Tulsishyamna panthe books and stories free download online pdf in Gujarati

તુલસીશ્યામના પંથે

નિબંધ

તુલસીશ્યામને પંથે

હરીશ મહુવાકર

સૂત્રાપાડાથી તુલસીશ્યામ જવા નીકળી પડ્યો. કોડિનારથી અંતરિયાળ ગામોની સોસરવું નીકળવું એવો મનસૂબો ઘડ્યો. રોણાજ, મીતિયાજ, અલીદર, સનવાવ, અને ગીરગઢડા લાઈન લીધી. શિંગવડા નદીને કાંઠે લીલા ભોંયરામાંથી કેડો કાઢયો હોય એવું લાગે. રસ્તાની બંને બાજુના ઘાટા, ઊંચા, લચકીલા વૃક્ષો આવો અનુભવ કરાવે. શિંગવડાથી દૂર જતા જઈએ એમ થોડી સુકાશ વધે પણ સાવ સૂકું ભઠ નહીં એથી આ પ્રદેશ રૂપકડો લાગે.

હર પ્રાણી વહાલાં લાગે મને, છતાંય માહોલ અને પ્રદેશ તેમાં મોહિની ભેળવે. ઊંટ આકર્ષક નહીં તો પણ ડઝનબંધ, એક સાથે રસ્તા પર જિરાફની માફક જતા જોયા તો એમને પહેલીવાર જોતો હોઉં એમ ઊભો રહી ગયો. પછવાડેનું ભૂરું આકાશ, કો’ક કો’ક સફેદ વાદળીઓ, આછી લાલ પીળી કાળી ગોરમટી માટી, અને કાળા ડામરિયા રોડ ને લઈ એ બધા ઊંટ મારૂ ચિત્ત ચોરી ગયા. મેં એમને કેમેરામાં ક્લિક કર્યા તો પછવાડે આવતો, ખભે ડાંગ ભેરવેલો મેલોઘેલો ગોવાળ હું કાંઈ પ્રાચીન યુગનું વિચિત્ર પ્રાણી હોઉં એમ મને જોઈ રહ્યો. એનું મરક મરક સ્મિત એ વાતની ચાડી ખાતું હતું. વચ્ચે આલીદર આવ્યું. થઈ આવ્યું લાવને બાપા દેવાયતનાં વંશજો હોય તો મળતો આવું ને રા’નવઘણની સુગંધ લેતો આવું. પણ બહુ મન કોળ્યું નહીં.

ગીરગઢડા આવતા આવતા શેરડીના વાઢ, કેળાની વાડીઓ અને ઉનાળુ પાકથી ધરતી, જોબનવંતી કન્યા સમી સૌંદર્યવાન લાગતી હતી. હથેળીયા, ડાંડલીયા થોરની વાડો, ચૂનાના પથ્થરોની કાંટાની વાડો ભળાય. એકબાજુ જંગલખાતાની સીમારેખા એટલે કે ડાબી બાજુની. જમણી કોર્ય રેવન્યુ વિસ્તાર. આ ‘રેવન્યૂ વિસ્તાર’ શબ્દ મને અહીના લોકોએ શીખવી દીધો. સિંહની વાત નીકળે કે અચૂક આપણને સંભળાય : હવે સિંહ જંગલમાંથી બહાર નીકળીને રેવન્યૂ વિસ્તારમાં આવવા માંડ્યા. રસ્તો પાકો આવવા લાગ્યો પણ સારી હાલત નહીં. પેચ પરથી ખબર પડે કે ડામરનો રોડ છે. કોઈ વખતે વળી લખોટી જેવો લીસ્સો મારગ પણ મળે. હવે આ બાજુ કેરીના બગીચા ઓછા જોવા મળે.

ગીરગઢડા રેલ્વેસ્ટેશન જોઈને મને મારા ગામ ભાદ્રોડનું રેલ્વેસ્ટેશન મનમાં આવ્યું. અદલો અદલ એની પ્રતિકૃતિ. નાનકડા પ્લેટફોર્મ જેવો થોડો વિસ્તાર પણ પ્લેટફોર્મ નહીં. સિમેન્ટના પતરાઓથી ઢાંકેલા ચાર-પાંચ ઓરડા અને તેની બંને બાજુ પીપર, વડલાના હારબંધ ઝાડ. રેલ્વેનો રૂપાળો લાગતો ટ્રેક ષોડશીના તાજા હાથ જેવો લાગે. બંને છેડે સ્ટેશનની ઓળખ આપતા પીળા રંગના પાટિયામાં કાળા અક્ષરથી ગુજરાતી, હિન્દી, અને અંગ્રેજીમાં લખેલું જોઈ શકાય : ગીરગઢડા.

ગામમાં ચા ઠપકારી નીકળી પડ્યો દ્રોણેશ્વર કોર્ય. પાંચેક માઈલ આગળ વધો કે આવે દ્રોણેશ્વર ડેમ. રાવલ નદી ઉપરનો ડેમ ગયા વખતે આવેલો ત્યારે છલકાતો હતો. નીચે પડતા પાણીમાં રિહાન અને મેં પડતું મૂકેલું ને બે અઢી કલાક પાણીને ઘમરોળેલું. પછી દ્રોણેશ્વર મંદિર દર્શને ગયેલા. મંદિર સામેના પટમાં થોડું થોડું પાણી વહેતું હતું – લીલવાળું, ગંદકીવાળું. ગુરુ દ્રોણે અહીં શિવલિંગની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. શિવલિંગ પર સતત, સ્વયંભૂ જળાભિષેક થતો રહે છે તે આ મંદિરની વિશેષતા છે. બેદરકાર મંદિરને આસપાસના વડલા સાંત્વના આપતા ઊભા છે.

નદીની વચ્ચેથી પસાર થતા રસ્તા પર બે ઘડી ઊભો. બંને બાજુ નજર કરી લઈને બાઈકને ઢાળ પર ચડાવી. રસ્તો ડેમ કોર્ય ફંટાય છે. બપોરના સાડા ત્રણના તડકામાં ડેમનો ખજાનો આંખોને આંજતો હતો. હમણાં નવું થયેલું એક મંદિર કાંઠાની શોભામાં ઉમેરાયું. સાંજના બેસીને મનને તરબતર કરતી હવાને માણતા કે રૂપસુંદર દ્રશ્યને પીતા રહેવાય એવો નજારો છે. મારી કલ્પનામાં મેં એ મજા માણી હરખાયો ને ધૂળિયા એવા ઈટવાયા ગામની વચાળેથી થઈ ખીલાવડ ગામનો રસ્તો લીધો. આ નાનકડું ગામ સિંહપ્રેમીઓને માટે મોટું નામ છે. અહીંના સીમાડામાં અંધાર ઉતારવાના સમયે લગભગ સિંહદર્શન થઈ જતા હોય છે તેવું સાંભળેલું. પણ હું સાંજ માટે ઘણો વહેલો હતો. સિંહદર્શન ઘણી વખત કર્યા. આ તો સ્વર્ગલોક જેવું છે. મન ભરાય નહીં. મન ધરાય નહીં. વધુ પામો તેમ વધુ ઈચ્છા જાગે. પણ સંસારમાં રહેતા મનુષ્યે લોભ જતો કરવો જોઈએ. એ કરી જાણે તર નરસિંહ ! લોભના પોટલાને પછવાડે બાંધી ધોકડવા કોર્ય હાલી નીકળ્યો ને ઘડીભરમા દેખાયો મોબાઈલ ટાવર. આઘેથી ઘોકડવું ઓળખવાની આ નિશાની !

ઘોકડવું ગામ લોભામણું. સાફ – સૂથરા ઘર, પહોળો પાકો ડામર રોડ. તેના ઉપર અનેકાનેક ચીજવસ્તુઓની દુકાનો અને લોકોની ચહલ પહલને કારણે નાનું શહેર હોય તેવું લાગ્યા કરે. માત્ર લાગવાની વાત નથી. અહીંથી છેક સુરત લગી લકઝરી બસોની આવનજાવન રોજ. ચારેકોર્યના ગામડાનું હટાણું અહિંયા. આધુનિક ચીજ વસ્તુઓની ઉપલબ્ધિ પણ ખરી. ખેતઉદ્યોગ ને ભણેલગણેલ લોક. ગીરગઢડાને તાલુકો બનાવ્યો. ગીરગઢડા મુખ્યમથક રખાયું પણ મોટાભાગના લોકોની માન્યતા ધોકડવાને પસંદ કરતી હતી. અહિં ઘણી વખત નીકળવાનું બન્યું છે. તેથી મારી આત્મીયતાનો સિક્કો વાગેલો છે. નીકળવાના ઘણા કારણો પૈકી એક તે મારા બાળલંગોટિયા મિત્ર ઘનશ્યામનું સાસરું. તે એની જાન લઈને સૌ પહેલા અહીં આવેલા પછી નિયમિત નીકળતા રહ્યા. ગામમાંથી બહાર નીકળું ત્યારે એને ફોન કરું ને દરેક વખતે વાયા ભાઈબંધ ભાભીનો ઠપકો મળે. ભાઈબંધનોય એમાં સૂર હોય જ. આ વખતે બધુ મનોમન કર્યું : ભાઈબંધને યાદ, ભાઈબંધને ફોન, અને ભાઈબંધનો ઠપકો !

તમને વળી હશે કે આ જણને વળી શું લૂંટાઈ જતું હશે ! ન દ્રોણેશ્વર ઊભો ટાંટિયા ઠેરવીને, ન ખીલવાડ ઊભો મન હેંઠુ કરીને કે ન ઊભો રહ્યો ધોકડવા દિલ દઈને. મૂળ તો તુલસીશ્યામ પહોંચવાની ઉતાવળ હતી. મારા મિત્રો ભાવનગરથી આવેલા. એમની સાથે મારે જોડાવાનું હતું. અંધારું થઈ ગયું હતું. જેઠ સુદ છઠનું અજવાળું આછું આછું ફેલાયેલું હતું. રસ્તા પરની આવ-જા ઓછી થયેલી. ધારી ઉનાને જોડતા આ માર્ગને આમસ્તાય રાતના આઠેકની આસપાસ બંધ કરી દેવામાં આવે છે તે મનમાં રાખેલું. જોકે હવે મજલ પાંચ-છ કી.મી.ની જ બાકી રહી ગયેલી.

આપણે સદભાગી હોઈએ છીએ તેની જાણ આપણને જ નથી હોતી. ક્યારેક એવા પ્રસંગો બની જાય ત્યારે તેની આપણને ખબર પડે છે. મંદિરના પ્રાંગણમાં આવું આવું ત્યાં આરતી શરૂ થઈ ગઈ. સીધો શ્યામ સંમુખ થયો. વેકેશનની અસર સ્પષ્ટ હતી. વચ્ચેના દિવસોમાં ઓછા લોકો હોય. આજે રવિવાર અને વેકેશન બંને ભેગા થયેલા. દૂર – નજીકના, અબાલવૃધ્ધ શ્રધ્ધાળુઓથી આખો પરિસર ઊભરાઈ રહેલો. આરતીનું ગાન અને ઘંટડીઓના રવથી મન શાંત થયું. તડકાથી તપેલું ખોળિયું ટાઢક પામ્યું. માહોલની પવિત્રતા, હળવાશ, અને સૌમ્યતાએ હર કોઈને હર્યા-ભર્યા કરી દીધા. મા હંમેશા તુલસીની પૂજા કરતી. શ્યામને દીવો પ્રગટાવતી. માનું સ્મરણ આશીર્વાદ સમું થઈ પડ્યું. દિકરી દોઢ-બે વરસની હતી અને અમે આવ્યા હતા – રોકાયા હતા. પછીય આવતા રહેલા એથી માહોલ પોતીકો થઈ ગયેલો.

સરની ખોડીયાર જઈને પ્રસાદ લેવાની વ્યવસ્થા કરવામાં આવી. આ જગ્યા હજુ બારેક માઈલ આઘે હતી. બાઈકને અહીં રાખી એમની મોટરમાં ગોઠવાયો. રાવળ ડેમનો કેડો આવ્યો. અહિંયા રાતના નીકળવું અતિ જોખમી ગણાય. ગીરના આ ભાગમાં ખાસ્સા વનરાજ આંટા-ફેરા કરતા જોવા મળી જાય. આગળ જતા રોડને નવી શાખા ઉઘડી. બે માર્ગ સામે હતા. પણ અમારે રોબર્ટ ફ્રોસ્ટની જેમ કોઈ દ્વિધા નહોતી કે કયો કેડો ઝાલવો ?

સીધે રસ્તે એક માઈલ છેડે સૌરાષ્ટ્રનો ખૂબ અગત્યનો રાવળ ડેમ છે. મારી ત્યાંની છેલ્લી મૂલાકાતને હજુ વરસ પણ થયું નહોતું. નજર માંડો ત્યાં સુધી તબકતા પાણી જોઈ શકાય. ભરપૂર વૃક્ષોથી એનો કાંઠો શોભે. દૂર-દૂર રહેલી ટેકરીઓ પોતાને પાણીમાં નવડાવે ને ડેમની સાઈડમાં દરવાજા પાસે નાનકડું રેસ્ટહાઉસ. અહીંથી ડેમને જુઓ તો હરી–ભરી સ્ત્રી જેવો ડેમ આંખોએ આવે. હવા, પાણી, વિશાળતા, વૃક્ષો, સ્થિરતા, શાંતિ અને ચિત્તહર ડેમ. હિમાચલની પહાડીથી સ્હેજેય ઊણો ન ઉતરે. મગરોથી ભરપૂર આ ડેમ આસપાસની મનુષ્ય સહિતની સર્વ જીવસૃષ્ટિને સુખનવંતા બનાવે છે. ધોકડવા લગી આ નદી બારમાસી જેવી બની રહે કારણકે ડેમમાંથી અવારનવાર છોડવામાં આવતું પાણી છેક ધોકડવાથી વિતરિત થાય છે. એથી આંબાના બગીચા ને ખેતી કોળેલા જ રહે છે. અલબત અહીંથી આઘા ખસતા જાઓ એમ પાણી માટેની બૂમરાણ વધતી ચાલે.

અમે જમણી બાજુ વળ્યા. આછા અંધકારમાં ટેકરીઓ અને વનરાજી મોટા મોટા ઓળા લાગે. આંખો ઝટપટ ટેવાઇ ગયેલી તે કૂણું કૂણું અંધારુંય રૂપકડું લાગતું હતું ને વાંકો-ચૂકો કાચો કેડો મોટરની લાઈટથી સોનેરી લાગતો હતો. ટમટમતા તારલા લોભાવતા હતા. મનને ભૂતકાળની, બચપણની ખાણમાં લઈ જવાને વાસ્તે. મેં મોટરની લાઈટ બંધ કરી ચલાવવા કહ્યું પણ જાણકાર ભાઈબંધે કહ્યું કે વાલીડા ‘યહા-વહા સભી જગહ ખૂદા હૈ’ ને કોઈકના પસ્તાવાના ભાર જેવા પાણકા મોટરની ચેમ્બરને તોડી નાખશે. ગમે ત્યાંથી મામા નીકળે. લાઈટ આપણું રક્ષાકવચ છે સમજ્યો ? આમાં શું સમજવાનું હોય ? ‘ઠીક તંયે હાંક્યે જા’ કહી વળી અંધારમાં આંખોને ઓરી.

પડખેની જમીનમાં બસ્સો વીઘાની આંબાવાડીનો માલિક એક રજપૂત અમારી વાટ જોઈને ઊભો હતો. હાથ જોડી અમે મળ્યા. પહોંચ્યા ત્યારે મંદિર ભણી દોરી ગયો. ‘સરની ખોડીયાર’ એટલે ટેકરીઓની આસપાસના ખેડૂતોએ થાપેલું નાનકડું મંદિર છે. ને ગોઠણ લગ પહોંચે એવી દાઢીધારી કો’બાપુ અહીં વરસોથી સેવાને વરેલાં છે. નર્યા દેહબળથી જગ્યાને માતાનો ખોળો બનાવી. ફળિયે ઝાડવા રોપ્યા. અત્યારે ચાર-પાંચ પાકા ઓરડા ઊભા કરાયા છે તે પ્રાંગણને ત્રણ બાજુથી ફેંસીંગથી ઘેરી દીધું છે. બાપુ ભાગ્યે ઓરડામાં જઈને સૂવે. પેલેથી ટેવ ચાલી આવતી તેમ રહેવા દીધી. રાતભર ખાટલા પર સૂઈ રહે. એક બાજુ કપાયેલી ટેકરી કોર્યથી જનાવરનો કૂદકો મારીને આવી જવાનો ભો ખરો પણ બાપુ ઈ બાપુ. ન્યાથી ક્યાંય ખસે નહીં. ખસ્યા નથી. ગમે તે ગણો : માનવઈચ્છા, તપોબળ કે માતાના આશીર્વાદ કે જગ્યાનો પ્રભાવ પણ કોઈ વખતેય અહિં કોઈનેય કોઈ પરેશાની થઈ નથી !

મધમીઠી કેરી, તાજું કાચું દૂધ, કંઈ જિહવા અવગણે. મધ્યાહનના સૂર્ય સમી ભૂખ તપી’તી. અટાણ લગણ લાગેલો થાક થાળીમાં ઓગળી ગયો. આહોટીને લંબાવ્યું ખાટલે. તગતગતા તારોડિયા ને ઝગમગતી ચાંદની કાને કંઈ કેવા આવે એ પહેલા આંખો શટર બની પડી. બપોરે ભૂખનો માર્યો વેપારી ઉતાવળે દૂકાનનું શટર તાણે તેમ મારી આંખો તણાઈ પડી પણ ધાર્યું કાંઈ ધણીનુય નથી થતું. તે ભાઈબંધોના ખાટલે ડફડફ બેસવાથી હું ઉછળ્યો. સામે બાપુ ભળાણા તે સબાક કરતોક થ્યો બેઠો. પછી ડાયરો જામ્યો હોકલા વિનાનો ને અલક-મલકની વાતો નીકળી. ભૂતબૂત, પરાક્રમો, શોર્યકથાઓ , મોહીનીઓ સિવાયની ! વાત એ થતી હતી કે આ જગ્યાએ સવાર નવું રૂપ ધારણ કરે છે. ઉગમણી કોર્ય સૂરજદાદા આંખ ખોલે કે બાપુ વેરવા માંડે જુવારના દાણા ! વીશેક મણનો દાણો ચણતા કબૂતરા અને મણબંધ ગાંઠિયા ખાતા કબૂતરા કાગડાઓથી ચોગાન ઉભરાઈ જાય. બે પક્ષીજાત વચ્ચે કાંઈ તકરાર કે લગીરેય ઝઘડો મળે નહીં. મહાઆશ્ચર્ય એ વાતનું કે આમ છતાં આખુંય આંગણું અણીશુધ્ધ ચોખ્ખું. નાની શી ચરક પણ ક્યાંય ભળાય નહીં ને ! ખટારામોંઢે આવી પહોંચે જુવાર. ન ઠામ, ન ઠેકાણા મળે દેનારના. જમવાનું રસોડું ચાલે પણ શરત એટલી જેમને જમવું હોય એ બનાવે. દાણો-પાણી અહીંનો તદ્દન નિ:શુલ્ક.

મુલાકાતીઓની વાતો ઉઘડી. તે ભાવનગરના એક વન્યજીવ પ્રેમી અધ્યાપક અહીં અવારનવાર આવતા હોવાની વાત નીકળી. એમના વર્ણન પરથી ખબર પડી અરે આ તો પ્રા. ઈન્દ્ર ગઢવી ! પછી તો ભાવનગર અને ગીરના મલકની વાતો ઉઘડી ને આભામંડળ અમારા સાથે આશિષ વરસાવતું ઊભું!

...........................................................................................................................................................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED