Nagar - 1 books and stories free download online pdf in Gujarati

નગર - 1

નગર-૧

“ નગર “-એક અનોખી કહાની. આ કહાની છે દક્ષીણ ગુજરાતનાં એક અતિ સમ્રૃદ્ધ શહેર વિભૂતી નગરની....વિભૂતી નગરમાં ઘટતી અસામાન્ય ઘટનાઓની. વર્ષો પહેલા ભૂતકાળમાં કઇંક એવુ બન્યુ હતુ જેનો ઓછાયો અત્યારે વર્તમાનમાં કાળ બનીને નગર ઉપર ત્રાટકે છે. શું નગરવાસીઓ તેનો સામનો કરી શકશે...? કે પછી વિભૂતી નગર રાખમાં ભળી જશે...? સવાલો ઘણાં છે...અને તેના જવાબો આ કહાનીમાં છુપાયેલા છે. તો તૈયાર થઇ જાઓ એક હાડ ધ્રૂજવતી હોરર સસ્પેન્સ થ્રિલર માટે......

લેખક તરફથીઃ-

નમસ્કાર મિત્રો...”નો રીટર્ન“...”નસીબ“ અને “અંજામ“ બાદ આ મારી ચોથી નવલકથા છે. “નગર” આ પણ મારા જોનરની કહાની છે. હાં...આ વખતે થોડી ડરામણી વાતો પણ આવશે છતાં મને લાગે છે કે વાંચકોને તે ગમશે. રહસ્ય, રોમાન્સ, સસ્પેન્સ, થ્રીલ, ગજબનાક ઉતાર-ચડાવ..આવી બાબતો મને હંમેશા આકર્ષતી રહી છે. અને એટલેજ કદાચ હું એવું લખી શકતો હોઇશ.

સાચુ કહું તો મને મારા વાચકમિત્રોએ ખૂલ્લા દિલે આવકાર્યો છે...સ્વિકાર્યો છે. મને પણ ક્યારેક આશ્વર્ય થાય છે કે આ કોઇ સ્વપ્ન તો નથીને...! “અંજામ” બાદ મારા મિત્રો જે આતુરતાથી નવી નવલકથાનો ઇંતેજાર કરી રહ્યાં છે તેણે મારા જુસ્સાને ઓર વધારી મુક્યો છે. મારી જવાબદારીઓ તેથી વધી ગઇ છે. હું વધુ સજાગ બન્યો છું....! જો કે મારો સબજેક્ટ પણ એવો છે કે મારે સજાગ રહેવુંજ પડે....સસ્પન્સ થ્રિલરમાં તમે કોઇપણ બાબતને અધૂરી ક્યારેય ન છોડી શકો. જે ઘટના પહેલે પાનેથી શરૂ થઇ હોય એ ઘટનાને કહાનીના છેલ્લાં પાના સુધી તમારે જાળવવી પડે...જો તેમાં સહેજપણ શરતચૂક થાય તો તરત વાંચકો કહાનીથી વીમુખ થઇ જાય. હું મારી કહાનીઓમાં શક્ય હોય એટલો ટેબ્લો જાળવવાનો પ્રમાણીક પ્રયત્ન કરતો રહું છું...બાકીતો વાચક રાજા છે. તેમને ગમે તે ખરું.

મારી તમામ નવલકથાઓની જેમ આ નવલકથા પણ હું એક વ્યક્તિને અર્પણ કરું છું...અને તે છે “ અશ્વિની ભટ્ટ “. ગુજરાતી ભાષાનાં એક ધુરંધર લેખક કે જેમણે ગુજરાતી સાહિત્યને એક નવી ઉંચાઇ, નવી દિશા, નવો મુકામ આપ્યો છે. આપણી વચ્ચે તેઓ નથી રહ્યાં છતાં તેમની નવલકથાઓ હંમેશા મને પ્રેરણા આપતી રહી છે અને આપતી રહેશે... તેમને મારા શત શત પ્રણામ.

અને હાં, બીજી એક અગત્યની વાત આજે હું કહીંજ દઉં....પ્લીઝ મિત્રો...સસ્પેન્સ જાણવાની ઉતાવળ ન કરતા. રહસ્યકથા એક પુરાની શરાબ જેવી હોય છે...જેટલી ધીરજ રાખશો એટલો તેનો નશો વધશે અને ઘૂંટાશે. મને પણ લખવાની એટલીજ વધુ મજા આવશે....તો, શરું કરીએ એક ધમાકેદાર સફર....

---------------------------------------------------------------------------------

આંચલે એક અંગડાઇ લઇને મુલાયમ પથારીમાંથી નીચે ઠંડી ફર્શ પર પગ મુકયા. આછા ક્રીમ કલરના ગ્રેનાઇટ પથ્થર બીછાવેલી કમરાની ફર્શ ખરેખર ઠંડી હતી. આંચલના ખુલ્લા પગની મુલાયમ પાનીઓમાંથી પસાર થઇને એ આહલાદક ઠંડક તેનાં પુરા જીસ્મમાં એક ઝણઝણાટી પેદા કરી ગઇ......હજુ તો નવેમ્બર મહિનો શરૂ જ થયો હતો, તેમ છતાં આ વર્ષે અત્યારથી ઠંડી પડવી શરૂ થઇ ગઇ હતી. આંચલે ઝડપથી બેડ નીચે પડેલા તેના સ્લીપરમાં પગ નાંખ્યા અને પછી રૂમનાં એટેચ્ડ બાથરૂમ તરફ ચાલી.....અત્યારે જો કોઇ સ્વપ્નીલ યુવાને તેને જોઇ હોત તો તે આભો બનીને એકીટશે જોઇ જ રહયો હોત....વહેલી સવારના ખુશનુંમા વાતાવરણમાં હજુ હમણા જ ઉંઘમાંથી ઉઠેલી આંચલ ગજબની દિલકશ લાગતી હતી.... આછા પરપલ કલરના નાઇટસૂટ હેઠળ છુપાયેલો તેનો ચુસ્ત અને મુલાયમ દેહ...કમરાની ફ્રેન્ચ વિન્ડોમાંથી મંદગતીએ વહેતા પવનને કારણે ઉડતા તેના સુંવાળા કેશ...ચાલતી વખતે થતો તેના નિતંબોનો ગજબનાક લયકારો...બોઝીલ અડધી બીડાયેલી તેની ઉંધભરી લાંબી આંખો....સમય પણ બે-ઘડી થંભીને તેને નીરખી લેવા જાણે મજબુર બન્યો હોય એવો માહોલ રચાયો હતો.

આંચલને કસરત કરવાનો બહુ કંટાળો આવતો. આવી ફુલ ગુલાબી ઠંડીમાં સવારે વહેલા ઉઠીને શરીરને કષ્ટ આપવાનું કામ તેને સહેજે પસંદ નહોતું, તેમ છતાં મજબુરી વશ છેલ્લા ત્રણ દિવસથી તે જોગીંગ કરવા જતી હતી. કારણ કે તેના પપ્પા નવનીતભાઇએ તેને ચોખ્ખી વોર્નિંગ આપી દીધી હતી કે જો તે તેના શરીરનું ધ્યાન નહી રાખે તો આ દિવાળીમાં તેને જે કાર ગીફ્ટમાં મળવાની છે તે નહિ મળે....હવે જો પોતાની પર્સનલ કાર મળતી હોય તો તે અડધી રાત્રે પણ જોગીંગ કરવા જવા તૈયાર થાય તેમ હતી.....!!

બાથરૂમમાંથી ફ્રેશ થઇને બહાર આવી ત્યારે તેના બેડરૂમની દિવાલ ઘડીયાળમાં છ નો સમય થયો હતો. નાઇટસૂટ ઉતારી તેણે જોગીંગટ્રેક સૂટ પહેર્યો. પોતાના બેડરૂમમાંથી ફોન, ઇયરફોન, નાનો ટુવાલ વગેરે જરૂરી સામાન સાથે લઇ તે બહાર નીકળી. ઘરમાં હજુ કોઇ જાગ્યુ નહોતું. બંગલાના ડ્રોઇંગરૂમમાં તેમનો નોકર જીવો સાફ-સફાઇ કરી રહયો હતો.

“ જીવાભાઇ....પપ્પાએ ગાડીની ચાવી કયાં મુકી છે....?” તેને ખબર હતી કે તેના પપ્પા તેમની i-20 ની ચાવી ડ્રોઇંગરૂમમાં ગમે ત્યાં મુકી દેતા હતા. જીવાએ થોડા-ઘણા ખાંખાખોળા કરી ચાવી શોધી હતી અને આંચલના હાથમાં મુકી. “ થેંક્યુ જીવાભાઇ....” આંચલ ખુશ થતા બોલી અને બંગલાના પોર્ચમાં આવી. સુરજ હજુ ઉગ્યો નહોતો પરંતુ વાતાવરણમાં આછો અજવાશ પ્રસરી ચૂક્યો હતો. આંચલ કારનો ઓટોમેટીક ડોર અનલોક કરી અંદર ઘુસી, કાર સ્ટાર્ટ કરી, ગીયરમાં નાંખી અને સીફતથી સોસાયટીના ગેટ બહાર નીકળી. બહારનું વાતાવરણ અત્યારે ખરેખર દિલકશ હતું જેના કારણે વહેલા ઉઠવાનો તેનો કંટાળો થોડીવારમાં જ ગાયબ થઇ ગયો. એકદમ ફ્રેશ મુડમાં આવી તેણે કારને ગામના સીમાડે આવેલા ગાર્ડન તરફ હંકારી...

ગામની ભાગોળે વિશાળ કહી શકાય તેવો ગાર્ડન હતો. એક શહેરમાં હોય તેના કરતા પણ વધુ સ્વચ્છ, સુંદર અને વેલ મેઇન્ટેન્ડ અહીનો બગીચો હતો. આંચલની રુખ એ બગીચાની ગોળ ફરતે બનાવેલા જોગીંગટ્રેક તરફની હતી. વહેલી સવારના શાંત અને ચોખ્ખા વાતાવરણમાં કાનમાં ઇયરફોન ભરાવી મનગમતા મ્યુઝીક સાથે જોગીંગ કરવાની ખરેખર તેને મજા પડતી હતી...અને પાછલા બે દિવસથી તે આવી મજા ઉઠાવી રહી હતી. આજે ત્રીજો દિવસ હતો. ગામની એકદમ વચ્ચે આવેલા ભવ્ય કોમ્યુનીટી હોલને પસાર કરી કાર આગળ વધી....તેની મંઝીલ હવે દુર નહોતી....પરંતુ....આંચલને ખબર નહોતીકે એક હાડ ધ્રુજાવી દે તેવો અનુભવ આજે તેને થવાનો હતો. તે એક એવી ઘટનાની સાક્ષી બનવા જઇ રહી હતી જેના કારણે તેનું, તેના પરીવારનું, અને સમગ્ર “વિભૂતી નગર” નું ભવિષ્ય બદલાઇ જવાનું હતુ.

હાં...આ ગામનું નામ “ વિભૂતી નગર” હતું. દક્ષિણ ગુજરાતના સાગરકાંઠે વસેલું એક સુખી અને અતિ સમૃધ્ધ ગામ....આ ગામનું ભવિષ્ય આજ પછી બદલાઇ જવાનું હતું અને તેની શરૂઆત ગઇકાલ રાત્રેજ થઇ ચુકી હતી. વિભૂતી નગરના ભૂતકાળને ઉજાગર કરતો એક નિર્ણય ગઇકાલે રાત્રે ગામનાં ટાઉનહોલ (કોમ્યુનીટી સેન્ટર)માં લેવાયો હતો અને એ નિર્ણય સમગ્ર વિભૂતી નગર ઉપર કાળ બનીને છવાઇ જવાનો હતો....જેની સાક્ષી બનવા અત્યારે આંચલ ગામના વિશાળ બગીચા તરફ જઇ રહી હતી.

આંચલે કાર થોભાવી. સામે જ બગીચાનો ગેટ હતો. કારને વ્યવસ્થિત પાર્ક કરીને તે બહાર નીકળી. તેની કાર સીવાય પણ બે-ત્રણ કારો ત્યાં પાર્ક કરેલી નજરે પડતી હતી. આંચલે એ તરફ એક અછડતી નજર નાંખી પોતાની કારને લોક કરી બગીચાની અંદર જવા પગ ઉપાડયા....આવુ વાતાવરણ તેને ગમતું. દુર ક્ષીતીજમાં ફેલાતા જતા આછા અજવાળામાં સમગ્ર સૃષ્ટી જાણે આળસ મરડીને બેઠી થઇ રહી હતી. સવારનો મધ્યમ વાતો આહલાદક ઠંડો પવન આંચલની ખુલ્લી સુંવાળી બાંહોમાં એક ધીમી ઝણઝણાટી પેદા કરતો હતો. એ ઝણઝણાટીના કારણે તેના હાથ ઉપરની આછી, ભુખરી રૂંઆટી નીચે ઝીણી-ઝીણી ટેકરીઓ ઉપસી આવી હતી. તેની છાતીની દર્રા સુધી એ ઝણઝણાટી ફેલાતી ગઇ હતી....ઝડપથી તેણે ફોનને ઇયરફોન જોડે કનેક્ટ કરી તેના પ્લગ કાનમાં ભરાવ્યા અને રોમેન્ટીક સોંગ્સ સાંભળતી તે બગીચામાં દાખલ થઇ.

બગીચાની અંદર દાખલ થતાંજ જમણા હાથ બાજુ ત્રણ માણસો એક સાથે દોડી શકે તેવો જોગીંગ ટ્રેક હતો. એ ટ્રેક આખા બગીચાનો ગોળ ચકરાવો લઇ ફરી પાછો ત્યાં જ, બગીચાના ગેટ પાસે, ડાબા હાથે ખતમ થતો હતો. તમે ચાહો તો જમણી તરફથી જઇ શકો અને ચાહો તો ડાબી તરફથી દોડવાનું ચાલુ કરી શકો. આંચલે જમણી બાજુથી જવાનું નક્કી કર્યુ....બગીચામાં અત્યારે કોઇ દેખાતુ નહોતુ. બહાર જે કારો પડી હતી તેના માલીકો કદાચ અંદરની તરફ હશે આવું અનુમાન તેણે કર્યુ અને જોગીંગ ટ્રેક પર દોડવાનું શરૂ કર્યુ. સમગ્ર બગીચામાં ચો-તરફ હરીયાળી પથરાયેલી હતી. જોગીંગ ટ્રેકની જમણી બાજુ એક તરફ લાઇનબંધ વિશાળ વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા અને ટ્રેકની અંદર ડાબા હાથે સીધી, સપાટ ઘાસની લોન બીછાવેલી નજરે પડતી હતી. બગીચો લગભગ ત્રણેક એકર જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલો હતો. બગીચાને કવર્ડ કરવા તેની ગોળ ફરતે સીમેન્ટનાં ખાંભા ખોડી તેના પર લોંખડની કાંટાળી તારનું ફેન્સીંગ કરવાં આવ્યુ હતું. ફેન્સીંગની પેલે પારની ખાલી જગ્યામાં નાનકડુ જંગલ ઉગી નીકળ્યુ હતું.

હજુ થોડુજ આગળ વધી હશે કે આંચલ એકાએક અટકી. જોગીંગ ટ્રેક પર તેના સીવાય અત્યારે કોઇ નહોતું. તે એકલી જ દોડી રહી હતી કે અચાનક એક ભયાનક માથું ફાડી નાંખે એવી દુર્ગંધ તેના નાજુક નમણા નાકમાં ઘુસી. પહેલાતો તેનું ધ્યાન એ ગંધ તરફ ખેંચાયુ નહી પરંતુ જેમ-જેમ તે આગળ જતી હતી તેમ એ ગંધની તિવ્રતા વધતી ગઇ હતી. આખરે કંટીળીને તે દોડતા અટકી અને એક ઠેકાણે ઉભી રહી ગઇ. નાક ફુંગરાવીને તેણે એ તીવ્ર ગંધની રુખ પકડવાની કોશીષ કરી. “ ઓહ...શીટ...” તેના મોંમાંથી ઉદ્દગારો સર્યા. અનાયાસે તેનો હાથ તેણે પહેરેલા ટ્રેક પેન્ટની પાછળ ખોસેલા નેપકીન તરફ ગયો અને નેપકીન ખેંચીને તેણે તેના નાક ઉપર મુકયો....આંચલને સમજાતું નહોતુ કે દુર્ગંધ કઇ ચીજની આવે છે...! કુતુહલવશ બનીને તે દુર્ગંધનું કારણ શોધવા આગળ વધી.... થોડી જ વારમાં તેનાં ધ્યાનમાં આવ્યુ હતુ કે એ દુર્ગંધ બગીચાને કવર્ડ કરતી તારની ફેન્સીંગ પાસે કયાંકથી આવે છે....તે એ તરફ આગળ વધી. જોગીંગ ટ્રેકનો પાકો રસ્તો છોડીને તે તેની જમણી બાજુ ઉગી નીકળેલા પીળા ગુલમહોરના ઝાડના ઝુંડ તરફ ચાલી. અહી માટી ભીની હતી. તેણે પહેરેલા પુમાના શુઝ એ ભીની માટી અને ત્યાં આડેધડ ઉગી નીકળેલા ઘાસમાં ઘસાતા જતા હતા...એક વખત તો ત્યાંથી પાછા ફરી જવાનો વીચાર પણ આંચલને આવ્યો પરંતુ તેની જીજ્ઞાષાવૃતિએ તેને એમ કરતા અટકાવી લીધી હતી. જો તે ત્યાંથી જ પાછી વળી ગઇ હોત તો એક ભયાવહ દ્રશ્ય તેની આંખોએ ન જોયું હોત...ખેર, તેની નીયતી તેને બોલાવી રહી હતી.

ઠંડા વાતાવરણમાં પણ આંચલના કપાળે પરસેવાની બુંદો ચમકી ઉઠી. તે જેમ-જેમ ફેન્સીંગ તરફ આગળ વધી રહી હતી તેમ-તેમ એ ભયાવહ દુર્ગંધ વધતી જતી હતી. નાક ઉપર મુકેલો નાનકડો નેપકીન પણ જાણે એ દુર્ગંધ રોકવામાં અસમર્થ બન્યો હતો. આંચલની નજરો ચારે દિશામાં એ દુર્ગંધનું સ્ત્રોત શોધી રહી હતી. એક તો જંગલ જેવું વાતાવરણ, ચો-તરફ ફેલાયેલી બોઝીલ ખામોશી અને ઉપરથી તે એકલી જ અહી હોવાના ખ્યાલે તેને ડર પણ લાગી રહયો હતો... તેની ચકળ-વકળ થતી ખુબસુરત આંખોમાં એ ડર સ્પષ્ટ વંચાતો હતો. તે પાછી વળવા માંગતી હતી પરંતુ તે ખુદ પોતાની જાતનેજ ધક્કો મારી જાણે આગળ ધપાવી રહી હતી... આખરે એક જગ્યાએ તે અટકી....વિચિત્ર અને ધૃણા ઉપજાવે એવી દુર્ગંધની સ્પષ્ટ દિશા તેને મળી. તે લગભગ તારની કાંટાળી ફેન્સીંગથી એકાદ ફલાંગ દુર એક ગુલમહોરના થડ પાસે ઉભી હતી અને અહીથી તેને સામે જમીન ઉપર કશુંક દેખાઇ રહ્યુ હતુ. એ શું હતુ તેનો સ્પષ્ટ ખ્યાલ તેને અહીથી આવતો નહોતો. ત્રણેક ફુટ જેટલી લાંબી અને કાળી આકૃતી જેવું કંઇક નીચે જમીન પર પડયું હતુ અને તેમાંથી સફેદ ધુમાડા જેવી પાતળી સેર નીકળી હવામાં ભળી રહી હતી. દુર્ગંધનો મુળ સ્ત્રોત ઘાસમાં અડધી ખૂંપેલી એ કાળી આકૃતી જ હતી. હિંમત કરીને આંચલ ફરી વખત આગળ વધી. તેનું હદય જોર-જોરથી ધડકી રહયું હતું. તેના હાથ-પગ કોઇ અસામાન્ય દ્રશ્ય જોવાના ખ્યાલે ઠંડા પડતા જતા હતા છતા એક પ્રાણીસહજ કુતૃહલતા તેને આગળ ધપાવી રહી હતી.

એ આકૃતીથી પાંચ કદમ દુર તે અટકી...અને તેની આંખો પહોળી થઇ. એક ચીખ તેની નાભીમાંથી નીકળી અને તેના ગળામાં અટવાઇ...તેની આંખો એ ભયાવહ દ્રશ્ય જોઇ રહી. નીચે ભીની જમીન ઉપર ફેન્સીંગ બાંધેલા તારની બરાબર નીચે, ફુટેક ઉંચા ઉગી નીકળેલા જંગલી ઘાસની વચ્ચે એક જાનવરનો અર્ધ બળેલો મૃતદેહ પડયો હતો. કદાચ તે મૃતદેહ જંગલી વરુ, શિયાળ અથવા કુતરાનો હતો....મૃતદેહની હાલત અત્યંત ક્ષપ્ત-વિક્ષપ્ત હતી....અર્ધ બળેલી એ બોડીમાંથી હજુ પણ ધુમાડો નીકળી રહયો હતો. તેનું મોંઢુ સલામત હતુ....પરંતુ જાણે કોઇકે પોતાના જંગી હાથો વડે તેની ડોક પકડીને મરડી નાંખી હોય તેમ તેનું મોંઢુ ઉલટી દિશામાં ફરી ગયુ હતું. તેનું શરીર અને મોં, બંને એક જ દિશામાં હતા....એ દ્રશ્ય ખરેખર ડરામણું હતુ. એ જાનવરના પેટ ઉપરની ચામડી બળી જવાથી પેટની અંદરના બધા અવયવો બહાર નીકળી આવ્યા હતા અને તેમાં લાલ કલરના મોટા કીડા ખદબદી રહયા હતા. આંચલને એકાએક પેટમાં ચૂંથારો થવા માંડયો. તેને ઉબકા આવવા લાગ્યા. સવારે તેણે કંઇ ખાધુ નહોતું છતાં જે કંઇ પણ પેટમાં હતુ એ બધુ મોંઢા વાટે હમણા બહાર નીકળી આવશે એવુ તેને લાગવા માંડયુ....ત્યાંથી તે દુર ભાગી જવા માંગતી હતી....! તેને ગળુ ફાડી-ફાડીને ચીખો પાડવાનું મન થતુ હતું....! બેહોશ થઇને તે નીચે જમીન પર પડી જવા માંગતી હતી....! પરંતુ એવુ કંઇ જ તેનાથી થઇ શકયુ નહોતું. ફાટી આંખે સ્તબ્ધ બનીને કોઇ મીણના પુતળાની જેમ સ્થિર થઇ તે એ ભયાવહ દ્રશ્ય જોઇ રહી. તે એકદમ સુંવાળપમાં ઉછરેલી છોકરી હતી. આટલું બીભત્સ અને ધ્રૃણા ઉપજાવે એવુ દ્રશ્ય જોવુ, અને તે પણ આવી સાવ સુમસાન જગ્યાએ....એ તેની કલ્પના બહારનું હતુ. તે એકદમ જ ગભરાઇ ગઇ હતી. તેની નજરો એકધારી એ પ્રાણીના મૃતદેહ ઉપર ચોંટેલી હતી....અને....સાવ અચાનક જ ગઇકાલ રાતની એક વાત તેના જહેનમાં ઝબકી....” ઓહ માય ગોડ...” તેણે હેરત અનુભવતા બંને હાથ ઉંચા કર્યા અને હોઠ ઉપર મુકયા. ગોળ આંખો વધુ પહોળી થઇ અને ફરી વખત શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઇ ગઇ. “ ઓહ ગોડ...ઓહ ગોડ....” વારે-વારે તે એક જ શબ્દ બોલવા માંડી. “ આ તો ....બ્રુનો છે...” આંચલ સ્તબ્ધતા અનુભવતી સ્વગત બબડી.

આંચલના જહેનમાં અચાનક ગઇકાલ રાતનું દ્રશ્ય ઉભર્યુ. તેના બંગલાના પાડોશમાં રહેતા માથુર અંકલ મોડી રાત્રે તેમના ઘરે આવ્યા હતા. તે તેમના પાલતુ ડોગ “બ્રુનો” ને પુછતા આવ્યા હતા. “ બ્રુનો ” બપોર પછી કયાંક ચાલ્યો ગયો હતો....મતલબ, બપોર બાદ તેમણે “ બ્રુનો” ને કયાંય જોયો નહોતો. તેમને એમ હતુ કે “ બ્રુનો ” આજુ-બાજુમાં કોઇના બંગલામાં ગયો હશે....અથવા કોઇ “બ્રુનો” ને રમાડવા લઇ ગયું હશે...પરંતુ જ્યારે અડધી રાત્રે પણ “બ્રુર્નો” પાછો આવ્યો નહિ ત્યારે માથુર અંકલને ચીંતા પેઠી હતી અને તે “બ્રુનો” ને શોધવા નીકળ્યા હતા. તેમણે બધે તપાસ કરી લીધી હતી પણ બ્રુનો કયાંય જડયો નહિ એટલે તેઓ હતાશ થઇને એ વિચારે ઘરે ચાલ્યા ગયા હતા કે બ્રુનો સવાર સુધીમાં તો પાછો આવી જ જશે....અને જો નહી આવે તો સવારે શોધીશું....પરંતુ....માથુર અંકલ બ્રુનોને શોધવા નીકળે તે પહેલા જ આંચલને તે મળી આવ્યો હતો...ક્ષપ્ત-વિક્ષીપ્ત હાલતમાં....અર્ધ સળગેલી સ્થિતીમાં....ગામના વિશાળ બગીચાની સાવ એકાંત જગ્યામાં...ઘાસના ઢેર વચ્ચે બ્રુનો મૃત અવસ્થામાં પડયો હતો. આંચલથી હવે અહી ઉભુ રહી શકાય તેમ નહોતું. તે પાછી ફરી અને ધડકતા હદયે બગીચાની બહાર તરફ દોડી....બહાર નીકળી તે જ્યારે તેની આઇ-૨૦ માં બેઠી ત્યારે ઉપર આકાશમાં વાદળો ગોરંભાવા શરૂ થયા હતા....એ વાદળો કુદરતી નહોતા. દુર અજાણ્યા પ્રદેશમાંથી જાણે કોઇ આસૂરી તાકત વાદળોના રૂપે વિભૂતી નગર ઉપર કહેર વર્તાવા આવી પહોંચી હોય એવા ડરામણા, કાળા, ઘનઘોર વાદળોનો સમુહ ધીમે-ધીમે વિભૂતી નગરના આકાશને પોતાનામાં સમાવા લાગ્યો હતો....તેનાથી સાવ બે-ખબર આંચલે કારને પોતાના ઘર તરફ સ્પીડમાં ભગાવી હતી.

*********************************

ન્યુ સાઉથ વેલ્સના સીડની અરપોર્ટ પર ઇશાન ટેક્ષીમાંથી નીચે ઉતર્યો. ખીસ્સામાંથી વોલેટ કાઢી તેણે ટેક્ષીવાળાને પેમેન્ટ ચૂકવ્યુ. તેની પાસે સામાનમાં માત્ર એક હોલ્ડઓલ બેગ હતી, જે તેણે સોલ્ડરે ભરાવી અને તે એરપોર્ટના મુખ્ય દરવાજા તરફ ચાલ્યો. જેટ એરવેજમાં તેની મુંબઇની ટીકીટ બુક થઇ હતી.

“ ઓહ....વોટ અ હેન્ડસમ ચોપ...” એરપોર્ટ લાઉન્જના એન્ટ્રન્સગેટની અંદર ઘૂસતા ઇશાનના કાને અવાજ અફળાયો. અવાજ તેની પીઠ પાછળથી આવ્યો હતો. પાછળ ફરીને જોવાનું મન થયુ પણ તેણે એવું કર્યુ નહી. તે આગળ ચાલ્યો અને એરપોર્ટના લાઉન્ઝમાં દાખલ થયો...બરાબર એજ સમયે બે ગોરી યુવતીઓ ખીલખીલાટ હસતી તેને પાછળથી ક્રોસ કરી ઇશાન સામે મુગ્ધતાથી તાકતી આગળ ચાલી ગઇ. ઇશાનના ચહેરા ઉપર એ જોઇ હળવી મુસ્કાન આવી. તે બંને યુવતીઓ ઇશાનથી આગળ નીકળી ગઇ હતી પરંતુ હજુ પણ પાછળ ફરી-ફરીને ઇશાનને તાકી લેતી હતી અને આપસમાં એક-બીજાને કંઇક કહી રહી હતી..

“ આઇ વોન્ટ ટુ ટેક હીમ હોમ...” બેમાંથી એક યુવતી, જે થોડી ઉંચી હતી તે બોલી. તેની ભુખરી આંખોમાં ગજબનું સંમોહન છલકતું હતુ. ઇશાન તેના પ્રત્યે આકર્ષાયો અને તે એ યુવતીઓ તરફ ચાલ્યો.

“ નો આઇ વોન્ટ...” બીજી યુવતીએ પહેલી યુવતીનો ખભો પકડી પોતાની તરફ ફેરવતા કહયુ. ઇશાન તેમની ખુબ નજીક હતો અને તેણે એ બંને યુવતીઓ વચ્ચે થતો વાર્તાલાપ બરોબર સાંભળ્યો હતો. ઇશાન તેમની તરફજ આગળ વધતો હતો.

“ હી ઇઝ કમ ટુ અસ...” પેલી લાંબી યુવતી બોલી. તેણે ઇશાનને પોતાની તરફ આવતો જોયો હતો.

“ ઓહ રીયલી...” બીજી યુવતી ઝડપથી પાછળ ફરી અને એક ખતરનાક સ્મિત ઇશાન તરફ ફેંકયુ. “ ઓહ આઇ ફેલ્ટ...” તેણે ઇશાનની ગહેરી નીલી-નીલી આંખોમાં ઝાંકતા કહયુ. એ દરમ્યાન ઇશાન તે બંને યુવતીઓની એકદમ સામે આવીને ઉભો રહયો હતો.

“ નો...યુ ડોન્ટ...” ઇશાન બોલ્યો. તેનો અવાજ ગહેરો હતો. સામેવાળાને સાંભળવો ગમે તેવો...“ યુ ડોન્ટ ટેક મી હોમ....” તેણે પેલી લાંબી યુવતીની આકર્ષક ભુખરી આંખોમાં તાકતા કહયુ, અને પછી તે બીજી યુવતી તરફ ફર્યો....“ એન્ડ યુ ડોન્ટ ફેલ્ટ હીયર બેબી...” તેની વાત સાંભળીને ફરી વખત તે યુવતીઓ ખીલખીલાટ હસી પડી. એ હાસ્યમાં નિખાલસતાનો પડઘો પડયો હતો. ઇશાન બહુ સારી રીતે સમજતો હતો કે અહી ઓટ્રેલીયામાં આવી બાબતો સામાન્ય ગણાતી. જ્યારે કોઇ યુવક કે યુવતી બીજા કોઇકને પસંદ આવે ત્યારે તેની કબુલાત એકદમ નિખાલસ ભાવથી થતી.... અહી તે એક સ્વાભાવીક ક્રિયા હતી...ઇશાન એ પણ જાણતો હતો કે યુવતીઓ તેના પ્રત્યે આકર્ષાતી, તેને એક અદમ્ય ચાહતથી તાકી રહેતી, અને પછી આટલો રૂપાળો યુવાન હમણા ચાલ્યો જશે તેવો ખ્યાલ આવતા એક નિશ્વાસ નાંખી આગળ વધી જતી. ઇશાનને પણ એ બધુ ગમતું...સુંદર યુવતીઓ સાથે, સ્ત્રીઓ સાથે વાતો કરવી, તેમની સાથે સમય પસાર કરવો...એ હુંફાળો સહવાસ તેને પણ પસંદ આવતો. અત્યારે પણ તેણે એવુ કર્યુ હોત, પરંતુ અત્યારે તે કંઇક અલગ મુડમાં જ નીકળ્યો હતો... કદાચ કાયમ માટે આજે તે ઓસ્ટ્રેલીયા છોડી ઇન્ડિયા જઇ રહયો હતો.

“ માય નેમ ઇઝ એન્ડી....” લાંબી યુવતીએ ઇશાન તરફ હાથ લંબાવ્યો. ઇશાને તેની ગોરી મુલાયમ હથેળીમાં પોતાનો હાથ મુકયો. “ એન્ડ શી ઇઝ જેમી...” તેણે બીજી યુવતીનો પરીચય આપ્યો. બરાબર એજ સમયે ઇશાનની ફ્લાઇટની ઘોષણા થઇ.

“ ઇશાન હીયર.....નાઇસ ટુ મીટ યુ બોથ.... બટ આઇ વોન્ટ ટુ ગો...” તેણે હાથ ઉંચો કરી છતની દિવાલે લગાવેલા નાનકડા સ્પીકર તરફ ઇશારો કર્યો.... “ ધે અનાઉન્સ માય ફ્લાઇટ...”

“ ઓહ....” એન્ડી અને જેમીએ ભારોભાર નિરાશાથી મોંઢુ લટકાવ્યુ. તે બંને યુવતીઓ ઇચ્છતી હતી કે ઇશાન તેમની પાસે ઉભો રહે, વાતો કરે....તેમની સાથે થોડો સમય સ્પેન્ડ કરે...પરંતુ જે ફ્લાઇટ એનાઉન્સ થઇ હતી તે જેટ એરવેઝની ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી અને તેમણે તો ડોમેસ્ટીક જવાનું હતુ. ઇશાનને પણ થોડીવાર માટે એ યુવતીઓ પાસે રોકાઇ જવાનું મન થયું હતું. તેના દિલ ઉપર જે ભાર વર્તાતો હતો એમાંથી રાહત મેળવવા તેને કોઇની કંપનીની જરૂર વર્તાતી હતી. એ કંપની તેને એન્ડી અને જેમીના રૂપમાં મળી શકે તેમ હતી.

પણ...તે રોકાયો નહી. એન્ડી અને જેમી એક અજાણ્યા, પરંતુ મનને ગમી જાય એવા ચાર્મીંગ યુવાનને ખીન્ન મને જતા જોઇ રહી.

ઇશાને જેટ એરવેઝના કાઉન્ટર પરથી પોતાની ટીકીટ કલેક્ટ કરી ત્યારે ઓલરેડી રન-વે ઉપર તેનું વીમાન આવી ચુકયુ હતું. તે ટર્મીનલ તરફ જવા આગળ વધ્યો...ત્યારે....કોઇક એવું હતું જે ઈશાનના ભારત આગમનની ભારે ઉત્કંઠાથી રાહ જોઇ રહયુ હતુ.....એક અદ્રશ્ય શક્તિ ચો-તરફથી હલ્લો બોલવા સજ્જ થઇ રહી હતી...જેનાથી ઇશાન તદ્દન બેખબર હતો.

( ક્રમશઃ )“””” “””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””” “””””””””””””””””””””””””””””””””””

“ “””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED