અર્બન નવરાત્રી
પહેલા એક જમાનો હતો નવરાત્રી એટલે માતાની ભક્તિ , શેરીગરબા થતા, માતાજીનું નવ દિવસ નામ લેવાતું. અનુષ્ટાન થતું , અમે લોકો નાના હતા ત્યારે ગબ્બર બનાવતા. આ ગબ્બર બનાવવામાં રામગઢનાં ગબ્બર ને નહિ પડતી હોય એવી અગવડો પડતી તમોટા ભાગે ગબ્બર બનાવવા કોઈ પોતાના ઘર પાસે જગ્યા આપે નહિ કેમકે એમના વાહનો દસ દિવસ માટે સોસાયટીની બહાર મુકવા પડે અને ઘણી બીજી સમસ્યાઓ જેવી કે ઘર નજીક હોય એટલે નાના છોકરાઓ આરતીમાં આવે તો પાણી પીવા અને પ્રસાદ ની વાડકી લઈને ઘરમાં એકાદ આટો મારી આવે અને ઘર ગંદુ થાય છેવટે મારા ઘર પાસે જ ગબ્બર બનાવાનો નિર્ણય લેવાતો.
ગબ્બર બનાવા માટે જે માલ સામગ્રી જોઈએ એ મોટા ભાગે વગર રૂપિયા એ જ ભેગી કરાતી. કોઈ કન્સ્ટ્રકશન સાઈટ ઉપર રાત પડે એટલે સાયકલ અને કોથળો લઈને ઉપડી જવાનું અને ઈટો ભેગી કરતા આવાનું. ક્યાક પાયા ખોદાયા હોય ત્યાંથી ભીની માટી મળે એ લાવીને લીપણ કરી દેવાનું અને આવું કરતા કરતા જો ગબ્બર સારો બની જાય તો મનમાં વિચાર આવી જતો કે આપડે કેટલું સારું કન્સ્ટ્રકશન વર્ક કરી નાખ્યું મોટા થઈને સિવિલ એન્જીનયર બનશું પછી વાત આવતી રૂપિયા ઉઘરાવવા જવાની. ગબ્બર તો બની ગયો માતાજી નો ફોટો, ફૂલ હાર, તોરણો, લાઈટ વગેરે લાવવા માટે રૂપિયા ઉઘરાવવા માટે યુ.એનની બેઠક જેવી જોરદાર મીટીગ ગોઠવાતી જેમાં પહેલા એક ઉચો ટાર્ગેટ સેટ કરાતો કે આ વખતે તો ઘરદીઠ પસાસ રૂપિયા ઉઘરાવવા છે પણ પછી ફલાણા આંટી નહિ આપે ફલાણા અંકલ તો ગુસ્સો કરશે વગેરે ચર્ચાઓ થયા બાદ આ આંકડો રીવાઈઝ કરીને ૧૧ રૂ કરી નાખવામાં આવતો . એમાં પણ કોઈ એક વખતમાં તો રૂપિયા આપે નહિ દસ ધક્કા ખવડાવે, ટુકમાં શીખવા મળતું કે બીજાનાં ખિસ્સામાંથી રૂપિયા કઢાવવા કેટલા અઘરા છે બીજો એ પણ ખ્યાલ આવતો કે શોલે માં રામગઢ વાસીઓ પાસેથી અનાજ ઉઘરાવવામાં ગબ્બર ને કેટલી તકલીફ પડતી હશે એટલે જ એનું નામ ગબ્બર રખાયું હશે અને છેવટે ૯૫ % લોકો પાસેથી રૂપિયા આવી જાય એટલે ટાર્ગેટ અચીવ થઇ જતો. રાત્રે આંટીઓ બેસીને ગરબા ગાય અથવા તો કોઈક નાં માંગેલા ટેપરેકર્ડ ઉપર માંગેલી ગરબાની કેસેટ વગાડીને ગરબા ગવાતા. કોઈક વાર કોઈક ખુશ થઇ ઢોલી બોલાવી આવે તો સોસાયટીનાં ગરબા માં રોનક આવી જતી. આપડે તો નાના હોઈએ જેને જેમ ગરબા રમવા હોય એમ રમે આપડે ફક્ત વચ્ચે મમ્મીએ તૈયાર કર્યા હોય અને દોડદોડ કરવાનું હોય . ત્યારબાદ સમય બદલાયો મોટા થયા હવે દશા વધારે ખરાબ થતી ગઈ. પહેલા ફક્ત ગબ્બર બનાવા માટે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવા પડતા હવે સમાજમાં સ્ટેટ્સ માટે કોઈ સારી જગ્યાએ ગરબા જોવા ગયા હતા એવો દેખાડો કરવા પાસ ઉઘરાવવા પડે છે, એના માટે વોટ્સએપ ગૃપ, ફેસબુક બધે દરેક જગ્યાએ ધ્યાન રાખવું પડે છે. પાસ મેળવવા એ ઘણીવાર પરીક્ષામાં પાસ થવા કરતા પણ અઘરું કામ હોય છે અને જે લોકો પરીક્ષામાં સારા માર્કે પાસ થતા હોય છે સૌથી વધારે પાસ મેળવવાની તકલીફ એ લોકોને જ પડતી હોય છે.
આ પાર્ટીપ્લોટના ગરબા કેવા હોય છે બચારા મારા જેવા ગરીબ માણસો ત્યા જઈ શકતા નથી એટલે આવા લેખો વાચીને આ ગરબાનો સ્વાદ માણે છે. આ ગરબા ટીવી પર પણ પ્રસારીત થતા હોય અહી દેખા દેખીનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. મોટા ભાગના લોકો ને એજ ખબર નથી હોતી કે એ લોકો અહી શું કામ આવ્યા છે અહી કપડાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. પુરૂષો ને ભલે બધું સરખું દેખાય પણ સ્ત્રીઓને તરત ખ્યાલ આવી જાય છે કે કોણે કેટલા રૂપિયાની ચણિયાચોળી પહેરી છે અને એ ક્યાંથી ભાડે લાઈ છે વગેરે વગેરે પુરૂષો ને તો બધા સરખા લાગે, ત્યારબાદ ચાલુ થાય છે નવરાત્રી.
અહી કોણ શુ ગાય છે એ કોઇ ને સંભળાતુ હોતુ નથી ખાલી મ્યુઝીકના તાલે નાચતા રહેવાનુ હોય છે. જુના ગરબામા માતાજીનો ફોટો વચ્ચે રાખીને આજુબાજુ ગરબા થતા પણ અહી તમારા બુટચપ્પ્લનો ઢગલો વચ્ચે કરી દઇને એની આજુબાજુ લોકો ગરબા રમતા હોય છે. કેટલાક લોકોને પોતાને ગરબા રમવા કરતા બીજાને ગરબા રમવામાં ઢસેડવામાં બહુ રસ હોય છે. અલ્યા ચલ ગરબા કરવા અલ્યા ચલ એવું કરવા કરવામાં ગરબા પુરા થઇ જાય છે. મારા જેવા કેટલાક લોકો અહી ફક્ત એ હેતુથી ગયા હોય છે કે અહી ખાવાના સ્ટોલ હોય છે અને ત્યાં ખીચું , ખમણ વગેરે વગેરે ખાતા રહેતા હોય છે અને લોકો ની વર્તણુંકનો ધ્યાનથી અભ્યાસ કરીને એકાદ લેખ લખી શકાય.
તમે જીવનમાં પાસ છો કે ના-પાસ એની આ નવ દીવસ કોઇને નથી પડી પણ તમારી જોડે મફત ના '' પાસ '' છે એમા લોકો ને રસ છે . અહી ગરબાના સ્ટેપમા ત્રણ તાળી , પોપટીયુ ને એવુ બધુ કઇ ના હોય અહી ફકત તમારે નવુ કરતુ રહેવાનુ તો જ લોકોનુ ધ્યાન જાય જેમકે કેડીયા મા તીતીઘોડો ઘુસી ગયો હોય એમ કુદકા મારવાના એટલે તીતીઘોડા સ્ટેપ , પતંગ ચગાવતુ રેહવાનુ , ખેસ દુપટ્ટા હવામાં ઉછાળતા રહેવાનુ , વરસાદ આવે કે ના આવે છત્રી લઇને ફરવાનુ , દાંડિયા- તલવારની જેમ ફેરવવાના, સામે વાળાને રાસ રમતા હેલ્મેટ પહેરવાની જરૂર પડવી જોઇએ ઘણા લોકો તો હિંચ લેતી વખતે એટલે જોર જોરથી પગ પછાડતા હોય અને જો એક જ જગ્યાએ નવ દિવસ સુધી પગ પછાડે તો ત્યાંથી હડપ્પા અને મોહેજો દડો ની સંસ્કુતી મળી આવે પાછું એમા કોઇ એક પાર્ટી પ્લોટમા પણ નહી રહેવાનુ, તમારા દર્શનનો લાભ નવે નવ દીવસ અલગ અલગ પાર્ટી પ્લોટ વાળાને આપતા રહેવાથી તમારા સોશ્યલ સ્ટેટસમા ઇજાફો થાય છે. સેલ્ફી લેતા રહેવાનું ફેસબુક પર ચેક-ઇન કરતા રહેવાનું કે આજે કયા પાર્ટીપ્લોટમાં પાર્ટી પહોચી છે.
જે લોકો આવા પાર્ટી પ્લોટમા નથી જતા અને બેઠા ગરબામા રસ ધરાવે છે એવા આન્ટીઓમા ઘણા આન્ટી એવા હોય છે કે જે એક વખત ગરબા ગાવાનુ શરૂ કરે તો મુકતા જ નથી એમા આજકાલ એવા ભગતો ફુટી નીકળ્યા છે જે હીંદી મુવીના સોંગને ગરબામા કનવર્ટ કરી આપે છે. બેઠા ગરબામા આવા હિંદી મુવીના સોંગ્સ માથી કનવર્ટ થયેલા ગરબાનુ ચલણ વધારે છે. અહી ગરબા રમવાની સાથે સાથે પંચાતનુ પ્રમાણ પણ જોવા મળે છે કે ફલાણા ના ઢીકણાનુ શુ થયુ? ખબર પડી ? ફલાણા માટે તો હવે શોધવાનું ય શરૂ કરી દીધું છે. ફલાણા નો તો છોકરો/છોકરી ભાગી ગયો આખા ગામના છોકરાનું બોલ બોલ કરતી હતી હવે પોતાનાજ છોકરા/છોકરી જોડે આવું થયું વચ્ચે-વચ્ચે ક્યાક ક્યાક માતાજીને યાદ કરી લેવામા આવે છે. કેટલાક લોકો નવ દીવસ ઉપવાસ એટલે કરે છે કે દશેરા એ ફાફડા જલેબી બરોબર દબાવી શકે. કેટલાક લોકો તો નવરાત્રીમાં સવારે ચાર વાગ્યા પહેલા પોતાના ઘરે જવાની બાબતને પોતાનું અપમાન સમજતા હોય છે. ખાલી ખોટા વાહનો લઈને દરેક ચાર રસ્તે ગોળ ગોળ ફરતા રહેતા હોય છે. ખરેખરમાં તો આ રીતે તેઓ પોતાના વાહનોને ગરબા રમાડતા હોય છે. ઘણા સિંગરો વિશે તો આપણને નવરાત્રીમાં જ્યારે જાહેરાત આવે ત્યારે ખબર પડે છે કે આ સિંગર છે એવા હોય છે પણ બધું ચાલે રાખે મૂળ મુદ્દો છે. બદલાયેલી નવરાત્રી સાથે પણ નવરાત્રીનો ઉત્સાહ અને ઉમંગ અને ભક્તિભાવ ઓછો નાં થવો જોઈએ.
ટુંકમાં ગરબા બદલાયા નથી થોડો ટ્રેન્ડ બદલાયો છે ભક્તીભાવની સાથે સાથે હવે લોકો તેમા એનટરટેઇનમેન્ટ શોધે છે જેથી આપણને બધુ બદ્લાયેલુ લાગે. મુળ વાત મજા આવી જોઇએ ને જલસા પડવા જોઇએ નહી તો લખવાવાળા તો આવા લાંબા લેખ લખતા જ રહેવાના છે. તેહવારો નો મૂળ ઉદેશ જીવનમાં નવી ઉર્જા અને હર્ષો ઉલ્લાસ ભરી દેવાનો હોય છે તો મારો આ લેખ પણ આવો જ એક પ્રત્યન હતો .
લી - વ્યવસ્થીત લઘર વઘર અમદાવાદી