ધક ધક ગર્લ -ભાગ ૭ Ashwin Majithia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ધક ધક ગર્લ -ભાગ ૭

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૭]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.

૧૧ સપ્ટેમ્બર, તન્વીના વેડિંગ-કાર્ડમાં આ જ તારીખ હતી.

કેટલાક વર્ષો પહેલા આ તારીખે અમેરિકાને રડાવ્યું હતું, ૯/૧૧, અને બહુતે'ક હવે આ વખતે મારો વારો હતો,

તન્વી રીતસર ઘરે આવીને વેડિંગ-કાર્ડ દઈ ગઈ હતી, પણ મેં ત્યારે જ તેને એમ કહી દીધું હતું, કે આ દિવસોમાં મારે ઓફીસના કામે બેંગલોર જવું પડે એમ છે, તો ફાવશે નહીં.

.

તન્વીના લગ્ન નક્કી થયા હતા.
આમ જુઓ તો તેની સગાઇ થઇ છે, તે વિચાર જ મને તો અસહ્ય લાગતો હતો, તો પછી તેને બીજા કોઈના ગાળામાં વરમાળા પહેરાવતી જોવી મારા માટે નેક્સ્ટ-ટુ-ઈમ્પોસીબલ જ હતું.

તન્વીએ ખુબ અગ્રહ કર્યો હતો, પણ તેના વેડિંગમાં જવું? કે ન જવું? આ બાબતમાં મારા મનમાં કોઈ જ બેમત નહોતા.
હું તેના લગ્નમાં જવાનો જ નથી, એન્ડ ધેટ વોઝ ફાઈનલ..!

.

તે દિવસે શનિવાર હોવાથી ઓફિસમાં રજા જ હતી.
બીજા કોઈ રજાનાં દિવસે બહુતે'ક આઠ-નવ વાગ્યા સુધી સુઈ રહેનારો હું, તે દિવસે મળસ્કે પાંચ વાગ્યાથી જ જાગતો પલંગમાં પડ્યો રહ્યો હતો.
કેટલીય કોશિષ કરી, પણ એકવાર ઊંઘ ઉડી ગઈ પછી તે પાછી આવી જ નહીં. નજર સામે લગાતાર દુલ્હનના પોશાકમાં મને તન્વી જ દેખાયા કરતી હતી. તેનાં ઘરે કેટલી બધી ચહલપહલ..કેટલી દોડધામ થતી હશે. ઘરને શણગાર્યું હશે. તન્વી શું વિચાર કરતી હશે? તે ખુશ હશે? કે ખુશ હોવાનો દેખાવ કરતી હશે? તેને પણ મારી જેમ જૂની યાદો આવતી હશે? સતાવતી હશે? તેનાં લગ્નની સવારની વિધિઓ તો હવે શરુ યે થઇ ગઈ હશે ને? -મગજમાં એવા જ વિચાર આવવા લાગ્યા.

મારો અને તન્વીનો સંબધ મમ્મીને ખબર નહોતો, તોય તન્વીને મારી એક મૈત્રિણ તરીકે તો તે ઓળખતી જ હતી. ઘણીવાર મારો મોબાઈલ-ફોન બંધ હોય, તો ઘરની લેન્ડ-લાઈન પર તન્વીનો ફોન આવતો.

એક-બે વખત તો તન્વી મારે ઘરે પણ આવી ગઈ હતી. માટે 'તન્વીના મેરેજમાં નથી જવાનો' એવું જો હું મમ્મીને કહેત, તો ફાલતુંમાં જ તે કોઈ ને કોઈ સવાલ કરે રાખત, એટલે તૈયાર થઈને 'તન્વીના મેરેજમાં જાઉં છું' એમ કહીને ઘરમાંથી બહાર નીકળી ગયો.

ક્યાં જવું તે નક્કી જ નહોતો કરી શકતો, ને આપમેળે જ મારી બાઈક, તે જ દિશમાં દોડવા લાગી કે જ્યાં તન્વીના લગ્નનું મંગલ-કાર્યાલય હતું. આઈ મીન, વેડિંગ-હોલ..!

.

મોટાભાગના મરાઠી-લગ્નની જેમ જ તન્વીના લગ્ન પણ મધ્યાહને જ હતા.
આપણા ગુજરાતીઓની સરખામણીમાં, આ લોકો લગ્નનો સમય સાચવવામાં ખુબ જ ચુસ્ત હોય છે. એક કે બે મિનીટ પણ તેઓ ઈકડે-તીકડે ન થવા દે.
નિમંત્રણ-પત્રિકામાં સમય લખ્યો હોય તેનાં અમુક સમય પહેલા નવરો-નવરી સ્ટેજ પર આવી જ જાય. લગભગ બધા જ પાહુણાઓ, આય મીન મહેમાનો પણ ત્યારે હાજર જ થઇ ગયા હોય.
થોડીક એવી બીજી વિધિઓ ચાલતી હોય, એટલીવારમાં તો હોલમાં હાજર બધા જ પાહુણાઓના હાથમાં અક્ષતા, [હલ્દી-કેસરમાં રંગેલ લાલ-પીળા ચાવલ] વહેચાઈ પણ ગયા હોય.
પછી નવરા-નવરીને એક એક પાટ પર સામસામે ઉભા કરે, અને તે બંને એકબીજાનું મુખ ન જોઈ શકે તેવી રીતે વચ્ચે અંતરપટનું કપડું રાખીને, કંકોત્રીમાં જાહેર કરેલા સમયે, લાઉડ-સ્પીકરમાં ભટ્ટજી 'મંગલાષ્ટક' બોલે.
એક એક શ્લોકના અંતે 'કુર્યાત સદા મંગલમ..શુભ મંગલ સાવધાન' બોલાય, ત્યારે બધા જ પાહુણાઓ સ્ટેજ તરફ અક્ષતા વરસાવે. તો સ્ટેજ પર ઉભેલા ખુબ અંગતજનો અક્ષતા સાથે ફૂલ પણ વરસાવે. મંગલાષ્ટક પૂરું થતાં જ નવરો નવરીના ગળામાં, ને નવરી નવરાના ગળામાં હાર પહેરાવે, કે જેને પાહુણાઓ.., સગાવ્હાલાઓ અને કુટુંબીજનો તાલીઓના ગડગડાટથી વધાવી લે.
પછી અગ્નિની આજુબાજુ ત્રણ ફેરા ફરાય. અને તે પછી ચાવલની સાત ઢગલીઓ પર નવરો, મંત્રોચ્ચાર સાથે એક-એક પગલું મુકીને નવરીની સાથે સાત પગલા ભરે, જેને 'સપ્તપદી' કહેવાય.
બસ, ત્યાં સુધી જ પાહુણાઓ હોલમાં હાજર રહે, આ બધું સંપન્ન થતાં જ ટોળાના ટોળા ડાયનીંગ-હોલ તરફ ઝટપટ ચાલ્યા જાય.
જમીને પાછા આવે ત્યાં સુધીમાં તો લગ્નની જે થોડીઘણી વિધિઓ બાકી હોય તે પૂરી થઇ ગઈ હોય, અને નવરો-નવરી ખુરસી પર બિરાજમાન થઇ ગયા હોય.
પાહુણાઓ ત્યાં જઈને ગીફ્ટ કે પછી કવરમાં નગદનાણું નાખી ભેટ તરીકે આપે, અને ફોટો પડાવે. પછી નીચે ઉતરીને ઘરભેગા કે કામધંધા ભેગા થઇ જાય.
બીજા શબ્દોમાં.. ખુબ જ શોર્ટ એન્ડ સ્વીટ વેડિંગ-સેલિબ્રેશન, એટલે આ મરાઠી-લગ્ન.

.

તો આમ જ.. તન્વીના લગ્નનો સમય મધ્યાહને ૧૨.૩૫ ઘોષિત કરવામાં આવેલો, એટલે હું જયારે ત્યાં પહોચ્યો, ત્યારે અગ્યાર-સાડા અગ્યારની આસપાસ, ત્યાં કાર્યાલયમાં ખાસ્સી એવી ધાવ-પળ ચાલુ થઇ ગઈ હતી.

કાર્યાલયની સામે જ મને એક બેમાળી હોટલ દેખાઈ, એટલે વગર કંઈ વિચાર્યે, હું તે હોટલમાં પેસી, ઉપર પહેલે મજલે ચડી ગયો.
આટલી વહેલી બપોરે હોટલમાં ખાસ કોઈ ગર્દી નહોતી. અઠવાડિયાની મારી વધેલી દાઢી અને ચહેરા પર દેવદાસ જેવા ઉદાસ ભાવને કારણે ત્યાં હાજર મુઠ્ઠીભર લોકોમાંથી કોઈએ મારી તરફ ખાસ કંઈ ધ્યાન ન આપ્યું.

હું સાઈડનું એક ટેબલ પકડી બેસી ગયો, ને તે ટેબલની સામે જ એક ખુબ મોટી કાંચની વિન્ડો હતી કે જેમાંથી સામેના મંગલ-કાર્યાલયનો મેઈન-ગેટ દેખાતો હતો.

થોડીવાર તેની તરફ જોતો, હું સુધી ગુમસુમ બેસી જ રહ્યો.

વેઈટરે આવીને સામે મેનુ-કાર્ડ ધર્યું, ત્યારે જ મારી તન્દ્રામાંથી હું બહાર આવ્યો.
"એક એન્ટીકવીટી...લાર્જ..!" -મેનુમાં જોયા વગર જ મેં ઓર્ડર આપ્યો.
"સર, સોડા કે દુસરા કાય? "
"નથીંગ..! ઓન ધ રોક્સ, પ્લીઝ..!"

.

વેઈટર ગયો એટલે હું ફરી ખિડકીમાંથી બહાર જોવા લાગ્યો. ઓર્કિડના મોટા મોટા ફૂલથી પ્રવેશદ્વાર સજાવવામાં આવેલું. એક ઢોલવાળો અને તેની સાથે બે તુતારીવાળા, ગેઇટની બાજુમાં ઉભા હતા. કેટલીય મોટી મોટી ગાડીઓ પાર્કિંગમાં દેખાતી હતી.

ધડકન બરોબર જ કહેતી હતી, કે કદાચિત અમારા બંનેમાંથી કોઈને અમારા આ રીલેશનશીપમાં રહેલા દોષની જાણીવ થઇ જ નહોતી, તો હવે આ જ બધી ભૂલો, બાવળના કાંટાની જેમ મારા શરીરમાં ભોંકાતી હતી. અને આવું થતું હોવા છતાં,
એક રીલેશનમાંથી હજી બહાર પડ્યો નહોતો, કે મન તે પહેલા જ ધડકન તરફ આકર્ષાઈ ગયું હતું.
તેમાંય હવે નવી ગુંચ ઉમેરાઈ કે ધડકન ગુજરાતી નથી.
મનનો એક હિસ્સો એક તરફ હજી તન્વીમાં અટવાયો હતો, તો બીજી તરફ, તે ધડકન તરફ ખેચાઈ રહ્યું હતું.
મારા મનનો આવો વિલક્ષણ તણાવ, હવે તો મારી સહનશક્તિની બહાર જ હતો.

વેઈટરે વ્હીસ્કીનો પેગ લાવીને ટેબલ પર મુક્યો જ હતો, કે તરત જ મેં તે ઉપાડીને બોટમ્સ-અપ કર્યું અને એક જ ઘૂંટમાં ખાલી કરી, તે રીફીલ કરી લાવવા માટે તેને પાછો આપ્યો.
એક ક્ષણ માટે વેઈટરે મારી તરફ વિચિત્ર નજરે જોયું, અને ફરી પાછો ગ્લાસ ભરીને તેણે મારા ટેબલ પર લાવીને મૂકી દીધો.
એટલીવારમાં તો પીધેલી વ્હીસ્કીના બળબળતા ધોધે, ગળાથી લઈને પેટ સુધી તપ્ત આગ પેટાવી મગજમાં ઝણઝણાટી બોલાવી દીધી.

ત્યાં જ, થોડો કોલાહલ સંભળાતા મેં નજર બહાર કરી, તો મંડપમાં અનેક ફેંટાધારીઓ માન્યવરો બારાતના સ્વાગત માટે જમા થતાં જણાયા.
ક્ષણાર્ધમાં તો એક સફેદ-લાલ 'પજેરો' ગાડી ગેઇટ પર આવીને ઉભી રહી.
તેની પાઠોપાઠ સફેદ-શુભ્ર 'જેગુઆર' અને 'ઔડી' ધૂળ ઉડાવતી આવી, અને તરત જ બેન્ડ-વાજાવાળાઓ 'રાજા કી આયેગી બારાત' ગીત વગાડવાનું શરુ કર્યું.
સફેદ જેગ્વાર ગાડી પર ફૂલ અને નોટોનો વરસાવ કરવામાં આવ્યો.

તન્વીનો વર.. !
અમસ્તું જ મારા ચહેરા પર એક તુચ્છકારભર્યું હાસ્ય ફરી વળ્યું.
હંહ..! આ શું મારી તન્વીને સંભાળવાનો?
તન્વીને તો સિર્ફ હું જ સંભાળી શકું.
તેનું રીસાવું..મોઢું ફુલાવવું..તેના બાલીશ લાડ.. તેનો ધોધમાર વહેતો પ્રેમ.. તેની ગોસીપ્પો..તેના સ્વપ્નો..તેની આઈસક્રીમો..તેનો બોલીવુડ-પ્રેમ..તેનું શોપિંગ..તેની ફેવરેટ જગ્યાઓ..બધું જ બધું..!
આ લગ્નનંતર મારી તન્વી નક્કી જ ક્યાંક તો બી ખોવાઈ જવાની. અને તેની જગ્યા..સ્ટેટસ સંભાળનારી કે સ્ટેટસ સંભાળવું પડતું હોય તેવી કોઈક પાકટ..મેચ્યોર્ડ..પાટલીણ લઇ લેવાની..!
આ પાટીલની પાટલીણ..!
હા...હ !

ત્યાંથી મારી નફરતભરી નજર હટાવીને મેં મારી ઘડિયાળ તરફ જોયું.
સેકન્ડ-કાંટો પોતાની જ મગરૂરીમાં દોડતો હતો.
બસ.. હવે ૪૫ મિનીટ..
અને પછી..
પછી.. તદેવ લગ્ન..!
અંગ અંગમાં એક કાંટો ચુભાઈ ગયો.

ટેબલ પર સામે પડેલો વ્હીસ્કીભરેલો ગ્લાસ ઉપાડવા જતો હતો, કે મારા ફોનની રીંગ બજવા લાગી.
મને કોઈનોય..શેના માટેનોય ફોન રીસીવ કરવાની કોઈ જ ઈચ્છા નહોતી થતી, એટલે ગાજી રહેલા ફોન તરફ મેં દુર્લક્ષ કર્યું અને ગ્લાસ ઉપાડી હોઠે લગાડ્યો.
ફોન ગાજી ગાજીને બંધ થઇ ગયો. અને થોડી વેળ પછી પરત ચિલ્લાવા લાગ્યો.
વૈતાગીને આખરે મેં ફોન ઉપાડ્યો.

"હલ્લો..?"
"તન્મય.. ધડકન બોલું છું..ક્યાં છો તું?"
"ક્યાં છો, મતલબ?" -બહાર બેન્ડવાજાના ઘોંઘાટને લીધે મેં થોડા ઊંચા અવાજે બોલ્યું, ને પછી તરત જ મારો ટોન નોર્મલ કરી નાખતા કહ્યું- "ઓફકોર્સ બેંગ્લોરમાં..! કેમ? શું થયું?"
"તન્મય, ખોટું ન બોલ, પ્લીઝ.. ક્યાં છો કહે."
"અરે યાર.. ખોટું શું કામ બોલું? ખરેખર બેંગ્લોરમાં જ છું હું. પણ શું થયું તે તો કહે."
"ઓ, વાઉ..! ક્યા ઇત્તેફાક હૈ..! ત્યાં બેંગ્લોરમાં ય તારી ઓફીસની બહાર કોઈના લગ્ન છે કે? અને ત્યાં પણ 'રાજા કી આયેગી બારાત', સેમ ટુ સેમ ગીત બજી રહ્યું હોય, તેવું લાગે છે." -ધડકન મારી મજાક ઉડાવી રહી હોય તેમ, ઉપહાસભર્યા ટોનમાં બોલી.

"શીટ્ટ...!" -હું મનમાં ને મનમાં પટપટ્યો. નક્કી મારા ફોનમાંથી બહારના આ બેન્ડ-વાજાનો અવાજ તેને જતો હશે

"ઓકે, હું અહિયાં જ છું. તો?" -હારીને મેં કબુલ્યું.
"તો તું વેડિંગમાં કેમ નથી આવતો? તન્વીએ દસ વખત મને પૂછ્યું કે તું સાચે જ બેંગ્લોર ગયો છે કે? કમ-ઓન યાર..! ડોન્ટ બી સો સેલ્ફીશ. તેને સાચે જ ગમશે જો તું વેડિંગ એટેન્ડ કરીશ તો." -ધડકન મને સમજાવવાના ટોનમાં બોલતી હતી.

"નહીં ધડકન.. ઈટ ઈઝ નોટ ધેટ ઇઝી ફોર મી, એન્ડ ઈટ વોન્ટ બી ઇઝી ફોર હર ઓલ્સો. યુ નો ધડકન? અમે બંને ખરેખર જ એટેચ્ડ હતા એકબીજાથી. મને ત્યાં જોઇને, આઈ ડોન્ટ નો.. તે કેવું રીએક્ટ કરશે. તું તેને સારી રીતે ઓળખે છે."

"તન્મય.. મને કહે તું ક્યાં છો. ટેલ મી. ડોન્ટ વરી. હું નહીં કહું તન્વીને."

"હું 'સેવન-લવ્સ'માં છું. કાર્યાલયની સમોર જ." -ટેબલ પર પડેલા મેનુકાર્ડમાં હોટલનું નામ વાંચતા હું બોલ્યો.

"ઓકે. ફાઈન..!" -કહીને તેણે પટકન કોલ કાપી નાખ્યો.

.

થોડી મીનીટો બાદ મેં ધડકનને મંગલ-કાર્યાલયના મેઈન ગેઇટમાંથી બહાર નીકળતી જોઈ. હું તેને જોવા મારી ખુર્સીમાંથી ઉભો થયો. થોડી વાર વિચારીને હું પેલી કાંચની બારી તરફ ગયો. પણ એટલીવારમાં તો તે આ હોટેલના ગેટમાં અન્દર આવતી દેખાઈ અને બીજી જ મીનીટે તે ઉપર પણ આવી ગઈ.

ટીપીકલ પંજાબી સ્ટાઈલમાં રાણી કલરનાં ઘાઘરા-ચોળી તેણે પહેર્યા હતા, જેમાં સોનેરી રંગનું એમ્બ્રોઈડરી-વર્ક કરેલું હતું. તેનાં ખુબસુરત ગાલ પર પણ તે જ રંગનો લાઈટ-શેડમાં મેકઅપ કરેલો હતો. બ્લેક આય-લાઈનરને કારણે તેની પાણીદાર આંખો હજુએ વધુ ધારદાર લાગતી હતી. આખું કાંડુ ભરાઈ જાય એટલી રંગબેરંગી બંગડીઓ તેને ટીપીકલ ગર્લી લુક દેતી હતી.

તે સીધેસીધી મારા ટેબલ પર જ આવી ગઈ.

.

"ધડકન, તારે અહીં આવવું જોઈતું નહોતું." -મેં આજુબાજુ જોતા કહ્યું.
ધડકનને ત્યાં જોઇને સુસ્ત, અડધા નીંદરમાં, દારુ ચડેલી અવસ્થામાં હતા તેવા ચાર પાંચ પુરુષો એકદમ એટેન્શનમાં આવી ગયા. પલટી પલટીને તેઓ મારી અને ધડકનની તરફ જોઈ રહ્યા હતા.

બહુતે’ક તો તેમને એવું જ લાગતું હશે, કે ધડકન સામેના લગ્ન-હોલમાંથી ચાલી આવેલી દુલ્હન જ હશે અને હું તેનો, અડધો-પડધો દારૂના નશામાં લસ્ત, એવો બોય-ફ્રેન્ડ..!
હવે અમે બંને એકબીજાનો હાથ પકડીને અહીંથી ભાગી જઈશું, તેવી અપેક્ષા સાથે આ લોકો અમારી તરફ ઉત્સુકતાથી જોઈ રહ્યા હતા.

ધડકને ખુરસી બહાર ખેંચી અને મારી સામે બેસી ગઈ. તે સીધી જ મારી આંખોમાં જોઈ રહી હતી.
હું વધુ વાર સુધી તેની નજર સામે નજર મેળવી શક્યો નહીં, ને મેં મારી આંખો નીચે ઢાળી દીધી.

"આ શું છે તન્મય? " -ધડકન ધીમેથી બોલી- "તન્વીને હજુ પણ એવું લાગે છે કે તું આવીશ."
તે આગળ પણ કંઇક બોલવાની હતી, પણ અચાનક તે થંભી ગઈ.
મારી આંખો છલકાઈ ઉઠી હતી.

.

"મારા માટે ખરેખર જ તે પોસીબલ નથી ધડકન. હું નહીં જોઈ શકું, તેને બીજા કોઈની થઇ જતાં..."
કોઈ પણ કારણ વગર જ મારું ગળું ભરાઈ આવ્યું અને મને મોકળા કંઠે રડવાની તીવ્ર ઈચ્છા થઇ આવી.


"તન્મય..!" -ધડકને તેનો હાથ મારા હાથ પર મુક્યો
મે મારી આંખો તેના હાથ પર દબાવી દીધી અને તેનો હાથ મારા આંસુઓથી ભીંજાવા લાગ્યો.
એમ જ સ્થિર બેસી રહીને ધડકને મને રડવા દીધો.

થોઈ ક્ષણો એમ જ વીતી ને મને ખ્યાલ આવ્યો કે આજુબાજુના લોકો અધિક ઉત્સુકતાથી અમારી તરફ જોઈ રહ્યા હતા, એટલે મેં મારી આંખો લુછી અને સીધો ટટ્ટાર બેસી ગયો.
ધડકને તેનો જમણો હાથ મારી તરફ લંબાવ્યો. મેં જોયું તો તેમાં રંગબેરંગી ચાવલ હતા.

"અક્ષતા છે, તન્મય.." -મારો હાથ પલટાવી મારી હથેળીમાં અક્ષતા મુકતા તે બોલી- "તન્વીને તારા બ્લેસીન્ગ્સ મેળવવાનો હક છે. તેનો તે હક્ક તેનાંથી છીવની ન લે, તન્મય..પ્લીઝ !"

એક ક્ષણ મારી તરફ તે જોતી રહી અને પછી ત્યાંથી ચાલી ગઈ.
જાણે કોઈએ વશીકરણ કરી નાખ્યું હોય, તેમ કેટલીયે વાર સુધી હું, મારી હથેળીમાં રહેલા પેલાં રંગબેરંગી ચાવલને તાકતો રહ્યો.

લગ્નનું મુહુર્ત લાગી ગયું હતું અને ભટ્ટજીઓ રાગડા તાણી તાણીને મંગલાષ્ટકના મંત્રો ગાઈ રહ્યા હતા.
દિગ્મૂઢ બનીને હું તે સંભાળતો રહ્યો. આસપાસનું જાણે કે કોઈ જ ભાન ન રહ્યું,
હું કલ્પના કરતો રહ્યો તન્વીને અંતરપટને પેલે પર હાથમાં વરમાળા લઈને ઉભેલી. મારી પારિવારિક મજબુરીનો મને અહેસાસ થઇ આવ્યો, અને મારી આંખો ફરી છલકાઈ આવી.

.

ભટ્ટજીએ છેલ્લું મંગલાષ્ટક લલકાર્યું

"આલી લગ્ન ઘડી સમીપ, નવરા ઘેઉની યાવા ધરા
ગૃહોત્કે મધુપર્ક પૂજન કરા, અંતરપટાતે ધરા
દૃષ્ટાદૃષ્ટિ વધુવરા ન કરણે, દોઘી કરાવી ઉભી
વાજંત્રી બહુ ગલબલા ન કરતા, કુર્યાત સદા મંગલમ..
શુભ મંગલ.. સાવધા...ન "

અને પછી શરુ થયું 'તદેવ લગ્નમ..'.
થોડી વાર થઇ હશે ને તાળીઓના ગડગડાટથી કાર્યાલય ગુંજી ઉઠ્યું.
બધું પૂરું થઇ ગયું.
મેં આસપાસ જોયું, ધડકનના ગયા બાદ પુનઃ બધા લોકો સુસ્તપણે દારૂ પીવામાં ગૂંથાઈ ગયા હતા.

.

હું ઉઠીને કાંચની બારી તરફ ગયો.
પ્રત્યેક ડગ ભરતા મારા સંપૂર્ણ શરીરમાં ફરી ફરીને જાણે શુળ ભોંકાઈ રહ્યા હોય તેવી તીવ્ર વેદના થઇ આવી.
મારી તન્વી.. હવે મારી નથી રહી. હા, હવે આ જ હકીકત છે..

મારી મુઠ્ઠી ખોલીને તેમાં રાખેલ અક્ષતાની એક ચપટી ભરીને મેં કાર્યાલયની દિશામાં વરસાવ્યા.
"ઓલ ધ બેસ્ટ, તન્વી.. હેવ અ હેપી મેરીડ લાઈફ.. ફોર્ગીવ એન્ડ ફોરગેટ મી. આય શુડ હેવ નોટ પુલ્ડ યુ ઇનટુ ધીસ. આય વિશ યુ અ બેટર લાઈફ વિધાઉટ મી."

અને પછી વધેલા અક્ષતા પણ મેં બારી તરફ ફેંક્યા- "ગોડ બ્લેસ યુ, તન્વી.."
બારે હવે બેન્ડ-વાજા વાગવા શરુ થઇ ગયા હતા.

.

હું હતાશ થઇને પાછો ફર્યો અને મારી ખુરસી પર ફસડાઈ પડ્યો.
સામે પડેલ ગ્લાસને હું એક જ ઘૂંટમાં ગટગટાવી ગયો, ને હથેળીમાં ચહેરો ખોસીને બેસી રહ્યો.

ગળું બાળતી બાળતી પેટમાં જઈને ત્યાં વિરામ લઇ રહેલી વ્હીસ્કી, હજુયે વધુ તપ્ત બની, મારી આંખોમાંથી ગરમ ગરમ આંસુ રૂપે બહાર આવી, મારી હથેળીઓને ભીંજાવતી રહી..ભીંજવતી રહી. [ક્રમશ:]

.

અશ્વિન મજીઠિયા..