૧. ન્હાઇ લેજે
દાદાજીને હું ખૂબ જ વ્હાલો. એ રોજ વહેલી સવારે મને વાંચવા માટે ઉઠાડે અને છાપું આવ્યું હોય તો વાંચીને ફરીથી સૂઇ જાય.
આજે પણ દાદાજી વ્હેલી સવારે ઉઠ્યા હતા. મને જગાડ્યો હતો. ક્યારેય નહીં ને આજે દાદાજીએ મારા માટે પાણી ગરમ કરી રાખ્યું હતું અને મને ન્હાઇ લેવાનું કહીને સૂઇ ગયા.
સવારે હું દાદાજીને ઉઠાડવા ગયો ત્યારે ખૂબ ઢંઢોળવ છતાં દાદાજી જાગ્યા નહીં. એ નિદ્રા અસામાન્ય હતી. દાદાજીએ ન્હાઇ લેવાની કરેલી વાત હજુ મારા કાનમાં ગુંજી રહી હતી.
૨. પતિ પરમેશ્વર
બાઇ બહાર ઊભી હતી. એણે ઠાલવી જ નાખ્યું : “ ક્યાં મારી ગઇ’તી પંદર દિ’ થી ? નો કાંઇ સમાચાર કે ઠેકાણાં. કામ કરવું હોય તો હરખું કર્ય, નંઇ તો ના પડી દે. બે દિ’ આવવું ને પાંસ દિ’ નો આવવું ને ઉપરથી પૈસા તો પૂરા લઇ લેવા.”
પેલીનું મૌન.
“ હેઠું મોઢું ઘાલીને ઊભી સો તો કાંક બોલ તો ખરી. મોઢામાં માગ ભરી રાખ્યા સે ! એક તો ભૂલ કરવી ને ઉપરથી પાસા આહુંડાં પાડવાં.”
“ બો, રમલાના બાપાએ મારી’તી તે દવાખાને રેવું પડ્યું. ભાઇડા હાળા કૂતરા જેવા. રોટલો નાખો કે તરત પૂંસડી પટપટાવે. ખીજાય તો કરડી જાય. હું કેવું ? કાંઇ વિશારે નંય. મનમાં આવે એમ કરી નાખે. પાશે વાંહેથી પહટાય. ઘણીવાર રોટલાની જેમ ટીપી નાખે. ટકટકાટી તો રોજ કર્યે રાખે.”
“ તોય એવા હગલાને વળગી રઇ ? આપણે હું કાંઇ એના ગુલામ સે ન ? પાણા હાર્યે પાણા થવું જોઇ હમજી ? એવા ભાયડા હોય કે નો હોય, હું ફેર પાડવાનો ? એની કરતાં મારી જેમ જુદી જ થઇ જા ને !”
ગળે ડૂમો ભરાતા “ બસ, બસ બોન, રાખો તમારી પાંહે નોકરી. જુદા થઇ જવાની શિખામણેય તમારી પાંહે જ રાખો. ઇ મારે તો મને ઇમ રાખેય સે.”
૩. છાણા થાપવા એટલે
મન હું ખબર્યે કે હું છાણા થાપી હ...
મારી આઇએ છાણા થાપેલા. પડખે ઊભી રઇને મારી બાને છાણા થાપતી હું જોઇ રે’તી. મને થ્યું લાવ્યને હુંય... હુંય શીખી ગઇ.
ઘરમાં કટકટલ્યું કામ હોય. હવારમાં ઊભા થાઇ તે હાંજે બેવડું પોટલું થઇ જાઇ. કારેક પાછું વાડીનુંય કામ હોય. મને તો છાણા થાપવાનું ને ભારત ભરવાનું કામ બવ ગમે.
નવરી પડું એટલે છાણા થાપું. કૂંવળ, લાદ, બકરીની લીંડી, લાકડાનો છોલ, બાવળની પાની, ડૂંહાં, માંડવીના ફોફાં એમ અલગ બધું છાણ હાર્યે કદવાળીને એવો તો લોંદો બનાવું કે પછી જોઇ લ્યો છાણા બને ઇ ! પાતળી આંગળીની છાપવાળા પાતળાં એક જ હરખા ગોળ મોઢાવાળા છાણા બનાવું કે હુંકાઇ જાય તંયે તો એકદમ હળગી જાય. આવાં છાણા બનાવતી જોઇને બા હરખાઇ ગયેલી. પછી તો મૂળ કામ જ ઇ થઇ ગયેલું.
બધાય કે’સ કે લગન થ્યા પછી હું છાણા થાપવામાં ઇથીયે તે આગળ વધી ગઇ.
બાપ ગોતરમાં માછલાને કા’રેય હાથ નો’તો અડાડ્યો ને ઇ નંઇ એનું જ શાક કરીને ખવડાવ્ય. હાહરોય હવાધ્યો. ઇ મોટે ભાગે દેશી ‘અમરત’ પણ પીઇને આવતો ને એમાં મારી ‘ધોણ’ થાવા માંડી. ક્યાં હુંધી ખમું ?
મનને એમ કે વે’લુ મોડું હમજશે. પાંસ વરહ ઘરે આવીને એની રાહ જોઇ. ઇ તો હમુંકનો વકર્યો. આખી ન્યાતે હમજાવ્યું કે હું એને સોડી દવ.
છેલ્લા બે વરહથી મારા બાપુ ક્યાંક બીજું ગોતતા. મળતુંય ખરું. પણ મારે ક્યાં એક ભવમાં બીજો ભવ કરવો’તો. માનું જ નંય ને.
આટલું લાંબુ કોઇ સોકરી આમ ઘેર આવીને બેઠી હોય એવું અમારા કટમ્બમાં કોઇ દિ’ બન્યું નો’તું પણ મને તો ઇ થાય કે સોકારો ગમે આટલા વરહ ઘેર બેહી હકે એનો વાંધો નંય ને સોકરીને લગન થ્યે ઘર મટી જાય એવું ક્યાં શાસ્તરમાં લખ્યું હશે ?
બાપની ટકટકાટી રોજ માથે ઝીંકાતી તોય હું તો નવરી પડું કે છાણા થાપવા બેહી જ જાવ સું. ટાંટીયો વાળીને બેહવાનું કેમ ગમે ?
પણ બાપુ કેય સે કે હવે હું છાણા થાપવાનું બંધ કરી દવ તો હારું.
૪. ઝાપટું
પલાશ નિશાળેથી ઝાપટામાં પલળીને આવ્યો.
એ બારી બહાર જોઇ રહ્યો. ઝાંખાં ઝાંખાં દૃશ્યો એની સામે આવ્યાં. કેટલાંક વર્ષો પહેલાં એ પણ પલાશ હતો ત્યારે બકરા ચરાવવાની મજા કંઇ ઓર જ હતી. વરસાદમાં પલળીને આવતો ત્યારે બા ગરમ લાપસી બનાવીને હોંશે હોંશે ખવડાવી દેતી. માલણ નદીનાં રેલગાડીનાં નાળા પાસે ઢાળમાં લસરપટ્ટી કરીને નવી ચડ્ડી અઠવાડિયા પંદર દિ’માં તો હતી નો’તી કરી નાખતો. વ્હીસલ કરતી રેલગાડી નીકળતી ત્યારે બાવરો બની એની પાછળ દોઅડતો. પાણા કાઢેલી ખાણોમાં ભરાયેલા પાણીમાં ભાઇબંધો સાથે નહાવા પડતો. એકવાર તરતાં નો’તું આવડતું ત્યારે કેવો ડૂબી જાત .. !
બા ગઇ એને વર્ષો થયાં. એનામાં કેટલાંય વર્ષોનાં શ્વાસ પાંસળીમાં ભરાઇને વહી ચૂક્યા.
પલાશ ક્યારે પાસે આવીને ઉભો રહ્યો એની ખબર ન પડી. એનો હાથ પકડીને કહે, “ દાદાજી ! ચાલોને બહાર ન્હાવા જઇએ.”
એ અચાનક જાગ્યો; હેં હા, હા, ચાલો કરતાંક હેતથી એનો હાથ તેના માથા પર ફર્યો. થોડીવાર પહેલાં શરૂ થયેલાં ઝાપટાંએ વધુ જોરથી પડવું શરૂ કર્યું, ને એ બંને બહાર નીકળ્યા.
૫. ટ્રાયસિકલ
કેટલી બધી માનતાઓ પછી કંદર્પ આવ્યો હતો. રણ જેવી જિંદગી વચ્ચે એમને દરિયો મળ્યો હતો. બા તો એને નજર પાસેથી ખસવા જ ન દે.
બે વરસ પછી બા કંદર્પને ટ્રાયસિકલ શીખવી રહ્યા હતા. હં......અ, જો ભઇલા આમ ચલાવાય જો.... જો પડાય નહીં હા.... જરા આ બાજુ, એમ નહીં.... જુઓ આ રીતે, ધીરે ધીરે હો.... ને એમ સલાહ સૂચનો આપતી બા એવે વખતે હર્ષથી તાજી ખીલેલી કળી જેવી પુલકિત બની જતી. આંખમાંથી આંસુ છલકાઇ જતાં.
હવે વાત જુદી છે. ઘરની બહાર ટ્રાયસિકલ લઇને જતાં ત્રેવીસ વર્ષનાં કંદર્પને તાકી રહે છે. ત્યારેય આંસુ તો....
૬. દોડ
રણ અફાટ હતું. એ ખેંચાયે જતો હતો. પાણી દૂર દૂર જતું હતું. તરસ વધતી જતી હતી. ભટકી-ભટકી થાકી જવાયું. આખરે તળાવ મળ્યું. લાગલું જ મોઢું લગાવી પાણી પીવા માંડ્યો. તરસ છીપી જ નહીં. જાણે પેટમાં કાણું પડ્યું. બધું પાણી બહાર નીકળી ગયું.
એનાથી જાગી જવાયું. માંડ માંડ ઊંઘ આવી હતી. એણે આકાશમાં નજર ફેરવી. તારોડિયા ઝાંખો પ્રકાશ ફેલાવતા હતા.
એને પોતાની તનતોડ મહેનતને અંતે મળ્યું હતું : દિવાલો. ચાર કાળી દિવાલો. અંધારું. એનાંથી ઘેરાયેલું ઘર. આવતી કાલે પણ એવું જ હશે.
પેલો રઘલો હતો. એને મહેનતને નામે મીંડું હતું. અંતે એને મળ્યું હતું : દિવાલો ચૂનાથી રંગાયેલી દિવાલો. બે મેડીઓ. એંશી વીઘા ખેડ. એક ટ્રેક્ટર, વીજળીની લાઇટથી ઝગતું ઘર. આવતી કાલે પણ એવું જ હશે.
પડખે વહેતી નદીનો અવાજ સંભળાયો. એ ઊભો થયો. નદી તરફ ચાલ્યો. ચોતરફ ઊંઘે ઘેરાવો ઘાલ્યો હતો. માણસ, પશુ, પંખી, વૃક્ષો – સૌ એમાં ઘેરાઇ ગયાં હતાં. ગામ આખુંય ઘસઘસાટ સૂઇ રહ્યું હતું.
ભેંશો અને ગયો ગમાણમાં બેપરવા લાંબી પડેલી હતી. પડખેથી નીકળ્યાં તોય કાળીયા કૂતરાને ખબર ન પડી. પોતાને કેમ ઊંઘ નથી આવતી ?
એ નદી કિનારે પહોંચી ગયો. ઠંડી હવાનો સ્પર્શ થયો. માએ જાણે મમતાભર્યો હાથ ફેરવ્યો.
નદી પડખે એ બેઠો. પગ બોળ્યા. ઠંડું લાગ્યું. મજા આવી. શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઇ. અજબ નશો છવાઇ જવા લાગ્યો. પ્રકૃતિ આખી શા માટે નિદ્રાધીન બની ગઇ હતી તેની એને ખબર પડી ગઇ.
એણે નદીમાંથી ખોબો પાણી પીધું. સંતોષ સાથે એ ખળખળ વહેતી નદીને જોઇ રહ્યો.