abhiyan aaturtanu books and stories free download online pdf in Gujarati

abhiyan aaturtanu

નિબંધ

અભિયાન આતુરતાનું :

હરીશ મહુવાકર

બપોરની ચાના સમયને ગોળી મારી હું ઊપડી ગયો મારા દીકરા સાથે એક અભિયાનમાં સામેલ થવા. અભિયાન આતુરતાનું. મતલબ કે દીપડાને બચાવવાની કામગીરી. ગીરનાં એક ગામની ભાગોળે સીમના એક ઊંડા કૂવામાં દીપડાનું બચ્ચું ખાબકેલું.

સ્થળ પરના ટોળામાં અમે સાવ નોખા તરી આવતા હતા. અમારા આવવાથી લોકો આઘાપાછા થઈ ગયા. જાણે હું કોઈ અધિકારી હોઉ તેમ ! ખાટલે બેઠેલ વ્યક્તિઓએ અમને આવકાર્યા. અમે હાંફળા-ફાંફળા પહોંચેલા પરંતુ કેટલાક લોકોની સ્વ્સ્થતા અમને સમજાય નહી. થોડી વાતો થઈ. રિહાનથી રહેવાયું નહિ એટલે એણે પૂછી લીધું : પણ દીપડો ક્યાં છે ? એકે આંગળી ચીંધી બાજુના કૂવા તરફ.

અમે તરત કૂવા કાંઠે ઉભા રહ્યા. રીહાનને ડર લાગ્યો. એ બોલ્યો, ‘ડેડી ત્યાં નહિ.’ એણે આંગળી પકડી રાખી મજબૂત. મેં એને આશ્વાસન આપ્યું ચિંતા નહિ કરવાનું પણ બાળસહજ ભય એમ થોડો દૂર થાય! એણે હાથ જ પકડી રાખ્યો મારો.

મને કૂવાનો ભય નહિ. એટલા માટે કે બચપણના એ દિવસોમાં સીમના કોઈ કૂવા બાકી ન રહ્યા હોય જેના પાણીએ અમારા શરીરને ભીનું કર્યું ન હોય !ભય કૂવાનો, માં-બાપના ભય કરતા ઓછો એથી ગમ્મે તેવા કૂવામાં ઉતરવાનું. કાચો કે પાકો એ નહિ જોવાનું. છીછરો કે ઊંડો એ પણ નહિ. પાણીવાળો કે સુક્કો એ પણ ક્યાં જોતા હતા ! કુવો એટલે સાહસ ! અને આવું સાહસ કરવાનું તે પણ પાક્કું. કદાચ આ કુવાઓએ જ શીખવ્યું છે સંસારના કૂવામાં તરતા રહેવાનું. અને એટલે જ સંસાર સામે સાહસવૃત્તિ કેળવાઈ છે ને તે ખપમાં પણ આવી છે.એટલે આમ વિશ્વાસપૂર્વક કૂવા કાંઠે ઉભા રહેવાનું એ રીહાનને તે કેવી રીતે ખબર પડે!

કૂવો ઊંડો હતો – લગભગ ચાલીસેક ફૂટ. ઘણું પાણી હતું. વચ્ચે પંપનો માંચડો બનાવેલો તેના ઉપર દીપડાનું બચ્ચું ચીપકેલું હતું. અમારી આખોં કૂવાના અંધારાથી ટેવાઈ નહોતી એથી કંઈ ન દેખાયું. ટોર્ચથી એ જગ્યાએ શેરડો ફેંક્યો ત્યારે માંડ આછો આછો કળાયો પણ કાંઈ જામી નહિ.

ફરીથી ખાટલે ગોઠવાયા અમે. વેટરનરી ઓફિસરને જાણ કરાઈ હતી. તેઓ આવવામાં હતા. અડધી કલાકમાં તો ખેતાળી નાંખશે. એની ગાડીને આવતા વાર નો લાગે. નેવું હો- ની ઝડપે ફેંકાતી આવતી હોય. એવું એવું અમે સાંભળ્યું. અંતરિયાળ સીમ વિસ્તાર ખૂશનુમા હતો. લાંબા પથરાયેલા ખેતરો મનને ઝકડી રાખે આંખો થકી. અડદ, મગના ખેતરો જોવા મળે. કોઈ કોઈ જગ્યાએ મગફળીના ખેતરો હોય. ભૂખરા, લીલા, રાતા ડૂંડા હલતા ભળાય. એક ખેતરના ડૂંડા કો’વાત કહેવા જાય અડદ-મગની શીંગુને પણ પાણી પવાતા ખેતરોમાંથી આવતો વાયરો બંનેની ખાનગી વાતુને ઉડાડી મૂકે. એવે ટાણે ઝૂંડમાં ઉભેલા નાળિયેર દાંતેદાંત કાઢતા હલબલી રહે. આમ્રકૂંજોને ઈશારો કાફી હશે તે ખીખીયએરા કરી પાંદડાઓને હલબલાવી હાથ ખંખેરીને ઊભા રહી જાય.

લોકોની વાતમાં દમ નીકળ્યો. વીસેક મિનિટ થઈ ન થઈ લીલા પાંજરાવાળી વેન દૂરની સીમમાં પ્રવેશતી દેખાણી. ટોળાએ ગોકીરો કરી મૂક્યો. લોકો સ્થાન લેવા માંડ્યા. કોઈ કૂવા કિનારે, કોઈ કિનારેની પછવાડેની હરોળમાં ગોઠવાયું. કોઈ સ્હેજ આઘા પણ કેંદ્રબિંદુ કૂવો એટલે એના પરિઘમાં જ રહે. કામ છોડીને ડોસા-ડોશીઓ આવી ગયાં. ખભે ને કાંખમાં બચોળિયાં રાખીને કેટલીક સ્ત્રીઓ નાળિયેરીના ટેકા લઈ ઊભી રહી ગઈ. ટાબરિયાઓનો ઉત્સાહ એમને કોઈ નાળિયેરી, જાંબુડા કે લીમડાના ઝાડની ડાળિએ લઈ ગયો. કોઈકે પાસે ઊભેલા ટ્રેકત્રની બોગીમાં સ્થાન લીધું. આ બધાને જોઈને મને મારી આતુરતા વ્યાજબી લાગી. આ લોક આ મલકના દીપડા, સિંહથી ટેવાયેલો છે. લગભગ દરેક ગામની સીમમાં દીપડાના દર્શન થઈ જાય છે. લોક અહી વરસોથી વસે છે. જેટલો જૂનો એમનો વસવાટ એથીયે જૂનો વસવાટ આ હિંસક જનાવરોનો. છતાંય એને નિહાળવા આ આતુરતા ? વાહ રે ઈશ્વર. મનુષ્યને પ્રાણી, પશુ પંખી પ્રત્યે શું પ્રેમ છે !

ડૉક્ટર સહિત છ સભ્યોની ટીમ તરત કામે વળગી. કૂવાનો અભ્યાસ કરાયો. લોકોને દૂર કરાયા પણ લોક ઈલાસ્ટીકના રબ્બર જેવું ! થોડીવારમા હતું એમનું એમ. રિહાનની આંગળી પકડી ઘડી બે ઘડી હું કૂવાની ધાર પર ઊભો રહ્યો ને વળી ત્યાંથી પાછળ હટ્યો। એ લોકોએ સફેદ જાડા દોરડાથી પહેલા ગાળિયો બનાવી અંદર ઊતાર્યો. અમને એમકે હમણાં દીપડો બહાર ! અમે જોઈ રહ્યા પરંતુ દીપડોય પોતાના જીન્સમાં માનવીય રીત ભાતો લઈને આવ્યો હોવો જોઈએ તે બધી યુક્તિ પ્રયુક્તિ કળી ગયો. એ વખતે ટીમને ખબર પડી કે ત્યાં બખોલ છે. આખ્ખે આખખો તેમાં સમાઇ ગયો. કેટલાંક વાના કરી જોવામાં આવ્યા. દોરડું આમથી તેમ હલાવ્યું. નાના પથ્થરો ફેંક્યા. આંખો પર પડે તેમ ટોર્ચની લાઇટ ફેંકી. પણ કાંઈ સક્કર વળ્યો નહિ.

ડોક્ટરે કહ્યું પીંજરું ઉતારો. પોપટનું હોય એવું મોટા કદનું એક માણસ આરામથી અંદર બેસી શકે એવું પીંજરું વેનમાંથી બહાર કઢાયું. આપણી આતુરતા ક્યારેક આપણા ચિત્તને કેવી ભ્રમિત કરી દે છે તે જુઓ ને ! પાંજરાને અંદર ઊતારતા હતા ત્યારે મને થયું કે દીપડો એમાં ઘૂસી જશે. બોલો લ્યો ! હવે કહો ક્યુ પ્રાણી સામે ચાલીને પાંજરામાં ઘૂસે ? સ્હેજ અંદર ઉતરાયું કે એક સભ્ય તેમાં ઘૂસ્યો. બંધ કરીને બરાબર ચેક કરી લીધું. બીજા એક સભ્યએ જરાક મશ્કરી કરી : એલા તને ખાય નય જાય. ત્રીજાએ કહ્યું : ગઈ વખતે દીપડાએ હાથ પકડી લીધો’તો તે બશારો બીઈ ગયો. પેલો અંદરથી મોટા અવાજે બોલી ઊઠ્યો : ‘ ચૂપ મરો ને બધા ’ એ સાથે ‘ ચૂપ ર્યો ચૂપ ર્યો ’ નો ગોકીરો થઈ ગયો। એક ગાર્ડ ખીજાયો ‘ તમારી માઉને તે... ’ કહેતોક ઊભો થયો કે માનવસાંકળ કેવી પંગુ હોય તે ભળાયું.

પીંજરું અધવચ્ચે અટકવાયું. લટકતો ગાળિયો પેલા માણસે હાથ લંબાવી ને પકડી બખોલ સુધી જવા દીધો. એ રહ જોઈને બેઠો. અમેય તે બહાર આવ્યો કે ગાળિયામાં ફસાઈ જવાનો. પળો પછી પળો ને મીનીટો પછી મીનીટો પસાર થઈ. કંઈ બન્યું નહિ. પેલા માણસે લાકડી મંગાવી. દસ-બાર ફૂટ લાંબી લાકડી દોરડે બાંધી અંદર રવાના કરી. પેલા એ લાકડી હાથમાં લઈ બખોલ પાસે ખોસવા લંબાવી કે દીપડો બહાર નીકળ્યો. બરાબર શરીરની વચ્ચે જ ગાળિયો આવી ગયો. પેલાએ અંદરથી ઇશારો કર્યો કે દોરડું આસ્તે આસ્તે ખેંચો. પણ ત્યાં જ ભૂલ પડી. ગાંઠ છૂટી ગઈ ને ગાળિયો નક્કામો થઈ પડ્યો. ને દીપડો બીજી બખોલમાં. હાથમાં આવેલી તક વેડફાઇ ગઈ. તક કેટલી મૂલ્યવાન હોય છે તે આવે ટાણે સમજાય !

ડોક્ટરે કહ્યું : પીંજરું બહાર કાઢો હવે. પરસેવે રેબઝેબ પેલો માણસ બહાર આવ્યો ને બે લીટર પાણીની મોટી બોટલ એક સાથે ગટગટાવી ગયો. એની નિરાશા સ્પષ્ટ હતી. વારેવારે માથું હલાવતો કપાળેથી પરસેવો લૂછી રહ્યો. એની સાથોસાથ જ બધાની લોકની આતુરતા પણ પાણીમાં બેસી ગઈ. ડૉક્ટર આવ્યા ત્યારથી કૂવાકંઠે હતા. આ બધાથી સ્હેજ પણ વિચલિત થયા નહોતા. બીજા સભ્યો કૂવાકાંઠેથી હલ્યા આગળ પાછળ, આઘા પાછા થયા. પણ હ્રષ્ટપુષ્ટ ગોળમટોળ બેઠી દડીના શરીરવાળો, તમાકુ-માવો ચાવી પીળા કરેલા દાંત વાળો. એના કાન કપાઈ ગયેલા, ત્રીસેક વર્ષના એ યુવાડોક્ટર ત્યાં જ બેસી રહ્યો. ખિસ્સામાંથી તમાકુ સોપારી કાઢી, મોઢામાં ઉપર નીચે કરી, એને પુન: આદેશ આપ્યો : ખાટલો ઉતારો. હવે મારી આતુરતા પૂર્નજીવન પામી. ખાટલાથી આ બાળબચ્ચું શે પકડવાનું ? ચારેય પાયાને દોરડાથી બાંધી આસ્તે-આસ્તે અંદર ધકેલાવા લાગ્યો. દીપડો કૂદીને ખાટલે ચીપકી જાય તો મેળ પડી જાય એમ વાત હતી. પછી ખાટલો ઉપર ખેંચાય ને સલામત અંતરેથી ડૉક્ટર ઇંજેક્શન ફટકારી દે કે વાત પૂરી. ડૉક્ટર પાક્કા નિશાનેબાજ છે. એની હિમ્મત અને કાબેલિયત કબીલેદાદ છે એવું જાણવા મળ્યું ને વળી એનું વર્તુળ એ વાતની પ્રતીતિ કરાવતું જ હતું ને !

ખાટલો અંદર રહ્યો ને દીપડો બહાર આવ્યો જ નહીં. કેવી કરુણતા ! અહી બધા એને બચાવવાની કોશિશમાં પણ એતો એનાથી દૂર ભાગતો રહ્યો ! એને એમ જ લાગતું હશે બધા એની જીવની પાછળ પડ્યા છે. આપણું પણ આવું જ ને ! મુશ્કેલીઓમાં કેવા ભાગીએ. હકીકતે તો ઈશ્વર આપણને આવનારા જોખમોથી દૂર કરવા જ મંગતો હશે ને ! પણ જેમ દીપડાને એમ આપણને ક્યાં કશું સમજાય છે !

અર્ધી કલાક આમ ગઈ. આટલી માથામણના અંતે ખાટલો બહાર કઢાયો. પેલી વખતે પેલો માણસ પરસેવાથી રેબઝેબ થઈ ગયેલો. આ વખતે બિચારો ખાટલો. ભીના થયેલા ખાટલા ઉપર જ બે-ત્રણ જણ બેસી પડ્યા. ગાર્ડે ભીડને આઘી કરી : એ હવા આવવા ધો મારા બાપલા. જરીક આઘા-પાછા થાવ તો વાહર હારો આવે. ભીડ સમજી. બધા છૂટા છવાયા થવા લાગ્યા. સર્વની આતુરતાએ પૂન: વિરામ લીધો.

કોઈને ચા કે ઠંડા પીણાં પીવડાવવાનું સૂઝયું નહીં. ખેતરનો માલિક સાવ ભોંઠ નીકળ્યો. ખેતરે આવેલી આફતને દૂર કરનારા લોકો પ્રતિ એને કોઈ ભાવ જાગ્યો નહીં. બીજા લોકોને કઈ સૂઝયું નહીં. ક્યારેક મોસાળમાંય માંગવુ જ પડતું હોય છે ને ! સભ્યોમાં કાંઈક ગણગણાટ થયો હશે કે ગમે તેમ તે એકજણની દિમાગની બત્તી સળગી. સ્પાઈડરમેન માહ્યલામાં આવ્યો ને પડખે ઊભેલી નાળિયેરિએથી ફટાફટ લીલા ત્રોફા હબોહબ હેઠા આવ્યા. સહુની ભેળા અમેય ટટકાર્યા. ડોકરતને કૂવા કાંઠે અંબવ્યું. એ સ્થિતપ્રગ્ન થઈ ગયેલા ત્યાં જ !

જાણે ફિલ્લમનો ઈન્ટરવલ પડ્યો. રેસ્ક્યુ ટીમ તો ઠીક જોનારની પણ કોઈ વાણી હરી ગયું હોય તેમ સહુ ઉભા હતા. થોડો સળવળાટ વધ્યો, ફેલાયો ને સર્વત્ર રેલાયો. હવે કોઈક કુવા કાંઠેથી દૂર ગયું. કોઈ બાવળ, લીમડાના ઝાડ પાછળ ગયું. કોઈએ ધોરીયામાંથી પાણી પીધું ને મોઢું ધોયું. કોઈકે બીડી સળગાવી તો કોઈકે ખોખારા ખાધા. સ્ત્રીઓએ કેડ્યેથી બાળકોને નીચે ઉતાર્યા. કોઈક બેસી પડ્યું. તો વળી કોઈકે બગાસા ખાધા.

બે-અઢી કલાકની કવાયત થઈ હતી. સાંજના સાડા છ થવા આવ્યા પણ સૂર્યાસ્તને ઘણી વાર હતી. આ લોકોની મહેનત અને ખેડતા જોખમો સામે એ નરમ પડ્યો હતો. પોતે કશું કરી શકે એમ ના હોય એણે વાદળો પાછળ સંતાઈ જવાનું મુનાસિબ માનેલું. દૂર ફેલાયેલી લીલોતરી ઉપર ઊંચે ચડીને તમાશો જોતો એ બેઠેલો. હમણાં ખેંચી કાઢેલા મગના છોડ લચાઈ પડ્યા હતા. ખાલી થયેલી કાળી, લાલ ધરતી નરવી, ઉજળિયાત દેખાઈ રહી. માથે ધોળા બગલા ને ભૂરી કાબરો ને કાળા કાગડા ક્યારાને સૌંદર્યની લ્હાણી કરાવતા મહાલી રહ્યા. બળદોની જોડી ખાલી ખેતરમાં ઢેફા ભાંગવાને સારું ચલાવાતી હતી. એક બાજુએ થ્રેશર મશીન અડદના દાણાને છૂટા પાડતું ચાલી રહ્યું. બાજુના ખેતરમાંથી જતી પાઈપ આગળનાં ધોરિયામાં કોઈ મુનીના હ્રદયસમુ નિર્મળ નીર વહાવતી પડી હતી. રિહાન બગલાઓને પકડવાં દોડયો. ખાલી હાથે પાછો ફર્યો. એણે નાળિયેરીના છોલાઓથી માટી ખોદી પીવાલાયક નાળિયેરમાં ભરી. હું ખેતરો ભણી ઉપડયો. ડૂંડા હાથમાં લઈ પાસવાર્યા. નાકે ધર્યા. મગના શિંગ તોડી, લીલા કૂણા દાણાને મોઢામાં મૂકયા. વહેતા ધોરિયામાંથી પાણી લઈ મોઢું ખંખોળ્યું ને ભીડ પાસે આવ્યો ત્યારે વળી કાંઈક નવું વાનું થઈ રહ્યું હતું.

જાળી તૈયાર કરવાનો આદેશ મળી ગયો હતો. લીલા કપડાની જાળી બનાવાઈ. એ કેવી રીતે કામ કરશે તે પૂછવા મન હતું પણ જોવું વધારે સારું એમ માની મનને વાર્યું. આછા આંજવાળામાં જાળી અંદર ગઈ પણ દીપડો બખોલની અંદર રહ્યો. વાલીડાને ફાવટ આવી ગઈ. ફરીથી ક્યેંક વાના અજમાવ્યા. પરિણામ એનું એ જ. ગાર્ડ ભીડને શાંત રહેવા સમજાવી રહ્યો : ‘ એ બાપા ઘડીક મૂંગા ર્યો. સાના-માના થાવ તો ઈ બારો નીકળે. ’

સાંજ પડી ગઈ એથી થોડા થોડા લોક જતા રહેશે એવું મે માનેલું. જોઈ-જોઈને કંટાળી ઘણા ભાગી જશે એવી ધારણા ખોટી પડી. ઉલટું કામ પૂરું કરીને આવેલા દહાડિયા ગોઠવાવા લાગ્યા. બળદોને બાંધી ખેડૂતો આવ્યા. મશીન, ટ્રેક્ટર, ઢોરને રોજીંદી જગ્યાએ ગોઠવી ને બીજા લોક પહોંચ્યા. રહી રહીને વાત મળી હોય એવા ઘણાનું હવે ઉમેરાણ થયું. નાના બાળારાજાની માટે આખુય મલક જાણે સામૈયાં કરવા સારું સજ્જ થઈ ગયું ! બધી આંખોની એક જ ઝંખના હતી : દીપડો.

કંઈ કશું થતું નહોતું એ જોઈને જાળીને બહાર કાઢવાનો આદેશ થયો. લોકોમાં ચણભણ થઈ રહી. ગાર્ડે કહ્યું : બાપા ધીરજ ધારો ધીરજ. પણ ધીરજ અમારે ધારવાની હતી કે એમને ? ધીરજ ત્રિપાંખિયો જંગ બની ગઈ. જાળી બહાર આવી ખાલીખમ. અને અમારી આતુરતા કૂવા તળિયે ગઈ. તળિયે રહેલા દીપડાની ધીરજ ટોચ પર હતી. આ બંને વચ્ચે બીચ્ચારા બચાવદળના સભ્યોની ધીરજ ! વળી પીંજરું તૈયાર થયું. રહી સહી આતુરતા જોડાઈ રહી પિંજરાના દોરડા સાથે, ને સાથે લઈ જવાના ગળિયા સાથે. કદાચને આ ‘ આખરી રાસ્તા ’ હોય ! ડોક્ટરે ટોર્ચની લાઈટ આમતેમ ફેંકી જોઈ. કઈ સ્પષ્ટ કળાતું નહોતું. કોઈકે એમને તમાકુ ધરી. તમાકુનો રસ ઊંડો ઊતારી કૂવાના ઊંડાણમાં તાકી રહ્યા. હું કૂવા કંઠેથી એને તાકી રહ્યો. મને ઘડીભર થઈ આવ્યું કે ડોક્ટરને કહી દઉં : દોસ્ત, ડોંટ વરી આવું થાય ’ જેની ભરપૂર ઝંખના કરીએ ત્યારે આવું થાય. મુકાબલો હર કોઈ આસન નથી હોતો. આપણું કામ પ્રયત્ન કરતાં રહેવાનું. પણ આમનું કશું મારે કહેવાની જરૂર નહોતી. મારા કરતાં એ વધારે અનુભવી છે એથી આ બધુ મેં જ મને કહ્યું ને હવે શું થાય છે તેની રાહ જોતો ખાટલે જઈ બેઠો.

અંધારું ફરી વળ્યું. ખેતરો કાળાશમાં ઢંકાઈ ગયા. રહી-સહી આશા જેવા કો’ક કો’ક તારા નભ મધ્યે ચમકતા થયા. નજીક દૂરના ઘરોમાંથી વીજળીના નિસ્તેજ ગોળા ભળાઈ રહ્યા. દૂર કોઈક કૂતરાઓએ ગળું ખંખેરવાની સ્પર્ધા આદરી. નજીકના ઝાડવેથી થોડાક પંખીડા ડરના માર્યા ઊડી ગયા. નજીકના રસ્તા ઉપરથી એસ.ટી. બસ પસાર થઈને ગઈ. પવન પડી ગયો. માણસોય મૂંગા મંતર. જાણે કોઈને કશી ઉતાવળ નહોતી, એક મોટો ખજાનો સામે હોયને ઘરે શું દાટેલું હતું !હાથવગો જે ખજાનો હોય તેની પરવા કરવી એજ વધારે યોગ્ય હતું. ઘણી વખત ધીરજ ધરવી પડતી નથી હોતી પણ તે આપોઆપ જ આઈ જતી હોય છે.

આકરી મથામણના અંતે પ્રયત્ન સફળ થયો નહીં. વળી પીંજરું બહાર કાઢવાનું કહેવામાં આવ્યું. ને એ સાથે જ અમારી આતુરતાને કોઇકે ઊચી ભેખડ પરથી ધક્કો મારી દરિયામાં ફેંકી. ખાલી પીંજરું તણાતું હતું. તળિયે પંહોચેલી અમારી આતુરતાને શાર્ક માછલી તાનવા લાગી. પીંજરું બહાર આવ્યું. અમારી આતુરતાને માછલી ખાય ગઈ. ખાલી પીંજરું અમને અમારી આતુરતાનું બચેલું હાડપિંજર લાગી રહ્યું. કોઈ સાંત્વનાના શબ્દો ખુદને કામના લાગે એમ નહોતી. મન ભાંગી પડ્યું. આતુરતા મૃત્યુ પામી અમે ચાલતી પકડી. મનમાં સસેમ્યુઅલ બેકેટનું સ્મરણ આવ્યું. ‘ વેઇટિંગ ફોર ગોદો ’ એનું નાટક જિંદગીમાં પ્રતીક્ષા જ પ્રતીક્ષા છે એવું સમજાવી જાય છે અને એનું વાસ્તવિક રીતે ભાન થયું.

બીજે દિવસે સવારે જાણ થઈ કે આખરે એને બહાર કાઢી લેવાયો છે મોડી રાત સુધી તેમણે પ્રયતનો કર્યા હતા. તેનીય માહિતી મળી. પણ કોણ જાણે એ આતુરતા પાછી આવી નહીં. નંદવાયેલા હૈયા ને કપાયેલા ઝાડ કદાચ આમ આવી રીતે જ ફરીથી કોળાતા નહીં હોય !

...........................................................................................................................................................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED