ધક ધક ગર્લ -ભાગ ૧૦ Ashwin Majithia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ધક ધક ગર્લ -ભાગ ૧૦

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૧૦]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.

સવારથી પચાસ વખત મોબાઈલ ચેક કરી લીધો, પણ ધડકનનો કોઈ જ મેસેજ આવ્યો નહોતો.
'લાસ્ટ સીન' ફીચર પણ તેણે બંધ કરીને રાખ્યું હતું એટલે છેલ્લે તે ક્યારે ઓનલાઈન આવી હતી તે પણ ખબર ન પડે.

હું કોઈ માનસશાસ્ત્રી નહોતો, પણ સામેની વ્યક્તિ પાસેથી આપણને અદ્રશ્ય વેવ્સ તો મળતા જ હોય ને..!
ગાડી પર પાછળ બેસીને ધડકને 'ફિર મહોબ્બત કરને ચલા હૈ તું..' ગીત સંભળાવ્યું, અને ઘરે પાછા ફરતા 'મારે બીજી તન્વી નથી બનવું,' -એવું તે બોલી.
તો આનો અર્થ શું સમજવો?
અને તન્વીના ઘરે પેલો સમશેર બોલ્યો હતો કે- 'તારું ધ્યાન ન હોય ત્યારે તે તને ચોરી ચોરી જોયે રાખે છે'
તેનું શું?

અનેક વાંકાચુકા ટુકડા ભેગા કરીને હું એક તસ્વીર બનાવવાની કોશિષ કરી રહ્યો હતો, પણ તેમાંથી કોઈ સ્પષ્ટ અર્થબોધ નીકળતો નહોતો. કોને ખબર? કદાચિત આ બધો મારા મનનો જ ખેલ હતો.

ધડકન..પ્લીઝ ઓનલાઈન આવ..
.
તુ, મેરી અધુરી પ્યાસ..પ્યાસ
તુ, આ ગઈ મન કો રાસ..રાસ
અબ, તો તુ આજા પાસ..પાસ
હૈ ગુઝારી....શ

હૈ, હાલ તો દિલ કા તંગ..તંગ
તુ, રંગ જા મેરે રંગ..રંગ
બસ, ચલના મેરે સંગ..સંગ
હૈ ગુઝારી....શ

.
શબ્દો ભલે ભાડુતી..ઉછીના..ફિલ્મી હતા, પણ હું યાચના એકદમ સાચા મનથી કરી રહ્યો હતો જાણે કેમ, મારા મનનો અવાજ તે સાંભળી શકવાની હોય.
"અગર તુમ કિસી ચીઝ કો દિલ સે ચાહો..તો પૂરી કાયનાત.." વગેરે, જેવા ડાયલોગ્સ મારા મગજમાં આમતેમ આંટા મારી રહ્યા હતા.

.

"તન્મય.. કમ ટુ માય કેબીન, પ્લીઝ" -મારા મેનેજર વ્યંકટેશનો મેસેજ સ્ક્રીન પર ચમકી આવ્યો.
"શીટ્ટ..! બહુતે'ક હજી કોઈક કસ્ટમર-ઈશ્યુ હશે. અને તે પણ મેં જ કરેલ કોડીંગમાંનો જ હશે કદાચ,” -એવો ડરામણો વિચાર મગજમાં લઈને હું તેની કેબીનમાં ગયો.

"હાય વ્યંકટેશ..!" -ચહેરા પર પરાણે એક બનાવટી સ્માઈલ સજાવીને હું બોલ્યો.
"યસ તન્મય..કમ..! પ્લીઝ કમ." -સામે મુસ્કાનભર્યા મોઢે તેણે મને આવકાર્યો.

મેનેજર હસે છે એટલે કસ્ટમર સંબંધી તો કોઈ બાબત નહીં જ હોય, તેવો એક સુખદ વિચાર મને આવી ગયો. પણ તે ક્ષણભર માટે જ..! કારણ મેનેજરનું હસવું એ સુખદ ઓછું અને ત્રાસદાયક અધિક હોય છે, તેવો અનુભવ આઈ.ટી.માંના પ્રત્યેક જણને કોઈક ને કોઈક વાર તો થયો જ હશે.

.

"યસ ટેલ મી, વ્યંકટેશ"

"તન્મય, આપણે જે પેલું કેમ્પસ ઇન્ટરવ્યુ કર્યું હતું, ને ૭-૮ જણને સિલેક્ટ કર્યા'તા.."

"હ્મ્મ્મમ.."

"એક્ચ્યુલી આ બધાને આપણે ડીસેમ્બરમાં જોઈન કરવા બોલાવવાના હતા આપણા નવા પ્રોજેક્ટ માટે. યુ સી?"

"યસ..મને ખ્યાલ છે."

"પણ દોસ્ત, તે નવો પ્રોજેક્ટ તો સાઈન થઇ યે ગયો, અને હવે ઈમીજિ્યેટલી તેની પર કામ શરુ કરવાનું છે. ડેટ્સ બધી હવે પ્રી-પોન્ડ થઈને આગળ આવી ગઈ."

"ઓ..ગુડ ફોર અસ ઓલ્સો." -એક એમ્પ્લોઈ તરીકેની ખુશી જાહેર કરતા હું બોલ્યો- "આપણા પાસે પણ થોડી બેંચ-સ્ટ્રેન્થ તો છે જ. એટ લીસ્ટ બિલીંગ તો ચાલુ થઇ જશે."

"યસ..યુ આર રાઈટ. તો પેલા બધા નવા સિલેક્ટ થયેલાઓને ઓન-બોર્ડ લઈને તેમની ટ્રેનીંગ શરુ કરી દેવી પડશે. તારે યાર, બેંગ્લોર જવું પડશે. તને આર્કિટેક્ચર સારી એવી ખબર છે, ને બીસાઇડ્સ ધેટ, ટેકનીકલ નોલેજ તો છે જ."

"મારે જવાનું છે? પણ નોર્મલી તો બધા ટ્રેઈનીઓને આપણે અહિયાં પુના જ બોલાવીએ છીએ ને?"

"યસ..બટ યુ નો. વી આર ઓન લો બજેટ. ફંડ્સની આજકાલ મારામારી છે. તો હેડ-ઓફિસે ટ્રાવેલિંગ તો સાવ ફ્રીઝ જ કરી નાખ્યું છે. તારું ટ્રાવેલિંગ-અપ્રોવલ પણ જેમતેમ મળ્યું છે. તું સમજે છે?"

"વેલ.. બટ આયેમ ઓલરેડી લોડેડ.."

"ડોન્ટ વરી. હું વિનયને રીક્વેસ્ટ કરીશ. હી વિલ ટેક કેઅર ઓફ ઈટ."

"કેટલા દિવસ માટે જવાનું છે?"

"જસ્ટ થ્રી ડેઝ. ત્રણ દિવસ માટે. ત્યાં જઈને બસ..તેમને થોડા બ્રીફ કરજે. થોડા પોઈન્ટ્સ આપી દેવાના કે એટ લીસ્ટ ધે કેન ગેટ સ્ટાર્ટેડ. બાકી પછી આપણે બાકીનું બધું કોન્ફરેન્સ-કોલ્સથી મેનેજ કરી લેશું."

"ક્યારે જવાનું છે?" -મેં વધુ આનાકાની ન કરતા પૂછ્યું.
થોડા દિવસ પહેલાનાં કોડીંગ-બગ વખતના ગોટાળા વખતે વ્યંકટેશે વાતનું વતેસર નહોતું કર્યું, એટલે હું આમે ય થોડો તેના ઓબ્લીગેશનમાં તો હતો જ. તો તેને આ ફેવર કરીને હિસાબ સરભર કરી લેવાની આ તક હતી.

"કાલે સવારે. મેં લિનાને ફ્લાઈટ બુક કરવા માટે કહી દીધું છે. અને ત્યાંની એડમીન તારી હોટલ બુક કરીને સાંજ સુધીમાં મેઈલ કરશે."

"ઓકે.. ફાઈન." -હું ઉભો થતાં બોલ્યો.

.

બહાર ડેસ્ક પર આવતા જ મેં ફરીથી વોટ્સએપ ચેક કર્યું. સવારથી કદાચ ૧૧૦મી વાર.
કારણ હાલ તો મેં વોટ્સએપના બધા જ ગ્રુપ મ્યુટ કરી નાખ્યા હતા.
અત્યારે તો મને કોઈ કરતા કોઈના મેસેજમાં ઈંટરેસ્ટ નહોતો, સિવાય કે બસ એક..!
પણ તે ય નહોતો આવ્યો..

.

ધડકનને બંગ્લોરની વાત કરવી જોઈએ? એક વિચાર આવ્યો.
પણ શું કામ?
શેના માટે?
કોણ છે તે મારી અને હું તેનો?
સવારથી એક પણ મેસેજ નથી.
જો તેને ન જોઈતું હોય, તો અમસ્તું અમસ્તું શું કામ કોઈના ગળે પડવાનું..!

અને પેકિંગનું બહાનું કરીને હું ઓફિસમાંથી જલ્દી ઘરે આવી ગયો.

.

સવારે વહેલો નીકળીને સાડા-છ વાગે જ ચેક-ઇન કરીને લાઉન્જમાં જઈને બેસી ગયો. સાડા-સાતની ફ્લાઈટ હતી
તો બોર્ડીંગ માટે હજી ૪૦ મિનીટની વાર તો હતી જ.
આજે ય ધડકનનો કોઈ મેસેજ નહોતો.

મારે ગમે તેમ કરીને તેને કહેવું હતું કે હું બેંગ્લોર જાઉં છું, પણ ન જોઈએ તેટલો ઈગો વચ્ચે આવતો હતો. છેલ્લે એક આઈડિયા કરી.
ફેસબુકમાં જઈને 'ચેક-ઇન એટ ડોમેસ્ટિક એર-પોર્ટ' કરી નાખ્યું.

ઘડિયાળનો કાંટો મંદ ગતિએ આગળ વધી રહ્યો હતો. સવારની
આ ગર્દી બહુતે'ક તો કોર્પોરેટવાળાઓની જ હતી. જે જુઓ તે બધા પોતપોતાનું લેપટોપ કે પછી સ્માર્ટ-ફોન લઈને બેસી ગયા હતા, ને એમાં જ બધા મગ્ન હતા.
પ્રચંડ કંટાળાજનક મીનીટો ગાળ્યા બાદ છેવટે બોર્ડીંગ શરુ થયું.
કીડીની ગતિએ લાઈનમાં આગળ વધીને છેવટે કાઉન્ટર પર પહોચ્યો.

"ગુડ મોર્નિંગ સર..!" -કાઉન્ટર-ગર્લ ગ્રીટ કરતા બોલી.

"ગુડ મોર્નિંગ.."

"સર..વિન્ડો સીટ?"

"નો."

"નો..?"

"આઈ મીન..ઈટ ડઝન્ટ મેટર. એનીથિંગ વીલ ડુ."

નવાઈ પામતી પેલીએ ખભા ઉલાળ્યા, અને બીજા ગુડ-મોર્નિંગ માટે તૈયારી કરવા લાગી.

.

ફ્લાઈટ જામ-પેક હતી.
ફ્લાઈટ-એટેન્ડન્ટ્સ હમેશની જેમ પ્રી-ફ્લાઈટ સેફટી-ઇન્સ્ટ્રકશનનાં વિઝ્યુઅલ્સ અને ડેમો માટે તૈયારી કરી રહ્યા હતા.
હું જઈને જગ્યા પર બેસી ગયો.

પાંચેક મિનીટમાં જ દર વખત જેવો બોરિંગ ડેમો શરુ થયો.
લોકેશન્સ ઓફ સેફટી એક્ઝીટ્સ, યુઝ ઓફ સીટ-બેલ્ટ્સ, ઓક્સીજન માસ્ક, લોકેશન એન્ડ યુઝ ઓફ લાઈફ-વેસ્ટ્સ એન્ડ લાઈફ રાફટ્સ..વગેરે વગેરે બડબડ ચાલતી હતી, કે એટલામાં જ મારો ફોન રણક્યો.

સામે જોયું તો ધડકનનો ફોન..
હું તો જાણે કે જગ્યા પર ઉછળી જ પડ્યો.

"હાય.."

"તન્મય? આ શું બધું? ડોમેસ્ટિક એર-પોર્ટ?"
"અમ્મ..એક્ચ્યુલી બેંગ્લોર જવું છું."
"ફોર વોટ?"
"ઓફીસ વર્ક."
"ઓહ..કેટલા દિવસ?"
"ત્રણ."
"ત્રણ દિવસ..???" -ધડકન જાણે કે બરાડી ઉઠી.
"હા. કેમ?"
"નહીં. મતલબ કે તે કંઈ કહ્યું નહીં મને..?"

અને મારો બધો જ ગુસ્સો જાણે કે જાગી ઉઠ્યો.
કોને કહું?
આ નિર્જીવ વોટ્સએપને?
શું કામ કહું?
તું કોણ છે મારી?
અને હું યે કોણ છું?

પણ તોય જેમતેમ કરીને લગેચ બધી લાગણીઓ પર કાબુ મેળવી નોર્મલ ટોનમાં જવાબ આપ્યો-
"હા.. મતલબ કે.. અચાનક જ નક્કી થયું."

"સર.. પ્લીઝ સ્વીચ-ઓફ યોર ફોન..!" -એક ફ્લાઈટ-એટેન્ડન્ટે આવીને મને સુચના આપી. એટલામાં પેલો ડેમો પણ પૂરો થયો, અને "આય એમ યોર કેપ્ટન સો એન્ડ સો સ્પીકિંગ.." ચાલુ હતું. કેટલા વાગ્યા છે..કેટલા વાગ્યે પહોચશું..બહારનું તાપમાન.. વગેરે વગેરે..!

"સોરી..તે દિવસે હું સાવ અચાનક જ ચાલી આવી." -ધડકન બોલી રહી હતી.

"સર..પ્લીઝ સ્વીચ-ઓફ યોર.." -એક બીજી બાઈ આવીને ટપકી.

સાઈડનો રનવે ઓળંગીને ફ્લાઈટ હવે મેઈન રનવે પર આવી રહી હતી.
શીટ્ટ..! ધડકનને અત્યારે જ ફોન કરવાનું સુઝ્યું?
અને તે પણ એકદમ ટેક-ઓફના સમયે જ..!

.

"તન્મય..? વોટ હેપન્ડ? કેમ કંઈ બોલતો નથી..?"

"અરે..ફ્લાઈટ ટેક-ઓફ થાય છે. ફોન બંધ કરવો પડશે."

"ઓહ.. ઠીક છે. તો પછી બપોરે વાત કરશું."

"બપોરે? અરે, દસ મિનીટમાં તો ફોન થશે પાછો ચાલુ.."

"પણ હું અત્યારે ઘરમાંથી બહાર નીકળીને વાત કરું છું. ઘરેથી કેવી રીતે કરું? મમ્મી પૂછશે કે સવાર સવારમાં કોની સાથે વાત કરે છે. અને તારી હજી ઓળખ પણ નથી કરાવી. કોણ તન્મય? શું કામ કરે છે? વગેરે વગેરે પ્રશ્નો ચાલુ થઇ જશે."
"ઓહ.."

.

"સર મે આઈ પ્લીઝ રીક્વેસ્ટ યુ તો પ્લીઝ.." –ફરી કોઈકે આવીને સુચના આપી
"આઈ એમ સ્વીચીંગ ઓફ માય ફોન..જસ્ટ એ મિનીટ.." -હું લગભગ બરાડી પડ્યો.
એક વિચિત્ર કટાક્ષ નાખતી તે હવાઈ-સુંદરી આગળ વધી ગઈ.

"તન્મય.. વોટ્સએપ ચાલુ હશે ને? ત્યાં ચેટ કરી શકીશ હું."
"કૂલ..! બેસ્ટ આઈડિયા. ચાલશે. ફોન ચાલુ કરું કે તને પીંગ કરું છું. ચલ બાય.. ફોન બંધ કરું છું હવે."

એવો ગુસ્સો આવ્યો પેલા ફ્લાઈટ-એટેન્ડન્ટ પર..પણ તે પોતે ય લાચાર હતો..શું થાય..!
માથા ઉપરની પટ્ટી પર સીટ-બેલ્ટની નિશાની ઝળકી ઉઠી અને ક્ષણાર્ધમાં જ વિમાને વેગ પકડ્યો.
દસ-પંદર મિનીટ બેચેન કરી નાખે તેવી વીતી.

.

"થેંક યુ ફોર યોર પેશન્સ.. યુ કેન નાઉ યુઝ યોર ફોન્સ, લેપટોપ્સ.."
આગળનું કંઈ સાંભળવાની જરૂર જ નહોતી.
પટકન મેં મારો ફોન કાઢ્યો ને મોબાઈલ-ડેટા ઓન કર્યો.
કનેક્ટીંગ ચક્ર કેટલીય વાર સુધી ફરતું જ રહ્યું ને આખરે ડેટા -કનેક્ટ થયો.

"હાય.." પટકન મેં મેસેજ ઠોકયો.
ધડકન વધારી મુકતી પુરેપુરી બે મિનીટ વીતી ગયા બાદ રીપ્લાઈ આવ્યો- "હાય.."

"હ્મ્મ્મ..બોલ. શું કહેતી'તી?"

"બેંગ્લોર? કંઈ વિશેષ?

"નથીંગ યાર. ફ્રેશર્સ લોકોને થોડું બ્રીફિંગ કરવાનું છે. ત્રણ દિવસ.."

"મસ્ત ને..! તને ય એટલો જ રિફ્રેશિંગ ચેન્જ પણ મળશે..!"

"પ્રત્યેક ચેન્જ રિફ્રેશિંગ હોય જ કે?"

""

"બાય ધ વે, કાલે દિવસ આખો ક્યાં હતી? ઓનલાઈન પણ ન દેખાઈ અને લાસ્ટ-સીન પણ ઓફ..! કોઈ સાથે વાત નહોતી કરવી કે?

" વાત નહોતી કરવી એવું નહોતું. વાત કરવી હતી. પણ ફક્ત એકલા જ, મારા મન સાથે."

"કઈ બાબતમાં?"

"છોડ ને એ બધું. તું બોલ. બહાર..વિન્ડોની બહાર કેવો'ક સીન છે?"

"અરે મસ્ત..! જસ્ટ સન-રાઈઝ થાય છે. વેઇટ..તને ફોટો મોકલું."

.

મેં પટકન કેમેરા ઓન કર્યો.
વિન્ડો-સીટ નહોતી એટલે બાજુના સભ્ય-ગૃહસ્થની પ્રાયવસીને ભંગ કરીને ફોન વિન્ડોના કાંચની પાસે લઇ ગયો, ને ફોટો પાડ્યો.
તે માણસ વૈતાગીને મારી સામે જોતો રહ્યો..કારણ ત્યાં કાઉન્ટર પર શહાણપટ્ટી બતાવીને મેં વિન્ડો-સીટ લીધી નહીં, ને હવે બીજાઓને ત્રાસ આપી રહ્યો હતો એટલે.
ફોટો એટેચ કરું એટલી વારમાં તો ધડકનનો મેસેજ આવ્યો-

"ફોટો નહીં મોકલતો. તું જ બોલ ને, તને સન-રાઈઝ કેવો દેખાય છે..!"

" ઓકે. મને ને.. કેટલીય વખત એવું લાગે છે કે જેવી આપણી લાઈફ હોય છે, તેવું જ આપણને આ જગત દેખાય છે. મતલબ કે..જો ને, વિમાને ટેક-ઓફ કર્યું..તે પહેલાં આકાશમાં જાણે વરસાદી કાળા વાદળો ઉમટી આવ્યા હતા. ખુબ જ ડીપ્રેસીવ હવા હતી..ઉદાસ ઉદાસ..! અને હવે ચોતરફ સ્વચ્છ સૂર્યપ્રકાશ ફેલાયેલ લાગે છે. પેલા કાળા વાદળો તો બધા પાછળ રહી ગયા. અને હા, આ મસ્ત ગોલ્ડન સૂર્યને જયારે જોઉં છું ત્યારે.."

"ત્યારે શું?"

"અરે.. તન્વીની એક ફ્રેન્ડ છે. હું પહેલીવાર તેને મળ્યો હતો ને..ત્યારે તેણે કાનમાં મસ્ત ડાયમંડ્સની એરિંગ પહેરી હતી. અને સુર્યપ્રકાશમાં તે એટલી મસ્ત ગ્લીટર થતી, કે પૂછ નહીં. મને તેની જ યાદ આવી ગઈ."

" ઓ.. કોણ ફ્રેન્ડ રે તેની? હું ઓળખું છું કે તેને?"

[અર્થાત, હું તો ધડકનની જ વાત કરતો હતો. તેની તે સ્પાર્ક્લીંગ ઇઅરિન્ગ્સ મને હજી પણ એવી ને એવી જ યાદ હતી અને બહુતે'ક તો ધડકન પણ સમજી ગઈ હતી કે હું તેની પોતાની જ વાત કરતો હતો.]

"અમ્મ્મ..ઓળખતી જ હોઈશ. ખુબ જ ક્યુટ છે એ.." –ને હું ક્ષણભર અટકી ગયો. આ હું શું બોલી ગયો?
સાવ આટલી જ વાતમાં ન કહેવાનું હું કહી ગયો કે શું?

" ઓ..તો તો પછી મારે મળવું જ જોઇશે. શું નામ છે તેનું?"

"ખબર નથી રે..! પણ તેનું નામ તેનાં જેટલું જ મીઠડું હશે, તે તો નક્કી જ."

"ખ્યાલ આવી જશે..તે કોણ હતી તે ખ્યાલ આવી જશે. આમેય તન્વીને બહુ બધી મૈત્રિણ નહોતી. તો જેવું મને ખબર પડશે, કે નક્કી જ તને કહીશ. જોઈએ તો તારી સાથે તેની ઓળખ પણ કરાવી દઈશ. ઓકે?"

મને આ ઇનડાઈરેક્ટલી બોલવાનો મસ્ત રસ્તો મળી ગયો હતો.
મનનાં બધા જ ભાવો આ માર્ગે વ્યક્ત કરવાનો ચાન્સ હું છોડવાનો નહોતો-
"હા, પ્લીઝ ધડકન, નક્કી..! મને ને..તેની સાથે વાત કરવાનું ખુબ ખુબ મન છે. શેની વાતો..કેવી વાતો? ખબર નથી."

""

""

"શું? શું તેના પ્રેમ વગેરેમાં પડી ગયો કે શું?"

"પ્રેમ..! કેટલી વિચિત્ર ભાવનાઓ સંતાયેલી છે ને આ બે અક્ષરમાં..! ક્યારેક ક્યારેક તો એવું લાગે કે, બે-બે વરસ સાથે રહીને પણ જેને પ્રેમ કહી શકાય તેવું કંઈ લાગે જ નહીં. અને પછી, બે મીનીટની મુલાકાતમાં ય તે સુખદ અનુભવ મનને સ્પર્શી જતો હોય છે. આવો હોય છે કે શું, લવ એટ ફર્સ્ટ-સાઈટ?"

"મને નથી ખબર. પણ તને એવું શું કામ લાગ્યું કે તને જેના બદલ આવું લાગ્યું છે, તે પ્રેમ જ છે? બે વરસ પછી તને હજુય કોઈક બીજી મળે, ને ત્યારે તું પાછો તેના ય પ્રેમમાં પડી જઈશ કે?"

"એ પ્લીઝ.. હું શું તને ફલર્ટ લાગુ છું કે?"

"નહીં..એવું નથી. પણ..તન્વીના મેરેજને હજી એક મહિનો ય જેમતેમ થયો છે, અને તું કહે છે કે.."

"ધડકન.. તન્વી સાથે મને પ્રેમ નહોતો."

"વોટ? શું બોલે છે તું તન્મય? મતલબ તું શું તન્વીને ફસાવતો હતો કે? દસ વખત આઈ લવ યુ..આઈ લવ યુ કહેતો હતો ને."

"આઈ મીન.. પ્રેમ હતો, પણ એવો નહીં."

"એવો? પ્રેમના ય આવા પ્રકાર હોય છે કે તન્મય? યુ આર ટૂ મચ."

"અરે.. એટલે એમ કે.. મને ક્યારેય તેની સાથે લગ્ન કરવા..કે તેની સાથે આયુષ્ય વિતાવવું..એવું બધું ક્યારે ય લાગ્યું જ નહોતું."

"કદાચિત.. તેનું કારણ એ જ કે, પહેલેથી જ મનમાં આવું જ બધું ભરી રાખ્યું હશે, એટલે."

"એની વે, ઈટ'સ કોમ્પલીકેટેડ..! આપણે કંઈ બીજી વાત કરીએ?"

"તન્મય, આ ખુબ મહત્વનું છે."

"આઈ ડોન્ટ નો ધડકન. બટ ધીસ ઈઝ નોટ ધ ટાઈમ.. નોટ ઓન ચેટ.. કદાચ રૂબરૂ મળીએ ત્યારે.."

"હ્મ્મ્મમ..."

.

અમુક પળો બસ શાંતતામાં જ વહી ગઈ.
"શું થયું? ફરી પાછી જાત સાથે સંવાદ વગેરે શરુ કરી દીધા કે શું?" -મારાથી આ શાંતતા સહન ન થઇ.

"એ તો ચાલુ છે તન્મય..ઘોર ગંભીર યુદ્ધ ચાલુ છે. ઠીક છે.. છોડ..! ક્યારે પહોંચીશ તું?"

"હજી વીસેક મિનીટ લાગશે. ડાયરેક્ટ ઓફિસે જ જઈશ પહેલા."

"ઓહ..ચલ હું જાઉં છું બધું પતાવવા.. કોલેજ છે."

"ઓલરાઈટ. ફાવશે તો બપોરે મળીએ. નહીંતો રાતે ટાઈમ હશે તો.."

"શ્યોર. હું રહીશ ઓનલાઈન. પણ ફોન પર વાત કરવી નહીં ફાવે રાતે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ."

"નો પ્રોબ્લમ."

"તન્મય.. ટેક કેર."

"આઈ વીલ. એન્ડ યુ ટૂ. બહુ બધા વિચાર નહીં કરતી બેસતી."

" બાય તન્મય."

"બાય..!"

.

ફ્લાઈટનો દોઢ કલાક ક્યાં વીતી ગયો તે ખબર જ ન પડી.
બહુ બધું બદલાયેલું બદલાયેલું લાગતું હતું.
વન્સ અગેઇન..ધડકન વોઝ જસ્ટ અ મેસેજ અવે ફ્રોમ મી.

એક પ્રકારનો આત્મવિશ્વાસ આવી ગયો હતો, અને બેંગ્લોરના રન-વે પર ઉતરનારા વિમાનમાં હું મનોમન જ બોલી ઉઠ્યો-
"ગુડ મોર્નિંગ બેંગ્લોર..!" [ક્રમશ:]

.

અશ્વિન મજીઠિયા..