ગીર ગ્રામ મોહિની Harish Mahuvakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગીર ગ્રામ મોહિની

નિબંધ

ગીર ગ્રામમોહીની

હરીશ મહુવાકર

સવારથી કઈ કરવાનું મન હતું નહીં. ઉનાળાના દિવસો આમેય કોઈ પણ કામને પાછળ ધક્કો મારવા કાફી હોય છે. માનવજાત પણ મૂળે તો આળસુ જ ! બહાનું જોઈએ અને લગભગ મળી જતું હોય છે.

રિહાનને બેસાડી ગાડી લઈને હું નીકળી પડ્યો. કશું ગંતવ્ય નહીં. સૂત્રાપાડાથી નીકળ્યા. એક કાચો મારગ પકડ્યો. અંતરિયાળ ગામો જોવા મળશે એમ સમજી આગળ નીકળ્યા. કાચા ધૂળિયા ઉબડ ખાબડ મારગે ઓડિસીયસની હલેસા મારતી હોડીની માફક અમારી સવારી ચાલી. અગિયાર થયા હતા. દરિયાઈ કાંઠાળ વિસ્તાર, લીલોતરી છતાંય તાપ અને ઉકળાટ લાગવા માંડ્યા.

આગળ વધતાં ગયા તેમ ગ્રામમોહીની અમને વશ કરવા લાગી. એણે પોતાની પૂરી માયા રચી. સાવ ખૂલ્લું મૂકી દીધું એનું તન અને મન. કંઈ એવી વ્યક્તિ હોય કે પછી લલચાય નહી, લોભાય નહીં, એને સમર્પિત થાય નહીં ! અહી ઉનાળો છે કે ચોમાસું તેનો ભેદ માત્ર રસ્તા ઉપર ઊડતી ધૂળથી જ થાય છે. બાકી ખેતરો લીલાછમ. કારણ કે કૂવાઓ લીલાછમ અને તેનું કારણ ગીરની નદીઓ, જંગલો અને તેની આબોહવા.

સીમમાં રહેલા ઘર કોઈએ કેનવાસ પર ઉતાર્યા હોય એવા રૂડા રૂપાળા લાગે છે. આંગણે ઊભેલી ગાયો, ભેંસો અને બળદો શણગાર વધારે પણ ફળિયામાં કામ કરતી સ્ત્રી આખાય માહોલને શોભાવે, દીપાવે, ઉજાળે. આંગણે જાંબુડાના ઝાડ હેઠળ છોકરા રમતા હોય કે પાસેના વડલાએ દોરડાથી બાંધેલા હીંચકે ઝૂલતા હોય. બાજુમાં રહેલા ખેતરમાં કોઈ કાળુભાઈ કે ધનાભાઈ, ઘનશ્યામ કે શ્વેતશ્યામ, ખેતરમાં કાળિયા કે ધોળિયા બળદોને જોડીને શ્વેત વસ્ત્રાળે ખેડુ રાશને હાથમાં પકડી ડચકારા મારતો દેખાય ને પાછળ પાછળ ખેડાયા કરતી માટી ઉપર તળે થતી ભળાય.

એટલે જ મેઘાણી કહે છે : નદી ખળકે નીઝરણાં, મલપતા પીએ માલ:/ ગાળે કસુંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ. અર્થાત ‘ જ્યાં નદિઓ અને ઝરણાઓ ખળ ખળ વહી રહેલ છે, જ્યાં માલધારીના માળ ( ગાય ભેંસો ) ભરપૂર પાણીમાં મલપતા નીર પીએ છે, જ્યાં ગોવાળ લોકો અફીણના કસુંબા ગાળીને ગટગટાવે છે, એવો એ પાંચાળ દેશ છે. અલબત્ત આ પંચાલ પ્રદેશ નહોતો પણ તેની સહોદર પ્રદેશ તો ગનાયેજ ને!

વાંકા મનુષ્યો આપણને પસંદ પડે નહીં પણ વાંકા રસ્તા અનહદ પસંદ પડે. એકદંડિયા રોડની બાજુએ ચૂનાના ધાર વગરના અણિયાળા પથ્થરોને ગોઠવીને બનાવેલી દીવાલો એકધારી નજરે તરે. એ ખેતરના શેઢાની ગરજ સારે છે. સિમેંટ વગર રચાતું આ માળખું તે માનવીની કુશળતાનું કેવું પ્રતિક ! અડીખમ રહે, ખભળે નહિ. આવી દીવાલોની આસપાસ માથું કાઢીને, પંજા પહોળા કરીને ઊભા હોય નાના-મોટા ખાખરા. એકદમ રાતા ચટ્ટાક, જાણે ચણોઠી ઓઢેલા અનેકાનેક ગુલમહોર તમારું સ્વાગત કરે. પીળચટ્ટીયો સોનમાર્ગ અને ગરમાળા માર્ગમાં ફૂલોની વધામણી કરે. ગુલાબી વસ્ત્રોમાં કે શુભ્રામૃતા શી બોગનવેલ લળી લળીને કંઈક કહેવા માથે. અને શિશુના કોમળ હાથથી ચીકુડીઓ તમારા ગાલને આંબવા કરે. અને એના મુલાયમ ગાલ પર ચૂમી ભરવા આમ્રકુંજો કહેણ દે ત્યારે સમૂળગુ અસ્તિત્વ જ ઓગળી રહે.

નવું સવું વેવિશાળ થયેલી કોઈ કન્યા પોતાના પ્રિયતમ સામે ઉભતા શરમની મારી લાલચોળ થઈ ઊઠે તેવો વેરાવળ – તાલાલા - સાસણનો પથ સ્મરણમાં આવ્યો. અદ્લોઅદલ માર્ગ ઉના-તુલસીશ્યામ-ધારીનો. ભરપૂર કેસૂડા અને ગુલમહોરથી ઉભરાતો ઢળેલો આ માર્ગ છે. ઉનાળો પણ નવોઢાનું સ્વરૂપ ધારણ કરે છે. તેને જોવા સારું તમારે ગિરના રસ્તાઓ પર જવું રહ્યું. શ્રીહરિને લટકતા કર્ણકુંડલ શોભાયમાન દીસે તો ગિરના ગરમાળા એનાથી સહેજે કમ નહીં. ખરી પડેલા ફૂલો ડામરિયા કાળિયા કેડાને શોભાવે કે જાણે મુકુંદ હરિએ માથે ખેસ ચડાવ્યો. આમ્રકુંજોની પર હળું હળું જામતી જતી મહોર અને ઝીણી ઝીણી ખાકઠીઓ નાકને અને જિહવાને પ્રસન્ન કરે ને હ્રદયમાંથી છૂપી સરવાણીઓ ફૂટે. સામેથી આવતા છકડા, ટ્રેક્ટર, બસ કે ખટારા મેનકા બની તમારું ધ્યાનભંગ ન કરી શકે. હોલે હોલે કાર ચાલતી રહેતી હોય તો મયુર કે કોયલ, પોપટ કે દેવચકલીઓ ને વિધવિધ પક્ષીસામ્રાજ્ય તમારી આંખે અચૂક આંજણ બને પરંતુ એને નિહાળવા જતા કોઈ અકસ્માતનિ ભીતિ ન રહે. નદી પાસેના વળાંક, ટેકરીઓના ચઢાણ, નાનકડા પુલ પડખેથી વહેતી જતી હિરણ, તેનું નફિકરું વહેણ, કાંઠાનું માથાઢાંક ઘાસ, કાળિયા ખડકો કોઈ જાદૂઈનગરીમાં ઢસડી જાય. કોઈ કોઈ વખત આખોય પંથ મૌન ધરેલી યૌવના શો ભાસે. આમ્રકુંજની પેલે પાર કશું ભળાય નહી તો કોઈ વાર લાજ કાઢીને ઊભેલી બાઈની ચૂંદડી સહેજ ખસતા સોહમણાં ચહેરા સમી ધનધાન્યથી હરિત ધરીણી જાણેકે લાંબી થઈ આરામ ફરમાવે. નાકની નથ સમા ખેતરમાં ઊભેલા ખોરડા ચમકે.

‘પપ્પા, સામે જૂઓ, કેવા સરસ બગલા છે!’ રિહાને મને અવનીલોક સામે ધર્યો. મારા આશ્ચર્યનું કોઈ પાર નહીં. પડખેના ખેતરમાં ત્રણેક સ્ત્રીઓ એકદમ લગોલગ રહીને અડદના છોડ ખેર્યે જતી હતી ને એમની બગલમાં જ બગલા. જાણે હમણાં તેમના શીરે સવારી કરશે. અડદ ખેંચતા જાય, સ્ત્રીઓ આગળ વધતી જાય ને બગલા એમની પાછળ પાછળ નિર્ભય બની ચાલતા રહે ને ભોજન આરોગતા રહે. પ્રકૃતિમાં કોઈ ભેદભાવ નહીં. માનવ કે પંખી કે પશુ સર્વ સમાન ! લીલા મુગટધારી નાળિયેરિઓ, લીલી ચૂનરી ધરિત આમ્રકૂંજ, પડખેના દાઢીધારી વડના છાયડામાં આ આખુય દ્રશ્ય જાણે સોહામણી નારના ગળે ઝૂલતું મોહક પેંડન્ટ !

આગળના વળાંકે પીપર વડલાના ઝૂંડ વચ્ચે રાતા નળિયાવાળું એક મકાન દેખાયું. કૉલેજના વિદ્યાર્થીઓ ગામડે જઈ દીવાલો પર લખતા હોય છે તેવા સૂત્રો જોવા મળ્યા. દરવાજેથી અંદરનો ભાગ ચોખ્ખો જોઈ શકાયો. લાઈનબંધ ઓરડાઓ દેખાયા. આ એક પ્રાથમિક શાળા હતી. મૂંગી મંતર વેકેશન ને લઈને. બચ્ચાઓનું મન શે રહેતું હશે ભણવામાં જ્યારે તેની આસપાસ ખિસકોલીઓ દોડતી હોય, કાબરો ડાળિઓ પર કે આંગણમાં કૂદતી હોય ને પડખેના દેખાઈ આવતા ખેતરોમાં પાણી વળાતું હોય ને નળિયેરિઓ માથું હલાવી ને ઓરી બોલાવતી હોય ને પથ્થર, કાંટાઓની વાડો એમના કુમાર ચરણોને કેળવવાનું ઇજન દેતી હોય ત્યારે ! બાળકોની ખબર નહીં પણ મને બીજો વિચાર આવી ગયો. મૂળ રસ્તાઓ અને નજીકના મોટા ગામડાઓ પણ અહીથી આઠ દસ કી.મી. દૂર રહેતા હોય, ધૂળિયો મારગ હોય, બહુ ઝાઝો વાહન વ્યવ્હાર ન હોય ત્યાં શિક્ષકો આવતા હશે કે કેમ ? આવતા હશે તો કેટલો સમય ટકતા હશે ? આ બાળકો સામે ભણતર થકી ખૂલતી અંજવાળા, અંધારા, સુખ-દૂ:ખ, અને નજીક દૂર, જ્ઞાન વિજ્ઞાનની દૂનિયાનું શું થતું હશે ? એ વિચારે હું હલબલી ગયો.

આગળ સાવ સાંકડો કેડો આવ્યો ને અચાનક બાજુના ખેતરમાંથી ભેંસોનું મસમોટું ધણ વહી આવ્યું. પચાસ-સાઈઠ જેટલી ગીરની ભેંસો ! બીજ ત્રીજના ચંદ્ર જેવા અણિયાળા શિંગડાને ડિલે હ્રષ્ટપુષ્ટ, સસા સમાન કાન, મસ્તાની ચાલ. જાણે કે ખુશનુમા મૌસમમાં મનાલી શહેરની બજારમાં ફરવા નીકળેલી માનુનીઓ ! લાંબી લચક હાર. બેફિકર. અમને નગણ્ય સમજી ચાલીને જતી હતી. રિહાન અને હું ઉતર્યા મોટરમાંથી. એ કોઈ કોઈ ભેંસોની પૂછડી હાથમાં લઈ હળવેથી સરકી જવા દેતો. ભેંસો પણ શરીર પરથી માંખીઓ ઊડાડવા ખેંચતી હોય તેમ પૂંછ ઊંચકાવે. ડોળા આમતેમ હલાવતી એમને ચાલી જતી જોવાની ક્ષણો આરસજડિત કંડારાઈ ગઈ મનમાં.

અરે સ્વર્ગના રસ્તેય વિધ્નો આવે છે એમ કહેવાય છે તે સાચું જ હશે. જૂઓને અમારી યાત્રામાં કઠણ, પાષાણ, આકરું આ જગત વચ્ચે વચ્ચે એની યાદ અપાવ્યા કરે. ક્યારેક મોબાઇલ ખલેલ પહોંચાડે તો ક્યારેક સામેથી આવતું ટ્રેક્ટર હૉર્ન વગાડે. કોઈ સાઈકલવાળો ‘જે સીતારા...મ’ કરતો જાય કાં તો કોઈ ગાડું અમારી ગાડીને થાંભવે ને પછી એના ગાડાને એક કોર્ય કરી અમને જવા દે ત્યારે એ અમારી સામે મરક મરક હસી લે - ને અમે પણ.

આઠેક કી.મી.ના આવા મહાલ પછી અચાનક અમે પહોંચી ગયા. સરસ્વતી નદીના કિનારે. સૂકકા પટના કાંઠે ગાઢ વડલા ને ઓટલો દેખાયો કે હું ઓળખી ગયો આ જગ્યાને. અરે, આ તો વીર માંગડાવાળાની જગ્યા ને પડખેનું ગામ તે ઉબરી !

ગયા વરસે ઉનાળાની શરૂઆતમાં અહી આવેલો પણ જુદા રસ્તેથી. એ વખતે ચોમાસું સારું રહેલું એથી ચેકડેમ બે પાંદડે હતો. વડલાની ડાળીઓ પીપળાના પોપટિયા પાન પોતાનું રૂપ જોવા નીર ઉપર ઝળુંબેલી હતી. અને ઘેરા લીલા પાન તડકાને પાછો ઠેલવા નદીના પાણી સાથે હરીફાઈમાં ઉતરેલા હતા. પાણીમાં માછલીઓની આવન જાવન તરંગો, વમળો ઉત્પન્ન કરતી ઘડીવાર ને વળી સવારી તોફાની મૂંગા છોકરા જેવી થઈ હતી. સાવ શાંત જગ્યા હતી. ન મળે કોઈ માનવ કે ન મળે કોઈ પશુ-પ્રાણી. પણ અત્યારે આમાનું કશુય નહોતું.

અમે પહોચ્યા ત્યારે એક પરિવારે માંગડાવાળાને ખીચડી ધરી હતી ને તેનો પ્રસાદ કુટુંબીજનો લઈ રહ્યા હતા. એક જણ માંગડાવાળાના સિંદૂરિયા કૂવા પાસે શ્રીફળ વધેરતો હતો. રિહાન અને હું નમન કરતા બેઠા.

ગયા વખતની મુલાકાત પછી અમે સહુએ ઘેર જઈ ‘વીર માંગડાવાળો’ ફિલ્મ જોઈ હતી એથી રિહાનને ઘણું ઘણું યાદ હતું. ભૂત થવાની કથા અને ઝાડ પરથી લોહીના ટીપાં પડવાના દ્રશ્યોને લઈ એ મૂળ ઝાડ નીચે આવતા ડરતો હતો. બચપણમાં મારી મા વાર્તા સંભળાવતી એ વખતે રાતે કે દિવસે ગાઢ, એકાકી, મોટા વડલા પીપળા ભયાવહ ભળાતા ને અમે એનાથી આઘા રહેતા. અત્યારે રિહાનમાં હું જ મને દેખાયો. મેં એને સમજાવ્યું કે એ મહાન માણસ હતો. બહાદૂર હતો. એ માણસોનો અને પશુ-પ્રાણીઓનો દોસ્ત હતો. ખરાબ લોકો એનાથી ડરતા. આપણે એનાથી ડરવાની જરૂર નથી. ‘તો એ આપનો દોસ્ત કહેવાય?’ એણે કહ્યું. હું બોલ્યો, ‘શા માટે નહીં ?’ એ પછી ધીમાં પગલે એ પેલા વડલા નીચે આવ્યો. મેં ઝાડને માથું નમાવ્યું. થડને સ્પર્શ કર્યો તો પણ એણે બીતા બીતા મારું અનુકરણ કર્યું. કંઈ થયું નહીં એટલે એને વિશ્વાસ બેઠો.

આ ગીરની ધરતી આજે પણ આવા વીર પુરૂષોને લઈને બેઠી છે. એના ખોળામાં પરાપૂર્વે કેટલાય મહાપુરૂષો રમ્યા છે. ધરતી અને માનવ એકમેકના સંગમાં એકમેકના પૂરક બનીને મહાલતા જોવા મળે છે. એથી આખોય આ મલક ધરતીના માનવીને રહસ્યમય ન લાગે તો જ નવાઈ !

બહાર નીકળતી વખતે પુન: આપોઆપ જ માંગડાવાળાને નમન થઈ ગયા. ધરતીને ચૂમીને આખાય વાતાવરણને નસેનસમાં ઉતારતા અમે સરસ્વતીના સામે કાંઠેના ગીર તરફ જવા નીકળી પડ્યા.

( પ્રાચીથી વેરાવળ તરફ જતા નેશનલ હાઈવે પર ગોરખમઢી ગામથી આગળ જતા ડાબી બાજુએ વીર માંગડાવાળાની જગ્યા આવે છે.)

..........................................................................................................................................................