કંજૂસ. Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કંજૂસ.

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com

કંજૂસ. પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

રાહુલ ટ્રેનમાંથી મણીનગર રેલ્વે સ્ટેશન પર ઉતર્યો. એના હાથમાં એક કપડાની ટ્રોલી બેગ અને ખભા પર એક લેપટોપ બેગ હતી. સામાન આસાનીથી ઊંચકીને એ સ્ટેશન ની બહાર આવ્યો. ટ્રોલી બેગ હાથમાં ઊંચકીને એ સ્ટેશનના પગથિઆ ઉતરવા લાગ્યો. સામે રિક્ષાવાળાઓ ટોળામાં એને ઘેરી વળ્યા.

‘ચાલો સાહેબ, આ બાજુ આવી જાઓ’ ‘સેટેલાઈટ જવું છે, સાહેબ?’ ‘બોલો સાહેબ, ક્યાં જવું છે?’ ના કલશોરથી એ ઘેરાઈ ગયો. ‘આનદ નગર જવું છે, સીમા હોલ પાસે, આવીશ?’ રાહુલે એક રીક્ષાવાળાને પૂછ્યું. ‘હા, સાહેબ’ રીક્ષાવાળો ગ્રાહક મળવાની આશાથી ખુશ થઇ ને બોલ્યો. રાહુલ રીક્ષામાં બેઠો અને મીટર ચાલુ કરવા કહ્યું. રીક્ષાવાળાએ કહ્યું. ‘દોઢસો રૂપિયા થશે, સાહેબ’ ‘કેમ, રીક્ષાનું મીટર બંધ છે?’ રાહુલે પૂછ્યું. ‘મીટર પર પણ એટલા જ થાય, સાહેબ,’ રીક્ષાવાળો ગ્રાહક જતું ન રહે તેથી ઉતાવળ કરીને બોલ્યો. રાહુલ તરત જ રીક્ષામાંથી ઉતરી ગયો અને કહ્યું, ‘કસ્ટમર સાથે ચીટીંગ કરે છે? મીટર બંધ રાખીને ઉચ્ચક પૈસા માંગે છે?’

‘શું થયું? શું થયું?’ કહેતા બીજા રીક્ષાવાળા એને ફરીથી ઘેરી વળ્યા. હવે રાહુલ નું મગજ વિચારવાના કામમાં લાગી ગયું. ‘મારી પાસે સામાન ક્યા એટલો બધો છે કે રીક્ષા માં જવું પડે. આ સામેથી જ તો બીઆરટીએસ ની બસ ઉપાડે છે. રીક્ષામાં દોઢસો રૂપિયા આપીને ગરમીમાં બફાઈને જવા કરતાં બીઆરટીએસ ની મસ્ત મજાની એસી બસમાં જવું શું ખોટું? મારે તો ‘સસ્તું ભાડું ને સિધ્ધપુરની જાત્રા’ થશે. માણેક બાગ સ્ટેન્ડ પર ઉતરીને રીક્ષા કરી લઈશ તો પણ ખાસા રૂપિયા બચશે.’ અને રિક્ષા વાળાઓના ‘સાહેબ, આ બાજુ આવો’ ના અવાજને અવગણીને એણે બીઆરટીએસ ના બસ સ્ટેન્ડ તરફ ચાલવા માંડ્યું.

બસ સ્ટેન્ડ પર પહોચીને માણેક બાગની ની ટીકીટ લઈને એ બસની રાહ જોતો ઉભો રહ્યો. ‘અત્યારે ઈશિતા સાથે હોત તો મને બસમાં બેસતો જોઇને શું કહેત? - ‘કંજૂસ’ અને એ મનોમન હસી પડ્યો. બસ આવી અને મણીનગર થી જ ઉપડતી હતી એટલે લગભગ ખાલી જ હતી બેસવાની જગ્યા મળી ગઈ, બેઠા પછી બેગ પગ પાસે મુકીને લેપટોપ બેગ ખોળામાં મુકીને એ રીલેક્શ થયો. એણે શર્ટ ના ખીસ્સામાંથી મોબાઈલ કાઢીને ઈશિતાને ફોન કરવા વિચાર્યું, પણ પછી થયું, ઈશિતા સવાલો પૂછીને જાણશે કે મણીનગર થી બસમાં બેઠો છું તો ચીઢાશે, એના કરતા ડાયરેક્ટ ઘરે પહોચી જાઉં, ને એને ‘સરપ્રાઈઝ’ આપું. એણે મલકાઈને મોબાઈલ પાછો ખિસ્સામાં મૂકી દીધો અને નિરાંતે બેઠો. બસમાં બેઠા બેઠા એને પોતાના જીવનની જૂની વાતો યાદ આવવા માંડી.

વર્ષો પહેલાની વાત હતી. લગ્ન પછીનો તરત નો સમય ગાળો સંઘર્ષમય હતો. નવી નવી નોકરી હતી, પગાર ઓછો હતો. માતા પિતા વતનમાં મહેસાણા રહેતા હતા અને પોતે પત્ની સાથે અમદાવાદ ના સેટેલાઇટ વિસ્તારમાં એક બેડરુમ નો નાનો ફ્લેટ ભાડે લઈને રહેતો હતો. સ્કુટર નહોતું એટલે ઘરથી લાલ દરવાજા અને ત્યાંથી ગાંધી રોડ, એમ બે બસ બદલીને નોકરી પર જવાનું હતું. એક કંપનીમાં એકાઉન્ટ્સ લખવાના હતા. પગાર ઘણો ઓછો હતો.

હજી હમણા જ ઘર માંડ્યું હતું એટલે ઘરમાં સુખ સગવડના ખાસ સાધનો નહોતા. આ વર્ષો પહેલાની વાત છે, તે વખતે તો મોબાઈલ પણ નહોતા, લેન્ડ લાઈન વાળા ફોન પણ સોસાયટીમાં બે ચાર ઘરમાં જ હતા.ઘર માં ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન જેવા કોઈ સાધનો પણ નહોતા. ગણી શકાય એટલા બે જણને જરૂર પુરતા વાસણો, ગેસનો ચૂલો, સીલીન્ડર, એક પલંગ અને એક કબાટ.

ઈશિતાને વાંચવાનો ખુબ શોખ, એટલે કામકાજથી પરવારીને એ વાંચવાનો સમય કાઢી લેતી. આજુ બાજુ વાળાના ઘરેથી બુક્સ લાવીને અને લાઈબ્રેરી માં જઈને પુસ્તકો લાવીને વાંચતી. ન્યુઝપેપરની પસ્તી – દુધની ખાલી પોલીથીન બેગ – વેચીને જે પૈસા આવે એમાંથી પુસ્તક ખરીદતી. કપડાં ઘરેણા કરતા પણ એને બુક્સ માં વધારે રસ પડતો. અને રાહુલ પણ એના આ શોખને પોસતો, એને પોતાને પણ અવનવું વાંચવાનો શોખ હતો જ ને?

બસ મણીનગરથી જેમ જેમ આગળ વધતી ગઈ એમ એમ રાહુલના વિચારો પણ ચાલતા ગયા. લગ્નના બે વર્ષ પછી ઈશીતાની પ્રેગનન્સીના ખુશ ખબર મમ્મી પપ્પાને આપ્યા ત્યારે તેઓ કેટલા ખુશ ખુશાલ થઇ ગયેલા? દીકરા ગૌરવ નો જન્મ અને ચાર વર્ષ પછી દીકરી સીમૌલીનો જન્મ. પોતાનું કુટુંબ પૂર્ણ બન્યું. રાહુલે બે નોકરી બદલી, રાહુલનું પ્રમોશન થયું, લોન લઈને એક બેડરુમના ભાડાના ફલેટમાંથી બે બેડરુમના પોતાના ફ્લેટમાં શિફ્ટ થયા. ઘરમાં ટીવી, ફ્રીઝ, ફર્નીચર વધ્યું. પહેલા સ્કુટર પછી કાર લીધી. ઉત્તરોત્તર રાહુલની અને છોકરાઓની પ્રગતિ થતી ગઈ. બંને સંતાનો ભણવામાં તેજસ્વી હતા. ગૌરવ એન્જીનીયર અને સીમૌલી ડોક્ટર થઇ. બંનેને સારે ઘરે પરણાવ્યા. મમ્મી પપ્પા ક્યારેક અમદાવાદ આવતા અને ક્યારેક અમે લોકો મહેસાણા જતા.

ઉભેલા પેસેન્જરનો ધક્કો લાગતા રાહુલ ની વિચારધારા તૂટી. બસમાં પેસેન્જરો ચઢતાં ગયા અને લગભગ આખી બસ ભરાઈ ગઈ. રાહુલ પોતાના સામાનને સાચવી રાખીને સહેજ સંકોચાઈને બેઠો. ઉભેલા મુસાફરો ના ધક્કા એને લાગતા રહ્યા. અંજલી થીયેટર બસ સ્ટોપ પર તો એનું લેપેટોપ ખોળામાંથી પડી ગયું. લેપટોપ બેગમાં હતું એટલે સારું હતું. એણે વાંકા વાળીને પગ પાસે પડેલું લેપટોપ લઈને પાછું ખોળામાં વ્યવસ્થિત મુકતા, પોતાની પાસે ઉભેલા પેસેન્જરને કહ્યું: -ભાઈ, જરા સરખા અને દુર ઉભા રહો ને, કેટલા ધક્કા મારો છો?

જરાય જીભાજોડી કર્યા વગર એ પેસેન્જર દુર જતો રહ્યો અને તરત જ પછીના સ્ટોપ પર ઉતરી ગયો. ત્યાં જ રાહુલનો હાથ શર્ટના ખિસ્સા પર ગયો, ખિસ્સું ખાલી હતું. ‘અરે ! મોબાઈલ ક્યાં?’ એ હાંફળો ફાંફળો થઇ ગયો. એને શર્ટના અને પેન્ટના ખિસ્સામાં પણ તપાસ્યું, લેપટોપ બેગમાં જોયું, ઉભા થઇ પોતાની સીટ પર, સીટ નીચે અને આમતેમ શોધ્યું, પણ મોબાઈલ ક્યાંય દેખાયો નહી.’મારો મોબાઈલ ખોવાયો’ એ બુમ પાડી ઉઠ્યો. આજુબાજુના પેસેન્જરો અને કંડકટર પણ એનો મોબાઈલ શોધવામાં લાગી ગયા, પણ મોબાઈલ મળ્યો નહિ, રાહુલ નિરાશ થઇ ગયો.

કોઈએ એને ‘પોલીસ કમ્પ્લેન’ કરવાની સલાહ આપી. કંડકટર એ એને સાંત્વન આપતા કહ્યું, ‘તમારો બીજો ફોન નબર લખાવો, ફોન મળશે તો તમને પહોચાડીશું. રાહુલ ને ફોન પાછો મળવાની આશા નહોતી, છતાં ઈશિતા નો મોબાઈલ નંબર એને લખાવ્યો અને વિલા મોઢે માણેકબાગ સ્ટોપ પર ઉતાર્યો. રીક્ષા પકડવા માટે એ સ્ટોપ પરથી રસ્તો ક્રોસ કરીને એક બાજુ પર ગયો, એ સ્કુટર વાળાએ જોરદાર બ્રેક ન લગાવી હોત તો વિચાર મગ્ન રાહુલ સાથે અથડાઈ જાત. ‘છતી આંખે આંધળાની જેમ ચાલે છે’ સ્કુટર વાળો બબડતો બબડતો સ્કુટર હંકારી ગયો. રાહુલ ધૂંધવાઈ ઉઠ્યો, એને થયું, એને પકડીને બે અડબોથ ઠોકી દઉં

‘સીમા હોલ’ એણે એક રીક્ષાવાળાને કહ્યું. રીક્ષાવાળાએ ત્યાં જવાનો ઇનકાર કર્યો તો રાહુલ ગુસ્સાથી બરાડ્યો, ‘નથી આવવું તો રીક્ષા વેચી કેમ દેતો નથી? આવાની તો પોલીસમાં કમ્પ્લેન જ કરવી જોઈએ’ બીજા બે રીક્ષાવાળાએ પણ આ સાંભળીને જવાની ના પાડી. રાહુલ થોડે આગળ ગયો, ત્યારે એને રીક્ષા મળી. રાહુલે મોટી બેગ પાછળના ભાગે મૂકી અને લેપટોપ બેગ પોતાની બાજુમાં મૂકી. રીક્ષામાં બેસીને એ બોલ્યો, ‘સીમા હોલ લઇ લો.’ પછી ઉમેર્યું, ‘આજકાલ તો રીક્ષાવાળા પણ બહુ ફાટ્યા છે, મનમાની કરવા લાગ્યા છે.’

રીક્ષાવાળો કઈ પણ બોલ્યા વગર ચુપચાપ રીક્ષા ચલાવવા માંડ્યો. સીમાહોલ આવતા જ રાહુલે રીક્ષા સોસાયટીમાં લેવડાવી અને પોતાનું બિલ્ડીંગ આવતા જ મીટર પ્રમાણે જે પૈસા થયા તે આપીને લેપટોપ બેગ લઈને એ ઉતરી ગયો. એનો ચહેરો ઉતારેલો હતો. ડોરબેલ દબાવી તો ઈશિતા એ હસતા મોઢે દરવાજો ખોલ્યો:

-હાય હેન્ડસમ, આવી ગયો તું? ખબર છે મેં તને કેટલો મિસ કર્યો? ઈશિતાએ એને એક હેતભર્યું આલિંગન આપ્યું, રાહુલે પરાણે સ્માઈલ કર્યું, ઈશિતા એ રાહુલના હાથમાં બેગ ન જોતા પૂછ્યું,

-તારી ટ્રોલી બેગ ક્યાં?

હવે રાહુલ ચમક્યો, ઉતાવળમાં એ ફક્ત લેપટોપ બેગ લઈને જ ઉતરી ગયો હતો, રીક્ષાની પાછળ મુકેલી ટ્રોલીબેગ તો લેવાનું ભુલાઈ જ ગયું.

-ઓહ ગોડ! ઈશિતા. બેગ તો રીક્ષામાં જ રહી ગઈ, હવે?

-રીક્ષાવાળા ના મનમાં રામ વસતા હશે તો બેગ પાછી આપવા આવશે અને નહિ તો રામરામ. ઈશિતાએ કહ્યું.

-આજનો તો દિવસ જ ખરાબ છે, બસમાં મોબાઈલ ચોરાયો અને રીક્ષામાં બેગ ખોવાઈ.

-તું બસમાં આવ્યો? ઈશિતાએ આશ્ચર્યથી પૂછ્યું.

-સોરી, ડીયર. પણ મારી પાસે સામાન ખાસ નહોતો એટલે રીક્ષાના દોઢસો રૂપિયા ખર્ચવાનો જીવ ન ચાલ્યો.

-આટલા પૈસા કમાયા છતાં કંજૂસ નો કંજૂસ જ રહ્યો તું. દોઢસો રૂપિયા ના બદલે કેટલા નું નુકસાન થયું, જનાબ?

-હું પોલીસ કમ્પલેન લખાવી આવું?

-પહેલા મોબાઈલનું સીમ બંધ કરાવી દે અને પછી બાજુવાળા નેહલભાઈને સાથે લઇને પોલીસ ચોકી એ જા. સેટેલાઈટ પોલીસ ચોકીમાં એમની ઓળખાણ છે.

રાહુલ નેહલને લઈને પોલીસ ચોકી ગયો. થોડી વારમાં ઘરની ડોરબેલ વાગતા જ ઈશિતાએ બારણું ખોલ્યું, સામે એક અજાણ વ્યક્તિ રાહુલની ટ્રોલી બેગ લઈને આવ્યો હતો, બોલ્યો.

-બહેન, મારી રીક્ષામાં સાહેબની આ બેગ રહી ગઈ હતી, મારું ધ્યાન ગયું એટલે હું તે પાછી આપવા આવ્યો છું. સોસાયટીના ગેટ પર પુછતાં વોચમેને તમારું ઘર બતાવ્યું. જુવો, આ બેગ તમારી જ છે ને?

-હા હા, અમારી જ બેગ છે.

-ચેક કરી લો બહેન, જેમ મળી એમ જ લઇ આવ્યો છું.

-ભાઈ તમે બેગ પાછી આપવા આવ્યા એ જ બતાવે છે કે તમે પ્રમાણિક છો.

ઈશિતાએ બેગ જોઈ, લોક બરાબર લાગેલું હતું. એને રીક્ષાવાળાનો આભાર માન્યો અને પાંચસો રૂપિયા આપવા માંડ્યા, જે લેવાનો એણે ઇનકાર કરી દીધો. અને ધીમેથી બોલ્યો:

-બહેન, સાહેબને કહેજો કે – ‘આજકાલ તો રીક્ષાવાળા પણ બહુ ફાટ્યા છે, મનમાની કરવા લાગ્યા છે.’ એ વાત સાચી નથી. ચાલો જાઉં.

રીક્ષાવાળો ગયો પછી તરત રાહુલ આવ્યો. બેગ પાછી આવેલી જોઈને એને આશ્ચર્ય થયું. ઈશિતાએ જ્યારે આખી વાત જણાવી ત્યારે એ ખુશ થઇ ગયો. બેગ ખોલીને જોયું તો બધી વસ્તુઓ બરાબર હતી.

-તારા કહેવા પ્રમાણે રીક્ષાવાળા ના મનમાં રામ વસ્યા ખરા. વાહ વાહ! રાહુલ બોલ્યો.

‘આજકાલ તો રીક્ષાવાળા પણ બહુ ફાટ્યા છે, મનમાની કરવા લાગ્યા છે. એ વાત સાચી નથી.’ ઈશિતાએ રીક્શાવાળાએ જે વાત કહી હતી તે રાહુલને કહી અને પૂછ્યું:

-રીક્ષાવાળો આવું કેમ બોલ્યો?

રાહુલ શું બોલે? એ ચુપ જ રહ્યો.

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com