એક પતંગિયાને પાંખો આવી - 23 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી - 23

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 23

વ્રજેશ દવે “વેદ”

ટ્રેન ચાલતી રહી. નીરજાની આંખમાં નિંદ્રાએ પ્રવેશ કરી લીધો. ઊંઘી ગઈ. બધા જ વિચારો ગાયબ થઈ ગયા. એક ઊંડી નિંદ્રા, શાંત નિંદ્રામાં સરી ગઈ. કોઈ જ વાતો કે વિચારો નહીં. બધું જ શાંત. સંપૂર્ણ શૂન્યતા !

ઓહ ! મન આટલું શાંત ! આટલી બધી શૂન્યતા ? ખૂબ જ અદભૂત લાગી તેને, આ નિંદ્રા.

વ્યોમા પણ નિંદ્રાધીન હતી, પણ તેના અર્ધ જાગ્રત મનમાં ઘણાં વિચારો યાત્રા કરતાં હતા.

ટ્રેન ધીમી પડવા લાગી. ઊભી રહી ગઈ. વ્યોમા જાગી ગઈ. પણ બર્થ પર જ પડી રહી, જાગતી.

સાથી યાત્રીઓમાં થોડી ચહલ પહલ થવા લાગી. કોઈ બારી બહાર નજર કરી ,સ્ટેશન આવ્યું કે કેમ અને જો આવ્યું હોય તો કયું સ્ટેશન છે, તે નક્કી કરવા પ્રયાસ કરવા લાગ્યા.

ટ્રેન કોઈ સ્ટેશન પર નહોતી ઊભી. કોઈ બે સ્ટેશન વચ્ચે તે ઊભી રહી ગઈ હતી.

“સિગ્નલ નહીં મિલા હૈ. કોઈ ક્રોસીંગ હોગા.” ડબ્બામાંથી કોઈ બોલ્યું. વ્યોમા તે સંભાળ્યું ના સંભાળ્યું કરી, ફરી સૂઈ જવા પ્રયાસ કરવા લાગી.

યાત્રીઓની વાતો અને ચહલ પહલ વધવા લાગી. ઘણો સમય થઈ ગયો, પણ ટ્રેન હજુ પણ ત્યાં જ ઊભી હતી. યાત્રીઓમાં ગણગણાટ થવા લાગ્યો.

“ટ્રેન તો દેર તક ચલનેવાલી નહીં હૈ. હો સકતા હૈ ચાર, પાંચ ઘંટે કા સમય લગ જાય.” કોઈએ નવી જાણકારી આપી. વ્યોમાએ તે વાતને પણ અવગણી. બર્થ પર જ તે જાગતી પડી રહી.

ગણગણાટ વધવા લાગ્યો. ઘોંઘાટમાં ફેરવાઇ ગયો. નીરજા હજુ પણ ગાઢ નિંદ્રામાં હતી. ટ્રેનનો ઘોંઘાટ તેને સ્પર્શતો નહતો. વ્યોમા આ બધા આવજોથી વિચલિત થઈ ગઈ. આખરે તેણે બર્થ છોડી દીધી અને તે નીચે આવી ગઈ.

નીરજા હજુ પણ એ જ નિંદ્રામાં હતી. તેના મુખ પર પરમ શાંતિ સ્થાન જમાવી બેઠી હતી. દુનિયાની કોઈ ચીજ તેના મનને સ્પર્શતી નહતી. તે તો હતી નિર્લેપ.

વ્યોમાને નવાઈ લાગી. ખૂબ જ ચંચલ અને ચપળ રહેતી નીરજા આટલા બધા લોકોના ઘોંઘાટ વચ્ચે પણ નિંદ્રાધીન છે. જરા પણ વિચલિત થયા વિના તે ઊંઘી રહી છે.

સામાન્ય રીતે આવા પ્રસંગોમાં તે સૌથી પહેલાં જાગૃત થઈ જતી. સાવધ થઈ જતી. પણ આજે તે સાવ શાંત હતી. નિંદ્રાધીન હતી. જાણે તેને કશું જ સ્પર્શતું નહોતું. કશું જ સંભળાતું નહોતું.

નીરજાને સૂતા રહેવા દઈ, વ્યોમાએ જાતે જ પરિસ્થિતિને સમજવા પ્રયાસ કર્યો. તેણે સમય ચકાસી લીધો. સાંજના 4.31 થઈ હતી. બહાર નજર કરી. ટ્રેન કોઈ બે સ્ટેશન વચ્ચે જ ઊભી હતી. ઘણાં બધા લોકો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. કેટલાક ઊભા હતા તો કેટલાક ટ્રેન બહાર પાટા પાસે બેસી ગયા હતા.

કોઈ એકલું, તો કોઈ નાના નાનાં ટોળામાં હતું. કોઈ તો પલાંઠી વાળીને બેસી ગયા હતા. જાણે કોઇની જાનમાં જમવા ન આવ્યા હોય. કોઈને ય ટ્રેન ઉપડી જવાની, કે ટ્રેન છૂટી જવાનીજ રાય ચિંતા ન હતી. તદ્દન નિશ્ચિંત.

વ્યોમાએ ડબ્બાની અંદર નજર કરી. ડબ્બો અડધો ખાલી હતો. અડધા લોકો હજુ પણ ડબ્બામાં બેસી કે સૂઈ રહ્યા હતા. બાકીના નીચે ઉતરી ગયા હતા.

“ભાઈ સાબ, ટ્રેન ક્યોં ઈતની દેરસે યહાં ખડી હૈ?” વ્યોમાએ સાથી યાત્રીઓને પૂછ્યું.

“આગે કુછ હુઆ હૈ, ટ્રેક બ્લોક હૈ.”

“તો .. ટ્રેન કબ તક રુકિ રહેગી?”

“કુછ કહ નહીં સકતે...”

“આખિર હુઆ ક્યા હૈ?”

“”પૂરા પૂરા કુછ પતા નહીં. પર ટ્રેન લંબે સમય તક યહાંસે જાએગી નહીં.”

“ઓહ..,” વ્યોમા બબડી,” નીરજાને હવે જગાડવી જ જોઈએ..”

“નીરજા, નીરજા...” વ્યોમાનો અવાજ નીરજાએ ના સાંભળ્યો. ફરી અવાજ દીધો,”નીરજા, ઉઠ. નીરજા...” એ અવાજ પણ કોઈ અસર ના કરી શક્યો. નીરજા ગહન નિંદ્રાધીન જ રહી.

વ્યોમાએ નીરજાને ઢંઢોળી. ખૂબ જોરથી હચમચાવી. નીરજા સફાળી જાગી ગઈ.

“આમ ગાડા છોડીને કેમ સૂતી છો?”

“ના. હું તો ઘોડા વેચીને સૂતી છું.” નીરજાએ જાગતા જ મજાક કરી.

“ગમે તે હોય પણ તને...”

“શું વાત છે વ્યોમા? કેમ આટલી પરેશાન છે?” નીરજા પૂરેપુરી સ્વસ્થ થઈ ગઈ.

“ટ્રેન ઊભી રહી ગઈ છે.”

“ટ્રેન સતત ચાલતી જ રહે એવું થોડું હોય? ચાલે પણ ખરી, ને ઊભી પણ રહી જાય. આ ટ્રેન...” નીરજા પૂરા મજાકના મૂડમાં હતી. તોફાની નજર નાંખી તેણે વ્યોમાના ચહેરા પર.

વ્યોમાના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી. તે જરાય મૂડમાં ન હતી, મજાક કરવાના કે સહેવાના,”નીરજા, મજાક છોડ...”

“શું વાત છે, વ્યોમા?” નીરજાને હવે લાગ્યું કે મજાક છોડીને વ્યોમાની વાત ગંભીરતાથી સમજવી પડશે.

“આ ટ્રેન કોઈ સ્ટેશન વિના જ લગભગ 25 – 30 મિનિટથી અહીં જ સ્થિર છે. કોઈ જ ખબર નથી કે આપણે ક્યાં છીએ. વધુમાં આ લોકો એમ કહે છે, કે આગળ આ ટ્રેક પર કોઈ એક્સિડંટ થયેલ છે. એટલે આપણી ટ્રેન લાંબો સમય અહીં જ ઊભી રહેશે.” નીરજા સમયની ગંભીરતા પામી ગઈ. વ્યોમા આગળ બોલતી રહી,” ત્યાં નીચે જો. કેટલા બધા લોકો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા છે. કેવા નિરાંતે ઊભા છે. બેઠા પણ છે. ટ્રેન છૂટી જવાની કોઈ જ ચિંતા તેઓને નથી લગતી. તેનો અર્થ એ ...”

“ઠીક છે, ઠીક છે વ્યોમા. ચાલ આપણે પરિસ્થિતીને સમજીએ. નીરજા હવે પૂરેપુરી જાગી ગઈ. બર્થ પરથી ઉઠી. બારી બહાર નજર કરી. વ્યોમાએ કહ્યું તેમ જ, સૌ ટ્રેન બહાર નિરાંતે ઊભા હતા, બેઠા હતા.

બન્ને ડબ્બો છોડીને નીચે ઉતરી ગયા. ચાલવા લાગ્યા, એંજીન તરફ. સિગ્નલ પર નજર કરી. તે હજુ પણ લાલ હતું.

“સર, આપણે ક્યાં પહોંચ્યા છીએ?” એન્જિન ડ્રાઇવરના ગ્રૂપમાથી એકને નીરજાએ પૂછ્યું.

“કટિહાર સ્ટેશનથી એકાદ કલાક, 29 કિમી દૂર છીએ .”

“ટ્રેન કેમ ...”

“અહીંથી 19 કિમી દૂર, આ જ ટ્રેક પર એક ગૂડ્ઝ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. જેને લીધે ટ્રેક બ્લોક છે.”

“કયારે બન્યું આ?”

“લગભગ બે કલાક પહેલાં.”

“ઓહ. બ્લોક ટ્રેકને ચાલુ કરવામાં કેટલો સમય લાગશે?”

“rescue operations are already started by railway and it is expected that within 3 hours the trek would be fine.” ગાર્ડે જવાબ આપ્યો. ગાર્ડ પણ પોતાનો ડબ્બો છોડી એન્જિન ડ્રાઇવરની ટીમ પાસે આવીને બેઠો હતો.

“થ્રી મોર અવર્સ?“ વ્યોમાએ ચિંતા વ્યક્ત કરી.

“યસ મેડમ. મે બી મોર.“

“ઓહ નો...” વ્યોમા નાખુશ થઈ ગઈ,”વોટ ટૂ ડૂ નાઉ?”

“એન્જોય ધ બ્યુટી ઓફ ધીસ પ્લેસ.” ગાર્ડના શબ્દો આ સ્થળની હવામાં ભળી ગયા.

નીરજા નિર્લેપ હતી. તે પરિસ્થિતિને સમજવા લાગી. વધુ ત્રણેક કલાક અહીં વિતાવવાના છે. કદાચ વધુ સમય પણ લાગે. ‘તો શું કરી શકાય?’ તેણે પોતાની જાતને જ સવાલ કર્યો. તેના કાન પર પણ ગાર્ડના શબ્દો પડ્યા,”એન્જોય ધ બ્યુટી ઓફ ધીસ પ્લેસ.” ખૂબ જ ઝડપથી પરિસ્થિતી સમજી લીધી નીરજાએ, જે વાસ્તવિકતા છે તેને સ્વીકારી લીધી. સ્વસ્થ થઈ ગઈ.

ઓહ યસ. તે મનોમન બબડી. તેણે ચપટી વગાડી. પોતાના ડબ્બા તરફ ચાલવા લાગી. વ્યોમા કાંઇ સમજી નહીં, પણ તે પણ તેની પાછળ ચાલવા લાગી,” હવે શું કરીશું? આમ રસ્તા વચ્ચે...”

“વ્યોમા. શાંત થઈ જા.” સ્મિત સાથે નીરજાએ વ્યોમાની સાથે નજર મિલાવી. વ્યોમાને નીરજાની આંખમાં ગજબની શાંતિ દેખાઈ. કોઈ જ તંગ રેખાઓ વિનાનો ચહેરો.

“કેમ આટલી સ્વસ્થ રહી શકે છે તું, આવી સ્થિતિમાં પણ?”

“સિમ્પલ છે યાર.”

“સિમ્પલ? કેવી રીતે?”

“બસ, જે છે તેને સ્વિકારી લો. સહજ રીતે સ્વિકારી લો.“

“એટલે? તું શું...”

“એ જ કે સૌ પહેલાં જે સ્થિતિ સામે આવીને ઊભી છે, તે સત્ય છે. તેનો સ્વીકાર કરી લો. સ્વિકારી લો કે આ જ વાસ્તવિકતા છે, આ જ સત્ય છે. આ સ્થિતિ છે જ. અને આ સ્વીકાર સહજ હોવો જોઈએ.”

“સહજ સ્વીકાર શા માટે?”

“જો સહજ સ્વિકાર થઈ જાય, તો મન સ્થિર થઈ જાય, શાંત થઈ જાય. કોઈ ગુસ્સો, કોઈ નારાજગી જ ના રહે. આવી પરિસ્થિતી માટે કોઈને જવાબદાર માનીને તેના પર ગુસ્સો કરવો કે નારાજ થવાની આપણને આદત છે. પણ સ્થિતિને જેમ છે તેમ સ્વિકારી લઈએ, તો બધું જ શાંત થઈ જાય. ભીતર પણ ,બહાર પણ. તદ્દન શાંત.”

“પણ આ સહજ સ્વીકાર દ્વારા તું કહેવા શું માંગે છે?”

“સહજ સ્વીકાર એટલે આવી પડેલી સ્થિતિ માટે કોઈને પણ દોષિત નહીં માનવા. સ્વિકારી લેવાનું કે આ આપની યાત્રાનો જ કોઈ ભાગ છે. જે યાત્રાના આયોજનમાં આપણે નથી ઉમેર્યોં. આપણાથી ચૂકી જવાયો છે, એ ભાગ. It’s a part of journey, part of game. We can say that it’s a part of life. Accept it as a part of this episode of the life.”

“અર્થાત એવું તો થયા કરે. એમાં શું મુંઝાવાનું? ખરું ને?”

“યસ. એકઝેક્ટલી, એમ જ.”

“વાઉ ! સ્વીકાર. સહજ સ્વીકાર. આ બધું તું કેમ કરી શકે છે?”

“બસ, એમ જ. સાવ સહજ.”

“ફરી સહજ?” વ્યોમાએ સહજ શબ્દ પર ભાર દઈ કહ્યું. બન્ને હસી પડ્યા. પોતાના ડબ્બા પાસે આવી પહોંચ્યા.

નીરજા ટ્રેન પર ચડી ગઈ,”તું નીચે જ ઊભી રહે. હું હમણાં જ આવું છું.” વ્યોમા નીચે જ ઊભી રહી ગઈ.

નીરજાએ બેગ ખોલી. થોડો નાસ્તો સાથે લઈ લીધો. સાથે સાથે બીજું પણ ઘણું તેણે થેલીમાં ભરી લીધું.

આસપાસ બેઠેલા યાત્રીઓ પર નજર કરી લીધી. એક હળવું સ્મિત આપ્યું,”તીન ચાર ઘંટે લગ સકતે હૈ...” તે નીચે ઉતરી ગઈ.

“શું છે આમાં?” વ્યોમાએ ઉત્સુક્તા બતાવી. તેને નીરજા નામનો તાગ મેળવવામાં રસ હતો. હવે આ છોકરી શું કરવા માંગે છે? હંમેશા નાજુક ક્ષણે નીરજા કશુંક નવું જ વર્તન કરી બેસતી હોય છે. શરૂઆતમાં તેનું વર્તન સમજાય નહીં, પણ અંતે ખબર પડે કે તેનું તે વર્તન, જે તે સમયને અનુરૂપ, પણ ન ધારેલું જ વર્તન હોય છે.

અત્યારે પણ ક્ષણો નાજુક લાગે છે, અને તે સ્વસ્થ છે. એનો અર્થ એ છે કે તેના મનમાં કશુંક નક્કર ચાલી રહ્યું છે. રમી રહ્યું છે. અને તે પ્રમાણે જ તે વર્તવાની છે.

તેના આ અજાણ્યા વર્તનને અગાઉથી જાણવા તેણે પ્રયાસ કર્યો,”નીરજા, શું વાત છે એ તો કહે...”

સ્મિત આપતી રહી નીરજા. તે ચાલવા લાગી. વ્યોમા તેને અનુસરતી રહી. ટ્રેનથી થોડે દૂર પશ્ચિમ દિશા તરફ તેઓ જવા લાગ્યા. કેટલાય યાત્રીઓ નીચે બેઠા હતા. અકળાયેલા હતા.

“કભી સમય પર નહીં ચલતી યહ રેલ..’

“અભિ તક તો સહી ચલ રહી થી, ના જાને અબ ક્યા હો ગયા....”

“હાદસા હોના કિસિકે બસમે નહીં હોતા. “

“કિન્તુ હાદસા ભી તો માનવીય ક્ષતિ કે કારણ હી હુઆ હોગા.”

“હાદસે કા પતા થોડા ચલતા હૈ, પર...”

“પર ટ્રેનકો તો એસી જગહ પર રોક સકતે થે, જહાઁ સ્ટેશન હો,“

“ભલે હી છોટાસા હો, પર સ્ટેશન હો તો સબ સેફ મહસૂસ કર સકતે હૈ. યહાં તો દેખો સબ જંગલ હી જંગલ હૈ.“

“હા. યહાં ના તો પાની હૈ, ના ખાને પીનેકા કોઈ સામાન...”

“ઇસ ગરમીમેં કેસે કટેંગે, તીન ચાર ઘંટે...”

“ઇસ રેલ્વેકો તો...” કોઈએ ગુસ્સામાં હાથમાં એક પથ્થર લઈને દૂર ફેંકી દીધો.

“ધન્યવાદ, ભાઈ સાબ.“ નીરજાએ પેલી વ્યક્તિ સામે સ્મિત આપ્યું.

“ક્યોં?“ તે કાંઇ સમજી ના શક્યો.

“ઇસ લિયે, કિ આપને અપને અંદરકે ગુસ્સેકો બહાર નિકાલ દિયા. પથ્થર ટ્રેન પર ફેંકને કે બદલે ખાલી જગહ પર ફેંકા.“તે શરમ અનુભવવા લાગ્યો.

તેઓને ત્યાં જ છોડી બંને આગળ નીકળી ગયા. પશ્ચિમ દિશા તરફ ચાલવા લાગ્યા. ટ્રેનથી 250-300 મીટર દૂર આવી ગયા. અહીં થોડો ઢોળાવ વાળો ભાગ હતો. ઢોળાવની પેલે પાર આથમતા સૂરજને જોઈ શકાય તેમ હતું. ઢોળાવ ચડવા માટે એક નાની કેડી હતી.

કેડી પર ચાલવા લાગ્યા. આસપાસની સુંદરતાને જોતાં રહ્યા. માણતા ગયા. દૂર દૂર દરેક દ્રશ્ય સુંદરતા સર્જી રહ્યું હતું. હવે તેઓ ઢોળાવ પર ચડવા લાગ્યા.

સૂર્યાસ્તને હજુ વાર હતી, પણ સૂર્ય અસ્ત તરફ ગતિ કરી રહ્યો હતો.

હવે તેઓ પૂરી ઊંચાઈ પર હતા. ઢોળાવની ટોચ પર હતા. જમીનથી 300 ફૂટ ઉપર. ઠંડી હવા આવવા લાગી. ગમવા લાગ્યું.

ચારે તરફ નજર કરી. ટ્રેન કેટલી નાની લાગતી હતી. અને યાત્રીઓ? ખૂબ નાના નાના.

અહીં તાજી હવા વહેતી હતી. દૂર દૂર બધા ખેતરમાં આછી આછી લીલી ચાદર પથરાયેલિ હતી. પહેલો વરસાદ થઈ ગયો હતો. વાવણી પણ થઈ ગઈ હતી. આછેરા લીલા અંકુરો ફૂટી ગયા હતા. મનમાં પણ અંકુરો ફૂટવા લાગ્યા.

“વાહ. વ્યોમા, કેટલો સુંદર સૂર્યાસ્ત જોવા મળશે અહીંથી. “

“અવશ્ય. અપ્રતિમ સુંદરતા આપની પ્રતિક્ષા કરી રહી છે, દેવી નીરજા.” વ્યોમા હવે ટ્રેન અટકી જવાની ઘટનાની બહાર આવવા લાગી હતી. થોડીવાર પહેલાં જે ગુસ્સો અને નારાજગી હતા, તે હવે ક્યાંય નજર નહોતા આવતા.

“દેવી વ્યોમા, આ અદભૂત ક્ષણો સુધી મને પહોંચાડવા માટે મારે કોનો આભાર માનવો પડશે, તમારો કે ટ્રેનનો?”

“ટ્રેનની ઘટના નો નિમિત્ત છે. પણ અહીં સુધી પહોંચવું, તે આપના પ્રયાસનો ભાગ છે. જુઓને દોઢ બે હજાર માણસો આ ટ્રેનમાં હશે. ટ્રેનની અહીં રોકાઈ જવાની ઘટના બધા માટે બની છે. પણ તેઓ સૌ ત્યાં જ રોકાઈ ગયા છે. 250-300 મીટર દૂર જ આટલી સુંદરતા સજીવન થઈને અહીં ઊભી છે, એની તો તેઓને ખબર પણ ક્યાં છે? માટે...’

“બસ, બસ, વ્યોમા દેવી. આપણે તો અહીં પહોંચી ગયા, પણ પેલા સૌને પણ અહીં બોલાવી લઈએ તો?” નીરજાએ નીચે રહેલા સૌ તરફ આંગળી ચીંધી. બંનેની નજર કેડી પર પડી. કેટલાક લોકો તેના પર ચાલીને ઉપર તરફ આવી રહ્યા હતા.

તેઓએ હાથ હલાવી સૌને ઉપર આવવા આમંત્રણ આપ્યું. જવાબમાં 10-12 હાથ ઉપર ઉઠ્યા. સાતેક વ્યક્તિઓ ઉપર આવી રહ્યા હતા. તેઓ સાથે ગાર્ડ પણ હતા.

“વાઉ, વ્યોમા. ગાર્ડ સર પણ અહીં જ આવી રહ્યા છે. તો...”

“તો ટ્રેન છૂટી જવાના ભયથી મુક્તિ. ...” વ્યોમા ખડખડાટ હસી પડી.

તેઓ પણ હવે ઉપર આવી ગયા હતા. સૌએ સ્મિતની આપ-લે કરી. સૌએ વિહંગાવલોકન કરી સુંદરતાને નજરમાં સમાવી લીધી. નીરજાએ નાસ્તાનો ડબ્બો ખોલ્યો. સૌ નાસ્તો કરવા લાગ્યા. સૌ તેમાં વ્યસ્ત થઈ ગયા. ઝડપથી ડબ્બો ખાલી થવા લાગ્યો, થઈ ગયો. સૌ ફરી સૌંદર્યને નિરખવા લાગ્યા.

બીજા થોડા લોકો પણ હવે આવી ગયા. ઢોળાવની ટોચ સપાટ અને પહોળી હતી. 100 જેટલા લોકો ઊભા રહી શકે તેટલી પહોળી. નવા આવેલા લોકો પણ આનંદથી સુંદરતા માણવા લાગ્યા.

થોડી વાર પહેલાં જે આંખો અને જીભ પર રોષ અને આક્રોશ હતા, તે સૌ હવે શાંત હતા. હવાની લહેરોએ તેઓના મનને બદલી નાંખ્યા હતા. ઢળતી સંધ્યાએ તેઓને ખુશનુમા બનાવી દીધા હતા.

“કોઈ હાદસા ભી ઇતના ખૂબસૂરત હોતા, હૈ વહ પતા હી નહીં થા.”

“વહી તો. હમ હાદસેકો હી રોતે રહતે,અગર હમ ઇસ જગહ પર નહીં આતે.” ગાર્ડ બોલ્યા.

“ચાહ કર તો હમ ઇસ સ્થલ પર કભી નહીં આ પાતે.”

“હાં. સહી હૈ.“

“સૂર્યાસ્તકો હમ કિસી ઘીસે પીટે પર્વતિય સ્થલ પર ઢૂંઢતે હૈં, ઔર વહાં જા કર મિલતી હૈ નિરાશા.“

“ધરતી કે પ્રત્યેક સ્થલકી અપની અપની સુંદરતા હૈ.“

“યદિ વાસ્તવમમેં સૂર્યાસ્તકો, સંધ્યાકે રંગોકો, દિલસે છુના હૈ, તો ઐસે હી કિસી ખાલી સ્થાન પર ચલે જાના ચાહીએ.“

“બિલકુલ સહી પકડા હૈ આપને.”

“જહાઁ કોઈ ભીડ નહીં. બસ તુમ, આકાશ, સૂર્ય, ક્ષિતિજ, સંધ્યા...”

“સીધા સંપર્ક હોતા હૈ કુદરતસે.”

“કિતના અચ્છા લગ રહા હૈ, ઇસ શાંત સ્થલ પર.”

“હાં, હાં. પર એક મિનિટ સબ શાંત હો જાઓ. શ..શ..” સબ શાંત હો ગયે.

“ધ્યાનસે સુનો. બિલકુલ શાંત હોકર સુનો. કહીં સે બાંસૂરીકી આવાજ આ રહી હૈ. .. ધ્યાનસે... “

“હાં. હાં. બાંસુરીકી હી આવાજ હૈ. ..”

“અત્યંત મધુર હૈ...”

“કહાંસે આ રહી હૈ? ચલો દેખતે હૈ...”

દૂરથી મીઠી મધુરી વાંસળીનો અવાજ આવવા લાગ્યો. તેના સૂરો ધીરે ધીરે સૌના કાને પડવા લાગ્યા.

આ એકાંતમાં વાંસળીના સૂર ! મીઠા મધુરા સૂર !

એક તો આ અદભૂત સ્થળ પર સૂર્યાસ્તના એકાંતનો અવસર ! અને ઉપરથી વાંસળીના સૂર !

“લગતા હૈ આજ કુદરત હમ પર આપની પુર્ણ કૃપા બરસા રહી હૈ.”

“કિતને ભાગ્યશાલી હેં હમ.”

“પર યહ બાંસુરી બજા કૌન રહા હૈ? “

“ગાંવકા કોઈ ચરવાહા હી હોગા. અપની ગાયોંકો લેકર લૌટ રહા હોગા.“

“નહીં, ઐસા કુછ નજર નહીં આ રહા.“

સૌ ચારે તરફ નજર કરવા લાગ્યા. સૌને ખાત્રી થઈ ગઈ, કે વાંસળીનો અવાજ ઢોળાવના ઉત્તરી છેડા તરફથી આવી રહ્યો છે. સૌએ તે તરફ નજર કરી. કોઈ દેખાયું નહીં.

સૌ અધીરા થયા હતા. ઝડપથી ચાલવા લાગ્યા, અવાજની દિશા તરફ દોડવા લાગ્યા.

ઢોળાવની ટોચથી પચાસેક ફૂટ નીચે તરફ, એક પથ્થર પર બેઠેલી એક છોકરી વાંસળી વગાડતી હતી અને બીજી છોકરી તેની બાજુમાં જ બેઠી હતી.

વાંસળી વાગતી રહી. બન્ને વાંસળીની ધૂનમાં ખોવાયેલા હતા. આસપાસની ચહલપહલ થી સાવ અજાણ ! ઢળતો સુરજ, ઠંડી હવા, થોડી ઊંચાઈ, શાંતિ અને વાંસળીના સૂર. આટલી દુનિયામાં બન્ને છોકરીઓ વસવા લાગી.

“અરે, યહ તો વહી દોનો લડકીયાં હૈ.”

“હાં, હાં. વહી હૈ...”

“ચલો ચલતે હૈં ઉનકે પાસ. “

“રૂકો. હમ યહીં રૂકેંગે.” ગાર્ડે બધાને આદેશ આપ્યો.

“ક્યોં?”

“દેખો વહ કિતની અચ્છી બાંસુરી બજા રહી હૈ. વહ આપની દૂનિયામેં વ્યસ્ત હૈ. જૈસે કોઈ યોગી સમાધીમેં બેઠા હો. હમ વહાં જાયેંગે તો ઊનકા ધ્યાન ભંગ હોગા. સમાધિ તૂટ જાએગી. વહ બાંસુરી બજાના બંધ કર દેગી. હમેં જો આનંદ અભી મિલ રહા હૈ, વહ ભી તૂટ જાએગા, બીખર જાએગા.“ ગાર્ડે વિસ્તારથી કહ્યું. સૌ ત્યાં જ રોકાઈ ગયા. ઊભા રહી ગયા. મૌન.

દૂર આકાશમાં ઢળતી સંધ્યા, સૂર્યાસ્તની લાલીમા, એકાંત, શાંતિ અને વાંસળીના અદભૂત સૂરો. આટલું બધું એક સાથે ! આટલો સુંદર સુયોગ ! ધારો તો પણ ના મળે. ચાહો તો પણ સર્જી ના શકાય.

અને અહીં? અનાયાસ જ સર્જાયું છે એક અદભૂત વિશ્વ !

નીરજા વાંસળી વગાડતી હતી. આંખ બંધ કરી વાંસળી વગાડતી હતી. વ્યોમા બાજુમાં બેઠી હતી. નીરજાના હોઠો પર રહેલી વાંસળીમાં રાગના સૂરો વહેવા લાગ્યા. સૂરો વાતાવરણમાં ભળી જવા લાગ્યા.

સા રે ગ પ ધ સા ....

સા ધ પ ગ રે સા...

“વાહ, રાગ પહાડી સૂના રહી હૈ યહ બચ્ચી.” ગાર્ડે બધાને સંગીતની માહિતી આપી.

આ હવામાં રાગ પહાડીએ તેનો જાદુ સૌ પર પાથરી દીધો. સૌ મંત્રમુગ્ધ બની ગયા. નીરજાના બંધ આંખો વાળા ચહેરા પર અદભૂત આભા રમતી રહી.

વાંસળી વાગતી રહી. સૂર્ય ઢળતો રહ્યો. આકાશ રંગ બદલતું રહ્યું. વ્યોમા પણ નીરજાની બાજુમાં સમાધિ જેવી જ અવસ્થામાં બેઠી રહી. હવા મંદ મંદ ચાલતી રહી.

સ્થિર હતા તો પેલા 15-20 વ્યક્તિઓ. તેમાંથી કોઈ કશું જ બોલવા નહોતા માંગતા. સૌ પોતપોતાની સાંજને પોતાના હ્રદયથી માણતા રહ્યા. ક્યાંય સુધી.

ગાર્ડની વોકિટોકી પર ડ્રાઈવર ટીમનો મેસેજ આવ્યો. સૌનું ધ્યાન ભંગ થયું. ડ્રાઈવર જોડે ગાર્ડની વાત થઈ. ટ્રેન હવે ઉપડવા તૈયાર હતી. ટ્રેનનું વ્હિસલ વાગ્યું. સૂર્ય ડૂબી ગયો. ક્ષણો બદલાઈ ગઈ. સૌ ટ્રેન તરફ દોડયા. નીરજા અને વ્યોમાને પણ ગાર્ડે બોલાવી લીધા. વાંસળી પકડી તેઓ પણ દોડ્યા. સૌ પોતપોતાને સ્થાને ટ્રેનમાં ગોઠવાઈ ગયા. ગાર્ડે ખાત્રી કરી લીધી કે સૌ ટ્રેનમાં ચડી ગયા છે. કોઈ બાકી બચ્યું નથી. તેણે ગ્રીન સિગ્નલ આપ્યું. ટ્રેન ચાલવા લાગી.

સાંજના સાડા સાત થવા આવ્યા. સાડા ત્રણ કલાક જેટલો સમય આ સ્થળ પર વિતાવી, ટ્રેન કટિહાર તરફ નીકળી પડી.

સાથી યાત્રીઓ નીરજા અને વ્યોમાથી ખૂબ પ્રભાવિત હતા. સાડા ત્રણ કલાક જેટલો બોરિંગ સમય તેઓને પહાડ જેવો લાગતો હતો. એ સમયે જ, છેલ્લા અઢી કલાકમાં બન્નેએ સૌને ઢોળાવ પર લઈ જઈને નવી અનુભૂતિ કરાવી હતી.

આ અઢી કલાકનો સમય અદભૂત રીતે વિતી ગયો. અઢી કલાકની કોઈ અનુપમ ફિલ્મ પૂરી થઈ હોય જાણે! કોઈ સુંદર નાટક પૂરું થયું હોય ! જેના મુખ્ય કલાકાર હતા, નીરજા અને વ્યોમા.