શું તમે આર્થિક આઝાદ છો Jaydeep Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શું તમે આર્થિક આઝાદ છો

શું તમે આર્થિક આઝાદ છો ?

જયદીપ પંડયા

યુવાનોમાં એક જ સૂર મોજશોખ પૂર્ણ કરવા કોઈ ઉપર નિર્ભર રહેવાના બદલે નોકરી કરવી, યુવતીઓ કહે છે લગ્ન પછી પતિ માગ્યા વગર પૈસા આપે અને હિસાબ ન પૂછે એ જ આર્થિક સ્વતંત્રતા !

ભારત દેશ આઝાદ તો છે પણ કઈ કઈ બાબતોમાં આઝાદ છે ? નાણાકિય આઝાદી કેટલી ? તે ચર્ચાનો વિષય છે. આજે દિવસ શરૂ થાય ત્યારથી દિવસનો અંત આવે ત્યાં સુધીમાં દરેક ડગલે આપણને નાણાની જરૂર પડે છે. દરેક લોકો આર્થિક આઝાદ નથી. ઘણા પાસે નાણા નથી અને ઘણા પાસે છે તે નાણા વાપરી શકતા નથી. દરેક વ્યકિતના મનમાં ગરીબાઈનો ડર હોય છે એટલે જ નાણાંકિય ધ્યેય પૂરા કરવાની ચિંતા લોકેને સતાવે છે. જો નાણાંકિય શાંતિ હશે તો માનસિક શાંતિ મળશે. નવી પેઢી પણ આર્થિક આઝાદ બની છૂટથી નાણા વાપરવા માટે પાર્ટ ટાઈમ જોબનો સહારો લઈ રહી છે. ટેકનોલોજીના આગમનની સાથે મનોરંજનના સાધનો પણ એટલા જ વધતા શોખ પૂર્ણ કરવામાં નાકે દમ આવી જતો હોય યુવાનો કોઈ ઉપર નિર્ભર રહેવા માંગતા નથી. તેના પરિવાર પાસેથી સ્કૂલ-કોલેજની ફી સિવાયના નાણા માંગવામાં સંકોચ અનુભવતી યુવતીઓ નોકરી એટલે કરે છે કે, પોતાના મોંઘા શોખ પુરા થાય. પરંતુ જયારે લગ્ન પછી તે નોકરી તો કરી શકે છે પણ તેની આવકનો હિસાબ પતિને આપવો પડે છે. તો ઘણી યુવતીઓ બચતમાં માને છે.

કોર્ટમાં નોકરી કરતા કિસન આચાર્ય કહે છે કે, આર્થિક સ્વતંત્રતા દરેક માટે ખૂબ જરૂરી છે. કમાનાર ત્રી-પુરૂષને પોતાની આવકના નિર્ણય જાતે લેવા જોઈએ. લગ્ન બાદ પત્નીને તમામ નાણાંકિય બાબતોથી માહિતગાર રાખવી જોઈએ. આર્થિક સમૃધ્ધિ ઉભી કરવામાં ત્રીઓનો ઘણો મોટો ફાળો હોય છે. નાણાકિય માહિતી દરેક મહિલાને મળવી જોઈએ. આર્થિક સ્વતંત્રતાનો સૂર્ય દરેક દેશમાં નથી ઉગ્યો. ઘણા દેશો આર્થિક રીતે ગુલામ છે, બીજા ઉપર નિર્ભર છે.

એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી નિરાલી ધામેલિયાના મતે આર્થિક દ્રષ્ટિએ સુરક્ષિત હોવું કે જયાં પ્રવર્તમાન જીવન પધ્ધતિ અંગેની પસંદગીઓ અને ભવિષ્યની જરૂરિયાતોની સાર સંભાળ લેવાતી હોય છે. એટલું જ નહીં પરંતુ આપણી પાસે આકસ્મિક સંજોગો ઉપસ્થિત થાય ત્યારે ઉપયોગમાં લઈ શકાય એટલું ભંડોળ હોવું જરૂરી છે. બચતની સાથે વિમા કવચ પણ એટલું જ જરૂરી છે. આર્થિક સ્વતંત્રતા યુવાનીમાં સારી લાગે છે. બીનજરૂરી ખર્ચ કરી નાખતા હોય છે, પરંતુ જયારે તમારી ઉપર જવાબદારી આવે અને ઘર ચલાવવાનું હોય ત્યારે બીનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકવો પડે છે. આ વેળાએ આર્થિક આઝાદી છીનવાઈ ગઈ એવો અહેસાસ થવો ન જોઈએ.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી તોરલ દવેના કહેવા પ્રમાણે આજે પણ સમાજમાં યુવતીઓને આર્થિક સ્વતંત્રતા નથી. ઘણી શિક્ષીત ત્રીઓ સામાજિક દબાણના કારણે તેમજ પોતાના માટે અથવા પોતાના પરિવાર માટે લેવાયેલા આર્થિક નિર્ણયો લેવામાં અશકત છે. મોટાભાગના ઘરોમાં ઘરગથ્થુ ખર્ચાઓ તેમજ બજેટ પ્રાથમિક દ્રષ્ટિએ ત્રીઓ દ્વારા જ સંભાળવામાં આવે છે. આ બાબતે મહિલાઓ ચોક્કસ રીતે આર્થિક આઝાદ છે. પરંતુ તેઓને સાચા અર્થમાં આર્થિક દ્રષ્ટિએ સ્વતંત્ર બનવા માટે આવશ્યકતા છે તેઓની સરહદોનો વિસ્તાર કરવાની. એક પતિના મતે આર્થિક આઝાદીનો અર્થ પત્નીને બે-ચાર સાડીઓ અને થોડાક સોનાના દાગીનામાં પૂરો થઈ જાય છે. સાચા અર્થમાં ઈન્વેસ્ટમેન્ટ કે ઈન્સ્યોરન્સ વિશે વિચારતી ત્રીઓ દેશમાં બહુ ઓછી છે. જયારે ત્રીઓ પોતાના રોકાણ અને પૈસાના મેનેજમેન્ટ બાબતે જાતે નિર્ણય કરતી ત્રીઓ ફકત બે ટકા છે. પોતાના પૈસાનું મેનેજમેન્ટ જાતે કરવું એ સાચી આર્થિક સ્વતંત્રતા છે.

આત્મિય કોલેજમાં એન્જીનિયરીંગ કરતો તેજસ શાહ કહે છે કે, આર્થિક આઝાદ હોવું આજના સમયમાં બહુ જરૂરી છે. મોંઘવારી વધી રહી છે. તેની સામે ખર્ચા પણ વધ્યા છે. મોજશોખ પૂરા થતા નથી. શોખ પૂરા કરવા હું એક કંપનીમાં પાર્ટ ટાઈમ નોકરી કરું છું. જે કારણે અન્ય ઉપર નિર્ભર રહેવું પડતું નથી. જોકે હવે એ સમય નથી કે એક માણસ કમાય અને પાંચ માણસ ખાય. ઘરના દરેક સભ્યોએ કમાવું જરૂરી છે. મનોરંજનના સાધનો વધ્યા છે. તો આર્થિક દ્રષ્ટિએ સધ્ધર હોવું અતિ જરૂરી છે. જયાં સુધી નોકરી ન કરતો ત્યારે મારા હાથ ખર્ચ કરવા બંધાયેલા રહેતા હતા. ઘણી વખત અભ્યાસ માટેના ઉપયોગી પુસ્તકો લેવા નાણા ન હોય. ઘરેથી નાણા મંગાવવા ડર લાગતો હોય છે. હવે મારા ખર્ચા હું જ ઉપાડું છું. કયારેક તો મારી કોલેજની ફી પણ મારી બચતમાંથી ભરું છું.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી અને સિમેન્ટ કંપનીની ઓફિસ સંભાળતી મેરી પટેલે જણાવ્યું કે, ત્રીઓનું સ્થાન આર્થિક રીતે હંમેશા નંબર બે રહ્યું છે. ભલે એની ઘરમાં નંબર વન આવક હોય. પુરૂષે કમાવું જોઈએ, પુરૂષે ઘર ચલાવવું જોઈએ અને પુરૂષની આવક વિશે ત્રીએ સવાલો ન કરવા જોઈએ. એવું સદીઓથી શીખવવામાં આવે છે. પરંતુ જયારે ઘરમાં પતિ-પત્ની બંને કમાતા હોય ત્યારે ખર્ચવાનો નિર્ણય પણ બંને વ્યકિતએ લેવો જોઈએ. ઘણા કુટુંબોમાં પત્નીની આર્થિક સ્વતંત્રતા વિશે બહુ ઉદાર વલણ અપનાવાતું નથી. પત્નીની આવક એની અંગત કે પોતિકી રહેતી નથી. ત્રીએ આર્થિક સ્વતંત્રતાની વાત કરતી વખતે ફકત કમાવવાની વાત કરવાની જરૂર નથી એની અંગત જરૂરિયાત માટે અપાતા પૈસા એની આર્થિક સ્વતંત્રતાની જરૂરિયાત પૂરી કરે છે. પત્ની તેના પતિ પાસે જયારે અંગત ખર્ચ માટે પૈસા માગે ત્યારે એના સ્વમાન પર નાનકડો ઘા પડે છે. પત્નીને માગ્યા વગર પૈસા આપવા અને હિસાબ ન પૂછવો એ જ એની આર્થિક સ્વતંત્રતા છે.

આર્થિક આઝાદી હોવાથી ખૂબ જરૂરી છે. પરંતુ અન્ય ઉપર આધાર રાખી આઝાદ પક્ષીની જેમ ઉડવું કે નાણાનો વેડફાટ કરવામાં તૃપ્તિ કે આનંદ મળતો નથી. આર્થિક સધ્ધરતાના કારણે આત્મવિશ્વાસ ભરપૂર હોય છે. નાના-નાના ખર્ચા માટે અન્ય પાસે હાથ લંબાવવો પડતો નથી. આ માટે નોકરી કરવી જરૂરી છે. કેમ કે, કમાણી કરીએ તો જ પૈસાનું મુલ્ય સમજાય છે અને તો જ અન્ય ખર્ચ કરતા આપણે 100 વખત વિચારીએ તેમ પિયુષ ઠુંમરનું માનવું છે.

ધવલ દવેના મતે આર્થિક સ્વતંત્રતા દરેક લોકોને હોવી જોઈએ. પરંતુ એટલી જ આઝાદી ન હોવી જોઈએ કે, જરૂરિયાત આર્થિક સ્થિતિ કરતા વધે. ગર્ભશ્રીમંત હોવું એટલે પાણીની જેમ પૈસા વાપરવા જોઈએ નહીં. બીનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકી ભવિષ્ય માટે બચત કરવી જોઈએ. હું કોઈ વસ્તુ ખરીદવા નીકળું એ તમામ વસ્તુ ખરીદી શકું તો હું મારી જાતને આર્થિક આઝાદ ગણું છું. મોંઘવારી રહિત વસ્તુઓ બજારમાં મળતી થાય ત્યારે દરેક આર્થિક આઝાદ બનશે.

ગ્રેસ કોલેજમાં લેકચરર તરીકે નોકરી કરતી દિવ્યા જોષી કહે છે કે, મોંઘવારીના જમાનામાં ઘર-પરિવારથી દૂર રહેતા હોય ત્યારે માત્ર પોકેટમની ઉપર જ નિર્ભર રહેવાની બદલે પાર્ટ ટાઈમ નોકરી કરવી એ અતિ આવશ્યક છે. મોજશોખ પૂરા કરવા માટે ઘરેથી પૈસા મંગાવી દબાણમાં રહેવું પડે છે. કયાં નાણા વાપર્યાનો કોઈ હિસાબ માંગે તે આજે કોઈને ગમતું નથી ત્યારે થોડીઘણી કમાણી કરતા હોય તો પૂરતી ફ્રીડમ મળી રહે છે. પરંતુ કયારેક વધુ પડતી આર્થિક આઝાદીના કારણે ઘણી વખત ખરાબ માર્ગે પણ યુવાનો ચડી જતા હોય છે. એ કારણે નાણાકિય સ્વતંત્રતા ઉપર લગામ જરૂરી છે.

જીવન નિર્વાહ માટે આર્થિક સધ્ધરતા હોવી ખૂબ જરૂરી છે. વિકાસની હરણફાળ ભરતો ભારત દેશ આર્થિક આઝાદીમાં વિશ્વમાં 11રમાં ક્રમાંકે આવે છે. પરંતુ આજની પેઢી મોંઘા મોબાઈલ, મોંઘી કાર, બાઈક વાપરવા કે પોતાના મોજ-શોખ પૂર્ણ કરવા માટે તેના પિતાની આવક ઉપર નિર્ભર રહેવા નથી માંગતી. એ કારણે મોટા શહેરોમાં યુવાનોમાં પાર્ટ ટાઈમ જોબ કરવાનો ક્રેઝ વધ્યો છે. આ ક્રેઝ આર્થિક આઝાદ રહેવા માટેનો જ છે, જે સમાજ માટે સારી નિશાની છે.

...............