જુગલબંધીનું રોકાણ Harish Mahuvakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જુગલબંધીનું રોકાણ

નિબંધ

જૂગલબંધીનું રોકાણ :

હરીશ મહુવાકર

. મહેમાનો ગમે જ એવું નથી હોતું. કોણ મહેમાન છે તેના પર બધો આધાર હોય છે. મહેમાન કેવુક વર્તન કરે છે તે પણ જીવનું રહે. એટલે મહેમાનો એક અટપટી પ્રક્રિયાનો હિસ્સો ગણી શકાય. એ બધું હોવા છતાં પણ ગમતીલા મહેમાનો દરેક રીતે પસંદ આવે જ. ગમતીલા મહેમાને દિલથી રોકાણનું વેણ કહીએ છીએ. એમની હાજરી ગમતીલી હોય છે. લગીરેય અણગમો પ્રકટાવે નહીં. ગમે તેટલુ લંબાણપૂર્વકનું રોકાણ થાયે તો પણ ને એટલે જ સ્તો એને કહેવાય ગમતીલા મહેમાન. તે અમારે આંગણે જુગલબંધી રોકાઈ ગઈ: બોન્ડ અને ટાગોરની ! તેઓ સગવડિયા નીકળ્યા ને પછી Tagorian Nights અથવા તો Bondian Nights ઉગે.

થાકના માર્યા શ્રીમતીએ સાંજના ઓફિસેથી આવતાણી સાથે પથારીમાં સરકારી કકળાટ સાથે પડતું મૂક્યું. શારીરિક અને માનસિક થાક આસમાને હતા. થોડી વાર રહીને કહે : બોલાવો રસ્કિનને. બોન્ડ કહ્યાગરો. તરત હાજર બ-અદબ. તરત એણે પોતાની ‘The Haunted Bicycle’ દોડાવવા માંડી. આઘે આઘેનું બધું ઓરું ઓરું આવી ગયું. દહેરાદૂન અને મસૂરીનો આખોય માહોલ ઉતર્યો. અમારી જોયેલી એ પહાડી, ખીણોભરી આહલાદક ભૂમી અમને એના ખોળામાં લઈ બેઠી. ઉઘાડી આવ્યો મલક એ આખો. દેવદારના વૃક્ષોની ને ચીડના વૃક્ષો પરની તાજગી વળગી અમને. નાની શી વિથીકાઓ ખુલી અમારી સામે. જેવો જલસો ખુલ્વાલાગ્યો કે મેં વિલંબ વિના બીજી વાર્તાને બોલાવી: ‘Coming Home to Dehra’. કેટલી વખત આ વાર્તા વાંચી છે મેં તોય ‘એ દિલ માંગે મોર’. એમાં એવું બધું છે જે હર કોઈને દિલમાં રાખી મુકવા જેવું ને સમય મળે ત્યારે એમાંથી મમળાવવા જેવું બહાર આવતું રહે. વાર્તાના ભાવો ઘટ્ટ કથકને મૃત પિતાની સ્મૃતિ હરપળ સતાવે છે. પિતાની સાથે વિતાવેલ સમયના કમળપંખ સ્મરણો હથેળિયા થોરના કંપ માફક ચૂભે છે. મા પરણીને અન્ય પુરુષ સાથે રહેવા ગયેલી ને એ ભણવા માટે મસૂરી ગયો. વેકેશન પડ્યુંને એ મા પાસે દોડ્યો. દહેરામાં ઘર હતું પણ ભાવ વગર ઘરમાં મા હોય તો પણ ક્યા ઘર રહે છે ! મા સાવ કોરી ધાકોર નદી જેવી લાગી ને સાવકા પિતા પાસેથી તો અપેક્ષા શી હોય ? માં ણી મોરત જે અદાર્શોમાં હોય તેનાથી વિપરીત દર્શન અહી. અને એટલે જ રડ્યામાં કશોક ખટકો ઉપાડે આપણને. ખાલીપો વર્તાય. અને એટલે એ કિશોર ખંડમાં જઈ પિતાને યાદ કરતો રડી પડે છે. બારી ખોલી પિતા સાથે ગાળેલું શૈશવ પામવાને તાકી રહે છે.

હું વાર્તા વાંચતો જાઉં એમ એમ એ રડતા ગયા. પિતાની સ્મૃતિમાં એ પણ ખોવાયા. લાડકી દીકરી અને પિતા વચ્ચે ગઈ 30 એપ્રિલે કાયમી વેળા પડી ગઈ હતી. એમને હળવા કરવા સારુ કેટલાક પેરેગ્રાફ ફરીથી વાચ્યા ને પછી એમનેય એજ પેરેગ્રાફ વંચાવ્યા. માં અમરી પણ આંખે આવીને વસી ને મનમાં ટાઢક આપતી રહી. માં ણી સ્મૃતિઓ કેટલો વિશાળ સાગર મુકે મારી સામે. મા એટલે શું કહું? હરીભરી ઘટી કે પછી ગંગા મૈયા? કહું તને સમંદરની ઋજુ રેત જે તમારા પગલાને જીલે ને ભીજાવતી રહે મનને? પણ મારી માની વાત એક તરફ રાખી. એમ તો પિતાની યાદ પણ ખુલી બીજી બારીએથી પણ શ્રીમતીજીણી લાગણીઓને હળવી બનાવવા સારું પછી હળવી વાર્તા પસંદ કરી. રસ્કિને ‘અંકલ કેન’ નામનું રમૂજી પાત્ર ઊભુ કર્યું છે. તે ‘Uncle Ken at the Wicket’ વાંચી સંભળાવી ને તેઓ જૂઈવેલી માફક પ્રફુલ્લિત થઈ રહ્યા. જુઓ સાહિત્ય કેટલું તરબતર બનાવી ડે છે આપણને! ગમતા મહેમાનો આપણને સમૃદ્ધ બનાવે છે તેની નવી નહિ.

ભોજન પછી વાતાવરણ ગાઢ બન્યું. ઈશાએ ખજાનો ખોલ્યો. શરૂઆત કરી ‘The Cherry Tree’ થી. વાર્તા પૂરી થયે રિહાન અનુક્રમણિકા જોઈને આંગળી મૂકીને બોલી ઉઠ્યો નામ. ચોંકી પડ્યો હું. ઈશાને મેં કહી રાખેલુ કે સુપરનેચરલ એલીમેન્ટવાળી વાર્તા ન વાંચે. છતાં એની ઈચ્છાને પૂરી કરવા વંચાઈ ‘How far is the River ?’ હવે ઈશાને કંઈ કહેવાની જરૂર રહી નહોતી. ભેળસેળ કરીને વાર્તા ચલાવાઈ. અમને કોઈને હજુ દિલ ભરાયુ નહોતું. સ્વીમીંગ પુલમાં પીસ્તાલીશ ફૂટ ઊંચેથી ધૂબકો મારતા પહેલી વાર ડર લાગે પછી નહિ. હવે તો બેય ભાઈ – બહેન સડસડાટ તરે છે. ને તેની ઊજવણી કરે છે. તે હવે ‘Picnic at fox Burn’માં પરોવાયા.

પછીના દિવસોમાં મેં પણ બંગાળનો ઉપસાગર તર્યો. ‘ધ પોસ્ટમાસ્ટર’ વાંચવાની શરૂ કરી તો કહે, ‘આ રતનની વાર્તા છે? પપ્પા તમે છેલ્લા ચાર વરસથી આ ભણાવો છો તોય હજુ વાંચશો ?’ એણે પૂરી વર્તા સાંભળી નહોતી એથી મેં કહ્યું, ‘પણ તને ખાલી નામ જ આવડે છે.’ ‘ઠીક છે કહી સંભળાવો.’ વાર્તા પૂરી થયે એની મમ્મી કહે, ‘આ વાર્તા ખાસમખાસ છે મારી મીઠડી.’

‘કેમ ?’

‘તારા ડેડુએ મને બારમાં ધોરણમાં આ વાર્તા ભણાવેલી છે.’

‘ઓકે તો આ તમારી લવસ્ટોરી છે એમને?’

‘હા અને ના બેય. ચાલ કોઈ વખતે એની વાત કરીશું. તને કેમ લાગી ?

‘બોન્ડ જેવા ટાગોર નહીં.’

પછી વિવેચન મિમાંસા ખીલી પરંતુ બાળકોને બોન્ડ ગમે એમાં કોઈ બે મત ન હોય. ભાષાનું સરળ સ્વરૂપ, પ્રાકૃતિક માહોલ અને તરુણાવસ્થાના સાહસો, પરાક્રમોની કથા હરકોઈ બાળકનું મન હરી જ લે. નાનકડા ફળના નાનકડા બીજ સમું કથાનક, તરુણ પાત્રો અને સોંસરવું ઊતરી જતું ભાવસંવેદન. વાર્તાઓ બાળકોને વારંવાર વાંચવી ગમે. સામા પક્ષે ટાગોર ઉમદા વાર્તાકાર – એવરેસ્ટની ચોટી શા ! સાંપ્રત સમાજની સમસ્યા, સામાન્ય માનવી, અને સરળ તત્વચિંતનનો સરવાળો. એમના કથાનકોમાં માનવમનના અતલ કૂવામાં એ ઝાંકે. ભાર્વોમિઓને ખળખળ વહેતી મૂકે. સહજ સ્થિતિઓની અભિવ્યક્તિ. આ બધુ સ્વભાવિક રીતે જ વિકસતા બાળકોને બહુ ન સ્પર્શે. અલબત એવું પણ નહિ.

બાળકોની મનોદશા – ખાસ કરીને કિશોરાવસ્થામાં પગ માંડતા બાળકની વાર્તા – ‘Home Coming’ માં કેવી અદભુત રીતે મૂકાઈ છે ! સમય, સ્થિતિ અને સમાજના સિમાડે વળોટી જતી આ કથા હરકોઈને ભાવૂક કરી દે છે. માથી અળગો પડેલો પથિક મૂરઝાવા લાગે છે. અરે મામાનું ઘર હોય તો પણ શું ? વતનનો ઝૂરોપોય કંઈ કમ નથી. એ પણ મા ખરી ને ? મા, ભાઈ, ભાઈબંધો, નદી, પતંગોની મજા, માછલી પકડવાની મજા, લડાઈ – ઝગડા યાદ આવે ને એ ભાંગી પડે. મામા કહે, ‘વેકેશન પડવા દે’ અને કૂમળું બાળક ચાતકની જેમ વેકેશનની રાહ જોઈ રહે. મામીના મેણા – ટોણા ભારી થઈ પડે. અભ્યાસમાં પાછળ રહી જાય છે. જાણે હજાર હજાર શૂળ ભોંકતી કોઈ ચીજ એને માથે આવી પડે છે ને તે તાવમાં પટકાય છે. રમણા ઉપડી છે : વેકેશનની. મામાનો સંદેશો મળતા આખરે મા આવી પહોંચી છે ત્યારેય મોંમાં એજ શબ્દો રમી રહે છે: વેકેશન આવી ગયું છે.

ગમગીન બનાવી મુક્તા ભાવોની અભિવ્યક્તિ આપણી જેવાને દુનિયાની બેધારી ચાલતી તલવાર જેવી સ્થિતિમાં વાસ્તવિકતાનું ભાન કરાવી દે તો બાળકોને વાર્તામાં પ્રકટતું હાસ્ય અને બાળસહજ લીલાઓમાં ખૂંપાવી દે. બંને ભાઈ બહેને ‘Home Coming’ વાર્તા ગમી.

વળી એક દિવસ એ બંને નાનકડું મેજ લઈ અમારાથી દૂર બેઠા. હાથમાં રસ્કિન લઈને બંને ખીખીયાટા કરે. અમે એમને એમ રહેવા દીધા. એમને એમ જોવું એ અમારે મન ખળ ખળ વહેતી બિયાસ જેવું બની રહ્યું.

પછીના દિવસોમાં રાતની રાહ ન જોવાતી સવાર કે સાંજ, બપોર કે રાત ભાઈ – બહેન રસ્કિનના અકકેક હાથ પકડીને ચાલવા લાગ્યા તે અમેય તે ટાગોરને લઈ એમની સાથે નીકળી પડતા અમારી જુગલબંદી ઉસ્તાદ ઝાકિરહુસેનના તબલાની સંગત કરતા સ્હેજેય ઊણી નહોતી ઊતરતી !