હોળી પર PhD Laghar vaghar amdavadi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોળી પર PhD

બોલીવુડ ની હોળી

પુરાણો માં હોળી વિષે જે પણ વાર્તા લખી હોય પણ સોશિયલ મીડિયા તો હોળી ને શોલે મુવી નાં ગબ્બર સિંઘ થી જ ઓળખે છે જેવી હોળી નજીક આવે એટલે લોકો ફૂટી નીકળે છે ગબ્બર સિંઘ નાં ફોટા અપલોડ કરવા અને જેમાં ગબ્બર પૂછતો હોય છે ‘’હોલી કબ હૈ કબ હૈ હોલી ‘’ આ પ્રશ્ન પાછળ ઘણા લોકો એ જીવન ભર રીસર્ચ કર્યું છે કે આવું પૂછવા પાછળ ગબ્બર સિંઘ ને શું કારણ હશે ઘણા તર્કો પણ છે દા.ત એ વખતે પણ આવો કોઈ વિજય માલ્યા જેવા ધૂરધરો હોય જે કેલેન્ડર બહાર પાડતા હોય અને એ વાંચી ને લોકો ને હોળી- ધુળેટી નો ખ્યાલ આવતો હોય પણ અચાનક જ આવા લોકો ને બેંક નો બોજો વધી જવાને કારણે તેઓ રામગઢ છોડીને બીજે વસવાટ કરવા જતા રહ્યા હોય અને નવું કેલેન્ડર બહાર નાં પડ્યું હોય અને ગબ્બર ને ખબર જ નાં હોય કે હવે કઈ તારીખે હોળી છે એવું જેન્યુઈન રીઝન પણ હોઈ શકે , બીજા એક તર્ક પ્રમાણે ગબ્બર ને ઠાકુર નાં હાથ કાપી નાખ્યા હતા પછી કપાયેલા હાથે ઠાકુર તો ગબ્બર ને કલર લગાવી શકવાનો નહતો એટલે ગબ્બર ને ઠાકુર ને રંગવાનાં ઉત્સાહ માં આવીને પણ પૂછતો રેહતો હોય કે હોલી કબ હૈ કબ હૈ હોલી ત્રીજા રીસર્ચ પ્રમાણે કદાચ ગબ્બર પણ હોળી ભૂખ્યા રેહવામાં માનતો હોય અને ઉપવાસ યાદ રહે માટે લોકો ને પૂછતો રહેતો હોય કે અગિયારસ ક્યારે છે અરે સોરી હોળી ક્યારે છે . અને ચોથા કારણ માં તો એવું હોઈ શકે કે કદાચ ગબ્બર ને કલર્સ ની એલર્જી હોય અથવા તો ખોટો કલર કરવો નાં ગમતો હોય અથવા તો ઘણા લોકો ની જેમ કાલિયા , સાંભા વગેરે મિત્રો એણે સિલ્વર પેઈન્ટ થી રંગી દેતા હોય અને માથામાં હીરાકણી નાખી દેતા હોય એ બીક નાં માર્યા ગબ્બર પૂછે રાખતો હોય કે હોળી ક્યારે છે જેવી ખબર પડે કે આ તારીખે હોળી છે એટલા દિવસ સુધી બહારગામ જઈ આવતો હોય જેથી રંગાવાથી બચી શકાય .

કોઈ પણ મુવી જોઈ લો જેમાં હોળી નો સીન હોય તો એમાં હોળી પ્રગટતી એના પર છોકરાઓ પતંગ લગાવતા હોળી નાં લાકડા ખરીદવા માટે ઘરે ઘરે જઈને રૂપિયા અને ઘી નું ઉઘરાણું કરતા નહિ બતાવે હોળી વિષે આપણી બોલીવુડ ફિલ્મો સત્ય થી વેગળી ચાલનારી છે એમને હોળી વિષે કઈજ ખબર નાં હોય એવી છે હોળી આવે એટલે હોળી નાં મૂળ ગીત તરીકે રેડિયો , ટી.વી પર ‘’હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ રંગો મેં રંગ મિલ જાતે હૈ ‘’ અથવા તો ‘’ હોલેયા મેં ઉડેરે ગુલાલ ‘’ અથવા તો ‘’ ભંગ કા રંગ ચઢા હો ચકાચક ‘’ આવા બધા ગીતો વગાડવા ફરજીયાત પ્રકાર નાં હોય છે કોઈ એ રીયાલીટી હોળી ની ક્યારેય બતાઈ નથી કે નાના બાળકો ને રૂપિયા ઉઘરાવામાં કેટલું કષ્ટ પડે છે અંકલ ઘરે નથી એટલે આંટી પચાસ રૂપિયા માટે એવું કહી દે કે રાત્રે તારા અંકલ ઘરે આવે એટલે આવજે , રાત્રે રૂપિયા ઉઘરાવા જાવ તો અંકલ હમણા જ જમીને સુતા છે કાલ સવારે વેહલા આવજે આમ પચાસ રૂપિયા ભેગા કરતા કરતા પચાસ ઘર નાં બે ધક્કા ગણો તોય ૧૦૦ જેટલા ધક્કા થઇ જાય ત્યાર પછી જેમ આ હિસાબો ઓડીટ થવાનું હોય એમ નોટ માં હિસાબો લખવા બેસવું પડે કુલ કેટલા રૂપિયા આયા? ક્યા અંકલ નું એકાઉન્ટ અત્યારથી જ NPA જાહેર કરી દેવાનું છે ? કયા આંટી ને અત્યારથી જ વિલફૂલ ડીફોલ્ટર જાહેર કરવાના છે ? એ બધું લખવું પડે જેથી આવતા વર્ષે કેટલી જગ્યાએ થી ઉઘરાણી નથી આવાની એની ખબર રહે ત્યારબાદ કેટલા રૂપિયા નાં લાકડા લાવવાના છે કેટલા રૂપિયા નું ઘી , પતંગ કોના ઘરે પડ્યા છે , ઘાસના પૂળા કેટલા જોઇશે , કેટલા સુકા છાણા જોઇશે બધાનો એસ્ટીમેટ કાઢવો પડે , અને બધું એટલી માત્રા માં હોવું જોઈએ કે હોળી શણગાર સારો દેખાય કોઈ નજીક માં દરજી રેહતો હોય તો એની જોડે હોળી પર લગાવાની ધજા પણ સિવડાવી પડે , હોળી ની અંદર મુકવાનું માટલું કેટલું મોટું હોવું જોઈએ એની પણ ચર્ચા વિચારણા અને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા પડે ત્યાર બાદ હોળી શણગારવા નું કામ શરુ થાય સાત વાગ્યા નું મૂહર્ત હોય તો છ વાગ્યાની સમય મર્યાદામાં હોળી તૈયાર કરીને મૂકી દેવી પડે આ બધું કોઈ બોલીવુડ મુવીમાં આજ સુધી બતાવામાં આવતું નથી ભલે દરેક મુવીમાં હોળી નો તેહવાર બતાવામાં આવે .

બીજી એક મહત્વ ની વાત મેં કોઈ બોલીવુડ મુવીમાં નથી જોઈ એ છે હોળી ભૂખ્યા રેહવું કોઈ હીરો કે હિરોઈન ને હોળી ભૂખ્યો રહેલો હોય એવું મેં જોયું નથી હોળી ભૂખ્યા રેહવું ઉપવાસ કરવો એ સારામાં સારો ઉપવાસ છે અહી ફરાળ કરવાનું હોતું નથી , ધાણી (પોપકોર્ન ) , ચિકી , મમરા ની ચીકી , સેવ , મમરા બધા વાડકા ભરી ભરીને ખાઈને સાંજ સુધી ભૂખ્યા રેહવાનું હોય છે બહુ અઘરું કામ છે ઘણી વાર તો મમરા ની ચીક્કી દાંત માં ચોટી પણ જાય છે પણ દ્રઢ મનોબળ વાળા લોકો આ ચીકી ઉખાડવા માટે બીજા વઘારેલા મમરા નો ફાકડો મારી દેતા હોય છે જેથી મમરાની ચીકી તરતજ ઉખડી શકે .

બોલીવુડ માં જે બતાવામાં આવે છે એ હોળી નો બીજો દિવસ એટલે ધૂળેટી બતાવામાં આવે છે જેમાં આપડે નોર્મલ માણસો પોતાના કપડા રંગ થી બચાવ માટે જુના અને ઘસાઈ ગયેલા કપડા આ દિવસે પહેરીએ છીએ જેથી રંગ લાગે તો પણ વાંધો નાં આવે જ્યારે બોલીવુડ માં ખબર નહિ પણ કોણે ધૂળેટી ઉજવવાનો ડ્રેસ કોડ સફેદ કપડા નો નક્કી કરી દીધો છે બધા કલર વધારે દેખાય એ માટે મોટા ભાગે સફેદ કપડા પહેરીને ગીતો ગાતા હોળી રમતા જોવા મળે છે , હોળી તેહવાર માં આપડે કોઈ દિવસ ગરબા રમતા નથી પણ એક દીપિકા પાદુકોણ અને રણવીર નાં મુવી માં તો મેં લોકો ને હોળી સાથે ગરબા રમતા જોયા છે , આપડા ત્યાં ધૂળેટીમાં લોકો એક બીજા પર હીરાકણી નાખતા હોય, ડોલે ને ડોલે પાણી રેડતા હોય , કાદવમાં આળોટતા હોય પાકા કલર લગાવતા હોય , એક બીજા નું મોઢું આખું લીલું કરી એનાં નાક પર લાલ કલર કરીને પોપટ બનાવતા હોય , એક બીજા ને સિલ્વર પેન્ટ લગાવતા હોય એવું બધું બનતું હોય છે જ્યારે બોલીવુડ માં ફક્ત જુદા જુદા ગુલાલ ની ઢગલીઓ ઉડતી બતાવતા હોય પલળેળા કપડા માં હિરોઈન નો ડાંસ હોય એક બીજા નાં મોઢા પર મોઢા સ્પષ્ટ પણે દેખાઈ શકે એ માત્રામાં ગુલાલ કે લાલ કલર કરેલો હોય , આમ બહુ જ સારી રીતે ધુળેટી રમતા બતાવામાં આવે છે .

બીજી એક શાંતિ બોલીવુડ વાળા ને એ હોય છે કે એમના ત્યાં મુવી માં હોળી-ધૂળેટી વખતે રામલો સાહેબ હું દેશ જાવ છું એક અઠવાડિયું રહીને આવીશ એવું કહીને જતો રહે અને પછી એક મહિના સુધી નાં આવે એવી સત્ય અને મનવિચલિત કરતી ઘટનાઓ નું ચિત્રણ ક્યારેય કરવામાં આવતું નથી અથવા તો કરવામાં આવતું પણ હશે પણ સેન્સર બોર્ડ આવો રામલો રજા પર જતા સીનો કટ કરી નાખતું હશે કેમકે આનાથી કેટલીયે ઓડિયન્સ નાં માનસ પટ પર વિપરિત અસર થાય એવી છે . તો ભલે બોલીવુડ ની હોળી ટીવી અને રૂપેરી પડદા પર જોવામાં સારી લાગે પણ રીયલ હોળી – ધૂળેટી જેવી મજા બીજે ક્યાય નથી તો હેપી હોળી ખુબ રમો અને ખુબ ઉપવાસ કરો એવી શુભેચ્છા .
લી
– વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી .