Gappan Chapter 15 Anil Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

Gappan Chapter 15

પ્રકરણ : ૧૫

“હવે હું તને એક કાલ્પનિક સંભાવના વિશે કહેવા માગું છું.”

“અંહં...” તરંગે આશ્ચર્યથી કલ્પા સામે જોયું.

“તને ખબર છે, માણસ ધરતી પર પહેલેથી જ બધું નક્કી કરીને આવે છે કે તે ક્યાં, કઈ સેકન્ડે, કઈ મિનિટે, કઈ કલાકે, કઈ તારીખે, કયા વારે, કોને ત્યાં જન્મ લેશે !’

‘એમ ?’

‘હા... સ્વર્ગ અને નર્ક છે કે નહીં તેની મને ખબર નથી, પણ પહેલાં હું સાવ આકારહીન હતો.”

“તારી વાત કરે છે ?” શૌર્યએ પૂછ્યું.

“હા, કેમ ?”

“હહહહ.... યાર પાછું એક નવું ગત્તકડું કાઢ્યું. વાત પૂરી કરોને પ્લીજ...”

“બે, ભોંદિયા, તું તો અમ્પાયર છે, તારે તો છેલ્લે સુધી રહેવાનું છે, જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી !”

ભોંદુએ ખભા ઊંચા કરીને નીચે પછાડ્યા.

“હહહહ... ભસો ત્યારે, પણ જલદી એન્ડ લાવો યાર...”

“હું આકારહીન હતો, પછી અચાનક મારી પાસે એક જીવ આવ્યો. મહત્ત્વની વાત એ હતી કે તે પણ આકારવિહીન હતો. તેણે મને કહ્યું, ‘આપને પરમઊર્જાએ યાદ કર્યા છે.’

તેના આવા કહેણથી મને જાણ થઈ ગઈ કે મારો જન્મ લેવાનો સમય થઈ ગયો છે. હું એ પરમઊર્જા પાસે ગયો.”

“ભગવાન પાસે ગયો એમ કહેને.” આયુએ વચ્ચે ટાપસી પૂરી.

“ના, હું એને ભગવાન નથી કહેવા માગતો. મેં તેમને વંદન કર્યા અને કહ્યું, ‘હે સૃષ્ટિકર્તા, હું એક પામર આત્મા છું. આપનું એક નાનકડું સર્જન છું. આપે મને યાદ કર્યો તે મારું સૌભાગ્ય છે. આપે સોંપેલું કાર્ય કરવા હું તત્પર છું. તે તત્ત્વ મારી ચોમેર હતું. હું તો માત્ર તેનો અંશ હતો. તેમણે મને કહ્યું,

‘ડીયર નિરાકારી, તારો આકાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે.’

‘જી.’ મેં તેમને ફરી વંદન કર્યા.

‘નવ દિવસ, કલાક, નવ મિનિટ અને નવ સેકન્ડ પછી તું પૃથ્વી નામના ગ્રહ ઉપર એક મનુષ્ય રૂપે અવતરીશ. તારા માતા-પિતા, ભાઈબહેન, સગાંસંબંધીઓ વગેરેની ડિટેઇલ આપણી વેબસાઇટ પર આપેલી છે. તે તું સત્વરે જોઈ લે. તેનું ફોર્મ પણ ઓનલાઇન સબમિટ કરવાનું છે. તે સબમિટ કરવાની અવધિ માત્ર અમુક કલાકોની જ છે તારી પાસે. જો આટલા સમયમાં ફોર્મ સબમિટ નહીં થાય તો આવતા ચોર્યાસી લાખ જન્મો સુધી તું આકારવિહીન રહીશ. કોઈ જન્મ નહીં લઈ શકે અને અગોચર વિશ્વમાં આકાર વિના નિરાકારી થઈને ભટક્યા કરીશ.’

‘જી.’ કહીને મેં તેમને ફરીથી વંદન કર્યા. તેમની કડક સૂચના સાંભળીને મારે શું કરવું છે તે મેં તાત્કાલીક નક્કી કરી લીધું. મેં તરત જ ત્યાંનું એક અલૌકિક અને મહાકાય કૉમ્પ્યુટર જોયું. તેમાં બ્રહ્માંડમાં જ્યાં પણ અને જેટલા પણ ગ્રહો પર જીવન શક્ય છે તેની તમામ વિગતો આપવામાં આવી હતી. મારો જન્મ પૃથ્વી પર થવાનો હતો આથી મેં પૃથ્વીને સિલેક્ટ કરી. પૃથ્વીને સિલેક્ટ કરતાંની સાથે જ પૃથ્વી પર હાલમાં કેટ-કેટલાં જીવ જન્મવાની અથવા તો ગર્ભ ધારણ કરવાની શક્યતા ધરાવે છે તે સર્ચ કર્યું. સેંકડો જીવોના મૈથુનથી સેંકડો ગર્ભધારણ થવાની શક્યતા હતી. મારે તે સેંકડો ગર્ભમાંથી એકની પસંદગી કરવાની હતી - મનુષ્યગર્ભની !

બહુ સર્ચ કર્યા પછી મેં અમુક ગર્ભ પસંદ કર્યા. મારી સામે અનેક ઓપ્શન હતા. હું કોઈ એક ગર્ભની પસંદગી કરું એ સાથે જ મારા માતાપિતા પણ નક્કી થઈ જવાનાં હતાં. એટલું જ નહીં, તેમાં મારા માતાપિતાની સાથે સાથે મારા દાદા-દાદી, મારું કૂળ, ગોત્ર અને વંશ પણ નક્કી થઈ જવાના હતા. વળી મારા કાકા કોણ હશે, ફોઈ કોણ હશે, હશે કે નહીં, મારા ભવિષ્યના મિત્રો બનવાની શક્યતા આસપાસમાં ગર્ભધારણ કરતાં જીવોના સંતાનો હોઈ શકે છે. મારા સગાસંબંધીઓ કયા બની શકે અને નવા કયા થઈ શકે તેની તમામ વિગતો તેમાં ખૂબ જીણવટથી દર્શાવવામાં આવી હતી.

આવી વિગતો ધરાવતા મેં પસંદ કરેલા ગર્ભમાંથી મેં ફરી પસંદ કર્યા અને ઘટાડ્યા. હવે મારે ચારપાંસ ગર્ભમાંથી કોઈ એક ગર્ભ પસંદ કરવાનો હતો.

“હમ્‌... તો તો પછી તે કોઈ બિલ ગેટ્‌સ કે ધીરુભાઈ અંબાણી જેવાને ત્યાં જ જન્મ લેવાનું પસંદ કર્યું હશે ને ?”

કલ્પેનને ખબર હતી કે વાતને કઈ તરફ લઈ જવાની છે. તેણે વાત સાંભળી ન સાંભળી કરીને પોતાની વાત ચાલુ રાખી.

“મેં જે ગર્ભ પસંદ કર્યા હતા તેમાં મેં જોયું તો એક સ્થાન એવું હતું કે જેમાં ઓલરેડી બે બાળકોની જગ્યા તો ભરાઈ ગઈ હતી. જો હું એ ગર્ભને પસંદ કરું તો હું તેમના ત્રીજા સંતાન તરીકે જન્મી શકું તેમ હતો. બીજા એક ગર્ભમાં તો ઓલરેડી આઠ બાળકો જન્મી ચૂક્યાં હતાં અને નવમાં તરીકે મારે ત્યાં જન્મવું નહોતું. મારો જન્મ, સ્થળ, વાતાવરણ, પરિવાર બધું જ પસંદગી કરવાનો મને અધિકાર હતો. હવે માત્ર મારી પર આધાર હતો કે મારે કઈ જગ્યા પર પસંદગી ઉતારવી. હું ક્યાં જન્મ લઈશ તો કેવો ચહેરો મળવાની શક્યતા છે તેના પણ ઓપ્શનરૂપે ફોટોગ્રાફ આપવામાં આવ્યા હતા.

મેં બહુ સર્ચ કર્યા પછી એક ગર્ભ પસંદ કર્યો. તેના તમામ રીપોર્ટ જોયા. તેમના ફોટોગ્રાફ, નામ, સરનામું, જાતિ, ઉંમર, જન્મ તારીખો, સગાસંબંધીઓ, અત્યાર સુધીમાં તેમણે કરેલાં કામ, સમાજમાં તેમનો માનમોભો, તે જીવી ગયેલા જીવન વગેરે વગેરે... પણ તેમાં જ્યાં જન્મ લેવાનો હોય તે વ્યક્તિના ભવિષ્યનું જીવન જોવાની કોઈ જ સિસ્ટમ નહોતી. તે તો અમારે જન્મ લીધા પછી જોવાનું હતું. દરેક સેકન્ડે તમામ વિગતો અપડેટ થતી રહેતી હતી. આખું ફોર્મ ભરીને હું જ્યાં સબમિટ કરવા જતો હતો, ત્યાં નાના અક્ષરે નોંધ લખી હતી. તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે જેવો હું જન્મ લઈશ કે તરત જ એક આકારમાં બંધાઈ જઈશ. આકારમાં બંધાવાને કારણે મારો તમામ ડેટા નાશ પામશે. મારી પાસે મારા જન્મ પછી બનતી ઘટનાઓની જ સ્મૃતિ રહેશે. બાકી બધું શૂન્ય થઈ જશે. હું ક્યાંથી આવ્યો અને કેમ આવ્યો તે બધું જ ભૂલાઈ જશે. તમામ મેમરી લોસ. મારે બધું જ નવેસરથી કરવાનું રહેશે. મારે મારું બધું એટલે બધું જ નવેસરથી કેળવવાનું હતું.

આખરે મેં એક ગર્ભ પસંદ કરી લીધો.

જન્મ માટે જવાનું હતું તેની વ્યવસ્થા અજીબોગરીબ છે. મેં જોયું કે સામે એક મોટો અને પાતળો પરદો હતો. પરદાની ઉપર તરફ મેં જોયું તે અસીમ આકાશને અડતો હતો. તેની ડાબીજમણી બંને બાજુ પણ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પરદો જ દેખાતો હતો. તે કોઈ માંસમજ્જાનો બનેલો હોય તેવું જણાતું હતું. ઢોલ પર ચડાવેલું કોઈ લીલું અને પાતળું ચામડું હોય તેવો હતો એ પરદો. પરદામાં સેંકડો દ્વાર હતાં. મારી ડાબી-જમણી બંને બાજુ મારી જેમ અનેક આત્માઓ જન્મ લેવા તત્પર હતાં. બધાંએ પોતપોતાના ગર્ભ પસંદ કરી લીધા હતા.

મેં હળવે રહીને ગર્ભદ્વાર ખોલ્યું. તેની આછી તિરાડમાંથી અંધકાર અને પ્રકાશનો સમન્વય થતા જે ધૂંધળું દેખાય તેવું દેખાતું હતું. મેં ઝીણી આંખે દૂર દૂર નજર કરી તો અદ્દલ આવો જ એક બીજો પરદો દેખાતો હતો. મને લાગ્યું કે આ પરદો પાર કર્યા પછી મારે એ પરદાને પાર કરવો પડશે અને પછી હું જન્મ પામી શકીશ. પણ ના એવું નહોતું. એ દ્વાર મૃત્યુનું હતું. જન્મ પૂરો થયા બાદ એ દ્વારેથી બધાએ પાછા ફરવાનું હતું. કોઈ દ્વાર તિરાડ જેટલું ખૂલતું નહોતું. મારે જ્યાં જન્મ લેવાનો હતો તેનું ગર્ભદ્વાર કદાચ થોડું બગડી ગયું હતું તેથી તે જરા અમથી તિરાડ જેટલું ખૂલી ગયું હતું અને હું આ બધું જોઈ શક્યો.

મને સમજાયું કે કોઈ પણ જન્મ માટે બે પરદાઓ છે, બે દ્વાર છે. પ્રથમ જન્મદ્વાર ખોલીને તમારે તમારા નિશ્ચિત વિશ્વમાં પ્રવેશ કરવાનો છે અને જ્યારે તમે તમારા ફોર્મમાં સબમિટ કરેલી તમામ અવધિઓ પૂરી થાય ત્યારે તમારે બીજા દ્વારથી પાછા ફરવાનું છે. બીજું દ્વાર એટલે મૃત્યુદ્વાર.

જેવો મેં ગર્ભદ્વારમાં પગ મૂક્યો કે તરજ જ કોઈ અજાણી ઊર્જાએ મને અંદર ખેંચી લીધો. હું કોેઈ ઘટ્ટ પ્રવાહીમાં રગદોળાવા લાગ્યો અને મને અસહ્ય પીડા થવા લાગી. પણ એ પીડામાં ન જાણે એક છુપો આનંદ પણ હતો. મારામાંથી જાણે કે બધું ન જ નાશ થઈ રહ્યું હતું. જેમ કોઈ ફળને પીસીને તેનું દ્વાવણ બનાવવામાં આવે તેમ મારી નિરાકારતાને પીસીને જાણે એક પ્રવાહી દ્વાવણ બનાવવામાં આવ્યું. થોડો સમય થયો એટલે દ્વાવણમાંથી હું એક નાનકડા માંસના લોંદા રૂપે ગર્ભમાં ઉછરવા લાગ્યો. હવે મારી પાસે જૂનો ડેટા કશો જ નહોતો. હું કોઈના ગર્ભમાં રહેલા એક માંસના લોંદા સિવાય કશું જ નહોતો. મારા થનાર માતાપિતાએ મારી ખૂબ જ કાળજી લીધી. નવ મહિના સુધી મને ગર્ભમાં તેમણે પોષણ આપ્યું. કેવું અચરજ છે. કોઈ પણ જીવ હોય પોતાના ગર્ભને સાચવીને તે જન્મ આપે છે. માણસ, કીડી, મકોડા, પંખી, સાપ, અળસિયાં બધાં જ !

આખરે મારી સામે જે જન્મની સંભવત તારીખ દર્શાવવામાં આવી હતી એ જ દિવસે મેં જન્મ લીધો. હું પૃથ્વી પર એક માનવ રૂપે અવતર્યો. મહત્ત્વની વાત તો એ હતી કે મારા માતાપિતાએ મારું નામ પણ માનવ જ રાખ્યું ! જન્મ પહેલાં ઘણી બધી વાતો નિશ્ચિત થઈ ચૂકી હતી અને ઘણી બધી હવે થવાની હતી. મારું નામ નક્કી નહોતું, તે થઈ ગયું. મારા અમુક મિત્રો પણ નક્કી નહોતા, તે હવે થવાના હતાં. મારી પત્ની કોણ થશે તે વિશે પણ કશો ડેટા નહોતો, તે પણ હવે મારે અહીં પૂરો કરવાનો હતો.

મારા જીવનકાળ દરમિયાન મેં અનેક અનુભવો મેળવ્યા. મારું નામકરણ થયું, માતાપિતા મકાન બદલતા હું એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો, ચાલતાં-દોડતા અને પડતા પણ શીખ્યો, બોલતા શીખ્યો, ધીમે ધીમે મોટો થયો, ભણ્યો, નોકરી કરી, પ્રેમ કર્યો, લગ્ન કર્યા, મને જે વાતાવરણ મળ્યું તેમાં અનુકૂળ થવાના પ્રયાસો કર્યા, ક્યાંક વાતાવરણને અનુકૂળ બનાવવાના પણ પ્રયાસો કર્યા. હું મારા સમયને કોઈ ચ્વિંગમ જેમ ચાવતો ગયો. ક્યારેક તેમાંથી સ્વાદ આવતો ક્યારેક ન પણ આવતો. ધીમે ધીમે હું સમયની કેડી પર આગળ વધતો ગયો. મને મળેલો આકાર, એટલે કે શરીર ઝીર્ણ થવા લાગ્યું, તેમાં કરચલીઓ પડવા લાગી, ધીમે ધીમે તે મારા આત્માને મદદ કરવા અક્ષમ થતું ગયું. મને ખબર પણ ન પડી કે ક્યારે હું બીજા પરદા સુધી પહોંચી ગયો.

અચાનક એક દિવસ મારા શરીરે કામ કરવાનું જ બંધ કરી દીધું. મૃત્યુદ્વાર ઊઘડી ગયું અને હું તેની પેલી તરફ ફેંકાયો. હું જેવો આ તરફ ફેંકાયો કે તરત જ અનેક માણસો કીકિયારીઓ કરતા હતા. કેમકે હું સારું જીવન જીવ્યો હતો. આ એક સિસ્ટમ છે. ક્રિકેટની રમત જેવી. જેમ કોઈ ક્રિકેટર સારું રમે તો તેને પ્રેક્ષકો તાળીઓના ગડગડાથી વધાવી લે. તેનાં પોસ્ટરો છપાય. તેનું સન્માન થાય. પ્રજા તેને ઊંચકી લે. તેના નામનો ડંકો વાગી જાય. જો સારું ન રમે કે તેના લીધે આખી ટીમને હારવાનો વારો આવે તો લાખો માણસો તેને ગાળો દે, ક્યારેક તો માર પણ ખાવો પડે. ઘણા લોકો પોતાના રહેણાંકમાં બેઠા બેઠા ટીવી જેવી જ કોઈ સિસ્ટમમાં આ બધું નિહાળી રહ્યા હોય તો એ ખીજાઈને પોતાનું ટીવી પણ તોડી નાખે. તમારાં પોસ્ટરોની હોળી કરે... વગેરે વગેરે...

“હહહહ.. એટલે તું એમ કહેવા માગે છે કે આપણે આપણી મરજીથી જન્મ પહેલાં આપણા જન્મ વિશેની બધી જ વાતો નક્કી કરીને આવ્યા છીએ ?’

“હા, દરેક માણસ જન્મ પહેલાં બધું જ નક્કી કરીને આવે છે. તું પણ, હું પણ, શૌર્ય પણ અને આયુ પણ.”

“તો તો પછી આપણે અહીં આ રીતે મળવાના છીએ ને ગપ્પાં મારવાનાં છીએ એ પણ નક્કી જ હશે ને ?”

“ના, એ બધું તો અહીં આવ્યા પછી નક્કી થાય છે. એ આપણે કરવાનું હોય છે. જેમ કે હું અહી આવ્યો ન હોત, તરંગને મળ્યો ન હોત તો ગપ્પાં મારવાની આ રીતે શરૂઆત થઈ ન હોત અને આના બદલે બીજી કોઈ ઘટનાઓ બની હોત. જીવન તો ચાલતું જ રહેત, માત્ર તેમાં રહેલી ઘટનાઓ બદલાત.”

“હહહહહ્‌.... તને શું લાગે છે તરંગ ? તું કહેતો હતો કે બધું જ નક્કી હોય છે. તો શું કલ્પાની આ વાત તને સાચી લાગે છે ?” ભોદુએ તરંગની સામે જોઈ પૂછ્યું.

“હા, તેની વાત સાવ સાચી છે.”

“હહહહ... પણ તું તો હમણાં કહેતો હતો કે બધું જ નક્કી હોય છે. ભગવાનની ઇચ્છા વિના પાંદડું પણ હલતું નથી.”

“એ એક વિચાર હતો, આ પણ એક વિચાર છે.”

“એમ કહેને તું ના નથી પાડવા માગતો.”

“એવું નથી કલ્પા, હું સંમત થાઉં છું એટલે કહું છું. ના પાડવા જેવું લાગે તો ચોક્કસ ના પાડું જ, હારવાની તમા કર્યા વિના.”

“હહહહ.... હવે બેમાંથી એકાદ જણ નમતું જોખો તો વાત પતે અને આપણે ઘર ભેગા થઈએ...”

“તરંગ, હવે તું કહે તારે શું કહેવું છે.” આયુ બોલ્યો.

હવે એવી કોઈ વાત જોઈતી હતી કે કલ્પાએ ના પાડવી જ પડે. પણ એ વાત કઈ હોઈ શકે તે તેને સમજાતું નહોતું.