લઘરી વાતો
વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી
bhishmakpandit@gmail.com
ગુજરાતી મુવી કેવીરીતે બનાઉં ?
આજકાલ ગુજરાતી મુવી નો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. જે જોવો એ ગુજરાતી મુવી બનાંવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ‘કેવી રીતે જઈશ?’, ‘બે યાર’, ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ વગેરે મુવી લોકો ને થીયેટર સુધી ખેચી રહી છે અને લોકો ગુજરાતી મુવી ને હોશે હોશે માણી રહ્યા છે અને વધાવી રહ્યા છે. પરંતુ ગુજરાતી મુવીનો ઈતિહાસ આટલો સારો કોઈ દિવસ નહતો તમને ખબર છે અમે તો જુના ગુજરાતી મુવી ની રેસેપી પણ નક્કી કરી દીધેલી છે કે એક જ રીતે ગુજરાતી મુવી બનતા હતા .
જુના ગુજરાતી મુવી બનાવતી વખતે એક વાત નું એ લોકો ખાસ ધ્યાન રાખતા મુવી માં સ્ટોરી હોય કે નાં હોય પણ મુવી નું નામ ૧૩ (તેર) અક્ષરો નું ચોક્કસ રાખવું. ખરેખર તો ૧૩ નંબર ને અપશુકનિયાળ ગણવામાં આવે છે પણ ગુજરાતી મુવી બનાવતા લોકો આને શુકન ગણતા અને આ ૧૩(તેર ) અક્ષર નાં નામવાળું મુવી ઓડિયન્સ માટે અપશુકન થઇ જતું હતું . અને હું તો એવા કોઈ તેર લોકો ને પણ નથી ઓળખતો કે જેમણે આ મુવી જોવા ગયા હોય.
જુના ગુજરાતી મુવી બનાવતા હીરો ની ફાંદ નું ખાસ ધ્યાન રાખવામાં આવતું, જેમકે વધારે ફાંદ વાળો હીરો હોય તો મુવી નું વજન વધારે પડે અને લોકો વજનદાર મુવી માણી શકે એ હેતુ હોઈ શકે. બીજું કે દરેક ફાંદ વાળા હીરો એ પોતાની કમર પર દુપટો બાંધવો ફરજિયાત હતો, અને હીરો સાદા કપડા જેવા કે ટ્રાઉઝર, પેન્ટ શર્ટ વગેરે નાં પહેરી શકે એ ઘરમાં પણ કેડિયું પેહરીને જ ફરતો હોય. આપણા જેવા નોર્મલ માણસો ને તો આ કેડિયું પેહરી ને ચાલવામાં અને ગરબા રમવામાં પણ તકલીફ પડતી હોય પણ હીરો એ હીરો હોય છે એ કેડિયું પેહરીને મારા મારી નાં સીન પણ કરી શકે. ભલે પગ ઉચો પણ ના થતો હોય તોય બચારો સામે વાળો ગુંડો પડી જ જાય. હીરો હાથ પગ ની મુવમેન્ટ કરતા ડાયલોગ પર વધારે ધ્યાન આપે એટલે ગુંડા ને મારવાની જગ્યાએ લલકારવા પર અને એની સાથે વાતો કરવા પર બહુ ધ્યાન આપે. એક ફેમસ ડાયલોગ છે ‘’ જેની માં એ સવા શેર સુંઠ ખાધી હોય એ બહાર આવે ‘’ ! સુંઠ નાં ગાંગડે ગાંધી નાં થવાય પણ ગુજરાતી મુવી માં હીરો થઇ શકાતું હતું . ઘણી વાર હીરો ગીતો ગાતી વખતે ગળામાં ઢોલ પેહરેલું હોય એ ઢોલ ને ટેકો એની ફાંદ મારફતે આપતો હોય, આમ ફાંદ વાળા હીરો લેવાનું મહત્વ ગીત આવે ત્યારે સમજાતું હતું .
જુના ગુજરાતી મુવીમાં ગીતો નાં નામે ગરબા હોય માતાજી ની મૂર્તિ મુકેલી હોય એના પર કેમેરો ઝૂમ ઇન , ઝૂમ આઉટ કરી પાછળ બેકગ્રાઉન્ડમાં ગરબો વગાડી હીરો પર કેમેરો ઝૂમ ઇન ઝૂમ આઉટ કરવાનો અને પછી હિરોઈન ને થોડી વાર ગરબા રમતી બતાવાની એટલે ગુજરાતી મુવી નું ટોપ નું ગીત બની જતું. ઘણા હીરો તો એટલા મલ્ટીટેલેન્ટેડ હતા કે ગીતો પણ જાતે ગાતા અને ગીત નાં અંત વખતે માતાજી ની મૂતિ પરથી ફૂલ અથવા તો હાર પડતો બતાવાનો એટલે લોકો ભાવવિભોર બની જતા .
જુના ગુજરાતી મુવીમાં મારા મારી નાં સીન ની સમગ્ર જવાબદારી ગુંડા ની હતી કાળો ભદો ગુંડો હોય તો લોકો ને એના તરફ ખીજ આવે. એવા લોકો ને સિલેક્ટ કરાતા બાથમ બાથી માટીમાં ગોળ ગોળ આળોટવું , જાતે જ કુદીને પડવું , ગોળ ગુલાટ ખાઈ જવી એ એક સારા ગુંડાનાં લક્ષણો હતા. હીરો ની માં ને કિડનેપ કરી લેવી , હિરોઈન ની છેડતી કરવી વગેરે આવડવું ફરજીયાત હતું હીરો ગમે ત્યાં મારે પણ બેગડા કે માટલા તોડી ને જ પડવું એ તો ગુંડા ની એક્ટીગ માં ચાર ચાંદ લગાવી દેતો. આમ ગુંડો જેટલો ખતરનાક એટલું મુવી હીટ.
જુના ગુજરાતી મુવી માં કોમેડિયન માં આપડી જોડે બહુ સ્કોપ નહતા એકજ કોમેડીયન દરેક મુવી માં કોમન હોય અને એ ખાલી ઓ હો હો હો કહે એટલે જ ઓડિયન્સ હસી પડતું હતું.
આમ જુના ગુજરાતી મુવી બનાવા ઘણા સહેલા હતા આટલા બધા ટેકનીકલ નહતા. તો પણ હવે તમારે લોકો ને નવા ગુજરાતી મુવી થી ચલાવી લેવું પડશે શું થાય હવે જે છે એ નવું જ છે ચલાવી લેજો.
ગુજરાતી ચલચિત્ર ‘’કાળજે કોરાણો મારો બોન્ડ સાયબો‘’
હમણા આવેલા મુવી SPECTRE મુવી માં કિસિગ આટલો લાંબો કેમ છે એ અંગે સેન્સર બોર્ડ ને વાધો પડ્યો અને તેમણે કિસિગ સીન ની લંબાઈ બે બલાન છોટી કરદો અથવા તો ડીલીટ કરી દો નાં આદેશ આપી મુવી ભારતમાં રીલીઝ કરવા દીધું. પણ દરેક મુવી ની શરુઆત માં આવતો બીડી સિગરેટ નો ધુમાડો દરેક વખતે મુવી જોવા જતા લોકો ને કર્ક રોગ નહિ થતો હોય એ અંગે સેન્સર બોર્ડે એ ક્યારેય પગલા નથી લીધા એ બાબત નું મને હંમેશા દુખ રહેવાનું . મુકેશ ને ખાસતો જોઈ ઘણા ને એ.સી માં બેઠા બેઠા ખાસી આવી જાય છે એ બાબતે ક્યારેય કોઈ પગલા લેવાતા નથી .
હવે વિચારો આ આખું જેમ્સ બોન્ડ નું મુવી ગુજરાતમાં બન્યું હોય અથવા તો જેમ્સ બોન્ડ પોતે ગુજરાતી બતાયો હોય તો કેવી પરિસ્થિતિ ઉતપન્ન થાય? પહેલા તો આખા મુવી નું બજેટ ઓછું થઇ જાય અને જેમ્સ બોન્ડ ઓમેગા ની ઘડિયાળ ની જગ્યાએ મેક્સિમા ની રૂ. ૩૨૦ ની જેની જોડે એક સેલ ફ્રી વાળી વોટર પૃફ કાંડા ઘડિયાળ પેહરીને ફરતો થઇ જાય. જેમ્સ બોન્ડ મોટા ભાગે સુટ બુટ માં જ જોવા મળે પણ હવે ગુજરાતી મુવી હોવાથી સુટ બુટ પેહરે તો ગુજરાતી મુવી જેવું લાગે જ નહિ એટલે કેડિયું અને કમરે દુપટો બાંધીને ફરવું પડે. આટલુંજ નહીં પણ મોટા ભાગના ગેજેટ કમરે બાંધેલા દુપટામાજ છુપાવા પડે. જેમ્સ બોન્ડ ખાતા પિતા ઘરનો અને સુખી બતાવો પડે એટલે કાર પણ નાનકડી નાં ચાલે નહિતો જેમ્સ બોન્ડ કારની અંદર ઘુસતા જ ફસાઈ જાય.
જેમ્સ બોન્ડ મુવી નાં ટાઈટલ ટ્રેક પણ ચેન્જ કરવા પડે ટેકનેક ટેક્નેક ના ચાલે સાથે કોઈ ગરબા સાથે મુવી શરુ થવું જોઈએ જેથી નવરાત્રી દરમિયાન ગરબા વગાડી મુવી ની કમાણી વધારી શકાય. કદાચ મુવી ની કમાણી કરતા ગરબા નાં રાઈટ્સ વેચી ને વધારે કમાણી થઇ જાય. SPECTRE જેવું અઘરા નામ વાળું મુવી પણ નાં ચાલે, થોડો પ્રેમ થોડું વેર નાખવું પડે જેમકે ‘’ કાળજે કોરાણો મારો બોન્ડ સાયબો ‘’ જેવું કઈક નામ રાખવું પડે. My Name is Bond James Bond આ ડાયલોગ પણ થોડો લાંબો કરવો પડે તો જ ગુજરાતી મુવીમાં ઉઠાવ આપે. હું કોણ? વટનો કટકો! મારું નામ ગામના પાદરે જઈ ને કોઈને પણ પૂછી જો દરેક જણ કેહ્શે કે આખા ગામમાં એક જ છે એ નામ છે જેમ્સ બોન્ડ!!.
જેમ્સ બોન્ડ ના એક્શન સીન પણ ચેન્જ થઇ જાય એક્શન ઓછી અને ડાયલોગ બાજી વધારે થઈ જશે. ગુંડા નાં અડ્ડા પર પહોચી જેમ્સ બોન્ડ એને ખુફિયા હથિયારો થી નહિ પણ ડાયલોગ થી લલકારશે કે “જેની માએ સવા શેર સુંઠ ખાધી હોય એ બહાર આવે.” એક્શન સીનમાં પણ લકઝુરિયસ કાર અને ચેઝ ની જગ્યાએ બેઘડા અને ગોડાઉન નું લોકેશન જયા સસ્તા ગુંડા તોડાફોડ કરીને ખોટી ગુંલાટો ખાઈ ને પડી શકે. કોઈક વખત જેમ્સ બોન્ડ પાણી માં પડી જાય તો પણ કેમેરો એની કાંડા ઘડિયાળ પર ફોકસ થાય કે ઘડિયાળ ને કઈ નથી થયું મેક્સીમાં વોચ વોટરપ્રૂફ જેથી અમુક ફંડ મેક્સીમાં ઘડિયાળ વાળા જોડે થી પણ ઉઘારાવી શકાય.
બોન્ડ મુવી ની હિરોઈન સેક્સી ઓછા કપડા વાળી અને સ્ટાઈલીસ્ટ હોય છે એક્સપોઝ કરતા જરાય શરમ નાં આવે એવી હોય છે અહી થોડુક અલગ કરવું પડે નહિ તો સેન્સર બોર્ડ આપડું મુવી પાસ નાં કરે. હિરોઈન ને એકાદ સીનમાં સ્કર્ટ અને ટોપ પેહરેલી બતાવાની અને કેહવડાવાનું મને તો શરમ આવે છે એમ કહી આખી મુવી માં સાડીમાં અને ડ્રેસ માં જ ફેરવાની. કિસિંગ સીન વખતે હોઠ એક બીજાને નજીક લઇ જવાના અને પછી ફૂલો એકબીજાને અડતા હોય એવો સીન મૂકી દેવાનો જેથી પબ્લિક સમજી પણ જાય કે શું થયું હશે અને કોઈ સેન્સર વિવાદ પણ નહીં. બિકીની સીન પણ મુવી માં મૂકી શકાય સમુદ્ર કિનારે હિરોઈન સાડીમાં નાહીને પાછી આવી હોય અને વાળ સુકવતી હોય એવું બતાવાનું અને એની બિકીની બહાર તાર પર લટકતી હોય એવું બતાવાનું જેથી બિકીની મુવીમાં બતાઈ પણ કેહવાય અને સેન્સર બોર્ડ નાં કોઈ લોચા પણ નાં પડે .
તો આવી રીતે સેન્સર બોર્ડ ની કોઈ માથાકૂટ વગર માંડ માંડ બે ખેતર વેચી તૈયાર થયેલું સંપૂર્ણ પારિવારિક ગુજરાતી રંગીન ચલચિત્ર ‘’ કાળજે કોરાણો મારો બોન્ડ સાયબો ‘’ બની જશે.