DIKSHA Kishor Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

  • એટૉમિક હૅબિટ્સ

    પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર...

શ્રેણી
શેયર કરો

DIKSHA

સિદ્ધાંતોની માનવતા વિહોણી દિક્ષા

દિક્ષા (૧૯૯૧)

હિન્દી ફિલ્મ જગતના નવા પ્રવાહની શરૂઆતની આ ફિલ્મ સમાજની નક્કર વાસ્તવિક્તાને સ્પર્શે છે. એ આપણને ગઇ સદીના ત્રીજા દાયકામાં યાત્રા કરાવે છે. આ ફિલ્મને ઍવોર્ડ તો પુષ્કળ મળ્યા, એની ચર્ચાઓ પણ ખૂબ થઇ છતાં આ અસાધારણ ફિલ્મ પ્રેક્ષકોને આકર્ષી ન શકી. આ ફિલ્મને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઑફ ઇંડીયામાં એન્ટ્રી મળી હતી અને ફિલ્મે સાત ઇન્ટરનેશનલ ઍવોર્ડ જીત્યા હતા. જેમાં ૧૯૯૨નો ફ્રાંસનો ઍનોને ઇન્ટરનેશનલ ફેસ્ટીવલ ઍવોર્ડ ‘‘પ્રીક્સ ડુ પબ્લીક(ઑડિયન્સ) પણ સામેલ હતો. મધ્ય પ્રદેશ ડેવલપમેન્ટ કોર્પોરેશને દિક્ષાને ૧૯૯૨ની બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મનો ઍવોર્ડ આપ્યો હતો.

નિર્માતા : એન.એફ.ડી.સી.

લેખક : યુ. આર. અનંથમૂર્તિની કન્નડ વાર્તા ‘‘ઘટશ્રાદ્ધ’’ પર આધારીત

પટકથા-સંવાદ : ઉમેશ કલબાગ-જ.પ્ર.દીક્ષિત-અરૂણ કૌલ

કલાકાર : મનોહર સીંઘ-નાના પાટેકર-કે.કે. રૈણા-વિજય કશ્યપ-સત્યભામા-સુલભા આર્ય-જય દીક્ષિત-આશીષ મીશ્રા-રાજશ્રી સાવંત અને અન્ય.

સંગીત : મોહિન્દરજીત સીંઘ

સીનેમેટોગ્રાફી : અપૂર્બ કિશોર બીર

ઍડીટીંગ : આદેશ વર્મા

દિગ્દર્શક : અરૂણ કૌલ

ગઇ સદીના ત્રીજા દશકની વાત છે. જ્યારે ભારતમાં બ્રહ્મચર્યાશ્રમ-ગૃહસ્થાશ્રમ-વાનપ્રથાશ્રમ અને સંન્યાસાશ્રમ એમ ચાર આશ્રમની વ્યવસ્થા અસ્ત થવામાં હતી અને સવર્ણો તથા અછૂતો વચ્ચે સખત આભડછેટનો જમાનો હતો. ભારત પર અંગ્રેજોનું રાજ હતું. અંગ્રેજી ભણતર માટે શાળાઓ ખુલી ગઇ હતી. એ સમયે દક્ષિણ કર્ણાટકના નાનકડા કુટુમલ્લી ગામમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણ રામેશ્વર ભટ્ટ અને સરસ્વતીના પુત્ર નારાયણ ભટ્ટની આ વાત છે. નારાયણ ભટ્ટને ત્યાં પાંચ સંતાન મૃત્યુ પામતાં એણે માનતા રાખી હતી કે છઠ્ઠું સંતાન બચશે તો એ પ્રભુને અર્પણ કરશે. બાળક નારાયણની યજ્ઞોપવિત વિધી કરાઇ. પિતા રામેશ્વર ભટ્ટે એના કાનમાં ગાયત્રી મંત્ર ઉચ્ચારીને કહ્યું : મેરે ચિત્ત કે અનુસાર જાઓ. મેરા વાચા કા અનુકરણ કરો. લોકો કહે છે કે નવા શિક્ષણથી નોકરી મળશે પણ રામેશ્વર ભટ્ટ નવા શિક્ષણથી નારાજ છે. રામેશ્વર સમાજની ગુરૂ-શિષ્ય પરંપરા ધરાવતી આશ્રમ વ્યવસ્થામાં માને છે. યજ્ઞોપવિત વિધી થઇ ગયા પછી ગાડામાં એક રાત અને એક દિવસ અને નાવની મુસાફરી પછી; એ નારાયણ ઉર્ફે નન્નીને આચાર્ય શેષગીરી પંડિત ઉડ્ડુપ(મનોહર સીંઘ)ના આશ્રમે વિદ્યા પ્રાપ્ત કરવા લઇ જાય છે. મુસાફરી દરમિયાન એ નન્નીને સંસ્કૃતના શ્લોકો ગોખાવતો રહે છે. ગામમાં માતા સરસ્વતી પુત્ર નારાયણના વિયોગમાં સરી પડે છે.

આશ્રમે પહોંચતાં જ ત્રિભેટે અછૂત ગોગા(નાના પાટેકર) સામો મળે છે. એ રામેશ્વરના રસ્તેથી દૂર હટી એમને રસ્તો આપે છે. નારાયણ અને ગોગાની આંખો મળે છે. નારાયણની વિસ્મિત આંખો ગોગાની આંખોમાં દેખાતો પ્રેમ વાંચી લે છે. રામેશ્વરનો સામાન ગોગા અછૂતોના દરવાજેથી આશ્રમમાં પહોંચાડે છે. આચાર્ય પહેલા તો નારાયણનો સ્વીકાર કરવાની ના જ પાડી દે છે. કારણ કે બે વિદ્યાર્થી પહેલેથી જ એમના આશ્રમમાં ભણી રહ્યા હતા. રામેશ્વર એમને પાંચ સંતાનોના મૃત્યુ પછી નારાયણને વેદપાઠી બનાવી પ્રભુના કાર્યો માટે સોંપવાની વાત કરે છે, ત્યારે આચાર્ય પીગળે છે. તેઓ નારાયણનો શિષ્ય તરીકે સ્વીકાર કરે છે. આચાર્ય રામેશ્વરને તરત જ આશ્રમ છોડી જવા કહે છે જેથી નારાયણનો મોહ એને ઢીલો ન બનાવી દે. પિતા આ આદેશ સ્વીકારી આશ્રમ છોડી જાય છે. કહેવાતું કે આચાર્યના આ આશ્રમમાં કઠોર પરિશ્રમ અને અતૂટ અનુશાસન છે.

રડતો નારાયણ આશ્રમમાં એકલો નથી. એની સંભાળ રાખે છે આચાર્યની વિધવા પુત્રી યમુના. નારાયણના બે વડા/સીનીયર સહપાઠીઓ વિશ્વનાથ શાસ્ત્રી અને ગણેશ ભટ્ટ એને સતાવવાનું શરૂ કરે છે. નારાયણને મળતા પ્રેમને લીધે બન્ને સહપાઠીઓને ઇર્ષા જાગે છે. નારાયણને પ્રથમ શિક્ષા સ્વાવલંબની મળે છે. આચાર્ય મંત્રોના શુદ્ધ પાઠના આગ્રહી છે. નારાયણ મંત્રો ગોખતો અને સમજતો થાય છે. આચાર્ય જ્યારે શિષ્યોને મંત્રોચ્ચાર શીખવતા હોય ત્યારે ગોગા પણ દૂર રહીને મંત્રો શીખતો રહે છે. ગામની શાળાનો માસ્તર આચાર્ય પાસે જીજ્ઞાસા સંતોષવાનો ડોળ કરી આવતો હોય છે. વાસ્તવમાં એ આચાર્યની પુત્રી યમુનાને પ્રેમ કરતો હોય છે. ગામમાં મંદિરમાં મંજુનાથ નામનો કર્મકાંડી પૂજારી છે જે લંપટ છે. શાસ્ત્રીની પડોશણ ગોદાવરી અમ્મા ગામની પંચાત અને ખણખોદ કરતી સ્ત્રી છે.

અનાથ ગોગો એની વૃદ્ધ માસી સાથે અછૂતોની વસ્તીમાં રહે છે. એ દારૂ નથી પીતો, મરેલા જાનવરનું માંસ નથી ખાતો, એટલે એ વસ્તીના લોકો એને મહેણા મારતાં, અશુદ્ધ બ્રાહ્મણ તો ક્યારેક પોંગા પંડિત કહે છે. એને એક પ્રશ્ન સતાવતો હોય છે કે હું કોણ છું ? એક દિવસ ગોગાને નારાયણ લાડુ ખાવા આપે છે. ગોગો આનંદમાં આવી જાય છે. ગોગા અને નારાયણ વચ્ચે મૈત્રી જામવા માંડે છે. એક દિવસ ગોગાની માસી મરણ પામે છે. ગોગો શાસ્ત્રીજી પાસે માસીના કાનમાં બે શબ્દો ધર્મના કહી, ગંગાજળ પીવડાવવાની વિનંતી કરે છે. ગોગાની કાકલુદી પછી શાસ્ત્રી એની વિનંતી માન્ય રાખેે છે. તેઓ અછૂત વસ્તીમાં જઇને ગોગાની માસીની અંતિમ વિધી કરે છે. ગોગાને સંતોષ થાય છે કે એની માસી હવે સ્વર્ગે ગઇ. ગોદાવરી અમ્માને આ ખબર પડતાં જ એ મંજુનાથના કાન ભંભેરે છે કે હવે તો વેદપાઠી બ્રાહ્મણો અછૂતોની પૂજા વિધી કરવા જાય છે. મંજુનાથ ઉકળી ઊઠે છે. એ ગોકર્ણ અને કાશી સુધી શાસ્ત્રીની ફરિયાદ કરવાનું નક્કી કરે છે. એ ગામના ઉપાધ્યાય શ્રીકરને બોલાવી ફરિયાદ કરે છે આમ અછૂતોને માથે ચઢાવીશું તો તેઓ સવર્ણોના બધા જ હક્કો માગતા થઇ જશે.

શ્રીકર આચાર્ય પાસે મંજુનાથની ફરિયાદ લઇ જાય છે. ખુલાસો કરતાં આચાર્ય કહે છે : મૈંને જો કુછ કીયા, મૃતક કી મુક્તિ કે લીએ નહીં કીયા. એક જીવિત વ્યક્તિ કે મન કી શાંતિ કે લીએ કીયા. નહીં તો ગોગા તૂટ કર બીખર જાતા. યે શાસ્ત્રોક્ત હૈ યા નહીં, મૈં ઇસ પર ચર્ચા નહીં કરના ચાહતા. મેરી અંતરાત્માને મુજ સે કહા, ઇક ઇસ છોટે સે કર્મ સે એક ક્ષુદ્ર માનવ કી આસ્થા બની રહેગી, સો મૈં ગયા. બસ. આચાર્ય સુધારાવાદી છે. એમની વિધવા પુત્રી યમુનાના વાળ કપાવીને વૈધવ્યના વસ્ત્રો એમણે નથી પહેરાવ્યા.

આચાર્ય ચાતુર્માસ નિમિત્તે સહુને આશીર્વાદ આપી ગોકર્ણ જાય છે. ગોગાને પણ દૂરથી આશીર્વાદ આપે છે. શ્રીકરને એમની ગેરહાજરીમાં શિષ્યોને શીખવવાની ફરજ સોંપતા જાય છે. એમના જતાં મોટા શિષ્યો નારાયણની સતામણી શરૂ કરે છે. ગામમાં ભજવાતી રામલીલા જોવા સહુ જાય છે. યમુના વિધવા હોવાથી દૂર ઊભી રહે છે. ગામનો માસ્તર એને એકાંતમાં લઇ જઇ શરીર સંબંધ બાંધે છે. આ બનાવ પછી માસ્તરની આશ્રમમાં અવરજવર વધી જાય છે. છોકરાંઓને આ અવરજવરનો ખ્યાલ આવી જાય છે.

એક દિવસ વનમાં લાકડા ફાડતા ગોગા પાસે નારાયણ પહોંચે છે. એ ગોગાને અડવાની વાત કરે છે. ગોગો કહે છે કે એને ન અડાય. જો એને અડશે તો નારાયણનું બ્રાહ્મણત્વ ચાલ્યું જશે. નારાયણ ગોગાને પકડવા જાય છે ત્યારે ગોગો ઝાડ પર ચઢીને નારાયણના બ્રહ્મત્વની રક્ષા કરે છે. રાત્રે શિષ્યો નન્નીને યમુના પાસે સુવડાવે છે. યમુના ગર્ભવતી થાય છે; અને માસ્તરને આ બાબત જણાવે છે. યમુનાને ચિંતા છે કે પિતા અને સમાજને એ શો જવાબ આપશે. માસ્તર એને મોટા મંદિરના ભૂવા પાસે ઇલાજની પુચ્છા કરવા કહે છે. જાહેરમાં પૂછતા આબરૂ જાય એ કારણે યમુના પૂછી શક્તી નથી. ગોદાવરીને આ બાબતની જાણ થતાં એ વાત મંજુનાથ અને આખા ગામને જાણ કરે છે.

મંજુનાથ શ્રીકરને વાત કરે છે ત્યારે શ્રીકર સ્તબ્ધ થઇ જાય છે. શ્રીકર પણ વાત જાણ્યા પછી બહેન માનેલી યમુનાને તીરસ્કૃત નજરે જુએ છે. ગણેશ અને વિશ્વનાથના વડિલો બન્ને શિષ્યોને આશ્રમમાંથી લઇ જાય છે. નન્ની યમુનાને વચન આપે છે કે એ આશ્રમ નહીં છોડે. માસ્તર યમુનાને ગર્ભપાત માટે સમજાવે છે. ગામમાં રહેતા ગણેશ અને વિશ્વનાથ એમને જોઇ જાય છે. તેઓ ગામવાસીઓને બોલાવી લાવે છે. માસ્તર ભાગી જાય છે અને યમુના નન્ની સાથે ઘરે પાછી ફરે છે. રાત્રે ગામવાસીઓ ઘર પર પથ્થરમારો કરે છે. મુંઝાયેલી યમુના રાત્રે ઘર છોડી જંગલમાં ચાલી જાય છે. નન્નીને ખબર પડતાં એ યમુનાને શોધવા જંગલમાં જાય છે. રસ્તામાં એને ગોગો મળે છે. તેઓ યમુનાને શોધી કાઢે છે. યમુના સાપના રાફડામાં હાથ નાખી, સાપના ડંખનો ભોગ બની, આત્મહત્યા કરવા માગતી હોય છે. બધા ઘરે પાછા ફરે છે. ગોગો યમુનાને રક્ષણનું વચન આપે છે.

માસ્તર અછૂતોના વાસમાં રહેતા પ્રભુના ઝૂંપડામાં, યમુનાના ગર્ભપાતનો પ્રબંધ કરે છે. નન્ની છુપાઇને બારીમાંથી ગર્ભપાતની પ્રક્રિયા નિહાળે છે. માસ્તર વ્યગ્ર થઇ આંટા મારે છે. ત્યાં જ ગોગો વસ્તીમાં આવે છે. ગોગાને જોતાં જ કાયર માસ્તર ભાગી જાય છે. ગોગાને વસ્તીવાળા કહે છે કે બ્રાહ્મણો એમના પાપ ધોવા અછૂત વસ્તીમાં આવે છે. ગોગો વાત સમજી જાય છે. એ માસ્તરનો પીછો કરે છે. માસ્તર ગામ છોડી નાસી જાય છે. મંજુનાથ પણ વાતાવરણનો તાગ લેવા અછૂતોની વસ્તીમાં આવે છે. આ બધા બનાવોથી વ્યગ્ર ગોગો પ્રથમ વખત દારૂ પીએ છે. સખત પીડા પછી યમુનાનો ગર્ભપાત થઇ જાય છે. વિસ્મિત નન્ની મૂક સાક્ષી બનીને આ બનાવો જોતો રહે છે, યમુનાની સેવા કરતાં એને સાથ આપતો રહે છે. પણ નન્નીના પિતા પણ નન્નીને બળજબરી કરી યમુના પાસેથી પાછો લઇ જાય છે. આશ્રમમાં આવતાં જે ત્રિભેટે ગોગા મળ્યો હતો એ જ ત્રિભેટે ગોગા એમને ભીની આંખે, ભારે હૈયે વિદાય આપે છે.

સવારે આચાર્ય ગોકર્ણથી પાછા ફરે છે. આચાર્યને વાતાવરણમાં ગંધ આવી જાય છે. વ્યગ્ર ગોગો આચાર્યને કહે છે : મૈં અમ્મા કો જંગલ સે બચાયા, નાગ સે બચાયા, બ્રાહ્મણ સે નહીં બચા સકા. ગોગો માસ્તરના કપટની વાત કરે છે અને યમુનાને પાછી લાવવા આચાર્યને વિનંતી કરે છે. આચાર્ય યમુનાને સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. આચાર્યના નકારથી ગુસ્સે થયેલો ગોગો આચાર્યને કહે છે કે જે માણસ સ્વર્ગ અને મોક્ષની વાતો કરે છે અને એની પુત્રી નથી સાચવી શક્તો એ માણસ ધર્મ શું સાચવશે ! ગોગો આચાર્યના મનુષ્યતા વિહીન બ્રાહ્મણત્વને સખત ભાષામાં ભાંડતો ચાલ્યો જાય છે. ગામમાં યમુનાના મુદ્દે બ્રાહ્મણોની સભા યોજાય છે. સભા પહેલા શ્રીકર ઉપાધ્યાય આચાર્યને મળવા જાય છે. ગુરૂકુળ ન બચાવી શક્વા ખેદ વ્યક્ત કરે છે. યમુનાની ચિંતા વ્યક્ત કરે છે. યમુનાના કિસ્સાને ઘર્મગ્રંથો અને ધાર્મિક નિયમોના આધારે નહીં પણ મનુષ્યત્વની રીતે જોવાની વિનંતી કરે છે. યમુના બાબતમાં રૂઢીવાદી આચાર્યનું માનવતા શૂન્ય, જડ વલણ જોતાં એ ગુસ્સે થઇ આચાર્યએ આપેલી દિક્ષા આચાર્યને પાછી સોંપી, ગુસ્સામાં નીકળી જાય છે.

શ્રીકર સભામાં જાય છે. આચાર્ય બ્રાહ્મણ સમાજને ખુલાસો કરવા તૈયારી કરે છે. બ્રહ્મ સમાજ ખુલાસો સાંભળવા તત્પર છે. આચાર્ય એમની પુત્રીને ‘‘ઘટ શ્રાદ્ધ’’નો દંડ કરે છે. (ફિલ્મની કથા પ્રમાણે ઘટ શ્રાદ્ધ એટલે મનુષ્યનું જીવતે જીવત શ્રાદ્ધ. જીવંત મનુષ્ય સાથે સામાજીક અને સર્વ પ્રકારના સંબંધો તોડી નાખવા.) આચાર્ય નદી કિનારે એમની જીવિત પુત્રી યમુનાનું શ્રાદ્ધ કરે છે. શ્રીકર એ શ્રાદ્ધ વિધિ જોતો જોતો નાવમાં બેસી ગામ છોડી જાય છે. યમુના અછૂત વસ્તીમાં એકલી ઓટલે બેઠી શૂન્યતાને તાકે છે....

સ્થળ-કાળ : દક્ષિણ પ્રદેશના ગાડાના પૈડાં ઘણા મોટા છે. ત્યાંના ઘરો વિશાળ પરસાળવાળા હતા. આકાશમાં સૂર્યનું ચોક્કસ સ્થાન જોઇ સમય નક્કી કરાતો. અછૂતોને ખાવાનું, સ્પર્શ ન થાય એ રીતે ઉપરથી આપવામાં આવતું. અછૂત ગંગાજળને સ્પર્શી શક્તો નહીં. દક્ષિણના બ્રાહ્મણો પણ ચાતુર્માસ ગાળવા અન્યત્ર જાય. લાકડાના હાથાવાળી છત્રી છે. એ સમય અંગ્રેજી શાસનનો હતો. મહેમાનોનો સત્કાર કૉફી અને પૌવાથી થતો. એ સમયે આશ્રમોમાં પણ રેગીંગ થતું. નિયમ હતો કે અછૂતનું એઠું બ્રાહ્મણની ગાયને પણ ન ખવડાવાય. કેળના પાનમાં જમવાનું રહેતું.

દિગ્દર્શન : દિક્ષા ફિલ્મમાં લેખક અને દિગ્દર્શકે પેચીદો પ્રશ્ન ઊભો કર્યા છે. એમાંનો એક મુખ્ય પ્રશ્ન એ છે કે ધર્મના ગ્રંથોમાં સચવાયેલા જડ રૂઢીઓ-નિયમો અને માનવતા વચ્ચેનો સંઘર્ષ. બન્નેમાંથી કોણ ચઢે એ દર્શકો પર છોડી દેવાયું છે. ગોગા જેવા અછૂતની માસીના અંતિમ સંસ્કાર આચાર્ય કરે છે પણ પોતાની પુત્રી પ્રત્યે માનવતા દાખવતા નથી. આખી ફિલ્મ ત્રણ ભાષાઓમાં ગતિ કરે છે. સંસ્કૃત-શુદ્ધ હિંદી અને દક્ષિણના ગરીબો અને અછૂતો દ્વારા બોલાતી હિંદી. ફિલ્મમાં કેટલાયે સંવાદો વેધક અને અર્થપૂર્ણ છે. દિગ્દર્શનમાં યમુનાના ગર્ભપાત વખતે અછૂતોની વસ્તીમાં કૂકડાઓની લડાઇ દર્શાવી સવર્ણો અને અછૂતો વચ્ચેનું ઘર્ષણ દર્શાવ્યું છે. આ કૂકડાઓની લડાઇ ગોગાના મનમાં ચાલતા વિચારોના મંથન સાથે વણાઇ જાય છે. ગર્ભપાત કરાવવા યમુનાને અછૂત ‘‘પ્રભુ’’ના ઝૂંપડે જવું પડે છે. શ્રીકર જ્યારે મુંઝાયેલો બેઠો છે ત્યારે એના ઘર પાસેથી નીકળતું નાચ કરતા હાડપિંજરોની વેશભૂષા ધરાવતું સરઘસ ઘણું બધું વ્યક્ત કરે છે. આ ઉપરાંત પણ દિગ્દર્શન અને લેખનના ઘણા સ્પર્શો દિક્ષામાં છે. એ સમયે પાત્રો પાસે બીડી માચીસ છે. બીડી તો ભારતેની જ પણ માચીસ એ સમયે ભારતમાં વપરાતા હશે ?

ફિલ્મમાં માત્ર ત્રણ મુખ્ય લોકેશન છે. જંગલમાં વહેતી નદી, આશ્રમ અને અછૂતોની વસ્તી. આટલી મર્યાદામાં પણ ફોટોગ્રાફીનું આલેખન અને કમ્પોઝીંગ સુંદર થયું છે. અભિનયની વાત કરીએ તો બધા જ કલાકારો સમર્થ અને સક્ષમ હોવાથી કહેવાપણું નથી રહેતું. નાના પાટેકરનું શાંત-અછૂત સ્વરૂપ મનમાં વસી જાય એવું છે. મનોહર સીંહ પણ આચાર્યના પદને ગરિમા બક્ષે છે. આ ફિલ્મ પીરીયડ ફિલ્મ હોવાથી કોસ્ચ્યુમ વગેરેનું ધ્યાન રખાયું છે. ફિલ્મમાં માત્ર બેકગ્રાઉડ સંગીત છે અને એમાં પણ દક્ષિણના પ્રાચીન વાજીંત્રોનો જ ઉપયોગ થયો છે, વાસ્તવમાં આ ફિલ્મ બદલાતા સમયની દિવાદાંડી જેવી છે.

-કિશોર શાહ kishorshah9999@gmail.com