બોન્ડ રસ્કિન બોન્ડ અને ટાગોર Harish Mahuvakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

બોન્ડ રસ્કિન બોન્ડ અને ટાગોર

નિબંધ

બોન્ડ – રસ્કિન બોન્ડ અને ટાગોર

હરીશ મહુવાકર

સંઘર્યો સાપ કેવી રીતે કામમાં આવતો હશે તે હું જાણતો નથી પણ પુસ્તકો વિશે કહી શકું. હમણાં હમણાં એની પ્રતિતી આશ્ચર્યજનક અને પ્રસન્નકારક રીતે થઈ. મારી દીકરીને નાની હતી ત્યારથી રોજ નવી નવી વાર્તા સૂતી વખતે સંભળાવવાની રહેતી. હું કહું તે નહિ, પણ તે કહે તે મુજબની. એને પાત્રો આપવાના તે પછી મારે મારી મેળાએ લોટ બાંધવાનો. ગોણિયા કે રોટલીનો આકાર મેળ પડે ન પડે પણ અંતે ફૂલકા ઉતરે ને ઈશાને પ્રિય થઈ પડે એટલે ભયો ભયો થઈ રહેવાતું. પૂરી ઉત્કંઠાથી એ હંમેશા સાંભળતી અને પછી ‘ગુડનાઈટ, સ્વીટ ડ્રીમ્સ અને પપ્પા માથું ન થપથપવો. થાકી જશો,’ ની આપ – લે, ગુડનાઈટ કિસીંગ ને પછી નિંદરરાણી એને માથે ઢળતી. સિલસિલો આજેય યથાવત્ પરંતુ રિહાનનું ઉમેરણ પાછળથી થયું ને હવે બંને ભાઈ – બહેન રાત પડ્યે અચૂક – અચૂક એટલે અચૂક જ – કાન આપે. એ વિના રાતનું ઢળવું અધૂરું લાગે.

ઈશાને વધુ રસ જાગે વાંચવામાં એવા હેતુથી એ વાંચતા શીખી ત્યારે રસ્કિન બોન્ડની વાર્તાનો એક સંગ્રહ આપ્યો હતો. બાળકો માટે ચૂંટી કાઢેલી ખાસ વાર્તાઓ એમાં હતી. એ થોડી થોડી વાંચતી થઈ. અઘરા શબ્દો અન્ડરલાઈન કરે. ન સમજાય તે પૂછે ને એમ થોડી યાત્રા થઈ ન થઈ પુસ્તક શેલ્ફમાં ઢબૂરાઈ ગયું. નો ડાઉટ એના ખજાનામાં જૂલે વર્નને આર.કે.નારાયણ ભેગા થયા. પંચતંત્ર અને અરેબિયન નાઈટસે હાથ મિલાવ્યા. હવે એને સ્ટીફન હોકિંગ અને ‘સાઈફાઈ’નું ઘેલું છે. હું એના ખજાનામાં નવું નવું ઉમેરણ કરતો રહું. એ મન ફાવે ત્યારે એમાંથી જીન્ડુંરતન કાઢે ને પછી મૂડમાં હોય ત્યારે અમારી સામે રજુ કરે. હું એના આવા જીન્ડુંરતનની જ રાહ જોતો હોઉં છુ.

મોટાભાઈના કપડાં નાનાભાઈને કામમાં આવે – કપડાં જ નહી, રમકડાં, સાઈકલ, ઘડિયાળને એવુ બધું (મોટી બહેનનુંય નાની બહેન માટે આમ જ ગણવું હો કે !) તેમ ઈશાના વાંચેલા પુસ્તકો રિહાનને કામમાં લાગવા માંડ્યા. આટલું પૂરતું થતુ નથી. બંનેને એમની પસંદગીના પાત્રોની વાર્તા તો કહેવી જ પડે છે. કોઈ વખતે બંને એક વાર્તાથી ચલાવી લે. કોઈ વખતે બંનેને અલગ અલ્ગ્કાહેવી પડે પણ સાંભળે બેય. પણ એમણે કરેલા વાંચનના ફાયદા બંનેના રોજબરોજના જીવનમાં બહુ સ્પષ્ટ રીતે દેખાઈ આવે.

હું પુસ્તકો ફંફસતો હતો ને અચાનક બોન્ડ ફરીથી હાથમાં આવી ગયો. ફેવિકોલ કા બોન્ડ એમ કાંઈ નબળા નહીં ને ! બધાયને ચીપકવા આમંત્રે એમ મેં બોન્ડને ટેબલ પર મૂકી દીધો. વારંવાર હું નજર કરતો કે એના પર કોઈ નજર કરે છે કે નહિ પણ દિવસભર કોઈએ ટેબલને ‘હાઈ હલ્લો’ કર્યું જ નહીં. વેકેશન હોય કે રૂટીન દિવસો મોટાભાગની પ્રવૃતિઓમાં ફેર પડતો નથી. ફેર મત્ર વેકેશનનો એટલો કે એવખતે વધારે સમય મળે બધા માટે. ભાઈ – બહેન ચિત્રો દોરવામાં મશગૂલ રહે. સાયન્સ ઓફ સ્ટુપીડ અને ટોમ એન્ડ જેરી, ડોરેમોનના શોથી ખડખડાટ હસે. કેરમ રમે ને કૂકરી, કે રાણી માટે કકળાટ થાય. અમારી સાથે ધીંગામસ્તી થાય મને ‘ઈનક્રેડીબલ હલ્ક’ કહે ને હું લીલો રાક્ષસ થાઉ કે નહીં તેની ચકાસણી ચાલે. શેરીઓના બાળકો અને કૂતરાઓને સાઈકલનો પરચો મળે. ફરવાનું થાય બહાર તો બહાર જમવાનુંય થાય ને રમવાનુંય થાય ને થાય સ્વીમીંગપુલમાં બબ્બે – ત્રણ ત્રણ કલાક ધમાલ કરવાનું. આખો દિ’ ગમે તે રીતે જાય પણ વેકેશનમાં ભાઈ – બહેન ગુજરાતી વાંચેય ને લખેય.

એવી રીતે રાત્રિભોજન પછી અમે સૂવા માટે આવ્યા ત્યારે એનું ધ્યાન ગયું: ‘લે, રસ્કિન બોન્ડ ?’ ‘જેમ્સ બોન્ડ હોય ઈશા’, રિહાને કહ્યું. હમણા ત્રણેક મહિના અગાઉથી એક ટીવી ચેનલ જેમ્સ બોન્ડની ફિલ્મો દર શુક્રવારે દેખાડતી હતી. એક વખતે મેં એમને પૂછ્યું ત્યારે ખબર પડી ને પછી અમેય ત્રણેયે સાથે મળીને મોટાભાગની જેમ્સ બોન્ડની ફિલ્મો જોઈ હતી. એથી રિહાનનો આ પ્રતિભાવ યોગ્ય લેખાય. ઈશાએ કહ્યું, ‘રસ્કિન બોન્ડ’. ભઈલો કહે, ‘એટલે વળી શું ?’ ‘ચાલ પથારીમાં આવી જા સમજાવું છું.’ બંને ભાઈ – બહેનના શીર બોન્ડ પર ઝૂક્યાં. બંનેના લંબાયેલા પગ ઊંચા – નીચા થયા. પાનાં ફરવા લાગ્યાં. એણે વાંચેલી વાર્તાના નામ અમને સંભળાવવા માંડી. વાર્તાના અંતે પેન્સિલથી એણે એ વખતે કરેલી કોમેન્ટસ દેખાડવા લાગી. રિહાન મૂક બની જોતો હતો.

એણે ‘Face in the Dark’ પસંદ કરી. એ વાંચતી ગઈ ને બહુ જ સરસ રીતે ગુજરાતીમાં ઢાળતી ગઈ. એના ભાષાપ્રયોગો, રોજબરોજની ભાષા, સાહિત્યિક ભાષા ને રિહાનની ઉંમરને ધ્યાનમાં લઈ તરજૂમા વાળી ભાષા વાર્તામાં એવી રીતે વણાઈ ને આવતા હતા કે શ્રીમતી અને હું બંને અચંબામાં જ પડી ગયાં. વાર્તા આગળ ચાલી એમ અચંબો ઝાડ બની ગયો. રિહાન વાર્તામાં ઓગળ્યે જતો હતો તે એની આંખો, આંગળીઓની રમત, ચહેરા પરના ભાવથી સ્પષ્ટ હતું. વાર્તામાં ભૂતનો ઉલ્લેખ આવે છે એટલે ઈશાએ વાતને એવી રીતે મરડી નાખી ને સરળ રીતે મૂકી આપી તે જ બાબતે અમારો અચંબો મહાકાય ઝાડ બની ગયો. બાળમાનસ પર અવળી અસર ન થાય એટલે અમે ભૂતપ્રેતની વાતોથી દૂર રાખેલો.

વાર્તા પૂરી થયે બોન્ડના હાથપગ ખેંચાવા શરૂ થયા બંને વચ્ચે. બિચારો બોન્ડ ! પણ બહેનને વ્હાલો તે દયાનિધિ બની ભાઈને આપ્યો. પાનાં ઉથલાવવા લાગ્યો. રેખાચિત્રો ઉપર આંખો લસરતી ને વળી કોઈ ટાઈટલ જોઈને કહે : ‘આ સમજાવ.’ ઈશા સમજાવે એ પહેલાં એ પાનું ફરી ગયું હોય ને તેની નજરુ બીજે ઠરી રહે. વાંચવા લાગે. આખી બૂકને તળિયાથી લઈ મથાળે સુધી તપાસી લીધી ને પછી ઈશાને પરત કરી.

બીજી રીતે બધાને ઉતાવળ આવી પડી. Bed time Story time માટે ઈશાએ ‘The Night the Roof Blew off’ વાંચી. રણમાં થાકેલાને ઘડીકમાં તરસ છીપે નહીં એમ થયું. બીજી વાર્તા ફોલો થઈ ‘Whistling in the Dark’. અહીંયા આવતા ભૂતબૂતના ઉલ્લેખ તો ઈશાની સમજણે ઉડાવી દીધા પણ રિહાન થોડું તો સમજી જતો જ. એણે ‘વીર માંગડાવાળો’ ફિલ્મ જોઈ હતી અમારી સાથે. વળી ટી.વી. સિરિયલમાં કે અન્ય ફિલ્મમાં જાણ્યે અજાણ્યે વાત આવી પડતી. અમને પૂછે ત્યારે એની વાર્તાનું ફિંડલું કરી ફેંકી દેતાં. સિફતપૂર્વક અમે સૌ એને બીજુ ગળે ઉતરાવી દેતા ને ત્રણેય ના હોઠ પહોળા થતા.

અફાટ રણમાં ઈશાએ હવે ઊંટ સવારી કરી. અમે ત્રણેયે થોડી વાતો કરી એટલી વારમાં એ ‘The Prospect of Flowers’ વાંચી ગઈ. બધાની હવા પારખી. મેં પણ સાંઢણી કાઢી. રસ્કિનની વાતો કરી તો ટાગોરે ઝંપલાવ્યું. કોલેજકાળમાં ટાગોર મળેલા પછી અવારનવાર મળતા રહેલાં પણ શૈશવ કાળના અભ્યાસમાં અમે ‘કાબૂલીવાલા’ ભણેલા ત્યારથી એ કોઈ ગમતા તારક સમી બની રહેલી. મેં શ્રીમતીને પૂછ્યું. એમનાં સ્મરણમાં પાતળા દોરા જેવી. બાળકોને પૂછ્યું : ‘હું વાર્તા વાંચું ?’ સૌ તૈયાર.

મને ગમતી વાર્તા છે આ. અનેકાનેક વખત એમાંથી સોંસરવો નીકળ્યો છું હું રસતરબોળ બનીને. શબ્દો હ્રદયસ્થ. ભાવભીંજાશ સાથે લયમાં વાર્તા વહેતી મૂકી. વચ્ચે – વચ્ચે ભાઈ બહેનના ચહેરાનેય માપતો જાઉં. એમના કૂમળા ચહેરા – આંખ વાર્તાને વધાવતા હતા. વાર્તા ઉઘડતી ગઈ ને અમારા હ્રદયના દ્વાર પણ અંત લગીમાં તો એવા ઉઘડી રહ્યા કે જાણે કોઈ દ્વાર હતા જ નહીં. શ્રાવણિયો વરસાદ વરસી રહયો અમારી માથે.

એ પછી અમારી વચ્ચે અવનવી વાતો ઉતરવા લાગી. ભાઈ – બહેને નિંદરારાણીને છેતરી. ઢળતી રાતનો ચંદ્ર ક્યારનોય બારીએ ડોકૂ કાઢીને હાલતો થયો. ચંદ્રિકાએ શીતલ ચૂનરી અમ પર ફેલાવી. અને ખંડની લાઈટ બંધ કરી તો દિલો – દિમાગની લાઈટ ઝળાહળા થઈ રહી.

......................................................................................................................................................