નગર - 12 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

નગર - 12

નગર-૧૨

( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- એલીઝાબેથ ઇશાનની પાછળ ઇન્ડિયા જવાનો નિર્ણય કરી લે છે. બીજી તરફ વિભૂતી નગરના દરીયા કિનારે માથુર સાહેબ અને નિલીમાદેવી પાછળ ગહેરા ધુમ્મસની ભૂતાવળ પડેછે.....તેઓ માંડ માંડ પોતાનો જીવ બચાવી પોતાના ઘરે પહોંચે છે....હવે આગળ વાંચો...)

“હલ્લો નવનીતભાઇ....સાહેબ, તમે આવોને અહીંયા. તમે જે રીતની મૂર્તિઓ બનાવવાનું કહ્યુ હતું એ પ્રમાણે અમે મૂર્તિઓ તૈયાર કરી નાંખી છે. તમે એક વખત આવીને જોઇ લો એટલે મૂર્તિઓની ડિલિવરી કરાવી દઉ....” નવનીતભાઇ ચૌહાણને ફોન ઉપર કહેવાયું. ફોન “એન્ટીક પીસ” ગેલેરીવાળા સેવકચંદ્ર મશરૂંવાળાનો હતો. આ સેવકભાઇની સુરતમાં એન્ટીક વસ્તુઓની બહુ મોટી દુકાન હતી. તેઓ અતી કિંમતી જુની-પુરાણી એન્ટીક ચીજો ફક્ત વેચતાંજ નહોતા પરંતુ ગ્રાહકોના ઓર્ડર પ્રમાણે ઘણીબધી વસ્તુઓ પોતાની ફેકટરીમાં બનાવીને સપ્લાઇ પણ કરતા હતા. વિભૂતી નગરના જે ચાર મોભીઓના પુતળા નગરનાં કોમ્યુનીટી હોલની બહાર બનેલાં વિશાળ પરીસરમાં મુકવાના હતા એ કાંસાના પુતળા બનાવવાનો ઓર્ડર નગર સેક્રેટરી તરીકે કારભાર સંભાળતા નવનીતભાઇએ આ “એન્ટીકપીસ” ગેલેરીવાળા સેવકભાઇને આપ્યો હતો. મૂર્તીઓ તૈયાર થઇ ગઇ હતી એટલે સેવકભાઇએ નવનીતભાઇને ફોન કર્યો હતો.

“ ઠીક છે સેવકભાઇ. હું આજ-કાલમાં સુરત આવવાનો છું ત્યારે એ મૂર્તિઓ જોઇ લઇશ...” નવનીતભાઇએ કહયું. ..“અને આભાર કે તમે આટલા ટૂંકાગાળામાં મુર્તિઓ બનાવી દીધી.”

“ અરે તેમાં આભાર શાનો સાહેબ... મને ખબર છે કે વિભૂતી નગરવાસીઓમાં આ મુર્તિઓને લઇને કેટલો ઉત્સાહ છે. આપણા બુઝૂર્ગોને તેમના યોગદાન બદલ સન્માનવા એ આપણા માટે ઘણા ગર્વની બાબત છે. હવે આવા સમયે, નક્કી તારીખે હું આ મુર્તિઓ બનાવીને તમને પહોંચાડું નહી તો મારેતો સમગ્ર વિભૂતી નગરના રોષનો ભોગ બનવું પડેને.... હેં....” સેવકભાઇના શબ્દોમાં એક બાહોશ વેપારી જેવી મિઠાશ ઝરતી હતી.

“ તમે સાચા વાત કરી. નગરવાસીઓ આ પ્રસંગને ધામધૂમથી ઉજવવાં થનગની રહયા છે. તમે પણ આવજો. હું તમને આમંત્રણ પત્રિકા પહોંચાડીશ.”

“ ચોક્કસ આવીશું નવનીતભાઇ.....બસ, હવે તમે જલ્દી આ મુર્તિઓ જોઇને ચેક કરી લો એટલે મારુ કામ પુરુ થાય...”

“ ઠીક છે સેવકભાઇ. આવજો....”

“ આવજો....”

નવનીતભાઇએ વાત સમાપ્ત કરી. તેઓ અત્યારે નગરના કોમ્યુનીટી હોલમાં જ હતા. પ્રતિમાઓના અનાવરણનો પ્રોગ્રામ કયા દિવસે ગોઠવવો એ તારીખ નક્કી કરવા આજે તેમણે નગરસેવકોની એક મિટિંગ કોમ્યુનીટી હોલની ઓફીસમાં બોલાવી હતી. તેઓ હોલના વિશાળ દરવાજામાં દાખલ થઇ ઓફિસ તરફ ચાલ્યા હતા. સદગત્ વડીલોની પ્રતિમાઓ સન્માનપુર્વક હોલના પરીસરમાં મુકવાનો જે નિર્ણય લેવાયો હતો એનાથી તેમને બેહદ ખુશી ઉપજી હતી. તેમણે સૌથી આગળ રહીને આ કાર્યક્રમનું સુકાન સંભાળ્યું હતું. પ્રોગ્રામની તમામ તૈયારીઓ તેના પુરજોશમાં ચાલુ હતી. નગરમાં રહેતા, અને નગર છોડીને બહાર વસવાટ કરતાં તમામ નગરજનોની એક યાદી બનાવાઇ હતી અને એ તમામ લોકોને આમંત્રણ પત્રિકા હાથોહાથ પહોંચી જાય એ રીતની વ્યવસ્થા કરાઇ હતી. ફંકશન દરમ્યાન સ્ટેજ પરથી કોણ-કોણ બોલશે...? પ્રતિમાઓનું અનાવરણ કોના હાથે થશે...? બહારગામથી આવેલા મહેમાનોનાં રહેવા ઉપરાંત તેમના જમવાની સમગ્ર વ્યવસ્થા કોના શીરે રહેશે....? એવા તમામ નિર્ણયો બહુ સમજી-વિચારીને લેવાઇ ચૂકયા હતા. આ ઉપરાંત તે આખો દિવસ વિભૂતી નગરના તમામ સભ્યો માટે ત્રણ ટાઇમ જમવાની તેમજ ચા-નાસ્તાની વ્યવસ્થા કોમ્યુનીટી બિલ્ડિંગના પહેલા માળે આવેલી લાઇબ્રેરીવાળા ફ્લોર ઉપર ગોઠવાઇ હતી. એક-એક કામ, એકદમ પરફેક્ટ રીતે સંપન્ન થાય તે જોવાની જવાબદારી તેમણે પોતાના શીરે રાખી હતી અને એટલા માટે જ છેલ્લા ઘણા દિવસોથી તેઓ ભારે દોડધામ કરી રહયા હતા.

કાંસાની પ્રતિમાઓ તૈયાર થઇ ચુકી છે એ જાણીને તેમના હ્રદયે ધરપત અનુભવી હતી. “ ચાલો એક કામ તો સંપૂર્ણ થયું” એવું વિચારતા તેઓ ઓફિસના દરવાજે પહોંચ્યા હતાં.

તેમ છતાં....તેમના દિલમાં બે-ચાર દિવસથી એક ખટકો ઉદ્દભવ્યો હતો. વિભૂતી નગરમાં પાછલાં થોડા દિવસોથી જે અનહોની ઘટનાઓ ઘટી રહી હતી એનાથી તેઓ થોડો ચિંતીત બન્યા હતા. પહેલા માથુર સાહેબના કુતરાનું ભયંકર મોત.... અને પછી માર્ગી અને તેની બે સ્ત્રી મિત્રોનાં અતી બિભત્સ રીતે કોઇ અદ્રશ્ય શક્તિ દ્રારા થયેલા ખુન...આ ઉપરાંત વિભૂતી નગરના આસમાનમાં વારં-વાર છવાતા ડરામણા, ઘનઘોર ધુમ્મસના કાળા વાદળો. આ બધી બાબતોથી તેઓ થોડા વ્યસ્થિત થયા હતા.

*********************************

શીવ મંદિરમાં સાંજની આરતી વેળા એક અલૌકિક નજારો તાદ્રશ્ય થતો. ગામના ભવ્ય પ્રવેશદ્રારથી ગામમાં દાખલ થાઓ તે પહેલા એક પાકો રસ્તો જમણીબાજુ ઉત્તરદિશામાં ફંટાતો. એ રસ્તાનો અંત અડધા એક કી.મી.ના ડ્રાઇવ બાદ કાળા-ભૂખરા પથ્થરોના બનેલા એક પહાડની નયનરમ્ય તળેટીમાં થતો. એ પહાડની ટોચને સમથળ કરીને તેના ઉપર વર્ષો પહેલા એક ભવ્યાતિ-ભવ્ય શીવ મંદિરનું નિર્માણ કરાયુ હતું. એ મંદિર એટલું તો મનમોહક અને વિશાળ હતું કે પહેલી વખત ત્યાં આવનાર વ્યક્તિ આભો બનીને મંદિરની ભવ્યતા અને દિવ્યતાને આશ્ચર્યથી નિહાળ્યે જ રાખતો. મંદિરના પ્રવેશદ્રારથી લઇને તેના ગર્ભગૃહ સુધી સળંગ આરસની ફર્શ બીછાવેલી હતી. મંદિરની મધ્યમાં અને મંદિરના ગર્ભગૃહ ઉપર વિશાલ ગુંબજ બનાવાયો હતો અને તેમાં ઉત્તમ નક્શીકામ કરેલું નજરે ચડતું હતું. મંદિરનું વિશાળ પરીસર વટાવી મંદિરના ચોતરા ઉપર પગ મુકો ત્યાંજ મનને હરી લે એવું દ્રશ્ય તાદ્રશ્ય થતું. મંદિરના ગર્ભગૃહની પાછલી દિવાલે પાર્વતી માતાની સુંદર શણગાર કરેલી મનોહર પ્રતિમા આંખોને એક અલૌકિક શીતળતા પ્રદાન કરતી..... માતાજીની એ પ્રતિમાની આગળ, નીચે ફર્શ ઉપર, લગભગ ત્રણ ફુટ ઉંચુ શીવ લીંગ હતું. એ શીવલીંગના દર્શન કરતાંજ મન ભાવવિભોર બની ભક્તિમાં તરબોળ બની જતું. મંદિરના ગર્ભગૃહના પરીસરમાં, બરાબર શીવલીંગની સામે નંદીની વિશાળકાય મૂર્તિની પધરામણી કરાઇ હતી. એ જ રીતે ગર્ભગૃહની ડાબી બાજુ ગણપતી બાપા અને જમણી બાજુ હનુમાનજી મહારાજની મનમોહક મુર્તિઓ સાજ-શણગાર સહીત તાદ્રશ્યમાન થતી હતી. મંદિર પહાડની ટોચે હોવાથી સતત વહેતા શીતળ પવન અને ચો-તરફ પથરાયેલી અદ્દભૂત શાંતીના કારણે ગમે તેટલા ઉદ્દવીગ મનને પણ પળવારમાં અજબ શાંતી મળી જતી અને મન આપોઆપ પ્રભુ ભક્તિમાં લીન થઇ ઉઠતું.

આ શીવ-મંદિરનો કારભાર વર્ષોથી નગર ટ્રસ્ટ હસ્તક હતો. ટ્રસ્ટના મોભી ઇશાન તપસ્વીના દાદા, દેવધરદાસ દામોદરદાસ તપસ્વી હતા. તેમણે જ્યારથી આ પદ સંભાળ્યું હતું ત્યારથી ઉત્તરોત્તર વિભૂતી નગરની પ્રગતી થતી આવી હતી. તેમણેજ રમણીક મહારાજને મંદિરના મૂખ્ય પુજારી અને મંદિરના રોજ-બરોજનાં વહીવટના કર્તા-હર્તા નિમ્યા હતા. આમતો આ જવાબદારી વર્ષોથી શુક્લા પરીવારના સદસ્યો જ નિભાવતા આવ્યા હતા પરંતુ દેવધર તપસ્વીએ રમણીક શુક્લાને વિધિવત્ મંદિરની તમામ જવાબદારીઓ સોંપી એક નવા શિરસ્તાની શરૂઆત કરી હતી....અને હવે એ જવાબદારીઓ રમણીક મહારાજના સ્વર્ગવાસ પછી તેમના સુપુત્ર શંકર મહારાજ ઉપર આવી હતી.

પરંતુ...શંકર મહારાજ વ્યથિત હતા. જે વાત તેમના પિતાએ તેમને જણાવી હતી, વિભૂતી નગરના કલંકીત ભૂતકાળ વિશે, એ ઘટનાના પરીણામથી તેમને ડર લાગવા માંડયો હતો. ન જાણે કેમ, પણ જેવા ભણકારા રમણીક મહારાજને તેમના મૃત્યુ પહેલા સંભળાતા હતા એવાજ ભણકારા શંકર શુક્લાને પણ સંભળાવા લાગ્યા હતા. તેમનું મન રહી-રહીને એક વાત કહેતું હતું કે બહુ જલ્દી આ વિભૂતી નગર ઉપર કાળનો ભયાનક ઓછાયો આફત બનીને ત્રાટકવાનો છે. એવા સમયે પોતે તમામ હકીકતોથી વાકેફ હોવા છતાં પણ નગરને એ ઓછાયાથી બચાવવા કંઇ નહિ કરી શકે એ આત્મગ્લાની તેમને સતત કોરી ખાતી હતી... એટલેજ તેઓ સીધા વિભૂતી નગર જવાને બદલે મુંબઇ બે દિવસ રોકાઇ ગયા હતા. તેઓ આ સમસ્યાનો કોઇ ઉકેલ વિચારવા માંગતા હતા. ઇશાનને જોઇને તેમને થોડો આત્મસંતોષ જરૂર થયો હતો કે આ છોકરો જરૂર વિભૂતી નગરવાસીઓની સહાય કરી શકશે. તેમની અનુભવી આંખોએ ઇશાનના ચહેરા ઉપર પથરાયેલા એક અલૌકિક તેજને પારખી લીધું હતું. ઉંડે-ઉંડે તેમના હ્રદયમાં થોડી ધરપત થઇ હતી. આખરે બે દિવસ મુંબઇ રોકાઇને તેમણે પણ વિભૂતી નગરની વાટ પકડી હતી.

***********************************

છેક મોડી સાંજે ઇશાન વિભૂતી નગર પહોંચ્યો હતો. તેણે કારને સીધીજ પોતાના ઘરે લેવરાવી. વિભૂતી નગરના છેક છેવાડે, દરીયા કિનારાને અડીને, નાળીયેરીના ઝૂંડ વચ્ચે તેનું ભવ્ય ઘર “તપસ્વી મેન્શન” આવ્યું હતું. આ “તપસ્વી મેન્શન” નગરના બીજા ઘરોથી સાવ અલગ અને નિરાળુ હતું. તદ્દન દેશી ઢબે બનેલા બે માળના તપસ્વી મેન્શન ફરતે વિશાળ જગ્યા ખુલ્લી છોડવામાં આવી હતી. એ જગ્યાની ચારેકોર ઉંચી દિવાલ ચણીને જગ્યા કવર્ડ કરાઇ હતી અને તેમાં તરેહ-તરેહના શકભાજી તેમજ અન્ય છોડવાઓ સંભાળપૂર્વક ઉછેરાયા હતા. એ ખેતરના એક છેડે થોડી અલાયદી જગ્યામાં ગાય-ભેંસોનો આધુનીક ઢબનો તબેલો હતો. તબેલાની બરાબર બાજુમાં ઘોડાર બનાવાય હતી. એ ઘોડારમાં ઉંચી નસ્લની બે ઘોડીઓ બાંધેલી હતી. તેની બાજુમાંજ અહી કામ કરતાં નોકરોના ક્વાટર હતા. લગભગ દસેક વીઘામાં પથરાયેલા ખેતરોની બરાબર મધ્યમાં, વચ્ચો વચ્ચ “ તપસ્વી મેન્શનએ ઉભુ હતું.

તપસ્વી મેન્શન ખાલી મકાન નહોતું...પણ એક ઘર હતું. તેની બાંધણી ભલે જુના ઢબ પ્રમાણે હોય, પરંતુ તેને જોઇને આંખો ઠરતી. મકાનને દુરથી જ જોઇને ઇચ્છા થતી કે આ જગ્યામાં થોડો સમય વીતાવીએ. મેન્શનમાં પ્રવેશ્યા પછી દિલમાં એક શુકુન પ્રસરતું. ઇશાને મુખ્ય ફાટક વટાવી કારને સીધીજ તપસ્વી મેન્શનનાં પોર્ચમાં લેવરાવી હતી અને કારનો દરવાજો ખોલી નીચે ઉતર્યો હતો. ઘણા વર્ષો બાદ તે પાછો ઘરે આવ્યો હતો. નીચે ઉતરી સૌ-પ્રથમ તેણે ચારેકોર નજર ઘુમાવી. એક નજરમાં આખો વિસ્તાર આવરી લીધો. કયાંય કશું બદલાયું નહોતું. તે જ્યારે અહીથી ઓસ્ટ્રેલીયા ભણવા ગયો હતો ત્યારે જેવું વાતાવરણ છોડીને ગયો હતો તેમાં હજુ સુધી કોઇ મોટો ફેરફાર થયો નહોતો. ચારે તરફ લહેરાતા ખેતરો, ખેતરોના શેઢે બાંધેલા તબેલામાંથી ગાયો ભાંભરવાના આવતા અવાજો , આછા આસમાની રંગે રંગાયેલું તપસ્વી મેન્શન....બધું એમનું એમ જ હતું.

“ કોણ....? કોણ આવ્યુ છે ભાઇ....?” સહસા એક અવાજ આવ્યો અને ઇશાનનું ધ્યાન ભંગ થયુ. તે અહીનું વાતાવરણ માણવામાં એટલો મગ્ન બની ગયો હતો કે અંદર જવાનું પણ ઘડીભર વિસરી ગયો હતો. અવાજ સાંળીને તે પાછળ ફર્યો...ઘરના દરવાજેથી મોટી ઉંમરના એક બહેન સાડીના પાલવે તેમના ભીના હાથ લુંછતાં બહાર આવ્યા હતા. તે નિર્મળા બહેન હતા. ઇશાનના પિતા ગુલશનરાય તપસ્વીના દુરના માસીયાઇ બહેન....નિર્મળા બહેનના પતિના મૃત્યુ બાદ તેમને તેમનાં સાસરીયામાંથી જાકારો મળ્યો ત્યારે ગુલશનરાય પોતાની બહેનને અહી તપસ્વી મેન્શનમાં લઇ આવ્યા હતા. બસ ત્યારથી તેઓ અહીજ રહેતા હતા. ઇશાન તેમના ખોળામાં રમીને જ મોટો થયો હતો. ઇશાન ઘડીભર તેના નિર્મળા ફઇના ઘરડા ચહેરાને તાકી રહયો. નિર્મળા ફઇને પણ તરત ઓળખાણ પડી નહોતી કે આવનાર આંગુતક કોણ છે....?

“ ફઇ....મને ના ઓળખ્યો....? હું ઇશાન....” આગળ વધી તેણે નિર્મળા બહેનના ચરણ સ્પર્શ કર્યા અને બોલ્યો.

“ ઇશાન....” તેમના ગળામાંથી અનાયાસે શબ્દો સર્યા. ઘડીભર તેઓ માની શક્યા નહી કે તેમની સામે તેમનો વહાલસોયો ઇશાન આવીને ઉભો છે.....!! તેમની ઘરડી આંખો બે-ઘડી ઇશાનના ચહેરાને જોઇ રહી....અને સ્તબ્ધતાની એ ક્ષણો વિત્યા બાદ અચાનક એ આંખોમાં ખુશીના આંસું ઉભરાયા હતા... “ અરે....ઓહ....ઇશાન...” કહેતાં તેઓ દોડયા અને ઇશાનને ભેટી પડયા. “મારો વાલુડો ઇશાન....” બસ, આટલા શબ્દો અને ચોધાર આંસુ સતત વહયે ગયા. ઇશાન વર્ષો બાદ મમતાભર્યા વહાલમાં તરબોળ બન્યો હતો.

“ શાંત થાઓ ફઇ...” તે નિર્મળા ફઇની પીઠ ઉપર વહાલભર્યો હાથ પસવારતા બોલ્યો. “હવે હું અહીંયા જ રહીશ....કાયમ તમારી પાસે....”

“ “તારે જવું હશે તો પણ હવે હું તને કયાંય જવા નહી દઉ....તને ખબર છે, તારી વગર આ ઘર કેટલું સુનુ બની જાય છે....”” સ્તબ્ધતાની ક્ષણો વિત્યા બાદ ઇશાનથી અળગા થતા નિર્મળા બહેન બોલ્યા. ““ અરે....પણ તું અહી શું-કામ ઉભો છે....!! અંદર આવ. તારા દાદાને કેટલો આનંદ થશે એ તું નથી જાણતો. તારો સામાન કયાં છે....?””

“ “ એ હું લેતો આવું છું. આ ટેક્ષીવાળા ભાઇને પૈસા પણ ચૂકવવાના છે....”” ઇશાને કહયું અને સામાન ઉતારી ટેક્ષીવાળાને ભાડુ ચુકવી તેને રવાના કર્યો.

તે દિવસે રાત્રે તપસ્વી મેન્શનમાં ઉત્સવ સર્જાયો હતો. ઇશાનના દાદા દેવધર તપસ્વીને ઇશાને અચાનક આવીને ચમકાવી મુકયા હતા. પહેલા તો તેમને વિશ્વાસ આવ્યો નહોતો પરંતુ પછી તેમનું હ્રદય ખુશીઓથી છલકાઇ ઉઠયું હતું. ઇશાને અચાનક ટપકી પડીને તેમને બહું મોટી સરપ્રાઇઝ આપી હતી. સાંજે ભોજનમાં બત્રીસ પકવાનો બન્યા હતા, અને દાદા-દિકરો આજે ઘણા વર્ષો બાદ સાથે બેસીને જમ્યા હતા. નિર્મળા ફઇએ ઇશાનને વહાલ કરી-કરીને જમાડયો હતો.

*******************************

ઇન્સ.જયસીંહ રાઠોડે માર્ગી, નતાશા અને સમીરાની લાશો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને રોશન પટેલને તેણે નગર ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર માટે ભર્તી કરાવ્યો હતો. તેના જેવો બાહોશ અફસર પણ જે રીતે પેલા ત્રણેયના મૃત્યુ થયા હતા એ જોઇને ખળભળી ઉઠયો હતો. તેણે માર્ગીની બોટની ઝીણવટભરી તપાસ કરાવી હતી. તેમાં કોઇ સબૂત તેને સાંપડયા નહોતા. કયાંક, કોઇ સબુત મળી જાય એ આશાએ તેણે જલપરીના ઇંચે-ઇંચેના ફોટો લેવરાવ્યા હતા. જલપરીની કેબીનના આગળના કાચ ઉપર સમીરાએ દોરેલા ચિત્રોના પીકચર પણ તેણે લીધા હતા. એ ચિન્હો જોઇને તેને આશ્ચર્ય જરૂર થયુ હતું પરંતુ તેમાં કંઇ અજૂગતુ તેને લાગ્યું નહોતું. બોટ ઉપર ખરેખર શું બન્યું હશે એ ઘટના વિશે હજુ આટલી દોડધામ બાદ પણ તે કંઇ જાણી શક્યો નહોતો. રોશન પટેલે જ આ ખૂન કર્યા છે એવો સ્પષ્ટ અભિપ્રાય તેણે બાંધ્યો હતો. એક સિમ્પલ થીયરી હતી જેને તે ફોલો કરી રહયો હતો. મધદરીયે ઉભેલી બોટમાં જો ચાર વ્યક્તિઓ હોય અને તેમાંથી ત્રણના ખૂન થઇ જાય, તો એ ખૂન કરનાર જીવીત બચ્યો હોય એ ચોથો વ્યક્તિ જ હોવાનો તે ગમે તેવો અણસમજુ વ્યક્તિ પણ સમજી શકે તેવી સચ્ચાઇ હતી. જયસીંહે પણ એ જ અનુમાન લગાવ્યું હતું. હવે તેને રોશન પટેલની સ્થિતી સુધરે પછી તેની પુછપરછ કરવાની ઉતાવળ જાગી હતી.

********************

ડો.ગુપ્તાએ બંને પતિ-પત્નીની સારવાર કરી. જે પ્રમાણે એ બંનેના ગાલ એકસરખી રીતે દાઝયા હતા એ જોઇને તેમને આશ્ચર્ય થયું હતું. આવી રીતે કયારેય કોઇ દાઝયું હોય એવો કિસ્સો તેમના ધ્યાનમાં આજદિન સુધી આવ્યો નહોતો. તેમણે પુછયુ પણ ખરુ કે તેઓ કઇ રીતે દાઝયા છે...? પરંતુ એ સવાલનો જવાબ માથુર સાહેબ કે નીલીમાદેવી સિવાય બીજા કોઇની પાસે નહોતો.....અને કુદરત કયારેય કોઇ ખુલાસાઓ આપતી નથી. તે બસ, ન્યાય ફરમાવે છે. તમારા સાર-નરસા તમામ કર્મોનો ન્યાય કરવાનું કામ ઇશ્વરે કુદરતના જીમ્મે સોંપ્યુ છે. સ્વર્ગ અને નરકની પરી કલપ્ના કુદરત તમને આ જન્મમાંજ અહેસાસ કરાવતી હોય છે.

માથુર ખાનદાન ઉપર ન જાણે તેમનાં કયા પાપોનો બદલો લેવાઇ રહયો હતો...! અને આ તો હજુ શરૂઆત હતી. વિભૂતીનગર ઉપર છવાયેલો ધુમ્મસનો ઓછાયો હજુ વધુ ધેરાવાનો હતો. એક તબાહી મચવાની હતી જેમા સમગ્ર નગર તહસ-નહસ થઇ જવાનું હતું

પરંતુ આખરે શું કામ.....? આ સવાલ ખુદ પોતાનામાં ઘણા રાઝ સંગ્રહીને બેઠો હતો. એ રાઝ એક પછી એક ઉખળશે ત્યારે શું થશે..?

વાંચતા રહેજો “નગર” એક અનોખી કહાની.

આ ઉપરાંત મારી અન્ય નોવેલો જેવીકે....નો રીટર્ન....નસીબ....અંજામ....તમે અહીં, માત્રૃભારતી પર વાંચી શકશો. ધન્યવાદ.

પ્રવિણ પીઠડીયા.

ફેસબુક -- Praveen Pithadiya.

વોટ્સએપ-- ૯૦૯૯૨૭૮૨૭૮