નગર - 6 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નગર - 6

નગર-૬

( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- માર્ગીની બોટ ઉપર માર્ગી, નતાશા અને સમીરાનું એકાએક મોત નીપજે છે. એ ત્રણેયની લાશ જોઇને રોશન પટેલ બેહોશ થઇ જાય છે અને ધુમ્મસમાંથી પ્રગટેલુ પેલુ સદીઓ જૂનુ જરી-પુરાણુ જહાજ જાણે હવામાં ઓગળી ગયુ હોય એમ ત્યાંથી અલોપ થઇ જાય છે.....શું હતુ એ જહાજનું રહસ્ય.....? ચાલો આગળ વાંચીએ......)

મી.પીટર ડિકોસ્ટા સવારથી માર્ગીને ફોન લગાવવાની કોશીષ કરી રહયા હતા. બપોરના બાર વાગવા આવ્યા હતા છતાં હજુ સુધી તેઓ કામયાબ નીવડયા નહોતા. માર્ગીના મોબાઇલમાં સતત નોટ રીચેબલ” નો મેસેજ આવતો હતો. “” આ છોકરો સાવ બેદકાર છે. ગોડ જાણે કયારે ભાન આવશે તેને ......મોડુ થવાનું હોય તો કમ સે કમ એક ફોન તો તેના બાપને કરી જ શકેને.....! પણ એવી ફિકર છે કોને.....?” ”પીટર ડિકોસ્ટાએ ઝુંઝુંવાઇને બબડાટ કર્યો અને ફોનને લાઇબ્રેરીના ટેબલ ઉપર પછાડયો. થોડીવાર પછી આખરે કંટાળીને તેઓ જમવા ચાલ્યા ગયા હતા. માર્ગી અને તેના મિત્રો સાથે ગઇરાતે શું ઘટના બની છે એ બાબતથી તેઓ સાવ અજાણ હતા.

*****************************************

“ એલીઝાબેથ....”.ઇશાનનાં મન ઉપર એલીઝાબેથે કબજો જમાવ્યો હતો. ફલાઇટ તેના નિર્ધારીત સમયે ઉડી હતી. વિમાન હવામાં સ્થિર થયું ત્યારબાદ એરહોસ્ટેસે આવીને બધાને ડ્રીંક્સ સર્વ કર્યુ હતુ. ઇશાને જ્યુસ લીધુ, કમરે બાંધેલો બેલ્ટ ખોલ્યો, રીલેક્ષ બેસીને તેણે જ્યૂસનો ઘુંટડો ભર્યો.....તેના ચિત્તમાં ચેન પડતું નહોતું. રહી-રહીને તેનાં મનમાં વિચાર ઉદ્દભવતો હતો કે કમ સે કમ એક વખત તો તેણે એલીઝાબેથ સાથે ચોખવટથી વાત કરી લેવી જોઇતી હતી....અરે, સીડનીથી નીકળતી વખતે એકવાર ફોન પર “ બાય ફોર એવર ” કહયું હોત તો પણ આટલો ઉચાટ અત્યારે ન થાત. એલીઝાબેથને તેનાંથી કમ સે કમ એટલો તો ખ્યાલ આવી જાત કે તે ધારે છે ઇશાન તેટલો સસ્તો નથી. જે યુવતીને તેણે દિલ ફાડીને ચાહી હતી એ યુવતીને પોતાની હેસીયત બતાવી દેવાની એક તક તે ચુકી ગયો હતો એવું તેને લાગતુ હતુ.....એ જ વાત તેનાં મનમાં ચચરતી હતી. પોતાનો અહંમ સંતોષાયો ન હતો એ તેને કઠતુ હતું....એલીઝાબેથે તેના અહંમને ઠેસ મારી હતી. તેને છંછેડયો હતો.

મન ઉપર છવાયેલી અજીબ કશ્મકશના વમળમાં ફસાયેલા ઇશાને જ્યુસ પતાવી પોતાની આંખો બંધ કરી માથુ સીટ ઉપર ઢાળ્યુ. તેની બાજુની સીટમાં એક બુઝુર્ગ વડીલ બેઠા હતા. તેમની ઉંમર લગભગ ૬૦(સાંઇઠ)ની આસપાસ જણાતી હતી. પ્લેનમાં બેઠા બાદ તેમણે સૌ-પ્રથમ ઉંઘવાનું કામ કર્યુ હતું અને અત્યારે પણ તેઓ શાંતીથી આંખો બંધ કરીને સૂઇ રહયા હતા. ઇશાને તેમની દિશામાં જોયુ. એ બુઝુર્ગના કરચલીવાળા ચહેરા ઉપર પથરાયેલી શાંતી અને સંતોષના ભાવો જોઇને ઇશાનને તેમની ઇર્ષા થઇ આવી. જરૂર આ વડીલે પોતાની જીંદગીમાં જે ચાહયુ હશે તે મેળવી લીધુ હશે એવુ તેણે અનુમાન કર્યુ. તેણે પોતાની આંખો બંધ કરી. પોતાની અંદર ઉઠતા ઉદ્વેગને શાંત કરવાની મથામણમાં તે પરોવાયો......પણ આંખો બંધ કરી લેવાથી સચ્ચાઇ થોડી બદલાઇ જવાની હતી....!! હકીકત એ હતી કે એલીઝાબેથે તેની સાથે દગો કર્યો હતો. કમ સે કમ તે એવું માનતો હતો. આ સચ્ચાઇથી તે ચાહે તો પણ ભાગી શકવાનો નહોતો. તેણે આ વાત સ્વિકાર્યા વગર છુટકો જ નહોતો. ખરેખર તેણે એ સ્વિકારી પણ લીધુ હોત પરંતુ તેમાં તેનો અહમ્ વચ્ચે આવતો હતો. એક વર્ષ......પુરુ એક વર્ષ તેણે એલીઝાબેથ સાથે ગાળ્યુ હતુ. તેનું એ સંવનન અચાનક અઠવાડિયા પહેલા પુરુ થયુ હતુ. તે આ ગોરી યુવતીઓની મેન્ટાલીટી જાણતો હોવા છતાં, એકદમ મોર્ડન ખ્યાલો ધરાવતો હોવા છતાં.....તે પોતે પણ ફ્લર્ટીંગ નેચર ધરાવતો હોવા છતાં.....જ્યારે એલીઝાબેથે તેને ધૂત્કાર્યો હતો ત્યારે દિલ ઉપર ગહેરો આઘાત તેણે અનુભવ્યો હતો. શું કોઇ યુવતી તેને તરછોડી પણ શકે.....! એ વિચારે તેને વિહવળ બનાવી મુકયો હતો.

આટ-આટલુ થવા છતા પણ કોણ જાણે કેમ, તેના જહેનમાંથી એલીઝાબેથ એક સેકન્ડ માટે પણ ભુલાઇ નહોતી. હરપળ....હરશ્વાસ....તે એલીઝાબેથને ઝંખી રહયો હતો. તેની યાદો ભુલાવા માટે તેણે ઓસ્ટ્રેલીયા છોડવાનો નિર્ણય કર્યો હતો. તેનાંથી દુર જતાં કદાચ પોતાનું મન શાંત થશે એવુ તે માનતો હતો. એ બહાને પોતાના ગામડે રહેવા મળશે એ પણ એક કારણ હતુ તેની પાસે. પાછલા ત્રણ વર્ષથી તેના દાદા તેને ઝંખી રહયા હતા. તેના દાદાએ કેટ-કેટલા ફોન કર્યા હતા છતા ઇશાનનું મન ભારત આવવા કયારેય રાજી થયુ નહોતું. આમ સાવ અચાનક તેને આવી ચડેલો જોઇને તેના દાદા કેટલા રાજી થશે એ વિચાર તેના માટે આશ્વાસન રૂપ લાગતો હતો. તેના દાદા.....કેટલા સાલસ અને નિર્મળ હદયના માનવી હતા. એકદમ ભગવાનના માણસ. વધુ અભ્યાસ માટે જ્યારે તેણે ઓસ્ટ્રેલીયા જવાનું નક્કી કર્યુ ત્યારે એ ભડભાદર વ્યક્તિની આંખો જીંદગીમાં કદાચ પહેલી વખત ભીંજાઇ હતી. એ સમયે એકવાર તો તેણે જવાનું કેન્સલ પણ કરી નાંખ્યુ હોત....પરંતુ પછી મન મક્કમ કરીને તે ઉપડી ગયો હતો. હવે આટલા વર્ષો બાદ ઇશાન અચાનક તેમની સામે જઇને ઉભો રહેશે ત્યારે એ બુઝુર્ગ વ્યક્તિને કેટલો આનંદ થશે એ તો ખુદ ઇશાન પણ વર્ણવી શકે તેમ નહોતો.

લગભગ અડધા કલાક બાદ એરહોસ્ટેસ ફરીવાર આવી હતી. તે હળવો નાસ્તો સર્વ કરતી હતી. ઇશાનને એ હલચલથી ખલેલ પહોંચી અને તે વિચારોમાંથી બહાર નીકળ્યો. તેણે આંખો ખોલી. તેની બાજુમાં બેસેલા વડીલ પણ જાગ્યા હતા. ઇશાને તેમની સામે સ્મિત વેર્યુ.

“એકસકયુઝ મી સર....વુડ યુ લાઇક સમથીંગ.....” રૂપાળો ચહેરો ધરાવતી એરહોસ્ટેસે ઇશાન સમક્ષ પ્લેટ ધરી.

“ નો....થેંક્સ.....” ઇશાનને અત્યારે એવી કોઇ ઇચ્છા થતી નહોતી. પેલા વડીલે તેમાંથી થોડો નાસ્તો લીધો અને ખાવા લાગ્યા. એરહોસ્ટેસ ત્યાંથી આગળ વધી ગઇ.

“ કોઇ છોકરીનું ચક્કર છે....?” સેન્ડવીચનો ટુકડો ચાવતા પેલા વડીલે ઇશાન સામુ ડોક ફેરવી અને પુછયું. ઇશાનને એ પ્રશ્નથી આશ્ચર્ય જરૂર થયુ પરંતુ તે કંઇ બોલ્યો નહી.

“ યંગમેન....તકલીફો કોઇને કહેવાથી દુર તો નથી થતી પરંતુ ઓછી જરૂર થાય છે.....આ મારો અનુભવ કહે છે....” વડીલે એકદમ શાંતીથી કહયું. આ દરમ્યાન તેમનું સેન્ડવીચ ખાવાનું તો ચાલુ જ રહયુ હતું..... “ તને એમ થતુ હશે કે આ બુઝુર્ગે કયાં પારકી પંચાત ચાલુ કરી.....!! પણ તને હું એક વાત કહુ.....?” તેમણે ઇશાન તરફ ફરતાં કહયુ. “ જ્યારે તમે તમારુ દુઃખ પોતાના અંગત ગણાતા લોકો સમક્ષ વ્યક્ત કરો છો ત્યારે કયાંક ને કયાંક તમને એ દુઃખ ના ઉકેલ કરતા તમને કેટલુ બધું દુઃખ છે એ દેખાડવાનો ભાવ તેમાં વધુ હોય છે. તમે અંદરથી ઇચ્છો છો કે તમારુ એ સ્વજન તમને તકલીફ આપનાર વ્યક્તિની બુરાઇ કરી તમારી ફેવરમાં બે શબ્દો બોલે......એનાંથી તમને સારુ લાગે છે. તમારો અહંમ્ સંતોષાય છે. તમારુ દુઃખ તેનાથી સહેજ પણ ઓછુ થયું ન હોવા છતાં તમને કોઇકને કંઇ કહી દીધુ એવી ફિલિંગ્સ્.....થોડા સમય પુરતી તમને આનંદ આપે છે. પરંતુ યંગબોય.....સમસ્યા તો ખરેખર ઉભી જ હોય છે......” વડીલ સેન્ડવીચ સારી રીતે ચાવીને ગળે ઉતારતા બોલ્યા. ઇશાન તેમના એ શબ્દો ધ્યાનપૂર્વક સાંભળતો હતો, અને તેમની વાતોનો મર્મ સમજવાં કોશીષ કરી રહયો હતો.

“ હવે આ જ વાત જ્યારે તમે કોઇ અજાણ્યા વ્યક્તિ સમક્ષ રજુ કરો છો ત્યારે તમારો કહેવાનો ભાવાર્થ તદ્દન અલગ હોવાનો. ત્યારે તમે સામેવાળા વ્યક્તિની સહાનુભૂતી મેળવવા કરતા તમારા દિલમાં સંગ્રહાયેલો ઉભરો ઠાલવી હળવા થવા ઇચ્છતા હો છો.....અને એવુ થાય છે પણ ખરું. કારણ કે તમને ખબર હોય છે કે સામેવાળી વ્યક્તિને તમારી સાથે ખરેખર સહાનુભૂતી હોય છે. એ ફક્ત તમને જ જાણતી હોય છે. તમને તકલીફ આપનાર વ્યક્તિને નહી....” વડીલ બોલતા અટકયા. તેમની સેન્ડવીચ પુરી થઇ હતી અને કોફી ભરેલો ગ્લાસ તેમણે હાથમાં લીધો હતો.

“ અને એવું પણ નથી કે દરેક અજાણ્યો વ્યક્તિ ખરેખર અજાણ્યો હોય ઇશાન...”

ઝટકો લાગ્યો ઇશાનને, તેનાં ચહેરા ઉપર આશ્ચર્યનો ભાવ ઉભર્યો.... “ તમે મારુ નામ કેવી રીતે જાણો છો....?” ભારે આશ્વર્ય અનુભવતાં તેણે પુછયુ.

“ હું ફક્ત તારુ નામ જ નહી.....તારા સમસ્ત કુટુંબ વિશે જાણુ છુ. તપસ્વી પરીવારના એક-એક સભ્યને હું ઓળખુ છુ....”

આંચકા ઉપર આંચકા આપી રહયા હતા એ બુઝુર્ગ વડીલ.

“ પણ કેવી રીતે....? આઇ મીન....!”

“ તેમાં આશ્વર્ય પામવા જેવુ કંઇ નથી ઇશાન....” આપણે કયારેય મળ્યા નથી એટલે સ્વાભાવીક છે કે તું મને ન ઓળખતો હોય....પરંતુ હું તને ઓળખું છુ. તું દેવધર તપસ્વીનો પૌત્ર છે એ મને ખ્યાલ છે.”

“ તમે મારા દાદાને ઓળખો છો....? ” ઇશાનનું આશ્વર્ય હજુ પણ શમ્યુ નહોતું. ઇશાનના મનમાં બીજો પણ એક પ્રશ્ન એ ઉઠતો હતો કે જો આ મુરબ્બી તેને ઓળખી ગયા હતા તો પછી અત્યાર સુધી ચૂપ કેમ રહયા હતા. તેમણે પ્લેનમાં બ્ઠક લીધી ત્યારે જ ઓળખાણ કાઢવી જોઇએ ને....!!

“ એ પ્રશ્નનો ઉત્તર પણ છે મારી પાસે ઇશાન....” પેલા વડીલે ધડાકો કર્યો. તેઓ ઇશાનને આશ્વર્યના એક પછી એક ઝટકા આપી રહયા હતાં....અને ઇશાન, અચાનક તેને આ મુરબ્બી રહસ્યમય લાગવા માંડયા હતાં. જે પ્રશ્ન હજુ મનમાં તે વિચારી જ રહયો હોય એ પ્રશ્ન તેમને કેમ સમજાઇ જતો હશે....? ઇશાન ધ્યાનથી તેમનો ચહેરો નીરખવા લાગ્યો. તે મુરબ્બીના ચહેરા ઉપર મંદ-મંદ હાસ્ય તરતું હતુ.

“ હું તાર દાદા અને તેના પણ દાદા-પરદાદાને ઓળખુ છુ....” એક રહસ્યમય અવાજમાં તેઓ બોલ્યા. અને પછી અચાનક જ તેમણે પોતાનો સુર બદલ્યો. “ મારો કહેવાનો મતલબ છે કે હું સંપૂર્ણ તપસ્વી પરીવારને અને તેની વહી ગયેલી પેઢીઓને ઓળખુ છું. એ જ તો મારુ કામ છે....”

“ મતલબ....કંઇક સમજાય તેવુ બોલો તો ખ્યાલ આવે.....!!”

“ હાં.....એ જ તો કહુ છું. મારુ નામ શંકર શુકલા છે. વિભૂતી નગર મારુ ગામ છે, જે તારુ પણ ગામ છે. હવે એક જ ગામમાં રહેલા હોઇએ એટલે સ્વાભાવીક છે કે હું વિભૂતી નગરનાં તમામ રહેવાસીઓને ઓળખતો હોવાનો. તેમાં પણ તારા દાદા દેવદાર તપસ્વી તો મારા ખાસ ભાઇબંધ છે. તું ઘરે જઇને મારા વિશે તેમને પુંછજે એટલે એ તને અમારી ભાઇબંધી વિશે જણાવશે...અને રહી વાત તને પહેલા ન બોલાવાની.....!! તો તું જ્યારે પ્લેનમાં દાખલ થયો ત્યારે તારા ચહેરા ઉપર વ્યગ્રતા ભાવો હતા. જે સ્પષ્ટ દર્શાવતા હતા કે તું જરૂર કંઇક જબરુ મનોમંથન અનુભવી રહયો છે. એટલે જ મેં તને ત્યારે બોલાવ્યો નહોતો.”

“ ઓહ....” ઇશાને નિરાંતનો શ્વાસ લીધો. “ પણ તો પછી મેં કેમ તમને કયારેય વિભૂતી નગરમાં જોયાં નહી....? હું નાનપણથી મોટો ત્યાંજ થયો છું. મને કેમ તમારો ચહેરો યાદ આવતો નથી....? વિભૂતી નગર જેવા નાના ટાઉનમાં કયારેક તો આપણો ભેટો થવો જોઇએને....?”

“ ભેટો થયો છે ઇશાન.” મુરબ્બી ફરી રહસ્યમય રીતે બોલ્યાં. “ પરંતુ ઘણા વર્ષો પહેલા. જ્યારે તું નાનો હતો ત્યારે.....કદાચ તને એ યાદ પણ નહી હોય. અને જ્યારે તું સમજણો થયો.....એ પછી તો કયારેય તું મંદિરે આવ્યો જ નહોતો....”

“ મંદિરે.....?” ઇશાનના ભવા સંકોચાયા.

“હાં...મંદીરે. ગામની ભાગોળે કાળા પથ્થરોનો એક ડુંગર છે અને એ ડુંગર ઉપર એક ભવ્ય શિવજીનું મંદિર છે એ તો તને યાદ હશે જ ને....!!”

“ યાદ જ હોય ને.....!! એ મંદિર મારા વડવાઓએ બંધાવ્યુ છે. એ કેમ ભુલાય.....” ઇશાન બોલ્યો.

“ હાં.....એ મંદિરનું નિર્માણ તપસ્વી ખાનદાનના વડવાઓએ કરાવ્યુ હતું.....અને તેમાં ગામના બીજા ત્રણ પરીવારોનો પણ મોટો ફાળો હતો એ હું જાણુ છું. મારા ખાનદાને પણ તેમાં ભાગ આપ્યો હતો. પરંતુ તારા જ પરીવારે બનાવેલા મંદિરમાં મોટા થયા પછી તું કયારેય આવ્યો નથી એ પણ હું જાણુ છું.....હવે એ ન પુછતો કે હું કેમ આ બધુ જાણુ છુ.....? મને ખબર છે કારણ કે એ મંદિરનો હું મુખ્ય પુજારી છું....”

“ એક મીનીટ એક મીનીટ....તમે એમ કહો છો કે શીવ મંદિરના પુજારી તમે છો....! ” ઇશાનને અચાનક કંઇક યાદ આવતા પુછયુ. કંઇક ખટકયું હતુ તેને.

“ હાં....”

“ પણ એ કેવી રીતે શક્ય બને....? શીવ મંદિરમાં તો રમણીક મહારાજ પુજારી તરીકે છે.....”

“ છે નહી.... હતા. રમણીક મહારાજ ગુજરી ગયા તેને ત્રણ વર્ષ થયા....”

“ ઓહ.....” ઇશાને ઉદ્દગાર કાઢયો.

“ તેમનાં ગુજરી ગયા બાદ શીવ મંદિરની જવાબદારી તેમનાં એકનાંએક પુત્ર તરીકે મારે સંભાળવાની આવી. હું મોટેભાગે વિદેશોમાં જ ફરતો રહેતો હોઉ છું. તને તો ખબર જ હશે કે આપણા ગામ વિભૂતી નગરની અડધી વસ્તી વિશ્વનાં વિવિધ દેશોમાં સ્થાયી થઇ છે. એ લોકોને જ્યારે પણ કોઇ કર્મ-કાંડનું કાર્ય કરાવવાનું હોય ત્યારે મારા બાપા, એટલે કે રમણીક મહારાજને યાદ કરતા અને બાપા મને વિદેશ મોકલી આપતા. હું ભાગ્યે જ કયારેક વિભૂતી નગરમાં રહયો હોઇશ. મારા યજમાનો મને ગામમાં ટકવા જ નથી દેતાં. હવે સમજાયુને કે આપણો ભેટો કેમ કયારેય નથી થયો.....!!”

“ ઓહ.....તો એમ વાત છે....!! ” ઇશાનને હવે સમજાયુ હતું. શીવ મંદિરના પુજારી રમણીક મહારાજના આ મુરબ્બી પુત્ર થતા હતાં. તે પોતે ઘણા વર્ષોથી ઓસ્ટ્રેલીયામાં હતો એટલે તેને આ બધી વાતોનો ખ્યાલના હોય એ સ્વાભાવીક હતુ. જો કે આશ્ચર્યની બાબત તો એ હતી કે તે પોતે આટલા લાંબા અંતરાળ બાદ ભારત પાછો જઇ રહયો હતો અને એ દરમ્યાન અચાનક જ પ્લેનમાં તેને તેનાંજ ગામનાં મંદિરનાં પુજારીનો ભેટો થઇ ગયો હતો. અને વળી પાછું આ પુજારી તેને અને તેના સમગ્ર ખાનદાનને ઓળખતા પણ હતા. ઇશાને આ થોડુ વધુ પડતુ લાગવા માંડયુ હતું.

“ શું વિચારમાં ખોવાઇ ગયો ઇશાન....?” મુરબ્બીએ કોફી પુરી કરતા પુછયું. એ સમય દરમ્યાન ફરી પેલી એર-હોસ્ટેસ આવી હતી અને તેણે કોફીનો મગ અને સેન્ડવીચના ખાલી રેપર મુકેલી પ્લેટ ઉઠાવી ટ્રોલીમાં ગોઠવી ચાલી ગઇ હતી.

“ તમે તો અંતરયામી છો....તમે જ કહોને હું શું વિચારુ છું.....” અચાનક ઇશાનથી વ્યંગમા બોલાઇ ગયું. તેણે ખરેખર આ બધુ રહસ્યમય લાગવા માંડયુ હતુ. શું આકસ્મિક પણે આવા સંજોગો સર્જાઇ શકે ખરા....? તનાં મનમાં વિચારોનો વંટોળ ઉઠ્યો.

( ક્રમશઃ )

પ્રવિણ પીઠડયા

વોટ્સએપઃ- ૯૦૯૯૨૭૮૨૭૮

ફેસબુકઃ- Praveen Pithadiya.

“ “ “””