અંધ વકિલની અનોખી દાસ્તાન... Jaydeep Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધ વકિલની અનોખી દાસ્તાન...

અંધ વકિલની અનોખી દાસ્તાન...

દ્રષ્ટિ વિહીન વકિલની 30 વર્ષની વકિલાત..

-જયદીપ પંડ્યા

દ્રઢ નિશ્ચય, અડગ મનોબળ અને પ્રબળ આંતરિક શકિત પહાડ જેવડી મુશ્કેલીઓને પણ મ્હાત કરી સફળતા અપાવે છે. ઘણા એવા પણ કલાકારો છે કે જે પોતાની કમજોરી કે ગંભીર બીમારીને હથિયાર બનાવી સફળતાના શીખરો સર કરતા હોય છે. જીવનમાં આવતી વિપરીત પરિસ્થિતિના સમયમાં અથાગ મહેનત કરી જિંદગી સામે ઝઝુમવાની જે તાકાત ધરાવે છે તેને ખરા અર્થમાં હિમાલય જેટલી ઉંચી ખ્યાતિ મળે છે. બંધ આંખોએ પણ ચડી છે સફળતાની સીડી આવી જ કંઈક દાસ્તાન છે કોડીનારના અંધ વકિલની. આંખો ગુમાવી દીધી છે તેમ છતાં પણ પોતાના આંતરિક બળના જોરે છેલ્લા 30 વર્ષથી વકિલાત કરે છે દ્રષ્ટી ગુમાવી પરંતુ હિમ્મત હાર્યા વગર આત્મવિશ્વાસ પૂર્વક દિવ્ય દ્રષ્ટી કેળવી હજારોને ન્યાય અપાવ્યો છે. જીવનમાં સફળ થવા માટે દ્રષ્ટી નહીં પણ દ્રષ્ટીકોણ મહત્વનો છે. અડગ નિર્ધાર હોય તો માણસ પોતાના બળે સફળતાના શીખરો પાર સર કરી શકે છે.

અંદાજીત 40 હજારની વસ્તી ધરાવતા ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનારમાં રહેતા 73 વર્ષીય અંધ વકિલ ભાનુભાઈ ઉપાધ્યાય દ્રષ્ટિહીન છે તેમ છતાં પણ કાયદાની આંટીઘુંટીને ઉકેલી ઉત્કૃષ્ટ વકિલાત કરી જાણે છે. તેમના જીવનમાં આવેલી મુશ્કેલીથી લઈને સફળતા સુધીના સફરની કહાની અનોખી છે. ભાનુભાઈના જન્મ પહેલા જ તેમના પિતા દયાશંકરભાઈનો સ્વર્ગવાસ થઈ ગયો ત્યારબાદ માતા પાનકુંવરબેન અને દાદા રૂગનાથભાઈએ ભાનુભાઈનો ઉછેર કર્યો. ભાનુભાઈ પ્રાથમિક શાળામાં હતા ત્યારે જ તેમને બન્ને આંખમાં માઈનસ 12 નંબર હતા એટલે દ્રષ્ટી તો પહેલેથી જ નબળી હતી. તેમનું પ્રાથમિક શિક્ષણ કોડીનારમાં પૂર્ણ થયુ. બાદમા ઉનામાં બોર્ડની પરિક્ષા આપી અને ત્યારબાદ કાકા જન્મશંકર અને પ્રાણશંકરભાઈના હાર્ડવેરના બિઝનેસમાં હતા તે દરમ્યાન જ 1971માં તેમના લગ્ન માલતીબેન સાથે થયા પત્નીની પ્રેરણાથી ભાનુભાઈએ રાજકોટમાં એલ.એલ.બી કર્યુ અને 1973માં સનદ મેળવી.

દ્રષ્ટિ નબળી પડતી જતી હતી તેમ છતાં પણ ભાનુભાઈએ હિંમત હાર્યા વિના પોતાની વકિલાતની પ્રેકટીસ મુળ વતન કોડીનારમાં આવી શરૂ કરી તેમની એક ખાસિયત એ છે કે તેમને કોઈ સીનીયર એડવોકેટ હેઠળ જુનિયરશીપ કરવાને બદલે કોર્ટના રેકર્ડરૂમમાં જઈને અલગ-અલગ કેસનો અભ્યાસ કરતા હતા. સુપ્રિમકોર્ટ અને હાઈકોર્ટના લો અને રીપોર્ટસનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો તે વખતે હાઈકોર્ટના જસ્ટીસ બીપીનચંદ્ર દિવાન ઉપરાંત જસ્ટીસ રાજુ અને વાય.પી.ચંદ્રચુડ સહિતના બૈધ્ધિક વકિલોના ચુકાદાઓ વાંચ્યા અને તેના થકી જ ભાનુભાઈ કાયદાના કાબેલ બન્યા.

પહાડ જેવડી મુશ્કેલી જેનો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો તે આવી પડી 1984 માં ભાનુભાઈને આંખના ઓપરેશન માટે અમદાવાદમાં રેટીના સ્પેશ્યાલીસ્ટ પાસે લઈ જવાયા પરંતુ ઓપરેશન સફળ ન રહેતા ભાનુભાઈએ પોતાની બન્ને આંખો ગુમાવી. અણધારી આવી પડેલી મુશ્કેલીને લીધે ભાનુભાઈ હદયથી થોડા નબળા પડી ગયા હતા તે સમયે તેઓ છ માસ સુધી ઘરે બેસી રહયા હતા પરંતુ મિત્રો અને પરિવારના કહેવાતી ભાનુભાઈએ ફરી વકિલાત શરૂ કરી આ વખતે તેમના મનોબળને લીધે જ તેઓ જીવનની નવી શરૂઆત કરી શકયા. પત્નિ માલતીબેન કહે છે કે આંખો ગુમાવ્યા બાદ ભાનુભાઈએ ઘરમાં જ ઓફીસ શરૂ કરી હતી અને ખાસ તો તેમના મજબુત મનોબળે જ અમારા પરિવારને બચાવી રાખ્યો છે.

ભાનુભાઈને વકિલાતમાં મદદરૂપ બનનાર બી.એલ.જાદવ વડોદરા કોર્ટમાંથી થોડા સમય પહેલા એડીશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશ્ન્સ જજ તરીકે નિવૃત થયા તેમનુ માનવુ છે કે ભાનુભાઈ જેવા વકિલ મારી નજરમાં કોઈ નથી. તેઓ જમીન, મકાન, ભાડા કરાર અને મિલ્કતના પ્રશ્નોના સિવિલ કેસ અને જીવલેણ હુમલો, ખુન જેવા ક્રીમીનલ કેસ પણ લડતા. તેમને કોર્ટમાં જુબાની વખતે પણ તમામ બાબતો યાદ જ હોય.

ભાનુભાઈ સાથે જ વકિલાત કરનાર એલ.પી.દાહીમા કહે છે કે ભાનુભાઈ જેવા હિંમતવાળા માણસ મે આજસુધી જોયા નથી બન્ને આંખો ગુમાવ્યા બાદ પણ વકિલાતની પ્રેકટીસ ચાલુ રાખી અને ગુજરાતી ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ કેસ લડવામાં પાવરધા બન્યા. ભાનુભાઈના હેઠળ જુનીયરશીપ કરનાર અને હાલ કોડીનાર બાર એસોસીએશનનાં પ્રમુખ વિજયભાઈ ખખ્ખર તો ભાનુભાઈના વખાણ કરતા થાકતા નથી તેઓ બહુ જ ઉચીત રીતે કહે છે કે જેમણે બંધ આંખોથી પણ વકિલાતની દુનિયામાં તેજોમયતા બક્ષી તેવા ભાનુભાઈ દરરોજ જાતે જ યુનિફોર્મ, ટાઈ અને શુઝ પહેરે અને કલીન સેવ રાખે છે.

ભાનુભાઈના ત્રણેય પુત્રો પણ ઉંચા પદ પર બિરાજમાન છે સૌથી મોટા પુત્ર શીરીષભાઈ મહારાષ્ટ્ર ગોવર્ધન ડેરીમાં સી.ઈ.ઓ, મયુરભાઈ અમદાવાદ એચ.ડી.એફ.સી. બેંકમાં બ્રાન્ચ મેનેજર અને સમીરભાઈ કાબેલ એડવોકેટ છે .