Diwali saafsafai puran books and stories free download online pdf in Gujarati

દિવાળી સાફસફાઈ પુરાણ

દિવાળી સાફસફાઈ પુરાણ

દિવાળી આવે એટલે બધા દિવાળી પર નિબંધ પૂછતા થઇ જાય કે દિવાળી માં કેટલા તેહવારો? ધનતેરસનાં દિવસે આઈસ્ક્રીમ જોડે ડબ્બા ફ્રી આવે, કાળીચૌદશે કુંડાળા જોડે વડું ફ્રી આવે, દિવાળીમાં કશું ફ્રી નાં આવે પણ કોઈનો ફટાકડો ફૂટ્યા વગરનો તમને મળી જાય તો એ ફ્રી માં મળ્યો ગણાય. આમ, દરેક કવિઓ હોય કે લેખકો હોય એમણે બસ દિવાળીમાં જેમ દીપ પ્રજવલિત થતા હોય એવી રીતે પોતાના શબ્દોનાં પ્રકાશથી દિવાળીને દિપાવી દીધી છે. દિવાળીની ઝાકમઝોળ વચ્ચે આપડે તેની પાછળ રહેલી માફ કરશો એની પહેલા રહેલી સાફ સફાઈની કથાનું કોઈ એ પારાયણ કરાયું જ નથી. આમ આ વિષય હમેશા ધૂળ ખાતો જ રહ્યો છે એના પર બહુ ઓછો પ્રકાશ પડ્યો છે અથવા તો સાફસફાઈ જ થઇ નથી.

દિવાળી પહેલા આવતા દિવસો એ ખરેખર કઠીન પરિશ્રમ અને મહેનત માંગી તમને સમજાવશે કે કેમ આપણે દર વર્ષ આમ તો રોજે રોજ સફાઈ કરતા હોવા છતાં દિવાળી કામ કાઢ્યું છે એમ કરીને સાફસફાઈ કરવા મંડી પડીએ છીએ. સ્વામી વિવેકાનંદ એ જો ‘’ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ‘’ આ સૂત્ર જો દિવાળી સમયે લખ્યું હોત તો ‘’ ઉઠો જાગો અને માળિયા, પંખા અને ઘરનો ખૂણે ખૂણો સાફ નાં થાય ત્યાં સુધી મંડ્યા રહો ‘’ એવું સૂત્ર થઇ જાત.

કોઈ પુરાણોમાં દિવાળી પહેલાની સાફ સફાઈનું મહત્વ જ સમજાવામાં નથી આવ્યું. બધા ફક્ત એટલું કહે છે કે નવું વર્ષ આવે એટલે અને દિવાળી એ મહાલક્ષ્મી આપડા ઘરે પધારવાના હોય તે હેતુથી આપડે દિવાળી પેહલા સાફસફાઈનું અભિયાન ચલાવીએ છીએ. આ અભિયાન ગુજરાતમાં તો ખૂણે ખૂણે સુધી વ્યાપેલુ છે એટલે જ આપણા પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમણે બીજી ઓકટોબરને સ્વચ્છતા દિવસ જોડે જોડી દીધો. એની પાછળ બે કારણો હોઈ શકે, એક ગાંધીજીને પણ સ્વચ્છતા ગમતી હતી અને એ પણ ગુજરાતી હતા અને આપડા વડાપ્રધાન ને ખબર છે કે ઓકટોબર મહિનાની આસપાસ જ દિવાળી આવે એટલે ગુજરાતમાંથી તેમના સ્વચ્છતા અભિયાન ને આ મહિનાઓમાં ફૂલ સપોર્ટ મળવાનો છે એ વાત નક્કી છે અને તેમની ધારણા મુજબ થયું પણ ખરું. માત્ર દિવાળીની સાફસફાઈ કરતા લોકો પોતાના ઘરની સાફસફાઈ ને પણ દેશ જોડે જોડી ને જોવા લાગ્યા .

આ બધું તો બરોબર પણ મૂળ મુદો પાછો એ આવે કે આપણે આ સાફસફાઈ ની જરૂર શું છે ? કેમ આપડે દિવાળી પહેલા જ આ સાફસફાઈ કરીએ છીએ જ્યારે આપણે આવી સાફસફાઈ વર્ષમાં ગમે ત્યારે કરી શકીએ તો પછી દિવાળી સમયે જ સાફસફાઈ કેમ અને આ સાફસફાઈથી આપણને શું ફાયદો થાય છે ? તો દિવાળી ની સાફસફાઈથી થતા ફાયદા આપણે નીચે મુજબ વર્ણવી શકીએ :

* પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે

દિવાળી નો તેહવાર નજીક હોય એટલે કે રજા અને વેકેશન પણ નજીક હોય પરંતુ આખું વર્ષ કોઈપણ નાની નાની બાબતોમાં તકરાર કરનાર પતિ પત્ની જો દિવાળી સમયે સાથે સાફસફાઈ કરે તો તેમના વચ્ચે નો પ્રેમ વધે છે , તમે વિચારો કેવું આહલાદક વાતાવરણ હોય પતિ બરમુડા પહેરીને ઝાડું લઈને કરોળિયાનાં જાળા પાડતા પહેલા એ જાળા માંથી પોતાની બુકાની પહેરીને ટેબલ પકડીને ઉભેલી પત્ની ની આંખોમાં જુવે અને પત્ની પણ ધીમે ધીમે જાણે આંખોથી પ્રેમનો સ્વીકાર કરતી હોય એ રીતે પતિને હજી પેલી બાજુનાં જાળા પાડવાનાં રહી ગયા એમ કહી ને જાળા પડાવી પડાવીને પોતાની સાથે વધારે સમય વિતાવવા માટે આકર્ષે. બીજો એક સીન વિચારીએ તો પતિ અથવા તો પત્ની માળિયે ચઢ્યા હોય, માળિયામાં સાવરણી ફેરવાતી હોય ધૂળની ડમરીઓ ઉડતી હોય પતિ પત્ની બન્નેએ મોઢે બુકાની બાંધી હોય બોલીવુડનો કોઈ સીન હોય એવું લાગે બસ ખાલી બેકગ્રાઉન્ડમાં સોંગની ખોટ પડે પણ સાવરણી નો અવાજ નો મધુર સ્વર વચ્ચે અને આ ધૂળની ડમરીઓ વચ્ચે ફક્ત આંખોનાં ઇશારાથી હજુ પેલો ખૂણો બાકી છે એ સાફ કરવાનો ઈશારો મળે અને વગર બોલે જાણે પ્રેમની ભાષા પતિ અથવા તો પત્ની સમજી ગયા હોય એમ એક બીજાની મદદ કરે અથવા તો કપડાનું પોટલું લઇ ને ધાબે ધગધગતી ગરમીમાં કપડા પાથરીને તપાવા મુકે ત્યારે તેમની વચ્ચેનો પ્રેમ પણ ધગધગતો હોય છે. ખરેખર આવા સીન હોવા છતાં ખબર નહિ કેમ કોઈ અર્બન ગુજરાતી મુવી વાળા આવા સીન પર ધ્યાન આપતા નથી. પંખો સાફ કરવા ચઢેલા પતિનાં પોતામાંથી નીચે સીડી પકડીને ઉભેલી પત્ની પર જાણે ધીમો વરસાદ પડતો હોય એમ પોતા ના પાણીનાં ટીપાં પડતા હોય આવા રોમેન્ટિક સાફસફાઈનાં કારણે જ દિવાળી પેહલા સાફસફાઈનું માહત્મ્ય છે જે પતિ પત્ની સાથે મળીને ઘરની સાફસફાઈ કરે છે તેમની વચ્ચેનો પ્રેમ જાણે સાવરણી અને પોતા જેવો થતો જાય છે જાણે એકબીજા વગર ચાલે જ નહિ અને એકબીજા માટે જાત ઘસી નાખે .

* વૈજ્ઞાનિક ધોરણે દિવાળી પેહલા સાફસફાઈ નાં ફાયદા

કેટલાક લોકો એવું વિચારે છે કે દરેક તેહવારો પાછળ વિજ્ઞાન છુપાયેલું છે. દા.ત શ્રાવણ મહિનામાં ચોમાસું પણ હોય અને ચોમાસામાં પેટ ખરાબ થાય એટલે ઉપવાસ કરવો પડે આમ એની પાછળ વિજ્ઞાન રહેલું છે. આમ, દિવાળીની સાફસફાઈ પાછળ પણ વિજ્ઞાન રહેલું છે. આપણ ને જેમ વિટામીન ડી અને સૂર્યનાં તડકાની જરૂર પડે એમ ઘરના ગાદલા, ઓશિકા, કવર, ઓઢવાના, વાસણો વગેરેને પણ તડકા અને વિટામીન ડી ની જરૂર પડે જેથી તેમને તડકે મુકવાથી તેમને પણ વિટામીન મળી રહે છે વિજ્ઞાનીનો કહે છે કે હવાફેર કરવાથી નવા વાતાવરણમાં જવાથી સ્વભાવમાં સુધારો થાય છે. ગરોળીઓ વગેરે માળિયામાં બેઠા બેઠા કંટાળી ગઈ હોય, વંદા પણ રોજ બુટ અને ટોયલેટમાં ફરી ફરીને બોર થઈ ગયા હોય આ બધા આપણા પારિવારિક સદસ્યો જેવા જ વર્ષો થી થઈ ગયા હોય છે. એમના સ્વભાવમાં હવાફેર થી સુધારો થાય છે અને પરિવારનાં એક સભ્યનો સ્વભાવ સુધરે તો બધા સભ્યોનો સ્વભાવ સુધરે છે. આમ સાફસફાઈથી સ્વભાવમાં પણ ફરક આવે છે. તદઉપરાંત કબાટમાં પાથરેલા જુના છાપા હટાવી નવા છાપા મુકતી વખતે મગજ જુના નવા સમાચારો વાગોળે છે આ રીતે મગજનો વિકાસ થાય છે અને માનવીએ સુગંધિત વાતાવરણમાં રહેવું જોઈએ એવું વિજ્ઞાન કહે છે તો ડામરની ગોળીઓની સુગંધ, કપડામાં રહી ગયેલા અતરની સુગંધથી મનપ્રફુલ્લિત રહે છે. આમ દિવાળી પહેલા આવી સાફસફાઈ કરનારાઓનો તહેવાર સાફસફાઈ ના કરનારાનાં તહેવાર કરતા વધારે સારો જાય છે એવું એક રીસર્ચ રિપોર્ટ કહે છે.

* મહેમાનો/પાડોશીમાં દેખાડો કરવા પણ સાફસફાઈ જરૂરી

કેટલાક લોકો ફક્ત દેખાડો કરવાના આશયથી પણ દિવાળીની સાફસફાઈ કરતા હોય છે. આડોશી પાડોશી પૂછે કે નાં પૂછે જુઓને દિવાળીનું કામ ચાલે છે, સોફા બેડ વગેરે ખસેડા ખસેડીનો અવાજ ના આવે તો દિવાળી આવી જ ના કહેવાય એ હેતુથી પણ કેટલાય લોકો સાફસફાઈ કરતા હોય છે. ઘણા પડોશીઓ તો ટાંપીને બેઠા હોય છે કે આ વખતે તમે સોફાસેટ બહાર તપાવા નથી મુક્યો ? પેલું મોટું ગાદલું હતું એ આ વખતે તપાવતી વખતે દેખાતું નથી ? આમ ઘણીવાર પડોશીઓ ને તપાવા પણ ધાબે ગાદલા ઓશિકા તપાવા જરૂરી હોય છે જેમ સ્કુલમાં ઇન્સ્પેકશન આવતું એમ બેસતું વર્ષ એ મહેમાનો દ્રારા આપણા ઘરનાં ઇન્સ્પેકશન જેવું છે. આપણે સાફસફાઈ કરીને રાખી હોય અને મહેમાનો આવી ને કદાચ આપણા માળિયે ચઢીને જુવે કે માળિયું સાફ છે કે નહિ, આપણે તાંબાપીતળનાં વાસણોને કલાઈ કરાવી છે કે કેમ આ બધું ચેક થવાના ભયે પણ દિવાળીની સાફસફાઈ કરવી અત્યંત જરૂરી છે .

આમ અલગ અલગ કારણોસર જીવનમાં દિવાળી પહેલાની સાફસફાઈ અત્યંત જરૂરી છે. બાકી વર્ષ દરમિયાન તમે સાફસફાઈ કરો કે નાં કરો કોઈ પૂછતું નથી કોઈ કહેતું પણ નથી. પણ દિવાળી પહેલા તો સાફસફાઈ કરવી જ પડે છે. હવે ડીજીટલ યુગમાં મોબાઈલનાં વોટસએપ ફોલ્ડર , ડેકસ્ટોપ પર દેખાતી ડસ્ટબિન પણ સાફકરીને લોકો એને દિવાળીની સાફસફાઈમાં ગણી લેતા હોય છે. તો તમારી દિવાળી પણ સાફસુથરી અને આનંદદાયક જાય અને આવનાર નવું વર્ષ પણ મંગલકારી રહે એવી શુભેચ્છાઓ સાથે અસ્તુ .


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED