એક પતંગિયાને પાંખો આવી - 25 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી - 25

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 25

વ્રજેશ દવે “વેદ”

સુરજ હવે થોડો વધુ ચડી ગયો હતો. લેટ થયેલી ટ્રેન, વધુ લેટ થતી ગઈ. ન્યુ બોંગોઇગાંવ સ્ટેશન પર ગાડી રોકાઈ. સવારના 6.50 વાગ્યા હતા. ટ્રેન હવે ચાર કલાક લેટ થઈ ગઈ હતી.

અહીંથી હવે માત્ર ચાર કલાકના રસ્તા જેટલું જ દૂર હતું, ગૌહાટી સ્ટેશન. રોમાંચ પ્રસરી ગયો મન અને તનમાં. તાજા જ પામેલા રોમાંચને માણવા બંને પ્લૅટફૉર્મ પર ઉતરી પડ્યા. ખુલ્લી હવા સ્પર્શતી રહી. થોડી વાર એમ જ હવાને અનુભવતા રહ્યા. ટ્રેન સિટિ વગાડવા લાગી. તેઓ ઉપર ચડી ગયા. ટ્રેન ચાલવા લાગી.

ચાલતી ટ્રેને એક યુવાન છોકરો દોડીને ટ્રેનમાં ચડી ગયો. કદાચ તે ટ્રેન ચૂકી જાત. નીરજા હજુ દરવાજા પાસે જ ઊભી હતી. એ છોકરો થોડો હાંફતો હતો.

“યુ કેન સીટ ફોર એ વ્હાઇલ.“ વ્યોમાએ માનવતા બતાવી.

“મારો ડબ્બો તો બાજુમાં જ છે. ઉતાવળે તમારા ડબ્બામાં ચડી ગયો છું.” તે છોકરો ગુજરાતીમાં બોલ્યો.

“કોઈ વાંધો નહીં. ડબ્બાઓ અંદરથી કનેક્ટ જ હોય છે.” વ્યોમાએ તેને ધરપત આપી.

“હા, મને ખબર જ છે.” તેણે જવાબ વાળ્યો. નીરજા ચૂપચાપ સાંભળતી રહી. તેને નિરખતી રહી. તેને અચાનક જ ખયાલ આવ્યો કે આ છોકરો તો ગુજરાતી બોલે છે.

“આપ ગુજરાતી છો?” નીરજાએ પૂછ્યું.

“હા, હું ગુજરાતી છું.” જાણે વાત આગળ ચાલે તેમાં જ તેને રસ હોય તેમ તે નીરજા અને વ્યોમાની જોડે સીટ પર જ બેસી ગયો.

પચીસેક વર્ષનો યુવાન. સાફ સુથરી દાઢી. ચમકતો ગોરો ચહેરો. ફાંકડું ગુજરાતી બોલતો હતો.

નીરજાએ તેને ઉપરથી નીચે સુધી ચકાસી લીધો. સરસ મજાનું જીન્સ અને ટી શર્ટ પહેર્યા હતા. ચુસ્ત અને સ્ફૂર્તિલો લાગતો હતો.

‘શું આ છોકરો છેક ગુજરાતથી જ આ ટ્રેનમાં સાથે હશે, કે પછી વચ્ચેથી ક્યાંક ચડ્યો હશે?’

પણ ગુજરાતી શબ્દોએ બંનેને ખુશ કરી દીધા.

“હું નરેશ પટેલ. અમારે લાકડાનો બિઝનેસ છે. અમે કચ્છી પટેલોને લાકડા સાથે સારું ફાવે. આખા દેશમાં લાકડાની સોં મિલ ક્યાંય પણ દેખાય તો સમજી જવાનું કે કોઈ કચ્છી પટેલ જ તેનો માલિક છે.” તે હવે વધુ ખુલવા લાગ્યો હતો.

“ક્યાં છે તમારી સોં મિલ?” નીરજા હવે જોડાઈ ગઈ.

“નડીઆદમાં.”

“તો અહીં ફરવા આવ્યા છો? કોણ કોણ છે તમારી સાથે?”

“ના. માત્ર ફરવા નહીં. ફરવા સાથે બિઝનેસ પણ કરવાનો.”

“મતલબ?”

“આસામ, મેઘાલય વગેરે ના ગાઢ જંગલોમાંથી લાકડું સારું મળે છે. ત્યાં ફરવાના સ્થળો પણ ઘણાં છે. આમ બંને કામ એકસાથે થઈ જશે.”

“ઓહ, ટીપીકલ ગુજરાતી !” વ્યોમાએ વ્યંગ કર્યો. અને બંને હસી પડ્યા.

વ્યોમાને આમ હસવાની મજા પડી. ઘણા સમય બાદ તે હસતી હતી. પણ નીરજા નરેશ પટેલને ધ્યાનથી નીરખી રહી હતી. નરેશને પણ ખબર હતી કે નીરજાની નજર કશુંક નોંધી રહી છે. તે સાવધ હતો.

નીરજાને લાગ્યા કરતું હતું કે આ અવાજ ક્યાંક સાંભળ્યો છે. આ ચહેરો ક્યાંક જોયો છે. આ અદા નવી નથી. અજાણી નથી. તે નરેશનું અવલોકન કરવા લાગી. તેની નજર હાથ પરની ઘડિયાળ પર ગઈ. તે ચોંકી ગઈ.

તેણે પગ તરફ નજર કરી. બૂટ જોઈ તે સાવધ થઈ ગઈ.

ઓહ. આ માણસ તો પેલો ભિખારી જ છે. ભિખારીનો વેશ, તેની હિન્દી ભાષા. અને આનો સાફ સુથારો વેશ. ગુજરાતી ભાષા. પેલો દાઢીવાળો ચહેરો અને આ ક્લીન શેવ્ડ ચહેરો. પેલો થોડો રુક્ષ અને બિહામણો. સતત ડરાવવાનો પ્રયાસ કરતો માણસ. અને આ, ખૂબ જ મૃદુ અને પરાણે મીઠો લાગતો માણસ. મિલનસાર, હસમુખો અને જરાય ડર ના લાગે તેવો માણસ.

બંને સાવ જુદા જ વ્યક્તિત્વ. પણ એક સરખા ચહેરા, અવાજ અને ...

એક સરખા બૂટ અને ઘડિયાળ ! શું એ સંયોગ હશે? કે પછી આ માણસ કોઈ ચાલ રમી રહ્યો છે.

ભિખારીના વેશમાં પણ તે આસપાસ જ ફર્યા કરતો હતો. અને આ રૂપમાં પણ તે કોઈને કોઈ બહાને અહીં આવી ગયો છે.

બાજુના જ ડબ્બામાં તેની સીટ છે, છતાં બહાનું કાઢી, ગુજરાતી હોવાનો લાભ લઈ, મારી અને વ્યોમાની નજદીક રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઘણી વાર થઈ ગઈ છતાં, તે જવાનું નામ નથી લેતો. વધુને વધુ સમય વાતો કરીને અહીં જ બેસી રહેવા માંગે છે.

“કાલ સાંજે ટ્રેન અટકી ગઈ હતી, ત્યારે તમે બંને પેલા ઢોળાવ પર ગયા હતા. બીજા બધાને પણ ત્યાં લઈ ગયા હતા.“ તેણે ફરી નવી વાતનો દોર શરૂ કર્યો. વ્યોમા સાથે વાત ચાલુ રાખી નીરજાને તે જોતો રહેતો હતો.

“હા, લોકો તો એમ જ ત્યાં આવી પહોંચ્યા હતા.”

“તમે એમને સૌને નાસ્તો પણ આપ્યો હતો. સૌ તમારી ચર્ચા કરતાં હતા.”

“ઓહ, ખરેખર?” વ્યોમા વાતોમાં પરોવાતી જતી હતી. નીરજા હજુ પણ અળગી જ હતી.

“અને પેલી વાંસળીના સૂરો... અદભૂત ...સૂરો.” નરેશ હવે વધુ સમય અહીં જ ગાળવા માંગતો હોય તેમ વાત વિસ્તાર્યે જતો હતો.

“ઓહ, વાંસળી. એ તો નીરજા વગાડતી હતી.” વ્યોમાએ નીરજા તરફ ઈશારો કર્યો.

નરેશ જાણે એ જ ક્ષણની રાહ જોતો હોય તેમ, તરત જ નીરજા તરફ ફરીને તેની સાથે વાતો ચાલુ કરવા લાગ્યો,”ઓહ તો તમારું નામ નીરજા છે ! હું નરેશ પટેલ.” તેણે સ્મિત આપ્યું.

નીરજાએ થોડી ક્ષણો વિચારવા માટે લીધી.

શું આ એજ માણસ છે, જે ભિખારી બનીને આવ્યો હતો. જે પોતાની આંખોના ભાવથી ભય પમાડવા માંગતો હતો? કે પછી કોઈ ખરખર સાચો ગુજરાતી પ્રવાસી અને વ્યાપારી હશે? આનું નામ નરેશ પટેલ છે. સરસ મજાનું ગુજરાતી બોલે છે. પેલો સરસ મજાનું હિન્દી બોલતો હતો. શું નામ હતું એનું?

એ તો ભિખારી હતો. ભિખારીઓને નામ નથી હોતા, નીરજા. એ તો બસ ભિખારી જ હોય.

જો આ માણસને સાચેસાચ ઓળખવો હશે તો તેનાથી ભાગવાને બદ,લે તેની સાથે રહીને તેને સમજવો પડશે. ચાલ, દોસ્તી હોવાનો તેને ભ્રમ રહે, તેમ વાતો ચાલુ કરી દે. નીરજાએ મુખ પર દોસ્તીના ભાવો લાવી દીધા. સ્મિત આપ્યું.

“કેમ છો નરેશ પટેલ.”

“તમારી વાંસળીના સૂરો સુંદર હતા. અને ...” નરેશે વાતોનો દોર સાંધતા કહ્યું.

“ઓહ, થેન્ક યુ.”

“હમણાં પણ તમે જે સૂરો વગાડયા હતા, તે થોડા કરૂણ સૂરો લાગ્યા, મને.”

“હા એ કરૂણ હતા. બસ એ તો જરા એ વખતના મૂડ પર ...”

“પણ ગમી જાય તેવા હતા.”

“ઓહ, થેન્ક યુ.” નરેશ લાકડાનો વ્યાપાર કરે છે પણ સંગીતના સૂરોની પણ જાણકારી રાખે છે. તેના લાકડાના જ્ઞાનને ચકાસવાના ઇરાદાથી પૂછ્યું,”તમારા બિઝનેસ માટે લાકડું ક્યાંથી મળી રહે છે?”

“ગૌહાટી અને મેઘાલય. શિલ્લોંગમાં પણ. “

“ત્યાં કેવા પ્રકારનું લાકડું મળે છે?”

“ઓહ, તમને ધંધામાં રસ ખરો?” નરેશે વાત જરા બદલવા પ્રયાસ કર્યો.

“ખાસ નહીં. અને લાકડાના ધંધામાં જરા પણ ખબર ન પડે.”

“તો છોડો ને ધંધાની વાતો.” તેણે સિફતપૂર્વક વાતનો જવાબ ટાળી દીધો. નીરજાએ તે નોંધ્યું.

હાલમાં તે નરેશ પટેલ પરનો પોતાનો શક જાહેર કરવા નહોતી માંગતી. એટલે તેણે પણ વાતને આગળ ન વધારી. પણ સાવધ રહેવા લાગી.

થોડી વાતો કરી નરેશ જતો રહ્યો. જતાં જતાં તે બન્નેને પોતાનું બિઝનેસ કાર્ડ આપતો ગયો.

“નીરજા, એક પ્રશ્ન કાલ સાંજનો મારા મનમાં ચાલે છે, પણ પૂછવાનો સમય જ ન મળ્યો.”

“તો પૂછી નાંખને. તને આવી ફોર્માલિટીની આદત ક્યારથી પડી ગઈ?”

“તું તો તબલા શીખી રહી હતી ને? તો આ વાંસળી....”

“તબલા તો બે જ દિવસમાં છોડી દીધા હતા. ગુપ્ત રીતે વાંસળી જ શિખતી રહી. મને તબલા કરતાં વાંસળીના સૂરો વધુ ગમ્યા, એટલે ગુરુજીને વાંસળી માટે મનાવી લીધા.”

“ઓહ, મારાથી પણ ગુપ્ત? નીરજા, તું અલગ રીતે વર્તી રહી છે.” વ્યોમાએ મીઠો ઝગડો ચાલુ કર્યો.

“તું જાણે છે કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તો નારાજ નહીં થવાનું.”

“તું ઘણું બધું મારાથી છુપાવી રાખે છે. તું ક્યાંક મને ...”

“વ્યોમા, એવું કશું જ નથી. તું મારા માટે ...”

“તો તું મારાથી કેમ ગુપ્ત રાખે છે, કેટલીક વાતો?” વ્યોમા હવે ખરેખર નારાજ થઈ ગઈ.

નીરજા, વ્યોમાને નારાજ કરવા નહોતી માંગતી. પણ સાથે સાથે તેણે નીરજાને નારાજ થવા માટે પૂરતા કારણો પણ આપ્યા હતા.

“વ્યોમા...”

“નીરજા, જો તું આમ જ એકલી એકલી બધું કરવાની હોય, તો હું પરત ચાલી જઉં છું. મારે નથી આવવું તારી સાથે.”

“વ્યોમા, સોરી દોસ્ત. હવે એવું નહીં કરું. પણ તું મારો સાથ છોડીને જવાની વાત ન કરીશ. તું પાછી જઈશ, તો હું પણ આ યાત્રા છેક ગૌહાટી સુધી આવીને છોડી દઇશ.”

“તને તો આદત છે, એકલા એકલા બધું કામ કરવાની. મારી કયાઁ જરૂર છે તને?”

“એવું નથી, વ્યોમા. હું સ્વીકારું છું, મારી ભૂલ. આઈ એમ સોરી, ડિયર.” નીરજાની આંખ ભીની થઈ ગઈ. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. તે પસ્તાવો પણ અનુભવી રહી હતી. તેણે ફરી વાંસળી હાથમાં લીધી અને હોઠો પર લગાડી.

એ જ કરૂણ સૂરો છેડી દીધા.

વ્યોમાને તે કરુણ સૂરો હચમચાવી દેતા હતા. તેણે વાંસળી લઈ લીધી. બંનેની આંખો મળી. કેટલાય પ્રવાહોના સેતુ રચાયા હશે એ આંખો વચ્ચે.

થોડી વારે બંને વચ્ચે બધું શાંત થઈ ગયું.

હળવા વાતાવરણની વચ્ચે વ્યોમાએ પૂછ્યું,“પણ, તબલાની બદલે આ વાંસળી જ કેમ?”

“તબલા સાથે લઈને તો ફરી ના શકાય ને? તેને ઊંચકીને ફરીએ તો થાકી જવાય ને?” નીરજા ખડખડાટ હસી પડી.

વ્યોમા પણ તેમાં રહેલા વ્યંગ અને હાસ્યને પામી ગઈ. તે પણ હસી પડી.

ટ્રેન ઊભી રહી ગઈ. સ્ટેશન આવ્યું હતું.

‘કામખ્યા’

વ્યોમાએ ઉત્સાહમાં સ્ટેશનનું નામ જરા મોટેથી વાંચ્યું.

“ઓહ, કામખ્યા. વ્યોમા. આપણે કામખ્યા પહોંચી ગયા. હવે..”

“બસ, એક જ સ્ટેશન અને એક કલાક જેટલો સમય બાકી રહ્યો.”

“એક કલાક પછી એક યાત્રા પૂરી થશે, તો બીજી યાત્રા શરૂ !”

“હા, નીરજા. બસ, એક યાત્રા પૂર્ણતાના આરે છે. અને બીજી તેના પ્રારંભ બિંદુ પર.”

“દરેક યાત્રા, જ્યારે જ્યારે પૂરી થાય છે, ત્યારે ત્યારે તે નવી યાત્રાનો દ્વાર ખોલી આપે છે.”

“એટલે કે યાત્રા ચાલતી જ રહે છે. એક પૂરી થાય તો બીજી, બીજી પૂરી થાય તો ત્રીજી....”

“બસ, જિંદગીનું નામ જ યાત્રા છે.”

“અને મૃત્યુ એટલે? એ યાત્રા નો અંત? વિરામ?”

“પછી કોઈ યાત્રા નહીં. પૂર્ણ વિરામ. યાત્રાનું, ચરણોનું, શ્વાસોનું પૂર્ણ વિરામ.” નીરજા ગંભીર થઈ ગઈ.

“જીવન એટલે યાત્રા. યાત્રાનો અંત એટલે મૃત્યુ. “

“કેટલું સરળ છે આ બધું.”

“વાત તો સાવ સરળ છે, પણ આ યાત્રા, આ જીવન, એટલું સરળ થોડું છે. યાત્રાના દરેક ડગલે ...”

“આપણે પણ કેટલા વિઘ્નો સહ્યા છે, આ યાત્રા શરૂ કરતાં પહેલાં, વ્યોમા !”

ટ્રેન ચાલવા લાગી.

“છોડ એ ફિલોસોફી. આપણે આટલા બધા ઊંડા વિચારક ક્યારથી થઈ ગયા?” વ્યોમાએ વ્યંગ કર્યો.

“ઓહ. ખબર જ ન પડી કે આપણે ક્યારે આવા ગહન વિષય પર બોલવા લાગ્યા. આપણામાં આવું બધું જ્ઞાન કયાઁ હતું?”

“એ તો આપણે પુસ્તકો વાંચવા લાગ્યા ને, એટલે આવી વાતો સહજ ...”

“ઓહ, સાચી વાત છે. પુસ્તકો કેવા કેવા વિષયો સહજતાથી શીખવાડી દેતા હોય છે.” નીરજા પુસ્તકવિભોર બની ગઈ.

“થેંક્સ પુસ્તકો.” વ્યોમાએ પણ પુસ્તકો પ્રત્યે આદર બતાવ્યો.

“અરે, થેંક્સ તો નેહા મેડમનો, કે જેણે આપણને પુસ્તકો સાથે પરિચય કરાવ્યો.”

“નેહા મેડમનો તો આપણા ઘડતરમાં ખૂબ ફાળો છે. એનો આભાર તો સદાય માનવો જ પડશે.”

“પણ ખરો આભાર તો આપણી મમ્મીઓનો માનવાનો.” નીરજાને એ પ્રસંગ યાદ આવી ગયો- યાત્રા રોકવા બંને મમ્મીઓ નેહા મેડમ પાસે ગયેલી. અને એ જ કારણે તો નેહાએ પુસ્તક વાંચવા આપેલું.

“હા, નીરજા. થેંક્સ ટુ મોમ્સ.” વ્યોમાને મમ્મી યાદ આવી ગઈ. ભાવુક બની ગઈ તે.

“વ્યોમા, ચાલને મમ્મી જોડે વાત કરી લઈએ.”

“હા. ચાલ.”

બન્નેએ વારાફરતી બન્ને મમ્મીઓ જોડે વાત કરી લીધી. મન હળવું થઈ ગયું.