એક ભૂતની આત્મકથા Laghar vaghar amdavadi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ભૂતની આત્મકથા

એક ભૂતની આત્મકથા

વર્ષો પેહલાની વાત છે, પહાડોની વચ્ચે જ્યાં નદીઓ વહેતી હતી, જ્યાં સુરજનું પેહલું કિરણ પડે થી ખેતરમાં રહેલી હરિયાળીઓ અને ફૂલો મેહકી ઉઠતા હતા, જ્યાં પંખીઓનો કલરવ સદાય સાંભળવા મળતો હતો, જ્યાં દૂર દૂર સુધી કોઈ દેખાય નહી એવું એક ‘’દૂરપુર’’ કરીને નગર હતું. એ નગરને મારી આત્મકથા જોડે કોઈ લેવાદેવા નથી. આ તો બસ મારી આત્મકથાની શરૂઆત કેવી રીતે કરવી એ ખ્યાલ નહતો આવતો એટલે તમને થોડાક વર્ષો પાછળ દૂરપુરમાં ફેરવ્યા, કેમકે મોટા લેખકો આત્મકથા લાંબી કરવા આવી રીતે ગોળ ગોળ ફેરવતા હોય છે ત્યારેજ આત્મકથા પોપ્યુલર થઇ જાય છે

આજે હું ભૂત તરીકે મેં જોયેલા અનુભવો અને ભૂત-સમાજ પર માનવોનાં નજરીયા અને અભિગમ વિષે લખવા જઈ રહ્યો છું. આ આત્મકથા લખવા મારે એક પેન અને કાગળ જોઇશે અથવા તો એવો કોઈ વ્યક્તિ જોઇશે જેને ગુજરાતી ટાઈપીંગ આવડતું હોય જેથી હું એના શરીરમાં પ્રવેશ કરીને મારી આત્મકથા લખી શકું. બાકી તમે કહેશો કે ભૂત થોડી આત્મકથા લખી શકે, આત્મકથા લખવા માટે હું કોઈ મોટા લેખકોનાં શરીરમાં પ્રવેશ નાં કરી શકું કેમકે લેખકોનાં મગજમાં આમેય ભૂતિયા વિચારો ચાલુ જ હોય છે એટલે કોઈ સસ્તો લઘર વઘર લેખક શોધી એના શરીરમાં પ્રવેશ કરીને આ આત્મકથા લખી રહ્યો છું.

આ આત્મકથા ઓછી અને ભૂતસમાજ પ્રત્યે માનવ સમાજમાં રહેલી માન્યતાઓ દૂર કરવાનો પ્રત્યન વધુ છે, મોટા ભાગની સિરિયલો અને મુવીમાં ભૂતને એકદમ કદરૂપા, લોકોને ડરાવવાવાળા દેખાડવામાં આવે છે એવું કઈ હોતું નથી. અમારા સમાજમાં પણ મારી જેમ સ્માર્ટ અને હેન્ડસમ ભૂતો પડ્યા છે, આ તો હું થોડો વહેલા ગુજરી ગયો અને ભૂત થઇ ગયો બાકી કોઈ ગુજરાતી અર્બન મુવીમાં હીરો તરીકે હું ચાલી જાઉં એવો હતો અને જો કોઈ બિલ્ડર મળી ગયો હોત તો ફાયનાન્સ શોધીને પોતાનું જ એક અર્બન ગુજરાતી મુવી પણ રીલીઝ કરી નાખત પણ એવું થઇ શક્યું નહી. જીવતો હતો ત્યારે મેં પણ તમારી જેમ ઝી હોરર શો જોયેલા અને કલર્સ પર પણ સિરિયલો જોયેલી એટલે હું પણ ભૂત સમાજ પ્રત્યે ગ્રંથી બાંધીને બેઠો હતો કે ઝી હોરર શો માં તો એવું બતાવાતું કે હું મોટાભાગે ખાલી બંગલામાં રહું મોઢા પર કોથળી પેહરી હોય કેમકે મારું મોઢું કોથળીથી ઓઢાડી મારી હત્યા કરવામાં આવી હોય દરેક વખતે કેમેરા આમથી તેમ ફરે પણ હું દેખાઉં નહી, અચાનક દરવાજાનાં મિજાગરામાંથી અવાજ આવે, સામાન્ય માણસ ત્યાં જઈને જોવે તો કોઈ ના હોય, રસોડામાં વાસણ પડવાનો અવાજ આવે, સામાન્ય માણસ ત્યાં જઈને જોવે તો ત્યાં એક બિલાડી હોય જેના કારણે વાસણ પડ્યા હશે તેવું માનીને સામાન્ય માણસ આગળ વધે પછી અચાનક જ એક ચીસનો અથવા તો જો કોઈ લેડી ભૂત હોય તો એની ઝાંઝરનો અવાજ આવે, લેડીઝ ને પહેરવા ઓઢવાનો શોખ બહુ જબરો ભૂત બન્યા પછી પણ ઝાંઝર પેહરીને રાખે, મોટા ભાગે લેડીઝ ભૂત સફેદ સાડી અને હાથમાં મીણબતી લઈને ચાલતું બતાવે, રામસે બ્રધર્સનું ભૂત હંમેશા કબ્રસ્તાન માં રહેતું હોય વગેરે વગેરે બતાવે.

ભૂતો વિરુદ્ધ એવી માન્યતાઓ પણ બતાવામાં આવે છે કે ભૂત અરીસામાં દેખાતા નથી, ભૂતના પગ ઉંધા હોય છે, ભૂત પીપળા પર લટકે છે, ભૂતના ફોટા આવતા નથી અથવા તો આવે તો બ્લર થયેલા આવે છે, ભૂત રાત્રે હાઈવે પર એકસીડન્ટ કરાવા આવે છે, આ બધી માન્યતાઓ ખોટી છે અમને ભૂતોને પણ પહેરવા ઓઢવાનો ઘણો શોખ હોય છે. અમે પણ તમારી જેમ સારા સારા કપડા પહેરીને ફરીએ છીએ. તમને માનવોને તો સારા કપડા ખરીદવા માટે ફ્લીપકાર્ટ અને એમેઝોન કે મંત્રાનાં સેલની રાહ જોવી પડે. અમારે ભૂતો ને તો એવું કઈ નહી ડાયરેક્ટ ગોડાઉનમાં જઈને જે ગમે એ પેહરી લઈએ, ભૂતોને એવું બતાવામાં આવે છે કે મોઢે કોથળી પેહરતું હોય અમારા સમાજમાં એવું કઈ હોતું નથી આ અમુક ભંગારનાં વેપારીઓ જ્યારે મર્યા પછી ભૂત બન્યા હોય ત્યારે એ લોકો કોથળીઓ પહેરતા હોય છે પણ એ તો એમની એક બીઝનેસની રીત છે.

ભૂતોને પણ કેમેરામાં આવવાનો શોખ હોય છે પણ ઘણીવાર કેટલાક લોકોને કેમેરા વાપરતા નથી આવડતા એટલે બ્લર ફોટા પાડે અને પછી ભૂતોને બ્લેમ કરે છે કે ભૂત કેમેરામાં દેખાતું નથી પણ દેખાય તો આવું દેખાય છે, બીજું અમે ભૂતોમાં મર્યા પછી પુરૂષ અને સ્ત્રી જેવું કઈ નાં હોય પુરૂષ અને સ્ત્રી બન્ને હોય તો એક આત્મા જ, તો પછી મર્યા પછી સ્ત્રીઓ ભૂત રૂપે સફેદ સાડી પહેરીને મીણબતી લઈને કેમ ફરે ?? સફેદ સાડીનું તો છોડો પણ મીણબતી શું કામ રાખીએ, અમારે કયા દિવસ અને રાત હોવાના, અમારે માટે તો બધુ એક સમાન છે. મોટા ભાગે ભૂત રાત્રે જ નીકળે છે એ તો તદન ખોટી વાત છે .

અમે ભૂતો કઈ ઉતર પ્રદેશમાં થોડા રહીએ છીએ કે દરવખતે મીણબતી લઈને નીકળીએ. બીજું કે અમે ગરમ ગરમ મીણબતી હાથમાં પકડીને શું કામ ફરીએ જ્યારે અમને ખબર છે કે ટોર્ચ આવી ગઈ છે. સેલ વાળી અને મોબાઈલમાં પણ હવે ટોર્ચ હોય છે તેમ છતાં અમે મીણબતી લઈને ફરીએ છે એવું ફક્ત અમારા ભૂત સમાજને પછાત ચિતરવા માટે જ બતાવામાં આવે છે. બીજું એવું બતાવે છે કે, મુવીમાં કે ફોટોમાં અમે આવતા નથી અરે પણ અમે ફેસબુક, ઇન્સ્તાગ્રામ, ટ્વીટર વાપરતા નાં હોઈએ એનો મતલબ એવો થોડો કે અમારા ફોટા સારા નહી આવતા હોય અથવા તો અમે કેમેરા સામે દેખાતા પણ નહી હોઈએ અમારી અલગ ભૂત કોમ્યુનિટીની સાઈટો હોઈ શકે જ્યાં અમે સેલ્ફી પણ અપલોડ કરતા હોઈએ એવું પણ બને, પણ કોઈ દિવસ અમને એ બાબતે મીડિયા હાઈલાઈટ નથી મળતી એ બાબતનું મારી આત્મકથા શું દરેક ભૂતની આત્મકથામાં દુઃખ રહેશે, બીજું દરેક મુવીમાં હિરોઈન નાહતી હોય ત્યારે જ બાથરૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવે અને અમે ભૂત તરીકે બાથરૂમમાં પ્રવેશીએ એ તો તદન પાયાવિહોણી વાત છે. અમારામાં પણ મેનર્સ જેવું હોય છે કોઈ નાહતું હોય તો અમે એને પહેલા નાહી લેવા દઈએ. બીજું અમે જ્યારે ગમ્મે ત્યાંથી પ્રવેશી શકીએ છીએ તો જે બાથરૂમનાં દરવાજાનાં મિજાગરામાં કોઈએ તેલ પણ નથી પૂર્યું એવા બાથરૂમનાં દરવાજામાંથી અવાજ કરીને શું કામ પ્રવેશીએ? ટુકમાં હું મારી આત્મકથા મારફતે સમાજને ભૂતો પ્રત્યે જાગુત કરવા માંગુ છું. રામસે બ્રધર્સ, મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટએ અમારી એક છાપ ઉભી કરી દીધી છે એ તોડવા માંગુ છું. સાથે સાથે અમારું કરેલું કોઈ તોડી આપે તો રૂપિયા પરત, કાળી ચૌદશનાં દિવસે તાંત્રિક વિધિ કરીને આવેલા છીએ વગેરે વગરે લખનારાઓને હું આ આત્મકથા મારફતે હું જણાવું છું કે, અરે અમને ખબર જ છે કે જ્યારે અમાસ અને કાળીચૌદશનાં દિવસે લોકો અમને બોલાવવા તંત્ર મંત્ર કરવાના છે તો અમે એ દિવસે સ્મશાનમાં રહીએ શું કામ ?

આમ, હું ભૂત બનીને ઘણો સુખી છું અમારા ભૂત સમાજમાં નાત જાતના કોઈ બંધન નથી, હા એક વસ્તુ ચાલુ રાખજો શ્રાદ્ધ પક્ષ આવે એટલે ખીર પૂરી ખવડાવાનું ચાલુ રાખજો કેમકે આ એક જ માન્યતા એવી છે જેનાથી ભૂત સમાજ ને ફાયદો થાય છે .

લી. – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી