Rajkot najikna best picnic sthado books and stories free download online pdf in Gujarati

રાજકોટ નજીકના બેસ્ટ પિકનિક સ્થળો

રાજકોટ નજીકના બેસ્ટ પિકનિક સ્થળો

બૌદ્ધ ગુફાથી માંડી, વૈભવી મહેલ, પૌરાણિક મંદિરો, આબુની યાદ અપાવતા ડુંગરાની મુલાકાત લેવા જેવી છે...

જન્માષ્ટમીના તહેવારમાં બહાર ફરવાના જેમણે કોઈ પ્રોગ્રામ કર્યા નથી એમના માટે રાજકોટથી એક-બે કલાકના અંતરે પહોચી શકાય એવા જાણીતા અજાણ્યા ફરવાલાયક સ્થળોની જાણકારી આપવી છે. જ્યાં વન-ડે પિકનિક કરી રજામાં ભરપુર મજા લૂંટી શકો છો. 100 કિમીની અંદર જ આવી જતા ઐતિહાસિક ગુફાથી માંડી ગઢો, મહેલો સહિતના બેસ્ટ સ્થળો જીવનભરનું સંભારણું બાંધી લે તેવા છે. એડવન્ચર છે, નદી નાળામાં ન્હાવાની મજા પણ માણી શકો અને ટ્રાકિંગ પણ કરી અહી મીની વેકેશનની મજા માણી શકો છો. સાથે શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ પણ કરી શકો છો.

હનુમાનધારા: રાજકોટ શહેરથી એકદમ નજીક અને રજા માણવા જેવી જગ્યા છે. રાજકોટથી 6 કિમી દૂર આ સ્થળે ન્યારી ડેમના કાંઠે હનુમાનજીનું મંદિર છે. શનિવારે ભક્તોની ભીડ રહે છે. લોકો અહી જમવાનું લઇ સવારથી સાંજ સુધી સમય ગાળે છે. હનુમાનધારાથી આગળ ચોકીધાણી પાછળ સાઈબાબાનું મંદિર જોવા જેવું છે. અહી શ્રીજી ગૌશાળામાં પણ સાંજનો સમય પસાર કરી શકાય તેમ છે.

ઈશ્વરિયાપાર્ક: માધાપર ગામમાં ઈશ્વરીય પાર્ક વિશાળ જગ્યામાં પથરાયેલો છે. નદીમાં પાણી આવી જતા અત્યારે બાટિંગચાલું છે. લોકોના આકર્ષણ માટે અહી ડાયનાસોર મુકવામાં આવ્યાં છે. સંધ્યા સમયે અહી ફોટોગ્રાફીની કરવાની મજા આવે છે. પ્રિવેડિંગ ફોટોશૂટ પણ થાય છે. સીટી બસ પણ જાય છે. રાજકોટ નજીક પ્રદ્યુમનપાર્ક, લાલપરી તળાવ, ભીચરી, આજીડેમ, ન્યારી ડેમ, આજીડેમ પાછળ થોરાળાવીડી સહિતના સ્થળોએ પણ સવારથી સાંજ ફરવા જઈ વિકેન્ડ પસાર કરી શકો છો.

ચંદ્રમૌલેશ્વર મંદિર: રાજકોટથી 15 કિમીના અંતરે રતનપર પાસે સ્ફટીકના શિવાલિંગવાળું ચન્દ્રમૌલેશ્વર મંદિર આવ્યું છે. સફ્ટીકનું ભારતનું બીજું મંદિર છે. અહી શ્રાવણમાસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. મેળો પણ ભરાઈ છે. મોરબી રોડ પરનું પૌરાણિક રફાળેસ્વર મહાદેવ મંદિર પણ જોવા જેવું છે.

બાલાચડી બીચ: રાજકોટથી 80 કિમી દૂર છે. અહી દિવસમાં બે વખત દરિયામાં ભરતી આવે છે. ત્યારે લોકો નાહવાની મજા લૂંટે છે. ભરતી ના હોય ત્યારે દરિયાનું પાણી બહુ દૂર જતું રહે છે. અહીનો દરિયો એકદમ શાંત છે. બલાચડીની બાજુમાં ખિજડિયાપક્ષી અભ્યારણ છે. અહી પ્રકૃતિ પ્રેમી અને ફોટોગ્રાફીના સોખીનોને ફોટો શૂટ કરવાની મજા પડે છે.

હિંગોળગઢ: રાજકોટથી માત્ર 78 કિમી દુર હિંગોળગઢ જસદણ નજીક છે. પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રની સાથે હિંગોળગઢ ઐતિહાસિક વારસાની ધરોહર સમાન છે. ઉંચા ડુંગરાની ઉપર બનાવેલો ગઢ આજે પણ બેનમૂન છે. ગઢની સ્થાપના 1801ની સાલમાં જસદણના રાજવી વાજસૂર ખાચરે કરી હતી. વાજસૂર ખાચર માતા હિગળાજના ભક્ત હતા. એટલે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું છે. હિંગોળઢનું જંગલ 654 સ્ક્વેરફીટ કિમીમાં પથરાયેલુ છે. પક્ષી અભ્યારણ તરીકે પણ ઓળખાય છે. અહી 230 જાતના વિવિધ પક્ષી જંગલમાં વસવાટ કરે છે. 19 પ્રજાતિના સાપ રાખ્યા છે. અત્યારે વરસાદના કારણે હરિયાળી ખીલી ઉઠી છે. પહાડી વિસ્તારના કારણે રોઝ, નીલગાય, હરણ વગેરે તૃણભક્ષી પ્રાણીઓ વિહાર કરે છે. હિલસ્ટેશનના લીધે ભરપૂર ફોટોગ્રાફી કરી શકો છો. આ પ્રાકૃતિક સ્થળ છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ જગ્યા બેસ્ટ છે. અહી જાણે પ્રકૃતિના ખોળામાં બેઠા હોય એવો અહેસાસ થાય છે. હિંગોળગઢ નજીક જસદણના રાજાનું ટોચ ઉપર એક મ્યુજીયમ છે. એ પણ જોવા જેવું છે. આ બંને સ્થળોએ પહોચવા માટે રાજકોટથી જસદણની દર કલાકે એસટી બસ ઉપાડે છે. જસદણથી ખાનગી વાહનો અને છકડો રિક્ષા કરી પણ પહોચી શકાય છે. અહી વન ભોજન પણ કરી શકો છો.

ઘેલાસોમનાથ: રાજકોટથી 78 કિમીના અંતરે છે. ઘેલાસોમનાથ એ સૌરાષ્ટ્રનું બીજું સોમનાથ ગણવામાં આવે છે. ફરતી બાજુ ડુંગરા અને વચ્ચે મંદિર હોવાથી જગ્યામાં સુંદર નજારો સ્વર્ગ સમાન ભાસે છે. ઉંચું શિખરબદ્ધ મંદિર વિશાળ પટાંગણમાં પથરાયેલું છે. આ શિવલીંગને બચાવવા હજારો બ્રાહ્મણોએ પોતાના જીવ આપ્યા હતા. 1457ની સાલમાં ગુજરાત ઉપર મહમદ જાફરની આણ વરતાતી હતી. તેમને ભૂગર્ભમાં શિવલીંગ છે તેની જાણ થતા આક્રમણ કર્યુ હતું. પરંતુ મહમદ જાફરની કુંવરી હુરલ મીનળદેવી સાથે ગઈ હતી અને પોતાના પિતાના મનસૂબાની જાણ કરી. આજ સમયે મીનળદેવીને સ્વપ્નમાં આવ્યું તે મુજબ શિવલીંગને પાલખીમાં લઈ ઘેલા વાણિયા સાથે નીકળી ગઈ. મીનળદેવી અને ઘેલો વાણિયો પાલખી લઈને દૂર દૂર સુધી નીકળી ગયા ત્યારે સુલતાનને ખબર પડી કે લીંગ તો સોમનાથમાં રહી નથી. આથી તેમણે તેનું સૈન્ય પાલખી પાછળ દોડાવ્યું. ઘેલો વાણિયો અને મીનળદેવી વેરાવળથી 250 કિમી દૂર જસદણ પાસેના કાળાસર અને મોઢકા વચ્ચે નદીના કાંઠે શિવલીંગની સ્થાપના કરી. આ લડતમાં ઘેલો વાણિયો હણાતા મંદિરનું નામ ઘેલા સોમનાથ પડયું. તેમજ બાજુમાંથી પસાર થતી નદીનું નામ પણ ઘેલો નદી પડી ગયું. મીનળદેવી મંદિરની સામે ડુંગર પર સમાધી લીધી હતી. શ્રાવણ માસના દર સોમવારે અહી મેળો ભરાઈ છે. મેળો માણવા જસદણ આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જસદણ પાસે બિલેશ્વર મહાદેવ મંદિર છે. ત્યાં પણ દર્શન કરવા જવા જેવુ છે. અહીં પહોંચવા માટે જસદણથી પ્રાઈવેટ વાહન કરવું પડે છે.

જડેશ્વર મહાદેવ: રાજકોટથી 56 કિમીના અંતરે આવેલ છે. વાંકાનેરથી ૧૦ કી.મી.ના અંતરે આવેલા લીલાછમ ડુંગરાઓની હારમાળા પૈકી રતન ટેકરી ઉપર સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. સદીયો પુરાણા આ મંદિરનો ઈતીહાસ જામનગરના રાજા જામ સાહેલ સાહેલ જોડાયેલો છે. સાથો સાથ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગોવાળનો ગૌ માતાનો દુધાભિષેક સહીતના અનેક પ્રસંગો આ મંદિરના ઈતીહાસમાં સમાયેલા છે. ડુંગરા ઉપર સ્વયંભૂ રીતે પ્રગટયા એટલે જડયા એટલે મહાદેવનું નામ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ રખાયું હોવાનું તેમજ શ્રાવણમાસના બીજા સોમવારે પ્રાગટય થયેલ હોય શ્રાવણ માસના બીજા સોમવારે દાદાનો પ્રાગટયદિન ઉજવાય છે. ધાર્મિક કાર્યક્રમો સાથે લોકમેળો યોજાય છે.
શ્રાવણ માસના દરેક રવિ-સોમવારે અહી મેળો ભરાઈ છે. ત્યારે ભક્તો દર્શનની સાથે મેળાની મજા માણે છે. રાજકોટથી જડેશ્વર જવા માટે વાંકાનેર સુધી બસ મળે છે ત્યાંથી ખાનગી વાહનમાં જવું પડે છે. મોરબીથી પણ નજીક થાય છે. અહી રહેવાની પણ વ્યવસ્થા છે. જડેશ્વરની સાથે વાંકાનેરમાં ગાયત્રી મંદિર પણ જોવા જેવું છે. શ્રાવણ માસના બીજા રવી સોમના યોજાતા લોકમેળામાં ભાવીકોને જવા તથા આવવા માટે વાંકાનેર એસ.ટી. ડેપો દ્વારા જુદા જુદા રૃટ પરથી બસો પણ શરૃ કરવામાં આવે છે.

રણજીત વિલાસ પેલેસ: વાંકાનેરના રાજાનો ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસ પણ જોવા જેવો છે. જ્યાં હમણાં આવેલી ગ્રેટ ગ્રાન્ડ મસ્તી સહિતની હિન્દી ફિલ્મના શાટિંગ થયા છે. આ પેલેસ ઈ.સ.1907માં વાંકાનેરના રાજા અમરસિંહે બંધાવેલો છે. મહેલ રરપ એકરમાં પથરાયેલો છે. સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ આ મહેલ બેનમૂન છે. આ મહેલ વાંકાનેરમાં એક ટેકરી ઉપર છે. મહેલ ઉપર વોચ ટાવર છે. મહેલનો ઘુમ્મટ મુગલ શૈલીનો, બારીઓ વિકટોરિયન પ્રકારની અને આગળનો ફુવારો ઈટાલિયન સ્ટાઈલનો છે. દિવાનખંડ ભવ્ય છે. વિશાળ કમાનો અને ઝરૂખાઓ છે. અહીંના પ્રદર્શનમાં રાજવીઓની ઘણી પ્રાચીન ચીજો દર્શાવાઈ છે. તેમાં તલવાર, ભાલા, ઢાલ, બખ્તરો છે. મસાલા ભરીને સાચવેલાં પ્રાણીઓના શરીરો તથા રાજાના તૈલચિત્રો છે.

રામપરા વાઈલ્ડ લાઈફ અભ્યારણ: રાજકોટથી માત્ર 50 કિમીના અંતરે આવેલું આ સ્થળ સૌથી મજેદાર છે. જાણે કે તમે ગીરના જંગલમાં ફરતા હોય તેવો અહેસાસ થાય. એટલું જ નહિ અહી તમને ગીરના સાવજો પણ આરામથી જોવા મળે. સિંહની સાથે દીપડા, હરણ, ચિતલ સહિતના જંગલી પ્રાણીઓ પણ જંગલમાં વિહરતા હોય છે. 130 જાતના પક્ષી પણ અહી છે. રામપરા અભ્યારણમાં અત્યારે 11 સિંહ છે. આમ તો આ સિંહનું બ્રીડીંગ સેન્ટર છે. રામપરા વાંકાનેર શહેરથી એકદમ નજીક છે. જોકે જંગલમાં જવા માટે વાંકાનેરના આરએફઓની મંજૂરી લેવી પડે છે. અત્યારે હરિયાળી સોળે કળાએ ખીલી છે એટલે ફોટોગ્રાફી કરવાની મજા આવે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે બેસ્ટ પ્લેસ છે. અભ્યારણ સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

જરિયા મહાદેવ; ચોટીલા આપને વારંવાર જતા હોય પરંતુ બહુ ઓછું જાણીતું સ્થળ એટલે જરિયા મહાદેવ રાજકોટ થી 60 કિમી દૂર આવેલી આ જગ્યા ચોટીલા નજીક છે. અહી એક મોટા પથ્થરની નીચે શિવાલિંગ છે જેના ઉપર કુદરતી રીતે પાણીનો અભિષેક 365 દિવસ 24 કલાક થતો રહે છે. જંગલમાં પાણીનું ટીપું પણ જોવાના ન મળે છતાં અહી પાણીનો અભિષેક થાય છે. અહી જવા માટે ચોટીલા પહેંચી ખાનગી વાહન કરી પહોચી શકાય છે. અહી શ્રાવણ મહિનામાં લોકોની ભીડ રહે છે. જરિયા મહાદેવની સાથે ચોટીલામાં જલારામબાપાના મંદિરની મુલાકાત લેવા જેવી છે. સુરજ દેવળ પણ સારી જગ્યા છે. ચોટીલા નજીક ત્રીમંદિર પણ છે.

ભીમોરા: ચોટીલા થી થાનની વચ્ચે ભીમોરા આવે છે. અહી ભીમની ગુફા છે. અહી ભીમ આવ્યાં હોવાની દંતકથા છે. તેનો પંજો અહી છે. ઐતિહાસિક જગ્યાના લીધે ફોટોગ્રાફી કરવાની મજા આવે છે. અહી પહોચવા માટે પ્રાઇવેટ વાહન જરૂરી છે. ભીમોરાથી થોડે દૂર બાન્ડયાબેલી જંગલ આવેલું છે.

અનળગઢ: રાજકોટથી 30 કિમીના અંતરે આવેલ આ જગ્યા હિલ સ્ટેશન તરીકે ઓળખાય છે. ડુંગર ઉપર મહાકાળી માતાજીનું પ્રાચીન મંદિર છે. ઉપર પ્રાચીન કિલ્લો છે. અહી વન ડે પિકનિક માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. અહી કાર કે બાઇક ઉપર જ જઇ શકાય છે. જમવાનું કે નાસ્તો લઈને જવું અહી કઈ મળતું નથી. વરસાદી મોસમના લીધે ડુંગર હરિયાળીથી ખીલી ઉઠયો છે. રીબડા પાસે દાળેશ્વર મહાદેવ મદિર પણ છે.

ઓસમ ડુંગર: ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં માઉન્ટ આબુ તરીકે ઓળખાતા ઓસમ ડુંગરની રમણિયતા મન મોહી લે છે. પ્રાકૃતિક સૌદર્ય માણવા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. રાજકોટથી 110 કિમી દૂર આ ડુંગર ઉપર બ્રિટીશ રાજ વખતનો કિલ્લો છે. એવી લોકવાયકા છે કે, પાંડવોએ વનવાસ દરમિયાન અહીં વાસ કર્યો હતો. હાલ આ ડુંગર ઉપર બનાવેલા મંદિરમાં હિડીમ્બાનો હીંચકો, ભીમની થાળી મૌજુદ છે. તેમજ ડુંગર ઉપર પૌરાણિક શિવમંદિર છે. શિવમંદિરમાં રહેલા શિવલીંગ પર પાણીનો આપોઆપ અભિષેક થાય છે. આથી તેને ટપકેશ્વરના નામથી ઓળખાય છે. તેમજ માત્રી માતાજીનું મંદિર પણ છે. બાજુમાં હનુમાનજી મંદિર છે. આ ડુંગર તેના નામ મુજબ જ ઓસમ જ છે. અત્યારે સોળેકળાએ સૌદર્યતા ખીલી ઉઠી છે. અહીં જવા માટે રાજકોટથી ધોરાજી અને ત્યાંથી પાટણવાવ જવા માટે ખાનગી વાહનોની સગવડ મળી છે.

પાટણવાવની રાણકીવાવ; ઐતિહાસિક વારસાની ધરોહર સમાન છે. વાવનું બાંધકામ 10રરના વર્ષમાં કરવામાં આવ્યું હતું. લગભગ 40 વર્ષ સુધી બાંધકામનું કાર્ય ચાલ્યું હતું. રાજકોટથી 110 કિલોમીટર ધોરાજીનું પાટણવાવ ગામ 11મી સદીમાં ગુજરાતના પાટનગર તરીકે ઓળખાતું હતું. 11મી સદીમાં પાટણના રાજા ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતિએ પતિની સ્મૃતિમાં પાણીની કાયમી સંગ્રહ માટે આ ઐતિહાસિક સ્થાપત્યનું સર્જન કરાવ્યું હતું. સોલકી વંશના રાજા મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ યુધ્ધમાં શહીદ થતા રાણી ઉદયમતિએ તેમની યાદમાં આ વાવનું બાંધકામ કરાવ્યું હતું. 11મી સદીમાં બનેલી સાત માળની રાણકીવાવનું ભવ્યાતિભવ્ય બાંધકામ બેનમૂન છે. વાવની દિવાલો ઉપર ભગવાન વિષ્ણુના દશાવતારની ઝલક જોવા મળે છે. સાત મજલા અને 340 થાંભલા પર રચાયેલું અજોડ સ્થાપત્ય મધ્યયુગીન ભારતની અને ગુજરાતની અવર્ણનીય કલાની ધરોહર સમાન છે. 11મી સદીમાં નિર્માણ પામેલી રાણકીવાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપી દેવામાં આવી છે. યુનેસ્કોએ ભૂમિગત જળના ઉપયોગમાં ટેકનોલોજીકલ ઉદાહરણ તરીકે ગણીને રાણકીવાવને વૈશ્વિક ધરોહર બહુમાન આપ્યું છે. ભૂગર્ભમાં સાત માળ નીચે જતી આ વાવમાં પગથિયા દ્વારા ઉતરી શકાય છે. હાલ રાણકીવાવની આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જાળવણી કરવામાં આવી રહી છે. રાજકોટથી 110 કિલોમીટર થાય છે. રાજકોટથી ધોરાજી અને ધોરાજીથી પાપણવાવ જવા રિક્ષા અને બસની સુવિધા છે.

ખંભાલીડાની ગુફા ; ગોંડલ નજીક છે. ખંભાલીડા ગામમાં 1800 વર્ષ પહેલાની બૌદ્ધ ગુફાઓ છે. આ ગુફાની મુલાકાત લો તો તમે અજંતા-ઈલોરાની ગુફા ભૂલી જાવ તેટલી પ્રાચીન ઈતિહાસ સાથે સંકળાયેલી છે. 1957-59 દરમિયાન ખંભાલીડા ગામની સીમમાં આવેલી ટેકરીઓની ઓથમાંથી ક્ષત્રિય અને ગુપ્ત કાળના સંધી સમયની બૌધ્ધ ગુફાઓની અલભ્ય શોધ થઇ હતી. આ બૌધ્ધ ગુફાઓમાં 1800 વર્ષ પહેલાના વિહાર સભાખંડો અને ચૈત્યગૃહો આવેલા છે. ગુફાના પૂર્વદ્વારની બંને બાજુએ ઉંચા કદની ખંડિત હાલતમાં બોધિસત્વ, પદ્મપાણિ, અવલોકિતેશ્વર અને વજ્જપાણી મૂર્તિઓ કોતરેલી જોવા મળે છે. ત્રીજી સદીના અંત અને ચોથી સદીનીશરૂઆતમાં ગિરનાર પર્વત પર વિહાર કરતા બૌધ્ધ સાધુઓ જંગલમાર્ગે ખંભાલીડા પહોંચ્યા હતા. તે સમયે ખંભાલીડા ગીરનું પ્રવેશદ્વાર ગણાતું હતું. ગુજરાત રાજ્યનાં ટુરિઝમ વિભાગ દ્વારા ઐતિહાસિક સ્થળોની ઝાંખી કરાવવા ખુશ્બુ ગુજરાત કી નામની ડોકયુમેન્ટરી ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી. જે ડોકયુમેન્ટરી ફિલ્મનાં ત્રીજા તબક્કાના શુટીંગ માટે બોલીવુડનાં સુપર સ્ટાર અમિતાભ બચ્ચન ખંભાલીડા આવ્યા હતા. ગોંડલ નજીક ભાદર નદીના કાંઠે વસેલા પ્રાચીન ગણાતી બૌધ્ધ ગુફામાં સવારના સાતથી સાંજના છ સુધી તેમને શુટિંગ કર્યું હતુ. અહીં તેઓએ કાઠીયાવાડી ભોજનનો પણ સ્વાદ માણ્યો હતો.

અહીં જવા ગોંડલથી રીક્ષા મળે છે. જેતપુરમાં ભીડભંજન મદિરે પણ પ્રવાસીઓ દર્શન માટે આવે છે. ગોંડલમાં આશાપુરા મંદિર અને અંબાજી મંદિર પણ જોવા લાયક છે.

ભૂતનાથ મહાદેવ: રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર હલેન્ડા પાસે ભૂતનાથ મંદિર આવ્યું છે. શ્રાવણ માસમાં અહી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટે છે. આસપાસ બીલ્લી વચ્ચે શિવાલિંગ છે. વીડીમાં મદિર છે એટલે પ્રકૃતિની પણ મજા માણી શકાય છે. મોટી સંખ્યામાં મોર રહે છે. જ્યારે આરતી થાય ત્યારે મંદિરના પટાંગણમાં મોર આવી જાય છે. એ નજારો માણવા જેવો છે. એકદમ શાંત જગ્યા છે. સૌદર્યથી ભરપૂર જગ્યા છે. ત્રંબા નજીક ત્રિવેણી આવે છે. બાજુમાં નદી હોવાથી લોકો ન્હાવાની મજા લૂંટે છે. અહીં મંદિર પણ છે.

વાઘ મહેલ

રાજકોટથી 62 કિલોમીટરના અંતરે આવેલા મોરબીના મણિમંદિર અને વાઘ મહેલ ઐતિહાસિક ધરોહર બની ગયા છે.મોરબીનો વાઘ મહેલ. ૧૯૩પમાં તે સમયનાં મહારાજા વાઘજી ઠાકોર સાહેબે ભવ્યાતભિવ્ય મહેલ બનાવ્યો હતો. આ મહેલની સાથે મહારાજાએ રાણી મણીની યાદમાં આગળનાં ભાગે મણીમંદિર (મહેલ) બનાવ્યું હતું. જેમાં ભગવાન શંકર, શ્રીરામ, રાધાકૃષ્ણ અને કાલિકાનું મંદિર આવેલું છે. વાઘ મહેલમાં અવનવી ડીઝાઇનથી બનાવેલી કોતરણીવાળા ઝરૂખા છે. 130 રૂમ ધરાવતું આ સ્થાપત્ય બેનમૂન છે. આ સ્થાપત્ય બાંધવામાં આવ્યું ત્યારે 30 લાખનો ખર્ચો થયો હતો. મણિમંદિરનો સભામંડપ અને ઘુમ્મટ ત્રણસો બાય ત્રણસો ચોરસફૂટ જેટલો વિશાળ છે.

.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED