ico and nasiyah books and stories free download online pdf in Gujarati

ઈકો અને નાર્સિયસ

પ્રેમ યુગલ

ઈકો અને નાર્સિયસ

ગ્રીક પુરાણકથાઓને ગ્રીક સાહિત્યનો હિસ્સો ગણવામાં આવે છે. ગ્રીક સંસ્કૃતિની પૌરાણીક વાર્તાઓમાં કેટલાંક નૈસર્ગીક પાત્રો છે જેમાંની આ વાર્તા ઈકો અને નાર્સિસ્સની વાર્તા સામેલ છે.

સામાન્ય રીતે આપણે એક બોલાયેલા શબ્દનાં અનેક પ્રતિઘોષ આવર્તનને પડઘો ‘ઈકો’ કહેતાં હોઈએ છીએ. આ એક શબ્દ બોલાયા બાદ તે બે કે ત્રણ વખત ફરી ફરીને સંભળાવાનો નિયમ એક બોલકણી વનકન્યાને કઈ રીતે સજા રૂપે અભિશાપ મળે છે, તે આ વાર્તાનાં હાર્દમાં છે.

અહીં ઈકો એક સુંદર પર્વતગીરીની વનકન્યા છે. જેને એક સ્વાભાવિક શ્રાપ મળેલ હોય છે. નાર્સિયસ એ નદીઓનાં દેવાધિદેવ કેફિસિયર્સ અને ગ્રીક લોકોની નિલવર્ણી વનદેવીનો અતિ સોહામણો દેખાતો, શિકારી અને અભિમાની પુત્ર હતો. કે જે હંમેશાં પ્રેમ અને પ્રેમીઓને નકારતો હતો. તેઓનો પ્રેમ કઈ રીતે પાંગર્યો અને ઈકોનો શ્રાપ એને કેમ નડ્યો અને એમનું મિલન થયું કે પછી અમરત્વ પ્રાપ્ત કરીને માટીમાં મળી ગયા એ દંતકથા વાંચવી રસપ્રદ છે.

કુંજલ પ્રદીપ છાયા

પ્રાચીન ગ્રીક સંસ્કૃતિમાં ઓલંપિયાની પવિત્ર રાજગાદી પર રાજ્ય કરતો ઝિયસ નામે રાજા અતિ વિલાસી અને શોખિનવૃત્તિનો હતો. તે તેમનાં અનેક પ્રેમ પ્રકરણો અને મોજશોખનાં સ્વભાવથી ઘણો કુખ્યાત હતો. એમની અત્યંત સુંદર પત્ની હેરા જ્યારે તેની આસપાસ ન હોય એ દરમિયાન એ વધુ વિલાસજીવી બની જતો અને અનેક વન્ય અપ્સરા સમી રૂપસુંદરીઓ સાથે શૃંગારચેષ્ટા માણવાનો પ્રયત્ન કરતો રહેતો.

તેની પત્ની રાણી ‘હેરા’ તેની આ ભ્રમર વૃત્તિથી અજાણ તો નહોતી જ પરંતુ તે પોતાના પતિ પર શંકા – કુશંકાઓ કરવાને બદલે તેની સાથી સ્ત્રીઓનો જ વાંક સમજતી હતી. તેને લાગતું કે તેનો પતિ રાજા છે, પ્રખ્યાત અને શક્તિશાળી છે જેથી અન્ય સ્ત્રીઓ એમના મોભાનો દુરુપયોગ કરીને વિલાસીતા ભોગવતી હશે. પોતે રાજા ઝિયસની પત્ની હોવાથી એમનાં ફક્ત પોતાનો જ એકાધિકાર છે. એવું માનીને તે પોતાની સત્તા મુજબ અન્ય સ્ત્રીઓને તેમને મન પડે તેવી સજા પણ ફટકારી દેતી.

એ સમયે ‘ઈકો’ નામે અતિશય વાચાળ અને ચંચળ પર્વતમાળાની યુવાન વનકન્યા ત્યાં રાચતી હતી. તે ખૂબ જ સ્વરૂપવાન અને ચપળ હતી. અત્યંત બોલકી હતી. જેથી તે તેનાં વાક્ચાતુર્યથી સહુ કોઈનું મન જીતી શકતી. તે એક ખુશમિજાજી છોકરી હતી. તેને તેનાં અવાજ પ્રત્યે ખૂબ લગાવ હતો. પોતાનાં જ સ્વરનાં આનંદ સાથે તે વનચર કન્યા આનંદિત થઈને સર્વત્ર વિહરતી. જાણે કે તેને એનાં સાદ સિવાય બીજું કશું ન ગમતું હોય એવું તેનું વલણ રહેતું. તેની આજ ખૂબીને લીધે એ રાજા ઝિયસ અને રાણી હેરાની માનીતી હતી.

એક વખત, ઈકો ઓલંપિયાની રાણી હેરાને તેની વાચાળ છટાથી મનોરંજન પૂરું પાડતી હતી તે સમયે રાણીનું ધ્યાન રાજા ઝિયસ પરત્વે હટ્યું છે એ જોઈને તેની અન્ય અપ્સરા સખીઓ સાથે તે આનંદપ્રમોદ કરવામાં મશગૂલ થયો. તેને મોહક હિલચાલ થકી અન્ય સ્ત્રીઓને રિઝવીને સુખભોગ કરવું તેમનો શોખ હતો. રાણી હેરાને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તે તેનાં પતિની બેવફાઈથી ખિન્ન થઈ.

તે નિસ્તેજ ચહેરે ઉદાસીન અવસ્થામાં બેસી રહી. તેને સૂઝ્યું જ નહિ કે રાજાની આવી વર્તણુંક બદલ શું કરવું? રાજાને કોણ સજા કરે? ખુદ રાણી પણ એવી સત્તા ધરાવતી નહોતી. તે રાજદ્રોહ કરી શકે એમ નહોતી અને સંબંધમાં વફાદારીનો અભાવ આવી ગયો છે તે બખૂબ જાણી ગઈ હતી. હવે શું કરવું જેથી એનો આક્રોશ શાંત થાય એની પળોજણમાં રાણીએ ઈકોને બોલાવવાનો આદેશ મોકલ્યો.

ઈકો રાણી પાસે હાજર થઈ. તેની સાથે અગાઉ બનેલ ઘટનાઓની તપાસ કરાવાઈ. જ્યારે રાજા ઝિયસ અન્ય અપ્સરાઓ સાથે વિલાસવિહારમાં રાચતા હતા ત્યારે રાણી હેરા પાસે ઈકો મનોરંજક કાર્યક્રમમાં વ્યસ્ત હતી એ વાતની પુષ્ટિ થતાં જ રાણી હેરાનાં ક્રોધનો પાર ન રહ્યો. નિર્દોષ ઈકો પાસે પોતાની તરફેણમાં કહેવા કોઈ જ દલીલ નહોતી. રાણીએ તેની પર આક્ષેપ મૂકતાં કહ્યું, “તે મારું રાજા પરત્વે ધ્યાન હટાવ્યું હતું જેથી તું સજાને હકદાર છો.” નિરપરાધી હોવા છતાંય રાણી હેરાએ તેનાં બોલકાંપણાંને દોષીત માની લીધું. સજા મુજબ હવેથી તે જે કંઈ પણ બોલશે એનો પડઘો પડશે. એકથી વધુ વખત સંભળાશે. સતત બોલવાને આદી એવી ઈકોને આ પ્રકારી સજા ખૂબ જ આકરી લાગી. તેણે લગભગ મૌન ધારણ કરી લીધું. અતિશય અકળામણ અનુભવતી રહીને લઘુતાગ્રંથીથી તે પીડાવા લાગી. તેને તેનાં રૂપસૌંદર્ય સાથે વાચાળ સ્વભાવનું પણ ગૌરવ હતું કે જે હવે હાંસીનું પાત્ર બનવા લાગ્યું હતું.

રાણી હેરાએ બિચારી ઈકોને સંપૂર્ણપણે મૂર્ખ સાબિત થાય એવી પરિસ્થિતિમાં મૂકી દીધી હતી. એ જે કંઈ પણ બોલે લોકો એનાં અવાજનાં ચાળા પાડતાં અને સહુ તેના આ અટકચાળા ઉપર હસવા લાગતાં.

આ દરમિયાન, પૌરાણીક ગિરિપર્વતની તળેટી વિસ્તારમાં થેસ્પિઆ નગરીમાં વસતી નિલવર્ણી ગ્રીક લોકોની વનદેવી સ્થાયી હતી કે જેનું નામ લેરીઓપ હતું. આ સુંદર વન્યદેવી નદીઓનાં દેવ એવા કેફિસુસ થકી આકર્ષાઈ અને એમનાં પ્રેમલ સંભોગની નિશાની તરીકે સુંદર બાળસ્વરૂપ નાર્સિયસ નામે નાજુક વન્ય પર્વત ટેકરીનો જન્મ થયો. સૌંદર્યમય બાળકનાં જન્મ બાદ એની સુખાકારી હેતુ તેની માતાને તેનાં ભવિષ્યની ચિંતા થઈ. તેણે ગ્રીક સંસ્કૃતિનાં પ્રખ્યાત ધાર્મિક સંસ્થાન ઓરેકલમાં પ્રાર્થાના કરી અને એનાં પુત્રનાં ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી. ઈશ્વરનાં અપાર આશિર્વાદ સાથે જવાબ આવ્યો કે તમારો પુત્ર ખૂબ જ તેજસ્વી થશે અને એ પોતાને જ્યાં સુધી સદેહે ઓળખશે નહિ ત્યાં સુધી ચિરંજીવ રહેશે. આ આકાશવાણી બાદ એમણે ક્યારેય નાર્સિયસને એનાં પ્રતિબિંબ તો શું પડછાયાથી પણ દૂર રાખ્યો. પરંતુ તેમ છતાં તે જેમ જેમ યુવાન થતો ગયો તેમ તેનું તેજ વધુ લોકપ્રિય થતું ગયું.

સહુ કોઈ સ્ત્રીઓ અને પુરુષો એની સુંદરતાનાં ગુણગાન ગાતા અને અથાગ વખાણ કરતાં. તેનાં દેહસ્વરૂપથી અંજાઈને અનેક પ્રસ્તાવ મળતા થયા. આથી, ધીમેધીમે તેને પ્રેમ અને લાગણીનાં આવેશો નિર્થક લાગવા માંડ્યા. અને એક પછી એક આવતા આવા પ્રસ્તાવોને તે નકારતો ગયો. નિર્માલ્ય વિચારસરણી ધરાવતો આ બાળક યુવાન અવસ્થા સુધી પહોંચતાં મિથ્યાભિમાની થતો ગયો.

નાર્સિયસ સોળ વર્ષનો યુવાન થયો ત્યાં સુધીમાં તો એનાંથી અનેક હ્રદયભંગ થયા અને પ્રેમ પ્રસ્તાવનાં અસ્વીકારનાં અનેક પ્રસંગો બન્યાં. નક્કી પોતાનામાં કંઈક અનોખું દૈવ્ય રહસ્ય છે જેથી લોકો તેનાંથી આકર્ષાય છે એવો એને વહેમ બંધાતો ગયો. જેને લીધે તેનો ન સમજી શકાય એ રીતે અહમ પોષાતો રહ્યો.

યોગાનુયોગ, મહારાણી હેરાનાં પ્રકોપનો શિકાર થયેલ ઈકો થેસ્પિઆ નગરીની વનરાજીમાં વિહાર કરતી હતી. તેનો સ્વર સતત બેવડાતો જતો હતો જેથી તે લજ્જિત થઈને લગભગ મૌન ધારણ કરીને હરતી ફરતી રહેતી. આવા સમયે, તેણીની યુવાન અને તેજસ્વી એવા નાર્સિયસ પર નજર પડી. પ્રેમાકર્ષણ સાથે તે તેની તરફ સંમોહિત થઈ.

આ ક્રુર નવયુવાન શિંગવાળા હરણ જેવા પશુઓનાં શિકારનો શોખિન હતો. તે જંગલમાં શિકાર માટે નીકળ્યો હતો. પોતાનાં સાથીદારોથી વિખૂટો પડીને તે એકલો જ જંગલમાં ભટકતો હતો એ દરમિયાન. તેની પાછળ ઈકો પણ ધીમા પગલે કલાકો સુધી ચાલી. તેનો પીછો કરતી રહી. ઈકોનાં શ્રાપ મુજબ તે પ્રથમ શબ્દ બોલી શકે એમ જ નહોતી. તેનાં પ્રારબ્ધમાં ફકત સામેથી સંભળાયેલ અવાજનો પ્રતિઘોષ કરેલ છેલ્લો શબ્દ બોલવાનું લખાયું હતું. પોતાનાં નસીબને તે નિરાશ મને ધીકારતી રહી કે તે એનાં મનપસંદ વ્યક્તિને સામેથી બોલાવી શકે એમ નથી.

ચોરીચૂપકીથી તેનો પીછો કરતી રહી. એકાદ વખત નાર્સિયસને થયું કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. તે થોભ્યો. આમતેમ જોયું. તેને કોઈ જ નજરે ન પડ્યું અને ફરીથી ચાલવાનું શરૂ કર્યું. ઘટાદાર જંગલની ઝાડીઓમાં સૂકાં ખરી ગયેલાં પર્ણ પગ તળે ક્ચરાતાં જતાં હતાં જેનો એક લયબદ્ધ અવાજ નાર્સિયસનાં કર્ણને સતેજ કરતો હતો. તે ફરીથી કોઈ અજાણ્યાં પગરવને પારખતાં અચાનકથી અટક્યો. અને ઝાડીઓની પાછળ સંતાયેલ ઈકોની તરફ આગળ ધસતાં બોલ્યો. “કોણ છે ત્યાં?” પ્રત્યુત્તરમાં એક કોમળ સ્ત્રી સ્વર સંભળાયો, “કોણ છે ત્યાં?”

નાર્સિયસને યોગ્ય જવાબ ન મળતાં તે વધુ ખિન્નાયો અને ઈકોને ઝાડીની બહાર ખેંચી. તેણે ફરી પૂછ્યું. “તું કોણ છે?” જવાબમાં એજ ધ્વનિ પડઘાયો. આ શું બની રહ્યું છે એ નાર્સિયસ સમજે એ પહેલાં જ પોતાના પ્રેમનો ઉત્સાહ ઈકો સમાવી ન શકી અને નાર્સિયસને વળગી પડી. નાર્સિયસે તેને ધક્કો મારીને હડસેલી દીધી. તેણે ત્યાંથી નીકળી જવા ઉચાળા ભર્યા. પરંતુ ઈકોએ એની બાહુપાશને મજબૂતાઈથી ઝકડી.

તેણે એ હદે ઈકોને જાકારો આપ્યો કે ઈકો હતપ્રભ થઈ સ્તબ્ધ આંખે નાર્સિયસને જોઈ રહી. તે આવેશવેગે નાર્સિયસને નાહોર ભરાવીને આલિંગન કરતી રહી અને તેનાં સુકોમળ હોઠોને ચૂમવાની ચેષ્ઠા કરી. એક પ્રચંડ જુસ્સાભેર નાર્સિયસે તેની આ વર્તણુકને ઝંઝોડી નાખી અને છેક ઘટાદાર ઝાડીઓની પાછળ ઈકો પછડાઈ પડી. જમીન પર પટકાયેલ ઈકો કશું જ બોલી ન શકી અને એનાં પ્રિયપાત્રને ત્યાંથી પીછેહઠ કરતો જોઈ રહી.

ઈકો હવે નાર્સિયસથી ઘણી જ દૂર રહી ગઈ હતી. હવે, નાર્સિયસને પ્રશ્ન થવા લાગ્યો કે આ સ્ત્રી કોણ હશે? અને એ કેમ આ રીતે અતિ અધિરી થઈને આવેશ ભેર તેને આલિંગનમાં લઈ રહી હતી? હોઠોને કેમ ચૂમવાની કોશિશ કરી રહી હતી. એની લાગણીનો પ્રકાર નાર્સિયસ સમજી ન શક્યો અને કેટલાંય જોજનો દૂર તે વિચારો કરતે ચાલી નીકળ્યો.

નાર્સિયસ માટે તો ફક્ત વધુ એક હ્રદયભંગનો પ્રસંગ હતો. પરંતુ ઈકોએ એનાં જીવનનાં છેલ્લા શ્વાસ સુધી નાર્સિયસ માટેનાં પ્રેમની અનુભૂતિ પાછળ વેરાન જીવન વિતાવ્યું. તેણીએ તેનું જીવન એવા પ્રેમની પાછળ ઉજ્જડ કરી મૂક્યું કે જેનાં દર્દનું એને તો શું કોઈને જ અંદાજો નહોતો.

નાર્સિયસ એની આ કઠોરવૃત્તિથી બહાર આવ્યો નહોતો. તેનું પોતાનો અલાયદો સંગ હતો અને સાથી સાગ્રીદો પણ હતા. એનો એક ઉદાર અને સહિષ્ણુ પ્રસંશક હતો જેનું નામ અમેર્શિયસ હતું. તેણે નાર્સિયસનો કટુતા ભર્યા સ્વભાવથી નારાજ થયેલ અમેર્શિયસ તેનું ધ્યાનભંગ કરીને નાર્સિયસનાં સાનિધ્યથી અળગા થવાનું નક્કી કર્યું. જેથી નાર્સિયસને દગો થયાની પ્રતીતિ થઈ. તેણે પ્રેમ અને લાગણીની ભાવનાને તરછોડીને આ ભોળા સાથીદારને ત્યાગી દીધો. પોતાની લાગણી આવેશને આધિન તેણે પોતાનાં હ્રદયની બરોબર મધ્યમાં જ કટાર ભોંકી દીધી. પ્રેમની અંજલિ સાબિત કરવા તેને આત્મહત્યા સિવાય બીજો રસ્તો નહોતો સૂઝ્યો. તેણે પોતાનાં અંતિમ શ્વાસ સુધી દેવીય શક્તિને આજીજી કરવા લાગ્યો કે આ નિષ્ઠુર અને નિર્દયી નાર્સિયસને પણ આ હ્રદયદ્રાવક લાગણીની અનુભૂતિ થાય એવી કોઈ સજા કરાય.

બીજી તરફ, પોતાનાં જ ઉન્માદમાં રાચતા નાર્સિયસને આમેશિયસનાં મૃત્યુથી પણ ગ્લાની નહોતી થઈ. એ તેની મસ્તીમાં જ વનવિહાર કરવામાં મગ્ન રહેતો. એવામાં એકવાર દેવતાઓનાં વૃંદમાંનાં એક દેવી આર્ટીમીસે જાણે આ મૃત્યુ પામેલ કરૂણામયી અમેર્શિયસની પ્રાર્થનાં સાંભળી હોય એવો પ્રસંગ બન્યો. જેમાં નાર્સિયસને સંપૂર્ણપણે પોતાનાં જ પ્રેમનાં મોહપાસમાં સપડાઈને તડપવાનો વારો આવ્યો.

ખુશનુમાં વાસંતિક વાતાવરણમાં મહાલતો હતો. સખત ગરમી અને ભ્રમણ બાદ તેને ખૂબ જ તરસ લાગી. ત્યાં એક રૂપેરી ચમરદાર પાણીનો હોજ નજરે પડ્યો. નિર્મળ કાચ જેવા પાણીમાં તેણે પોતાનું લગભગ અડધું શરીર વાંકું વાળીને પાણી પીવાની તૈયારી કરી. તેને પોતાનું પ્રતિબિંબ દેખાયું.

“આ શું? આ કોણ છે?” તેણે પોતાને જ પ્રશ્ન કર્યો. સામેથી હોજમાંથી પડઘો પડ્યો. “અહીં આવ.” ઊંડાણથી “આવ.” એવું સંભળાયું. શાંત પાણીમાં પોતાનાં હાથે જ છબછબિયાં કર્યાં, એ પ્રતિબિંબમાંની આકૃતિને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો. પાણી સુધી પોતાનો ચહેરો લાવીને એણે હોઠોથી ચૂંબન કરવા ગયો પણ પાણીમાં વલયો થતાં એ છબિ અસ્પષ્ટ થઈ ગઈ. તે મૂંઝાયો. શું થવા જઈ રહ્યું છે એ ન સમજી શક્યો.

તે જાણે પોતાનાં જ સ્વરૂપવાન વ્યક્તિત્વથી અભિભૂત થયો. જાતને જ પ્રાપ્ત કરવા ઝંખવા લાગ્યો. એ સમજી જ ન શક્યો કે તે શું અનુભવી રહ્યો છે. હવે જાણે તેનાં બાળપણમાં તેની માતાએ સાંભળી હતી તે આકાશવાણી સાચી પડતી દેખાઈ. નર્સિયસને ભાસ થયો કે આ તેનું જ પ્રતિબિંબ છે અને તે અતિસ્વરૂપવાન છે જેથી લોકો તેનાંથી આકર્ષાય છે. તેને ચાહવાની ચેષ્ટા કરે છે અને આજ સુધી તે ઈકો સહિત અનેકનાં મનનએ દુભાવતો આવ્યો છે. તેનાં અંતરમાં વેદનાનાં શૂળ ભોંકાયા. અમેર્શિયસની પ્રાર્થનાં સ્વીકારાઈ એમ તે પોતાનાં જ પ્રેમને પરિપૂર્ણ ન કરી શકવાની પીડા ભોગવવા લાગ્યો.

અંતે તે ખળખળ વહેતા રૂપેરી ઝરણાંનાં હોજ પાસે જ ઈકો અને તેને ચાહનાર દરેકને યાદ કરીને હ્રદયની મધ્યમાં જ ખંજર ખોંસી મૂક્યું. અમેર્શિયસની જેમ જ તે પણ અંત સમયે કોઈને જ મળીને મનની વાત ન કરી શક્યો. તેનું રક્ત જમીનની માટીમાં છેક ઊંડાણ સુધી પ્રસરી ગયું અને પાણીનું વહેણ તેનાં માથા પાસેથી વહેતું રહ્યું. જેની પર સફેદ પુષ્પોથી લચેલી વેલ પ્રેમનાં પ્રતિક સમી ઊગી નીકળી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED