કુંડલિની શકિત(ભાગ-૧)
માનવીની કાયામાં બેઠેલી ઉચ્ચ આધ્યાત્મિક શક્તિને કુંડલિની કહે છે.સારાયે બ્રહ્માંડને અને માનવ પિંડને ધારણ કરવા વાળી શકિત આ કુંડલિની શકિત છે.આ શક્તિ ભગવાન વિષ્ણુની નિર્ભયા શકિત ગણાય છે. આ જીવ રૂપિણી શકિત છે.જે કુંડલોવાળી પ્રાણાકાર અને તેજોમયી છે.પોતાના સદગુરુની પ્રસન્નતા પ્રાપ્ત કરનાર શિષ્ય, ગુરુદ્વારા થતી શકિતપાતની ક્રિયા દ્વારા પણ આ શકિત પ્રાપ્ત કરી લે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસે આવો શકિતપાત કરીને પોતાના શિષ્ય નરેન્દ્રને (સ્વામી વિવેકાનંદને) આ શકિત અર્પી હતી.આ રીતે શિષ્યની કાયામાં સુષુપ્ત અવસ્થામાં પડેલ કુંડલિનીને, સદગુરુનો એકાદ શકિતપાત જાગૃત કરી શકે છે.જેમને આવી ગુરુકૃપા મળી નથી તેઓએ ગુરુના માર્ગદર્શન હેથળ અભ્યાસ કરવાનો રહે છે. વેદ અને ઉપનિષદમાં જેને ચિત્તિ શકિત રૂપે વર્ણવેલ છે. તે ચિત્તિનો અર્થ એ થાય કે શકિત ચેતનાથી જુદી નથી- ચિતિ શકિત એ જ ચેતનશકિત છે. તેને પ્રાણ પણ કહે છે. આત્માથી પ્રાણ ઉત્પન્ન થાય છે, અને મનને સહારે એ શરીરમાં આવે છે અને પ્રાણ બ્રહ્મથી ઉત્પન્ન થાય છે. તેથી સમગ્ર સૃષ્તિ પ્રાણથી ઉત્પન્ન થાય છે અને પ્રાણમાં જ વિલય પામે છે.
કુંડલિની જેને અંગ્રેજી ભાષામાં “સરપેન્ટ પાવર” કહે છે. આ શકિત માનવીની કાયામાં છુપાયેલી છે.સર્પના સ્વરૂપવાળી ત્રણ આંટામાં નાભિની નીચેના ભાગમાં ગુંચળા જેવા આકારમાં વીટળાઈને આ શકિત રહેલી છે.આ શકિતના સ્વામી બનનારે, આ શકિત સુધી પહોંચવાના માર્ગો અને તે માટે કરવાની ક્રિયા સમજી લેવી જરૂરી છે.નાભિની સામે મેરૂદંડ એટલે કે બરડાની કરોડમાં સુષુમણાનું મુખ છે. તેના ઉપર તે એટલે કે કુંડલિની પોતાનું મુખ આડું રાખીને ઊંઘતા સર્પની માફક પડી રહે છે. યોગી લોકો તેને જગાડવાને માટે અષ્ટાંગ યોગની ક્રિયાઓ કરે છે. પુરતો યોગાભ્યાસ કરવાથી કુંડલિની જાગ્રુત થાય છે. જાગ્યા પછી તે સર્પની માફક અત્યંત ચપળ અને ચંચળ બને છે અને એક જગ્યાએ સ્થિર રહેતી નથી. યોગને પૂર્ણસ્વરૂપમાં પામવા માટે કુંડલિની શકિત પ્રાપ્ત કરવી જરૂરી છે.આ શકિત પ્રાપ્ત થતાં અનેક સિધ્ધીઓ હાંસલ થાય છે.
પ્રાણાયમ દ્વારા સૂર્ય અને ચંદ્રની શકિતઓને પોતાનામાં એકત્ર કરવાની ક્રિયાને યોગ કહે છે.પ્રાણાયમ એટલે ઈશ્ર્વરના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવતો પોતાના પ્રાણ અને અપાનનો હવન.પોતાના અંતરમાં અંતર્યામીનું સ્મરણ કરીને પદ્માસન લગાવીને બેસવું અને મહામાયા આધ્યશકિત કુંડલિની દેવીનું ધ્યાન ધરવું.યોગસિધ્ધીનો આ માર્ગ છે.કાયામાં અજાગ્રતપણે સૂઈ રહેલી , કુંડલિની પ્રાણ અપાનરૂપી હવનના પ્રભાવથી, અનાદિકાળની નિદ્રા ત્યજીને કાયામાં દોડવા લાગશે.આમ માનવીની કાયામાં શિવશકિતનો સમન્વય સધાતાં, માનવી સ્વરોદયની કે પ્રાણાયમની જે ક્રિયા કરી રહેલ હશે તેનું પણ તેને ભાન નહિ રહે.સારાયે બ્રહ્માંડને ચિત્ર-વિચિત્ર સ્વરૂપમાં સાધક પોતાની અંદર અનુભવશે.
કુંડલિની શું છે!? તે વિષે ડોકટર વસંત રેલે પોતાના “મિસ્ટરીઅસ કુંડલિની” નામનાં પુસ્તકમાં યોગશાસ્ત્ર બંને વિષે સંશોધન કર્યા બાદ કહે છે કે કુંડલિની એ જમણી બાજુમાં સ્થાન છે(“Right vegus nerv”) રેલેજી કહે છે કે, વેગસ નામની સ્નાયાગ્રંથીનો અને તેના મેરૂદંડની સાથે રહેતી સ્નાયુગ્રંથી દંડની સાથે જ જેનો સબંધ છે, તેવા જ સબંધોનું વર્ણન કુંડલિની અને તેના ચક્રોની સાથેનું કુંડલિની યોગમાં વર્ણવવામાં આવ્યું છે.
“નાગિની શકિત”(સરપેન્ટ પાવર) નામક ગ્રંથમાં આર્થર અવેલનને કુંડલિનીને ગુપ્ત સંગ્રહીત શકિત કહી છે.તેઓ વધુમાં કહે છે કે ”જે શકિત વિશ્વને ઉત્પન્ન કરે છે અને ધારણ કરે છે તે વિશ્વની મહાશકિતનું પ્રધિનિધિત્વ માનવ શરીરમાં રહીને કુંડલિની શકિત કરે છે.” સર જોન વુડરોફે , ડોક્ટર વસંત રેલેના પુસ્તકની પ્રસ્તાવના લખી છે તેમાં તેઓ કહે છે કે ”આ શકિત બે રૂપ ધારણ કરે છે. એક ધીર અને સ્થિર એવું સંગૃહીત કુંડલિનીનું સ્વરૂપ અને બીજું પ્રાણાસમું કતૃત્વશીલ સ્વરૂપ, વળી ડોકટર વુડરોફ કહે છે કે “રેલેજી કહે છે તેમ “કુંડલિની વેગસ નર્વસ છે.” તે અભિપ્રાય સાથે હું સંમત નથી.” વળી પોતાના “શકિત ઔર શાકત” ગ્રંથમાં સર વુડરોફે કુંડલિનીને શાક્ત પંથીઓની પ્રંચડ શકિત બતાવી છે.
“તંત્ર” ગ્રંથમાં બર્નાડ સોલી કહે છે કે “સરપન્ટ પાવરને નામે ઓળખાતી કુંડલિનીની શકિતને તમારી પ્રાણશકિતમાં ધીરજપૂર્વક તાલબધ્ધ રીતે વણી લેવાનું જ્ઞાન શીખો.”સ્વામી વિવેકાનંદ પોતાના રાજયોગમાં કહે છે ”જે સ્થળમાં જીવ મનોભાવ સંગ્રહીત કરે છે તે સ્થળ મૂલાધાર ચક્ર છે અને કર્મોની જે શકિત સમૂહમાં ગુંથાયેલા જેવી રહે છે તે, ગોળાકારી કુંડલિનીના સ્વરૂપની હોવાથી કુંડલિની કહેવાય છે.” સંત જ્ઞાનેશ્વર કુંડલિનીનું વર્ણન કરતા કહે છે કે,”હું જે કુંડલિની શકિતનું વર્ણન કરી રહ્યો છું તે વર્ણન શ્રીમદભગવદ્ ગીતામાં નથી પણ આ નાથ પંથનું રહસ્ય છે. જ્ઞાનેશ્વરજી વધુ સમજાવતાં કહે છે કે “ કુમકુમ” માં નાહ્યા હોય તેવા, નાગિનના બચ્ચાં પોતાના દેહનું કુંડાળું વાળીને જે રીતે સૂતા હોય છે તેજ રીતે “કુંડલિની” પોતાના દેહને સાડા ત્રણ રાઉન્ડમાં લપેટીને નીચું મુખ કરીને નાગિનની માફક સૂઈ રહે છે. જ્ઞાનેશ્વરી ગીતાજીની ઓવી, નંબર ૨૨૮માં કહે છે કેઃ કુંડલિનીને શરીરનો માત્ર એક સર્પાકાર ન સમજો, તે તો એક શકિત છે.એ એક એવી શકિત છે કે જે સચ્ચમુચ પ્રાણમાં એક રૂપ બનીને સંચરે છે.તેની અનેક અવસ્થાઓનું વર્ણન કરતાં ઓવી નંબર ૩૦૧માં કહે છે કે કાર્યશીલ બનીને કુંડલિની શકિતનું નામ આગળ જતાં કુંડલિની તરીકે છુટી જાય છે, અને તેને “મારૂત”( વાયુદેવ હનુમંત નામ પ્રાપ્ત થાય છે. કુંડલિનીનું જે શકિતત્વ છે તે જ્યાં સુધી તે શિવમાં મળે છે ત્યાં સુધી જ રહે છે.શિવ મિલન બાદ તેનું નામ અલગ નામનું અસ્તિત્વ કે શકિત રહેલી નથી કારણકે તે (કુંડલિની) શિવશકિતમાં વિલીત થઈ ગઈ હોય છે.” સંત જ્ઞાનેશ્વરજી “ નાભિસ્થાનની સમીપ સંકુચિત સ્થાનમાં જમકર બેઠેલી વાયુની સુપ્ત અને સંગૃહિત શકિતને કુંડલિની શકિત કહે છે. આ યોગી સાધકોના કથન અનુસાર જ્યારે કુંડલિની જાગૃત બને છે ત્યારે પિંડમાં પિંડને ખાઈને શિવ સાથે અકયત્વ પ્રાપ્ત કરીને જીવને આનંદની અનુભૂતિ કરાવી દે છે. જીવ અને શિવ એક બની જાય છે.
જ્ઞાનેશ્વર આદિ યોગીઓના મત અનુસાર કુંડલિનીને જાગૃત કરવા માટે વજ્રાસન ઉપર ખેચરી મુદ્રા લગાવીને બંધત્રય સાધીને આસન લગાવી દેવું.મનગમતા પ્રદેશમાં એકાંત સ્થળે સદ્ગુરૂનું સ્મરણ કરતા રહી ઉપરનું આસન સ્થિર આસન લગાવે. મુદ્રા કરવાનો મોટો મહિમા છે. કુંડલિનીને શકિતયોગ કહ્યો છે આ શકિતની ગતિ વિષે મેડમ બ્લેવેટસ્કી કહે છે કે “એક સેકન્ડમાં પ્રકાશની ગતિ ૧,૮૫૦૦૦ માઈલની છે જ્યારે કુંડલિનીની ગતિ એક સેકન્ડમાં ૩,૪૫,૦૦૦ની છે. કુંડલિની વિશ્વ વ્યાપી વિધુત શકિત છે.”
હઠયોગ પ્રદીપિકામાં કહ્યુ છે કે, “કંદના ઉપરના ભાગમાં કુંડલિની શકિત શયન કરી રહી છે.જે સાધકયોગી તેનું ઉથાપન કરી શકે છે તે મોક્ષ પામે છે- જે નથી કરી શકતા એને માટે આ શકિત બંધનના કારણરૂપ બને છે.માત્ર કુંડલિની શકિત દ્વારા જ જીવ, શિવને પામી શકે તેવું નથી. બીજા અનેક માર્ગો છે કે જેના દ્વારા નર, નારાયણ સ્વરૂપને પામી શકે છે. ભક્ત કવિ મીરાબાઈએ કોઈ કુંડલિની શકિત પ્રાપ્ત કરી નહોતી, પણ ભક્તિભાવથી તે ભગવાન ક્રિષ્નામાં સમાઈ ગઈ અને એમની સાથેની નિત્યલીલા ગોલોક માં કરી રહી છે.ભકત નરસિંહ મહેતા ગૃહસ્થ હોવા છતાં, ભકિતભાવથી ભજન રચતા રહ્યા અને ગાતા રહ્યા અને જગતનિયંતાએ રચેલી લીલાના દર્શન કરતાં રહ્યા. તેમનાં જીવનમાં ઈશ્ર્વરી સહાયનાં જે ચમત્કારી પ્રસંગો બન્યાં તે નરસિંહ મહેતાની શ્રધ્ધા ભક્તિનું જ ફળ કહી શકાય. પ્રત્યેક ધર્મમાં ભગવાનને પામવાના માર્ગો જુદા-જુદા પંથ દર્શાવાયા છે.આ કુંડલિની શકિત વિશે આવનારા પ્રકરણોમાં આગળ નવું અજીબોગરીબ જાણીશું.