Nagar - 9 books and stories free download online pdf in Gujarati

નગર - 9

નગર-૯

( આગળ આપણે વાંચ્યુઃ- ઇશાન મુંબઇ એરપોર્ટ ઉપર ઉતરે છે અને પ્રાઇવેટ કારમાં વિભૂતી નગર આવવા રવાના થાય છે.....બીજી બાજુ ઇન્સ.જયસીંહ “ જલપરી ” જ્યાં ઉભી હતી, દરીયાના એ વિસ્તારમાં રાજીવ નકુમને લઇને તપાસ કરવા નીકળી પડે છે.....પરંતુ અજાણતા જ તે દરીયાના પેટાળમાં વર્ષોથી ધરબાયેલી એક ચીજને જીવંત કરતો આવે છે, હવે આગળ વાંચો....)

ઇન્સ.જયસીંહ રાઠોડ ફરી પાછો વિભૂતી નગરના કિનારે આવ્યો. એ સમય દરમ્યાન અહી, “ જલપરી ” માંથી રોશન પટેલ મળી આવ્યો હતો. રોશન પટેલ “ જલપરી ” ના ભંડાકીયામાં બનેલા કોલ્ડ સ્ટોરેજમાં સંતાઇને બેઠો હતો. તે જીવીત હતો. કોન્સ્ટેબલ સુરેશ તાવડેએ તેને ખોળી કાઢયો હતો.

જયસીંહ રાજીવ નકુમને લઇને જ્યારે સમુદ્રમાં જવા નીકળ્યો હતો ત્યારેજ કોન્સ્ટેબલ સુરેશ તાવડેએ બધા કોન્સ્ટબલોને “ જલપરી ” ની તલાશીમાં જોતર્યા હતા. સુરેશ તાવડે પોતે બોટની કેબીનમાં થઇ ભંડાકીયામાં ઉતર્યો હતો. ભંડાકીયાના દાદર ઉતરતા તરતજ દાદરની બંને સાઇડ એક-એક રૂમ હતા. સૌ-પ્રથમ તેણે એ રૂમની તલાશી લીધી. ત્યાં કંઇ તેને મળ્યુ નહી એટલે તે આગળ વધ્યો. ભંડાકીયાના લાકડા સમુદ્રના ખારા પાણીમાં રહીને કાળા પડી ગયા હતા અને તેમાંથી એક વિચિત્ર પ્રકારની વાસ ઉઠતી હતી. એ ઉપરાંત ત્યાં ઘણીબધી વસ્તુઓ ખડકાયેલી હતી. સુરેશ તાવડેએ ભંડાકીયાનાં બલ્બની સ્વીચ શોધી પ્રકાશ કર્યો. બલ્બના ઝાંખા પ્રકાશમાં ભંડાકીયાની અંદરનું દ્રશ્ય ઉજાગર થયુ. તાવડે ઝડપથી બધે ફરી વળ્યો. ભંડાકીયામાં કંઇ અજૂગતું બન્યુ હોય એવું તેને લાગ્યુ નહી એટલે તે ઉપર જવાના દાદર તરફ ચાલ્યો. તેની નજર હજુપણ ત્યાનો જાયજો લઇ રહી હતી. ઉપર કેબીનમાં જવાનાં દાદરનું હજુ પ્રથમ પગથીયુ ચડયોજ હશે કે અચાનક તેનાં મનમાં એક ઝબકારો થયો.... “ અરે....કોલ્ડસ્ટોરેઝ તપાસવાનું તો બાકીજ રહી ગયુ.....” તે સ્વગત બોલી ઉઠયો અને તે દાદરેથીજ પાછો ફર્યો. કોલ્ડસ્ટોરેજ તપાસવાનું તેની પાસે કોઇ મજબુત કારણ નહોતું. સામાન્યતહઃ તેમાં બરફની પાટો અને જામેલા બરફ સીવાય ખાસ કંઇ હોતુ નથી તેમછતાં કઇ બાકી રહી ન જાય એવી ગણતરીથી તે પાછો વળ્યો હતો. બોટની એક તરફની દિવાલમાં થોડી જગ્યા છોડીને કોલ્ડસ્ટોરેજ બનાવ્યુ હતું. તેનો દરવાજો તાવડેની કમરથી થોડો ઉંચે આવતો હતો. નજીક જઇ તાવડેએ બે ફટકામાં ખુલતા એ દરવાજાના બંને ફાટકો એક ઝટકા સાથે ખોલ્યા હતા...

કોલ્ડસ્ટોરેજ નો દરવાજો ખુલતાંજ તેનુ હ્રદય એક ધબકારો ચુકી ગયું. પહેલાંતો ભયાનક ડર, અને સાવ અચાનક કોલ્ડસ્ટોરેજની અંદર દેખાતા દ્રશ્યને જોઇને તે ઉછળી પડયો હતો.....તેનાં શરીરમાંથી આતંકનું એક લખ-લખું પસાર થઇ ગયુ હતું. કોલ્ડ સ્ટોરેજની અંદર એક વ્યક્તિ ટૂંટીયું વાળીને બેઠો હતો. કદાચ તે મરી ચુક્યો હોય એવું તાવડેને લાગ્યુ.....તેનાં દિદાર ભયાનક હતા. સ્ટોરેજમાંથી ઉઠતી ઠંડી હવાની લહેરો તેની આસપાસ વીંટળાઇ હોય એવો ભાસ થતો હતો. તેનાં આખા શરીરે સફેદ બરફની આછી પરત બાઝી ગઇ હતી....જાણે કે તે આકાશમાંથી વરસતા સ્નો-ફોલમાં નાહ્યો ન હોય.....!! ખાસ તો તેનાં ચહેરા ઉપર વધુ બરફ જામ્યો હતો જેનાં કારણે તે વધુ ડરામણો દેખાતો હતો. તાવડે માટે આ અન-અપેક્ષીત દ્રશ્ય હતું એટલે પહેલા તેણે ધ્રાસ્કો અનુભવ્યો હતો...પરંતુ આખરે તે સંભળ્યો હતો. તે પોતે એક બહાદુર પોલીસવાળો છે એ સાબીત કરવાની તેનાં માટે આ એક તક હતી. ધીમે પગલે ચાલતો તે કોલ્ડસ્ટોરેજના બારણા નજીક ગયો અને અંદર બેઠેલી વ્યક્તિને ઢંઢોળવા તેણે હાથ લંબાવ્યો.....કે....અચાનક જ તે વ્યક્તિએ આંખો ખોલી.....તાવડેના ગળામાંથી ભયાનક ચીખ નીકળી અને તેના પગ આપો-આપ ભંડાકીયાના દાદર તરફ દોડયા.

“ પ્લીઝ.....હેલ્પ મી....” તેનાં કાને અવાજ સંભળાયો. ભારે અચરજ અનુભવતો તાવડે દોડતો અટકયો અને ફરી પાછો કોલ્ડસ્ટોરેજ તરફ આવ્યો. તેને અચાનક સમજાયું હતું કે કોલ્ડસ્ટોરેજમાં બેઠેલો વ્યક્તિ કોઇ ભૂત નથી, પરંતુ જીવતો-જાગતો માણસ છે. તેનો ડર થંભ્યો હતો અને તે પેલા વ્યક્તિ નજીક આવ્યો હતો....તે વ્યક્તિ રોશન પટેલ હતો....અને તે જીવતો હતો.

કોન્સ્ટેબલ સુરેશ તાવડેએ તેને ત્યાંથી બહાર કાઢયો અને ઉપર લઇ આવ્યો હતો. રોશન પટેલની હાલત એટલી ખસ્તા હતીકે તાત્કાલીક તેને હોસ્પિટલ ભેગો કરવો પડે તેમ હતો. કોણ જાણે કેટલાં સમયથી તે કોલ્ડસ્ટોરેજની ઠંડી જગ્યામાં લપાઇને બેઠો રહયો હશે...! તાવડે તેની પુછપરછ કરવા માંગતો હતો પરંતુ રોશનની સ્થિતી જોતા કમસેકમ અત્યારે તો એ શક્ય બનવાનું નહોતું કે તે કંઇપણ બોલી શકે, જુબાની આપી શકે... આખરે ન છુટકે તાવડેએ તેને એમ્બ્યુલન્સમાં ચડાવ્યો હતો અને હોસ્પિટલે રવાના કર્યો હતો. જ્યાં સુધી તેની હાલત સુધરે નહી ત્યાં સુધી હવે રાહ જોયા વગર તેનો છુટકો નહોતો.

****************************

સમુદ્રના તળીયાની સતહ ઉપર સંદુકમાંથી નીકળેલી ચીજો પાણીની લહેરો સાથે ધીમે-ધીમે કિનારા તરફ આવી રહી હતી. એક ભૂતકાળ, જે વર્ષોથી સમુદ્રમાં દટાયેલો હતો એ અચાનકજ સજીવન થયો હતો. રાજીવ નકુમની બોટના લંગરમાં ફસાઇને તે બહાર નીકળી આવ્યો હતો. જોકે રાજીવ નકુમની બોટના લંગરના કારણે એ સંદુક બહાર ન આવી હોત તો પણ એ સંદુકની અંદરની ચીજોએ પોતાનો રસ્તો ખોળીજ લીધો હોત.....સત્યને તમે ગમે તેટલું દબાવો, કયારેકને કયારેક તે ઉજાગર થાયજ છે. ભલે વર્ષોના વહાણા વીતી જાય, છતા સત્યનું રૂપ કયારેય બદલાતું નથી. તે કોઇના કોઇ સ્વરૂપે તમારી સમક્ષ આવીનેજ રહે છે. વિભૂતી નગરના વાસીઓએ પણ વર્ષો પહેલા એક સત્યને સમુદ્રના પાણીમાં ધરબ્યુ હતું. હવે એ સત્ય અચાનક આટલા વર્ષો બાદ આપો-આપ ઉજાગર થવા માંડયુ હતું. વિભૂતી નગરનું સત્ય ભયંકર હતું....ડરામણું હતું.....ખૌફનાક અને લોહીયાળ હતુ......તેની આડફેટમાં આવનાર કોઇ જ બચવાનું નહોતું.....આખરે શું હતી હકીકત....? જે કિનારા તરફ આગળ વધી રહી હતી....?

*******************************

શંકર મહારાજે હોઠે માંડેલા ગ્લાસમાંથી વ્હિસ્કીનો એક મોટો ઘૂંટ ભર્યો અને ગ્લાસને ટેબલ ઉપર મુકયો. તેઓ આત્યારે મુંબઇના એક રેસ્ટોરન્ટ કમ બારમાં બેઠા હતા. દાદર રેલ્વે સ્ટેશનની બહાર નીકળતા મુખ્ય બજાર આવતી હતી. તેઓ એ બજારની બરાબર મધ્યમાં આવેલા એક ઠીક-ઠીક કહી શકાય એવા રેસ્ટોરન્ટ કમ બારમાં આવીને બેઠા હતા. તેમણે વ્હિસ્કીનો પેગ મંગાવ્યો અને સાથે થોડુ નમકીન પણ ઓર્ડર કર્યુ હતું.

એરપોર્ટ પર ઇશાનથી છુટા પડયા બાદ તેઓ સૌ-પ્રથમ પોતાના એક સંબંધીને ઘરે ગયા હતા. સંબંધીને ઘરે જવાં માટે તેમની પાસે કોઇ ખાસ કારણ નહોતું, પરંતુ કોઇપણ બહાને તેઓ ઇશાનથી છુટા પડવા માંગતા હતા... એટલે તેઓ મુંબઇ રોકાઇ ગયા હતા. હકીકતમાં તેઓ ઇશાન સાથેજ વિભૂતી નગર જઇ શકયા હોત....!! તેમણે એવું વિચાર્યુ પણ હતું કે તે અને ઇશાન સાથે જ ટેક્ષીમાં વિભૂતી નગર સુધીની સફર ખેડે....પરંતુ ઇશાન એલીઝાબેથ વાળા મામલાને કારણે જેમ ઉલઝનમાં હતો તેમ તેઓ પોતે પણ ઘણા લાંબા સમયથી એક ભયંકર દુવિધામાં અટવાયેલા હતા. પોતાની એ દુવિધાનું વર્ણન ઇશાન સમક્ષ થઇ ન જાય એ માટેજ તેમણે ઇશાન સાથે જવાનું ટાળ્યુ હતું અને કોઇપણ દેખીતા કારણ વગર તેઓ મુંબઇ રોકાઇ ગયા હતા. સંબંધીને ત્યાંથી નીકળીને તેઓ દાદર સ્ટેશને આવ્યા હતા અને અહી સ્ટેશન નજીક એક હોટલમાં કમરો બુક કરાવીને તેઓ બજારમાં ટહેલવા નીકળી પડયા હતા. તેમના મન ઉપર એક ભાર વર્તાતો હતો. એ ભારમાંથી છુટકારો મેળવવા તેમણે શરાબનું શરણું લીધુ હતું.

પરંતુ શરાબ જો બધી સમસ્યાઓનો ઉકેલ આપી શકે તેમ હોત તો આખુ જગત અત્યારે શરાબ પીતુ હોત, અને જગતમાં કોઇપણ પ્રકારની સમસ્યા જ ન હોત. શરાબ તમને ઘડીભર બહેલાવી શકે પણ ઉકેલ ન આપી શકે. શંકર મહારાજની હાલત પણ એવીજ હતી. તેઓ વીતેલી યાદોને જેમ-જેમ ભુલવાની કોશીષ કરતા હતા તેમ એ યાદો બમણી તાકતથી ઉભરીને તેમને ડરાવી રહી હતી. તેમની એ યાદો...ભુતકાળમાં તેના પિતા રમણીક મહારાજે કહેલી વાતો, તેમને સતત પજવી રહી હતી. કાશ, મારા પિતાએ મને આ બધુ કહયું ન હોત તો સારુ થાત....એવું તેમણે વિચાર્યુ અને બારમાં બેઠા-બેઠાજ તે પોતાનાં ભુતકાળમાં ખોવાઇ ગયા....

“ જો શંકર બેટા...” એક દિવસ અચાનક રમણીક મહારાજ, એટલેકે તેનાં પિતાએ તેને નજદીક બોલાવી, બેસાડીને વાત શરૂ કરી હતી. “ મારે તને કંઇક કહેવુ છે....!”

“ હાં કહોને પિતાજી....” તે બોલ્યા હતા.

“ સાંભળ....મને લાગે છે કે હવે મારી પાસે વધુ સમય નથી. હું હવે વધુ જીવીશ નહી એવો અહેસાસ મને ઘણાં દિવસોથી થયા કરે છે....પરંતુ મરતાં પહેલા મારા હ્રદયમાં સંઘરાયેલ એક રાઝ તને કહેવા માંગું છું......! ”

“ એવું શું કામ બોલો છો પિતાજી....! તમે હજુ સો વરસ જીવશો...”

“ ના દીકરા....મારો ઇશ્વર મને બોલાવી રહયો છે એટલે જવું તો પડશે જ....! તું મારી વાત શાંતીથી સાંભળજે. હું જે કહીશ એ વાત તારે ફક્ત સાંભળવાની છે. એમાં તારાથી કંઇ થઇ શકશે નહિં....કોઇનાથી કંઇ નહી થાય...! ” ખીન્ન મને શ્વાસ છોડતા રમણીક મહારાજ બોલ્યા હતા. “ આ રાઝ વિભૂતી નગરના ગણ્યા-ગાંઠયા પરીવારોજ જાણે છે એટલે તારે મને વચન આપવુ પડશે કે હું જે તને કહું એ વાત તારે બહાર કોઇની સમક્ષ ભુલમાં પણ ઉખેળવી નહી....!”

“ પણ.....એવુ તો શું છે...? અને તમે આટલા ચિંતિત કેમ છો....? ” શંકર મહારાજને આશ્ચર્ય થતું હતું કેમકે તેમણે પોતાના પિતાજીને આટલા વ્યગ્ર કયારેય જોયા નહોતાં. ગામની ભાગોળે આવેલા ડુંગર ઉપર ગામ લોકોએ ભેગા મળીને વર્ષો પહેલા પહાડની ટોચની જગ્યા સમથળ કરી એક વિશાળ શિવ-મંદિર બંધાવ્યુ હતું. એ શિવ-મંદિરનો તમામ વહીવટ રમણીક મહારાજ જ્યારથી સમજણાં થયા ત્યારથી સંભાળતા આવ્યા હતા. તેમનાં ગયા પછી એ કારભાર પોતાના પુત્ર શંકર મહારાજના હાથમાં આવવાનો હતો એ વાતથી તેઓ ભલી-ભાતી માહિતગાર હતા.

“ આ નગર આપણા વડવાઓ એ બહુ મહેનતથી વસાવ્યુ છે શંકર. આપણા બાપ-દાદાઓએ કરેલી મહેનતનાં મીઠા ફળ અત્યારે નગરવાસીઓ ખાઇ રહયા છે....પરંતુ જેમ દિવા તળે અંધારુ હોય એમ આ વિભૂતી નગરની પણ એક કાળી બાજુ છે જેનાથી અમુક લોકો ભલી-ભાતી માહિતગાર છે. એ અમુક લોકોમાં હું પણ સામેલ છું. ભલે મેં મારી જીંદગીમાં આજદિન સુધી કોઇને સહેજપણ દુઃખ પહોંચાડયું ન હોય, તેમ છતાં.....મને ડર લાગે છે કે જ્યારે કુદરત તેનો હિસાબ માંગશે ત્યારે મારે પણ જવાબ આપવો પડશે....” દુર ક્ષીતીજમાં તાકતા રમણીક મહારાજ આજે કોઇ અજબ મુડમાં બોલ્યે જતાં હતા. એ વયોવૃધ્ધ આદમીના ચહેરા ઉપર અચાનક વર્ષોનો થાક ઉભરી આવ્યો હોય તેમ તેમનો ચહેરો નિસ્તેજ બન્યો હતો. શંકર મહારાજને બીક લાગી કે કયાંક બાપા અત્યારે જ ચાલી ન જાય....!

“ તમે નાહકની ચીંતા કરો છો પિતાજી. તમારા મનમાં જે હોય તે મને કહી દો. હું વચન આપુ છુ કે એ વાત કયાંય બહાર નહી જાય....” ધરપત આપતા અવાજે તેઓ બોલ્યા હતા. રમણીક મહારાજે પોતાના પુત્રની આંખોમાં ઝાંકયું....અને તેમણે એક કહાની કહેવી શરૂ કરી. એ કહાની હતી વિભૂતી નગરના સર્જનની...! ભયંકર ગરીબીમાંથી અચાનક જ તવંગર થયેલા પરીવારોની....ક્રુરતાપૂર્વક આચરાયેલા એક કૃત્યની.....અત્યંત્ય ધૃણાસ્પદ ભુતકાળની.....જે લોહીથી રક્ત-રંજીત હતો. શંકર મહારાજ પિતાજીનાં મોઢે એ વૃતાંત સાંભળીને થથરી ઉઠયા હતા. તેમનું હ્રદય કહાનીના એક-એક શબ્દે ભયાનક રીતે ધડકતું હતુ અને તેમની આંખો પહોળી થઇ હતી. વિભૂતી નગરનો ભુતકાળ આટલો કલંકીત હોઇ શકે એવી કલ્પના કદાચ તેમને સાત જન્મારે પણ આવી ન હોત....! શું આ સત્ય હોઇ શકે....? અને જો સત્ય છે તો શુકલા પરીવારનો એક સભ્ય હોવાના નાતે તે પોતે પણ એ કૃત્યનો ભાગીદાર ગણાવાનો હતો. બાપના કર્મોની સજા બેટો ભોગવે એ નાતે તેના વડવાઓએ આચરેલા કૃત્યનો જવાબદાર તે પણ બની જતો હતો. ઇશ્વરના દરબારમાં તેણે પણ નત્ મસ્તક થવું પડે તેમ હતું.

“ પિતાજી..... આ વાત બીજા કોને-કોને ખબર છે....? ”

“ ચોક્કસ તો મને પણ જાણ નથી....ઘણા વર્ષો વીતી ગયા છે. નગરમાં કયારેય કોઇના મોઢે એ ઘટનાની વાત સાંભળી નથી.”

“ પણ તમે કહો છો એમ, એ ઘટના ઘટી તેને વર્ષો વીતી ગયા છે. તો પછી આટલો બધો સંતાપ શેનો....? શું તમને એમ લાગે છે કે આપણાં પરીવારના વડવાઓએ આચરેલા એ અધમ કૃત્યનો બદલો કુદરત આપણી સાથે લેશે....? તમને નથી લાગતું આવુ અનુમાન વધુ પડતું છે....! ” શંકર મહારાજે દલીલ કરી.

“ હું નથી જાણતો દિકરા....! પરંતુ એ અપરાધ ભાવ મારા જીગરને કોરી ખાય છે. હમણા-હમણાંથી મને વિચિત્ર પ્રકારના ભણકારા સંભળાઇ રહયા છે. જાણે કોઇ મને બોલાવી રહયું હોય એવા ભણકારા.....!! આજે એટલે જ મેં તને બોલાવ્યો છે અને બધી વાત કરી છે. જેથી ભવિષ્યમાં તું સાવધ રહી શકે....” કહીને રમણીક મહારાજ શાંત થઇ ગયા હતા. વાત ત્યાંજ સમાપ્ત થઇ હતી. એક અક્ષમ્ય અપરાધના ભાવ સાથે શંકર શુકલા ત્યાંથી ઉભા થયા હતા.

બાપ-દિકરા વચ્ચે એ પછી તેના વિશે કોઇજ ચર્ચા થઇ નહોતી. બંને માણસો ખામોશ રહીને પોત-પોતાના કામમાં મશગુલ બની ગયા હતા. જાણે તેમની વચ્ચે એવી કોઇ ચર્ચા થઇ જ ન હોય.....તે દિવસ પછી બરાબર એક મહિના બાદ રમણીક મહારાજ કોઇ અજ્ઞાત બીમારીમાં સપડાયા હતાં અને તેમનું મરણ થયુ હતું. શંકર મહારાજે ભારે હ્રદયે પોતાના પિતાના નશ્વર દેહને અગ્નિદાહ આપ્યો હતો.

વહેતા સમય સાથે તેમણે પણ એ વાતને મગજના એક ખુણામાં ભંડારી દીધી હતી. તેઓ પોતાના કર્મ-કાંડના વ્યવસાયમાં ગળાડુબ બની દેશ-વિદેશની સફરો ખેડતા રહયા હતા. ભુતકાળમાં વિભૂતી નગરમાં જે થયુ હતુ એ તે સમયે જ સમાપ્ત થઇ ગયું હશે એવું મન મનાવીને તેઓ જીવવા લાગ્યા હતા.

પરંતુ....સાવ અચાનક એક દિવસ તેમને વિભૂતી નગર પાછા ફરવાનો વિચાર આવ્યો હતો. એવું મન કેમ કરતાં થયું હતું એ તેમને પણ સમજાયુ નહોતું. ઓશ્ટ્રેલીયાના સીડની શહેરમાં એ સમયે તેઓ એક યજમાનનાં ઘરે આવ્યા હતા. એ યજમાનના નવા ટેનામેન્ટનું વાસ્તુ તેમને લેવાનું હતું.....અને અચાનક તેમને વિભૂતીનગર યાદ આવ્યુ હતુ. તે દિવસેજ તેઓએ ફલાઇટમાં ટીકીટ બુક કરાવી હતી અને મુંબઇ આવવા નીકળી પડયા હતા. પ્લેનમાં તેમનો ભેટો ઇશાન સાથે થયો હતો. ઇશાનને જોઇને ન જાણે કેમ, પરંતુ તેમને થોડી રાહત થઇ હતી. ઉચાટ ભરેલા તેમના મનમા શાંતીના ભાવો જન્મ્યા હતા. એવું કેમ થયુ હતુ એ તેઓ સમજી શકયા નહોતાં...અને એટલે જ તેઓ ઇશાનથી છુટા પડી થોડું વિચારવા માટે મુંબઇ રોકાઇ ગયા હતા.

“ સાહેબ....બીજુ કંઇ જોઇએ છે....?” બારમાં કામ કરતા વેઇટરના અવાજે અચાનક શંકર શુકલાને વર્તમાનમાં લાવી દીધા.

“ હેં....ઓહ....” તેમને કંઇ સમજાયુ નહી.

“ આ છેલ્લી સર્વીસ છે. કંઇ જોઇતું હોય તો લેતો આવું. પછી બાર બંધ થઇ જશે.....” વેઇટર બોલ્યો.

“ ઓહ......કેટલો સમય થયો....?”

“ સાડા દસ.....”

“ ઓહ.....ના હવે કંઇ નથી જોઇતું. તું બીલ લેતો આવ....” શંકર મહારાજ બોલ્યા. ભુતકાળને ઉખેળવામાં સમય કયાં વહી ગયો એ તેમના ધ્યાનમાં રહયું નહી. થોડીવારમાં વેઇટર આવીને બીલ મુકી ગયો. મહારાજે પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા કાઢી બીલ ચુકવ્યુ અને બારની બહાર નીકળ્યા. તેમણે વ્હિસ્કીના માત્ર બે જ પેગ પીધા હતા. બે પેગ પીવા માટે તેમણે બે કલાકથી વધુનો સમય બારમાં ગાળ્યો હતો. ત્યાંથી સીધા તેઓ હોટલે આવ્યા હતા અને પોતાના રૂમની ચાવી લઇને બુક કરેલા કમરામાં ચાલ્યા ગયા.

વ્હિસ્કી સાથે ખાધેલા નમકીનથી તેમનું પેટ ભરાઇ ગય હતું એટલે હવે જમવાની કોઇ ઇચ્છા રહી નહોતી. કપડા બદલાવ્યા વગરજ તેઓ બેડમાં પડયા. વિચારી-વિચારીને તંગ થયેલું તેમનું મન તરત જ ગહેરી ઉંઘમાં સરી પડયુ હતું.

(ક્રમશઃ)

પ્રવિણ પીઠડીયા

વોટ્સએપ—૯૦૯૯૨૭૮૨૭૮

ફેસબુક—સર્ચ Praveen Pithadiya.

મારી અન્ય નોવેલ્સ---જેવીકે....નો રીટર્ન, નસીબ, અંજામ, પણ વાંચજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED