Dhak Dhak Girl - Part - 3 books and stories free download online pdf in Gujarati

ધક ધક ગર્લ -ભાગ ૩

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૩]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.
મને ફક્ત અને ફક્ત તે જ દેખાતી હતી, મારી ધક્ ધક્ ગર્લ.. ધડકન..!

તમને ખ્યાલ હોય તો 'ઈંસ્ટાગ્રામ' વાપરતી વખતે, કોઈ પણ એક ઓબ્જેક્ટ પર ફોકસ કરવા માટે આપણે આજુબાજુનું બધું ઝાંખું કરી નાખીએ. બસ, તેવું જ કંઈક સમજોને..
હું ક્યાં છું? ખબર નથી. તે ક્યાં છે? શું ફરક પડે છે? તે 'છે' એ બાબતમાં જ બધું સમાયેલું હતું. તેનો હસવાનો ધ્વની તેની સ્પાર્કલીંગ..ચમકીલી આંખો, વારેવારે તેનાં ખુબસુરત ચહેરા પર આવી-આવીને મનમાં ગલીપચી કરી જનારા તેના કેશ, બધું મને સ્પષ્ટ દેખાતું હતું.

'તેણે એક વાર તો બી મારી તરફ જોવું જ જોઈએ' -તેમ મારું મન આક્રંદ કરી રહ્યું હતું. પણ તેનું તો ધ્યાન જ નહોતું મારી તરફ. શું કરું કે જેથી તે મારી બાજુ નજર કરે? શું કરું કે મારી મોજુદગીની તેને જાણ થાય?

મારે તેની સામે જવું હતું, પણ મારા પગ તો જાણે કે રસ્તા પર રીતસર જડાઈ જ ગયા હતા. તેની સાથે વાત કરવી હતી પણ મારા કંઠમાંથી અવાજ જાણે કે ગાયબ જ થઇ ગયો હતો. કોઈક જેસીબી-મશીન જયારે કોઈક ખડકાળ જમીન ખોદતું હોય, ને 'ધડ ધડ' અવાજ આવે, તેમ મારા દિલની ધડકન મને સ્પષ્ટ સંભળાઈ રહી હતી. પણ એક ધડકન તે ય હતી, કે જેને મારી આ અવસ્થાની કલ્પના સુદ્ધા નહોતી.

અને અચાનક જ...તે ક્ષણ આવી ગઈ. એકએક તેની નજર મારી તરફ વળી, અને તેણે મને જોયો. દિલમાં એક તીર પેસી જાય ત્યારે કેવું ફિલ થાય તેનો અહેસાસ મને તે જ ક્ષણે થઇ આવ્યો. હૃદયની અંદર જાણે કે એક તીવ્ર કળ ઉપડી આવી, અને હું ધડકીને પલંગમાં બેઠો થઇ ગયો.

કોઈક ફિલ્મનું શુટિંગ ચાલતું હોય..ને એકએક ડાઈરેક્ટર 'પેક-અ...પ' એમ બુમ પાડે, ને શુટિંગની બધી યે લાઈટ્સ ઓફ થઇ જાય.. ઝળહળતા સ્ટુડીઓમાં જેમ અંધારપટ છવાઈ જાય, તેવો જ અંધકાર મારી આસપાસ છવાયેલો હતો. મેં ઘડિયાળમાં જોયું, પોણા-ત્રણ વાગ્યા હતા. હ્રદય હજુ પણ ધક-ધક કરતું હતું. સાઈડ-ટેબલ પર પડેલી બોટલ મોઢે માંડીને અડધી બોટલ પાણી ગટગટાવી ગયો, અને ફરી પાછો પલંગ પર આડો પડ્યો. કેટલીય વાર સુધી ટગર ટગર અહીં તહીં જોતો જ રહ્યો. ઊંઘ આવતી નહોતી, અને તેનો ચહેરો નજર સામેથી ખસતો નહોતો. એવી વિલક્ષણ અને અસહ્ય અવસ્થા થઇ ગઈ હતી.

પછી તો મેં ઊંઘ લઇ આવવાના પ્રયત્નો મૂકી દીધા, અને તેની જ કલ્પનામાં રમમાણ થઇ ગયો. ધડકન જો ફરી પાછી મળે તો શું બોલવું? તે શું કહેશે? અમે શેની વાતો કરશું..? એવી ટીનેજર્સ જેવી કલ્પનાઓ કરી કરીને દિમાગને મેં થોડી હળવાશ ફિલ કરાવી, ત્યારે જઈને થોડી વાર પછી ઊંઘ આવી. ઉફફ..બાપ રે..!

.

બીજે દિવસે ઓફીસમાં બ્લુ..ફ્લોરોસેન્ટ ગ્રીન..જેવા રંગો ય આજે સાવ ફિક્કટ જ લાગતા હતા, જાણે કે કોઈએ કન્ટ્રોલ-પેનલમાં જઈને બધા જ કલર્સની ઇન્ટેન્સીટી ઓછી કરી નાખી હોય, તેવું જ કંઇક સમજો ને. ઈમેઈલ સુદ્ધા ચેક કરવાનું મન નહોતું થતું. હાલમાં જ અમારો પ્રોજેક્ટ રીલીઝ થઇ ગયો હતો, એટલે વર્કલોડ પણ આમ તો ઓછો જ હતો. પણ ટીમ-લીડર હોવાને કારણે થોડી ઘણી રિસ્પોન્સિબિલિટી તો હતી જ, કે જે પાર પાડવી જરૂરી હતી. 'રીસોર્સીસ'ને જેમતેમ કરીને વર્ક-એલોકેશન તો કરી નાખ્યું, પણ મન તો ક્યાંય સ્થિર થતું જ નહોતું.

ડેસ્ક પર આવ્યો, ત્યારે મોબાઈલના વોટ્સએપનો લાઈટ બ્લીંક થતી હતી.

"જાનુ, હાઉ આર યુ? ઇફ નોટ બીઝી..કોલ મી. લવ યુ..!" -તન્વીનો મેસેજ હતો.

ક્ષણાર્ધમાં જ નસનસમાં લોહી બમણી સ્પીડે વહેવા લાગ્યું. તન્વીએ શેના માટે ફોન કરવા માટે કહ્યું હશે? તેની ધડકન સાથે કોઈ વાતચીત થઇ હશે? ક્યારે મળવું તેનો કોઈ ટાઈમ ધડકને આપ્યો હશે? એક બે નહીં, અનેક-અનેક પ્રશ્નનો મન પર વરસાવ થઇ ગયો. જો કે બધા જ પ્રશ્ન ધડકનને લગતા જ હતા.

.

મેં પટકન તન્વીને ફોન લગાવ્યો.
"હાય ડીઅર..!" -સામેની તરફથી હમેશ જેવો જ તન્વીનો પેલો 'ડીઅર' વાળો ટોન.

"કાય ગ..? કાય ઝાલં? કેમ ફોન કરવા માટે કહ્યું'તું? -એક જ શ્વાસે મેં પ્રશ્નો ઓકી નાખ્યા.

“હલ્લોઓઓઓ...કૂલ ડાઉન..! બીઝી આહેસ કા?"

"નાહીં..! પટકન બોલ..શું હતું?”

"અરે..! કંઈ જ વિશેષ નહોતું.. બસ એમ જ..!"

"..."

"બરં..! સાંગુ?"

"હમમ્... બોલ..!"

"એય, આજે તારા પગ બહુ દુ:ખતા હશે ને?"

"મારા પગ..? નહીં. કેમ? કા બરં?

"કાલે રાતે તું મારા સ્વપ્નમાં આવ્યો'તો. મતલબ કે આટલે દુર તું આવ્યો હતો, તો થયું કે પૂછી જોઉં..!

.

આઈ સપ્પથ.. ! મોઢામાં એટલી તો ગાળ આવી ગઈ'તી..કે શું કહું હવે તમને. ખેર, મારી જાતને રોકી રાખી મેં, જેમતેમ કરીને.

"જો સાંભળને, હમણાં જ એક એક લેકચર સંપશે, એટલે પછીનું લેકચર ઓફ છે. તો ચલ ભેટ ને..! ઓફકોર્સ તું જો બીઝી ન હો તો."

ગુજરાતીમાં મળવું તે મરાઠીમાં ભેટવું. પેલા શરુ શરૂમાં તો આવી ગેરસમજથી મનેય મનમાં ઝણઝણાટી થઇ આવતી.

લોલ્ઝ..! પણ હવે..આદત થઇ ગઈ.

ખેર, મનમાં તો થઇ આવ્યું, કે કહી દઉં કે બીઝી છું, પણ પછી તરત જ મનમાં એક વિચાર આવ્યો.

"ઓલ રાઈટ, હું આવું છું, કોલેજ પાસે..!"

"કોલેજ પાસે? નકો..! તેની કરતા તો ડેક્કન-જીમખાના ઝવળ જ ભેટ, સીસીડીમાં..!"

"આપણે જઈશું તો સીસીડીમાં જ. પણ હું તને કોલેજ પર જ પીક-અપ કરું છું."

"ઠીક હૈ, તો પછી વેઇટિંગ ફોર યુ. ડોન્ટ બી લેઇટ." -કહીને તન્વીએ ફોન કટ કર્યો.

તન્વીને કોલેજ પર જ મળવાનું મુખ્ય કારણ એટલે ધડકન જ ..! કદાચ તે તન્વીની જોડે જ હોય, તો તેને ય મળી લેવાય.

.

પટકન્ બે ત્રણ મેઈલ ડ્રાફ્ટ કરીને મેં મોકલી દીધા, અને ઓફિસની બહાર નીકળી ગયો. સોફ્ટવેર ઇન્જિનીયર હોવાને કારણે અને ક્લાયન્ટોને સર્વિસ પ્રોવાઈડ કરવાવાળી કંપનીમાં હોવાને કારણે, દિવસ આખો ક્યારે પણ ક્લાયન્ટ વિઝીટની ભીતિ રહેતી હોવાથી અમે લોકો ઓલ્વેઝ ટીપ-ટોપ..વેલ-ડ્રેસ્ડ જ હોઈએ. ફોર્મલ્ કપડાં..પોલીશ્ડ શુઝ..હેઅર-જેલ..ડીઓ..પરફ્યુમ.. વગેરે વગેરે. એટલે આને લીધે બહાર નીકળતી વખતે, આરીસામાં જોવા સુધ્ધાની ગરજ ન પડી.

ટાઈમના પાંચ મિનીટ પહેલા જ હું કોલેજ પર પહોચી ગયો.

થોડી વારમાં તન્વી બહાર આવી..એકલી જ..!

.

"હાય ડાર્લિંગ..!" -આવતાની સાથે જ સીધી બાઈક પર બેસતા જ તે બોલી.

"કાય ગં? આજે એકલી જ?"

"હા. તો?"

"નહીં. મતલબ કે તારું બાકીનું ગ્રુપ ક્યાં ગયું?"

"છે બધા અંદર જ. કોઈક ફાલતું રોઝ-એક્સીબીશનમાં જવાનો પ્લાન ચાલુ છે, તે બધાનો."

મેં હળવે'કથી પાછળ ફરીને ગેટ તરફ જોયું. પણ ધડકનનો કોઈ જ પત્તો નહોતો. થોડીવાર આમતેમ ડાફોળિયાં માર્યા. પણ ફાલતુંમાં તન્વીના મનમાં કોઈ શક પેદા થાય, તે પરવડે તેમ નહોતું. એટલે નાઈલાજ થઈને તેને લઈને ત્યાંથી નીકળી ગયો.

"બરં, સાંભળ..! આપણે શનિવારે લોંગ-ડ્રાઈવ પર જઈએ છીએ. ઓકે? કોઈ કંઈ પૂછે તો ધ્યાનમાં રાખજે.” -રસ્તામાં બાઈક પર તન્વીએ મને ઈન્સ્ટ્રકશન આપી.

"શું યાર..! મને કોઈ શા માટે પૂછવા આવવાનું?" -હું વૈતાગીને બોલ્યો. હજીયે હું કંટાળેલા મૂડમાં જ હતો.

"અરે નહીં..! એક્ચ્યુલી ધડકન કહેતી'તી કે શનિવારે સવારે બ્રેકફાસ્ટ પર ભેટવું છે કે? તમારા બંનેનું પેલું ડિસ્કશન પેન્ડીંગ છે ને?"

મેં બાઈકને એક જોરદાર બ્રેક મારવાની કોશિષ કરી- "ને તે તું છેક અત્યારે કહે છે?"

"એટલે? અરે હજી હમણાં તો આપણે ભેટ્યા..દસ મિનીટ પહેલા. કમાલ છે !"

"અરે..? તો મળીયે ને બ્રેકફાસ્ટ પર..!"

"જવા દે. શું એકની એક જ વાત કરે રાખવાની. અમે લોકોએ હજાર વખત વાત કરી હશે આ જ ટોપિક પર. તેને પટતું નથી તો શું કરવાનું? તેને જે સમજવું હોય તે સમજે. આપણને શું ફરક પડે છે? એનાં જેવા તો કેટલાય આવ્યા ને ગયા. સબ અપની જુતી કે નીચે. !" -તન્વી જાણે કે, એકદમ બળવો પોકારતી હોય તેવા ટોનમાં બોલી.

"એવું નથી. અમસ્તી જ શા માટે કોઈના મનમાં આપણા માટે રોંગ ઇમ્પ્રેશન પડવા દેવાની? મેં તો એટલે કહ્યું."

"એય..! કાય રે? કેટલી મસ્ત ચોમાસાની હવા છે. અમસ્તા ય હમણાં કેટલા વખતથી આપણે લોંગ-ડ્રાઈવ પર ગયા નથી." -સીસીડીમાં અંદર જતા જતા તે બોલી.

.

બંને માટે મેં કોફી-ઓર્ડર કરી ને પછી ખીસામાંથી મેં મોબાઈલ કાઢ્યો.ને તેની સામે ધર્યો.

"હે બઘ...! લુક એટ ધીસ..!"

"કાય?" -ફોન તરફ જોતા તેણે પૂછ્યું.

"વેધર પ્રેડીકશન. શનિવારનું જો..! 'ડ્રાય એન્ડ હ્યુમીડ' છે. મતલબ કે વરસાદ નહીં પડે. અને ટેમ્પરેચર ૩૬ ડીગ્રી..!"

"હેહેહે..! આ બધું શું સાચું હોય છે કે? ઉલટાનું તે દિવસે તો ચોક્કસ વરસાદ આવશે જ. આ બધી આપણી વેધશાળાઓ.."

"શે..ય. આ કંઈ આપણી વેધશાળાનો વરતારો નથી. અમેરિકાની સેટેલાઈટ પરથી લેધેલો ડેટા એનેલાઈઝ કરીને આપેલું પ્રેડીકશન છે. તે લોકો એકયુરેટ જ હોય છે. ચૂક ન કરે, સમજી..?”

"એય. કાય રે..?” -ઉતરેલા મોઢા સાથે તન્વી બોલી.

"મને કોઈ જ પ્રોબ્લમ નથી જવા માટે. તડકામાં લોંગ-ડ્રાઈવ પર જવામાં, ફાલતુમાં તું જ કાળી થઇ જઈશ." -મેં મારું છેલ્લું શસ્ત્ર ઉગામ્યું. તન્વીને પોતાના ગોરાપણાનું શું એટલું ટેન્શન હતું રામ જાણે..! પણ મારો આ વાર કામયાબ રહ્યો.

"બરં..! તો પછી? કહું કે તેને શનીવારે ભેટવા માટે?"

"ચાલશે. મને કોઈ હરકત નથી. તું જેમ કહે તેમ.." -મેં તેને આગળ કરી, ને ડીસીશન તેની પર જ ધકેલ્યું.

"ઠીક હૈ. પણ એક શરત પર. આપણ ત્રણે 'નેચરલ્સ'માં જ ભેટુ, ને તારે મને 'કોકોનટ-ડીલાઈટ' ખવડાવવાની. કબુલ?"

"જો હુકુમ, મેરે આકા..!" -મનમાં ફૂટતા લાડુને કેમેય કરીને સંભાળતા સંભાળતા હું બોલ્યો.

.

શનિવારની સવાર કોણ જાણે કેટલા વરસ પછી પડશે. વચ્ચેને રાતો, ઓફીસમાનું કંટાળાજનક કામ, મંદ પડી ગયેલી સાંજ..બધું, જાણે કે પસાર થવાનું જ નથી તેવું લાગવા માંડ્યું. સહનશક્તિનો અંત આવવાની તૈયારીમાં જ હતો કે શનિવારની સવાર આવી ગઈ.

ધડકનને પહેલીવાર મળ્યો, તે વાતને ત્રણ દિવસ થઇ ગયા હતા. પણ તોયે તેની સાથેની તે ટૂંકી મુલાકાત હજીયે તેવી ને તેવી ફ્રેશ જ હતી. તે વખતની પ્રત્યેક ક્ષણ જાણે હમણાં જ વીતી હોય, તેમ બધું જ યાદ હતું મને. આજે ફરી તે ધક્ ધક્-ગર્લને મળવાનું છે, આ વિચારોથી મનમાં પાછું ધક્ ધક્ થવા લાગ્યું.

છેલ્લો વળાંક લઈને હું 'નેચરલ્સ'ની નજીક આવ્યો. સામેના ઝાડ નીચે ધડકન ઉભી હતી.

ધક્ ધક્...ધક્ ધક્...ધક્ ધક્

.

ઝાડની ડાળીમાંથી ચળાઈ ચળાઈને સૂર્યના થોડા કિરણો તેનાં સુધી પહોચતા હતા, અને ગોલ્ડન હાઈલાઈટ કરેલા તેના વાળ હજુયે વધુ ગોલ્ડન દેખાતા હતા. આકાશી અને મરુન રંગના પટ્ટાવાળા તેના સેન્ડલ અને તેની ઉપર બદામી રંગના નાના નાના ફૂલ..!

.

તન્વી કયા રંગના સેન્ડલ પહેરે છે? કોને ખબર..! કોઈ દિવસ ચેક કરવાની અહીં ટ્રાઈ કોણે કરી છે..!

મેં ગાડી પાર્ક કરી, ને ધડકનનું ધ્યાન મારા તરફ ગયું. મને જોઇને તેણે એક મસ્ત સ્માઈલ આપ્યું, અને હું ઉભો હતો તે તરફ તે આવવા લાગી.

ધક્ ધક્...ધક્ ધક્...ધક્ ધક્

"હાય, ગુડ મોર્નિંગ..!" -મેં તેને ગ્રીટ કરી.

"હલ્લો, વેરી ગુડ મોર્નિંગ..!" -સામો વળતો સુરીલો પ્રત્યુત્તર આવ્યો- "આઈ હોપ કે મારે કારણ તમારે બંનેએ તમારો કોઈ પ્લાન કેન્સલ નથી કરવો પડ્યો."

"નોઓઓ.. નોટ એટ ઓલ..!"

થોડીક ક્ષણો શાંતિમાં વીતી ગઈ. પાંચેક મિનીટમાં તો તન્વીયે આવી ગઈ, અને અમે અંદર આઈસ્ક્રીમ-પાર્લરમાં ગયા. ઓર્ડર આપી ને એક ખૂણાના ટેબલ પર જઈને બેસી ગયા.

"તો, યુ વોન્ટ ધ આન્સર ઓફ યોર ક્વેશ્ચન..?" -મેં વાત શરુ કરી.

"હમમમ..." -ધડકને ટૂંકો હોંકારો કર્યો.

.

તે પછીની ૧૦-૧૫ મિનીટ હું મારા તરફથી મારી અને તન્વીની બાજુ તેને સમજાવતો રહ્યો. તે દરમ્યાન તન્વીએ પહેલી આઈસ્ક્રીમ મંગાવીને પૂરી કરી, ને પછી બીજી આઈસ્ક્રીમ પણ શરુ કરી દીધી. મારા માટે તો આ ફાયદાકારક જ હતું, કારણ મારે તો મારું સમ્પૂર્ણ ધ્યાન ધડકન પર જ આપવું હતું.

.

"જો તન્મય, તું જે કંઈ પણ કહે છે તે તારી દ્રષ્ટીએ કદાચ બરોબર જ હશે, પણ અરે..! પ્રેમ આવો હોય છે કે? મતલબ કે જ્યાં સુધી ભેગા હોઈએ ત્યાં સુધી. કાલે તું તારા રસ્તે..ને હું મારા રસ્તે. આ તે કેવું..?" -આખરે ધડકન બોલી.

તેનાં મોઢે મારું નામ સાંભળીને તો બોસ..જાણે કોઈ મોર-પિચ્છ મારા તન-બદન પર ફરી રહ્યું હોય, તેવી સરસ મુલાયમ ફીલિંગ થઇ આવી.

"કેમ? શું વાંધો છે તેમાં..?" -મેં વાત લંબાવતા પૂછ્યું.

"મને એવો કોઈ વાંધો તો છે જ નહીં. તું અને તન્વી..કે પછી કોઈ પણ બીજા બે.. કેમ વર્તવું તે તેમનો લુક-આઉટ છે. પણ બીઈંગ એ સાયકોલોજી સ્ટુડન્ટ, મને આ થોડું વિચિત્ર લાગે છે અને દિમાગને પટતું નથી, એટલે."

"..."

"તું મને કહે, કાલે સમજો તમારા મેરેજ થઇ જાય.. તો તમે બંને એકમેકને ભૂલી શકશો કે?"

"પણ ભૂલવાનું શું કામ? આફ્ટર ઓલ, ફ્રેન્ડઝને કોઈ આમ મેરેજ પછી ભૂલી જાય છે કે..?"

તન્વીએ તેનો આઈસ્ક્રીમનો કોટા પૂરો કરી નાખ્યો હતો, ને તે અમારા બંનેની ડીબેટ સાંભળી રહી હતી.

"ફ્રેન્ડઝ..?" -પોતાની બિલોરી આંખો હજુયે પહોળી કરીને ધડકન બોલી ઉઠી- "આપણા કલ્ચરમાં ફ્રેન્ડઝ સાથે સેક્સ કરવાનું ક્યારથી શરુ થઇ ગયું છે..?"

"ઓ, કમઓન..! વી નેવર હેડ સેક્સ..!" -હું તન્વી તરફ જોઇને બોલ્યો.

"નોઓઓ..?" -ધડકને પણ તન્વી તરફ જોઇને પૂછ્યું.

"આય મીન, અનલેસ..ઉપર ઉપરનું બધું..એને જો તું સેક્સ ગણતી હોય તો..!" -ખભા ઉલાળીને મેં બેફિકરાઈથી જવાબ આપ્યો.

તન્વી કોઈક ટીનેજરની જેમ ખીખીખી કરતી હતી. મને તેની પર પ્રચંડ રાગ આવ્યો..ગુસ્સો..! યુ નો..? ફાલતુમાં જ આવી બધી પ્રાયવેટ વાતો તેણે ધડકનને કહેવાની જરુર જ નહોતી.

.

ધડકને ઘડિયાળ તરફ જોયું, અને પછી ઉભી થતા થતા બોલી- "એની વે, મને નથી લાગતું કે હું કન્વીન્સ થઇ શકીશ. સો લેટ'સ સ્ટોપ હિઅર."

.

"ઓલ રાઈટ, આપણે બીજા કોઈ ટોપિક પર વાતો કરીએ." -મેં તેને વધુ રોકવા માટે ઓપ્શન આપ્યો.

"નકો, મારે જવું જ પડશે હવે. લેટ થાય છે હવે..!"

"ઓ, સીટી લાયબ્રેરી..? તું નહીં જાય તો બંધ થઇ જશે ને, તારા વગર..!" -થોડા કટાક્ષમાં હું બોલ્યો.

તે બે પળ માટે મારી આંખોમાં જોતી રહી, જાણે કે કંઇક વાંચવાનો પ્રયત્ન કરી રહી હોય.
શું? તે તો તે પોતે જ જાણે.

ધડકન ગઈ ને વાતાવરણમાંથી જાણે કે બધો રંગ જ ઉડી ગયો. બધું જ ફીક્ક્ટ ફીક્કટ..!

.

"સો..? આજનો શું પ્લાન છે હવે..?" -તન્વીએ મને પૂછ્યું.

હું તો આમે ય તેનાથી વૈતાગી ગયો હતો પેલી સેક્સની વાતને લઈને, તો કોઈ જ મૂડ નહોતો બનતો. એટલે અમસ્તું અમસ્તું તેની સાથે દિવસ આખો રખડવામાં મને જરાય ઇન્ટરેસ્ટ ન હતો. મને શાંતતા જોઈતી હતી. ધડકન સાથે વિતાવેલ આ કલાક દોઢ કલાકનો સમયગાળો મારે ફરીથી મારી નજર સામે લાવવો હતો. તેની સાથે થયેલી નજરાનજરીની પ્રત્યેક ક્ષણે હૃદયમાં ઉમટી આવેલી કળ, મારે ફરી પાછી અનુભવવી હતી. તેની તે ચંદેરી બંગડીઓની ખનખન મારે ફરી સાંભળવી હતી. ઘડી ઘડી તેનાં ચિકના ચહેરા પર આવી પડતા તેનાં રેશમી કેશ અને તે કેશને સંભાળતા તેની પાપણનો ઝબકાટ, મારે આંખો બંધ કરીને ફરી પાછો જોવો હતો. તેના દુપટ્ટાના સ્પર્શ માત્રથી મારા અંગ અંગમાં પ્રસરી ગયેલી થીરકનને મારે પુનઃજાગૃત કરવી હતી.

.

"આજે થોડું કોમ્પ્યુટર-બેકઅપ લેવાનું કામ છે ઘરે. હાર્ડ-ડિસ્કમાં કંઇક પ્રોબ્લમ આવે છે થોડા દિવસોથી, તો બધો ડેટા કોપી કરીને બધું ફોરમેટ મારવું છે. વોટ અબાઉટ યુ..?" -ખુરસી પરથી ઉભા થતા મેં વાતને ટાળવાનો પ્રયત્ન કર્યો.

"મારે પણ આજે જરનલ કમ્પ્લીટ કરવાની છે. પાછલા અઠવાડિયે કંઈ જ નથી થયું. આજે બેસીને કરવું જ પડશે બધું." -તન્વીએ પણ મારો મોળો મૂડ જોઇને ચાલતા ચાલતા એવો જ જવાબ આપ્યો.

"ઠીક આહે, ચલ, છોડું છું તને હું ઘરે, તો પછી." -બાઈકને કિક મારતા મેં કહ્યું.

.

તન્વીને મુકીને ઘરે પાછો ફરતા મનમાં અનેક પ્રશ્નોના તરંગો ઉઠતા રહ્યા. કેવળ એક-બે મુલાકાતમાં જ ધડકન મને આટલી બધી કેમ ગમવા લાગે? તન્વી યે મને પહેલી જ મુલાકાતમાં ગમવા લાગી હતી. પણ આજે..આજે તે કદાચ મને એટલી નહોતી ગમતી, કે જેટલી આટલા વરસ તે મને ગમતી હતી.

કેમ? શું કારણ હોઈ શકે આનું?

હું.. મારું મન..શું એટલું બધું થીલ્લર છે કે? શું ખાતરી અમુક વર્ષ પછી ધડ્કની બાબતમાં ય આવું નહીં થાય, તેની?

કદાચ ધડકન બાબતમાં આ ક્ષણભંગુર એટ્રેકશન જ હશે. કદાચ ૨-૪ દિવસોમાં તન્વી મને ફરી પાછી એટલી જ ગમવા લાગે. અને હા, કદાચ.. ધડકનનો ય કોઈ બોય-ફ્રેન્ડ હોય..! હોય શું? હશે જ..! કેમ ન હોય? આટલી જક્કાસ દેખાતી ફટકો છોકરી આમ સાવ લુખ્ખી તો ન જ હોય..!

શેકવા મુકેલી પોપ-કોર્નની ધાણીની જેમ અનેક એવા સવાલો મનમાં ક્યાંથી ને ક્યાંથી ફૂટવા માંડ્યા હતા, કે જેના જવાબ શોધવા અનિવાર્ય હતા.. શક્ય એટલા જલ્દી..! [ક્રમશ:]

.

અશ્વિન મજીઠિયા..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED