Imoji icon books and stories free download online pdf in Gujarati

ઈમોજી આઈકોન

  • થોડામાં વધુ કહેવાની કળા એટલે ઈમોજી આઈકોન
  • -જયદીપ પંડયા

    મોબાઈલ ક્રાંતિએ યંગસ્ટર્સને વાંચતા તો કરી દીધા છે. સાથે લખતા પણ કર્યા છે. જમાનો ટૂંકુ અને ટચ લખવાનો છે. 160 શબ્દોમાં ઘણું બધું કહેવાની તમારા આવડત હોય તો તમે સોશિયલ મીડિયા ઉપર ઝડપી લોકપ્રિય બનો. એમાં હવે સિમ્બોલિક ઈમોજી અને ઈમોશન સ્માઈલીના આગમને શબ્દોની ગરજ સારી છે. ઈન્ટરનેટ ઉપર જાતભાતના અવનવા ઈમોજી સિમ્બોલનો રીતસરનો રાફડો ફાટયો છે. સોશિયલ મીડિયામાં ઈમોજી દ્વારા સાયલન્ટ કોમ્યુનિકેશન થઈ રહ્યું છે. કોલેજીયનોમાં આ ભાષા હોટ ફેવરીટ બની ગઈ છે. આમ તો ઈમોજી ને સ્માઇલી એ દસકા કરતા વધુ સમયથી ઉપયોગમાં લેવામાં આવે છે. પણ લોકપ્રિય તો સ્માર્ટફોનના આગમન પછી બની. લોકપ્રિયતાના કારણે જ ઓકસફર્ડ ડિક્ષનરીએ વર્ષ ર01પના વર્ડ ઓફ ધ યર તરીકે સુખના આંસુ સાથે હસતા સ્માઈલીને જાહેર કરી છે. કેમ કે, આ સ્માઈલીનો સ્માર્ટફોન ધારકો સૌથી વધુ ઉપયોગ કરે છે. ઓકસફર્ડ ડિક્ષનરીના સર્વે મુજબ 100માંથી 80 લોકો હું ખુશ છું લખવાની બદલે હેપ્પી વાળી સ્માઈલીનો ઉપયોગ કરે છે.

    વોટ્સએપ, ફેસબૂક, ટવીટર, ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ઈમોજીનો ઉપયોગ થાય છે. કેમ કે એમાં લખવાનું ઓછું માત્ર એક ઈમોજી મૂકી દેવાથી લોકો સમજી જાય છે. વળી સમય પણ બચે છે. ઈમોજીનો ઉદ્ભવ જાપાનમાં થયો. જાપાનીઝ લોકો ઈમોજીનો ઉપયોગ 1999થી કરે છે. પ્રથમ ઈમોજી 1998માં બની હતી. જે હવામાનના સિમ્બોલ તરીકે ઉપયોગમાં લેવાઈ હતી. એ પછી કલાસિકલ મૂડ એકસપ્રેસ, ફલેગ, સેલીબ્રેશન, ફન, સ્પોર્ટસ, વેધર, પ્રાણીઓ, ફૂડ, નેશનલ, જેવી ઈમોજી બની. હાલ 2000થી વધુ વિવિધ સ્માઈલી ઈમોજી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. એપલે પહેલા તેના કોમ્પ્યુટર અને પછી આઈફોનમાં ઈમોજીની સુવિધા તેના ગ્રાહકોને આપી. 2012માં આઈફોનમાં ઈમોજી આવી ત્યારથી લોકપ્રિય બની. એ પછી જુલાઈ ર013માં એનરોઈડ ફોનમાં ઈમોજી એડ થઈ.

    ઈમોશન આઈકોન અને ઈમોજીના અર્થ અલગ અલગ થાય છે. દા.ત. ઈમોજી પિકચર પાછળ એક વિચાર હોય છે. દા.ત. ઘડિયાળ, બસ અને સ્કૂલ બિલ્ડીંગની ઈમેજ કોઈને મોકલો તો તેનો અર્થ થાય છે કે, સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે. જયારે ઈમોશન એ સ્માઈલીંગ, રડવું, ગુસ્સે થવું, જેવા કેરેકટરનો ઉપયોગ થાય છે. ઘડિયાળની આગળ સ્માઈલીંગ ફેશ મુકી દેવામાં આવે તો ખુશ છું કે સ્કૂલે જવાનો સમય થઈ ગયો. એક ઈમોજી એક હજાર શબ્દોની ગરજ સારે છે. વોટસએપ પર પોતાની વાતને રજૂ કરવા ઈમોજી ચિન્હોનો ઉપયોગ યંગસ્ટર્સ વધુ કરી રહ્યા છે. યુવાનો 140 કેરેકટર્સનો ઉપયોગ કરવાને બદલે ઈમોજી કે ઈમોશન સ્માઈલ મુકી તહેલકો મચાવે છે. ઘણી વખત લખાણો કે મેસેજની વચ્ચે આવી સ્માઈલ મેસેજને વધુ ચોંટદાર અને રસપ્રદ બનાવે છે. માત્ર એક લીટીમાં ચોટદાર રજૂઆત થઈ શકે છે. લખવાની બદલે ઈમોજીમાં જ પોતાની વાતને રજૂ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. મોબાઈલમાં ઈમોજીના ચિન્હોની ભરમાર જોવા મળે. આનાથી આગળ ખાસ ઈમોજી માટે એપ્લીકેશન પણ પ્લેય સ્ટોરમાં છે. થેન્ક્સ કહેવાની જગ્યાએ અંગુઠો મોકલી આપે છે, હેપ્પી મૂડમાં હોય તો સ્માઇલી ફેસવાળું સિમ્બોલ મોકલી આપે છે. જો કોઈ વાતનું દુ:ખ લાગ્યું હોય તો રડતા ફેશવાળું ઈમોજી, ખોટું લાગ્યું હોય તો લાલ એન્ગ્રી સિમ્બોલ અને પ્રેમની અભિવ્યક્તિ માટે ધડકતું દિલ મોકલવામાં આવે છે. અમુક વાત શબ્દોમાં વ્યકત ન કરી શકાતી હોય ત્યારે આ કામ ઈમોજી સરળતાથી કરી આપે છે. યુવક-યુવતીઓ તેના મન ગમતા પાત્રને પ્રપોસ પણ ઈમોજીથી કરે છે. આ માટે ધડકતું હાર્ટ, કિસ, કિસ કરતી સ્માઈલી, આઈ લવ યુ લખેલા સ્ટિકર અને આવા તો અનેક પ્રકારના સિમ્બોલનો ઢગલો સોશિયલ મીડિયા પર છે. હમણાં હમણાં ઈમોજી અને ઈમોશન સિમ્બોલના મેસેજ બહુ વાયરલ થયા હતા.

    ઈમોજીની લોકપ્રિયતા વધતા ફેસબુક પર લાઇક ઓપ્સનમાં ઈમોજી સિમ્બોલનો ઉમેરો થયો છે. ઈમોજીનો સૌથી મોટો ફાયદો એ થયો કે,અમુક મહત્વની વાતો સિમ્બોલમાં જ થવા લાગી. ક્યારેક કોઈના હાથમાં ફોન આવે તો ચીટ-ચેટ વાંચી ન લે તેની ચિંતા રહેતી નથી એટલે જ યુવાનો ઈમોજીમાં ચેટ કરવાનું વધુ પસંદ કરે છે.

    કોમ્યુનિકેશનના સાધનો બદલાયા સાથે વાતો કરવાની રીતમાં બદલાવ આવ્યા. ટેકસ મેસેજ, ઈમેલ, મેસેન્જર, ઓરકૂટ ટેકસ મેસેજથી વાતચીત થતી અને હવે ઈમોજીથી. જમાનો શોર્ટકટનો છે. નવી પેઢીને પણ આ માફક આવી ગયું છે એટલે જ હાલ ઈમોજીની બોલબાલા છે. ઈમોજી બોલે તો સાયલન્ટ કોમ્યુનિકેશન.

    ઈમોજીની બોલબાલા વોટસએપના આગમનના કારણે વધી છે. પરંતુ વોટસએપ હવે ત્રાસ આપી રહયું છે. એક વર્ગ તો વોટસએપને કારણ વગર ઉપયોગ પણ કરતો નથી. વાહિયાત અને ફેક મેસેજના કારણે વોટસએપ ઉપર આવતા મેસેજીસે સત્યતા ગુમાવી છે. પ॥રિણામે લોકો વોટસએપથી દૂર ભાગવા લાગ્યા છે. વિવેકપૂર્ણ ઉપયોગ કોઈપણ ટેકનોલોજી કે શોધથી ક્રાંતિ સર્જી શકે. જોકે આપણે ત્યાં પોઝિટિવ કરતા નેગેટિવ ઉપયોગ અને અનહદ વપરાશથી હવે ખૂબ સારી શોધ ગણાતી વોટસએપ માથાના દુ:ખાવા સમાન બનવા જઈ રહી છે.

    પાર વિનાના ખાલીપીલી થતા અનહદ મસેજે, સતત અપલોડ થતા ફોટોગ્રાફસ, કલીપ્સ અને તદન વાહિયાત-ખોટા સમાચારોને ક્રાંતિકારી શોધને બદનામ કરી નાખી છે. એના કારણે હવે એપ્સથી દૂર થવા માગતા લોકો પણ અનિવાર્ય અનિષ્ટની જેમ મોહમાંથી છૂટી શકતા નથી. છુટવા માંગવા છતા આ ચુંગલમાંથી છુટકારો મળતો નથી. આના કારણે જ નવી બીમારીઓ શરીરમાં ઘર કરવા લાગી છે.

    જયાંથી જે મેસેજ આવે તે સંદેશાને 'જા બિલાડી મોભામોભ'ની ફોરવર્ડ કરવામાં આવે છે. પછી એમાં સાચું ખોટું, સારાં નરસાંનું ભાન, સેન્ડર રાખતો જ નથી. અફવાનું બજાર સતત હોટ રહે છે. આ મેસેન્જર ટેકનોલોજી મારફતે ધાર્મિક ટિપ્પણીઓ, રાજકીય અખાડાની ટિપ્પણીઓ થઈ રહી છે. પરંતુ તેમાની કેટલીક વિગતો તેના વપરાશકર્તાને ગંભીર નુકશાની પહોંચાડી શકે છે અને પહોંચાડયાના ઘણા કિસ્સા પણ સામે આવ્યા છે. ઝડપથી મેસેજ પહોંચાડી દેવાની લ્હાયમાં ખરાઈ કર્યા વગર સમાચારો ફોરવર્ડ કરવામાં આવે છે પરિણામે કેટલાક સામાજિક તત્વો તેમના ઈરાદામાં પાર ઉતરે છે. અફવાઓ લાખો લોકોસુધી પલવારમાં પહોંચી જાય છે. જેનાથી દેશ, સમાજને મોટું નુકશાન થાય છે. કયારેક તો ઝઘડાનું કારણ પણ બને છે. અરે...ઘણાને ખબર નહીં હોય કે ખરાઈ કર્યા વગર મેસેજ ફોરવર્ડ કરવા એ પણ ગુનાને પાત્ર છે. ખોટા મેસેજ વહેતા કરવા બદલ કલમ 66 (એ) અનુસાર ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

    ટેકનોલોજીના દૂર ઉપયોગે હમણા હમણા ઘણાને સ્વર્ગલોકમાં પહોંચાડી દીધા હતા. તો ઘણાને ત્યાં આઈ.ટી.ની રેડ પણ પડાવી. પોલીસની ઉંઘ પણ ઉડાડી દીધી છે. ગુજરાતી ફિલ્મનો હિરો નરેશ કનોડિયાથી બોલીવૂડ કલાકાર દિલીપકુમાર સુધીના નામ, અનામી કલાકારોને વારંવાર સ્વર્ગમાં મોકલી દીધા હતા. અભિનેતાઓએ પોતે હજી હૈયાત છે તેવા ખુલ્લાસ કરતા વીડિયો આ માધ્યમમાં જ ફરતા કરવા પડયા હતા. દિલીપકુમાર માટે ખુદ સાયરાબાનુએ સ્પષ્ટતા કરવી પડી કે દિલીપ સાહેબ હજુ જીવે છે.

    આવી અફવામાં પત્રકારો પણ આવી જાય છે. આગળ પાછળ જાણ્યા વગર ધંધે લાગે છે. ઉતરની ઘટના દક્ષિણમાં ફીટ કરી દેવામાં કેટલાક લોકો માહિર હોય છે. થોડા સમય પહેલા અમરેલી પાસે એક અકસ્માતમાં 4પ લોકોના મૃત્યુના ફોટા વહેતા થતા પોલીસ સ્ટેશને ફોન રણકવા લાગ્યા હતા. આ સમાચારની ખરાઈ કરતા પોલીસ અને પત્રકારોમાં દોડધામ મચી હતી. વાસ્તવમાં ભારતમાં અન્ય કોઈ ભાગમાં આ ઘટના બની હતી.

    અફવા બજારે રાજકોટની કેટલીક હોટેલને ભીંસમાં લીધી હોવાનું વારંવાર બન્યું છે. નવરા લોકો ગમે તે હોટલનું નામ જોડી સેકસ રેકેટ પકડાયાના સમાચાર વોટસએપમાં વહેતા કરી મુકે છે. રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર અગ્રણી જેવલર્સમાં 10 કરોડ રૂપિયાની લૂંટ થયાના સમાચારો પણ તસવીર સાથે ફરતા થયા હતા. જેવલર્સની બહાર ભીડ ખરેખર ઈન્ટરવ્યુની હતી. પ્રેમલા-પ્રેમલીના ફોટા તો વારંવાર વોટસએપમાં ફરતા હોય છે. રાજકોટમાં કોઠારિયા રોડ ઉપર રાત્રીના ફાયરિંગ થયાના સામાચાર આવ્યા હતા. ફોટોગ્રાફર ત્યાં પહોંચ્યા તો ત્યાં બાઈકના સાયલેન્સરમાંથી થયેલા મીસ ફાયરનો હતો. આવા અનેક ખોટા સમાચાર વોટસઅપની પેદાશથી ફરતા થયા હતા.

    ..................

  • બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED