નગર - 3 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નગર - 3

નગર

“ નગર “-એક અનોખી કહાની. આ કહાની છે દક્ષીણ ગુજરાતનાં એક અતિ સમ્રૃદ્ધ શહેર વિભૂતી નગરની....વિભૂતી નગરમાં ઘટતી અસામાન્ય ઘટનાઓની. વર્ષો પહેલા ભૂતકાળમાં કઇંક એવુ બન્યુ હતુ જેનો ઓછાયો અત્યારે વર્તમાનમાં કાળ બનીને નગર ઉપર ત્રાટકે છે. શું નગરવાસીઓ તેનો સામનો કરી શકશે...? કે પછી વિભૂતી નગર રાખમાં ભળી જશે...? સવાલો ઘણાં છે...અને તેના જવાબો આ કહાનીમાં છુપાયેલા છે. તો તૈયાર થઇ જાઓ એક હાડ ધ્રૂજવતી હોરર સસ્પેન્સ થ્રિલર માટે......

લેખક તરફથીઃ-

નમસ્કાર મિત્રો...”નો રીટર્ન“...”નસીબ“ અને “અંજામ“ બાદ આ મારી ચોથી નવલકથા છે. “નગર” આ પણ મારા જોનરની કહાની છે. હાં...આ વખતે થોડી ડરામણી વાતો પણ આવશે છતાં મને લાગે છે કે વાંચકોને તે ગમશે. રહસ્ય, રોમાન્સ, સસ્પેન્સ, થ્રીલ, ગજબનાક ઉતાર-ચડાવ..આવી બાબતો મને હંમેશા આકર્ષતી રહી છે. અને એટલેજ કદાચ હું એવું લખી શકતો હોઇશ.

સાચુ કહું તો મને મારા વાચકમિત્રોએ ખૂલ્લા દિલે આવકાર્યો છે...સ્વિકાર્યો છે. મને પણ ક્યારેક આશ્વર્ય થાય છે કે આ કોઇ સ્વપ્ન તો નથીને...! “અંજામ” બાદ મારા મિત્રો જે આતુરતાથી નવી નવલકથાનો ઇંતેજાર કરી રહ્યાં છે તેણે મારા જુસ્સાને ઓર વધારી મુક્યો છે. મારી જવાબદારીઓ તેથી વધી ગઇ છે. હું વધુ સજાગ બન્યો છું....! જો કે મારો સબજેક્ટ પણ એવો છે કે મારે સજાગ રહેવુંજ પડે....સસ્પન્સ થ્રિલરમાં તમે કોઇપણ બાબતને અધૂરી ક્યારેય ન છોડી શકો. જે ઘટના પહેલે પાનેથી શરૂ થઇ હોય એ ઘટનાને કહાનીના છેલ્લાં પાના સુધી તમારે જાળવવી પડે...જો તેમાં સહેજપણ શરતચૂક થાય તો તરત વાંચકો કહાનીથી વીમુખ થઇ જાય. હું મારી કહાનીઓમાં શક્ય હોય એટલો ટેબ્લો જાળવવાનો પ્રમાણીક પ્રયત્ન કરતો રહું છું...બાકીતો વાચક રાજા છે. તેમને ગમે તે ખરું.

મારી તમામ નવલકથાઓની જેમ આ નવલકથા પણ હું એક વ્યક્તિને અર્પણ કરું છું...અને તે છે “ અશ્વિની ભટ્ટ “. ગુજરાતી ભાષાનાં એક ધુરંધર લેખક કે જેમણે ગુજરાતી સાહિત્યને એક નવી ઉંચાઇ, નવી દિશા, નવો મુકામ આપ્યો છે. આપણી વચ્ચે તેઓ નથી રહ્યાં છતાં તેમની નવલકથાઓ હંમેશા મને પ્રેરણા આપતી રહી છે અને આપતી રહેશે... તેમને મારા શત શત પ્રણામ.

અને હાં, બીજી એક અગત્યની વાત આજે હું કહીંજ દઉં....પ્લીઝ મિત્રો...સસ્પેન્સ જાણવાની ઉતાવળ ન કરતા. રહસ્યકથા એક પુરાની શરાબ જેવી હોય છે...જેટલી ધીરજ રાખશો એટલો તેનો નશો વધશે અને ઘૂંટાશે. મને પણ લખવાની એટલીજ વધુ મજા આવશે....તો, શરું કરીએ એક ધમાકેદાર સફર....

નગર ભાગ-૩

( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- રીટાયર્ડ અફસર નીલેશ માથુરના કુતરા બ્રુનોની મૃત હાલતમાં બોડી મળી આવે છે. એ સમાચાર આગની જેમ વિભૂતી નગરમાં ફેલાઇ જાય છે અને લોકોના ટોળા ત્યાં જમાં થાય છે....એ દરમ્યાન ઇન્સ.જયસીંગ રાઠોડ ત્યાં આવી પહોંચે છે. તે પણ બ્રુનોની હાલત જોઇને ચોંકી ઉઠે છે.... હવે આગળ વાંચો...)

ઇશાન ઇમીગ્રેશન વીધી પતાવીને ટર્મીનલમાં દાખલ થયો. દુર રન-વે ઉપર જેટ એરવેઝનું મુંબઇ જતુ જંગી વિમાન તેની નિર્ધારીત જગ્યાએ ગોઠવાઇ રહ્યુ હતું....બસ, થોડી મીનીટો, અને તે વિમાનમાં હશે એ વીચારે તેને ખીન્ન કરી મુક્યો. છેલ્લા એક અઠવાડિયાથી તે ગમગીન હતો. તેણે કયારેય વિચાર્યુ નહોતું કે આવી રીતે તેણે સીડની છોડવું પડશે.....તેણે પોતાની માયુસી દુર કરવા પેલી બંને ઓસ્ટ્રલીયન યુવતીઓ એન્ડી અને જેમી જોડે થોડુ ફ્લર્ટીંગ કરવાની કોશીષ કરી જોઇ, જેથી તેનું મન બીજી કોઇ બાબતમાં ડાયવર્ટ થાય પરંતુ તેની એ કોશીષ પણ નાકામયાબ નીવડી હતી. તેની ફ્લાઇટની ઘોષણા થતા તેણે ફરજીયાતપણે ત્યાંથી આગળ વધી જવું પડયું હતુ. જો તે યુવતીઓનો સાથ મળ્યો હોત તો ઉદાસીભર્યો માહોલ થોડો સુધર્યો જરૂર હોત.

હજુપણ ઘણાંબધા લોકો તેને તાકી રહયા હતા. એ લોકોમાં યુવતીઓ વધારે હતી. ઇશાન હતો જ એટલો હેન્ડસમ કે ન ચાહવા છતા લોકોનું ધ્યાન તેના તરફ ખેંચાતું.....પ્રાચીન ગ્રીકના રાજકુમાર જેટલો તે રૂપાળો હતો. લંબગોળ ચહેરો, ચહેરાને ઓપતુ સીધુ તીખુ નાક, નિલી-નિલી આંખો, અને આંખો ઉપર સુરેખ ભરાવદાર ભ્રમરો. સદાય હસતા લાગે એવા ધનુષાકાર હોઠ, સખત હડપચી અને હસતી વખતે તેના ડાબા ગાલમાં પડતું ખંજન....એ ખંજન પાછળ તો કંઇ કેટલીય માનુનીઓ પાગલ થઇ ચુકી હતી....સીડનીની નાઇટ ક્લબોમાં ઇશાન એક આહવાન ગણાતો. તેને પામવા, તેની કંપની મેળવવા યુવતીઓમાં રીતસરની હોડ ચાલતી...અને ઇશાનને પણ આ ગમતુ. તે રમતારામ હતો...રંગીલો અને મોજીલો. તે ઓસ્ટ્રલીયા ભણવા આવ્યો હતો. ચાર વર્ષ પહેલા પોસ્ટ ગ્રેજ્યુએશન અને પછી પી.એચ.ડી. કરવા માટે તેણે ભારત છોડયું હતું. અહી આવ્યા બાદ તેને ખરેખર સમજાયુ હતુ કે જીંદગી શું ચીજ છે...? અને તેને કેવી રીતે જીવવી જોઇએ...! સીડનીની યુવાની જોઇ તે અચંબામાં પડી ગયો હતો....એ યુવાની અને બેફીકરાપણાનો ચસ્કો તેને પણ લાગ્યો હતો. ચાર વર્ષની અંદર તો તેના સ્વભાવ અને રહેણી-કરણીમાં જબરદસ્ત ફેરફાર થયો હતો. તેનો પહેરવેશ અને સ્ટાઇલ બદલાઇ હતી....આમપણ તે પાણીની જેમ રૂપીયા વાપરી શકે એવા ધનીક પરીવાર માંથી આવતો હતો એટલે એ બદલાવ તેને તરત માફક આવી ગયો હતો.....નાનપણથી જ તે રૂપાળો હતો, તેમાં હવે જવાનીની રંગીનીયત ભળી હતી. સાથો-સાથ તે પોતાના દેખાવ પ્રત્યે થોડો સભાન પણ બન્યો હતો એટલે તેનું રફ-ટફનેસ અને ખુબસુરતી વધુ આકર્ષક રીતે ઉભરી આવતી હતી ....ઇશાને પોતાની લાઇફને ભરપુર રીતે એન્જોય કરવાનું શરૂ કર્યુ હતું..... દિવસે કોલેજમાં પરસેવો પાડીને અભ્યાસ કરતો અને રાત્રે દિલ ફાડીને તે મોજ ઉઠાવતો....આ સમય જાણે તેનો સુવર્ણકાણ સમાન વીતી રહયો હતો.....ત્રણ વર્ષ કયાં વીતી ગયા એ ઇશાનને પણ ખ્યાલ રહયો નહોતો. અને ચોથા વર્ષમાં તેની જીંદગીમાં એક અલ્હડ યુવતી આવી....” એલીઝાબેથ “. તેની ભટકતી-રઝળતી રંગીન લાઇફને જાણે એક કિનારો મળ્યો. તે એલીઝાબેથના પ્રેમમાં ઉંધે-કાંધ પડયો હતો....અને એક વર્ષ બાદ એ જ એલીઝાબેથના કારણે તેણે ઓસ્ટ્રેલીયા છોડવાની નોબત આવી હતી....બહુ વિચાર્યા બાદ ભાંગેલા મને તેણે સીડની છોડી કાયમ માટે ભારત જતાં રહેવાનું નક્કી કર્યુ હતું. અત્યારે ઇશાન ઇમિગ્રેશન પતાવી પોતાના પ્લેનમાં બેસવા જઇ રહયો હતો.

જેટના બીઝનેસ કલાસમાં તેણે બેઠક લીધી ત્યારે એક ન સમજાય એવી ગમગીની તેને ઘેરી વળી. આજ પહેલા આટલો અપસેટ તે કયારેય થયો નહોતો. તેના સ્વભાવમાં ઉદાસી નામનું તત્વ જ નહોતું. છતાં અત્યારે તે ભારે ખાલીપો અનુભવતો હતો. એક વખતતો તેને પ્લેનમાંથી નીચે ઉતરી જવાનું મન થયુ પરંતુ તે એવું કરી શકયો નહી. તેનાં ઇગોએ તેને એમ કરતા રોકી પાડયો હતો.....આખરે પ્લેન ઉડયુ ત્યારે જીંદગીમાં પહેલીવાર તેની આંખો થોડી ભીંજાઇ હતી. પોતાને શું થઇ રહયુ છે એ તે ખુદ પણ સમજી શકતો નહોતો. આવી રીતે કોઇને કંઇપણ જણાવ્યા વગર ઓસ્ટ્રેલીયા છોડવું તેને થોડુ અજુગતુ લાગતુ હતું. બીજાને તો ઠીક, પરંતુ એલીઝાબેથને પણ તેણે આ વાતની ખબર નહોતી પડવા દીધી. “ એલીઝાબેથ “.....રહી-રહીને તેના દિલો-દિમાગમાં આ નામ ગુંજી રહ્યું હતું.

***************************

વિભૂતી નગરના આકાશમાં કાળા ઘનઘોર વાદળો છવાયા હતા. ગુજરાતી તીથી મુજબ આસો મહિનાના આ છેલ્લા દિવસો હતા. પંદર દિવસ પછી દિવાળી હતી. અંગ્રેજી કેલેન્ડરનો ઓકટોબર મહિનો શરૂ થયો હતો...આ સમયે સામાન્યતહઃ વરસાદ વિદાઇ લઇ ચુકયો હોય છે અને શીયાળાના આગમનની તૈયારીઓ આરંભાઇ ચુકી હોય છે......વાતાવરણમાં એ પ્રમાણેના ફેરફાર થવા શરૂ થયા હોય છે. એવા સમયે આ કાળા-બોઝીલ વાદળોનું આગમન કોઇ પ્રાકૃતિક આફતના એંધાણ દર્શાવતુ હતું. વિભૂતી નગરના રહેવાસીઓમાં અચાનક ઉમટેલા વાદળોના ઘટાટોપ સમુહને જોઇ કુતુહુલતા અને ડર ફેલાયો હતો.

હજુ હમણાં ગઇકાલે જ નગરના ટઉનહોલમાં ઐતિહાસીક કહી શકાય તેવો સર્વસંમતીથી એક નિર્ણય લેવાયો હતો. એ નિર્ણયથી તમામ નગરવાસીઓમાં હરખની હેલી ઉમટી હતી....એ નિર્ણય ગામના બુઝુર્ગોને સન્માનવાનો હતો. વર્ષો પહેલા જે ચાર પરીવારના બુઝુર્ગોએ આ નગરની નીંવ રાખી હતી એ પરીવારના મોભીઓના પુતળા બનાવડાવી સન્માનપૂર્વક એ પુતળાઓને ટાઉનહોલના પરીસરમાં મુકવાનો ઠરાવ સર્વસંમતીથી પસાર કરવામાં આવ્યો હતો....એ ચાર મહાનુભવોના કાંસાના પુતળા બનાવવાનો ઓર્ડર ગઇકાલે રાત્રે જ નગરના સેક્રેટરી નવનીભાઇ ચૌહાણે આપી દીધો હતો. આંચલના પિતા નવનીતભાઇ નગરની પંચાયતમાં સેક્રેટરીનો કારભાર સંભાળતા હતાં. જે ચાર પરીવારોને સન્માનવાનાં હતા તેમાંનો એક પરીવાર તેમનો પણ હતો. ચૌહાણ પરીવારને આ પારિતોષિત આપવાનું હતુ તેનો ગર્વ નવનીતભાઇ થતો હતો.

પરંતુ.... રાતની એ ખુશીમાં સવારે માથુર અંકલના ડોગ બ્રુનોની લાશ મળવાથી થોડી ઓટ આવી હતી.....અને હવે અત્યારે અકુદરતી રીતે ઉમટી પડેલા બીહામણા કાળા વાદળોને કારણે નગરવાસીઓમાં એક ભય ફેલાવો શરૂ થયો હતો.

આ ઉપરાંત પણ એક બિહામણી ઘટના ગઇકાલે રાત્રે વિભૂતી નગરથી દસ નોટીકલ માઇલ દુર મધ-દરીયે ઘટી હતી. જેની જાણકારી કોઇને નહોતી.....વિભૂતી નગરના દરિયાકાંઠે બનેલી જેટી ઉપરથી રાત્રે એક ફીંશીગ બોટ સમુદ્રમાં ગઇ હતી. તેમાં બે યુવાન છોકરાઓ અને તેમની સાથે બે યુવતીઓ હતી....એ બોટ બીજા દિવસની બપોર થવા છતાં હજુ સુધી પાછી ફરી નહોતી.... બન્યુ એવુ હતુ કે.....

*************************

માર્ગીએ “ જલપરી ” નું દોરડુ પહેલાં થોડુ ઢીલુ કર્યુ અને પછી સફાઇપૂર્વક તેને લોંખડના ખૂંટામાંથી ખેંચી બોટને દરીયાના પાણી ઉપર રમતી મુકી. આજે તે બહુ જ ખુશ હતો. ઘણા દિવસો પછી પાર્ટી કરવાનો માકો તેના હાથમાં લાગ્યો હતો. તેણે રોશન પટેલને પણ સાથે લીધો હતો.... વાત જાણે એમ હતી કે છેલ્લા એક અઠવાડીયાથી તે નતાશા પાછળ ફિલ્ડીંગ ભરી રહયો હતો. તે ઇચ્છતો હતો કે નતાશા તેની સાથે બોટમાં સહેલગાહે આવે.....તેના માટે માર્ગી ડિકોસ્ટાએ બહુ અફલાતૂન પોગ્રામ પણ બનાવી રાખ્યો હતો. પોગ્રામ મુજબ તે બંને, મતલબ કે માર્ગી અને નતાશા સાંજના સમયે માર્ગીની પ્રાઇવેટ બોટ લઇને દરીયામાં નીકળી પડે. દુર સુધી ફેલાયેલા અરબી સમુદ્રના અફાટ જળ ઉપર કોઇક જગ્યાએ બોટ રોકી પુરી રાત મોજ-મજા કરી બીજા દિવસે સવારે પાછા આવતા રહે....પોગ્રામ બહુ સીધો-સાદો હતો પરંતુ નતાશા છેલ્લા આઠ દિવસથી માર્ગીને ટટળાવી રહી હતી. નતાશા પાસે માર્ગીને “ના” કહેવાનું સબળ કારણ હતું. તેને માર્ગી સાથે જવામાં કોઇ વાંધો નહોતો પરંતુ માર્ગીએ જે પ્લાન બનાવ્યો હતો તેમાં તેને ડર લાગતો હતો. માન્યુ કે માર્ગીની પાસે પોતાની પાવરફુલ બોટ હતી પરંતુ તેની સાથે આમ એકલા સમુદ્રમાં જતાં તેને બીક લાગતી હતી... રખેને મધદરીયે કોઇ તકલીફ થઇ તો ત્યાં મદદ માટે કોણ આવે......!! એટલે જ તે માર્ગીની માંગણી સતત ઠુકરાવી રહી હતી....તેણે માર્ગીને આ વાત જણાવી પણ હતી કે જો કોઇ સાથે આવવા તૈયાર થાય તો તેની ના નથી.

આખરે માર્ગીએ જ તેનો રસ્તો કાઢયો હતો. તેણે તેના જીગરજાન દોસ્ત રોશન પટેલને સાથે લીધો હતો...અને રોશન પટેલને કંપની મળી રહે તે માટે નતાશાએ પોતાની બહેનપણી સમીરા ને મનાવી હતી....આમ તેઓનો પોગ્રામ આખરે ફાઇનલ થયો હતો અને અત્યારે સાંજના છ વાગ્યે એક રાત પુરતી જરૂરીયાત મુજબનો સામાન બોટમાં ચડાવી તેઓ ચાર જણાનું ગૃપ દરિયાની સહેલગાહે મોજ-મજા માણવા તૈયાર થયુ હતું.

વિભૂતી નગરને અતિસુંદર દરીયાકાંઠો મળ્યો હતો. દરિયાનાં ઉછળતા ચોખ્ખા પાણીથી અડધા કી.મી. જેટલે દુરથી વિભૂતી નગરની હદ શરૂ થતી. દરીયાના પટમાં ફેલાયેલી ભૂખરી રેતીમાં વિભૂતી નગરવાસીઓએ તટ કિનારે લાઇનબંધ નાળીયેરીઓ રોપીને બીચને અદ્દભૂત સુંદર બનાવ્યો હતો. એ નાળીયેરીઓના ઝુંડ વચાળેથી જ લાકડાના પાટીયા જડીને કિનારેથી એકાદ કી.મી. લાંબી....દરીયાના પાણીમાં છેક અંદર સુધી પહોંચતી જેટી બનાવાઇ હતી. તે વિભૂતી નગરવાસીઓની પ્રાઇવેટ જેટ્ટી હતી. આ જેટ્ટીનો મહત્તમ ઉપયોગ ફિશિંગ માટે જતી બોટોને લંગારવા માટે થતો....તેમાં માર્ગી ડિકોસ્ટાની બોટ પણ હતી. દરીયાનાં આ તરફના વિસ્તારમાં માછલીની ઘણી દુર્લભ જાતો અસ્તિત્વમાં હતી જે વિદેશોમાં એક્ષપોર્ટ થતી....અને તેનો લાભ વિભૂતી નગરમાં રહેતા માર્ગી ડિકોસ્ટા જેવા ઘણા જુવાનીયાઓ ઉઠાવતા. માર્ગીએ ફિશીંગમાં ઘણા સારા કહી શકાય એટલા રૂપિયા બનાવ્યા હતા. એ રૂપિયાથી જ તેણે પોતાની જુની સાધારણ બોટ વેચીને એક નવી, અત્યાધુનીક કોલ્ડસ્ટોરેજ સહીતના ભંડાકીયાવાળી બોટ ખરીદી હતી. એ બોટને તેણે “ જલપરી” નામ આપ્યુ હતુ કારણ કે તેની બોટ તેના માટે કોઇ જલપરીથી કમ તો નહોતી જ....

માર્ગીએ દોરડુ છોડયુ અને જેટ્ટી પરથી કુદકો મારી તે બોટમાં ચડી બેઠો. નતાશા અને સમીરા બોટની ડેક પર ઉભી હતી જ્યારે રોશન બોટની એન્જીનરૂમમાં બોટનું સુકાન સંભાળતો ઉભો હતો. જેવી “જલપરી” દોરડમાંથી છૂટી થઇ કે માર્ગીએ હાંક મારી..

“ રોશન.... દક્ષીણમાં સીધા જવાનું છે....”

“ ઓ.કે. બ્રધર....” રોશને તેની જાડી ગરદન હલાવી અને વ્હીલને જમણી દિશામાં ઘુમાવ્યુ....તીરની માફક બોટ દરીયાના પટ ઉપર ભાગી. “ હૂર્રે.....હૂ....હૂ.....” બંને છોકરીઓ ચીચીયારી પાડી ઉઠી...માર્ગીની બોટ ખરેખર શાનદાર હતી. લગભગ ચાલીસ ફુટ લાંબી અને પંદરેક ફુટ પહોળી બોટના ડેક ઉપર વચ્ચે દસ ફૂટની ત્રીજીયામાં કેબીન બનેલી હતી. બોટની આગળનો અણીવાળો ભાગ ખુલ્લો રહેતો હતો તેનાં ડેસ્ક ઉપર ત્રણ આરામ ખુરશીઓ મુકાઇ હતી જેથી ત્યાં બેસીને સમુદ્રના ખુબસુરત નજારાનો લુફ્ત ઉઠાવી શકાય. કેબીનની પાછળનો ભાગ, મતલબ કે બેક-ડેસ્કમાં ઘણી વિશાળ જગ્યા છુટતી હતી. માર્ગીએ આજે આ ડેસ્ક પર જ પાર્ટીનું આયોજન કર્યુ હતુ. બોટની આઉટર દિવાલે સ્ટીલની મજબુત રેલીંગ ફીટ કરેલી હતી. એ રેલીંગ પાસે જ માર્ગીએ નાનકડી અમથી મયુઝીક સીસ્ટમ ગોઠવી હતી. તેની બાજુમાં એક ટેબલ ગોઠવી તેના ઉપર ખાવા-પીવાની ચીજો મુકી હતી....બીજીપણ ઘણી વ્યવસ્થા તેણે કરી હતી. તે આજે પાર્ટાનો ભરપુર આનંદ ઉઠાવવા માંગતો હતો. કેબીનમાંથી બોટના ભંડકીયામાં જવાતુ. એ ભંડકીયામાં કોલ્ડસ્ટોરેજ ઉપરાંત બે નાની રૂમો હતી જેને આજે કોઇ દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. માર્ગી વારેવારે પોતાની જાતને તેમાંની એક રૂમમાં નતાશા સાથે જલસા કરતો કલ્પી રહયો હતો...ઘણા લાંબા સમય બાદ આજે નતાશા અને તે, બંને એકસાથે એક પથારીમાં હશે એ વિચાર તેને ઉત્તેજીત કરી રહયો હતો..

સાંજનો અંધકાર ધીમે-ધીમે ધેરાવા લાગ્યો હતો. દુર દેખાતી ક્ષિતીજ સંધ્યાના લાલ રંગે રંગાતી જતી હતી. આકાશ અને સમુદ્રને આપસમાં ભેળવતી ક્ષિતીજમાં સૂર્ય ડૂબી ચુક્યો હતો છતાં આછો ઉજાસ હજુ વર્તાતો હતો. માર્ગીની જેમ રોશન પણ આજે ખુશ હતો. રોશન શરીરે થોડો સ્થુળ હતો. તેણે ખુલતા ગળાનું ઢીલુ ટી-શર્ટ અને નીચે ગોઠણ સુધી આવતો જીન્સનો ચડ્ડો પહેર્યો હતો.....બોટની કમાન સંભાળતો તે ધીમા અવાજે કોઇક ગીત ગણગણી રહયો હતો. માર્ગીએ જ્યારે તેને સાથે આવવા પુછયું ત્યારે જ તેને ખ્યાલ આવી ગયો હતો કે આજે રાત્રે તેને મોજ પડી જવાની છે....અને તેમાં પણ જ્યારે તેણે નતાશાની સાથે સમીરાને આવેલી જોઇ ત્યારનાં તેનાં તન-મનમાં ગલગલીયા થતા હતાં.

“ હેઇ રોશન....રેડીયો ચાલુ કર...પેલી ખુબસુરત પરી આજે હવામાન કેવું રહેશે તેની માહીતી આપતી હશે....” માર્ગીએ ઉંચા સાદે રોશનને કહયું. રોશને તે સાંભળ્યુ અને રેડીયો ઓન કર્યો. માર્ગીની વાત સાચી હતી....રેડીયો ઉપર આંચલ ચૌહાણનો મદહોશ કરી મુકે તેવો અવાજ સંભળાયો.. “ હેલ્લો ફ્રેન્ડસ...હું આંચલ ચૌહાણ, આપ સૌનું સ્વાગત કરું છું. સૌથી પહેલા જાણીએ મૌસમના હાલ....વેધર-સ્ટેશન પરથી મળતી માહિતી મુજબ આજે વિભૂતી નગરનું આસમાન સ્વચ્છ રહેશે. રાત્રી દરમ્યાન તાપમાન આશરે ૨૮ ડિગ્રી સેલ્શીયસ અને પવનની ગતી મંદ રહેશે.... આજની મદહોશભરી રાતને વધુ રંગીન બનાવવા આવો સાંભળીએ એવું જ એક રોમેન્ટીક સોંગ....” અને પછી એક બેહદ દીલકશ ગીત રેડીયો ઉપર ગુંજ્યુ.

“ યાર....આ છોકરીનો અવાજ સાચે જ જાનલેવા છે....” રોશન પટેલ મનમાં જ બબડયો. મનોમન તેનાથી આંચલની તારીફ થઇ ગઇ. રેડીયો જેવા શુષ્ક માધ્યમને પસંદ ન કરનારી વ્યક્તિ પણ જો આંચલને એન્કરીંગ કરતા એકવાર સાંભળી લે એ પછી તે તેના અવાજની દિવાની બની જતી એ નક્કી હતું. મધમાં ઝબોળેલો એકદમ ધીમો, શરીરના રોમરોમમાં ઝણઝણાટી પ્રસરાવતો સીધો જ દિલમાં ઉતરી જતો , મદહોશ કરતો અવાજ હતો આંચલનો...રોશન ઘડીભર માટે તો એ અવાજના હિપ્નોટીઝમમાં ખોવાઇ ગયો હતો....દરીયાના શાંત, ઉંડા, ભૂખરા રંગના પાણી ઉપર માર્ગીની બોટ એકધારી ગતીએ સફર કરી રહી હતી....ગતી સાથે ઉછળતી બોટની ડેસ્ક ઉપર ઉભેલી બંને છોકરીઓ ગેલમાં આવી રહી હતી અને રેડીયો ઉપર ઉંચા વોલ્યુમે વાગતા ગીત સાથે તેમના પગ થીરકવા માંડયા હતા...

કલાકેક બાદ રોશને બોટને થોભાવી. સમુદ્રના શાંત જળમાં બોટનું ભારેખમ લંગર નાંખવામાં આવ્યુ અને બોટને સ્થિર કરવામાં આવી. બોટની ફ્લડ લાઇટ બંધ કરી રોશન પાછળના ડેસ્ક ઉપર આવ્યો એ સમયે માર્ગી છોકરીઓને ગ્લાસમાં ડ્રીંક્સ ભરીને આપી રહયો હતો...ઉપર આકાશ એકદમ સ્વચ્છ હતુ. વિશાળ દેખાતા આકાશમાં વાદળોનું નામોનિશાન નહોતુ....થોડા દિવસ બાદ અમાસ આવતી હતી એટલે ચંદ્ર પણ તેની કળા સંકેલી અંધકારમાં લીપ્ત થતો જતો હતો. અસંખ્ય ઝીણા તારાઓના ઝુમખા ટમટમતા સ્પષ્ટ દેખાતા હતા...ઉપર આકાશ અને નીચે અફાટ સમુદ્રના પાણી ઉપર માર્ગીની બોટ અંધારામાં ભુલા પડેલા કોઇ રાહગીર જેવી ભાસતી હતી....

એકાએક.....બોટથી માઇલો દુર સમુદ્રના પાણી ઉપર અચાનક સફેદ ધુમ્મસનું એક વાદળ પેદા થયું. એ વાદળ ધીમે-ધીમે માર્ગીની બોટ તરફ ગતી કરી રહયુ હતું. બોટમાં સવાર જુવાનીયાઓ જાણતા નહોતા કે તેમનાં તરફ એક આફત ત્રાટકવાની તૈયારીમાં હતી.

(ક્રમશઃ)

પ્રવિણ પીઠડીયા

વોટ્સએપઃ- ૯૦૯૯૨૭૮૨૭૮

ફેસબુકઃ- Praveen Pithadiy