ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૧]
લેખક: અશ્વિન મજીઠિયા
ઈમેલ:
ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪
"એ... એ... એ...! જો..જો..! લુક આઉટ...! અરે અરે.. ! કાય, કરતોસ કાય રે..? બઘ બઘ, પુઢે બઘ...!"
મેં મારી ગાડી 'મંગળવાર-પેઠ'માંથી કાઢીને 'શનિવાર-વાડા' તરફ જવા માંડ્યું, કે મારી પાછળ બેઠેલી તન્વીની રનીંગ કોમેન્ટ્રી શરુ થઇ ગઈ. અમે બંને પુનાનાં આ એકદમ ગીચ વિસ્તાર 'મંગળવારપેઠ'માં આવેલ 'મંગલા' ટોકીઝ તરફ જઈ રહ્યા હતા.
.
જયારે જયારે પણ હું આ વિસ્તારમાં આવું, કે મને મારા પપ્પાને ખરા દિલથી કોસવાનું મન થઇ જાય છે, કે શા માટે તેઓ મુંબઈ છોડીને અહીંયા પુનામાં રહેવા આવી ગયા. પોતે તો 'કોરેગાવ-પાર્ક' જેવા જક્કાસ એરિયાની બહાર નથી નીકળતા અને મારે જયારે જયારે આવા પકાઉ એરિયામાં છાશવારે આંટા મારવા પડે છે, ત્યારે હું તો એકદમ વૈતાગી જાઉં છું.
.
જક્કાસ? પકાઉ? વૈતાગ?.. હા દોસ્ત હા.. આવા બધા શબ્દો તો મારી લેન્ગ્વેજમાં આવી જ જવાના. પંદર વર્ષનો હતો ત્યારથી પપ્પા-મમ્મી ભેગો મુંબઈથી અહિયાં શિફ્ટ થઇ ગયો છું..ને પછી સ્કુલમાં મરાઠી મિત્ર-મૈત્રિણ.. [હા..યાર, મૈત્રિણ એટલે બહેનપણી..સખી..સહેલી..જે સમજવું હોય તે..] ને આડોશ-પાડોશમાં ય આ જ બોલી સાંભળવાની ને બોલવાનીયે.., તે આજે ૨૭ વર્ષનો થયો હું, તો ૧૨ વરસમાં મારી ભાષામાં એટલો તો બદલાવ આવવાનો જ. ચલાવી લેવું પડશે યાર.. પ્લીઝ..!
તો હું કહેતો હતો, કે મંગળવાર-પેઠનો સડેલો ટ્રાફિક...ને એમાં પાછળ બેઠેલી મારી ગર્લ-ફ્રેન્ડ તન્વીની સર-પકાઉ બોમ્બાબોમ..
બસ..હું મારી ધીરજ ખોઈ બેઠો, અને...
"અરે..અરે..બાવળટ..! ગઈ ગઈ..! આહ..આહ..આઉચ..! " -જેવી મારી ગાડી એક પીલ્લર સાથે અથડાઈ, કે તેની પર લટકાવેલ એક હોર્ડિંગ અમારી માથે આવી પડ્યું, ને હોર્ડિંગનું પતળું કપડું ચીરીને અમારા બેઉના માથા તેમાંથી બહાર નીકળી આવ્યા, અને જાણે કે અમે બંનેએ એ હોર્ડિંગ રીતસર પહેરી જ લીધું.
બંને પગ જમીન પર ટેકવી દીધા હોવાથી મારી 'પલ્સર' પરનો મારો કાબુ તો મેં ગુમાવ્યો નહીં, પણ બંને વચ્ચે એક જ, એવી વરમાળા જેવું આ હોર્ડિંગ અમને બંનેને જે 'સુશોભિત' કરી રહ્યું હતું, તેને કાઢવું કેમ તેની તજવીજ અમે કરીએ, એટલામાં તો આસપાસ વાળા ફેરિયાઓ આવી ગયા. અને અમારા છુટા-છેડા.. મતલબ કે અમને મોકળા કર્યા.. છુટ્ટા કર્યા, તે જબરદસ્તીના જોડાણથી.
"કાય રે હે ગોંધળ..? કેવી ગાડી ચલાવે છે તું..? બાવળટ..!" -તન્વીનો પારો ઉંચો ગયો.
"ગપ્પ બસ..! આ બધું તારે કારણ જ થયું છે. બે મિનીટ પણ તું શાંતિથી બેસી નથી શકતી..? નુસ્તી કીચકીચ..કીચકીચ..!" -મેં પણ તેને જવાબ દેવામાં પાછી પાની ન કરી.
હા, યસ..!
અમે મળ્યા ત્યારથી પોતાની એક ફાલતું જીદ લઇને તે બેઠી હતી, કે જેનાથી છુટકારો મેળવવા માટે મેં આ મુવી જોવાનો પ્લાન બનાવ્યો.
નજીકના 'મંગલા' થીએટરમાં પેલું મસ્ત મરાઠી મુવી લાગ્યું હતું.. 'ટાઈમપાસ-પાર્ટ-૨' ટીનેજર્સ-લવસ્ટોરી..! પાર્ટ-૧ જોયેલો અને જામ મજા આવેલી, તો થયું કે તે જ જોઈ નાખીએ. અને એટલે જ આ ફાલતું ટ્રાફિક-અરિયામાં મારે આવવું પડ્યું.
ખેર, પબ્લિક વિખરાઈ ગઈ અને અમે મારી બાઈક લઈને આગળ વધ્યા.
*********
"તો શું વિચાર કર્યો..? ચલ ને પ્લીઝ..! તન્મય, અસ કાય કરતોસ..!"
થોડીવાર સુધી તન્વી ચુપચાપ રહી. પણ ફરી પાછી તેણે માથું પકવવાનું શરુ કર્યું, એટલે મેં બાઈક સાઈડમાં લગાવી દીધી-
"યેડી [પાગલ] થઇ ગઈ છે કે તું?" -હું લગભગ બરાડ્યો- "શું? લગાવ્યું છે શું તે આ સવારથી..? ચલ ને.. ચલ ને..! જાઉં કે ઘરે હું? બોલ..!"
"પ્લીઝ... જાનુ ! ચલ ને રે....! - તન્વીએ લાડમાં આવીને લહેકો કર્યો.
"ના......હી. હું આવવાનો નથી. અને પ્લીઝ, તું આ 'જાનુ જાનુ' બંધ કર.. એક તો તે એટલું ફિલ્મી લાગે છે. ને બીજું, તેનાથી મને પેલી "મી તુઝી ફૂલરાણી" વળી શેફાલીની યાદ અપાવે છે.. કેટલી બોરિંગ છે તે..!"
"એ....ય ! શેફાલી બાબત કંઈ બોલ્યો છે તો જોજે. શી ઈઝ માય ફેવરેટ..!" -તન્વી ગાલ ફૂગાવીને બોલી.
"ઓકે..ઓકે.. સોરી.."
.
[ખરું પૂછો તો તન્વી મને 'જાનુ' કહીને બોલાવે તે મને ખુબ ગમે. ને જે સ્ટાઈલથી.. જે લાડથી તે બોલે, તો એકદમ મસ્ત લાગે સાંભળવામાં.. પણ હું ય અમસ્તો જ.. મને ગમતું નથી તેવું દેખાડું, અને તેની પર ખિજાવાનું નાટક કરું. એટલે તન્વી હજુયે વધુ મને 'જાનુ' 'જાનુ' કહીને બોલાવે..! સાચ્ચે જ, આ છોકરી-લોકોને ઉલ્લુ બનાવવી કેટલી ઇઝી હોય છે ને..! ]
.
"ચલ,માફ કર્યો.. પણ તારે મારી કોલેજમાં તો આવવું જ પડશે. અરે, મેં પ્રોમિસ આપ્યું છે કે, તું આવશે. હવે જો તું નહીં આવે, તો મારો તો પચકો જ થશે ને...!"
.
તન્વી આર્ટસનાં સેકન્ડ યરમાં હતી અને સાયકોલોજીમાં તેનું સ્પેશીયલાઈઝેશન હતું. તેની થીસીસનો એક ભાગ, એટલે કોઈક એવો પ્રયોગ તેમણે લોકોએ કરવાનો હતો. આ પ્રયોગ હેઠળ તે લોકો કોઈ એક વ્યક્તિને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછે..થોડી ચિત્ર-વિચિત્ર આકૃતિઓ દેખાડે..અને એકંદરે સંવાદ-પરીસંવાદ કરીને તે વ્યક્તિની માનસિક અવસ્થાનો અભ્યાસ કરે. આવું કંઇક હતું આ બધામાં.
તન્વીની કોલેજ તો સાચું પૂછો તો ફક્ત છોકરીઓ માટેની જ હતી, અને માટે જ તે આ શહેરનું એક 'જોવાલાયક' સ્થળ ગણાય. રોજેરોજ આ કોલેજની આજુબાજુ કેટલાય મજનુઓ આંટા મારે, અને કોલેજમાં છોકરાઓને પ્રવેશ-નિષેધ હોવાને કારણે અંદર શું..કેવું હશે બધું, તેનું કુતુહલ આ બધા કરતા રહે.
આમ તો.. મારી સાથે જો કોઈક હોત, તો તો મેં આ ચાન્સ છોડ્યો જ ન હોત. પણ યાર, આવી કોલેજમાં હું સાવ એકલો જ છોકરો..! અને ઉપરથી તે બધીઓ સવાલ પર સવાલ પૂછે તેના જવાબ દેવાના..!
આ સીનની કલ્પના જ હું કરી ન શકું.
.
"અરે, પણ હું જ શું કામ..? તમને લોકોને બીજું કોઈ મળતું નથી કે..? આવી તે કેવી તમારી થીસીસ..?"
"તે કંઈ પણ હોય.. તું યેણાર એટલે યેણાર .. નહીંતર આપણું બ્રેક-અપ જ થઇ ગયું, સમજજે. ને, કાલથી મને ભેટતો નહીં." -તન્વી વરસી પડી.
[બાય ધ વે, મરાઠીમાં 'ભેટવું' એટલે 'મળવું'. કોઈ ગેરસમજ ન થવી જોઈએ :) ]
.
તન્વીએ ઇમોશનલ બ્લેકમેલ ચાલુ કર્યું, એટલે મારે ઢીલા પડવું જ પડ્યું. આમે ય ગયા કેટલાય અઠવાડિયાઓથી 'પ્રોજેક્ટની ડેડ-લાઈન'ને કારણે અમે બે-ત્રણ વિક-એન્ડ્સમાં કામ કર્યું હતું, એટલે એની રજા તો મળવાની જ હતી. અને બીજું એ, કે તમને જો ગર્લ-ફ્રેન્ડ હોય, તો તમારા માટે બહુ બધા ઓપ્શન બચતા જ નથી. છેલ્લે તો 'તે' જે કહે. તે કરવું જ પડે છે.
.
"ઠીક છે યાર. આમ ચિડાઈ ન જા. આવીશ હું. બસ..?" -મેં શરણાગતિ સ્વીકારી લીધી.
"યે હુઈ ના બાત..!" -મને પાછળથી બાથમાં લેતા તે બોલી- "ચલ હું તને ટ્રીટ આપું..!"
"નકો..! મારે નથી જોઈતી તારી પેલી ફૂસકી ટ્રીટ. બસ..હરીફરીને પેસ્ટ્રી કે પછી વડા-પાવ, ને લાસ્ટમાં બહુ બહુ તો પીયુષ..કે પછી, પન્નો પીવડાવીશ..! " -હું વૈતાગીને બોલી પડ્યો.
"ઓકે ઓકે.. તું કહીશ તેવી ટ્રીટ બસ..? બોલ શું જોઈએ છે?" -ભવાં ચડાવી કમરે હાથ મૂકી, ડોકું ટટ્ટાર કરતી તે બોલી.
.
મને બહુ મજા આવે, કે જયારે તન્વી આવી રીતે વાતો કરે. તેનાં પોની બાંધેલા વાળ આમ એક બાજુથી બીજી બાજુ ઝુલતા જોઇને મને તો ત્યારે ઘોડાની પૂછડી જ યાદ આવી જાય.
"મને શું જોઈએ છે, તે તું સારી રીતે જાણે છે," -જૂની હિન્દી મુવીઝના વિલન રણજિતની સ્ટાઈલથી હોઠપર અંગુઠો ફેરવતા ફેરવતા હું બોલ્યો.
"એય, કાય રે..! તમને લોકોને બીજું કંઈ સૂઝતું જ નથી કે? ઓલ બોયઝ આર ધ સેમ..!"
"ઓલ બોયઝ? એટલે..? કેટલા છોકરાઓને તું.. "
"શટ અપ..! હું મારી વાત નથી કરતી. પેલી સલોની છે ને ક્લાસમાં, તે કહેતી હોય છે. તેનો 'પેલો' છે ને..તે પણ આખો દિવસ આવા જ ઈશારા કરતો હોય છે." -બાઈક પર પાછળ બેસતા તન્વી બોલી.
.
તે પછીના થીએટર સુધીનાં આખા રસ્તે તન્વી તેની મૈત્રિણ અને મૈત્રિણના એફેર્સની જ વાતો કરતી રહી, કે જેમાં મને કાંડીભારનો ય ઈન્ટરેસ્ટ નહોતો. પણ કાય કરનાર..? પ્યાર કિયા તો નિભાના પડેગા..!
.
સાચું પુછો તો તન્વીને તેની થીસીસ માટે બીજું કોઈક મળી શક્યું હોત. તેની મૈત્રિણો શું ઓછી છે..? પણ તેણે અમસ્તો જ મને પકડ્યો. મને ખાતરી છે, કે નક્કી તેને 'શો-ઓફ' કરવો હશે. આ છોકરીઓને પોતાનો બોય-ફ્રેન્ડ બીજાઓને દેખાડવો શા માટે ગમતું હશે તે તો બલા જાણે. બાકી આઈ-શપથ, મેં મારા કોઈ પણ દોસ્તને તન્વી સાથે હજુ ઇન્ટ્રો સુધ્ધા ય નથી કરાવ્યો.
એની વે, હવે પાછળ હટવાનો કોઈ રસ્તો જ નહોતો. જો હોગા, સો દેખા જાયેગા..
.
તે રાત્રે એકદમ જક્કાસ ઊંઘ આવી ગઈ. સવારે તો સીધો ત્યારે જ જાગ્યો, કે જયારે તન્વીનો મેસેજ આવ્યો વોટ્સએપ પર, હું ઉઠ્યો કે નહીં, તે જાણવા માટે.
.
ઝટપટ નહાઈ ધોઈને તેની કોલેજ પર ગયો, ને તેની વાટ જોતો ઉભો રહ્યો. મનમાં તો થતું હતું, કે તેનું લેકચર કેન્સલ થાય તો સારું. કે પછી તન્વીની તબિયત થોડી ઢીલી-પોચી થઇ જાય, ને તે કોલેજ આવવાનું માંડી વાળે.. ને એવું એવું..
પણ શેનું શું..? નક્કી કરેલા સમયે મેડમ તો આવી..ઠુમ્મક ઠુમ્મક કરતી.
"એય, વા....ઉ, મસ્ત..હેન્ડસમ દેખાય છે રે..!" -આવતાની સાથે જ તન્વીએ મને ગ્રીટ કર્યો.
.
જો કે મને ખબર જ હતી. વાઇટ ડેનીમનું શર્ટ અને ડાર્ક બ્લુ સ્કીન-ટાઈટ જીન્સ, આ મારો ઓલ ટાઈમ ફેવરેટ ડ્રેસ-કોમ્બો છે. ફાસ્ટ-ટ્રેકના ગોગલ્સ, અને ક્રોકોડાઈલના શુઝ..! મને જ આ બધું એટલું કમ્ફર્ટેબલ લાગે કે મારા ચહેરા પરથી જ તે દેખાઈ આવે.
પણ તોય..તન્વીના કોમ્પ્લીમેન્ટ્સથી તો હજુયે વધુ સારું સારું લાગવા માંડ્યુ. ગમે તેમ તોયે અત્યારે ગર્લ્સ-કોલેજમાં જવાનું હતું, તો બેસ્ટ દેખાવું જરૂરી જ હતું.
"થેંક યુ મે'મ," -મુજરા સ્ટીલમાં કમરેથી વાંકો વાળીને મેં તેને મુસ્લિમ-સ્ટાઈલમાં સલામ મારી.
"જઈએ કે અંદર..?"
"બાય ઓલ મીન્સ..!" -મોઢા પર મુસ્કાન લાવી, આંખ મિચકારતા મેં કહ્યું.
.
એક ઊંડો શ્વાસ લઈને હું તન્વીની સાથે સાથે આગળ ચાલતો રહ્યો, ને ત્યાં જ અચાનક મારા ધ્યાનમાં આવ્યું, કે કોલેજના કમ્પાઉન્ડમાં તો અમે પ્રવેશી જ ચુક્યા હતા. તન્વીની ફાલતું બકબક ચાલુ જ હતી, પણ હવે તો મારું ધ્યાન આજુબાજુ જોવામાં જ હતું.
કોલેજનું કેમ્પસ મસ્ત હતું. બાંધકામ થોડું જુનું હતું.. સમજોને ૧૯૩૫ની આસપાસનું. પણ હતું દગડ-પથ્થરનું હતું, ને આકર્ષક દેખાતું હતું. સર્વત્ર છાયેદાર વૃક્ષ અને ફૂલના ઝાડ, ને એકદમ શાંતતા.. ! ફૂલ સાઈલેન્સ...!
.
શાંતિ ભલે એકદમ રમ્ય હતી, પણ તેનાથી એક ભારેખમ વાતાવરણ ઉત્પન્ન થઇ રહ્યું હતું.
એક ઝાડ નીચેની પાયરી પાસે ૫-૬ છોકરીઓનું ટોળું ઉભું હતું. અને અનાયાસે જ મારી અને તે બધીઓની નજર એક થઇ. હું ખચકાઈ ગયો, ને બીજી તરફ જોવા લાગ્યો. મેં નજર ભલે ફેરવી લીધી, પણ મનમાં એક ભીતિની લહેર તો દોડી જ ગઈ, કે હવે કોલેજ આખીમાં આ વાત પ્રસરી જશે, કે છોકરીઓની કોલેજમાં એક 'લંગુરીયો' છોકરો આવ્યો છે.
મેં એક વાર પાછળ ફરીને જોયું. કોલેજનો ગેટ હજી બહુ દુર નહોતો. ભાગી છુટું તો ૨-૩ મીનીટમાં બહાર નીકળી જવાય. એમ થઇ આવ્યું ય હતું, કે ભાગી જ જવું જોઈએ. બ્રેક-અપ તો બ્રેક-અપ..!
"હે આમચી ઇકોનોમિક લેબ..આ એક્ટીવીટી રૂમ..અહિયાં બાયોલોજી.." -તન્વી તેની કોલેજ મને દેખાડતી હતી. મેં અહીં તહીં જોવાનું છોડી દીધું, અને તન્વીની વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
થોડે દુર નેવી બ્લુ કલરની મીડી પહેરેલી એક છોકરી કોઈક ચોપડી વાંચતી બેઠી હતી. તેના કોરા વાળ ખભા પર છુટા લહેરાઈ રહ્યા હતા. ફિક્કા તપ્કીરી રંગની લીપ્સ્ટીક તેના પાંખડી જેવા હોઠને હજુયે વધુ આકર્ષક બનાવી રહ્યા હતા. અચાનક તેનું ધ્યાન ચોપડીમાંથી ખસીને મારા પર પડ્યું. અમારા બંનેની નજર એક થઇ. તેની આંખોમાં એક અજબનું આકર્ષણ હતું. ઈચ્છા હોય કે ન હોય, પણ હું તેની પરથી નજર હટાવી જ ન શક્યો. તેણે તન્વી તરફ જોઇને હાથ હલાવ્યો, અને ફરીથી મારી તરફ એક નજર નાખીને ફરી પોતાનું પુસ્તક વાંચવા માંડી.
"બીચ્ચ..! કુતરી..!" -તન્વી મનોમન બબડી.
.
અમે હવે કોલેજનાં અંતરિયાળ હિસ્સામાં પ્રવેશ્યા હતા, એટલે આજુબાજુની પબ્લિક હવે વધી ગયેલી દેખાતી હતી. દરેક નજર અમારી તરફ જ મંડાયેલી હતી, અને કદાચ એકમેક સાથે ગુસપુસ કરતા બધા અમારી જ વાત કરતા હોય તેવું લાગતું હતું. આ પ્રાંગણમાં એક છોકરાને જોવો, તે એક અજાયબી જેવું જ હોવું જોઈએ, કદાચ.
"શું વાત કરતી હશે આ બધીઓ..? કસાઈ-વાડે જતા બકરાને કોઈ ભાવના થતી હશે? જો થતી હોય, તો તે શું વિચારતો હશે..?" -આવા આવા ફાલતું સવાલો મારા દિમાગમાં ઉઠી આવતા રહ્યા.
અને તન્વી?
તે તો આ બધી ઘટનાઓની મજા જ લઇ રહી હતી..! શી વોઝ એન્જોયિંગ ધ એટેન્શન શી વોઝ ગેટીંગ..! તેનું તો જાણે કે ઈમ્પોર્ટન્સ વધી જ ગયું હોય, તેવું તેને લાગતું હતું.
હું આગળ આગળ ચાલતો હતો, ને અચાનક મારા કદમ અટકી ગયા. હું થોડો ખચકાઈ ગયો..!
સામેથી અમારી દિશમાં બે પ્રૌઢ વયની સ્ત્રીઓ આવતી હતી, અને તે બંનેની નજર અમારી..કે કદાચ ફક્ત મારી પર જ હતી.
અને..અને..બંને અમારી સામે જ આવી ને ઉભી રહી ગઈ.!
કપાળ પર કંકુની મોટી ટીકલી કરેલી બાઈએ તન્વી પાસે 'આઈ-કાર્ડ' માગ્યું. તન્વીએ આઈ-કાર્ડ બતાવ્યું, પણ બેઉ બૈરાઓમાંથી કોઈના મોઢા પર કોઈ જ ઉત્સાહ ન દેખાયો. સિગ્નલ તોડીને આગળ નીકળી ગયેલા કાર-માલિક પાસે હવાલદાર જેમ લાયસન્સ માગે, અને જોઇને પરત આપે, એવું જ સમજોને. ને ત્યારે તે મામાને જાણે કે લાયસન્સમાં કોઈ ઈન્ટરેસ્ટ હોતો જ નથી.
"તન્વી.." -ટીકલી મેડમ બોલી- "ધીસ ઇસ ગર્લ્સ કોલેજ.."
"આય નો મે'મ..! મારી પાસે પરમીશન છે. એક્ચ્યુલી આજે અમારી સાઈકોલોજીની થીસીસ ફાઈનલ થવાની છે, તેના માટે અમારે એક ઓબ્જેક્ટની જરૂર છે."
.
[ઓ... તો હું એક ઓબ્જેક્ટ..એક વસ્તુ છું, આ બધીઓ માટે..? ગરરરર..! ]
"કઈ ટીચર?" -ટીકલી વગરની મેડમ બોલી.
"મે'મ, દેસાઈ મેડમનું લેકચર." -તન્વીએ કોન્ફિડન્સથી જવાબ આપ્યો.
"તમારા લોકોની સાઈકોલોજી લેબ તો પાછળ છે. આ બાજુ ક્યાં જાઓ છો?" -ટીકલીએ અમને ટોક્યા.
"મેં'મ, આજે આખું લેકચર પ્રેક્ટીકલ જ છે, એટલે ક્લાસમાં જ બેસવાનું છે. લેબમાં જવાનું જ નથી."
"ઓલરાઈટ, યુ કેન ગો..!" -બિન-ટીકલીએ પરમીશન આપી દીધી.
[લાયસન્સ ચેક..પી.યુ.સી. ચેક..ઇન્સ્યુરન્સ ચેક..હવા, ઓઈલ, સીટ-બેલ્ટ..બધું ઓકે...! ઠીક હૈ, યુ કેન ગો..!]
.
હાઈશ..! -તે બંને મે'મ ગઈ એટલે એકદમ હાશકારો લાગ્યો.
તન્વી તરફ જોયું, તો તે તો યાર..એકદમ નોર્મલ જ હતી. આનો જો બદલો લેવાનો થશે, તો આને અમારી ઓફિસની આર્કિટેક-ડીસકશનમાં લઇ જઈને 'ક્વેશ્ચન આન્સર્સ' સેશનમાં સૌથી આગળની સીટ પર બેસાડવાનું મેં નક્કી કર્યું, ને હું આગળ ચાલ્યો.
થોડી જ વારમાં અમે તન્વીના ક્લાસમાં પહોચ્યા. ક્લાસ એકદમ પેક હતો. દુનિયાભરની ચપડચપડ ચાલુ હતી. મને હતું કે મને જોઇને જાણે કે સન્નાટો જ છવાઈ જશે, પણ સદભાગ્યે એવું કશું થયું નહીં. મારા આગમનની કોઈ પર કોઈ ખાસ અસર પડી નહીં. કદાચ આવા 'ઓબ્જેક્ટ'ની ટેવ હશે આ ક્લાસને..! મારી પહેલા 'ઉંદર', 'દેડકો', 'સસલું', 'ઘુવડ'...આ બધા પર પ્રેક્ટીકલ થઇ ગયા બાદ 'માણસ'માં તેમને બહુ બધી નવીનતા નહીં લાગી હોય, એવો વિચાર આવ્યો, અને પછી તન્વીએ દેખાડેલ એક ખૂણાની એક ખુરસી પર જઈને હું બેસી ગયો.
.
પાંચ મીનીટમાં જ પહેલી બેલ વાગી, અને 'યોર ઓનર' એવા દેસાઈ મેડમ વર્ગમાં હાજર થયા.
મેડમને આવતા જોઇને હું જગ્યા પરથી ઉભો થયો, ને વર્ગમાં એક પ્રકારની ઘુસપુસ..એક ધીમો ગણગણાટ થયો, બસ..!
બહુતે'ક, મેડમ આવે ત્યારે તેમના માનાર્થે ઉભા થવાની કસ્ટમ અહીં નહીં હોય. મતલબ કે, મને તો આવી કલ્પના જ નહોતી, ને મુર્ખની જેમ હું એકલો જ ઉઠીને ઉભો રહ્યો. મેં એક છૂપો કટાક્ષ કરતી નજર તન્વી પર ફેંકી.
પણ, 'યુ આર સો ઓલ્ડ ફેશન્ડ' -કે એવા ટાઈપનો કોઈક ડાઈલોગ બોલતી હોય તેમ પોતાના હોઠ હલાવતા તેણે પોતાની બેગમાંથી એક ચોપડી કાઢી.
મારી રહી સહી હિમ્મત પણ જાણે કે અવસાન પામી ગઈ, ને મારી ડોકથી લઈને પીઠના સૌથી નીચેના મણકા સુધી પરસેવાની એક બુંદ સરકતી ચાલી. ગળામાં ય શોષ પડવા લાગ્યો ને હું 'ધડ' દઈને પાછો નીચે બેસી ગયો. [ક્રમશ:]
.
અશ્વિન મજીઠિયા..