નગર - 13 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નગર - 13

નગર-૧૩

( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- ઇશાન વિભૂતીનગરમાં તેનાં ઘર “ તપસ્વી મેન્શન”માં આવી પહોંચે છે.....નવનીતભાઇ મૂર્તિઓ જોવા માંટે સુરત જવાનો પ્લાન ઘડે છે.... “જલપરી” માં મૃત્યુ પામેલા લોકોની બોડીને પોર્ટમોર્ટમ માટે મોકલાવી દેવાય છે....અને એલીઝાબેથ ભારત આવવા રવાનાં થાય છે.....હવે આગળ વાંચો.....)

રાત્રે જમીને દાદા-દિકરો ઉપરનાં માળે આવ્યા. તપસ્વી મેન્શનનાં આ માળ ઉપર ચાર બેડરૂમ્સ હતા. એ બેડરૂમ્સ પછી વિશાળ અગાસી આવતી. ઇશાન અને તેનાં દેવધર દાદા અગાસીના એક ખૂણે ગોઠવેલા હિંચકા ઉપર બેઠા. ઇશાને પગની હળવી ઠેસથી હિંચકો હિંચોળ્યો. ઉપર આકાશમાં ચંદ્ર તેનું અંજવાળુ વેરી રહયો હતો જેનો પ્રકાશ અગાશીની ફર્શ ઉપરથી પરાવર્તીત થઇ આંખોને ઠંડક બક્ષતો હતો. દુર સુધી ફેલાયેલા ખેતરો, ખેતરોના શેઢે ઉભેલા નાળીયેરીના વૃક્ષો, અને વૃક્ષો પછી દેખાતા વિભૂતી નગરના મકાનો.....અજવાળી રાતમાં અલૌકીક નજારો દ્રશ્યમાન થતો હતો. અહી આવ્યા બાદ ઇશાનનું મન અચાનકજ શાંત પડી ગયું હતું. તેનાં ઉદ્દવીગ બનેલા મનમાં અહીનાં વાતાવરણનાં કારણે શાંતા વળી હતી. ખાસ તો તેના દાદા અને નિર્મળાફઇના ચહેરા ઉપર તેને આવેલો જોઇને જે આનંદ પ્રસર્યો હતો એ આનંદની લાગણીમાં તે પણ ભીંજાઇને તરબતર બન્યો હતો.

હિંચકા ઉપર બેઠા પછી દેવધર દાદાએ સૂડી અને સોપારી કાઢયા, અને સોપારીનો ચૂરો કરીને તેમણે ઇશાન તરફ લંબાવ્યો. ઇશાને સોપારીના ટૂકડા મોંમાં નાંખ્યા અને ચગળવા લાગ્યો.

“તને આમ અચાનક આવેલો જોઇને મને ખુબ આનંદ થયો દિકરા....” દેવધર દાદાએ પોતે પણ કાતરેલી સોપારીનો ફાંકડો ભર્યો અને બોલ્યા. “ પરંતુ તારુ આમ એકાએક આવવું સમજાયું નહી....!! બધુ ક્ષેમ-કુશળ તો છે ને....?” તેમની અનુભવી આંખોએ ઇશાનના મનનો તાગ મેળવી લીધો હતો. તેઓ તપસ્વી ખાનદાનનાં પુરુષોના શરીરમાં વહેતા લોહીના ગુણધર્મોથી ભલી-ભાંતી માહિતગાર હતા. “ કોણ છે એ યુવતી....? ભારતીય છે કે કોઇ ગોરી મેમ છે....?” તેઓ એ પણ જાણતાં હતા કે એક સ્ત્રી જ ઇશાનને પરાસ્ત કરી શકે તેમ હતી. બાકી ઇશાન દુનિયાના ભયાનકમાં ભયાનક સંકટનો સામનો સામી છાતીએ કરી શકે એટલી હિંમત ધરાવતો હતો....ઇશાન તેના દાદાના પ્રશ્નનો મર્મ સમજી ગયો. તેણે માથુ છાતી ઉપર ઢાળ્યુ અને એક નિશ્વાસ નાંખ્યો....

“ એલીઝાબેથ નામ છે તેનું.....? ઓસ્ટ્રેલીયાની છે.” સંકોચ સાથે તે બોલ્યો.

“તને પસંદ છે....?”

“ મારી પસંદ, ના પસંદનો સવાલ નથી....” તે બોલ્યો હતો. તેને બોલતાં ખરેખર સંકોચ થતો હતો. દાદા આવી વાતો અત્યારે ઉખેળશે એની તેને ખબર નહોતી, નહિતર કયારનો પોતાના કમરામાં જઇને તે સૂઇ ગયો હોત.

“ તો....વાત શું છે....? તું નિઃસંકોચ બનીને વાત કહે. ભલે હું તારો દાદો હોવ, પરંતુ દુનિયાદારી મેં તારા કરતાં વધુ જોઇ છે. તારા પિતાને મેં મારી એક નાનકડી જીદ ખાતર મારાથી દુર કર્યા હતા...પરંતુ હવે હું તને ખોવા નથી માંગતો. આ તારો દાદો હંમેશા તારી સાથે છે એ વિશ્વાસ રાખજે ઇશાન...” દેવધર તપસ્વી જેવો મજબુત અને ભડભાદર વ્યક્તિ અચાનક ભાવુક થઇ ઉઠયો હતો. ઇશાનનાં પિતા ગુલશનરાય તપસ્વીએ નાત બહાર પ્રેમલગ્ન કર્યા હતા. તેમનાં લગ્ન બાદ પિતા-પુત્ર વચ્ચે એ બાબતને લઇને મામલો તંગ બન્યો હતો અને ગુલશનરાય તપસ્વી ગૂસ્સામાં વિભૂતીનગર છોડી, પોતાની પત્નીને લઇ મુંબઇ રહેવા જતાં રહયાં હતા. ત્યારથી તેઓ ત્યાં જ રહેતાં હતાં. ઇશાનનો જન્મ પણ મુંબઇમાં જ થયો હતો. ઇશાનના જન્મ બાદ દેવધર તપસ્વીનું મન પિગળ્યું હતું....આખરે ઇશાન, તપસ્વી પરીવારનો વારસ હતો. તેમણે ગુલશનરાયને ઇશાનને લઇને વિભૂતીનગર આવવા કહેણ મોકલ્યું હતું.....પરંતુ ગુલશનરાયનો ક્રોધ હજુ ઓછો થયો નહોતો. તેમણે નાનકડા ઇશાનને વિભૂતીનગર મોકલી આપ્યો હતો પરંતુ તેઓ ખુદ આવ્યા નહોતાં.

નાનકડા અમથા ગોળમટોળ, ગોરા-ગોરા ઇશાનને જોતાં જ દેવધર દાદાએ તેને ઉંચકી લીધો હતો અને અંતરમાં ઉભરતા વહાલથી તેને ભીંજવી નાંખ્યો હતો... બસ, તે દિ” પછી દાદા-દિકરા વચ્ચે સ્નેહનો એક અતૂટ સંબંધ બંધાયો હતો જે હજુ સુધી બરકરાર હતો.

“ તેણે મારો ભરોસો તોડયો છે. તે કોઇ બીજાને પણ પસંદ કરે છે...”

“ઓહ....”

તેમની વાત ચાલતી હતી એ સમયે જ અગાસીનું બારણુ ખખડયું અને નિર્મળાફઇ ઉપર અગાસીમાં દાખલ થયા.

“ શું હતું નિર્મળા...” વાતોમાં ખલેલ પડવાથી દેવધર તપસ્વી અકળાયા હતા.

“ પેલાં કર્નલ સાહેબનો ફોન હતો.... તેમણે તમને ફોન કરવા જણાવ્યુ છે. બહુ જલ્દીમાં હોય એવું તેમનાં અવાજ પરથી લાગતું હતું... તમે આવો છો નીચે...?” નિર્મળાફઇ એક શ્વાસે બોલી ગયા. “ કે પછી ફોન ઉપર લેતી આવું....?” આ ઘરમાં હજુ લેન્ડલાઇન ફોન વપરાતો હતો એટલે કોઇનો ફોન આવે તો ઘરમાં દોડધામ મચી જતી.

“ તેમાં દાદાને નીચે આવવાની જરૂર નથી ...” ઇશાન બોલ્યો.... “ દાદા...તમે નંબર આપો એટલે હું મારા મોબાઇલથી ફોન લગાવી દઉં. આ કર્નલ સાહેબ એટલે પેલા માથુર અંકલ જ ને....?”

“ હાં એ જ....પણ તેને અત્યારે વળી શું કામ પડયું હશે મારુ....?” દેવધર દાદા બોલ્યા અને તેમણે ઇશાનને માથુરનો નંબર લખાવ્યો, એટલે ઇશાને નંબર ડાયલ કર્યો. રીંગ વાગી એટલે ફોન તેણે તેના દાદાને આપ્યો.

“ દેવધર બોલું છું....બોલ, શું-કામ હતું.....?” સામેથી ફોન ઉપડતાં તેઓ બોલ્યા. સામેથી કંઇક કહેવાયું છે એ તેમણે સાંભળ્યુ. તેમના ચહેરા ઉપર પહેલાં આશ્ચર્યના, અને પછી અસમંજસનાં ભાવો ઉભર્યા. ઇશાને અંધારામાં પણ એ ભાવો નોંધ્યા હતાં. “ શું થવા બેઠું છે એ જ સમજાતું નથી માથુર....!! પાછલા થોડા દિવસોમાં બે ગોઝારી ઘટનાઓ નગરમાં ઘટી છે.... અને હવે આ તું નવું જણાવી રહયો છે....”

“ ના...ના...અત્યારે તો હું નહી આવી શકું... ઇશાન આવ્યો છે ઓસ્ટ્રેલીયાથી. તેની સાથે બેઠો છું. સવારે આવીશ ત્યારે કંઇક વિચારીએ....” તેઓ ખામોશ થયા એટલે વળી પાછુ સામેથી કંઇક કહેવાયું.

“ હાં...ઠીક છે, તો સવારે મળીએ....” કહીને તેમણે ફોન મુકયો.

“ શું વાત હતી દાદા....? તમે કઇ ગોઝારી ઘટના વિશે ફોનમાં જણાવતાં હતા....?” ઇશાને પુછયુ. અચાનક તેને એ ઘટના વિશે જાણવામાં રસ જાગ્યો. સામાન્યતહઃ ક્યારેય તે આવુ કરતો નહિં, પરંતુ માથુર અંકલની વાત સાંભળી દાદાનાં ચહેરા ઉપર જે પ્રકારનું આશ્ચર્ય છવાયું હતું એ જોઇ ઇશાનને એકાએક જીજ્ઞાસા થઇ આવી હતી. જોકે તેનાં દેવધર દાદાએ માથુરનાં કુતરા બ્રુનો સાથે ઘટેલી ઘટનાં, તેમજ “જલપરી”માં થયેલા ખૂની હાદસા વિશે ઇશાનને વિસ્તારથી જણાવ્યુ. સ્તબ્ધ બની ઇશાને તેનાં દાદાની વાત સાંભળી હતી.

“ અત્યારે શાં માટે ફોન કર્યો હતો તેમણે....?”

“ બે વાત કહેવા.... એક તો એ કે તેમને હમણાં જ એક ભયાનક અનુભવ થયો, અને બીજી વાત....કોઇજ દેખીતા કારણ વગર તે બંને પતિ-પત્નીના ચહેરા ભયંકર રીતે દાઝી ગયા છે....”

“ ઓહ...” ઇશાન આશ્ચર્યથી સાંભળી રહયો. “ તો તમને નથી લાગતું કે અત્યારે એ લોકોને આપણી મદદની જરૂર હોય....!! એક પાડોશી હોવાનાં નાતે પણ આપણે ત્યાં જવું જોઇએ....”

“ તારી વાત સાચી છે.... પરંતુ સવારે હું નગરના સેક્રેટરી નવનીતભાઇને સાથે લઇ તેમને ત્યાં જવા માંગુ છું. એ સાથે હશે તો ધણી સરળતા રહેશે....અને હાં, તારે આ બાબતમાં ઉંડુ ઉતરવાની જરૂર નથી. ઘણા વર્ષો બાદ તું આવ્યો છે તો થોડો આરામ કર, નગરમાં ઘુમ, જુના મિત્રોને ભેગા કરી પાર્ટી-બાર્ટી કરો...” હિંચકા ઉપરથી ઉભા થતા દેવધર તપસ્વી બોલ્યા. તેઓ ઉભા થઇ ગયા હતાં એનો મતલબ એ હતો કે હવે તેઓ સુવા માંગતા હતા. “ તારો કમરો વ્યવસ્થિત કરાવી નાંખ્યો છે ઇશાન. તું પણ ચાલ, અને આરામ કર...”

ક-મને ઇશાન ઉભો થયો. તેને દાદા સાથે હજુ વધુ સમય ગાળવો હતો....પણ હવે એ શકય બનવાનું નહોતું. તે અને મિર્મળાફઇ સાથે જ અગાશી માંથી પોત-પોતાના બેડરૂમ તરફ ચાલ્યા હતા....ત્યારે હમણાંજ દાદાના મોં એ સાંભળેલુ નવનીતભાઇ ચૌહાણનું નામ ઇશાનના મનમાં પડધાઇ ઉઠયું હતું. અને.... સાથો-સાથ બીજું એક નામ, બીજો એક ચહેરો તેનાં જહેનમાં ઉભર્યો. એ ચહેરો હતો આંચલ ચૌહાણનો....

“ આંચલ....કયાં છે તું....?” તે બબડયો. લોકો સાચુ જ કહે છે, કોઇ પોતાનાં પહેલા પ્રેમને કયારેય ભુલી શકતું નથી.

******************************

“ દીદી, જુઓ મને આ શું મળ્યું...? ” સાયકલ ચલાવીને ધરે પહોંચેલા મોન્ટુએ ડ્રોઇંગરૂમના સોફા ઉપર બેઠેલી આંચલને જોતાંજ કહયું હતું અને દોડીને તે તેની નજદીક પહોંચ્યો હતો. તેણે આંચલના હાથમાં દરીયાકિનારેથી મળેલો અરીસો થમાવી દીધો. આંચલ હજુ હમણાં રેડીયો સ્ટેશનેથી ઘરે આવી હતી. “ વોવ....આ તને કયાંથી મળ્યો....? એન્ટીક લાગે છે. ” આંચલે આશ્ચર્યભર્યા અવાજે પુછયું અને ધારીને તે એ અરીસો જોવા લાગી. ક્ષાર લાગેલા અરીસાને તેણે ઉલટાવી-સુલટાવીને નીરખ્યો. “ કેટલો સરસ અરીસો છે નહી.....? પણ તું કહે તો ખરો કે આ તને મળ્યો કયાંથી.....? ”

“ દરીયા કાંઠેથી મળ્યો....પથ્થરોની નાનકડી બખોલમાંથી. તેનાં ઉપર ભીનું ઘાસ છવાયેલું હતું. પહેલા માથુર દાદાને એક ઘડીયાલ મળી અને પછી મને આ અરીસો.....!! ”

“ વોટ....! એક મીનીટ.....! તે શું કહયું હમણાં....? ફરીથી કહે તો....! ” આંચલ મોન્ટુ જે બોલ્યો એ તરત સમજી નહી.

“ માથુર દાદાને દરીયા માંથી એક ઘડીયાલ મળી અને મને આ અરીસો....! ” તદ્દન ભોળાભાવે મોન્ટુએ કહયું. તેની આંચલ દીદીને આટલી સરળ વાત પણ સમજાતી નહોતી એ જાણીને તેને હસવું આવ્યું હતું. તે ક્યારનો આંચલની બાજુમાં સોફા ઉપર ચડી બેઠો હતો.

“ તારો કહેવાનો મતલબ છે કે તું અને માથુર અંકલ બંને દરીયા કિનારે આવી વસ્તુઓ શોધતા હતા....? ”

“ અરે...એમ નહી, દીદી. હું જ્યારે દરીયે પહોંચ્યો ત્યારે માથુર દાદાનાં હાથમાં એક ઘડીયાળ હતી. તેમને એ દરીયામાંથી મળી હતી. એટલે હું પણ ત્યાં ખાંખા-ખોળા કરવા માંડયો. તેમાં મને આ અરીસો જડયો. હવે સમજાયું....? ” મોન્ટુને મજા આવતી હતી કે તેની દીદી કેટલી બુધ્ધુ છે કે આવી સામાન્ય વાત પણ તેને સમજાતી નથી.

“ ઓ.કે....ઓ.કે....સમજાયું હો. બહુ દોઢ-ડાહ્યો તે....!! જા હવે, અંદર જઇ હાથ-પગ, મોં ધોઇ લે એટલે જમવા બેસીએ....” લાડથી આંચલે કહયુ. મોન્ટુ મોંઢુ બગાડતો ઉભો થયો અને અંદર ચાલ્યો ગયો. તેનાં ગયા પછી આંચલ ધ્યાનથી અરીસાને જોવા લાગી. અરીસાની ઉપરી સપાટી પર સમૃદ્રનાં પાણીમાં લાંબો સમય રહેવાથી પરવાળા જેવા ક્ષારના બબલ્સ જામી ગયા હતા. તેમછતાં તે અરીસો બહુ કિંમતી જણાતો હતો. અરીસામાં જડેલો કાચ ચોખ્ખો નહોતો. તેમાં તેનું પોતાનુ ધુંધળુ પ્રતિબિંબ દેખાતું હતું. “ કોઇ અતી ભાગ્યશાળી અને રઇશ સ્ત્રી જ આટલો મૂલ્યવાન અરીસો વાપરતી હશે....!! કોણ હશે એ સ્ત્રી....? ” આંચલ અરીસાને નીરખતા વિચારે ચડી.... અચાનક તેને એક વિચાર આવ્યો અને સોફામાંથી ઉભા થઇ તે રસોડા તરફ ચાલી. રસોડામાં પહોંચી તેણે વોશ-બેઝીનનો નળ ચાલુ કર્યો અને અરીસાને હાથેથી ઘસીને સાફ કરવા લાગી. નળમાંથી વહેતા પાણીની ધાર નીચે અરીસો ધોવાતો ગયો... તેંના ઉપર જામેલું ક્ષારનું પડ તો ન હટયું પરંતુ તેમાં ચોંટેલી સમૃદ્રતળ ની ચીકણી માટી અને બીજી ગંદકી સાફ થઇ હતી. તેનાંથી અરીસો થોડો ચોખ્ખો થયો હતો. નળ નીચે પાણીની ધારમાં અરીસાને જોતાં સહસા આંચલનું ધ્યાન તેના હાથા તરફ ખેંચાયું. તેણે રસોડાનાં પ્લેટફોર્મનાં એક ખુણે પડેલું નાયલોનનું બ્રશ ઉઠાવ્યુ અને હાથાને બ્રશથી ઘસીને સાફ કર્યો. અરીસાના સુંદર ગોળ હાથા ઉપર કટલાંક હોલમાર્કના નિશાનો અંકિત થયેલા હતા જે અરીસો થોડો સાફ થતાં ઉભરી આવ્યાં હતાં. એ નિશાનો, માથુર અંકલને જડેલી ઘડીયાળમાં અંકિત નિશાનો જેવા હતા. જો કે આંચલને ત્યારે એ વાતની ખબર નહોતી. તે આશ્ચર્યથી એ નિશાનો જોઇ રહી....એ નિશાનો એક લાઇનમાં કોતરેલા હતા. પહેલા મુગટ, પછી હાથી અને પછી વિચિત્ર ત્રાજવાનું ચિન્હ....આંચલની આંખોમાં એ ચિન્હો જોઇને દુનીયાભરનું કુતુહલ ઉભર્યુ હતું. આ ચિન્હો શેનાં હશે....? એક સવાલ તેનાં સવાલ જહેનમાં ઉઠયો.

અને....સાવ અચાનક રસોડામાં એક સંગીત ગુંજી ઉઠયું. મીઠુ, મધુર અને કર્ણપ્રીય સંગીતની એક ધુન રેળાઇ. આંચલનું સંપૂર્ણ ધ્યાન પેલા ચિન્હો સાફ કરવામાં હતું તેમાં જેવું પેલું સંગીત રેળાયુ એ સાથે જ તે છળી ઉઠી અને તેનાં હાથમાંથી અરીસો છટકીને વોશ-બેઝીનમાં પડયો. “ ઓહ ગોડ...” તે એટલી તો ડરી ગઇ હતી કે તેની છાતી જોરથી ધડકવા માંડી હતી. અચાનક એક ડર તેનાં મનમાં પેદા થયો હતો. તેનાં શ્વાસોશ્વાસ અચાનક લાગેલા ડરના કારણે ઉંચે ચડી ગયા હતાં. તે સ્તબ્ધ બનીને થોડીવાર એમ જ ઉભી રહી. અનાયાસે તેનો હાથ ધડકતી છાતી ઉપર ચંપાયો હતો. પહેલા તો તેને સમજાયું નહી કે એ સુમધુર સંગીત કયાં વાગી રહયું છે...! તેણે પહેલાં રસોડામાં નજર ફેરવી....અને પછી વોશ-બેઝીનમાં જોયું. અવાજ ત્યાંથી જ, વોશ-બેઝીનમાં પડેલાં એ અરીસામાંથી આવતો હતો. કુતુહલથી તેની ખુબસુરત આંખો પહોળી થઇ અને તેણે હાથ લંબાવીને અરીસો ઉઠાવ્યો....! જેવો અરીસો તેના હાથમાં આવ્યો એ સાથે જ તેમાં વાગતું સંગીત આપમેળે બંધ થઇ ગયું. આંચલને આશ્ચર્યના ઝટકા લાગતાં હતા. “ વોટ ધ હેલ ઇઝ હેપનીંગ હીયર....!! ” તે બબડી અને અરીસો સાથે લઇ રસોડામાંથી બહાર નીકળી સીધી જ પોતાનાં બેડરૂમમાં પહોંચી. બેડરૂમમાંથી તેણે પર્સ ઉઠાવ્યુ, તેની ઝીપ ખોલી તેમાં અરીસો મુકયો અને કારની ચાવી લઇ ઝડપથી તે બહાર નીકળી. પહેલા તો વિચાર્યુ કે સીધી તે માથુ અંકલના ઘરે જાય અને તેમને જે ઘડીયાળ મળી હતી તેનાં વીશે પુછે, પરંતુ એ પહેલા તો શાંતીથી તે આ અરીસો નરખવાં માંગતી હતી. આમ પણ મોન્ટુનાં કહેવા પ્રમાણે માથુર અંકલ હજુ દરીયા કિનારે જ હશે. તેમને ઘરે આવતા ચોક્કસ થોડો સમય લાગશે, એટલે ત્યાં સુધી આંચલને પોતાના રેડીયો સ્ટેશને પહોંચી આ અરીસા વિશે વિચારવાનું વધુ યોગ્ય લાગ્યુ. કાર સ્ટાર્ટ કરી કારને સીધી રેડીયો સ્ટેશન તરફ તેણે હંકારી.

આ સમયે હજુ બપોરના બાર જ વાગ્યા હતા. માથુર અંકલ હજુ નીલીમા દેવી સાથે દરીયા કિનારે હતા અને ઇશાન હજુ વિભૂતી નગર પહોંચ્યો નહોતો.

પોતાના પ્રાઇવેટ રેડિયો સ્ટેશને પહોંચી આંચલે ઓફિસની લાઇટ્સ ઓન કરી. રેડિયો પ્રસારણનો તેનો ફિક્સ સમય હતો...અને અત્યારે તેનો “ઓફ” ટાઇમ ચાલતો હતો. તે પેલો અરીસો સાથે લેતી આવી હતી. ઝડપથી કોમ્પ્યુટર ઉપર ગોઠવાઇને તેણે કોમ્પ્યુટર ચાલુ કર્યુ. કોમ્પ્યુટર સ્ટાર્ટ થતાં ગુગલમાં “ હોલમાર્ક ” લખી સર્ચનું બટન દબાવ્યુ. તુરંત સ્ક્રિન ઉપર દુનીયામાં જેટલા પણ નોંધાયેલા “ હોલમાર્ક ” હતા તેની લીંક ઉભરી આવી. આંચલે એ હોલમાર્કના લીસ્ટને સ્ક્રોલ કરવા શરૂ કર્યા. તેને તલાશ હતી અરીસાના હાથા ઉપર ચિત્રેલા ત્રણ નિશાન જેવા હોલમાર્કની..!. ગુગલ ઉપર આવતી દરેક લીંક સાથે એ લીંક સાથે સંકળાયેલા હોલમાર્કના ચિત્રો પણ મુકાયેલા હતા. આંખો ખેંચીને આંચલ એ ચિત્રોને જોઇ રહી . ગુગલના ઘણાબધા પેજ ઉથલાવ્યા બાદ અચાનક તે એક જગ્યાએ અટકી. તેની નજરો સ્ક્રિન ઉપર સ્થિર થઇ. માત્ર અડધી સેકન્ડ સુધી પેલી નિશાનીઓ સ્ક્રિન ઉપર દેખાઇ હોય એવું તેને લાગ્યુ....!! અને અચાનક કોમ્પ્યુટરની સ્ક્રિનમાં બધું રેળાવા માંડયુ. કોમ્પ્યુટર સાથે જોડાયેલા સ્પિકરોમાંથી “ ખર્ર...ખર્ર.. ખરૅ ” જેવા અવાજો આવ્યા અને બે-ત્રણ ઝટકા મારી સ્ક્રિન બુઝાઇ ગઇ. “ વોટ ધ... ” એક ગાળ આંચલના મોંઢામાંથી નીકળી અને તેણે કોમ્પ્યુટર ડેસ્ક પર માઉસ પછાડયુ. આમ અચાનક કોમ્પ્યુટર બંધ થઇ જવાથી તેને ભારે નિરાશા ઉપજી હતી. ખુરશીમાંથી ઉભા થઇને તેણે પ્લગમાં ભરાવેલી પીનો ચકાસી જોઇ...! બે-ત્રણ વખત કોમ્પ્યુટરને ચાલુ કરી જોયું...! પાવરના વોલ્ટેજ તપાસ્યા...! પંદરેક મિનીટ એ માથાકુટમાં તેણે સમય ગાળ્યો પરંતુ કોમ્પ્યુટર ચાલુ ન થયુ તે ન જ થયુ.

આખરે હારી-થાકીને પેલો અરીસો ત્યાંજ, ઓફિસમાં રહેવા દઇને ફરી પાછી તે ઘરે જવા રવાના થઇ.

“ શું હતું એ હોલમારકનું રહસ્ય....? ” જાણવા વાંચતા રહો “ નગર-એક અનોખી કહાની ”

( ક્રમશઃ-)

મિત્રો જો તમે સસ્પેન્સનાં ચાહક છો તો મારી અન્ય નોવેલ--- “ નો રીટર્ન “........” નસીબ “.......અને “ અંજામ “ પણ વાંચજો. આભાર.

આપનો પ્રવિણ પીઠડીયા.

મારો વોટ્સએપ નં- ૯૦૯૯૨૭૮૨૭૮ છે.

ફેસબુક – Praveen Pithadiya લખી સર્ચ કરશો.

ધન્યવાદ.