શબરી લઘુકથાઓ Harish Mahuvakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શબરી લઘુકથાઓ

૧. વાવણી

આખરે રૂઠેલો રાજા માંડ માંડ માન્યો. ગઇ કાલે આખી રાત અનરાધાર વરસાદ વરસ્યો હતો.

રામજી બે વેંત ઊંચો હવામાં હળવા માંડ્યો.

ધોળિયા ઢાંઢાને શિંગડે ઘી ચોપડ્યું. ચાંદલા કર્યા.

રામજી ગળે ચડ્યો. ગુણીએ રામજીને ચાંદલો કર્યો. ઢાંઢાને અને રામજીને ચૂરમાનો લાડવો ખવડાવ્યો.

ડેલામાં સાથિયો કર્યો ને રામજી નીકળ્યો. પાણીની હેલ ભરીને આવતી નાની ગૌરી હામે મળી ને હકન પણ હારા થૈ ગયા.

ઇ ખેતરે આવીને ઊભો ર્યો.

પોર –

કાજળ છાર્યું આકાશ હતું. રહકાબોળ ખેતરે બેયને આવકાર્યા’તા. જોતજોતામાં બપોર સુધીમાં તો મોટા ભાગની વાવણી થઇ ગઇ’તી.

દમુ બપોરે લપસી લઇને આવતી’તી.

ભાઇ ઢાંઢાને વોંકળેથી પાણી પાઇને પાછો ફરતો’તો. ભાઇને એરું આભડ્યો ને દમુને લાપસી અભડાઇ ગઇ.

આજે –

ઘેરું કાળું આકાશ જાણે ધરતીને આંબતું’તું. ચોમેર ભીની માટીની સોડમ હતી. પડખે વે’તું વોકળું ખળખળ આવાજ વધાર્યે જતું હતું.

રામજીની આંખમાં હરવડું આવી ગ્યું. ઇ આંખ્યુંફાટ ખેતરને જોઇ ર્યો.

ઘડીક રઇને ‘હાલ્ય ભાઇ, હાલ્ય !’ કરતાંક એણે ઢાંઢાને ડચકારો કરી પૂછડું આમળ્યું. જાણે ભાઇ એનામાં આવીને વસ્યો હોય એમ એણે બેવડા જોરથી વાવણી શરૂ કરી.

૨. શબરી

મલય,

કણસતા-કણસતા રાત પસાર થયા પછી સવારે બારણે ઊભી રહું છું. રસ્તાઓ હંમેશની જેમ ઊભરાઇ સાંજ પડ્યે સ્મશાન બને છે.

તમને ગમતી એ જ ઓફિસમાં બેસું છું. બહાર ઊભેલા લાલ ગુલમહોરોની ફોરમ ઊડીને મને સ્પર્શે છે. ટેબલ પર પડેલી ફાઇલોમાં જીવ હોતો નથી. સામે રાખેલું ટાઇપ રાઇટર ઘણીવાર મારી સાથે વાત કરવા ઇચ્છતું હોય છે. હું એને ત્યજી ઊભી થઇ આંખોને બારીમાંથી રસ્તા પર પાથરું છું.

તમારી ના છતાં હું વારંવાર પપ્પા પાસે જતી. એ ખરું હતું કે તમારા જેવો સોહામણો પુરૂષ ત્યાં રહેતો હતો. તમને શક હતો. પણ તમને ખબર તો હતી જ કે મારા જવાથી પપ્પા સાવ એકાકી થઇ ગયા હતા. તમે આટલી હદે પહોંચી જશો એની મને શી ખબર !

તમારા ગયા પછી ઘર ઘર નથી રહ્યું. કેટલીય વાર કારણ વિના જ ઓફિસમાંથી ઘરે આવતી રહું છું. આલ્બમમાં તમને જોઉં છું. તમે તો હસતા હતા તેમ જ છેક સુધી હસતા રહ્યા, તસવીરમાં પણ.

તમને ગમતીલા સરોવરે જાઉં છું. હવે મને એ ગમતું નથી. સરોવરો બધાં સરખાં હોય છે; પણ પંપા સરોવરનો કિનારો તો સૂમસામ પડ્યો છે.

... અને શબરી હવે મારામાં આવીને વસી છે.

૩. શોધ

નિસ્તેજ સાંજ ઉતરી આવે છે. અંદર રહેલું ઘૂંટાઇ – ઘૂંટાઇને આપોઆપ કોઇ ઉદાસીન ધૂનના સ્વરૂપમાં હોઠ પરથી સરી પડે છે.

એમણે કેવી હાલત કરી છે એ તો જુઓ ! મંદિર શોધતાં ચરણો મયખાને અટક્યાં છે.

કોઇ એક દિવસ એણે સ્નેહની શોધ આરંભી હતી.

૪. સંબોધન

એમને એ રીતે સંબોધવાની આદત હશે એની મને શી ખબર ?

મારો મિત્ર એકાદ માસ માટે બહાર ફરવા જતો રહ્યો હતો. એના આવવાની હું આતુરતાથી રાહ જોતો હતો.

વચ્ચે અચાનક હું એના ઘરે જઇ ચઢ્યો. એના બાપુજી કશુંક વાંચતા હતા. મને જોઇને રાજી થયા. આવકાર આપીને બેસાડ્યો, હું કશુંક પૂછું એ પહેલાં એમણે સાદ પાડ્યો : મિતલ, ઓ મિતલ. . .’

હું તો રાજી થઇ ગયો. મેં તરત જ પૂછી નાખ્યું : ‘અરે, મિતલ આવી ગયો ?’

એ ક્ષણવાર મારી સામે જોઇ રહ્યા. એ કશુંક કહે એ પહેલાં તો મિતલનાં બા અમારી સામે આવીને ઉભા રહી ગયાં.

મને જરા ક્ષોભ થઇ આવ્યો. મારા ક્ષોભબી પછવાડે ક્યાંકથી ‘અમિત, અરે ઓ અમિત’ નું સંબોધન વહેતું આવ્યું. અચાનક જ મને યાદ આવી ગયું કે પાપા પણ આમ જ.....

૫. સાક્ષી

બે દિવસથી એ બેભાન હતો.

ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી કે એ ભયંકર અકસ્માતને લીધે મૃત્યુના દરવાજે આવીને ઉભો હતો. એણે પોતાની પત્નીને પોતાની મોટી દિકરી અને નાના દિકરા સાથે ઉભેલી જોઇ. હોસ્પિટલની દિવાલોની સફેદી અને નીરવતા એ ત્રણેયના ચહેરા પર ચોંટી ગઇ હતી.

એણે પડખું ફેરવવાનો પ્રયત્ન કર્યો. આ શું ? હાથ વડે એણે કશુંક ફંફોસી જોયું.

હૃદયને ભેદી નાખતી ચીસ પડી ઊઠ્યો. એણે દિવાલોને ધ્રુજાવી નાખી. એની ચીસ સાંભળીને ડોક્ટર ધસી આવ્યા : ‘નહિ ડોક્ટર નહિ, મારા પગ....?’

ડોક્ટરે પેશન્ટને સંભાળી લેતા કહ્યું : ‘Be braveman, Mr. Parmar !’ એ ડરી ગયો.

એ ચૂપ થઇ ગયો. દૂરથી શરણાઇના સૂર સંભાળતા હોય એમ એને લાગ્યું. એ સૂર અને પોતાની સાક્ષીમાં પોતાના આંગણે એક સ્ત્રીને વળાવાઇ રહી હતી અને એક સ્ત્રીને લાવવામાં આવી રહી હતી.

હોઠ પર ફૂલની કળી ખીલવા માંડી.

બીજી પળે એ જોરથી હસી પડ્યો.

૬. સ્પર્શ

બ્રાઝિલમાં ગમખ્વાર માર્ગ દુર્ઘટનામાં સોળ મૃત્યુ. ડોડા ખીણમાં આતંકવાદીઓ – સૈનિકો વચ્ચે ગોળીબારમાં દસ સૈનિકોના મૃત્યુ. ઉગ્રવાદીઓએ પચ્ચીસ ફૂકી ગ્રામજનોને ઠાર માર્યા. સૌરાષ્ટ્રમાં અકસ્માતની પરંપરા : વધુ ત્રણ અકસ્માત. પાંચના મોત : તેર ઘાયલ.

સંવેદનશૂન્ય થઇ મેં આદત પ્રમાણે સવારની ચા પીતાં પીતાં અખબારમાં મથાળાઓ પર નજર કરી અને એ જ મથાળાઓ મારા શ્રીમતીને વાંચી સંભળાવ્યાં. પછી મેં કહ્યું : ‘સારું, એટલા ઓછા. કેટલી વસતી વધી ગઇ. આવા સમાચારો રોજ હોય. એ હવે આપણને સ્પર્શ નથી કરતા.’

એ પછી સવારના અગિયારેક નહિ વાગ્યા હોય ને મારો એક મિત્ર અર્ધ ઊંચા જીવે આવ્યો. એ માંડ માંડ બોલી શક્યો : ‘યાર, આપણો જીગરી મહેન્દ્ર ! ડોડા ખીણમાં. હવે – હવે મહેન્દ્ર નથી. દોસ્ત !’

ઉત્સાહથી થનગનતા મારા યુવાન દોસ્તને હજુ હું વધુ યાદ કરું એ પહેલાં નાનો ભાઇ આવી પહોંચ્યો.

એનો ચહેરોય ઉદાસ હતો. હૃદય કશીક અમંગળ શંકાથી એક પળ ધબકારો ચૂકી ગયું.

એકદમ રડમસ અવાજે એણે કહ્યું : ‘ભાઇ, કાકાનું આખું કુટુંબ ગઇ કાલના દ્વારકા નજીક થયેલા અકસ્માતમાં સાફ થઇ ગયું.’

ક્ષણવારમાં જ દુનિયા આખી મારી સામે ઘૂમરાવા લાગી. સંપૂર્ણ જડ-શૂન્ય થઇ જવાયું.

હજી હમણાં જ મેં કહેલા શબ્દો : ‘એટલા ઓછા.. આવા સમાચારો આપણને....’ મારી સામે બાથ ભીડવા તૈયાર થઇ રહ્યા હતા.