનંતરાયના મિત્રોએ બહાર આવીને જોયું તો તેઓની આંખો પહોળી થઇ ગઈ. તેઓ કોઈ ભાંગેલા તૂટેલા એક મોટા ખંઢેર પાસે આવીને ઉભા હતા. તેઓને વધુ આશ્ચર્ય તો એ વાતનું થયું કે, આ ખંઢેર રેતીના અફાટ રણની વચ્ચે ઉભો હતો. દુર દુર સુધી માત્ર રેતીના ઢગલા જ જોવા મળતા હતા. અનંતરાયના મિત્રોને હવે ખ્યાલ આવ્યો કે તેઓ પાટા પરની ટ્રોલી પર બેસી દસ કિ.મી. લાંબી ટનલ પાર કરીને જે હવેલીમાં પહોંચ્યા હતા એ તો ભૂગર્ભમાં બનાવાયેલી છે. તેઓ એવા એવા રસ્તા પસાર કરીને અત્યારે ઊંચાઈ પરના જે સ્થળે પહોંચી ગયા હતા ત્યાંથી પાછા ફરી હવેલીમાં જવા માટે ભૂગર્ભમાં ઘણે ઊંડે સુધી નીચે ઉતરવું પડે એમ હતું. જોકે અત્યારે તેઓ જે સ્થળે ઉભા હતા ત્યાં અજાણી કોઈ વ્યક્તિ આવી ચડે તો પણ તેને એ ખબર પડી શકે એમ ન્હોતું કે ત્યાં કોઈ ગુપ્ત ભોંયરૂ પણ હોઈ શકે અને ભોંયરાના છેડે કેટલાક રૂમ અને ત્યાંથી નીચે દાદરા ઉતરતા ઉતરતા કોઈ ખુફિયા હવેલી સુધી પણ પહોંચી શકાય .....સિવાય કે........?????!!!!!!!!

તેઓ ખંઢેર પાસે રેતી પર આરામ કરવા બેઠા. થોડો સમય પસાર થયો હશે ત્યાં જ ખંઢેરમાંથી ચાર બુકાનીધારી પઠાણ બહાર આવ્યા. ઊંચી પડછંદ કાયા ધરાવતા ચારેય પઠાણને જોઈને સૌ ફટાક કરતા ઉભા થઇ ગયાં. પઠાણના લીડર જેવા દેખાતા એક માણસે અનંતરાયના ગ્રુપ લીડરને ગળે લગાડી આવકાર આપ્યો. આ પછી સૌ એકબીજાને ગળે મળ્યા.

" વેલકમ ટુ ક્રોસ બોર્ડર રેગીસ્તાન ......" એક પઠાણે સૌને આવકાર્યા પણ અનંતરાયના મિત્રો ચોંકી ઉઠ્યા હતા. તેઓ ભૂગર્ભના રસ્તે આગળ વધીને અહીં એ સ્થળે પહોંચ્યા હતા જે સરહદની પેલે પાર હતું. તેઓની દિલની ધડકન તેજ થઇ ગઈ. અહી બીજા દેશની ભૂમિ પર કાંઈ અજુગતું બની જાય કે કોઈ અનિચ્છનીય ઘટના બને તો પાછા આપણા દેશની ભૂમિ પર પહોંચવું અઘરૂ થઇ જશે એવો દર અનંતરાયના મિત્રોને ધ્રુજાવી રહયો હતો.

" અનંતરાય સાથે બધી વાત થઇ ચુકી છે. બાકીનું કામ આપણે મોડેથી આગળ ધપાવીશું. પહેલાવહેલા તો આપ સૌ વસ્ત્રો બદલી પઠાણી ડ્રેસ ધારણ કરી લ્યો. બાકીની વાતો ખંઢેરમાં બેસીને કરીશું, ચાલો અંદર. " પઠાણના લીડરે સૂચના આપી.

*****

અખબારના સંપાદક વિક્રમે તેની ઓફિસમાં રૂબરૂ આવેલા એક ભેદી અને વિશ્વાસપાત્ર શખસે આપેલી માહિતી અને પોલીસ ઓફિસરો સાથેની વાતચીત પરથી જાણવા મળેલી હકીકતોના આધાર પર પોતાના અખબારમાં સવારે એક નવો સનસનીખેજ અહેવાલ પ્રસિદ્ધ કરી સનસનાટી મચાવી દીધી હતી. વિક્રમે લખેલા અહેવાલનું મથાળું હતું કે.......

" અપહરણ અને સેન્ટ્રલ જેલના હત્યા કાંડમાં ચોંકાવનારો ધડાકો....

ટોચના એક રાજકીય નેતાને પણ મળી ધમકી "

આ અહેવાલમાં જે ઘટના રજુ થઇ હતી તે બીજી કોઈ નહીં પરંતુ એજન્ટ મુકેશે તેના સાથી એજન્ટ વિજયને પોતાના એક ખાનગી કારસ્તાનની જે વાત કરી હતી તે જ હતી. આ એક ખુફિયા ઓપરેશન હતું. મુકેશ અને ઓપરેશનનો શિકાર બની ગયેલા ગૃહ મંત્રી સિવાય આમજનતા સમૂદાયમાં કોઈને આ ઘટના વિશે કશી જ માહિતી ન્હોતી. જોકે ચોક્કસ ગ્રુપના ગણ્યાગાંઠયા લોકો તેનાથી વાકેફ હતા.

અપહરણ કેસના કાચા કામના કેદી રાજેશ્વરના એડવોકેટ કાર્તિકે જામીન અરજી તૈયાર કરવાનું શરૂ જ કર્યું હતું ત્યાં ટી.વી. ચેનલોમાં બ્રેકિંગ ન્યુઝ શરૂ થઇ ગયા.

" અપહરણ અને સેન્ટ્રલ જેલના હત્યા કાંડમાં ચોંકાવનારો ધડાકો....ટોચના એક રાજકીય નેતાને પણ મળી ધમકી "

કાર્તિક દંગ રહી ગયો હતો. જોકે તેના ચહેરા પર વધુ ખુશી પણ ફરી વળી હતી. કેમ કે પી.આર. કન્સલ્ટન્સીના ટોચના બે મહારથીઓના અપહરણ કેસમાં હાલ જેલમાં રહેલા તેના અસીલ રાજેશ્વર જેલમુકત થાય એ દિવસ હવે વધુ દૂર ન્હોતો.

પોલીસ કમિશનર અભય કુમારના બંગલામાંથી બે લાશ મળી આવવાની ઘટના બાદ હવે ટોચના એક રાજકીય નેતાને પણ મળેલી ધમકી મળવાની ઘટના એવા નવા લીગલ ગ્રાઉન્ડ તરીકે ઉપસી આવ્યા હતા જેમાં આ સમગ્ર ભેદી મામલામાં રાજેશ્વર નહીં પણ અન્ય કોઈ ભેજાબાજની સંડોવણી છે તેવા સંકેત મળતા હતા. જેના આધાર પર કાર્તિકે ફટાફટ રાજેશ્વરની જામીન અરજી તૈયાર કરી નાંખી.

આ પછી કોર્ટે જવાને બદલે પહેલા નાયબ પોલીસ કમિશનર સૂર્યજીત સાથે વાત કરવાનું નક્કી કરી લીધું. તે સડસડાટ સૂર્યજીતની ઓફિસે પહોંચ્યો. જોકે સૂર્યજીત તેની ઓફિસમાં હાજર ન્હોતા. કાર્તિકે તુર્ત જ તેમને મોબાઈલ ફોનથી રિંગ કરી.

" યસ કાર્તિક...." સૂર્યજીતે કોલ રિસિવ કરતા કહ્યું.

" નમસ્તે સર... મેં રાજેશ્વરની જામીન અરજી તૈયાર કરી લીધી છે ને હવે અદાલતમાં તે દાખલ કરવા જઈ રહયો હતો પરંતુ મને એમ લાગ્યું કે કોર્ટે જતા પહેલા આપણે મળતો જાવ." કાર્તિકે ફોન કોલ કરવા માટેનો હેતી સ્પષ્ટ કર્યો.

" વેરી ગૂડ કાર્તિક. નાવ યુ હેવ ટુ ન્યુ લીગલ ગ્રાઉન્ડ્સ. આ એવા અણધાર્યા કાનૂની વળાંકો છે જે રાજેશ્વરને છોડાવવામાં મદદરૂપ થઇ શકશે. જોકે અત્યારે તો હું ફ્રી થઇ શકું એવી સ્થિતિમાં નથી, અન્યથા આપણે જરૂરથી મળ્યા હોત."સૂર્યજીતે દિલગીરી વ્યક્ત કરી.

" કાંઈ વાંધો નહી સાહેબ, પણ આપને એક ખાસ વિનંતી કરવાની છે........." કાર્તિક વધુ આગળ બોલે એ પહેલા જ સૂર્યજીતે તેને તેની વણકહી વિનંતીનો જવાબ આપતા કહ્યું કે," કાર્તિક હવે રાજેશ્વરને જેલમાંથી જામીન પર છુટતા કોઈ અટકાવી શકે એમ નથી. સરકારી વકીલ પણ નહી. હવે બોલો કાર્તિક...."

" સર થેંક યુ વેરી મચ ફોર યોર કોઓપરેશન "

" ઈટ્સ ઓકે કાર્તિક... અદાલતમાંથી સાંજે ફ્રી થાવ પછી આપણે મળીશું. મારે તમોને એક બીજી ખાસ વાત પણ કરવાની છે. ઓકે? બાય..."

" ગૂડ બાય સર..." વાતચિત પુરી કર્યા બાદ કાર્તિક કોર્ટે પહોંચ્યો. તેને જામીન અરજીની નોંધણી કરાવી ને પછી પોતાના અન્ય કામોમાં જોતરાઈ ગયો. કામમાં સાંજ ક્યારે પડી ગઈ તેને તેની ખબર જ ના રહી. નાયબ પોલીસ કમિશનર સૂર્યજીતને મળવા જવાનું તેને યાદ આવતા જ તેણે તેમને ફોન કર્યો. સૂર્યજીતે તેને પોતાના ઘેર બોલાવી લીધો. કાર્તિક ત્યાં પહોંચતા જ સૂર્યજીતે તેને આવકાર્યો. તેઓએ ડ્રોઈંગ રૂમમાં સોફા પર સ્થાન જમાવ્યું. સૂર્યજીતે કિચનમાં બે કોફી બનાવવા સૂચના આપી વાત શરૂ કરી. કાર્તિકને એ જાણવાની તાલાવેલી હતી કે, સૂર્યજીત તેણે કઈ ખાસ વાત કરવા માંગે છે?

*****

એજન્ટ વિજયે તેને સવારે ઢંઢોળીને ઉઠાડ્યો ત્યારે છેક મુકેશને ખબર પડી કે સવારના નવ વાગી ગયા છે. મુકેશ એકાદ કલાકમાં ફ્રેશ થઇ વિજયની સાથે નાસ્તો કરવા બેસી ગયો. નાસ્તા દરમ્યાન જ વિજયે ગત રાત્રિએ પાર પડેલા એક ખાનગી કારસ્તાનની વાત અધુરી વાત વિશે પૂછતા મુકેશે તેને સમગ્ર ઘટના કહી સંભળાવી દીધી. રણના છેવાડાના એક નાનકડા ગામમાં કિલ્લા જેવા દેખાતા એક વિશાળ મકાનમાં આશરો લેનારા મુકેશ અને વિજયે હવે ત્યાંથી સરહદ પાર એક ખોફનાક ખાનગી ઓપરેશન પાર કરવાનું હતું. તેઓએ હજુ સરહદ પાર કરવાની બાકી હતી. અલબત ત્યાંથી બોર્ડર વધુ દુર ન્હોતી.

સત્યપ્રકાશે સરહદની પેલે પાર વિદેશી ધરતી પર એક ખુબ જ જોખમી મિશન પાર પાડવા માટે રવાના કરેલા પોતાના બે બાહોશ એજન્ટ વિજય અને મુકેશને કેટલીક મદદની પણ જરૂર પડે એમ હતી જે ઉપલબ્ધ બની ચુકી હતી. જોકે આમછતાં પણ આ મિશનમાં ભૂલને કોઈ અવકાશ ન્હોતો જ. એજન્ટોની એક મામૂલી ભૂલ પણ તેઓને મોતના મુખમાં ધકેલી શકે એમ હતી. સરહદની સાવ નજીક આવેલા આ ગામમાં સત્યજીતના કેટલાક સહાયકો પણ રહેતા હતા. તેઓની સાથે અગાઉથી જ સત્યજીતની વાત થઇ ચુકી હતી. સહાયકોએ વિજય અને મુકેશને એ સમજાવ્યું કે તેઓએ રણની કપરી યાત્રામાં કેવી કેવી કાળજી રાખવી. રણમાં કેટલાક કિ.મી.નું અંતર કાપ્યા બાદ જ તેઓ સરહદ ક્રોસ કરી શકાશે. રણની આ યાત્રા આજે રાત્રે કે પછી કાલે રાત્રે શરૂ થવાની હતી. આજનો દિવસ તો મુકેશ અને વિજયે આરામમાં જ પસાર કરવાનો હતો. જોકે તેઓએ આરામ કરવાને બદલે ગામમાં ચક્કર મારવાનું અને ત્યારબાદ રણમાં થોડાક અંતર સુધી ફરવા જવાનું નક્કી કરી નાંખ્યું. સત્યપ્રકાશના સહાયકોને જાણ કરી બંને જણા નીકળી પડ્યા.

સરહદ પાર થોડા દિવસો પૂર્વે જ એક એવી હિલચાલ શરૂ થઇ હતી જેના પડઘા તાજેતરમાં જ પડ્યા હતા. પી.આર. કન્સલ્ટન્સી કંપનીના ટોચના બે પદાધિકારીઓના અપહરણ થયા હતા અને ત્યારબાદ થોડા દિવસો પછી સેન્ટ્રલ જેલમાં બિહામણો હત્યાકાંડ સર્જાયો હતો. એજન્ટ મુકેશ અને એજન્ટ વિજયને તેના બોસ સત્યપ્રકાશ તરફથી સરહદની પેલે પાર મોકલી એક ખાનગી મિશનને તેના આખરી અંજામ સુધી પહોંચાડવું ખુબ જ આવશ્યક બની ગયું હતું. રણમાં ફરતા ફરતા મુકેશ અને વિજયે પોતાની રણનીતિ તૈયાર કરી લીધી. તેઓએ પોતે શું કરવા માંગે છે અને કેવી રીતે એ કામ પાર પાડવા ઈચ્છે છે તેની ચર્ચા ગામના કિલ્લામાં પોતાને આપવામાં આવેલા ઉતારામાં કરવા ન્હોતા ઇચ્છતા. એટલા માટે જ તેઓ રણમાં ફરવા આવી ચડ્યા હતા.

*****

ઇન્ટેલિજન્સ ચીફ જ્યોર્જ ડિસોઝાએ રવાના કરેલા પોતાના પાંચ વિશ્વાસુ અને વફાદાર ઓફિસરોને એ ખ્યાલ આવી ગયો હતો કે, સોના ચાંદીના મોટા વ્યાપારી તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા લક્ષ્મીકાંત અને શિપિંગ બિઝનેસના મહારથી ગોપાલદાસ દ્વારા રૂ. ૨૦ કરોડની રકમ રાજ્યના નાણા મંત્રી અનંતરાયને પહોંચાડવામાં આવી હતી. પાંચેય ઇન્ટેલિજન્સ ઓફિસરોએ અધિરાજના ચક્રવ્યૂહમાં ઘુસવા માટે સર્વપ્રથમ તો અનંતરાયના ગ્રુપમાં સામેલ થવું જરૂરી હતું. આ માટે તેઓએ એક વચેટિયાને પોપટના વિશ્વાસમાં લઇ તણા જ મારફત પોતાના બે ખાસ વિશ્વાસુ માણસોને કામે રાખવાની ગોપાલદાસને ફોન પર સ્પેશિયલ ભલામણ કરી દીધી. ત્રણેય જણા એક કારમાં બેસી ગોપાલદાસે જણાવેલા સરનામે તેની ઓફિસે પહોંચી ગયા.

આ મુલાકાત દરમ્યાન ગોપાલદાસના કોઈ પણ સવાલનો સ્વસ્થતાથી જવાબ આપવાની બંને ઓફિસરોએ પુરી તૈયારી કરી લીધી હતી. જોકે તેઓના આશ્ચર્ય વચ્ચે ગોપાલદાસે પેલા વચેટિયાની ભલામણને કારણે પ્રાથમિક પૃચ્છા કરવા સિવાય વિશે કશું જ પુછ્યું ન્હોતું. હા, તેઓની નિપૂણતા ક્યા કયા કામોમાં છે તેની વિગતો ગોપાલદાસે જરૂર માંગી હતી. બંને ઇન્ટેલિજન્સ ઓફિસરોને આવા જ કાંઇક સવાલનો ઇંતેજાર હોય તેમ તેઓએ પોતે ભૂતકાળમાં કોઈને કાનો કાન ખબર ના પડે એમ કેવા કેવા ભેદી નાણાકીય વ્યવહારો કર્યા છે તેની જાણકારી આપી. ઉપરાંત તેઓ ફાઈટ કરવામાં માસ્ટર હોવાનું તેમજ કોઈ પણ હથિયાર ચલાવવામાં કાબેલીયત ધરાવતા હોવાનું જણાવતા જ ગોપાલદાસ ખુશ થઇ ગયા. તેને આવા જ ચપળ અને હોશિયાર માણસોની જરૂર હતી. ગોપાલદાસે એ બંનેને કાલથી જ કામ પર આવી જવાની સૂચના આપી હતી. આમ આ મુલાકાતમાં ગોપાલદાસ અને બંને ઇન્ટેલિજન્સ ઓફિસરોનું કામ થઇ ગયું. આ મુલાકાત પુરી થઇ ગયા બાદ બંને ઓફિસરોએ વચેટિયાને બાકી રહેતી દોઢ લાખ રૂપિયાની રકમ પણ પણ ચૂકવી આપી.

( વધુ આવતા અંકે....)

*****