ધક ધક ગર્લ - ૧૭ Ashwin Majithia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધક ધક ગર્લ - ૧૭

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૧૭]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.

અમારા પ્રોજેક્ટની સફળ રીલીઝથી ખુશ થઈને અમારા ડીરેક્ટર સાહેબે અમારી આખીયે ટીમનાં ભરપેટ વખાણ કરીને સહુને તે બદલ શિરપાવ આપવાની વાત કરી, ત્યારે બધા જ ખુશ થઇ ગયા કે હવે પ્રોમોશન મળશે કે પછી પગાર-વધારો અથવા તો બોનસ.
બધાની સાથે હું પણ તેટલો જ એકસાઈટેડ હતો. પણ જયારે સાહેબે ડીકલેર કર્યું કે તેઓ અમને એક વીક માટે કોઈ સુમસામ જગ્યાએ આવેલ રિસોર્ટમાં લઇ જવાના છે, તો હું થોડો ડીસઅપોઈન્ટેડ થઇ ગયો અને ત્યારે તો હું ખુબ જ નિરાશ થઇ ગયો, કે જયારે તેમણે ત્યાંના રહેઠાણ દરમ્યાન પાળવા પડનારા કાયદાઓ અમને બધાને સમજાવ્યા.
સાવ જ નિર્જન ઇલાકામાં આવેલ આ રિસોર્ટમાં કોઈ પણ મોબાઈલ-ઓપરેટરની રેન્જ નથી પહોંચતી એટલે કોઈના ય ફોન કે મેસેજ રીસીવ નહીં કરી શકાય. આવી જગ્યાએ લઇ જવાનો ઈરાદો તો તેમનો શુભ જ હતો કે અમારા ત્યાનાં રહેવાસ દરમ્યાન ઑફીસ, કે ક્લાયન્ટ કે પછી કોઈ પણ આલતુ-ફાલતું બિનજરૂરી ફોન-કૉલ્સ અમારી ત્યાંની શાંતિભરી સહેલમાં ખલેલ ન પહોંચાડી શકે. જોકે રિસોર્ટનો એક લેન્ડ-લાઈન નમ્બર તો હતો જ કે જે અમારે બધાએ ફક્ત અમારા ઘરવાળાઓને જ આપવાનો હતો, કે જેનો તેઓએ કોઈ ઈમરજન્સી અને ફક્ત ઈમરજન્સીમાં જ ઉપયોગ કરવાનો હતો.
પણ મને તો જોકે આ બધું ડીંડવાણું એક સજા જેવું જ લાગ્યું, કારણ મને હાલમાં જ નવો નવો પ્રેમ થયો હતો મારી માનીતી પ્રેયસી ધડકન સાથે. બસ.. થોડા દિવસ પહેલા જ અમે એકમેક પાસે અમારા પ્રેમની ઓફીશીયલ જાહેરાત કરી હતી. અને એવામાં સાવ જ અચાનક એકમેકથી સદંતર દુર રહેવાનું? તદુપરાંત ફોન કે ચૅટીંગ પણ નહીં કરવાની?
જુલમ જ હતો આ તો, મારા માસુમ પ્રેમ-ઘેલા હૃદય પર. અને ઑફ કોર્સ, ધડકન માટે પણ આ બધું એકદમ અસહ્ય જ હતું.

"વન વિક?" ઈઝ ઈટ?" -પડી ગયેલા ચહેરા સાથે ધડકને પૂછ્યું.

[ખરું પૂછો તો તેને આ વાત કહેતા મને કેવું કેવું થતું હતું કે ન પૂછો વાત. તેનું પડી ગયેલું મોઢું જોઇને મને પોતાને જ ગિલ્ટી ફીલ થતું હતું કે જાણે આમાં મારા સાહેબનો નહીં, પણ બધો વાંક મારો પોતાનો જ હતો]

"અને તું તારી મમ્મીને ફોન કરી શકીશ, પણ મને નહીં કેમ?"

"મમ્મી અને પપ્પાને.. અને તે સુદ્ધા ફક્ત ઈમરજન્સીમાં જ." –મેં મારો બચાવ કરવાનો મરણીયો પ્રયાસ કર્યો.

"રાઈટ..હું ક્યાં તારી ફેમીલી છું. મને ક્યાં તારી કોઈ ફિકર કે કાળજી હોય..કે પછી મને તો કોઈ ઈમરજન્સી આવવાની જ નથી ને, આ એક અઠવાડિયામાં. બરોબરને?"

"ધડકન..પ્લીઝ ડોન્ટ ગેટ અપસેટ. મને શું કોઈ મજા આવે છે આ બધામાં? સાંભળ..આઈ પ્રોમિસ કે જો મોકો મળશે તો હું નક્કી તને ફોન કરીશ જ. પ્રોમોસ."

અમારી તે સાંજ સાવ ઠીક-ઠીક જ વીતી. જેટલી અપસેટ તે હતી, તેટલો જ હતાશ હું પણ હતો. કોઈ જ મૂડ નહોતો કે બીજી કોઈ વાત કરી શકાય. એટલે અમારી તે ડેટ ટૂંકાવીને અમે બંને જલ્દી જ છુટ્ટા પડ્યા.

.

બાકી તે રિસોર્ટ તો એકદમ જક્કાસ જ હતો. ઘોર જંગલમાં વચ્ચોવચ તેને બનાવવામાં આવ્યો હતો. લીલાછમ ડુંગર પરથી પૂરવેગે નીચે ધસી આવતા પાણીના ધોધની લગોલગ જ આવેલા તે રિસોર્ટને જોઇને અમારી ટીમના લોકો તો જાણે તેની સુંદરતાથી અવાચક જ થઇ ગયા હતા. વૃક્ષોની કોઈ વધુ તોડતાડ કર્યા વગર જાડી મજબુત ડાળીઓના આધાર પર જ તેની કોટેજો બાંધવામાં આવેલી, જેને કારણે સો ટકા નેચરલ ફીલિંગ સાથે એક અહલાદ્ક વાતાવરણ નિર્માણ થઇ ગયું હતું.
દગડ અને લાકડાની સહાયતાથી ગુફાનાં આકારમાં જ આ બધી કોટેજ બનાવેલી હતી અને બેસવા માટેની ખુરશી અને બાંકડાઓ સુદ્ધા દગડનાં જ બનાવેલા હતા. તો કોટેજ અને રેસ્ટોરાંને જોડતો પુલ લાકડાનો હતો અને તે પુલ નીચે પેલા નજીકના ધોધનું નિર્મળ, સ્વચ્છ પાણીનું પુરજોશમાં ખળખળ વહેતું મસ્ત મસ્ત વહેણ. એકદમ આઉટ ઑફ ધ વર્લ્ડ જેવું જ તે બધું લાગતું હતું.
ઑફીસની પબ્લિક તો પોતાની બેગ વગેરે સાઈડમાં મુકીને સીધી ધોધ નીચે જ ઉભી રહી ગઈ, અથવા તો તે પાણીથકી નિર્માણ થયેલ નેચરલ સ્વીમીંગ પુલમાં ધુબાકા મારવામાં મશગુલ થઇ ગઈ.

પણ આટલા આ બધામાં પણ જાણે કે કંઈ ખૂટતું હોય તેવી લાગણીઓ સતત મને આ બધું માણવામાં પાછળ ખેંચતી રહી. મને યાદ આવી ગઈ પેલી અલીબાબા ચાલીસ ચોરની વાર્તા. કોઈક પાસવર્ડની મદદથી અંદર પ્રવેશીને પછી તે પાસવર્ડ ભૂલી ગયેલા પેલા કાસીમ જેવી મારી હાલત હતી. ગુફામાં આજુ બાજુ કેટકેટલાય અસંખ્ય હીરા-માણેક, દરદાગીના અહીંતહીં વેરાયેલા પડ્યા હતા. પણ તેને તે બધામાં તો કોઈ જ રસ નહોતો. તેને બસ રસ હતો પેલા વિસરાઈ ગયેલા પાસવર્ડમાં. મને આનંદિત રાખનારો..મને ખુશી આપનારો મારો પાસવર્ડ તો હતો મારી પ્રેયસીનું નામ..ધડકન, કે જે મારાથી કેટલાય માઈલ દુર હતી.

સાંજે બધા જ રિસોર્ટની લેન્ડ-લાઈનથી પોતાની પહોંચનો ફોન પોતપોતાનાં ઘરે કરી રહ્યા હતા. એક જ ફોન હતો, તો લાંબી લાઈન જ લાગી ગઈ હતી તે માટે. મોબાઈલ ફોન તો હું સાથે લઇ જ ગયેલો તેની ગોટો-ગેલેરીમાં ધડકનનાં પીક્સ હતા તેને ફુરસદમાં નીરખવા. બાકી ફોન-ઓપરેટરની રેન્જ જ તેમાં ન આવે તો શું કામનું. એટલે આખરે લાઈનમાં ઉભા રહીને વારો આવ્યો ત્યારે મેં ઘરે ફોન જોડ્યો..પણ ફક્ત મારી ખેરિયતની ખબર દેવા.

જોકે એક સરપ્રાઈઝ ત્યાં ય મારી વાટ જોતી હતી, કારણ એકાદ-બે મિનીટ સામાન્ય વાતો થઇ કે અચાનક જ મમ્મીએ મને કહ્યું-

"અરે તન્મય.. થોડીવાર પહેલા જ તારી પેલી ઑફીસ-કલીગ અહીં આવીને ગઈ."

[મારી ઑફીસ-કલીગ? હું ચમકી ગયો. અરે, મારી તો આખેઆખી ઑફીસ-ટીમ ત્યાં મારી આસપાસ તે રિસોર્ટમાં જ હતી, તો કોણ હોઈ શકે?]

"મારી કલીગ? કોણ?" –તરત જ મારા મોઢામાંથી નીકળી ગયું.

"અરે? શું કોણ? તારી ઓફિસમાં છે ને પેલી ધડકન..! તે આવી હતી."

"ધડકન..!" -હું પળવાર માટે તો ધડકી જ ગયો- "તે..તે શું કામ આવી હતી?" -મેં જાણી જોઇને એકદમ કંટાળીને પૂછતો હોઉં તેવા સૂરમાં પૂછ્યું.

"અરે આવું શું કરે છે? તેં જ તેને કહ્યું હતું ને? તમારા પ્રોજેક્ટની અમુક કોઈ ફાઈલો ઑફીસનાં કોમ્પ્યુટરમાંથી કોપી કરી લેવા માટે? પણ તેને કાલે ઓફિસમાં ખુબ મોડું થઇ ગયું હતું તો ત્યાંથી કોપી કરવાનું રહી ગયું, ને પછી તેને યાદ આવ્યું કે તારા લેપટોપમાં પણ તે ફાઈલો છે એટલે ઘરે આવી હતી. તેને હવે તારા લેપટોપ પર કામ કરવું છે."

"અરે હા..યાદ આવ્યું. મેં જ તેને કહ્યું હતું. પણ જો કે એવું બહુ કંઈ અરજન્ટ નથી. તો રહેવા દે, ના પાડી દેજે તેને. કારણ વગરનું કંઈ તોડીફોડી નાખશે મારા લેપટોપમાં." -મેં મારી નાપસંદગીનો ડોળ કરતા કહ્યું.

"એય શું રે? છોકરી હોય એટલે શું બધી એવી ડફોળ જ હોય કે? અમસ્તી અમસ્તી જ તમારી ઑફીસમાં કામ કરે છે કે તે? કંઈ તોડી-બગાડી નહીં નાખે તે. કેટલી મીઠડી છોકરી છે, તે તો."

મમ્મીના મોઢેથી ધડકન માટે મીઠડી છોકરી જેવું વિશેષણ સાંભળીને મારું તો શેર લોહી ચડી આવ્યું ને મુઠ્ઠીભર માંસ પણ. ધડકને મમ્મી પર એવું તે શું જાદુ કરી નાખ્યું હશે તે તો દેવ જાણે ,પણ મને આ બધું ખુબ લીલુંછમ લાગ્યું.

"ઓકે..ઠીક છે. કોપી કરી લેવા દે તેને. પણ અમથું અમથું અહીંતહીં કોઈ ફાઈલને હાથ ન લગાડે તેમ કહી દેજે તેને."

"ભલે ભલે.. કહી દઈશ. આવતીકાલે સાંજે તે ફરી પાછી આવવાની છે..લગભગ સાડા સાતે. ત્યારે ફોન કરજે ફરીથી. એટલે તેને જોઈતી બધી ફાઈલો તારા લેપટોપમાં ક્યાં ક્યાં છે તે બધું તેને તું કહી દેજે."

"ભલે ભલે...પણ મારાથી ફોન નહીં કરી શકાય. તું જ ફોન કરજે. મમ્મીનો ફોન છે એમ કહીશ એટલે તેઓ મને વાત કરવા માટે ફોન આપશે."

"ભલે. સાડા સાતે તે આવે એટલે હું કરું છું તને ફોન."

"સરસ..! ચલ.. હવે મુકું છું." -કહીને મેં વાત ટૂંકાવી કારણ પાછળ લાઈનમાં હજી ય પબ્લિક હતી જેમને ઘરે ફોન કરવાનો બાકી હતો.

અચાનક જ જાણે કે દસ હાથીનું જોશ મારી રગરગમાં દોડવા લાગ્યું હોય તેવી ફીલિંગ્સ આવી ગઈ. ઉત્સાહનો દરિયો ઉમટી આવ્યો મારા અંગે અંગમાં. આઈ વૉઝ સો પ્રાઉડ ઑફ માઈ લવ. શી વૉઝ ડુઈંગ એવરીથિંગ ટુ બી ઇન ટચ વીથ મી.

"ધડકન..યુ આર સચ અ ડાર્લિંગ.." -હું મનોમન ગણગણ્યો. એક ચમત્કાર જ જાણે કે થઇ ગયો હતો. કાસીમને તેનો પાસવર્ડ મળી ગયો હતો.

બીજા દિવસની સાંજનો હું દિવસ આખો ઇન્તજાર કરતો રહ્યો. લગભગ પોણા આઠે વેઈટર કોર્ડલેસ ફોન લઈને બાર પાસે આવ્યો. હું જાણી જોઇને તે સમયે અમારા ડીરેક્ટર સાહેબની બાજુમાં જ બેઠો હતો.

"તન્મય.. તમારી મમ્મીનો ફોન છે." -વેઈટરે કહ્યું.

"શું ત્રાસ છે આ. મમ્મી પણ જુઓને.. અમસ્તો અમસ્તો જ ફોન કર્યો હશે.." -સાહેબ સામે જોઇને બબડતા બબડતા મેં ફોન હાથમાં લીધો, ને તેમનાથી થોડો દુર નીકળી ગયો.

દિવસભર શું કર્યું..શું ખાધું..વગેરે બધી વાત પૂરી થયા બાદ મેં કહ્યું- "ઠીક છે, હવે ફોન મુકું છું."

[જો કે હ્રદયમાં તો ધકધક ધકધક થતું હતું.]

"અરે ખમ.. ધડકન આવી છે. તેને કહી દે બાપ, જે કહેવું હોય તે તમારા કામનું."

મમ્મી ધડકનને ફોન આપતી હોય તેવું મનોહર દ્રશ્ય મારી આંખો સામે તરવરી ઉઠ્યું.

"હલ્લો," -સામેથી પેલો મધમીઠો અવાજ સંભળાયો.

"હાય ડાર્લિંગ,લવ યુ..લવ યુ..લવ યુ યાર.. યુ આર જીનીયસ"

"યસ સર..હા જી સર..ફોલ્ડર કયુ છે તે મને ખબર છે સર." -ત્યાંથી ધડકન બોલી.

"યુ આર સચ અ સ્વીટહાર્ટ યાર. મિસ્ડ યુ સો મચ.. થેંક યુ સોઓઓઓઓ મચ."

"સર, મારા લેપટોપમાં પ્રોબ્લમ આવે છે. અને આઈ.ટી ડીપાર્ટમેન્ટનું પણ કોઈ જ નથી. તો મને બે દિવસ તો લાગશે જ કામ પૂરું કરતા. હું તમારું લેપટોપ લઇ જાઉં કે?"

"હાઉ આર યુ ડાર્લિંગ? મિસ્સિંગ મી, ના?"

"યસ સર. ડીલીટ નહીં કરું. પણ સર..ઓકે.. પણ તો પછી મારે આવતીકાલે પણ તમારે ઘરે આવવું પડશે.. ચાલશે કે?"

"અરે તારું જ તો ઘર છે એ, યેડી..! ચાલશે કે, એવું શું પૂછે છે? નક્કી આવજે."

"થેંક યુ સર. બાય સર."

"અને શું રે.. ? મમ્મીને ઈમ્પ્રેસ વગેરે કરવાનો વિચાર છે કે શું? એક જ મુલાકાતમાં મમ્મી તારા માટે મીઠડી છોકરી..ને એવું બધું બોલવા માંડી. લોલ્ઝ..!"

"હા સર.. એ જ કરવાનું છે મારે. બાય સર."

"ઠીક છે, પણ લેપટોપમાં એક પાસવર્ડ છે.."

"આય નો ધ પાસવર્ડ.." –આ વખતે ધડકન એકદમ ધીમેથી બોલી, અને તેણે ફોન મમ્મીને આપ્યો.

[ઑફ કોર્સ..વૉટ કેન બી ધ પાસવર્ડ અધર ધેન ધ નેમ ઑફ ધ લેડી આયે'મ મેડલી ઇન લવ વીથ..!]

"આ જો મમ્મી, તેને લેપટોપ વાપરવા દેજે. તે કાલે પણ આવશે બહુતે'ક તો. મેં તેને ટાળવાનો પ્રયત્ન તો કર્યો પણ.."

"આવવા દે રે તેને. તેટલો મારો પણ ટાઈમ પાસ થશે. કોઈ વાંધો નથી. ચલ રાખું છું ફોન."

"હેય ઝીરો ઝીરો સેવન મીસ જેમ્સ બોન્ડ.." -મારા મગજમાં વિચાર આવ્યો- "યુ આર ધ ઓન્લી વન વીથ અ બ્યુટીફૂલ યેટ બ્રેઈની સિક્રેટ હેડ."

અને મનમાં ને મનમાં ખુશ થતો હું પાર્ટીમાં જોઈન થવા માટે આગળ ગયો.

દિવસો ખુબ જ ધીમે ધીમે વહી રહ્યા હતાં. જાણે કે કેટલાય વર્ષોથી હું તે જંગલમાં અટવાઈને પડ્યો હોઉં તેવું લાગતું હતું.

ત્યાંથી નીકળવાનાં એક દિવસ પહેલા મેં મમ્મીને ફોન કર્યો, તો તેણે મને કહ્યું કે ધડકને મેસેજ આપ્યો છે કે નીકળતા પહેલા એરપોર્ટ પરથી મારે તેને ફોન કરવાનો છે. તે પછી મેં અમસ્તી જ આલતુ-ફાલતું વાતો કરીને ફોન મૂકી દીધો.

બીજા દિવસે રિસોર્ટ છોડતી વખતે મને એટલો આનંદ થયો કે જેની કોઈ સીમા જ નહોતી કોઈક જેલમાંથી છુટેલા કેદી જેવી મન:સ્થિતિ સાથે બહાર મેઈન રોડ પર આવતાની સાથે જ મેં મારો સેલ-ફોન સ્વીચ ઓન કર્યો, પણ..પણ તે સ્વીચ-ઓન થયો જ નહીં.

ચોંકીને મેં જોયું તો પડી પડી તેની બેટરી સાવ ડ્રેઈન થઇ ગઈ હતી એટલે પહેલા ફોનને ચાર્જ કવાની જરૂર હતી. એરપોર્ટ પર જઈને સૌથી પહેલા દસ-પંદર મીનીટ માટે મેં ત્યાનાં ચાર્જીંગ-સ્લોટમાંફોન ચાર્જ કરવા મૂકી દીધો. અને થોડો ચાર્જ થયા બાદ હું ધડકનને ફોન કરવાનો વિચાર કરતો જ હતો કે એટલામાં જ ફોનની રીંગ વાગી.

ધડકનનો જ ફોન હશે તેવી ખાતરી સાથે ઝાપટ મારીને મેં ફોન ઉચકી લીધો ને ફોન રીસીવ કરવા માટે તેનું ગ્રીન બટન દબાવવાનાં પ્રયાસમાં હતો, કે એટલામાં જ મારું ધ્યાન ફોનના સ્ક્રીન પર ગયું ને મારું હૃદય એક ઝબકારો ચુકી ગયું.

સામે છેડે તન્વી હતી..!
અને તે સાથે જ..છેલ્લે અમે મળેલા ત્યારે મારી વાતને લઈને ધડકન સાથે થયેલી તેની બોલાચાલી મને યાદ આવી ગઈ. ત્યારે તો જોકે હું તે બંને મૈત્રિણોનાં ઉગ્ર સંવાદોની મજા લેતો રહ્યો હતો, પણ અત્યારેય જો તન્વીને તે જ વિષય પર આગળ વાત કરવી હશે, તો મને તો તે બધું સાંભળીને મારા મૂડની પથારી નહોતી જ ફેરવવી, એટલે મેં તેનો ફોન રીસીવ જ ન કર્યો.
તેની સાથે વાત કરતાં પહેલા મારે તેની સામે કઈ રીતે રીએક્ટ કરવું તે નક્કી કરવા માટે પુરતો સમય જોઈતો હતો. અને એટલે જ મેં ધડકનને પણ ફોન કરવાનું પણ હાલ પુરતું તો મુલતવી રાખ્યું, કારણ તેની સાથે વાત કરતો હોઉં ને જો ફરી તન્વી મને ફોન કરવાની ટ્રાઈ કરે, તો તેને એન્ગેજ-ટોન સંભળાય, જે એ વાત સાબિત કરી આપે કે તેનો કૉલ આવ્યો ત્યારે ફોન મારા હાથમાં જ હતો પણ તે છતાંય મેં તેને આન્સર ન કર્યો અને મારે તેને ઝગડવા માટે હજુ એક વધુ મુદ્દો નહોતો આપવો.

“અરે તન્મય..” –મારા ઑફીસ-કલીગ વિનયે મને બોલાવ્યો- “ચલ ને જરા બૂક-સ્ટોલમાં આંટો મારી આવીએ. આજે સંગીતાનો બર્થડે છે,”

“તો તેને ગીફ્ટમાં બુક્સ આપવી છે કે?” –વિનય મને છાશવારે મદદરૂપ થતો હોવાથી મારે તેની વાતમાં રસ દેખાડવો પડ્યો.

“યસ..શી ઈઝ ક્રેઝી ફોર લિટરેચર, સો વૉટ એલ્સ કેન બી અ બેટર ગીફ્ટ ધૅન સમ બૂક.”

“યુ આર રાઈટ વિનય, બટ મને અને લિટરેચરને તો છત્તીસનો આંકડો છે. આઈ ડોન્ટ થીંક આઈ’લ બી ઑફ એની હેલ્પ ટુ યુ”

“અરે તો મને કયો કક્કો-બારાખડી આવડે છે લિટરેચરમાં..! પણ એક કરતા બે ભલા..ચલ આ જા..આમેય ચેક-ઈન કરવામાં હજી અડધો કલાક છે. તો ટાઈમ-પાસ થશે તારોય તે. ક’મોન.”

અને હું વિનય સાથે તેની બહેનની બર્થડે ગીફ્ટ લેવામાં ગૂંથાઈ ગયો. મન તો જો કે તન્વી અને ધડકનમાં જ અટવાયેલું હતું પણ એટલી રાહત રહી કે તે સમય દરમ્યાન તન્વીનો ફરી કૉલ ન આવ્યો. અડધા કલાક પછી જયારે મને ખાતરી થઇ ગઈ કે હવે કદાચ તેનો ફોન નહીં જ આવે, એટલે મારું મન ફરી પાછુ ધડકનને ફોન કરવા માટે તલસી ગયું.

“અરે યાર..મને એક અરજન્ટ ફોન કરવાનું યાદ આવ્યું છે.. ચલ યુ મેનેજ યોરસેલ્ફ નાઉ.” –કહીને હું વિનયથી છુટ્ટો પડ્યો. અને કોઈક એકાકી-સ્પોટ સુધી પહોંચતામાં તો મારી પ્રેયસી સાથે વાત કરવાની મારી અધીરાઈ એકાએક જ વધી ગઈ.

"પાય લાગુ ધડકન મે’મ.." -ધડકને ફોન રીસીવ કર્યો કે તરત હું બોલ્યો- "તમારો હુકમ મળ્યો મને, એટલે તત્કાળ જ તમને ફોન કર્યો. ફરમાવો શું હુકમ છે?"

"કેટલા વાગે પુના પહોચે છે?" -ધડકને એકદમ જ પૂછ્યું.

"અં..સાડા દસની ફ્લાઈટ છે તો બહુતે'ક પોણા એક કે પછી એક સુધીમાં પહોચી જઈશ."

"ઓકે..અને ત્યાંથી એરપોર્ટ પરથી ઘરે કેવી રીતે જવાનો છે?"

"કમ્પનીની બસ છે ને.. બધાં તેમાં જ ઘરે જશે."

"કેસલ કર તે. તું તે બસમાં નથી જવાનો."

"હેંય? એટલે? તો કેવી રીતે જાઉં? ઘરથી એરપોર્ટ ત્રીસ કિલોમીટર દુર છે અને ઑટો પણ ઝટ મળતી નથી ત્યાંથી."

"મેં કહ્યું ને..! કેન્સલ કર..એટલે કેન્સલ."

"અરે પણ..હું ઘરે કેવી રીતે જાઉં, તે તો કહે..!"

"તારા માટે રોયલ સફારીની વ્યવસ્થા કરવામાં આવી છે." -ધડકન ટીખળી કરતા બોલી.

"શું બોલે છે તું ધડકન.. આ જો..હવે ટાઈમ નથી હમણાં બોર્ડીંગ શરુ થવાનું છે. "

"ચક..હું આવવાની છું તને એરપોર્ટ પર રીસીવ કરવા માટે."

"તું? અરે પણ તારી પાસે ક્યાં કાર છે?"

"કારનું શું કામ છે? સ્કુટી છે ને મારી..!"

"અ ગ, સ્કુટી પર કેવી રીતે આવશું આપણે? એક અઠવાડિયાનું મારું લગેજ છે મારી આ બેગમાં..ને સાથે આપણે બન્ને પણ.. ઉપરાંત એરપોર્ટ આટલું દુર..શું કામ કારણ વગરનું તડકામાં હેરાન થવાનું? હું આવી જઈશ ને બસમાં."

"ચુપ રહે.. મેં કહ્યું છું કે હું આવું છું, એટલે આવું છે. બીજી કંઈ ખબર નથી મને."

એટલામાં જ બોર્ડીંગ માટેની એનાઉન્સમેન્ટ થઇ.
"ધડકન.. સાંભળને.."

"તું હવે તારી બડબડ બંધ કરવાનો છે કે નહીં? ફોન પર છો એટલે, નહીં તો તારું મોઢું બંધ કેમ કરવું તેની મને બરોબર ખબર છે." -ધડકન હસતાં હસતાં બોલી.

"ઓ.. રીયલી? કેવી રીતે?" -અને તેને શરમાઈ જતી મેં ફીલ કરી. મારા તરસ્યા મનને ખુબ ગમ્યું તે કલ્પના કરવામાં.

"તન્મય, મેં નવી બંગડીઓ લીધી. અને નવી બિંદી પણ. અને નવા સેન્ડલ પણ..અને " -ધડકનનું લીસ્ટ લાંબુ જ હતું.

"પણ શેના માટે?"

"કારણ, એક અઠવાડિયા પછી તને મળવાની છું ને..! એક અઠવાડિયું તન્મય.."

તેનાં સ્વરમાં વ્યાકુળતા હતી..આવેગ હતો.. આટલા વખતમાં પહેલી વાર મને તે મળવા માટે આટલી ઉત્સુક દેખાઈ, અને મારા પેટમાં તો જાણે પતંગિયા ઉડવા લાગ્યા.

"ધડકન.. પણ.."

"તન્મય..ચલ બાય..આવજે જલ્દી." -કહીને મને આગળ કંઈ પણ બોલવાની સંધી આપ્યા વિના તેણે ફોન ડીસકનેક્ટ કરી નાખ્યો, ને મારું દિલ ધડ્કીને રહી ગયું કે ધડકન શા માટે આટલી જીદ કરે છે મને રીસીવ કરવા આવવા માટે..? [ક્રમશ:]
.

_અશ્વિન મજીઠિયા..