નાટક :
જાન ભાડે મળશે
લેખકઃ યશવંત ઠક્કર
સમય : ૩૦ મિનિટ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
પાત્રોઃ
•મનહર : પતિ
•સરલા : પત્ની
•ચિરાગ : પુત્ર
•વિદ્યા : પુત્રી
•કીર્ત્િા : ચિરાગની પત્ની
•દિવાકર : જાન ભાડે આપનાર
કથાઃ
મનહર અને સરલા પોતાના દિકરા ચિરાગનાં લગ્નની તૈયારી કરે છે. સંજોગોવશાત જાનમાં માણસો ઓછા થાય એમ છે. ચિરાગ, માતાપિતા અને બહેન વિદ્યાને લઈને આ સમસ્યાના સમાધાન માટે દિવાકર પાસે જાય છે. દિવાકર લગ્ન જેવા શુભ પ્રસંગે તાલીમબદ્ધ માણસો ભાડેથી પૂરા પાડે છે. ચિરાગના લગ્નનો પ્રસંગ આનંદથી ઉકલી જાય છે. એકબીજાના પરિચયમાં આવેલાં વિદ્યા અને દિવાકરની સગાઈ થાય એ માટે ચિરાગની પત્ની કીર્ત્િા મહત્ત્વનો ભાગ ભજવે છે.
આજના સમાજમાં લગ્ન જેવા પ્રસંગે સગાંસંબંધીની હાજરી અંગે જે ચોક્કસાઈ નથી હોતી એ સમસ્યાનું સમાધાન આ નાટકમાં વ્યંગ દ્વારા દર્શાવ્યું છે. યુવક અને યુવતી એકબીજાને પસંદ કરવા મળે ત્યારે સમય, સ્થળ અને વાતાવરણની જે સમસ્યા નડે છે એ સમસ્યા પર આ નાટકમાં વ્યંગ દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો છે.
વાચકોને ખાસ વિનંતી કે નાટક વાંચ્યા પછી આપના અભિપ્રાયો ખુલ્લા મનથી આપો.
ચપ્રવેશ- પહેલો.ૃ
ચમનહરભાઈનું ઘર. મનહરભાઈ ફોન પર વાત કરે છે. બાજુમાં સરલાબહેન બેઠાં છે.ૃ
મનહર : એલા....વ. કોણ? જયાભાભી બોલો છો? જયશ્રીકૃષ્ણ જયાભાભી. હું વડોદરાથી મનહર બોલું છું. બધાં મજામાં?... ચિરાગનાં લગ્નની કંકોત્રી મળી?... આગ્રહનો પત્ર મળ્યો?... આવવાની તૈયારી થઈ ગઈ હશે. વહેલાસર આવી જજો હોં...હેં? શું કહ્યું? નહીં અવાય? કેમ?...કોનાં લગ્ન છે?... ક્યારે?... સત્તર તારીખે જ? ભારે કરી! પણ અમારે ત્યાં કોઈકને તો મોકલજો.... એવું ચાલે? અમારે ત્યાં આ પહેલો પ્રસંગ છે. ગુણવંતભાઈને મોકલજો.... એમની તબિયતને વળી શું થયું?.... હાર્ટનું ઓપરેશન? ક્યારે? ... લે ભારે કરી! મને જાણ થઈ હોત તો ચોક્કસ ખબર કાઢવા આવત. હવે કેમ છે? ... આરામ કરે છે તો. કરવા દો. હું પછી ફોન કરીશ.... ભલે ભલે. હજુ દસ દિવસની વાર છે. એમનાથી આવી શકાય તો જરૂર આવે. અમને સારૂં લાગશે. જયશ્રીકૃષ્ણ.
સરલા : શું કહ્યું જયાભાભીએ? કોઈ નહીં આવે?
મનહર : અત્યારે તો એવું જ લાગે છે. જયાભાભીના ભત્રીજાનાં લગ્ન પણ સત્તર તારીખે જ છે. એમના સગા ભત્રીજાનાં લગ્ન હોય તો બધાં એમાં જ જાયને?
સરલા : કેમ? આપણે એ લોકોનાં સગાં નથી? આપણે ત્યાં એમણે વહેવાર નહીં સાચવવાનો? આપણે એ લોકોને ત્યાં એકેએક પ્રસંગમાં હાજરી આપી છે. યાદ છેને? મારા પગનો સખત દુખાવો હતો તોય આપણે એમના મહેશનાં લગ્નમાં ગયા હતા. હું હેરાન હેરાન થઈ ગઈ’તી.
મનહર : એ વાત સાચી. જયાભાભીને તો આવવાનું બહુ મન છે. પણ શું કરે? એમના ભત્રીજાનાં લગ્ન પણ સત્તર તારીખે જ છે. ગુણવંતભાઈએ હાર્ટનું ઓપરેશન કરાવ્યું છે. એટલે ડૉકટરે એમને આરામની સલાહ આપી છે. છતાંય સારૂં લાગશે તો આવશે.
સરલા : હું તો પહેલેથી જ બૂમો પાડી પાડીને કહેતી હતી કે, લગ્નની તારીખ નક્કી કરતાં પહેલાં બધે ફોન કરીને જાણી લો કે કોઈને ત્યાં પ્રસંગ નથીને. પણ મારૂં માને કોણ?
મનહર : પૂછવા જેવું હતું એ બધાંને પૂછ્યું હતું. કોઈને એમ ઓછુ કહેવાય કે, તમે અમુક તારીખે પ્રસંગ ન કરતાં.
સરલા : હવે અરૂણાબેનને ફોન કરો. એમની સાસરીમાં સત્તર તારીખે કોઈનાં લગ્ન ન હોય તો સારૂં.
ચ મનહરભાઈ એમનાં બહેન અરૂણાબહેનને ફોન લગાડે.ૃ
મનહર : એલા...વ. કોણ? ... રાજન, હું વડોદરાથી મનહરમામા બોલું છું. તારાં મમ્મીપપ્પા છે? ... અમેરિકા? ક્યારે ગયા?... પાછા ક્યારે આવશે?... એક મહિના પછી?... ભારે કરી! રાજન, તને ચિરાગભાઈનાં લગ્નની કંકોત્રી મળી ગઈ?...આગ્રહનો પત્ર પણ મળી ગયો. સરસ. હવે જો તમારે બધાંએ હાજરી આપવાની છે.... કેમ નહીં અવાય?... ધંધો તો કાયમનો થયો. વહેવારમાં તો રહેવું પડેને?... તારાં મમ્મીપપ્પા નથી તો તારે હાજરી આપવી પડે કે નહીં? ... તારાથી ન અવાય તો જ્યોતિ અને છોકરાને મોકલ.... છોકરાની પરીક્ષા? અત્યારે પરીક્ષા કેવી? ... પણ આ તો ખોટી પરીક્ષાને? સાચી પરીક્ષા તો એપ્રિલમાં હોયને?... બધી સાચી કહેવાય? ... આ વળી નવું સાંભળ્યું! ... ભલે.. કશી ગોઠવણ થાય તો આવી જાજો. પજયશ્રીકૃષ્ણ.
સરલા : શું થયું? અરૂણાબેન ને અશોકકુમાર બેઉ અમેરિકા ગયાં છે?
મનહર : હા. એક મહિના પછી આવશે.
સરલા : આપણને તો જાણ પણ ન કરી.
મનહર : હવે વિદેશ જવાની વાત સામાન્ય થઈ ગઈ છે. જાણ ન કરે તો એનો અફસોસ કરવા જેવો નથી. સમય જ એવો આવ્યો છે કે સહુ પોતપોતાની દુનિયામાં મશગૂલ હોય.
સરલા : રાજન તો આવશેને?
મનહર : નક્કી નહીં. અશોકકુમાર નથી એટલે ધંધો કોણ સાચવે? છતાંય મેળ પડશે તો આવશે.
સરલા : મેળ પડી રહ્યો ને આવી રહ્યા! આ રાજનનાં લગ્ન વખતે આપણે કેટલાં હેરાન થતાં થતાં ગયાં હતાં! યાદ છે?
મનહર : યાદ છે. ત્યારે એ લોકો ઠેઠ ઉના રહેતાં હતાં. રસ્તા બહુ સારા નહોતા. વાહનવ્યવહારની સગવડ પણ સારી નહોતી.
સરલા : રાત્રે બસમાં બેઠાં હતાં. બીજે દિવસે બપોરે ત્રણ વાગ્યે ઉના પહોંચ્યાં હતાં. બસ તો એકેએક ગામડું લેતી જતી હતી. ધૂળ ધૂળ ભરાઈ ગયાં હતાં. આખી રાતનો ઉજાગરો ને ઉપરથી ભૂખ્યાં-તરસ્યાં! હાલત ખરાબ થઈ ગઈ હતી. આજે એ જ રાજનભાઈનો ધંધો ફાટ્યો જાય છે!
મનહર : એનો શો ધોખો કરવો! ત્યારની વાત અને અત્યારની વાત જુદી છે.
સરલા : કેમ જુદી? રાજકોટ કાંઈ દૂર છે? એક દિવસ આવવું હોય તો ન આવી શકે? જ્યાં જવું હોય ત્યાં તો દુકાન બબ્બે દિવસ બંધ રાખીને જાય છે. આપણે નથી જાણતાં?
મનહર : એ એમની મરજીની વાત છે.
સરલા : તો એમને ત્યાં પ્રસંગ આવે ત્યારે આપણે પણ આપણી મરજી મુજબ કરવાનુંને?
મનહર : ત્યારની વાત ત્યારે. અત્યારે તું બહુ આકરી ન થા. શાંતિ રાખ.
સરલા : આકરી ન થાઉં તો શું કરૂં ? મેં તો પહેલેથી કહ્યું હતું કે ચિરાગની જાનમાં બસો માણસો નહીં થાય. સત્તર તારીખે બહુ લગ્ન છે. તમે વેવાઈને અત્યારે ને અત્યારે ફોન કરી દો કે જાનમાં સો માણસો જ આવશે.
મનહર : વેવાઈ માનતા નથી. એક જ વાત કરે છે કે અમારી એકની એક દીકરીનાં લગ્ન છે. માંડવે જ ચારસો માણસ હશે તો જાનમાં બસો માણસો હોવા જ જોઈએ.
સરલા : આપણા વેવાઈ પણ ઊંંધી ખોપરીના છે. નાની જાન હોય તો રાજી થાવું જોઈએ. એના બદલે ખોટી હઠ કરે છે. પોતે લાંબા થાય છે ને આપણનેય લાંબાં કરે છે!
મનહર : એમને બિચારાને હરખ છે.
સરલા : એ હરખપદુડા થાય છે પણ જાનમાં બસો માણસ લાવવા ક્યાંથી?
ચવિદ્યા અને ચિરાગ પ્રવેશ કરે છે.ૃ
વિદ્યા : શું થયું મમ્મી? કેમ બૂમો પાડે છે?
સરલા : વિદ્યા દીકરી, જોને તારા પપ્પા આગ્રહ કરી કરીને થાક્યા, પણ કોઈ ચિરાગની જાનમાં આવવા તૈયાર નથી થતું.
વિદ્યા : ઓછી ઉપાધિ. આ મોંઘવારીમાં જાન નાની જ હોવી જોઈએ.
સરલા : એ તો હું પણ કહું છું. પણ ચિરાગના સસરાને મોટી જાન સાચવવાનો બહુ હરખ છે. સત્તર તારીખે લગ્ન બહુ જ છે. તારા પપ્પાએ ફોન કરી કરીને આમંત્રણ આપ્યાં પણ મોટાભાગનાં સગાં બહાનાં કાઢે છે.
મનહર : કોઈને ત્યાં સત્તર તારીખે જ પ્રસંગ છે તો કોઈને ત્યાં બીમારી છે. કોઈનાથી ધંધો છોડાય એમ નથી તો કોઈને નોકરીમાંથી રજા મળે એમ નથી.
સરલા : આપણે એ બધાંના પ્રસંગોમાં ગમે તેમ કરીને પહોંચ્યાં હતાં એનું શું?
ચિરાગ : મમ્મી, ચિંતા ન કરો. બધું થઈ જશે. આ જમાનામાં કોઈના વગર કોઈનું કામ અટકતું નથી.
સરલા : ચિરાગ, તમે બધાં, ચિંતા ન કરો.. ચિંતા ન કરોની માળા જપો છો. પણ વિચાર તો કરો. વેવાઈ બસો માણસોની જાનને સાચવાવાની તૈયારી કરીને બેઠા છે. આપણે સો જણની જાન લઈને જઈશું તો સારૂં લાગશે? તમે ભાઈબહેન કંકોત્રી વહેંચીને આવ્યાં છો તો કહો કે, કોણ કોણ જાનમાં આવવાનું છે. ચિરાગ, તું જ કહે. તારા કેટલા ભાઈબંધો જાનમાં આવશે?
ચિરાગ : ઓછામાં ઓછા દસ તો ખરા જ.
મનહર : કેમ દસ જ? તું તો ત્રીસ ચાલીસની વાત કરતો હતો.
ચિરાગ : પપ્પા, બધે સત્તર તારીખની જ બબાલ છે. સત્તર તારીખ સાંભળતાં જ ઘણાએ હાથ જોડીને માફી માંગી. કેટલાક ભાઈબંધો વિદેશમાં છે. કેટલાકને નવી નવી નોકરી છે એટલે રજા મળે એમ નથી.
સરલા : વિદ્યા, તારી કેટલી બહેનપણીઓ જાનમાં આવશે?
વિદ્યા : બે બહેનપણીઓ આવશે. મમ્મી, દરેકને પોતપોતાની મજબૂરી હોય છે.
સરલા : પણ આ મજબૂરી કોને કહેવી? જાન કાઢવાને દસ દિવસની વાર છે અને જાનમાં કેટલા લોકો જોડાશે એ નક્કી નથી થતું.
ચિરાગ : બધું થઈ રહેશે મમ્મી, ચિંતા ન કરો.
સરલા : વળી પાછી એકની એક વાત! ચિંતા ન કરો... ચિંતા ન કરો. અરે! જાન કાઢવાની છે જાન! જાનૈયા વગર જાન ક્યાંથી કાઢશો?
વિદ્યા : મને એ જ સમજાતું નથી કે મોટી જાન કાઢવાની જરૂર શી છે? જેટલા લોકો રાજીખુશીથી આવે એટલાની જાન કાઢોને. આપણે મોટી જાન કાઢીને બહુમતી પુરવાર કરવાની છે?
મનહર : વિદ્યા દીકરી, વેવાઈનો આગ્રહ છે કે જાન મોટી લઈને આવો. ત્યાં બધું ગોઠવાઈ ગયું છે. હવે ફેરફાર થાય એમ નથી. આપણે જાનમાં ઓછા માણસો લઈને જઈએ તો એમને ખરાબ લાગે.
સરલા : અરેરે! આપણે બધાંને ત્યાં વહેવાર સાચવ્યો પણ આપણે ત્યાં વહેવાર સાચવવાનો વારો આવ્યો તો બધાં બહાનાં કાઢે છે.
ચિરાગ : જૂની વાતો ભૂલી જવાની. નવી ગ્િાલ્લી નવો દાવ! મેં કહ્યુંને કે આ જમાનામાં કોઈના વગર કોઈનું કામ અટકતું નથી. પૈસા ખર્ચવાની તૈયારી હોવી જોઈએ.
સરલા : અરે પણ! પૈસા દેતા ફરાસખાનું મળે, બેન્ડવાજાં મળે, જમવાનું મળે.. પણ જાન તૈયાર થોડી મળે? એ તો આપણે કાઢવી પડે.
ચિરાગ : જાન પણ તૈયાર મળે છે. મમ્મીપપ્પા તમે ઊંભા થાવ. વિદ્યા તું પણ ચાલ. અત્યારેજ આ વાતનો ફેંસલો લાવી દઈએ.
મનહર : પણ કહેતો ખરો કે ક્યાં જવાનું છે.
ચિરાગ : મારો એક જૂનો ભાઈબંધ છે. નામ દિવાકર. એ લોકોને જરૂરિયાત મુજબ જાનૈયા, માંડવિયા, નાચણિયા, કૂદણિયા વગેરે વગેરે પૂરા પાડે છે.
સરલા : ચહસીનેૃ દીકરા, તું અત્યારે હસવા જેવી વાત કરે છે. પણ મને અને તારા પ્પાપને રાતે ઊંંઘ નથી આવતી. આ બધું કેમનું પાર પડશે?
ચિરાગ : આ હસવાની વાત નથી. હકીકત છે. આપણી જેવા અનેક લોકોની સમસ્યાનું સમાધાન લઈને બેઠો છે દિવાકર મહેતા. દિવાકર મહેતા એટલે નાની મોટી તમામ પ્રકારની જાન ભાડે આપનાર શહેરનો એક માત્ર સાહસિક. ચાલો ઊંભાં થાવ. ધરમના કામમાં ઢીલ નહિ.
ચબધાં દિવાકર મહેતાને ત્યાં જવા નીકળે. પહેલો પ્રવેશ પહેલો પૂરો થાય.ૃ
ચપ્રવેશ બીજો.ૃ
ચ દિવાકર મહેતાની ઑફીસૃ
દિવાકર : પધારો પધારો.
મનહર : જય શ્રીકૃષ્ણ ભાઈ, તમે જ દિવાકર મહેતા?
દિવાકર : જય શ્રીકૃષ્ણ. હા, હું જ દિવાકર મહેતા છું. ‘જયજયકારી મંગલકારી જાન’ પૂરી પાડવાનું કામ કરૂં છું. જરૂર મુજબ માંડવિયા પણ પૂરા પાડું છું.
ચિરાગ : દિવાકર, હું ચિરાગ. આપણે કોમર્સ કૉલેજમાં સાથે હતા. ઓળખાણ પડી?
દિવાકર : ઓહોહો! ચિરાગ, કેમ છે ભાઈ? શું ચાલે છે?
ચિરાગ : એકદમ મજામાં. બી.કોમ પછી આપણે છૂટા પડયા. અમારી તૈયાર કપડાંની દુકાન છે. હું પપ્પા સાથે એમાં જોડાઈ ગયો છું. પરિચય કરાવું તો આ મારા પપ્પા છે, આ મારાં મમ્મી છે અને મારી નાની બહેન છે.
દિવાકર : સરસ. મેં બી.કોમ પછી એમ.બી.એ. કર્યું. મારે નોકરી તો કરવી નહોતી. કોઈ નવું સાહસ કરવું હતું એટલે આ વ્યવસાય શરૂ કર્યો.
સરલા : તમે જાન પૂરી પાડવાનો જબરો ધંધો શોધી કાઢ્યો છે. આવી લાઈન કોણે શીખવાડી?
દિવાકર : કહેવાય છે ને કે, જરૂરિયાત શોધખોળની માતા છે. હું એમ.બી.એ.નું ભણતો હતો ત્યારની વાત છે. એક ભાઈબંધની બહેનનાં લગ્ન નક્કી થયાં હતાં. વરરાજા એક શ્રીમંત એન.આર.આઈ. હતા. એમને ધામધૂમથી પરણવું હતું, ભવ્ય વરઘોડો કાઢવો હતો, ખૂબજ મજા કરવી હતી અને એ માટે ગમે તેટલો ખર્ચ કરવા એ તૈયાર હતા. પણ એમની પાસે જાનૈયા નહોતા. દેશમાં એમનાં બહુ સગાંવહાલાં નહોતાં. ભાઈબંધની વિનંતીથી અમારો આખો કલાસ બનીઠનીને જાનમાં જોડાઈ ગયો! જાણે અમારા જ કોઈ સગાનાં લગ્ન હોય એ રીતે અમે વરઘોડામાં નાચ્યાં. માંડવે જઈને જાનૈયાની માફક જ અમે મજા કરી. જાનની વિદાય થઈ ત્યાં સુધી અમારામાંથી કોઈ જ આઘુંપાછું ન થયું. વરરાજા તો એટલા બધા ખુશ થઈ ગયા કે એણે અમને પરાણે સારી એવી રકમ ભેટ તરીકે આપી. બસ. એ જ દિવસે મારા મનમાં આ વ્યવસાય કરવાનો વિચારનો જન્મ્યો હતો. સમય આવ્યે મેં એને અમલમાં મૂક્યો.
વિદ્યા : જાન ભાડે આપવાની વાત તો સાવ તુક્કા જેવી લાગે એટલે શરૂઆતમાં તકલીફ તો પડી હશે.
દિવાકર : હાસ્તો. પહેલાં તો કોઈને માનવામાં જ ન આવે. પરંતુ જેમ જેમ મારૂં કામ બોલાતું ગયું અને પ્રચાર થતો ગયો એમ એમ મને વધારે ને વધારે કામ મળતું ગયું. આજે થાકી જવાય એટલું કામ મળે છે.
સરલા : તમારી બધી વાત સાચી પણ સગાં એ સગાં ને ભાડૂતી એ ભાડૂતી! સગાંની હાજરીથી જે આનંદ થાય એ ભાડૂતી માણસોની હાજરીથી થાય ખરો?
દિવાકર : આન્ટી, તમારો સવાલ યોગ્ય છે. પરંતુ મને ઈમાનદારીથી જવાબ આપો કે આજના દોડધામના જમાનામાં તમારે ત્યાં સારા પ્રસંગે જે સગાં આવે છે એમાંથી ખરેખર કેટલાં સગાં ઉમંગથી આવે છે?
સરલા : બહુ જ નજીકના હોય એ ઉમંગ ઉત્સાહથી આવે બાકી તો વહેવાર સાચવવા જ આવેને?
મનહર : નજીકનાં સગાં પણ ઉતાવળમાં જ હોય છે. ક્યારે પ્રસંગ પતે ને ક્યારે રજા લઈએ, એની જ વેતરણમાં હોય છે. અમુક તો પ્રસંગ પતવાની પણ રાહ નથી જોતાં. જમવાનું પતે કે વહેવાર કરીને રવાના!
વિદ્યા : લગ્નપ્રસંગમાં તો ઘણાંને એ પણ ખબર નથી હોતી કે વરકન્યા ફેરા ક્યારે ફર્યાં. મોટાભાગનાં લોકો તો વહેવાર નિભાવવા જ આવતાં હોય છે.
દિવાકર : એમાં કોઈને દોષ આપવા જેવો પણ નથી. આજે માહોલ જ દોડધામનો છે. પરંતુ એક વાત તો નક્કી છે કે પ્રસંગોમાં હાજરી આપનારા લોકોનાં મનનું જોડાણ પ્રસંગ સાથે હોતું નથી. એ લોકો હાજરી આપીને આનંદ પામ્યાનો અભિનય કરતાં હોય છે. જો એમની હાજરીથી તમને આનંદ થતો હોય તો અમે મોકલેલા લોકોની હાજરીથી પણ તમને આનંદ થવો જ જોઈએ. અમે મોકલેલા જાનૈયા તો એ એકદમ આનંદિત હોય છે.
વિદ્યા : દિવાકરજી, અમારાં સગાંવહાલાં તો પ્રસંગમાં પોતાના ખર્ચે હાજરી આપે છે. પછી ભલે એ હાજરી માત્ર વહેવાર સાચવવા પૂરતી હોય. જ્યારે તમે તો અમારી પાસેથી પૈસા લઈને માણસોને મોકલો છો.
દિવાકર : વિદ્યાજી, મારી એક વાત ધ્યાનથી સાંભળો. તમે લોકો મારી પાસે ક્યારે આવો છો? તમારે શુભપ્રસંગ ઉજવવો હોય છે અને એ માટે પૈસા ખર્ચવાની તમારી તૈયારી પણ હોય છે, પરંતુ ખાટલે મોટી ખોટ એ હોય છે કે ખાટલાને ચોથો પાયો જ નથી હોતો. આ ચોથો પાયો એટલે તમારાં સગાંવહાલાં અને તમારાં મિત્રો. આ ચોથો પાયો હું પૂરો પાડું છું. અને એ માટે વાજબી વળતર મેળવું છું. તમારે ત્યાં પૂરતાં સગાંવહાલાં આવવાનાં હોય તો તો તમારે મારી પાસે આવવાની જરૂર જ નથી હોતી.
સરલા : એટલે તમે અમારી મજબૂરીનો લાભ ઉઠાવો છો!
ચહાસ્યૃ
દિવાકર : ચોક્કસ આન્ટી. હું તમારી મજબૂરીનો લાભ ઉઠાવું છું. પરંતુ ખોટો લાભ નથી ઉઠાવતો. તમે ખર્ચેલા પૈસાનું પૂરેપૂરૂં વળતર તમને આપું છું. કોઈપણ પ્રસંગમાં મેં મોકલેલા માણસો પૂરાં તનમન અને ધનથી એમની ફરજ બજાવે છે. ફરીથી કહું છું કે તન મન અને ધનથી એમની ફરજ બજાવે છે. એ લોકો સમગ્ર પ્રસંગ દરમ્યાન હાજર રહે છે. જ્યારે તમારાં સગાંવહાલાં શું કરે છે? જાન માંડવે પહોંચે ન પહોંચે ત્યાં તો પોતાના બીજાં કામ પતાવવા કે રખડવા નીકળી પડે છે! ઘણા તો જાન પાછી ફરવાની થાય છે દોડતાં દોડતાં આવે છે. એવું થાય છે કે નહીં?
ચિરાગ : થાય છે. સો ટકા થાય છે.
દિવાકર : મેં મોકલેલા લોકો સમગ્ર પ્રસંગમાં તનથી જ નહીં, મનથી પણ હાજર રહે છે. સમગ્ર પ્રસંગને આનંદથી માણે છે! નાચવાની જરૂર પડે તો એવા દિલથી નાચે કે જાણે પોતાના પરિવારના કોઈ સભ્યનાં લગ્નમાં નાચતાં હોય! ક્યાંય વેઠ ઉતારવાનું નામ નહીં. ક્યાંય કોઈ જાતનો બગાડ કરે નહીં. એમને એ રીતે તાલીમ આપવામાં આવે છે. મારી પાસે તાલીમ પામેલાં માણસોનો મોટો સ્ટાફ છે.
મનહર ; તમે ધનની પણ વાત કરતા હતા!
દિવાકર : ધનની વાત કરૂં તો મેં મોકલેલા લોકો જરૂર પડે પૈસા પણ ખર્ચે. નાનામોટા ફેરિયાઓને વેપાર કરાવે. વરઘોડામાં બેન્ડવાજાંવાળાને પૈસા પણ આપે. તમારે ત્યાં ચાંદલાનો વહેવાર પણ કરે. ટૂંકમાં તમારાં સગાં હોય એ રીતે જ વર્તે. એમાં ક્યાંય બાંધછોડ નહીં.
ચિરાગ ; વાહ દિવાકર વાહ! તમે ગજબનું મગજ દોડાવ્યું છે.
દિવાકર : ચિરાગ, છ મહિના સુધી મેં સંશોધન કર્યું હતું. પૂરો અભ્યાસ કરીને તારણો કાઢ્યાં હતાં. પ્રસંગનું આયોજન કરનારની કેવી કેવી અપેક્ષાઓ હોય છે એની યાદી બનાવી હતી. પછી આ સાહસ શરૂ કર્યું છે. આજની તારીખે પણ નવું નવું શીખતો જઉં છું અને અમલમાં મૂકતો જઉં છું.
વિદ્યા : પણ તમે મોકલેલા લોકો જે પૈસા ખર્ચે એ છેવટે તો અમારાં પર જ ચડેને?
દિવાકર : વિદ્યાજી, તમે જે પ્રકારની સેવા માંગો એ પ્રકારની સેવા મળે અને એ પ્રમાણે ચાર્જ લાગે. પેકેજ પહેલેથી જ નક્કી કરવાનું હોય છે. ધંધો કરનાર દુકાનમાં એ,સી. રાખે તો એનો ખર્ચ પણ ગ્રાહક પર જ ચડે એ ચોખ્ખી વાત છે. સવાલ એ છે કે તમે ખર્ચેલા પૈસાનું તમને પૂરૂં વળતર મળે છે કે નહીં. તમને સમગ્ર પ્રસંગમાં આનંદ આવે છે કે નહીં.
સરલા : કમાણી માટે લોકો પણ કેવાં કેવાં કામ કરે છે!
દિવાકર : આન્ટી, એ વાત સાચી કે હું કમાવા માટે આ ધંધો કરૂં છું. મેં મોકલેલા લોકો પણ કમાવા માટે જ આ બધું કરે છે. છતાંય અમે ક્યારેય માનવતાને નજરઅંદાઝ નથી કરતાં. તમે નહિ માનો! કેટલાંક લોકોનો હેતુ તો કમાવાનો પણ નથી હોતો! એ લોકો લાગણી મેળવવાના અને વહેંચવાના હેતુથી આ કામ કરવા આવે છે. કેટલાંક તો પોતાને મળનારી પૂરેપૂરી રકમ ચાંદલો કે ભેટ માટે ખર્ચી નાખે છે! એ લોકો બીજાને રાજી થતાં જોઈને પોતે રાજી થાય છે.
વિદ્યા : દિવાકરજી, તમારી વાતો રસ પડે એવી છે. પણ ભરોસો નથી પડતો.
દિવાકર : એનું કારણ એ જ કે આપણા મગજમાં એવો ભાવ પ્રવેશી ગયો છે કે દુનિયામાં બધું જ ખોટું થઈ રહ્યું છે. લો આ એક આમંત્રણપત્રિકા છે. મારા એક ગ્રાહકને ત્યાં પરમદિવસે લગ્ન છે. તમે બંને ભાઈબહેન સારામાં સારી રીતે તૈયાર થઈને હાજરી આપજો અને નજરે જોજો કે મેં મોકલેલા માણસો કેવી સેવા આપે છે! તમારી હાજરી બદલ તમને પણ યોગ્ય વળતર મળશે.
વિદ્યા : વળતરની કોઈ જરૂર નથી. પણ અમે જરૂર આવીશું. એ બહાને તમારૂં કામ જોવા મળશે.
મનહર : હવે મૂળ વાત પર આવીએ. આ સત્તર તારીખે અમારા ચિરાગનાં લગ્ન છે.
દિવાકર : સરસ. અભિનંદન ચિરાગ.
ચિરાગ : આભાર. દિવાકર.
મનહર : અમારા વેવાઈનો આગ્રહ છે કે જાનમાં બસો માણસો લાવવા. સત્તર તારીખે લગ્ન વધારે હોવાથી જાનમાં સોથી વધારે માણસો થાય એમ નથી.
દિવાકર : મતલબ કે સો જાનૈયાની જરૂર છે. મળી જશે.
મનહર : પણ કઈ રીતે? અમને સમજ પાડો કે કેટલો ખર્ચ થશે.
દિવાકર : જરૂર. આ ચાર્ટ છે. એમાં દરેક પ્રકારના જાનૈયાનું ભાડું જણાવ્યું છે. આ આલબંબમાં દરેક પ્રકારના જાનૈયાના ફોટા જોવા મળશે.
સરલા : જાનૈયામાં પણ પ્રકાર?
દિવાકર : હાજી. જેવી જેની જરૂરિયાત! હું ત્રણ પ્રકારના જાનૈયા પૂરા પાડું છું. શ્રીમંત વર્ગના, મધ્યમ વર્ગના અને સામાન્ય વર્ગના. જેવો વર્ગ એવી જ રીતભાત! એવો જ પહેરવેષ! એવું જ બોલવુંચાલવું. દરેક વર્ગનું એક દિવસનું ભાડું પણ અલગ અલગ.
ચિરાગ : આ ચાર્ટમાં શ્રીમંત જાનૈયાનું ભાડું એક હજાર, મધ્યમનું પાંચસો અને સામાન્યનું ત્રણસો જણાવ્યું છે. ધારો કે અમને સો શ્રીમંત જાનૈયા જોઈતા હોય તો એ લોકોનું કુલ ભાડું એક લાખ રૂપિયા થાય?
દિવાકર : હાજી.
સરલા : એક લાખ રૂપિયા! ચાલો ચાલો. અહીંથી ઊંભા થાવ. આ તો લુંટાવાનાં ધંધા છે!
ચહાસ્યૃ
વિદ્યા : મમ્મી, આ તો ખાલી જાણકારી લઈએ છીએ. એમ દિવાકરજી આપણને લૂંટી નહીં લે. આપણે સો શ્રીમંતોને જાનમાં લઈ જવાની જરૂર પણ નથી.
દિવાકર : એકદમ સાચી વાત છે. સ્વાભાવિક રીતે કોઈપણ જાનમાં ત્રણે પ્રકારના જાનૈયા હોય. એનું પ્રમાણ પણ અલગ અલગ હોઈ શકે. જેમ કે તમે દસ શ્રીમંત, પચાસ મધ્યમ અને ચાળીસ સામાન્ય જાનૈયાનો ઓર્ડર આપી શકો.
વિદ્યા : અચ્છા અચ્છા! મિક્સ જાનૈયાનો ઓર્ડર પણ આપી શકાય! બહુ મજાની વાત છે!
સરલા : તમે મફત જાનૈયા પૂરા ન પાડો?
ચમનહરભાઈ અને વિદ્યા હસે.ૃ
ચિરાગ : મમ્મી બધું મફતમાં ન મળે.
દિવાકર : હું મફતમાં પણ જાનૈયા કે માંડવિયા પૂરા પાડું છું. ધારો કે કોઈની એવી સ્થિતિ હોય તો હું કે મારા માણસો કોઈપણ પ્રકારનું વળતર લેતા નથી. મારા એવા ઓળખીતા પંડિતો છે કે જે લગ્નની વિધિ કરાવવાનો ચાર્જ પણ લેતા નથી. મફતમાં ફરાસખાનું અને કેટરિંગ પૂરૂં પાડનારા માણસો પણ છે. જે લોકોને અમે આ રીતે સેવા પૂરી પાડીએ એમનાં નામ પણ અમે બહાર પાડતા નથી. પણ એ વાત અલગ છે.
મનહર : સારી વાત છે. કમાવાની સાથે સાથે તમે સામાજિક કાર્યો પણ કરો છો.
દિવાકર : મને બંને જરૂરી લાગે છે.
વિદ્યા : જાન માટે અમારી માંગણી મુજબ દરેક વર્ગનાં સ્ત્રીઓ અને પુરૂષો મળી શકેને?
દિવાકર : ચોક્કસ. તમને જાન માટે જે તે વર્ગનાં યુવાન છોકરા છોકરીઓ મળી શકે, દંપતી મળી શકે, વડીલ દાદાઓ અને દાદીઓ મળી શકે, નાનાં બાળકો સાથેનાં મમ્મીપપ્પા પણ મળી શકે.
સરલા : તમે તો ભાઈ કાંઈ કહેતાં કાંઈ બાકી રાખ્યું નથી. પહેલેથી આવી ખબર હોત તો વહેલાસર તમારી પાસે આવી જાત.
દિવાકર : તમે મોડાં મોડાં પણ યોગ્ય જગ્યાએ આવ્યાં છો.
વિદ્યા : દિવાકરજી, અમે બે દિવસ પછી ઓર્ડર આપીએ તો ચાલશે?
દિવાકર : ચાલશે. પણ એથી વધારે મોડું ન કરતાં. નહીં તો મારાથી વ્યવસ્થા નહીં થઈ શકે. અને, તમે પરમદિવસે આવવાનું ન ભૂલતાં. તમને નવું નવું ઘણું જાણવા મળશે.
ચિરાગ : જરૂર આવીશું. અત્યારે રજા લઈએ.
સરલા : આવજો ભાઈ. તમને જાનૈયાનો ઓર્ડર આપીએ કે ન આપીએ પણ તમે પોતે અમારા ચિરાગની જાનમાં જરૂર ને જરૂર આવજો. ચદિવાકર હસેૃ અને જો ઓર્ડર આપીએ તો ડિસકાઉન્ટ પણ આપજો હો. ગમેતેમ તોય તમે ચિરાગના ભાઈબંધ ખરાને?
દિવાકર : તમારો આગ્રહ છે તો જાનમાં પણ આવીશ અને ડિસકાઉન્ટ પણ આપીશ. હવે ખુશ?
સરલા : ખુશ. તમારી વાતો જ એવી જયજયકારી અને મંગલકારી છે કે ખુશ થઈ જવાય. જય શ્રીકૃષ્ણ ભાઈ. આવજો.
દિવાકર : આવજો અને મારે લાયક કામકાજ જવાવજો.
ચમનહરભાઈ, સરલા, ચિરાગ અને વિદ્યા ઘેર જવા નીકળે એ સાથે પ્રવેશ બીજો પૂરો થાય.ૃ
ચપ્રવેશ ત્રીજોૃ
ચમનહરભાઈનું ઘર. વિદ્યા બૂમ પાડે...ૃ
વિદ્યા ; ભાભી... કીર્ત્િાભાભી... ઓ કીર્ત્િાભાભી. ક્યા છો?
ચકીર્ત્િા પ્રવેશ કરેૃ
કીર્ત્િા : વિદ્યાજી. મારાં નણંદ બા. આ રહી. બોલો શો હુકમ છે?
વિદ્યા ; ભાભી તમે ખરેખર મહાન છો.
કીર્ત્િા : હું મહાન છું અને તમે મહાન નથી? તમે તો મારાં કરતાં વધારે ભણેલાં છો.
વિદ્યા : ભણેલી, પણ તમારા જેવી ગણેલી નહીં.
કીર્ત્િા : વાહ! મારાથી બહુ ખુશ છો?
વિદ્યા : કીર્ત્િાભાભી, સાવ થોડા સમયમાં જ તમે અમારી સાથે ભળી ગયા છો. નાનીમોટી જવાબદારીઓ સંભાળી લીધી છે. એટલે હું જ નહીં, મમ્મી, પપ્પા, ચિરાગભાઈ, બધાં જ તમારાથી ખુશ છે.
કીર્ત્િા : ચિરાગભાઈ તો તમારા હો. મારા તો પતિદેવ.
ચબંને હસેૃ
વિદ્યા : ભાભી, તમારો હસમુખો સ્વભાવ છે એટલે મને તમારી સાથે વાતો કરવાનું બહુ ગમે છે. હું એમ કહું છું કે...
કીર્ત્િા : કહોને. કેમ અટકી ગયાં?
વિદ્યા : મારા ચિરાગભાઈની જાનમાં માણસો ખૂટે એમ હતા એટલે અમે સો ભાડૂતી માણસો લઈને આવ્યાં હતાં.
કીર્ત્િા : ખબર છે. એ દિવાકર મહેતાએ પૂરા પાડયા હતા. અમે પણ એમને ત્યાંથી બસો માંડવિયા લાવ્યા હતા.
વિદ્યા : લો કરો વાત! તમારે પણ જરૂર પડી હતી?
કીર્ત્િા : પડે જ ને? સત્તર તારીખે લગ્ન બહુ હતાં. ચાર દિવસ બાકી હતા ત્યારે મારા પપ્પાને ખ્યાલ આવી ગયો હતો કે માંડવે માણસો બહુ નહીં થાય. એટલે અમે દિવાકરની ઑફિસે જઈને ઓર્ડર આપી દીધો હતો.
વિદ્યા : તમે પણ ગયેલાં?
કીર્ત્િા : આવા કોઈપણ કામ માટે મારા પપ્પા મને સાથે લઈને જ જાય. દિવાકરને મેં કહ્યું હતું કે માંડવિયા વ્યવસ્થિત નહીં હોય તો પૈસા નહીં મળે. પણ ખરેખર એનું કામ જોરદાર હતું. અમારા પૈસા તો વસૂલ થઈ ગયા હતા.
વિદ્યા : એ મારા ચિરાગભાઈના જૂના ભાઈબંધ છે. એમણે એમ.બી.એ. કર્યું છે.
કીર્ત્િા : એમણે જે કર્યું હોય એ. આપણે કેટલા ટકા? કામ પત્યું એટલે એ એને રસ્તે આપણે આપણા રસ્તે.
વિદ્યા : પણ સ્વભાવ બહુ સારો.
કીર્ત્િા : કોનો?
વિદ્યા : એમનો.
કીર્ત્િા : એમનો એટલે કોનો?
વિદ્યા : દિવાકરજીનો.
કીર્ત્િા : દિવાકરજી! દિવાકરજીનો સ્વભાવ સારો હોય કે નઠારો હોય આપણે કેટલા ટકા?
વિદ્યા : સાચી વાત છે. આપણે કેટલા ટકા? જવા દો એ વાત.
કીર્ત્િા : વાત જવા ન દેવાય. બેન બા, વાત લાખ રૂપિયાની છે અને તમારા મનની છે.
વિદ્યા : ભાભી, તમે પણ...
કીર્ત્િા : વિદ્યાબહેન, છાશ લેવા જવું અને દોણી સંતાડવી? એ નહીં ચાલે. બોલો. હૈયું ખોલો. ભાભી પાસે નહીં ખોલો તો કોની પાસે ખોલશો?
વિદ્યા : તમને કશું કહેવાની જરૂર નથી. તમને બધી જાણ થઈ જાય છે.
કીર્ત્િા : મેં તો તમને બંનેને સાથે જોયાં ત્યારે જ મને લાગ્યું હતું કે જોડી જામે એમ છે.
વિદ્યા : અમને સાથે જોયાં? ક્યારે? બને જ નહિ!
કીર્ત્િા : અમારાં લગ્ન વખતે.
વિદ્યા : એ તો એમ જ!
કીર્ત્િા : એ તો એમ જ હોય! હવે ચોખ્ખી વાત કરો. મારે શું કરવાનું છે?
વિદ્યા : મારાં મમ્મીપપ્પા અને ચિરાગભાઈને વાત કરવાની છે.
કીર્ત્િા : દિવાકરજી સાથે વાત થઈ ગઈ છે કે બાકી છે? પછી એવું ન થાય કે ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ!
વિદ્યા : દિવાકરજી સાથે વાત થઈ ગઈ છે.
કીર્ત્િા : વાહ બેન બા વાહ! તમે મને મહાન કહો છો પણ તમેય પાછાં પડો એવાં નથી. ચાલો મારા તરફથી તમને પ્રેમમાં પડવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
વિદ્યા : થેન્ક્યુ ભાભી.
કીર્ત્િા : હવે તમે બધું મારા પર છોડી દો. તમને વાજતે ગાજતે આ ઘરમાંથી વિદાય કરવાની જવાબદારી મારા પર.
વિદ્યા : ચકીર્ત્િાને ભેટી પડતાં...ૃ ભાભી...મારાં વહાલાં ભાભી..ૃ
ચબંને ભેટતાં હોય એ સાથે પ્રવેશ ત્રીજો પૂરો થાય.ૃ
ચ પ્રવેશ ચોથોૃ
ચમનહરભાઈનું ઘર. મનહરભાઈ અને સરલાબહેન બેઠાં ઓય. કીર્ત્િા પ્રવેશ કરીને...ૃ
કીર્ત્િા : જયશ્રીકૃષ્ણ પપ્પા.
મનહર : જયશ્રીકૃષ્ણ. કીર્ત્િાબેટા.
કીર્ત્િા : મમ્મી, જયશ્રીકૃષ્ણ.
સરલા : જયશ્રીકૃષ્ણ. બહુબેટા.
કીર્ત્િા : તમને લોકોને મારે એક વાત પૂછવી છે.
સરલા : પૂછો જે પૂછવું હોય એ.
કીર્ત્િા : મારે એ પૂછવું છે કે વિદ્યાબહેનનાં લગ્ન માટે કશું વિચાર્યું છે કે હજી વાર છે?
સરલા : હજી તો તમારાં લગ્નમાંથી માંડ પરવાર્યાં છીએ. કેમ? તમારા ધ્યાનમાં કોઈ ઠેકાણું છે?
કીર્ત્િા : છે. એક સરસ છોકરો છે. સારૂં કમાતો, ભણેલો ગણેલો, સંસ્કારી અને મળતાવડો.
સરલા : તમારો જાણીતો છે?
કીર્ત્િા : મારો જ નહીં. તમારાં બધાંનો પણ જાણીતો છે.
મનહર : અમારો પણ જાણીતો! એ વળી કોણ?
કીર્ત્િા : દિવાકર. દિવાકર મહેતા.
સરલા : જાન ભાડે આપનારો?
કીર્ત્િા : હા. એ જ .
મનહર : છોકરો સારો છે.
સરલા : છોકરો તો સારો છે. પણ એના ધંધાનું ઠેકાણું નહીંને? ક્યારે ઉલાળિયો થઈ જાય એનું નક્કી નહીં. એને દીકરી દેવાતી હશે?
કીર્ત્િા : મમ્મી, તમને એવું લાગે. એમનો ધંધો વધતો જ જાય છે. હમણાં જ એમની ઓફિસની બાજુની મોટી જગ્યા એમણે વેચાણ લઈ લીધી છે.
મનહર : એ બધું બરાબર. પણ આપણને એમના કુટુંબ વિષે તો કશું જાણતાં નથી. એમનું વતન કયું, એમનાં માબાપ કોણ, ગામમાં એમનાં સગાંવહાલાં કોણ, એમની ચાલચલગત કેવી.. આ બધું જાણવું પડેને?
કીર્ત્િા : મેં બધી તપાસ કરાવી લીધી છે. દિવાકરનું વતન સાવરકુંડલા. એમના પિતાજીનું નામ છબીલદાસ માધવજી મહેતા.
મનહર : છબીલદાસ માધવજી મહેતાને તો હું ઓળખું છું. બહુ મજાના માણસ. એ ભાવનગર છાત્રાલયમાં મારી સાથે રહીને ભણતા હતા. પછી એણે સાવરકુંડલામાં એક લોજ ચાલુ કરી હતી. એ લોજમાં પણ મેં ઘણી વખત ભોજન લીધું છે.
કીર્ત્િા : એ લોજનું નામ ‘મહેતા ભોજનાલય.’ દીકરો સારૂં કમાતો હોવાથી હવે એમણે એ લોજ હવે ભાડે આપી દીધી છે અને પોતે નિવૃત્ત જીવન ગાળે છે.
સરલા : એ છબીલદાસ લોજવાળા તો બગસરાવાળા મારા કાનજી મામાની દીકરીના સગા કાકાજી થાય. ખૂબ જ આબરૂદાર કુટુંબ. આ દિવાકર એમનો દીકરો હોય તો લાંબો વિચાર કરવા જેવું નથી.
કીર્ત્િા : આગળ સાંભળો. દિવાકરનાં માતાજીનું નામ શારદાબહેન છે. એમનું પિયર અમરેલી જિલ્લાનું ખાંભા ગામ. દિવાકરની મોટી બહેનનાં લગ્ન થઈ ગયાં છે અને હાલમાં એ લંડન છે. વડોદરામાં દિવાકરનાં ખાસ સગાં નથી. પરંતુ ફરાસખાના અને કેટરિંગ સાથે જોડાયેલા લોકોમાં એમની છાપ ખૂબ સારી છે. ખૂબ મહેનતુ છે અને પોતાના કામથી મતલબ રાખે છે. જરૂર પડે ત્યારે સામાજિક કાર્યોમાં પણ સહકાર આપે છે. માહિતી પૂરી.
મનહર : ચતાળીઓ પાડીનેૃ વાહ! કહેવું પડે! સંપૂર્ણ જાણકારી!
સરલા : વહુ બેટા, તમે તો તપાસ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. હું એમ કહું છું કે, તમારૂં અમારા ચિરાગ સાથે નક્કી થયું એ પહેલાં એના વિષે પણ બધું જાણ્યું હતું?
કીર્ત્િા : જાણ્યું હતું.
સરલા : શું શું જાણ્યું હતું? કહોજી.
કીર્ત્િા : જાણ્યું હતું કે એમણે ભણવામાં ખાસ ઉકાળ્યું નથી. પણ ધંધામાં એ હોશિયાર છે, સારૂં કમાય છે, સંસ્કારી છે અને મળતાવડા સ્વભાવના છે.
સરલા : બીજું શું જાણ્યું હતું ?
કીર્ત્િા : બીજું જાણ્યું હતું કે, એમનાં મમ્મીપપ્પાનો સ્વભાવ ખૂબ સારો છે. વહુને પિયરની ખોટ ન પડવા દે એવો છે.
સરલા : આ બધું કોના મારફત જાણ્યું હતું? જાસૂસ રાખ્યા હતા?
કીર્ત્િા : ચહસીનેૃ નહીં મમ્મી. હું પોતે જ જાસૂસ બની હતી.
ચત્રણે જણાં હસેૃ
મનહર : કીર્ત્િા બેટા, તમે એક કામ કરો. વિદ્યાનું મન જાણી લો.
કીર્ત્િા : જાણી લીધું છે. એ રાજી છે. એમને દિવાકર પસંદ છે.
સરલા : ચિરાગને વાત કરી?
કીર્ત્િા : પહેલા જ કરી દીધી હતી. એમણે તો આ બધી જાણકારી મેળવી.
સરલા : હવે દિવાકર સુધી વાત પહોંચાડવી પડે.
કીર્ત્િા : પહોંચાડી દીધી છે. એમનો જવાબ આવી ગયો છે. એમને વિદ્યાબહેન પસંદ છે.
મનહર : મતલબ કે, તમે અમારે ભાગે કશું કામ રહેવા નથી દીધું.
કીર્ત્િા : એક કામ બાકી છે. દિવાકરના માતાપિતા અને તમારી વચ્ચેની મુલાકાત. એ પણ જલ્દીથી ‘મિલન વાટિકા’ માં ગોઠવાઈ જશે.
મનહર : ‘મિલન વાટિકા!’ એ ક્યા આવી?
કીર્ત્િા : ‘મિલન વાટિકા’ એ દિવાકરની નવી યોજના છે.
ચવિદ્યાનો અવાજ આવેૃ
વિદ્યા : ભાભી... ઓ કીર્તીભાભી...
કીર્ત્િા : વિદ્યાબહેન, અહીં આવો તમારૂં ખાસ કામ છે.
વિદ્યા : ચપ્રવેશ કરીને....ૃ શું કામ છે?
કીર્ત્િા : દિવાકરની નવી યોજના ‘મિલન વાટિકા’ વિષે વાત ચાલે છે. મમ્મીપપ્પાને એ વિષે સમજાવો.
વિદ્યા : ધારો કે કોઈને ત્યાં એમની દીકરીને જોવા બહારગામથી કોઈ મહેમાન આવે છે. આ સંજોગોમાં યજમાન અને મહેમાન પાસે મોટાભાગે ત્રણ વિકલ્પ હોય. પ્રથમ વિકલ્પ એ કે, બંને પક્ષવાળા કોઈ સગાંને ત્યાં મુલાકાત ગોઠવે. જ્યાં છોકરા છોકરી એકબીજાને માત્ર પંદર મિનિટ કે અર્ધો કલાક માટે મળી શકે. આમાં તકલીફ એ થાય કે અજાણ્યા વાતાવરણમાં બંને પક્ષનાં લોકોએ ઝડપથી મુલાકત પૂરી કરવી પડે.
કીર્ત્િા : બંને પક્ષનાં લોકો પોતાના અંગત કામ માટે કોઈ ત્રીજા પક્ષને ત્યાં ધામો નાખે કે એને ઘસારો આપે એ આજના જમાનામાં ઠીક નથી.
વિદ્યા : બીજો વિકલ્પ એ છે કે બહારગામથી આવનાર મહેમાન સીધા દીકરીનાં માબાપને ત્યાં મહેમાન બને. આ વિકલ્પમાં બહારગામથી આવનારને સંકોચ જેવું લાગે. વળી, અજાણ્યા વાતાવરણમાં મુલાકાત ઝડપથી પતાવવાની તકલીફ તો ખરી જ.
કીર્ત્િા : દીકરીવાળા તો બિચારા મહેમાનની સરભરામાં જ વ્યસ્ત રહે. એમને જે વિગત જાણવી હોય એ જાણવાનો તો એમને સમય જ ન મળે.
વિદ્યા : ત્રીજો વિકલ્પ એ છે કે, બંને પક્ષનાં લોકો કોઈ હોટેલમાં મળે. આ વિકલ્પ સારો છે. પણ હોટેલમાં ખર્ચ વધારે થાય. બંને પરિવારના સભ્યો વધારે હોય તો મુલાકાત માટે જગ્યા નાની પણ પડે.
કીર્ત્િા : હોટેલ એ ગમે તેમ તોય હોટેલ. ત્યાં ઘરના વાતાવરણની ખોટ પડે જ.
વિદ્યા : આમ, એકબીજાને પસંદ કરતાં પહેલાં યુવક અને યુવતી મુક્તપણે મળે, એમને ચર્ચા કરવા પૂરતો સમય મળે, એમનાં પરિવારનાં સભ્યો એકબીજાંથી સારી રીતે પરિચિત થાય, એમને પણ જરૂરી ચર્ચા કરવાનો પૂરતો અવકાશ મળે એ તમામ આજના સમયની માંગ છે. આ માંગ સંતોષાય એવું એક સ્થળ હોવું જરૂરી છે.
કીર્ત્િા : દિવાકરે આ સમસ્યાના સમાધાન માટે વિચાર્યું અને ‘મિલન વાટિકા’નું નિર્માણ કર્યું.
વિદ્યા : ‘મિલન વાટિકા’ એટલે ખાસ એવી જગ્યા કે જ્યાં જીવનસાથીની પસંદગીના હેતુથી યુવક અને યુવતી એમનાં પરિવાર સહિત પધારે અને એકબીજાથી પરિચિત થાય. જ્યાં જરૂરી મુલાકાત અને ચર્ચા માટે એમને પૂરતો સમય મળે. જ્યાં એમને પાણી, સરબત, ચા, નાસ્તો, જમણ, આઈસ્ક્રીમ વગેરેની સુવિધા મળે. જ્યાં કોઈ પક્ષે રસોડામાં પુરાઈ ન રહેવું પડે. ટૂંકમાં ‘મિલન વાટિકા’ એટલે એક એવું સરનામું કે, જ્યાં તમને ઘર અને હોટેલનો સમન્વય જોવા મળે!
કીર્ત્િા : દિવાકર વાજબી ચાર્જ લઈને ‘મિલન વાટિકા’ દ્વારા આ સુવિધા પાડે છે.
મનહર : આ તો સારામાં સારૂં. કોઈને ઘસારો આપવાનો નહીં, ચા નાસ્તો તૈયાર કરવાની ઝંઝટ નહિ, ઝાઝા માણસો ભેગા થાય તોય વાંધો નહીં.
સરલા : પણ બંને પરિવારને એકબીજાનાં ઘર તો જોવાં હોય તો?
વિદ્યા : એ પછીની વાત છે. પહેલાં તો બંને પરિવાર એકબીજાને સારી રીતે મળે અને ચર્ચા કરે. પછી યોગ્ય લાગે તો આગળ વધે. એકબીજાનાં ઘર, દુકાન, કારખાનાં જે જોવું હોય એ જુએ.
કીર્ત્િા : દિવાકરના પરિવાર અને આપણા પરિવારની મુલાકાત ‘મિલન વાટિકા’માં જ ગોઠવાશે.
મનહર : મુલાકત ભલે થતી. પણ દિવાકર અને એના પરિવાર માટે મારા તરફથી તો હા જ છે. તારૂં શું કહેવું છે?
સરલા : મારી પણ હા જ છે. આપણે બધાં આ વાતમાં રાજી છીએ. હવે દિવાકરનાં માતાપિતા પર બધો આધાર છે.
કીર્ત્િા : એ પણ રાજી જ છે. એ લોકો તો દિવાકર જે કરે એમાં રાજી જ છે. હવે વિદ્યાબહેન તમે કહો. મારી કામગીરીથી તમે રાજી છોને?
વિદ્યા : ભાભી, થેન્ક્યુ. ભાભી હો તો તમારા જેવી.
કીર્ત્િા : અને નણંદબા હો તો તમારાં જેવાં.
ચબંને હસતાં હોય એ સાથે પ્રવેશ ચોથો પૂરો થાય.ૃ
ચપ્રવેશ પાંચમોૃ
ચમનહરભાઈનું ઘર. ફોન કરતા હોય. બાજુમાં સરલાબહેન બેઠાં હોય. ચિરાગ, કીર્ત્િા અને વિદ્યા કંકોત્રી લખવાના કામમાં વ્યસ્ત હોય.ૃ
મનહર : એલા....વ. કોણ? જયાભાભી બોલો છો? જયશ્રીકૃષ્ણ જયાભાભી. હું વડોદરાથી મનહર બોલું છું. બધાં મજામાં?... વિદ્યાનાં લગ્નની કંકોત્રી મળી?... આગ્રહનો પત્ર મળ્યો?... આવવાની તૈયારી થઈ હશે. વહેલાસર આવી જજો હોં...હેં? ...શું કહ્યું?... નહીં અવાય?... કેમ?... કોનાં લગ્ન છે?... ક્યારે?... વીસ તારીખે જ! ભારે કરી! પણ અમારે ત્યાં કોઈકને તો મોકલજો....સાવ એવું ચાલે? મારે ત્યાં આ છેલ્લો પ્રસંગ છે. ગુણવંતભાઈને મોકલજો. ... એની તબિયતને વળી શું થયું?.... હાર્ટનું ઓપરેશન?... પણ ચિરાગનાં લગ્ન વખતે તો કરાવ્યું હતુંને?.. બીજાં હાર્ટનું?... પણ હાર્ટ તો એક જ હોયને?... તમને નથી ખબર? .. સારૂં. ગુણવંતભાઈને હવે કેમ છે?... આરામ કરે છે તો કરવા દો. હું પછી ફોન કરીશ.... ભલે ભલે. હજુ દસ દિવસની વાર છે. ત્યાં સુધીમાં તો ફેર પડી જાય તો જરૂર આવે. અમને સારૂં લાગશે. જયશ્રીકૃષ્ણ.
સરલા : શું કહ્યું જયાભાભીએ? કોઈ નહીં આવે?
મનહર : અત્યારે તો એવું જ લાગે છે. ગુણવંતભાઈએ ઓપરેશન કરાવ્યું છે પણ શેનું કરાવ્યું છે એ જયાભાભીને ખબર નથી. જયાભાભીને આવવાનું બહુ મન છે પણ એમની સગી ભત્રીજીનાં લગ્ન વીસ તારીખે જ છે. એમની સગી ભત્રીજીનાં લગ્ન હોય તો બધાં એમાં જ જાયને?
સરલા : ભલે જતાં. સહુને પોતપોતાની મજબૂરી હોયને? હવે અરૂણાબેનને ફોન કરો. એ લોકો કદાચ વિદેશ ગયાં હોય!
ચમનહરભાઈ અરૂણાબહેનને ત્યાં ફોન લગાડીને...ૃ
મનહર : એલા...વ. કોણ? ... રાજન, હું વડોદરાથી મનહરમામા બોલું છું.... તારાં મમ્મીપપ્પા છે? ... આફ્રિકા? ક્યારે ગયાં? .... પાછાં ક્યારે આવશે?... એક મહિના પછી?... ભારે કરી! રાજન, તને વિદ્યાબહેનનાં લગ્નની કંકોત્રી મળી ગઈ ?... આગ્રહનો પત્ર પણ મળી ગયો?... સરસ. હવે જો તમારે બધાંએ હાજરી આપવાની છે. ... કેમ નહીં અવાય?... ધંધો તો ચાલ્યા કરે. વહેવારમાં તો રહેવું પડેને? તારાં મમ્મીપપ્પા નથી તો તારે હાજરી તો આપવી પડે કે નહીં?... .ચિરાગનાં લગ્ન વખતે એ લોકો અમેરિકા ગયાં હતાં. આ વખતે આફ્રિકા ગયાં છે. ... તારાથી ન અવાય તો જ્યોતિ અને છોકરાને મોકલ. ...છોકરાની પરીક્ષા?... અત્યારે કેવી પરીક્ષા?... પણ આ તો ખોટી પરીક્ષાને? ... સાચી પરિક્ષા તો એપ્રિલમાં હોયને? ... બધી સાચી કહેવાય? ... ભલે. કશી ગોઠવણ થાય તો આવી જાજો. પજય શ્રીકૃષ્ણ.
સરલા ; શું થયું? અરૂણાબેન ને અશોકકુમાર બેઉ આફ્રિકા ગયાં છે?
મનહર : હા. એક મહિના પછી આવશે.
સરલા : ભલે. સહુને પોતપોતાની મજબૂરી હોય. તમે બધાંને આગ્રહ ભલે કરો પણ માંડવે સંખ્યા ઓછી થાય તો ચિંતા ન કરતા. દિવાકરને કહી દઈશું કે જાન લઈને આવે એ પહેલાં જરૂરી માંડવિયા આપણા માંડવે મોકલવાની તૈયારી રાખે. જાનૈયા પણ એમના અને માંડવિયા પણ એમના! મારી વાત બરાબર છે ને? શું કહેવું છે તમારાં બધાંનું? મોઢાંમાંથી ફાટો તો ખરા...
બધાં : ચએક સાથેૃ બરાબર છે.. બરાબર છે... બરાબર છે... તમારી વાત એકદમ બરાબર છે.
ચપુનરાવર્તન અને હાસ્ય સાથે સમાપ્તૃ
ચસમાપ્તૃ