એક પતંગિયાને પાંખો આવી - 24 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી - 24

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 24

વ્રજેશ દવે “વેદ”

નાટક પૂરું થાય એટલે તેના પાત્રોને મળવાની ઈચ્છા થાય. તેના કલાકારોના સાનિધ્યને માણવાનું મન થાય. અને એ કલાકારો સુધી પહોંચી શકાય તો કેવી મજા પડે !

અહીં પણ એવું જ થયું. અઢી કલાકના સુંદર નાટકના બે કલાકારો, નીરજા અને વ્યોમાને મળવા, તેની સાથે વાતો કરવા, દોસ્તી કરવા, ઘણા બધા લોકો ઉત્સુક થઈ ગયા.

કેટલાય યાત્રીઓ તેના ડબ્બામાં આવીને બેઠા. તેની સીટ પાસે, સામેની સીટ પર, તો કેટલાક તેઓને ઘેરીને ઊભા રહી ગયા. સૌ નીરજા અને વ્યોમા સાથે વાત કરવા અધીરા હતા.

બધાને કશુંક કહેવું હતું, પોતાનું.

વ્યોમાએ સૌ સામે સ્મિત આપ્યું. નીરજા સૌની અવગણના કરી, બારી બહાર જોવા લાગી. થોડી વાર વ્યોમાએ સૌની વાતો સાંભળી, વાતો કરી અને હસીને સૌને વિદાય કર્યા. નીરજા મૌન જ જોતી રહી બારી બહાર. ધીરે ધીરે ટોળું વીખરાવા લાગ્યું.

કટિહાર સ્ટેશન પર ગાડી રોકાઈ. ટ્રેન હવે ત્રણ કલાક લેટ ચાલી રહી હતી. યાત્રીઓની ચડ-ઉતર થવા લાગી. ટ્રેન ફરી ચાલવા લાગી.

હજુ ય થોડા લોકો નીરજા અને વ્યોમા જોડે વાત કરવા માંગતા હતા. પણ બન્ને એવા કોઈ મૂડમાં નહોતા. બન્ને બારી બહારની દુનિયામાં ખોવાઈ ગયા. લોકો પણ સમય પારખી વિખરાઈ ગયા.

સૌ યાત્રીઓ ડિનરમાં વ્યસ્ત થઈ ગયા. થોડી વારે સૌ સૂઈ ગયા. નીરજા અને વ્યોમા માટે રાત હજુ યુવાન હતી. આટલું વહેલું સૂઈ જવાનો ઇરાદો નહોતો.

જાગતા રહ્યા બન્ને, ઘણી વાર સુધી. પણ અંતે નિંદ્રા જીતી ગઈ. બન્ને સૂઈ ગયા.

ટ્રેન પૂર્વ દિશા તરફ ધસી રહી હતી. અહીં દેશના બાકીના ભાગ કરતાં સૂર્ય વહેલો ઊગી જતો. સવારના ચાર વાગી રહ્યા હતા. નિંદ્રા અચાનક છટકી ગઈ. નીરજા જાગી ગઈ. બારી બહારના દ્રશ્યો જોવા લાગી. સૂર્યોદય પહેલાંનો આછેરો ઉજાસ આવુ આવું થઈ રહ્યો હતો.

ઓહ ! અદભૂત આકાશ ચારે તરફ પથરાયેલું હતું. તે ક્ષણો પર તે સ્થિર થઈ ગઈ. આકાશના પ્રત્યેક ખૂણામાં સૌંદર્ય હતું. તે તેને આકર્ષી રહ્યું. આકર્ષણ ! તિવ્ર આકર્ષણ ! તે નજર ના હટાવી શકી, આકાશના અલૌકિક સૌંદર્ય પરથી.

ધીરે ધીરે પ્રકાશ વધવા લાગ્યો. હવે ત્યાં અંધકારનું કોઈ જ સ્થાન બચ્યું ન હતું. પૂર્ણ પ્રકાશ પૂંજ સૂર્ય, હવે ઊગી રહ્યો હતો. તેના આગમન પહેલાંની ક્ષણોનો પ્રકાશ પોતાનું સ્થાન લઈ ચૂક્યો હતો.

નીરજાએ આળસ ખંખેરવા બન્ને હાથ પહોળા કર્યા. ડાબો હાથ કોઈ સાથે અથડાઇ ગયો. તે ચમકી ગઈ. તેણે ડાબી બાજુ ઝડપથી નજર કરી.

ઓહ. વ્યોમા !

વ્યોમા તેની બાજુમાં જ આવીને ક્યારની ય સીટ પર બેસી ગઈ હતી. તે પણ નીરજાની જેમ જ બારી બહારના પ્રત્યેક દ્રશ્યને, પ્રત્યેક ક્ષણને માણી રહી હતી, નીરજા સાથે જ. પણ નીરજા બેખબર હતી. તેને એમ જ હતું કે વ્યોમા હજુ પણ સૂતી છે.

વ્યોમા નીરજાની જેમ જ થોડી વાર પહેલાં જ જાગી ગઈ હતી. નીરજા તરફ નજર કરી જોયું, તો નીરજા બારી બહાર જોઈ રહી હતી. નીરજાને ખલેલ ના પહોંચે તેમ તે નીચે ઉતરી ગઈ. નીરજાની બાજુમાં બિલ્લિ પગે આવીને બેસી ગઈ. નીરજાને તેની ખબર નહોતી પડી.

નીરજા અદભૂત આકાશને જોઈ રહી હતી. વ્યોમા પણ તેને ખલેલ પહોંચડ્યા વિના, ધ્યાન ભંગ કર્યા વિના જ, તેની બાજુમાં બેસીને એ જ દ્રશ્યો, એ જ આકાશ, એ જ પ્રકાશને માણતી રહી.

નીરજાનો હાથ લાગ્યો ત્યારે બન્ને ચોંકી ગઈ. બન્નેનું ધ્યાન ભંગ થયું હતું. બન્ને સામસામે હસી પડી. નીરજા હસ્તી રહી, પણ વ્યોમા તરત જ ગંભીર થઈ ગઈ.

નીરજાને નવાઈ લાગી. આવું ક્યારેય બન્યું નહોતું. જ્યારે તેઓ બન્ને હસતાં ત્યારે ખૂબ હસતાં, લાંબા સમય સુધી હસતાં રહેતા.

પણ આમ અચાનક વચ્ચે જ હસવાનું બંધ કરી, વ્યોમાનું ગંભીર થઈ જવું, નીરજાને સમજાયું નહીં. તેણે પણ હસવાનું બંધ કરી દિધું. તેની આંખમાં વ્યોમા માટે પ્રશ્ન હતો, ‘શું વાત છે, વ્યોમા?’ અને વ્યોમાની આંખમાં નારાજગી.

બન્નેએ એકબીજાની આંખો વાંચી લીધી.

“વ્યોમા. કોઈ વાત જરૂર છે. આમ કેમ વર્તે છે?” નીરજાને શબ્દોનો સહારો લેવો પડ્યો.

ઘણી વાર સુધી વ્યોમા મૌન રહી. બહાર નજર કરતી બેસી રહી. કોઈ પ્રતિક્રિયા વિના જ.

નીરજા માટે આ ક્ષણો અજાણી અને અસહય હતી. તેણે વ્યોમાનો હાથ પકડી લીધો.

વ્યોમાએ ઝટકા સાથે તે છોડાવી લીધો. એક તીક્ષ્ણ નજર નીરજા તરફ કરીને, ફરી મોઢું ફેરવી બહાર જોતી બેસી રહી.

“અરે બાબા, કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દે, પણ આમ નારાજ ના થઈશ. શું વાત છે એ કહે ને પ્લીઝ.” નીરજા હવે તેણે મનાવવા લાગી.

“માફ કરી દે? ક્યારેય નહીં. મેં નહોતું ધાર્યું, કે તું આટલી સ્વાર્થી હશે.” વ્યોમાએ મૌન તોડ્યું.

“સ્વાર્થી? અને હું? ...”

“હા. તું. બિલકુલ સ્વાર્થી.“

“કેવી રીતે?” નીરજાએ વ્યોમાની આંખમાં આંખ નાંખી પૂછ્યું.

“બસ, બધો ખજાનો એકલા એકલા લૂંટી લેવો છે. મને કોઈ ભાગ નહીં આપવાનો. તું આટલી સ્વાર્થી થઈ જઈશ, એવું મે ક્યારેય નહોતું ધાર્યું.“ વ્યોમા હવે સ્પષ્ટ લડી લેવાના મૂડમાં હતી.

“કેવો ખજાનો? કેવો ભાગ? તું શું વાત કરે છે? કશું ય સમજાતું નથી. કાંઈક સમજાય એવું બોલ ને પ્લીઝ..” નીરજા હવે ખરેખર દ્વિધામાં પડી ગઈ.

“કુદરતો ખજાનો. તેનું સૌંદર્ય તારે એકલીએ પી જવું છે. માણી લેવું છે. કોઈ તેમાં ભાગ પડાવે તે તને મંજૂર નથી.”

“એટલે?”

“એ જ કે ટ્વીલાઇટનો સમય થયો અને તું જાગી ગઈ, પણ મને જગાડવાને બદલે બસ એકલી એકલી જ તેને જોવા લાગી. માણવા લાગી. તને એ પણ યાદ ના રહ્યું કે હું ટ્રેનમાં તારી સાથે જ સફર કરી રહી છું અને મને પણ આ સૌંદર્ય એટલું જ પ્રિય છે જેટલું તને. પણ, ...”

“ઓહ, વ્યોમા. એમ વાત છે? એ તો ...” નીરજા પ્રયાસ કરવા લાગી વ્યોમાના ગુસ્સાને ઘટાડવાનો. પણ વ્યોમા આજે ખરેખર નારાજ હતી. કદાચ નીરજા પર પહેલી વાર નારાજ હતી. અને એ પણ ખૂબ જ.

તે નીરજાની કોઈ વાતમાં આવીને માની જવા તૈયાર ન હતી. નીરજાએ ખૂબ પ્રયાસ કરી જોયા, પણ વ્યોમા માની નહીં..

થાકી ગઈ, હારી ગઈ, નીરજા. હવે તે વિચારવા લાગી કે વ્યોમાને કેમ કરી ખુશ કરી શકાય ! કેટલોય સમય વિતી ગયો. બંને મૌન યાત્રા કરતી રહી. સ્ટેશનો આવતા ગયા. દિવસ ચડતો ગયો. પણ વ્યોમાનો પારો ઊતરતો ન હતો.

નીરજા હવે ખરેખર પરેશાન હતી. તે સીટ પરથી ઉઠી. બેગ ખોલી. વ્યોમા પણ ઉઠી. બાથરૂમ તરફ ગઈ.

નીરજાને તક મળી ગઈ. વ્યોમાની ગેરહાજરીનો લાભ લઈ, તે પોતાની યોજના અમલમાં મૂકવા લાગી.

તેણે વાંસળી બહાર કાઢી. ઊંડો શ્વાસ લીધો. ગળું ખંખેરી લીધું. અને હોઠ પર માઁડી દીધી, વાંસળીને. તેને ખબર હતી કે સાથી યાત્રીઓને કદાચ તેના વાંસળીના સૂરો ખલેલ પહોંચાડે અને કોઈ નારાજ પણ થઈ જાય.

પણ આજે તેને બીજા કોઈના નારાજ થવાની પરવા ન હતી. તે તો તેની સખી વ્યોમાની નારાજગી દૂર કરવા માંગતી હતી. તે માટે તે બીજા બધાની નારાજગી વહોરી લેવા તૈયાર હતી.

વાંસળીના સૂરો સર્જાવા લાગ્યાં. વાતાવરણમાં ફેલાવા લાગ્યા. ટ્રેનની ગતિની સાથે સાથે તે પણ યાત્રા કરવા લાગ્યા.

સૌ યાત્રીઓ વાંસળીના સૂરોને સાંભળવા લાગ્યા. વ્યોમાએ પણ તે સાંભળ્યા. તે સમજી ગઈ કે આ સૂર નીરજાની વાંસળીના જ છે. નીરજાની વાંસળી કોઈ કરૂણ સૂરોને છેડી રહી હતી.

‘નીરજા અત્યારે ટ્રેનમાં વાંસળી વગાડે છે? તેનો અર્થ એ છે કે તે મને મનાવવા માંગે છે. મારે હવે વધુ વાર નારાજ રહેવું સારૂ નહીં.’ તેણે ઝડપથી મોઢું ધોઈ લીધું. અને દોડી ગઈ નીરજા પાસે.

નીરજાને ભેંટી પડી. નીરજાની આંખમાં જોવા લાગી. નીરજા રડી રહી હતી. વાંસળીના સૂરો અને આંસુઓની જુગલબંધી જોઈને, વ્યોમા પણ રડવા લાગી. તેણે નીરજા પાસેથી વાંસળી લઈ લીધી.

એક બીજાને ભેટીને બેસી રહ્યા, કયાઁય સુધી. બંનેની આંખો વરસતી રહી, કયાઁય સુધી. બધી જ નારાજગી આંસુઓ સાથે તણાઈ ગઈ. શબ્દોને માટે હવે કોઈ અવસર ન હતો.