ધક ધક ગર્લ - ભાગ ૧૮ Ashwin Majithia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધક ધક ગર્લ - ભાગ ૧૮

ધક્ ધક્ ગર્લ

[પ્રકરણ-૧૮]

લેખક: અશ્વિન મજીઠિયા

ફ્લાઈટ દરમ્યાનનાં તે બે કલાક, પછી અજબ જ અસમંજસમાં વીત્યા.
પ્રિયતમા વગર વિતાવેલ એક અઠવાડીયાએ મારા મનને બેચેન બનાવી મુક્યું હતું.
એરપોર્ટ પર ઉતરતા જ તેની સાથે મુલાકાત થવાની છે, તે વિચારમાત્રથી હૈયું ઉતાવળું થઇ ગયું હતું.
પ્લેનમાં આજુબાજુ બેઠેલા ઓફીસ-ટીમના મેમ્બર્સ સાથે વાતચીત કરીને સમય ઘલાવવાનો પ્રયત્ન કરતો રહ્યો, પણ તેમાં ય ચિત્ત નહોતું લાગતું.
હેડફોન્સ ચડાવીને મ્યુઝીક સાંભળ્યું, તો મિલનના ગીતો વસમા અને વિરહના ગીતો વધુ જ પીડાદાયક લાગવા લાગ્યા.
આમ જુદા જુદા વ્યર્થ ઉદ્યોગો કરતા કરતાં આખરે પુના આવી ગયું.
લગેજ ક્લીયરન્સમાં બેગ મળી, એટલે લઈને તરત જ કોરીડોરમાંથી બહાર પડ્યો કે સામે બહારની ગરદીમાં મેં ધડકનને જોઈ.
ઓલીવ રંગનું ફૂલ સ્લીવ્સ પંજાબી સુટ ને ફિક્કા લીલા રંગની ઓઢણી..!
બે હાથમાં અડધો અડધો ડઝન જેટલી તો બંગડીઓ..!
ચંદેરી રંગનાં હાઈ-હિલ્સના સેન્ડલ્સ, અને સિલ્વર કલરની બિંદી..!
સોલ્લીડ ક્યુટ દેખાઈ રહી હતી મારી ધડકન, કે જેને જોઇને દર વખતે મારું દિલ અચૂક જ ધબકારો ચુકી જાય.


મારી ઑફીસમાંના કોઈનેય અમારાં એફેર બાબત ખબર નહોતી, એટલે બધાંય તેની પર જ નજર રાખીને આગળ વધતા હતા, એવું લાગતું હતી કે જાણે બધાની સેન્ટર ઑફ એટ્રેકશન ધડકન જ હતી.
પણ એટલામાં તો તેની નજર મારી પર પડી ને તે આગળ આવીને ઉભી રહી ગઈ, અને પછી આજુબાજુનાં કોઈનીય પરવા કર્યા વગર તેણે મને તેની બાથમાં લઇ લીધો.
સાપ સુંઘી ગયો હોય તેમ બધાં સ્તબ્ધ થઈને પોતપોતાની જગ્યાએ થીજી જ ગયા સમજો.

"ધડકન..ઑફીસનાં લોકો બધા જુએ છે..છોડ મને.."

"તો શું થઇ ગયું? જોવા દે..જલી જશે તારી ઉપર." -હસતાં હસતાં તે બોલી.

તેણે મારી બેગ મારા હાથમાંથી લઇ લીધી અને અમે બંને એરપોર્ટમાંથી બહાર નીકળ્યા.
અમારી આખી ટીમ હજુયે અમારી સામે જ જોઈ રહી હતી, અને હું મનોમન બોલ્યો-
"થેન્ક્સ સ્વીટી, એવરીબડી ડ્રીમ્સ ફોર અ ગર્લફ્રેન્ડ લાઈક યુ. ઑફીસ આગળ..દોસ્તો આગળ..આવી મસ્ત ઇમ્પ્રેશન મારવામાં જે મજા છે, તે બીજા શેમાંય નથી."

"ધડકન, લાવ બેગ. હું ઉપાડું છું. તું શું કામ કારણવગરની.." -અચાનક ભાનમાં આવ્યું હોય તેમ હું બોલ્યો.

"અઠવાડિયું આખું હતીને તે તારી પાસે..? તો હવે રહે થોડીક વાર તેનાથી દુર..સમજ્યો!" -ધડકન ચિડાઈને બોલી.

"ઓ..માય માય..તું જલસ વગેરે થાય છે કે..આ બિચારી બેગથી?"

"હા.. થઉં છું. તારે શું કરવું છે તેનાથી?" -હજીયે ગુસ્સો ઉતર્યો ન હોય તેવાં ટોનમાં તે બોલી.

મેં મારો હાથ તેની કમર ફરતે વીંટાળ્યો અને તેને મારી સમીપ ખેંચી.

"મિસ્ટર તન્મય, તમે તમારા હોમ-ટાઉનમાં આવી ગયા છો હવે, અને આ પબ્લિક પ્લેસ છે..તો જરા સંભાળીને..! ઓકે?"

"અચ્છા? અને થોડીવાર પહેલાં આપણે.."

"બસ..!"

"પબ્લિક-પ્લેસની આટલી ચિંતા હોય તો આપણે કોઈક પ્રાઈવેટ-પ્લેસમાં જઈએ..આયે'મ સ્ટારવિંગ." -તેનો ગાલ ખેંચતા હું બોલ્યો.

"મને ખબર છે શેનું સ્ટારવિંગ છે તને. હું કોઈ જ પ્રાઈવેટ-પ્લેસમાં નથી લઇ જવાની તને. આપણે કોઈક રેસ્ટોરાંમાં જઈએ, જમીએ, અને પછી તું ઘરે જા. યુ લૂક ટાયર્ડ. પછી આપણે સાંજે મળીએ."

.

રેસ્ટોરાં સુધીની તે રાઈડ એકદમ મજેદાર હતી.
એક તો તેની પેલી મરતુકડી સ્કુટી..ને એમાં મારી તે મોટ્ટી ટ્રાવેલ-બેગ..સાથે ધડકનનું પર્સ..ને તેમાં હાઈ-વે પર ફૂલ-સ્પીડમાં દોડતી ગાડીઓ..!
હું ચલાવું છું ગાડી લાવ..કહ્યું તો ખરું મેં, પણ મેડમને પટવું જોઈએ ને..!
જબરદસ્તીથી મને પાછળ બેસાડ્યો, ને તેમાં મારી હજુયે ઘણી કસરત થઇ ગઈ.
પહેલાથી જ બે કલાક પ્લેનમાં બેસી બેસીને શરીર અકડાઈ ગયું હતું...ને તેમાં આ અત્યાચાર.
પણ ના..બાજુમાં ધડકન હતી, તો બધું જ સુખદ લાગતું હતું.
એક અઠવાડિયાની 'લમ્બી જુદાઈ' બાદ આ બધું તો ખુબ જ ગમતું ગમતું લાગતું હતું.
ત્રણે’ક કલાક પહેલા બેંગ્લોર એરપોર્ટ પર તન્વીનો ફોન આવી ગયેલો, તે વાત ધડકનને કહેવાનું મન તો થઇ આવ્યું, પણ પછી તે વિષય અત્યારે ઉખેળીને આ રોમાંચક સફરની થ્રિલ ઓછી કરવાનો મને કોઈ જ મૂડ નહોતો.
મેં તન્વીનો ફોન રીસીવ ન કર્યો તો તેણે બીજી વાર કૉલ કરવાની ટ્રાઈ કેમ ન કરી? તે શું ચેક કરવા માંગતી હશે? આવા બધા સવાલો મગજમાં ઉગી આવવા લાગ્યા, પણ ધડકનનાં સુગંધી કેશની સુવાસમાં ઉન્મત્ત થઇ રહેલા મારા હૃદયે તે બધા સવાલોને કોઈ જ મહત્વ ન આપ્યું.
છેવટે અમે એકાદી કોઈક રેસ્ટોરાંમાં પહોચ્યા. ધડકન ઓર્ડર કરતી રહી, તે દરમ્યાન હું વોશરૂમમાં જઈને ફ્રેશ થઇ આવ્યો.

"આઈ મિસ્ડ યુ શોનુ..." -સાવ ગરીબડું મોઢું કરીને ધડકન બોલી- "ડોન્ટ એવર લીવ મી ફોર સો લોંગ."

[આ છોકરીઓ પણ ગજબની હોય છે. ક્યાંથી ને ક્યાંથી નામ શોધી લાવે છે. શોનુ નામ સાંભળીને મેં ઈશ્વરનો પાડ માન્યો. કારણ, પપ્પુ, બબલુ, ચિન્ટુ વગેરે કરતાં તો શોનુ સાત દર્જે સારું જ હતું.]

"તેં પણ મને મિસ્સ કરીને? કેટલી મિસ્સ કરી? મેં તને કર્યો તેટલી જ? કે ઓછી?"

"હાઉ સિલ્લી..! કેવો સવાલ છે આ..બેબી?"

"બોલ ને ..! તું મને કેટલો પ્રેમ કરે છે?”

"આવા સવાલનાં જવાબ નથી હોતા ધડકન. આ તો બસ ફીલ કરવાનું હોય. જુદાઈનો એક-એક દિવસ એક-એક વરસ જેટલો લાંબો લાગવા જેવી લાગણી જયારે થઇ આવે, ત્યારે પ્રેમ કેટલો છે તે માપવા માટેનું યંત્ર શોધવા જવાનું મને યાદ નથી આવતું."
બસ,આથી આગળ હું કંઈ જ બોલી ન શક્યો.
જમણ આવ્યું અને અમે બંને કંઈ જ ન બોલતા ચુપચાપ જમવા લાગ્યા.
સાચું પૂછો તો પાછલું એક અઠવાડિયું મેં કેમ વિતાવ્યું છે, તે તો મારું મન જ જાણતું હતું.
"કેમ શાંત થઇ ગયો છો? કંઇક બોલ ને..!"

મને પણ કોણ જાણે કેમ કંઈ જ બોલવાનું સૂઝતું નહોતું.
હું તેને કેટલો પ્રેમ કરું છું તેવો તેનો સવાલ મારા મનમાં ઘુમરાયા કરતો હતો.
અને ત્યાં જ મને એક વિચાર આવ્યો.
મેં મારો મોબાઈલ કાઢ્યો, તેમાં હેડફોન્સ જોડ્યા અને ધડકનનાં કાને લગાડ્યા.
પછી એક ગીત શોધીને વગાડ્યું-

"હમેં તુમસે પ્યાર કિતના...યે હમ નહીં જાનતે
મગર જી નહીં સકતે...તુમ્હારે બિના

સુના ગમ જુદાઈ કા ઉઠાતે હૈ લોગ
જાને ઝીંદગી કૈસે બિતાતે હૈ લોગ,
દિન ભી યહાં તો લગે...બરસ કે સમાન.
હમેં ઇન્તઝાર કિતના...યે હમ નહીં જાનતે
મગર જી નહીં સકતે...તુમ્હારે બિના..”

ખુબ જ સેન્ટી ગીત હતું.
ધડકનને જાણે કે તેનાં સવાલનો જવાબ મળી જતો હોય તેમ તેનાં ચહેરાનાં હાવભાવ બદલાવા લાગ્યા.
તેની આંખો ભીંજાવા લાગી.
ગીત અધૂરું મુકીને જ તેણે ટેબલ પર પડેલ ટીસ્યુ-પેપર ઉપાડ્યું.
પર્સમાંથી પેન કાઢી અને તેના પર લખ્યું-
"આઈ વોન્ટ ટુ સ્પેન્ડ માઈ લાઈફ વીથ યુ. આઈ વોન્ટ ટુ લવ યુ, ટીલ આઈ ટેઈક માઈ લાસ્ટ બ્રેથ. લવ યુ ફ્રોમ ડીપ બોટમ ઑફ માઈ હાર્ટ"

લખાણની નીચે તેણે એક હાર્ટ આકારનું ચિત્ર બનાવ્યું, ને તેની અંદર અમારા બંનેના નામના ઇનીશીય્લ્સ લખ્યા. ટી એન્ડ ડી.
હવે આ વખતે ભીની થવાનો વારો હતો, મારી આંખોનો..!
અમે બંને એકમેકના હાથ હાથમાં લઈને બસ એમ જ બેસી રહ્યા..કોને ખબર કેટલી વાર સુધી..!

.

.

"સાંજે ઘરે આવ.." -રેસ્ટોરાંમાંથી બહાર નીકળતાં નીકળતાં તે બોલી.

"પ્લીઝ યાર..ઘરે નહીં. તારી મમ્મી પાછો જમાડે રાખશે મને..!"

"નહીં નહીં.. આઈ પ્રોમિસ..! તું આવ સાતેક વાગે. હું રાહ જોઉં છું તારી. ઓકે?"

.

નક્કી કરેલા સમયે હું ધડકનના ઘરે પહોંચ્યો.
દરવાજો ખુલ્લો જ હતો.
કોઈક મસ્ત મસ્ત પ્રકારની સુવાસ અંદરથી આવી રહી હતી. બહારની રૂમમાં કોઈ જ નહોતું.

"ધડકન..!" -મેં હળવેથી હાક મારી.

"આવી આવી..બસ..બે મિનીટ" -અંદરથી તેનો અવાજ આવ્યો.

હું સોફા પર બેઠો અને બે મિનીટમાં જ તે કિચનમાંથી બહાર આવી.
સાવ જ લઘરવઘર વેશ હતો ને વાળ એકદમ વિખરાયેલા. હાથમાં, ગાલ પર, વાળમાં બધે લોટ ચોંટેલો હતો.

"અરે..? હવે તું પરોઠાં નહીં બનાવ યાર..!” -હું ઝડપથી સોફા પરથી ઉભા થતાં બોલ્યો.

"નહીં રે..! પરોઠાં નથી કરતી. કેક બનાવું છું તારા માટે." -ચહેરા પર મીઠું સ્મિત લાવીને તે બોલી.

હું અચકાઈને આજુ બાજુ જોવા લાગ્યો ને પૂછ્યું- "ઘરે કોઈ નથી કે?"

"નથી કોઈ."

તરત જ મેં હાથમાંનું મેગેઝીન સામે ટીપોય પર મુક્યું અને તેની પાસે જવા ઉભો થયો..

"નો..! વેઇટ..! હમણાં કંઈ જ નહીં. મમ્મી આટલામાં જ ગઈ છે નીચે દુકાને. હમણાં જ આવશે."

"ઓ..ડેમ્ન..!" -ચિડાઈને હું પાછો સોફા પર બેસી ગયો.

"રુક થોડા. કેક ઓવનમાં મુકીને આવું હમણાં.." -કહેતા કહેતા તે ફરીથી કિચનમાં ચાલી ગઈ.

.

હજી બે મિનીટ માંડ થઇ હશે કે મારો ફોન રણક્યો.

"ઓ પ્લીઝ.. હવે ક્લાયન્ટનો ન હોવો જોઈએ." -વિચારતા વિચારતા મેં ફોન તરફ જોયું ને એકદમ દચકી ગયો.

ફરીથી તન્વીનો ફોન હતો.
શું કરવું સમજાતું જ નહોતું ને કેટલીય વાર સુધી ફોન રણકતો જ રહ્યો.

"તન્મય..તારો ફોન વાગે છે.. સુઈ ગયો કે શું?" -અંદરથી ધડકનનો અવાજ આવ્યો.

ફોન વાગીને બંધ થઇ ગયો, ને તરત જ ફરીથી પાછો વાગવા લાગ્યો.

"અરે ફોન ઉપાડ...!" -ધડકન બહાર આવતા બોલી.

"કોનો ફોન છે?" -મારા ચહેરા પરના હાવભાવ જોઇને તેને ખ્યાલ આવી ગયો કે કંઇક ગરબડ છે.

"તન્વીનો. આ પહેલા પણ સવારે બેંગ્લોર એરપોર્ટ પર હતો ત્યારે આવ્યો હતો પણ મેં રીસીવ નહોતો કર્યો.!"

ધડકન પળવાર ચુપ થઇ ગઈ ને ફોન વાગતો જ રહ્યો.

"ઉપાડ ફોન. જો શું કહે છે તે."

"હાય તન્વી, વૉટ અ સરપ્રાઈઝ..!" -કમને મેં ફોન રીસીવ કર્યો.

"હાય તન્મય. કસા આહેસ તુ?"

"મી મસ્ત..! તું બોલ..કેમ યાદ આવી ?"

"તન્મય..આઈ વોન્ટ ટુ મીટ યુ. ઇન ફેકટ તને અને ધડકન બંનેને..તે દિવસે જે કંઈ થઇ ગયું તે બદલ..આઈ વોન્ટ ટુ અપોલોજાઈઝ."

"ઇટ્સ ઓકે તન્વી..મી વિસરુન ગેલો તે સઘળં. એન્ડ આયે’મ શ્યોર ધડકને પણ કંઈ એ બધું યાદ નહીં જ રાખ્યું હોય."

[સામે ધડકન ઈશારા કરીને મને પૂછતી રહી કે તન્વી શું કહે છે, પણ મેં તેને શાંત રહેવાનો ઈશારો કર્યો.]

"નો તન્મય..ખુબ ગિલ્ટી ફિલ થાય છે રે..! આખરે તો આપણે બધા ફ્રેન્ડસ જ છીએ ને ફ્રેન્ડને કોઈ આવું બધું કહે કે? ક્યાં છો તું હાલ? આપણ ભેટુ શકતો કા? મ્હણજે...તો પછી હું ધડકનને પણ ફોન કરીને નક્કી કરી લઉં એટલે."

"હું ધડકનનાં ઘરે જ છું." -શું કહેવું કંઈ જ સૂઝતું નહોતું, ને એકએક મારાથી બોલાઈ ગયું.

"ઓ..ધેટ્સ ગ્રેટ..! ઠીક આય, આવું છું હું ત્યાં ૧૫-૨૦ મિનીટમાં." –અને હું આગળ કંઈ કહું તે પહેલા જ તેણે ફોન મૂકી દીધો.

"અરે..! તેને શું કામ કહ્યું કે તું અહીંયા છે?" -ધડકને ચિડાઈને પૂછ્યું.

"યાર..તેણે એકાએક જ પૂછ્યું કે ક્યાં છો, તો કંઈ જવાબ જ ન સુઝ્યો, કે શું જવાબ આપવો."

"ઠીકે..! શું કહેતી હતી તે?"

"કંઈ નહીં. તેને આપણા બંનેની માફી માગવી છે તે દિવસે જે કંઈ ડ્રામા થયો હતો તે બદલ..અને એટલે.."

"એટલે? એટલે શું?" -ધડકને પોતાની આંખો મોટી કરી કરીને પૂછ્યું.

"એટલે તે અહીંયા આવે છે..મતલબ કે..તે કહેતી હતી કે ક્યાંક બહાર મળીએ ને તેનાં માટે તને ફોન પણ કરવાની હતી. પણ મેં કહ્યું કે હું અહીંયા છું એટલે તે અહીંયા આવે છે."

ધડકનનો ચહેરો એકદમ પડી ગયો.

"ફ*..! તન્મય, આજની આ સાંજ મેં ફક્ત તારા માટે જ પ્લાન કરી હતી. શું જરૂર હતી તેને બોલાવવાની? તને ખબર છે ને કે તે કેવી છે..?"

"બરં..ઠીકે..! હું તેને ફોન કરીને કહી દઉં છું કે હું નીકળું જ છું અહીંથી. જોઈએ તો કાલે મળશું." -કહીને મેં ફોન ઉપાડ્યો.

"નકો પ્લીઝ..! ખરાબ લાગશે આ બધું. ખાલી ફોગટ તેને એવું લાગશે કે મેં તને ચાવી ભરી હશે." -ધડકને મારા હાથમાંથી ફોન લઇ લેતા કહ્યું.

કેટલીક પળો બસ એમ જ શાંતતામાં વીતી ગઈ. અંદર ઓવનમાં બીપ બીપ વાગતું રહ્યું.

"ઇટ્સ ઓકે ધડકન..આફ્ટરઑલ વી આર ફ્રેન્ડ્સ. મે બી..તેને સાચે જ પસ્તાવો થયો હોય..મે બી..આજની આ સાંજે એક મસ્ત ફ્રેન્ડલી ગેટટુગેધર થાય..કોને ખબર..?" -વાતને સંભાળી લેવાનો પ્રયત્ન કરતાં હું બોલ્યો.

"હમ્મ્મ" -ધડકને ઉપરછલ્લો હોંકારો દીધો.

ખરું પૂછો તો ભૂલ મારી જ હતી. મારા ધ્યાનમાં જ ન રહ્યું કે તન્વી મારા માટે ભલે હવે એક મૈત્રિણ જ છે, પણ ધડકન માટે તો તે મારી 'એક્સ' છે. અને કોઈ પણ છોકરી માટે તે બિલકુલ જ અણગમતી વાત ગણાય કે પોતે ખાસ પોતાનાં પ્રેમી માટે પ્લાન કરેલી સાંજે તેની એક્સ પણ તેમની સાથે હોય. પણ હવે શું થઇ શકે? મારી બેવકૂફી મને જ નડી રહી હતી.

દસ મિનીટ પછી ડોર-બેલ રણકી.
મેં અને ધડકને એકમેક તરફ જોયું.
ધડકને મને દરવાજો ખોલવાનો ઈશારો કર્યો અને પોતે અંદર કિચનમાં ચાલી ગઈ. તેનાં ચહેરા પરથી સાફ જણાઈ આવતું હતું કે તેની કમાન છટકી ગઈ છે.
મેં બારણું ઉઘડ્યું.

"હાય તન્મય..!" -મને જોતા જ તન્વીએ હળવેથી પોતાનો એક હાથ મારી કમર ફરતો વીંટાળી મારા ડાબા ગાલ સાથે પોતાનો જમણો ગાલ અડાડ્યો.
એટલામાં જ ધડકન હૉલમાં આવી.

"ઓ વાઉ..! કેક બનાવે છે? મસ્ત સુગંધ આવે છે." -થોડાક કટાક્ષ ભર્યા સ્વરે તન્વીએ પૂછ્યું અને ધડકને મારી તરફ જોયું.

"આંટી નથી કે ઘરે?" –કદાચ જાણી જોઇને તન્વીએ ધડકનને પૂછ્યું.

"ના, નથી. દુકાને ગઈ છે. આવશે હમણાં જ થોડી વારમાં."

"આઈ સી...! મતલબ તમે બંને એકલા જ છો ઘરમાં?" -તન્વીએ આંખ મીચકારીને પૂછ્યું.
કંઈ પણ બોલ્યા વગર ધડકન અંદર રસોડામાં ચાલી ગઈ.

"કાય ઝાલં..? હું અહીંયા આવી એ નથી ગમ્યું કે તેને?" -તન્વીએ મને પૂછ્યું.

"નહીં. એવું કંઈ નથી. કદાચિત તે દિવસે જે કંઈ થયું હતું તે હજીયે તેનાં મનમાં હશે. તું તેને સૉરી કહી દે, તો શી વીલ બી ઓકે."

"સૉરી? માય ફૂટ..!" -અચાનક જ તન્વીનાં તેવર બદલવા લાગ્યા.

"અરે..!" -હું આંચકો ખાઈને બોલી પડ્યો. તે આવી ત્યારે ખાસ્સી નોર્મલ જ હતી પણ કદાચ અમને બંનેને ઘરમાં એકલા જ જોઇને તેની સ્ત્રી-સહજ ઈર્ષ્યા જાગી ઉઠી હશે.

"નાહકની જ હું તે દિવસને લઈને ગિલ્ટી ફીલ કરી રહી હતી. પણ અહીંયા જે કંઈ પણ ચાલી રહ્યું છે તે જોઇને તો લાગે છે કે હું બરોબર જ હતી."

ત્યાં તો ધડકન અંદરથી બહાર આવી અને પૂછ્યું- "અચ્છા? તો શું ચાલી રહ્યું છે અહીંયા?"

"આંટી ઘરે નથી. તમે બંને એકલા..! કેક બની રહી છે..! આનો અર્થ શું હું નથી સમજી શકતી કે..? મને ખબર છે તન્મય કે આપણે બંને જયારે એકલા પડતા ત્યારે આપણે શું શું કરતા. એવું બધું શું તું ધડકન સાથે પણ.."

"શટ અપ તન્વી. તારે શું લેવાદેવા છે અમારી એ બધી બાબતથી?" –હું બરાડી ઉઠ્યો.
તન્વીના અમારી જૂની વાતોનાં ઉલ્લેખથી હું સાચે જ એકદમ અસ્વસ્થ થઇ ગયો.

"મારે કંઈ જ લેવાદેવા નથી. બટ આઈ ફીલ કે યુ બોથ શુડ સે સૉરી ટુ મી. તે દિવસે હું બધું બરોબર જ કહેતી હતી."

"સૉરી શેના માટે તન્વી? મેં કંઈ ગુનો કર્યો છે કે તને સૉરી કહું?" -ધડકન એકદમ જ ઉત્તેજિત થઇ જઈને બોલી પડી.

'આઈ ટોલ્ડ યુ બીફોર ઓલ્સો કે તું મારા બોયફ્રેન્ડ સાથે..."

"ઓકે સ્ટોપ નાઉ તન્વી..! પ્લીઝ ડોન્ટ સ્ટાર્ટ ઈટ અગેઇન." -મેં તે બંનેની વચ્ચે મધ્યસ્થી થવાનો પ્રયત્ન કર્યો.

"યુ સ્ટોપ તન્મય..! ધડકન વિષયે તે તારા ઘરે વાત કરી છે?"
હું કંઈ જ ન બોલ્યો.

"ઓ..મતલબ કે આને પણ તું ફેરવી ફેરવીને છોડી દેવાનો છો..મારી જેમ જ..!" -પછી ધડકન તરફ જોઇને તેણે આગળ ચલાવ્યું- "ધ્યાન રાખજે ધડકન. આ તો તું મારી મૈત્રિણ છે એટલે કાળજી થાય છે તારી, બાકી મારે કંઈ જ મતલબ નથી."

મને લાગ્યું કે ધડકન હવે સાચે જ ડિપ્રેસ થતી જતી હતી.
હું આગળ કંઈ બોલું તે પહેલા તો ડોર-બેલ રણકી.
ધડકનની મમ્મી આવી હતી.
તન્વીને ઘણા દિવસ બાદ જોઇને તેમને આનદ થયો.

"અરે તન્વી બેટા? બહોત દિનો કે બાદ..? હાઉ આર યુ?" -તેમણે એકદમ આત્મીયતાથી પૂછ્યું.

"ઓ..હલ્લો આંટી. આયે'મ ફાઈન. ઘરે પણ બધા ફાઈન."

મેં અને ધડકને એકમેક તરફ જોયું.
અમારા બંનેના મનમાં એક ગભરાટ થઇ આવ્યો કે ક્યાંક આ તન્વી અમારા વિષે કંઈ બોલી ન પડે.

"ધડકન..કેક રખ્ખી હૈ ન ઓવનમેં?"

"નહીં મમ્મી. મેં અપના..એક એક્સપેરીમેન્ટ કર રહી થી. બટ એવરી થિંગ વેન્ટ રોંગ." -પછી મારી તરફ જોઇને તે બોલી- "એક કામ કર..ડસબીનમાં નાખી દે તે કેક."

ધડકનનો ચહેરો લાલઘુમ થઇ ગયો હતો. તે ગુસ્સો હતો કે સંતાપ..મને કંઈ જ ન સમજાયું.

"ઓકે આંટી..મી નીઘતે. ભેટુ નંતર આરામાત." -તન્વીએ કહ્યું અને અમારા બન્ને તરફ એક નજર પણ નાખ્યા વગર જ તે નીકળી ગઈ.

"બાય બેટા..!" -આંટીએ તન્વી તરફ હાથ વેવ કરીને કહ્યું.

"તન્મય. બૈઠ જાઓ. તું કેમ ઉભો.." -તન્વી ઘરની બહાર નીકળી એટલે આંટીએ મારા જોઇને કહ્યું.

"મમ્મી.. તે પણ જાય જ છે. અમસ્તો જ આવેલો તે તો.." -ધડકને મમ્મીની વાતને કાપતા કહ્યું.
ચોક્ખું દેખાઈ આવતું હતું કે તેનો મૂડ ઑફ થઇ ગયો હતો.

[આયે'મ સૉરી ધડકન ફૉર ઑલ ધીસ. હવે જીંદગીમાં ફરી ક્યારે ય તને દુઃખી થવા નહીં દઉં." -હું મનોમન બોલ્યો.]

ધડકન મારા મનનાં ભાવ મારા ચહેરા પર વાંચવાનો પ્રયત્ન કરી રહી હતી.
મારા મનમાં શું ચાલી રહ્યું છે તેનો થોડો ઘણો ય ખ્યાલ તેને આવે તેવું હું ઈચ્છી રહ્યો.
ચહેરા પર પરાણે સ્મિત લાવીને તેણે મને બાય કર્યું, ને હું ઘરે જવા નીકળી ગયો.

મેં હજી સુધી મારા ઘરમાં ધડકન વિષયે વાત નથી કરી, તેવો ટોણો તન્વીએ ધડકનની સામે જ મને માર્યો તેની શું અવળી અસર પડી હશે તે તો મારે કલ્પના જ કરવાની હતી, પણ હવે વહેલી જ તકે મારે ઘરમાં મારા આ એફેરની વાત કરવી જ જોઈએ, તેવું મને પહેલી વાર લાગ્યું. [ક્રમશ:]

.

_અશ્વિન મજીઠિયા..