એક પતંગિયાને પાંખો આવી - 22 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી - 22

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 22

વ્રજેશ દવે “વેદ”

ફરી કોઈ વિચારોએ મનમાં આસન જમાવી દીધું. મન પહોંચી ગયું ઘેર. મમ્મી, પપ્પા, જીત, દીપા આંટી, ભરત અંકલ વગેરે સૌ યાદ આવવા લાગ્યા. સોસાયટી, પાડોશીઓ, ગેટકીપર પણ.

શું કરતો હશે જીત? આજે રવિવારની બપોર. તે નક્કી ક્લબ હાઉસમાં બેઠો હશે. કોઈ રમત રમતો હશે કે ગપ્પાં મારતો હશે.

ક્લબ હાઉસ ! તેની સાથે વિતેલી ક્ષણો યાદ આવવા લાગી, એક પછી એક. મજા પડી ગઈ. મન થોડું હળવું થઈ ગયું.

‘છેલ્લે ક્યારે ગઈ હતી ક્લબ હાઉસમાં?’નીરજાએ પોતાની જ જાતને સવાલ કર્યો.

“છેલ્લે .. તો.. યાત્રા શરૂ કર્યાના આગલા દિવસે જ બધા મિત્રોને મળવા ગઈ હતી. કેવી મજા પડી હતી. યાત્રાની ખૂબ ચર્ચા કરી હતી. બધા એટલા જ ઉત્સાહિત અને રોમાંચિત હતા. નીરજા અને વ્યોમાની વાતો પર વિસ્મય પામતા હતા. નીરજા તેનો જવાબ આપતી. તેઓને બધું વિગતવાર સમજાવતી. ખૂબ મોડે સુધી જાગીને વાતો કરી છૂટા પડ્યા હતા સૌ.

એ પહેલાં ત્રણેક દિવસ પહેલાં.. હા. બરાબર ત્રણેક દિવસ પહેલાં, સાંજે જમ્યા બાદ પપ્પા અને ભરત અંકલ નીચે સોસાયટીમાં ગયા હતા.

જમ્યા બાદ ભરત અંકલ, નીરજાના ઘેર આવતા કે પપ્પા વ્યોમાના ઘેર જતાં. પણ નીચે ક્લબ હાઉસમાં ભાગ્યે જ જતાં. પણ તે દિવસે તે બંને નીચે ઉતર્યા હતા. લીફ્ટમાં ગ્રાઉંડ ફ્લોરનું બટન દબાવેલું તે વ્યોમાએ જોયું હતું. તેણે નીરજાને કહ્યું હતું,”છેક નીચે ગ્રાઉંડ ફ્લોર સુધી ગયા છે તેઓ.” અને કુતૂહલવશ બંને પણ નીચે ગયા. ભરત અને દીપેન ક્લબ હાઉસમાં ગયા.

નીરજાએ દૂરથી જ ક્લબ હાઉસમાં નજર કરી લીધી. અંદર કોઈ બે વ્યક્તિ પહેલેથી જ બેઠેલા હતા.

એક માણસ પચાસેક વર્ષનો હશે. મોટી મોટી મૂછો, ચહેરો કડક, મજબૂત બાંધો. આર્મીનો કોઈ રીટાયર્ડ ઓફિસર જેવો લાગ્યો.

બીજા માણસનો ચહેરો નહોતો દેખાતો, પણ તે જે રીતે બેઠો હતો તે પરથી તે યુવાન હોય તેવું લાગતું હતું. ઊંચું કદ હતું. શરીરે ખૂબ જ મજબૂત લાગતો હતો. તે ટટ્ટાર બેઠો હતો.

દીપેન અને ભરત જેવા ક્લબ હાઉસમાં દાખલ થયા કે તેઓ બંને ઊભા થઈ ગયા. બંનેએ દીપેન અને ભરત જોડે હાથ મિલાવ્યા. હાથ મિલાવવાનો અંદાજ પણ અલગ હતો. ખૂબ જ મજબૂત હસ્તધૂનન હતું એ.

ચારેય જણા વચ્ચે કોઈ વાત ચાલવા લાગી. ક્લબ હાઉસના ગેટ પર ચોકીદાર આવી ઊભો. કદાચ તેને સૂચના અપાઈ હશે, કે કોઈ પણ વ્યક્તિ ક્લબ હાઉસમાં દાખલ ના થવી જોઈએ. અને જો કોઈ એવો પ્રયાસ કરે તો તેને રોકવી.

કોઈએ ત્યાં જવાનો પ્રયાસ ના કર્યો. તેઓની વાતો થોડી વાર ચાલી. તેઓ વચ્ચે કશુંક નક્કી થયું હોય તેવું લાગ્યું. કદાચ કોઈ ડીલ થઈ હશે.

ચારેય જણા ઊભા થાય. પરસ્પર સ્મિત સાથે હાથ મિલાવી ક્લબ હાઉસની બહાર આવી ગયા.

દીપેન અને ભરત તેને ગાડી સુધી વળાવવા ગયા. ગાડી ઝડપથી સોસાયટી બહાર નીકળી ગઈ. શહેરના રસ્તાઓ પર ક્યાંક ખોવાઈ ગઈ.

બંને પરત ઘેર આવી ગયા. નીરજા અને વ્યોમા નીચે જ રોકાઈ ગયા. બાગમાં બેસી ગયા.

બંનેને કેટલાક પ્રશ્નો થવા લાગ્યા, પ્રશ્નો જાગવા લાગ્યા, ચહેરાઓ પર આવવા લાગ્યા, સતાવવા લાગ્યા. અંતે તે પ્રશ્નો હોઠો પર આવી ગયા,”નીરજા, ક્લબ હાઉસની મિટિંગ તને કોઈ બીઝનેસ મિટિંગ લાગી?”

“ના, વ્યોમા, જરાય નહીં. મને તો કોઈક જુદી જ વાત લાગી. “

“હશે. જે વાત હોય તે. પણ આપણે જાગૃત રહેવાનુ છે. હવે ત્રણ ચાર દિવસ બાકી રહ્યા છે, આપણી યાત્રા શરૂ થવાને. કોઈ વિઘ્ન આવે તો તેનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.”

“યસ બોસ. યાત્રા તો થશે જ.“ નીરજાએ ડાબા હાથનો અંગુઠો ઊંચો કરી પોતાના નિર્ણયની મક્કમતા દર્શાવી. બંનેના ચહેરા પર દ્રઢતાનું સ્મિત રમવા લાગ્યું.

********

“તમારે પાંચ સાત જગ્યાએ સહીઓ કરવી પડશે.” નીરજા અને વ્યોમા તરફ ઈશારો કરતાં વીમા એજન્ટે કહ્યું. તેના હાથમાં એક બ્રીફકેસ હતી. તેમાંથી કેટલાક કાગળો તેણે કાઢ્યા, નીરજા અને વ્યોમા તરફ સરકાવી દીધા.

બધ જ કાગળો પ્રિ-પ્રિંટેડ વીમા પ્રપોઝલ ફોર્મ અને તેને લગતા અન્ય પેપર્સ હતા. વ્યોમાએ કાગળો હાથમાં લીધા. નીરજા, એ બધા કાગળો વાંચવા લાગી.

“જ્યાં જ્યાં ચોકડી મારેલી છે, ત્યાં ત્યાં તમારે સહીઓ કરવાની છે. એક સેટ પર તમારે અને બીજા સેટ પર વ્યોમાએ સહીઓ કરવાની રહેશે.” વીમા એજન્ટ જરા ઉતાવળમાં હોય તેવું લાગ્યું. પણ નીરજા અને વ્યોમા તો તે પેપરોને વાંચવામાં વ્યસ્ત હતી.

“લો આ પેન, ફટાફટ સહી કરી નાંખો.“ વીમા એજન્ટ ફરી ઉતાવળ કરવા લાગ્યો.

“પણ આ તો સાવ કોરા ફોર્મ્સ છે.” વ્યોમાએ પ્રશ્નાર્થ નજરે વીમા એજન્ટ તરફ જોયું.

“હા, એ તો હું પછીથી ભરી દઇશ. તમે ચિંતા ના કરો. તમે ખાલી સહીઓ કરી દો એટલે પત્યું.”

“ઓહો? ખાલી ફોર્મ્સ પર સહી કરવાની?” નીરજા કટાક્ષમાં બોલી.

“બેટા, એ બધી ખાલી વિગતો અંકલ ભરી દેશે. ત્યાર બાદ જ પ્રપોઝલ ફોર્મ્સ વીમા કંપની સ્વીકારશે. તો નિશ્ચિંત થઈને સહી કરી નાંખો.” દીપેને નીરજાને સમજાવવા માંડ્યુ.

“બે વાત સ્પષ્ટ છે. એક, ખાલી ફોર્મ્સ પર અમે સહી નહીં કરીએ” વ્યોમાએ કહ્યું.

“બીજી વાત, આ વીમા યોજના મને પૂરેપુરી સમજાવી દો. બરોબર સમજાઈ જશે તો તરત જ સહી કરી આપીશ.” નીરજાએ પણ સ્પષ્ટતા કરી દીધી.

વીમા એજન્ટ, દીપેન અને ભરત પાસે કોઈ વિકલ્પ ન હતો. વીમા એજન્ટે ફટાફટ, પણ ગુસ્સામાં બંને પ્રપોઝલ સેટ ભરવા માંડ્યા. જયા દીપાએ સૌ માટે નાસ્તો, ચા તૈયાર કરી લીધા.

ચા નાસ્તા સાથે વીમા એજન્ટે વિમા યોજનાની વિગતો અને શરતો સમજાવવા માંડ્યા. “તમે લોકો લાંબી યાત્રા પર જવાના છો, એટલે તમારા બંનેના માટે ટ્રાવેલિંગ વીમા પોલિસી લઈએ છીએ.”

બન્નેએ વિમાની વિગતો સમજી લીધી. વચ્ચે વચ્ચે સવાલો કરી સ્પષ્ટતા પણ કરી લીધી.

પૂરેપૂરા સંતુષ્ટ થયા બાદ જ, તેઓએ સહીઓ કરી. વીમા એજન્ટનો ઘણો સમય બગડયો હતો એટલે તે જરા ધૂંધવાયેલો હતો, પણ દીપેન અને ભરત જેવા કસ્ટમર્સને તે ગુમાવવા નહોતો માંગતો, એટલે તે મૌન જ રહ્યો.

બધા કાગળો ફટાફટ ભેગા કરી, બ્રીફકેસમાં નાંખી, બ્રીફકેસને પૂરેપુરી બંધ કર્યા વિના જ ઉતાવળે તે ઊભો થઈ ગયો. બિર્ફ્કેસ ખૂલી ગઈ. બધા કાગળો રૂમમાં વિખરાઇ ગયા. સૌએ સાથે મળી તે કાગળો ભેગા કરીને વીમા એજન્ટને સોંપી દીધા. તે જતો રહ્યો. કશુંક બબડતો ગયો.

“તો કાલે રાત્રે કલબ હાઉસમાં મળેલા લોકો વીમા કંપનીના માણસો હતા.” વ્યોમા ચિંતા મુક્ત થતાં બોલી.

રાત આખી વ્યોમા અને નીરજાએ અનેક તર્કો લગાડીને તાળો મેળવવા પ્રયાસ કર્યો હતો કે રાત્રે ક્લબ હાઉસમાં આવેલા એ વ્યક્તિઓ કોણ હતા, અને તેમની સાથે થયેલી મિટિંગમાં શું ચર્ચાયું હશે. પણ કોઈ વાત બંધ બેસતી નહોતી. આખરે સવારે વીમા એજન્ટે બધી ફોરમાલીટીઝ પૂરી કરી ત્યારે, વ્યોમાએ માની લીધું કે એ મિટીંગ વીમા કંપની સાથેની જ હશે.

“બની શકે છે પણ ચોક્કસ કોઈ વાત કહી ના શકાય.“ નીરજા નિશ્ચિંત થઈ, ગાફેલ રહેવાના મૂડમાં નહોતી. દરેક ઘટના પર તે સતર્ક નજર રાખવા માંગતી હતી.

“ઠીક છે. ચાલો ફરી સતર્ક થઈ જઈએ.” વ્યોમા પણ નીરજાના વિચારો સાથે સંમત થઈ ગઈ.

દરેક બનતી ઘટનાઓને તેઓ પોતાની પ્રસ્તાવિત યાત્રા સાથે જોડતી અને તપાસી લેતી કે યાત્રા અટકાવવાનો તો કોઈ પ્રયાસ થતો નથી ને?

એવું ખાસ કાંઇ ના બન્યું.