નગર-૧૧
( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- એલીઝાબેથ ઇશાનને શોધવા ઇન્ડીયા જવાનું નક્કી કરે છે....જ્યારે અહી વિભૂતી નગરના દરીયાકાંઠે માથુર દંપતીને દરીયા કિનારાના છીછરા પાણીમાંથી એક એન્ટીક, પુરાણી ઘડીયાલ મળી આવે છે....બરાબર એ સમયેજ આંચલ ચૌહાણના ભાઇ મોન્ટુને એક સિંગલ હાથાવાળો અરીસો જડે છે....હવે આગળ વાંચો....)
“” અરે.... તને આ અરીસો કયાંથી મળ્યો...?” ”માથુર સાહેબે આશ્ચર્ય અનુભવતા પુછયું. નાનકડા મોન્ટુના ચહેરા ઉપર પણ ભારે કુતુહલ છલકતું હતું. ” આ સામે પેલો પથ્થર દેખાય છે ત્યાંથી.....!! ”” તેણે દુર રેતીમાં ખૂંપેલા એક નાનકડા પથ્થરોના સમુહ તરફ આંગળી ચીંધી.... પરંતુ માથુર સાહેબે એ તરફ જોયું નહી. તેમનું સમગ્ર ધ્યાન તો એ અરીસો નિહાળવામાં હતું. અરીસો કદાચ વર્ષોથી દરીયાના ખારા પાણીમાં ગરકાવ રહયો હશે એટલે તેનાં ઉપર ક્ષારના પડ જામી ગયા હતા. અરીસાની સંપૂર્ણ સપાટી, અને તેનો હાથો એ ક્ષારના પડથી ઢંકાઇ ગયો હતો. અરીસામાં જડેલા કાચની હાલત તો તેનાથી પણ વધુ બુરી હતી. કાચનું ઉપરનું આવરણ સતત પાણીમાં રહેવાના કારણે રેળાઇ ગયું હતું. એ આવરણ ઉપર ઝાંખપ વળી ચુકી હતી જેના કારણે કાચમાં કંઇજ દેખાતું નહોતું. માથુર સાહેબે અરીસાને ઉલટાવી-સુલટાવીને બરાબર નિરખવાની કોશીષ કરી પરંતુ સફેદ ક્ષારના ભારે પડના કારણે તેની સંપૂર્ણ બનાવટનો ખ્યાલ આવતો નહોતો.
“ “ હું આ દીદીને બતાવવા લઇ જાઉ...?” મોન્ટુ બોલ્યો. પોતાને કોઇ અગત્યની કિંમતી વસ્તુ જડી છે એ આંચલ દીદીને બતાવવાની તેને અધીરાઇ થતી હતી.
“” હાં, તું આ લઇ જા અને તારા દીદીને બતાવજે...! અને તેને એ પણ કહેજે કે તે આ અરીસો લઇને સાંજે મને મળવા મારે ઘરે આવે.....”” માથુર સાહેબે અરીસો મોન્ટુને પરત આપ્યો.
“ “ સારુ...”” તે બોલ્યો અને ઝડપથી પોતાની સાયકલ તરફ દોડયો. દુર આર.સી.સી. પ્લેટફોર્મ ઉપર વીજળીના એક થાંભલે ટેકવેલી પોતાની સાયકલના પાછલા કેરીયરમાં તેણે સંભાળીને અરીસો ભેરવ્યો અને સાયકલને ઘર તરફ હંકારી મુકી. એ સમય દરમ્યાન માથુર દંપતી સતત કંઇક વિચારમાં ગરકાવ રહયાં હતા.
“” અરે...તમને આ શું થયું...?”” અચાનક નીલીમાદેવીનું ધ્યાન તેમના પતિના ચહેરા ઉપર ગયું અને સહસા તેઓ બોલી ઉઠયા.
“” કયાં....?””
“” તમારા જમણા ગાલે કંઇક થયું લાગે છે.....”” આગળ વધી થોડા નજીક સરકી તેમણે માથુર સાહેબના જમણા ગાલે ધ્યાનથી જોયું. ગાલ ઉપર વધેલી સફેદ દાઢીના ઉપરના ભાગે, આંખની બરાબર નીચે એક લાલ ચકામું ઉપસી આવ્યું હતું. અચાનક કોઇ ગરમ વસ્તુની ઝાળ લાગી હોય એ રીતનો એક તરફનો ભાગ દાઝી ગયો હોય તેમ રતુંબડો થયો હતો. ગાલ થોડો ઉપસી પણ આવ્યો હતો.
“” તું કહે તો ખરી...!! શું થયું છે ગાલ ઉપર...?” ” તેમણે પોતાનો હાથ ઉઠાવી જમણા ગાલના એ તરફના ભાગે ઘસ્યો. તેમને તો કંઇ અનુભવાતું નહોતું.
“” તમારો ગાલ દાઝી ગયો હોય એવું લાગે છે....કદાચ કોઇ જીવાત કરડી ગઇ હશે....””
““ જીવાત કરડી હોય કે હું દાઝયો હોઉં તો મને તો ખ્યાલ આવવો જોઇએ કે નહિં...? મને એવો કોઇ દુઃખાવો થતો નથી કે બળતરા પણથતી નથી. તું બરાબર જો....!! કંઇ થયું નહિં હોય...”” માથુરસાહેબે તેમની પત્નીને કહયું.
“” પતાસા જેવું ચકામું ઉપસી આવ્યુ છે એ મને નહિં દેખાતું હોય....!!”” નીલીમાદેવીએ છણકો કર્યો. તેમને પણ લાગતું હતું કે અહીની ખુલ્લી હવામાં ઉડતું કોઇ મચ્છર તેમને કરડી ગયું હશે અને એટલેજ તેમનો ગાલ સુઝી ગયો હશે.
““ તારા ગાલે પણ એવું જ થયુ છે જો...””
“ “જાવ...જાવ...હવે. મેં તમને કહયું એટલે તમે મારી મજાક ઉડાવો છો....” ”નીલીમા બહેને ફરી છણકો કર્યો. “” હું તો સાચું કહું છું. અહી અરીસો હોત તો તમારો ગાલ તમને જ બતાવત...””
“” અરે પણ....થોભ, એ મીનીટ....”” કહીને માથુર સાહેબે નીલીમા દેવીના કરચલી પડેલા ગાલ ઉપર આંગળી ફેરવી....”““ જો...આ ભાગ લાલ થઇ ગયો છે. તે મને જે કહયું, સેમ ટુ સેમ એવું જ ચકતું થયું છે. પતાસા જેવડું ગોળ...””
“ના હોય....”” નીલીમા દેવીએ પોતાના ગાલે હાથ પંપાળ્યો. ““ આઇ કાન્ટ બીલીવ...”” તે બબડયા....”
ખરેખર હકીકત તો એ હતી કે સાવ અચાનકજ પતિ-પત્ની બંનેના જમણા ગાલે એક ગોળ નાનકડું ચકામું ઉભરી આવ્યું હતું. એ ચકામું જાણે એકાએક અગનઝાળ ચહેરા ઉપર લાગી જવાથી દાઝી જવાય એવું હતું, એકદમ લાલ... બંનેનો એક તરફનો ગાલ થોડો સોઝીને ઉપસી આવ્યો હતો....એને વિસ્મયની વાત તો એ હતી કે એ ચકામા ઉપર હાથ દબાવવાથી કોઇ દુઃખાવો થતો નહોતો. આવું કેમ થયું હશે એ તેમના માટે પણ વિસ્મયકારક વાત હતી.
“”ચાલ ઘરે જઇએ...”” એકાએક માથુર સાહેબને ઘર સાંભર્યુ. “”” ઘરે જઇને જોઇએ કે આ છે શું....? એવું લાગે તો ડો.ગુપ્તાને બતાવીશું....”” તેઓ બોલ્યા. ડો.ગુપ્તા તેમના ફેમીલી ડોકટર હતા અને તેમના બંગલાથી પાંચ બૅગલા છોડીને છઠ્ઠા બંગલામાં તેઓ રહેતા હતા. ભીની રેતીમાં ચાલતા તેઓ પાછા પાર્કિંગ એરીયામાં આવ્યા ત્યારે પવનની ગતી બદલાઇ હતી. અત્યાર સુધી શાંત જણાતા વાતાવરણમાં અચાનક પલટો આવવો શરું થયો હતો અને થોડીવારમાં તો તેજ ગતીએ પવન વહેવા લાગ્યો હતો. એ પવનના લીધે કિનારે પથરાયેલી ઝીણી રેતીમાં ડમરી ઉડવા લાગી હતી. દુર દેખાતા નાળીયેરીના વૃક્ષો એ પવનના મારથી વિંઝોળાવા લાગ્યા હતાં. દરીયાના પાણીમાં ઉફાણ સર્જાયું હતું અને અત્યાર સુધી શાંત જણાતા પાણીના મોજા અચાનક ઉંચી લહેરો બનીને કિનારે ધસી આવવા લાગ્યા. દુર, જ્યાં આકાશ અને સમુદ્રની ક્ષીતીજ મળતી હતી ત્યાં એકાએક ઘોર અંધકાર છવાયો....અને...કાળા, ઘેરા ધુમ્મસના વાદળોનો સમુહ એકાએક ઉમટી પડયો. હજુતો સવારના સૂર્ય કિરણો વાતાવરણમાં બરાબર પ્રસર્યા પણ નહોતા એ પહેલા ધુમ્મસના વાદળોએ સૂર્યને પોતાની આગોશમાં સજાવી લીધો હોય એવું દ્રશ્ય દૈદિપ્યમ્યાન થયું. દરીયાના પાણીમાં અચાનક સર્જાતી ત્સુનામીની માફકજ એ ધુમ્મસીયા વાદળો વિભૂતી નગરનાં કિનારા તરફ ધસ્યા હતાં. માથુર દંપતી આ ઘટનાથી અજાણ હતાં કારણ કે તેમનું સંપૂર્ણ ધ્યાન પોતાની કારમાં બેસવા તરફ હતું. માથુર સાહેબે કારનો દરવાજો ખોલ્યો જ હતો કે અચાનક છવાયેલા અંધકારથી તેઓ ચોંક્યા... માથુ ઉંચુ કરીને તેમણે પહેલા ઉંચે આકાશમાં જોયું....અને પછી સમુદ્રની દિશામાં જોયું. અચાનક અંધારુ કેમ છવાયું એ તેમની સમજમાં આવ્યું નહી એટલે સ્વાભાવિક રીતેજ તેમણે પ્રતિક્રિયા કરી હતી.
““ ઓહ ઇશ્વર....” ” તેમના મોંમાંથી શબ્દો નીકળ્યા. તેમની આંખો સમક્ષ એક અવિશ્વનિય દ્રશ્ય રચાયું હતું. તેમના જેવીજ હાલત નીલીમા દેવીની થઇ હતી. તેઓને અચાનક એક ભયાનક ડરે ઘેરી લીધા હોય તેમ એ બંને જણા સ્તબ્ધ બનીને ત્યાંજ સ્થિર થઇ ગયા. તેમની નજરો જે જોઇ રહી હતી એ કલ્પનાતીત હતું....દુર પાણીની સપાટી ઉપર થોકબંધ વાદળો ભારે ગતીથી દોડતા વિભૂતી નગરનાં કિનારા તરફ સરકતાં આવતા હતાં. સમુદ્રના પેટાળમાં અચાનક ભયાનક ભૂકંપ આવ્યો હોય અને એ ભૂકંપના ઝાટકાઓથી પાણીમાં જે રીતની ત્સુનામી સર્જાય, એવીજ ત્સુનામી રુપે ઉઠેલા ધુમ્મસના કાળા વાદળો કહેર વર્તાવવા કિનારાની દિશામાં આગળ વધી રહયા હતા.
*********************************
તે ઇશાનને કંઇક કહેવા માંગતી હતી. છેલ્લા એક અઠવાડીયાથી તેને ભયાવહ સ્વપ્નાઓ આવતા હતા. એ સ્વપ્નાઓ તેને ડારી રહયા હતા. તેને બીક લાગતી અને ઝબકીને તે પથારીમાં બેઠી થઇ જતી. તેના રુપાળા દેહમાંથી ડરના કારણે પરસેવો ઉભરાતો...તેની છાતીની ધડકનો તેજ થઇ ઉઠતી. એ વાત તે ઇશાનને જણાવવા માંગતી હતી...પરંતુ એક ઇશાન હતો, જે અચાનક ઇન્ડિયા ચાલ્યો ગયો હતો. કોઇને કંઇપણ જણાવ્યા વગર. એલીઝાબેથને પહેલા તો આ વાત જાણીને ઇશાન ઉપર ખુબજ ક્રોધ આવ્યો. “ “કોઇ વ્યક્તિ આટલો બધો કેરલેસ કેવી રીતે હોઇ શકે....!! કમ સે કમ તેણે મને તો કહેવું જોઇએ...!!”” મનોમન તે ધુંધવાઇ ઉઠી હતી. મનોમન ઇશાનને તેણે ઘણુ બધુ કોષી લીધુ....પરંતુ હકીકત તો એ હતી કે તે ઇશાન વગર એક ક્ષણ પણ વીતાવી શકતી નહોતી. ઇશાન તેની રગરગમાં સમાઇ ચૂકયો હતો. તેના શરીરમાં લોહીની જગ્યાએ ઇશાનનું નામ ફરતું હતું. તે ઇશાન પરસ્ત બની ચુકી હતી. આ દેશ, ઓસ્ટ્રેલીયામાં શરીરની જરૂરીયાતોને અગત્યની ગણીને તેને સંતોષવાનો મહીમા હતો...ફક્ત શરીરનીજ પુજા થતી. અને અત્યાર સુધી તે પણ એ રીતેજ જીવતી આવી હતી...પરંતુ ઇશાને તેના આત્માને સ્પર્શ્યો હતો. શરીર કરતા પ્રેમ ચઢીયાતો છે ફિલિંગ્સ્ ઇશાનના કારણેજ તેને સમજાઇ હતી.
“પરંતુ....ઇશાન એકાએક શા-માટે ઇન્ડિયા ચાલ્યો ગયો હશે...?” આ સવાલનો જવાબ તેને મળતો નહોતો. કમસેકમ તેણે ઇન્ડિયા જવા વિશે કહયું હોત તો તે પણ તેની સાથે જાત. જો કે, અત્યારે, અબઘડીએજ તેણે ઈશાન પાછળ ઇન્ડિયા જવાનું મન બનાવી લીધું હતુ. પોતાના ટ્રાવેલ એજન્ટ દ્વારા તેણે ઇન્ડિયા જતી ફ્લાઇટમાં ટીકીટ પણ બુક કરાવી લીધી હતી. તેને ઇન્ડિયા જવું હતું અને તેની કિસ્મત તેને ઇન્ડિયા બોલાવી રહી હતી. ઇશાનની જેમજ એલીઝાબેથની કોઇ ત્યાં રાહ જોઇ રહયું હતું.
**********************************
“” માય ગોડ.... આ શું બલા છે...?”” માથુર સાહેબ બોલી ઉઠયા. સામે, દરીયાની લહેરો ઉપર પથરાતા જતા ધુમ્મસના આવરણને જોઇને તેઓ ડરી ગયા હતા. તેમણે ફોજમાં રહીને ઘણી જંગો લડી હતી. ઘણી વખત મોતનો આમને-સામને મુકાબલો કર્યો હતો. એવી કટોકટીની પળોમાં પણ કયારેય તેમણે પાછી પાની કરી નહોતી....પરંતુ અત્યારે જે દ્રશ્ય તેઓ જોઇ રહયા હતા એવું દ્રશ્ય જીવનમાં તેમણે કયારેય જોયું નહોતું. આટલો બધો ડર તેમણે આજ પહેલા કયારેય અનુભવ્યો નહોતો. તેમના કરતા પણ ખરાબ હાલત નીલીમા દેવીની હતી. તેમના પગ ધ્રુજવા માંડયા હતા અને છાતીમાં મુંઝારો ઉપડયો હતો.
ધુમ્મસની લહેરો ધીરે-ધીરે દરીયાના તટ ઉપર ફેલાવા લાગી હતી. કાળા ડીબાંગ ઘનઘોર વાદળો જાણે કિનારાને ગળી જવા માંગતા હોય એમ આગળ વધતા હતા.
“” નીલુ....જલ્દી ગાડીમાં બેસ....”” અચાનક માથુર સાહેબે રાડ નાંખીને કહયું. એ સાથેજ તેમણે કારનો ડ્રાઇવર બાજુનો દરવાજો ખોલ્યો અને સ્ટિયરીંગ ઉપર ગોઠવાયા. ખુબ ઝડપથી તેમણે ચાવી ઇગ્નીશન હોલમાં નાંખી અને કાર સ્ટાર્ટ કરી. એ દરમ્યાન નીલીમા દેવી પણ કારમાં ગોઠવાઇ ચુકયા હતા. કારને રીવર્સ ગીયર નાંખી માથુર સાહેબે ફોર્સમાં એક્સિલેટર દબાવ્યું. કાર તીરની જેમ વછૂટી....સ્ટીયરીંગ વ્હીલ ઘુમાવી માથુર સાહેબે કારના બોનેટને નગરની દિશામાં ફેરવ્યું. રીવર્સ ગીયરમાંથી પહેલા ગીયરમાં તબદીલ કરી તેમણે કાર ભગાવી. ફુલ થ્રોટલમાં વછૂટેલી કારે નગરની દિશા પકડી....એ સાથેજ પાછળ કિનારે છવાયેલા ધુમ્મસના વાદળોમાં હલચક મચી અને ધુમ્મસની એક પાતળી સેર તેમાથી નીકળી જેણે રીતસરનો તેણે કારનો પીછો પકડયો. એ દ્રશ્ય અવિશ્વસનીય હતું. જાણે કોઇ કાર ચેજીંગનું દ્રશ્ય ભજવાઇ રહયુ હોય તેમ આગળ માથુર સાહેબની કાર ભાગી રહી હતી અને તેનાંથી પણ બમણી ઝડપે ધુમ્મસમાંથી નીકળેલી સેર પાછળ આવતી હતી. પાંચ જ મીનીટમાં કારે નગરની શેરીઓમાં પ્રવેશ કર્યો હતો. માથુર સાહેબે કારના બેક મીરરમાં ધુમ્મસની સેરને કારનો પીછો કરતા જોઇ હતી અને તેમના હાંજા ગગડી ગયા હતા. અચાનક તેમના આખા શરીરે પરસેવો ઉભરાવો શરુ થયો હતો. તેમનાં હાથમાં એ પરસેવાની ભીનાશ છવાઇ હતી...” હે ભગવાન....”” વારે-વારે તેમના મોંમાંથી ભગવાનનું નામ નીકળતુ હતું....તેમને ફરીવાર બેક મીરરમાં નજર કરી. ભયાનક ગતીથી કાળા ધુમ્મસની એક સરવાણી કારની વધુ ને વધુ નજીક આવતી જતી હતી. તેમની કાર અને એ ધુમ્મસ વચ્ચે માત્ર સેકન્ડોનો ફાંસલો બચ્યો હતો. બે સેકન્ડ અને એ ધુમ્મસ કારને આંબી જવાનું હતું. ત્યારબાદ શું થશે એ તેઓ નહોતા જાણતા. તેમનું હ્રદય ધબકારા ચૂકતૂં જતું હતું. કાર ચેઝીંગમાં જાણે કટોકટીનો સમય આવ્યો હોય તેમ અચાનકજ માથુર સાહેબે કારને લાસ્ટ ગીયરમાં નાંખી અને કારના એક્સિલેટર ઉપર લગભગ ચડી બેઠા. તે બુઢ્ઢા આદમીના શરીરમાં અચાનક આટલું જોમ કેવી રીતે આવ્યું, અત્યારે એ કોઇ જણાવી શકે તેમ નહોતું. તેમણે તો બસ, કારને બેતહાશા ભગાવી હતી. વોકસવેગન કંપનીની આ લેટેસ્ટ મોડેલની કાર તેમણે હજું છ મહીના પહેલાંજ ખરીદી હતી....અને કારને વાપરવાવાળા ઘરમાં તેઓ એકમાત્ર વ્યક્તિ હતા. એટલે કાર હજુ હમણાંજ શો-રૂમમાંથી બહાર આવી હોય એવી ટીપટોપ કંન્ડીશનમાં હતી. પગના હલ્કા-સા ઇશારે તેજ ગતી પકડી લેતી કારને માથુર સાહેબે અત્યારે ફુલ થ્રોટલમાં રમરમાવી હતી. સેકન્ડોમાં તેમણે ધુમ્મસના એ વાદળોને પાછળ છોડી દીધા હતા અને તેઓ નગરમાં પ્રવેશ્યા હતાં. તેમણે કારને સીધીજ પોતાના ઘર ભણી હંકારી હતી. અને..... આશ્ચર્યની વાત તો એ હતીકે ગહેરા ધુમ્મસની સેર અચાનક, ત્યાંજ અટકી ગઇ. ભયભીત હરણાંની પાછળ ભાગતા ચિત્તાના ખૂંખાર પંજામાંથી જેમ શીકાર છટકી જાય, અને ચિત્તો દોડતો અટકી પડે, બિલકુલ એવી રીતેજ એ સેર ત્યાં, રોડ વચાળે અટકી ગઇ. પછી જે ભયાનક ગતીએ તેણે કારનો પીછો કર્યો હતો એટલીજ ભયાનક ઝડપે તે પાછી વળી અને જોત-જોતામાં સમુદ્રના પાણી ઉપરથી ગાયબ થઇ ગઇ. બહુ ઝડપે એ બન્યું. કાળા-ઘનઘોર ધુમ્મસના વાદળોને કોઇકે જંગી વેકયૂમ-કિલનરથી પોતાની અંદર ખેંચી લીધા હોય એમ જોત-જોતામાં વાદળો ગાયબ થયા અને તુરંત ઉઘાડ નીકળ્યો હતો. એક ચમત્કાર સર્જાયો અને બધું રાબેતા મુજબ શાંત પડી ગયું હતું. આ સમયે કોઇ સમુદ્ર કાંઠે ટહેલવા આવે તો તેને સહેજે ખ્યાલ ન આવે કે થોડીવાર પહેલા અહીંયા ડરામણું વાતાવરણ સર્જાયુ હશે....
*********************************
માથુર દંપતી સખત રીતે ડરી ગયું હતુ. માંડ-માંડ જીવ બચાવીને તેઓ પોતાના ઘર સુધી પહોંચ્યા હતા. હમણા તેમને જે અનુભવ થયો એ અનુભવ તેમનાં માટે કલપ્નાતીત હતો. સાત જન્મારેય આવું કંઇક તેમણે જોયું કે અનુભવ્યું નહોતું. થર-થર કાંપતા તેઓ બંગલાના ડ્રોઇંગરૂમમાં ધસી આવ્યા અને ત્યાં મુકેલા સોફામાં ફસડાઇ પડયા. તેમના હ્રદય તેજ ગતીએ ધડકી રહયા હતા. તેમની આંખોમાં ડરનો ઓછાયો સ્પષ્ટ નજરે ચડતો હતો. અચાનક તેમની સાથે જે ઘટના ઘટી હતી એનાંથી તેઓ ડઘાઇ ગયા હતા.
“ એ શું હતું નીલુ......?” કાંપતા અવાજે માથુર સાહેબે પોતાની પત્નીને પુછયું . “ આવું ભયંકર દ્રશ્ય આજ પહેલા કયારેય જોયું નથી.”
“ મને નથી ખબર કે એ શું હતું.....!! પરંતુ એટલું હું ખાતરીથી જણાવી શકુ છું કે એ જે કંઇપણ હતું એ ચોક્કસ આપણા બંન્નેની પાછળ આવ્યું છે.” નીલીમા દેવી બોલ્યા. તેઓ પણ ફફડી રહયા હતા. “ મને સખત બીક લાગે છે સાહેબ.....” તેમણે પોતાના પતિને ઉદ્દેશીને કહયું. આઘાત ભરેલી નજરે હજુ પણ તેઓ દરવાજા ભણી તાકી રહયાં હતાં કે કયાંક એ ધુમ્મસના વાદળો દરવાજામાંથી તેમના ઘરમાં ઘુસી ન આવે....!! તેમના બંગલામાં તેમના સીવાય અત્યારે બીજું કોઇ હાજર નહોતું. તેઓ એકલા જ હતા. તેમનો નોકર ચંદુ ન જાણે કેટલાય દિવસથી કામે આવ્યો જ નહોતો. આવડા મોટા બંગલામાં એકલા હોવાનો અહેસાસ પણ કયારેક અજાણ્યા ડરનો અહેસાસ કરાવી જતો હોય છે. મીનીટો વીતવા છતાં તે બંને વ્યક્તિઓ એમ જ ખામોશ સોફામાં બેસી રહયા. બે માંથી એકની પણ હિંમત થતી નહોતી ત્યાંથી ઉઠવાની. રખેને બીજું કોઇ ભયાનક દ્રશ્ય તેમને દેખાય જાય એ ડર લાગતો હતો.
“ ઓહ માય ગોડ....સાહેબ, આ તમારા ગાલે તો જુઓ....? આખો ગાલ તતડી ગયો લાગે છે....” અચાનકજ નીલીમા દેવીનું ધ્યાન તેમના પતિના ગાલ તરફ ખેંચાયું હતું અને તેમણે જે જોયું એ જોઇને તેઓ સહમી ગયા હતા. માથુર સાહેબના ચહેરા ઉપર જે ભાગે લાલ ચકામું ઉપસી આવ્યું હતું એ ચકામું અત્યારે વિસ્તરીને આખા ગાલ ઉપર પ્રસર્યું હતું. અને તેમાં ઝીણા-ઝીણા ફોડલાઓ ઉપસી આવ્યા હતા. અચાનક લાગેલી આગની જ્વાળાઓમાં દાઝી જવાયું હોય, અને એ ગરમ ઝાળ લાગેલા ભાગે પાણી ભરેલા ફરફોલા ઉભરી આવે, બરાબર એવાજ જથ્થાબંધ ફરફોલા માથુર સાહેબના ગાલ ઉપર ઉપસી આવ્યા હતા. તેમાંના ઘણા ફરફોલા આપમેળે ફુટયા હતા અને તેમાંથી ઘટ્ટ પાણી જેવું પ્રવાહી નીકળી ગાલ ઉપર રેલાયુ હતું.
“ હે ઇશ્વર...તારા ગાલની હાલત પણ એવી જ છે...” ફફડતાં અવાજે માથુર સાહેબ પોતાની પત્નિ તરફ જોતાં બોલ્યા.
( ક્રમશઃ-)
Join me on Facebook :- Praveen Pithadiya
Wtsaap me – 9099278278.
આ કહાની તમને કેવી લાગે છે એ જરુર જણાવશો. તમારા અમૂલ્ય પ્રતિભાવ જણાવશો. ધન્યવાદ મિત્રો.