Dhak Dhak Girl - Part - 2 books and stories free download online pdf in Gujarati

ધક ધક ગર્લ -ભાગ ૨

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૨]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.
"સો..ટુ ડે.." -દેસાઈ મેડમે શરુ કર્યું- "વી વિલ બી એનેલાઈઝીંગ ધ ડીફરંટ આસ્પેક્ટ ઓફ હ્યુમન બ્રેઈન."
ને પછી બધી વિદ્યાર્થીનીઓ, દેસાઈ મેડમ જે બોલતા ગયા, તે પોતાની વહીમાં ટપકાવતી ગઈ.

"તન્વી, પ્લીઝ ઇન્ટ્રોડયુસ ધ ઓબ્જેક્ટ ટુ ધ ક્લાસ.." -મેડમ પછી બોલ્યા, એટલે તન્વી ઉભી થઇ.

"થેંક યુ મે'મ.." -કમરેથી થોડી વાંકી વાળીને તન્વી બોલી- "એન્ડ માય ફ્રેન્ડઝ, ધ ઓબ્જેક્ટ ઓફ ટુ ડે, ઇઝ તન્મય..! હી ઈઝ માય ફ્રેન્ડ."

"જસ્ટ અ ફ્રેન્ડ? કે પછી..?" -હળવે'કથી કોઈકે પાછળથી એક મમરો મુક્યો, અને ક્લાસમાં ખીખીખીખી થઇ પડ્યું.

તન્વીએ એક વાર મારી તરફ હસીને જોયું, અને પેલા મમરા-પ્રશ્નને ઇગ્નોર કરીને તે આગળ બોલી-

"હી ઈઝ અ સોફ્ટવેર ઇન્જિનીયર.."

"વુઉઉઉઉ.......ઉઉઉ" -ક્લાસમાં કેટલાય મોઢામાંથી એકસામટો સિસકારો નીકળી પડ્યો.

"એન્ડ હી ઈઝ વર્કિંગ ઇન અ મલ્ટી નેશનલ કમ્પની.."

"વુઉઉઉઉ.......ઉઉઉ"નું વન્સ-મોર થયું.

"એન્ડ હી ઈઝ અ ટીમ-લીડર"

"વુઉઉઉઉ.......ઉઉઉ" -આ વખતે ડબલ જોરથી થયું.

તન્વીએ ફરી એકવાર બધા સામે હસીને જોયું, ને નીચે બેસી ગઈ.

"તન્મય.. આજનું આપણું સેશન બે ભાગમાં થશે," -દેસાઈ મેડમ મારી તફ જોઇને બોલ્યા- "પહેલા સેશનમાં વિદ્યાર્થીનીઓ તને કેટલાક ફીગર દેખાડશે.."

દેસાઈ મેડમ 'ફિગર' શબ્દ બોલ્યા, કે ફરી વર્ગમાં 'ખીખીખીખી' થઇ પડ્યું.

"ડાયગ્રામસ, આય મીન ડાયગ્રામસ..!" -નાક પર નીચે સરકી આવેલા ચષ્માને ઉપર ખસ્કાવતા તેઓએ પોતાની 'ભૂલ' સુધારી- "તે ડાયગ્રામ્સ જોઇને તેમાં તને શું દેખાય છે? તે જોઇને તને કેવી ફિલિંગ્સ આવે છે? તને કેવું શું લાગે છે તે તારે ટુંકાણમાં કહેવાનું. લગભગ પંદર-વીસ ડાયગ્રામ આપણે જોઈશું. અને પછી, બીજા સેશનમાં થોડા રેન્ડમ પ્રશ્નો હશે, કે જે સ્ટુડન્ટને મનમાં આવશે તેવા તેઓ પૂછશે. તારે તેનાં જવાબ આપવાના. ઓલરાઈટ?"

મેં કોઈક આજ્ઞાધારક વિદ્યાર્થીની જેમ મુંડી ધુણાવી.

દેસાઈ મેડમે હાથમાં ખડો લીધો, અને બ્લેક-બોર્ડ પર કંઇક ઢસડવા માંડ્યા..

મેં પટકન તન્વી તરફ જોયું. તે મારી તરફ જ જોઈ રહી હતી. અમારી નજર મળી, કે તેણે પોતાની ડાબી આંખ મીચકારીને મને આંખ મારી.

ચ્યા..આયલા..! આ છોકરીઓને આવું બધું કેમ કરીને ફાવતું હશે..? હું મારી જાતની કલ્પના પણ નથી કરી શકતો ઓફીસની કોઈ બોર્ડ-મીટીંગમાં આમ કોઈને આંખ મારવી એટલે..! બાપ રે..!

.

હુંયે તન્વીને આંખ મારવાની તૈયારીમાં જ હતો, કે મારું ધ્યાન બીજી એક છોકરી પર ગયું. તે એકધારી મારી તરફ જ જોઈ રહી હતી, એટલે આ આંખ મારવાની રમત મેં ત્યાં જ સમેટી લીધી. એટલામાં તો કોઈક કોમ્પ્યુટરમાંથી પ્રોજેક્ટર-સ્ક્રીન પર 'પાવર-પોઈન્ટ' પ્રોગ્રામની અમુક સ્લાઈડ્સ દેખાવા લાગી, અને તે સ્લાઈડ્સમાં દેખાતી આકૃતિઓ પર મેં મારું ધ્યાન કેન્દ્રિત કર્યું.

તે પછીની ૩૦-૪૦ મિનીટ સુધી ચિત્ર-વિચિત્ર આકૃતિઓ પેલા સ્ક્રીન પર આવતી જતી રહી. ક્યારેક ચોરસની અંદર બીજું ચોરસ ને અંદર તેને છેદતું ત્રિકોણ. ક્યારેક વર્તુળની અંદર હાર્ટનો આકાર..બે એરોની વચ્ચે માણસના ચહેરા જેવો આકાર..ઉગતા સુરજની બાજુમાં જ જાંબુડી રંગનો ચંદ્ર..તો ક્યારેદ ફક્ત વિવિધ રંગોના લસરકા...!

મારે પણ બહુ વિચાર ન કરતા જે દેખાય તે જ કહેવાનું હતું એટલું સારું હતું. નહીં તો મોડર્ન આર્ટના પ્રદર્શનમાં બાવળટની જેમ ઉભા રહીને તેના પેન્ટરને જ પૂછીએ કે- "મિત્રા, હે કાય બનવલા આહે?" -આવી જ હાલત મારી ય થઇ હોત.

પહેલું સેશન તો આમ પટકન પૂરું થઇ ગયું. લાઈટો ચાલુ થઇ ગઈ, અને ક્લાસમાં અજવાળું ફરી પથરાઈ ગયું.
મેં તન્વીની સામે જોયું. તેણે પોતાની ભ્રમરો ઉંચી કરી ઇશારાથી પૂછ્યું કે- હાઉ વોઝ ઈટ?
મેં પણ ડોકું હલાવી ને સામે ઈશારો કર્યો કે- "ફાઈન. ઈટ વોઝ ફાઈન."
પાંચેક મીનીટના બ્રેક પછી બીજું સેશન શરુ થયું.

આ સેશનમાં છોકરીઓ મનમાં આવે તેવા પ્રશ્ન પૂછવાની હતી. જેમ કે એક પ્રશ્ન હતો- "નોર્મલી તને રોજ કઈ ટાઈપના સપનાઓ આવે છે?", તો બીજો પ્રશ્ન હતો- "અન્ડર સ્ટ્રેસ, મનને શાંત કરવા તું ડ્રગ્સ, મ્યુઝીક, બુક્સ, ફ્રેન્ડઝ કે એકાંત..આમાંથી શેનો આધાર લઈશ?"

મતલબ આ કોઈ કમ્પનીમાં ઈન્ટરવ્યુ જેવું કંઈ નહોતું, એટલે બસ પાંચ સાત મિનીટમાં જ હું રેલક્સ થઇ ગયો. અને પછી તો મને આ બધા પ્રશ્નોમાં મજા ય આવવા લાગી.

એક્ચ્યુલી, પેલા સ્ટ્રેસના પ્રશ્નએ તો મારું કામ એકદમ સોપુ-સરળ કરી નાખ્યું. અમારી ટીમનો એક હેડ હતો, જ્યોર્જ.. ! કોઈ પણ મહત્વની મીટીંગમાં તે ફોર્મલ ન રહેતા એકદમ મસ્ત ખુરસીમાં પગ પસારીને બેસતો. હાથપગ સાવ જ ઢીલા મુકીને તે જામ રિલેક્સ્ડ લાગતો. આ વખતે મેં પણ એમ જ કર્યું. ટોટલી આરામથી મેં મારા શરીરને છુટ્ટું મૂકી દીધું એન્ડ એન્જોય્ડ ધ સેશન.

.

એમ થતું હતું કે તન્વી પણ મને એકાદ પ્રશ્ન પૂછે, પણ એવું થયું નહીં. કોઈ પણ પ્રશ્ન પૂછે, કે તન્વી પહેલા તેની તરફ...ને પછી ચહેરા પર એકદમ ચાઈલ્ડીસ ઉત્સુકતા લાવીને હું શું જવાબ આપું છું, તે માટે તે મારા તરફ જોયા કરતી.

ઘડિયાળનો કાંટો આગળ આગળ વધતો જતો હતો. બસ હવે ૫-૧૦ મિનીટ..ને હું આ બધામાંથી બહાર નીકળવાનો હતો. પ્રશ્નોનો મારો હવે ઓછો થયો હતો, ને બધીઓ પોતપોતાની વહીઓમાં પોતપોતાનું નિરીક્ષણ લખતી બેઠી હતી. ખરું પૂછો તો મને બહુ ઈચ્છા થઇ આવી તેમની વહીઓમાં ડોકિયું કરીને શું લખ્યું છે તે જોવાની. ગમે તેમ તો ય, તે નિરીક્ષણો હતા તો મારી બાબતના જ.

.

"તન્મય, આઈ હેવ વન ક્વેશ્ચન અબાઉટ હ્યુમન રિલેશનશીપ.. કેન આય આસ્ક..?" -હું મારી રીસ્ટ-વોચમાં ટાઈમ જોવામાં તલ્લીન હતો કે એક અવાજ મારે કાને અથડાયો.

ખરું પૂછો તો સારા એવા ટાઈમ પછી આ એક પ્રશ્ન આવ્યો હતો, એટલે બધાએ પાછળ વળીને જોયું. મેં પણ તે અવાજની દિશામાં જોયું..

અને જોતો જ રહી ગયો..!

મારી છાતી જાણે કે ધમણની જેમ ધડકવા લાગી, અને તેમાંથી લગભગ સાવ ચોક્ખો અવાજ પણ મને સંભળાવા લાગ્યો.
ધક્ ધક્..... ધક્ ધક્.....!

યસ..

શી વોઝ ધ મોસ્ટ બ્યુટીફૂલ ગર્લ ઇન ધેટ ક્લાસ.

એક્ચ્યુલી તો મારા મનમાં આવો વિચાર જ ન આવવો જોઈએ.

પણ યાર.. તે તન્વી કરતા તો કેટલાય ગણી સુંદર હતી. આટલી વાર સુધી તે મને એકેય વાર દેખાઈ કેમ નહીં, તેનું મને તે જ ક્ષણે આશ્ચર્ય થયું.

દાંત પર પેન્સિલની ટોચથી ટકટક કરતી, તે મારી તરફ જ જોઈ રહી હતી. મોટા મોટા મોતી જેવી તેની મસ્ત-મસ્ત આંખો મારા કાળજા પર ઘાવ કરતી હતી. તેના લાંબા અને સીધા-સટક છુટ્ટા વાળ, અડધા તેની પીઠ પર, તો અડધા તેની ભરાવદાર છાતી પર પ્રસરેલા હતા. તેનાં અવાજમાં એક અનોખા પ્રકારની માર્દવતા હતી..એક ફ્રેન્ડલી ટોન હતો. મતલબ કે...કેટલીક વાર આપણને ફોન પર સેલ્સ-કોલ આવતા હોય છે, તેમાંથી કેટલા'ક અવાજ આપણા મનને એટલા ભાવી જાય છે, કે ત્યારે એક-બે મીનીટના સંભાષણમાં જ આપણે તે અવાજની સાથે એટલા એકરૂપ થઇ જઈએ છીએ, કે સામે પક્ષે બોલનારી વ્યક્તિ પાછલા ઘણા વર્ષોથી આપણો મિત્ર /મૈત્રિણ હોય તેવું લાગવા માંડે, બસ એવું જ.

.

"તન્મય..!" -તેનાં અવાજે મારી તન્દ્રા ભાંગી.

"યોર નેમ પ્લીઝ..!" -અવાજમાં સ્ટાઈલીશ ટોન લાવવાનો અમસ્તો જ પ્રયત્ન કરી હું બોલ્યો. ખરું પૂછો તો મારે શું કામ હતું તેનું નામ જાણીને? અત્યાર સુધી મેં ક્યાં કોઈને તેનું નામ પૂછ્યું હતું? એક તન્વીને બાદ કરતા, બાકી બધીઓ મારા માટે જાણે કે સાવ ત્રાહિત વ્યક્તિ જ હતી. પણ કોને ખબર કેમ, આ વખતે મારાથી રહેવાયું જ નહીં. મને મારી ભૂલ સમજાઈ, અને મેં તરત જ તન્વીની તરફ જોયું.

.

"લપસ્યો.. લપસ્યો તરત જ આ..! સુંદર છોકરી જોઈ, કે તરત જ લપસી પડ્યો." -દર વખતની જેમ આવા જ કોઈક ભાવ તેના ચહેરા પર હશે જ, તેવી મને ખાતરી હતી, પણ સદભાગ્યે એવું કંઈ થયું નહીં.

"ધડકન.." -એક જીવલેણ ક્ષણની શાંતિ બાદ 'તે' બોલી.

એની મા...ને, શું નામ છે..! છાતીમાં ધક્-ધક્ વધારી દે તેવું રૂપ, અને પાછું નામ જુઓ તો- 'ધડકન..'

યાર.. શું નામ છે..!

આ માબાપે આવું નામ રાખ્યું ત્યારે તેમને શું કોઈ અંદાજો હશે, કે ધડકન થંભી જાય તેવી પર્સનાલીટી હોય, ને ઉપરથી મિષ્ટાનમાં સુગંધ ભળે તેવું આ કાતિલ નામ જો સાંભળે, તો કોઈની શું હાલત થશે..?

"પ્રીટી નેમ..! જસ્ટ લાઈક યુ." -મારું મન ભીતરમાં જોરથી બરાડતું હતું. પણ બહુ મુશ્કેલીપૂર્વક હું તે ભાવને મારી જીભ સુધી આવતા રોકી શક્યો.

.

"શ્યોર ધડકન, પ્લીઝ ગો અહેડ.." -મેં કહ્યું.
"તન્મય, સમજ કે કોઈ છોકરો-છોકરી કમિટેડ છે, એકબીજાને વફાદાર..! બેઉ મસ્ત...એકબીજાને અનુરૂપ એવા ટીપીકલ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ. પણ તેમાંય તે તેમનું રીલેશન એકદમ વિયર્ડ છે. આય મીન..વિચિત્ર છે. એટલે કે બંને એકબીજાને કમિટેડ તો છે, પરંતુ ફક્ત અમુક દિવસો સુધી જ, કે જ્યાં સુધી બંનેમાંથી એકના મેરેજ નથી થઇ જતા, ત્યાં સુધી. બંને જુદી જુદી જાતના છે. કદાચ બંનેના ઘરવાળા ઇન્ટર-કાસ્ટ મેરેજની પરવાનગી નથી આપવાના. આ વાતની આ બંનેને ખબર છે કે બંને એકબીજા સાથે લગ્ન નથી જ કરી શકવાના, અને તોય આ બંને કોઈક ત્રીજા સાથે લગ્ન થાય, ત્યાં સુધી એકમેકને જ કમિટેડ..વફાદાર રહે તેને શું કહેવાય? તને શું લાગે છે તન્મય, આ શું સાચે જ પ્રેમ છે? કે પછી ફીઝીક્લ એટ્રેક્શન? તો શું એક એકમેકના મનને અને પોતપોતાના પેરેન્ટ્સને ફસાવીને કરેલું એક નાટક હોય છે, આ કમિટમેંટ?"

જેવો આ સવાલ પૂરો થયો, કે મેં તરત જ તન્વીની તરફ જોયું. તન્વીએ તરત બે દાંત વચ્ચે પોતાની જીભ દબાવી અને બીજી તરફ આંખ ફેરવી લીધી. ક્લાસની બધી છોકરીઓ હવે ફક્ત મારી તરફ જ જોતી હતી. શંકા ન આવવાનું કોઈ કારણ જ નહોતું. આ પ્રશ્નમાંના છોકરો-છોકરી બીજા કોઈ નહીં, પણ હું અને તન્વી જ હતા. ધેટ વોઝ આવર સ્ટોરી.

.

તન્વી અને મારી વચ્ચે પાંચ ઉમરનો મોટો ફરક. તે ૨૨ની, ને હું ૨૭નો. પણ આ કોઈ મોટો પ્રોબ્લમ નહીં. હા પ્રોબ્લમ એ, કે તન્વી એક હિંદુ-મરાઠા જાતની મરાઠી છોકરી, તો હું એક ગુજરાતી-બ્રાહ્મણ તન્મય ત્રિવેદી. ધડકને જેમ કહ્યું તેવું, આ કોઈ નાટક તો બિલકુલ જ નહોતું. મને તન્વી જેટલી ગમે, તેટલો જ તેને હું ગમું. એક દિવસ પણ જો તેને ન મળું, કે ફોન ઉપર વાત ન થાય, તો અમને તરત જ એ વાતનો અહેસાસ થઇ જ આવે...અમે બંને એકમેકને બહુ મિસ્સ કરવા લાગીએ. કોઇપણ સારી-ખરાબ વાત એકમેક સાથે શેઅર કર્યા વગર રહી જ ન શકાય. પણ આવું હોવા છતાય, અમે બંને એકદમ પ્રેક્ટીકલ. અમને બંનેને એ વાતની પૂરી ખાતરી, કે આ અમારો નાતો અમારા ઘરવાળાઓને ક્યારેય માન્ય નહીં જ હોય. જેમ મારા ઘરમાં મારી વાઈફ ગુજરાતી-બ્રામ્હણ જ હોવી જોઈએ તેવી હઠ હતી, તેવી જ રીતે તન્વીના ઘરમાં પણ તેનો વર ૯૬ કુળનો મરાઠા જ હોવો જોઈએ તેમાં બીજી કોઈ જ ચોઈસ નહોતી. તેમને મરાઠી-બ્રાહ્મણ પણ ન ચાલે, તો ગુજરાતી-બ્રમ્હાણની તો વાત જ ક્યાં કરવી. તેને લીધે અમે બંને પતિ-પત્ની બની શકીશું, તેવા શમણાઓ ન તો અમે ક્યારે જોયા હતા, કે ન તો એકમેકને દેખાડ્યા હતા. પણ હા, અમને જો કોઈ જુદા કરી શકે તેમ હતું, તો ફક્ત એક અથવા બીજાના લગ્ન. એટલે ધડકનનો આ સવાલ ત્રીજા કોઈ માટેનો નહીં, ને ફક્ત મારો અને તાન્વીનો જ હતો.

.

"ધડકન.. એમાં એવું હોય છે કે..." -હું થોડી વાર વિચાર કરીને બોલ્યો- દરેક જણ પોતપોતાનું જીવન જીવતો હોય છે. તે તેણે કેવી રીતે જીવવું, તે વાત તે પોતે જ નક્કી કરતો હોય છે. આવા રીલેશનના પરિણામો જો તેને અથવા તેણીને ખબર હોય, તો આવા સંબંધમાં ખોટું છું છે? સાચું પૂછો તો આપણે તો તેમનો આદર કરવો જોઈએ. તેમણે ફક્ત...."

હું બોલતો હતો, એટલીવારમાં તો બેલ પડ્યો. અને મારી વાત અધુરી જ રહી ગઈ.

ધડાધડ બધાએ પોતપોતાની બેગ બંધ કરી, અને અડધી મીનીટમાં તો અડધો ક્લાસ ખાલી થઇ ગયો.

મેં ધડકનની સામે જોયું. તે હજી સુધી પોતાની ડેસ્ક પર બેઠી જ હતી. હું તેની તરફ જવા વળ્યો, એટલીવારમાં તો તન્વી મારી પાસે પહોચી ગઈ.

"એન્જોય્ડ ..? -આંખ મારીને તેણે મને પૂછ્યું.

.

મેં ફરી પાછુ ધડકન તરફ જોયું. તે ચોપડીઓ ભેગી કરીને બેગમાં ભરતી હતી. તેનાં ઉઘાડબંધ થતી અણીદાર પાંપણો મારા કાળજાને ચીરી રહી હતી. તેના કોરા રેશમી વાળની વચ્ચેથી અલપઝલપ ચમકતી તેની ઈયરીંગ્સ મારું ધ્યાન વિચલિત કરતી હતી.

તન્વીને જવાબ દેવામાં વિલંબ કરવા માટે હું વાંકો વાળીને મારા શુઝની લેસ બાંધવા લાગ્યો. ધાકન અમારી નજીક આવી, એવો તરત જ હું ટટ્ટાર ઉભો થઇ ગયો. ક્લાસમાંથી અમે ત્રણેય એક સાથે જ બહાર નીકળ્યા.

"તન્મય.. આ ધડકન..! માઝી બેસ્ટ ફ્રેન્ડ." -તન્વીએ અચાનક અમારો ઇન્ટરો કરાવ્યો.

"બેસ્ટ ફ્રેન્ડ? -મારો અવાજ અચાનક ઉંચો થઇ ગયો.

"હા.. કેમ?"

"આય થોટ હું તારી બધી ફ્રેન્ડઝને જાણું છું. તારી પાસેથી ધડકન નામ કોઈ દિવસ સાંભળ્યું નથી એટલે.." -હું થોડો અચકાઈને બોલ્યો.

મારા અ જવાબથી ધડકનના ગાલમાં ક્ષણભર માટે એક મસ્ત ખંજન પડી ગયું.

"હા.. રે. તેનું બહુ લેટ એડમીશન થયું, થોડા દિવસ પહેલા જ ગુજરાતથી અહીં મુવ થઇ છે, તેનાં પેરેન્ટ્સ સાથે. પણ હવે અમે બંને બેસ્ટ ફ્રેન્ડસ જ છીએ." -તન્વી અને ધડકન એકબીજા સામે જોઈને હસ્યા.

[ઓ, યા..હ? ગુજરાત થી...? ગુજરાતનું નામ સાંભળીને અચાનક જ મને તેનું બધું કંઇક ખાસ.. ઈંટીમેટ જેવું લાગવા માંડ્યું.]

.

"ઓલરાઈટ ધેન..! ચલ આઈ એમ ગોઇંગ." -ધડકને તન્વીને કહ્યું, અને અચાનક મારી તરફ વળીને બોલી- "નાઈસ મીટીંગ યુ..તન્મય..!"

અને કોઈ જવાબની રાહ જોયા વગર જ તે જવા લાગી. સાચું પૂછો તો તેણે હજી થોડીવાર અહીં ખમવું જોઈએ, તેવું મને લાગ્યું.

["કૈસે બતાયે.. કયું તુજ કો ચાહે.. યાર બતા ના પાયેં.

બાતેં દિલો કી, દેખો ઝુબાં કી, આંખે તુજે સમજાયે

તુ જાને ના.. તુ જાને ના...."]

.

"તને તારા પ્રશ્નનો જવાબ નથી જોઈતો?" -મેં અચાનક ધડકનને પૂછ્યું.

"આય નો ધ આન્સર તન્મય. મેં અને તન્વીએ આ વિષય પર ઘણી વાતો કરી છે. એટલું જ, કે આય એમ નોટ કન્વીન્સ્ડ. તેની વાત મારે ગળે નથી ઉતરતી." -ધડકન હસીને બોઇ.

"ઓકે.. ધેન લેટ મી ટ્રાઈ ટુ કન્વીન્સ." -હું કોઈ જ ચાન્સ છોડવા તૈયાર નહોતો.

"શ્યોર..! ટ્રાઈ યોર લક. પણ પ્લીઝ, અત્યારે નહીં. મારે સીટી લાયબ્રેરીમાં જવાનું છે. આપણે પછી મળીને વાત કરીએ?"

"પછી ક..ક્યારે?" -મારા આવા લઘરાપણા પર મને જ ચીડ આવી રહી હતી. બટ.. દિલ સાલા માનને કો તૈયાર હી નહીં થા.

"હું કહીશ તન્વીને. બા....ય..!"

તે ગઈ ત્યાં સુધી હું તેને જ જોતો રહ્યો. તેની ચાલમાં એક પ્રકારનો ગ્રેસ..એક ઠસ્સો હતો. તેનાં સેન્ડલ્સ..તેનો ડ્રેસ...તેની ઈયર-રિંગ્સ...હાથમાંનું બ્રેસલેટ...તેની બેગ..! હું...હું તેની હરેક વાત પર ફિદા હતો.

.

અચાનક મને ખ્યાલ આવ્યો, કે હું તન્વીની સાથે જ અને તેની કોલેજમાં જ છું. આટલી વાર સુધી તે વારાફરતી, મારી સામે અને ધડકનની સામે, ફરી ફરીને જોતી હતી. મને અમસ્તી જ તેની અનુકંપા થઇ આવી. મને થયું, કે મેં તેને કેટલી સાહજીકતાથી ઇગ્નોર કરી હતી. સાચું પૂછો તો ધડકનની સામે જો મેં તન્વીને થોડું ઈમ્પોર્ટન્સ આપ્યું હોત, તો તેને ય ભાવ ખાવાની કેટલી મજા આવી હોત. મને હવે મારી જાત પર શરમ આવી.

.

"તો? કશી વાટલી માઝી મૈત્રિણ? -તન્વીએ મને શુદ્ધ મરાઠીમાં પૂછ્યું. તે જયારે થોડી સીરીયસ હોય, તો પોતાની ભાષા પર આવી જતી.

"એટલે? ઠીક જ લાગી મને. બલકે મને તો થોડી અગાઉ જ લાગી." -હું અમસ્તો જ વધુ ઇન્ટરેસ્ટ ન દેખાડતા બોલ્યો- "તેને શું કરવું છે? આપણે ગમે તેમ કરીએ? આવા આવા સવાલ પૂછે છે, તો અગાઉ જ કહેવાય ને."

"અરે, તેણે તો સહજ જ વિચાર્યું. અને 'અગાઉ' વગેરે તો તે બિલકુલ જ નથી. ખુબ સ્વીટ છે." -તન્વી વન્સ અગેઇન પોતાના નોર્મલ મુડમાં આવી ગઈ- "અમે બંને તો આજકાલ એટલા ભેગા જ હોઈએ છીએ, કે અમારા ગ્રુપમાં તો બધા અમને 'લેસ્બિયન' જ કહી ચીડવે છે."

"ઓહો.. આર યુ ? -મેં મારી ભ્રમરો ઉઠાવીને અચંબો દેખાડવાની મસ્તી કરી.

"શટઅપ..! ઓફ-કોર્સ નોટ, " -તન્વીએ લાડમાં આવીને ગુસ્સો બતાવ્યો.

"એની વે, સો...વોટ નેક્સ્ટ? કાય પ્લાન આહે આતા?" -મેં તેને પૂછ્યું.

.

તન્વીએ પોતાની વહીમાંથી ટાઈમ-ટેબલ કાઢીને જોયું, અને કહ્યું, "કઈ વિશેષ નથી, હવે બીજું લેકચર દોઢ કલાક પછી છે, અને મને નથી લાગતું, કે કોઈ થાંભશે તે એટેન્ડ કરવા માટે. તુઝં કાય પ્લાન?"

હમમ...મારે તો એક મસ્ત, રોમેન્ટિક, હોટ, સિડક્ટીવ, મુવી જોવાનો પ્લાન છે. પેલું નવું ઈંગ્લીશ મુવી રીલીઝ થયું છે ને, ‘અપોલો’ થીએટરમાં..! ખુબ બધા લીપ-લોક સીન છે એમાં, એવું વાંચ્યું છે. અફકોર્સ, મારી ગર્લ-ફ્રેન્ડ જો મારી સાથે આવવાની હોય તો..!" -મેં આંખ મારીને કહ્યું.

.

તન્વીએ પોતાની જાડી એવી વહી મારા ખભા પર મારી, અને હસતા હસતા બોલી- "મુવી ઈઝ ફાઈન, પણ બાઈક હું ચલાવીશ. તું પાછળ બેસીશ. બોલ..ઓકે..?"

"એટ યોર સર્વિસ મે'મ.." -આમ કહીને મેં તેનો હાથ પકડ્યો, અને અમે કોલેજ કેમ્પસમાંથી બહાર નીકળી આવ્યા.

આમ તો ગઈકાલે જ મંગલા થીએટરમાં મુવી જોવા ગયા હતા, પણ પુષ્કળ ગીર્દી હતી, એટલે અંદર જવાનું માંડી વળ્યું'તું એટલે આજે સહજતાથી જ ફરી પાછો મુવી-પ્લાન બની ગયો. [ક્રમશ:]

.

અશ્વિન મજીઠિયા..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED