Aks-Pratibimb books and stories free download online pdf in Gujarati

Aks-Pratibimb

અક્સ-પ્રતિબિંબ (૨૦૦૧)

એ.બી.સી. કોર્પોરેશન નિર્મિત અક્સ એક ફોર્મ્યુલા ફિલ્મથી નોખી ફિલ્મ હતી. એ.બી.સી. કોર્પોરેશન એટલે અમિતાભ બચ્ચનની સ્થાપેલી કંપની. આ ફિલ્મ હૉલીવુડ સ્ટાઇલે બનાવવામાં આવેલી. તદ્દન નોખી વાર્તા, તદ્દન નોખી માવજત અહીં દેખાઇ આવે છે. આ ફિલ્મ સાઇકો ક્રાઇમને લગતી છે.

આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને ફિલ્મફેરનો બેસ્ટ એકટરનો ક્રિટીક ઍવોર્ડ મળ્યો હતો. રવિના ટંડનને ફિલ્મફેરનો સ્પેશીયલ ઍવોર્ડ મળ્યો હતો.

નિર્માતા : એ.બી.સી. કોર્પોરેશન-અમિતાભ બચ્ચન-જામુ સુગંધ

કલાકાર : અમિતાભ બચ્ચન-મનોજ બાજપાઇ-નંદિતા દાસ-રવિના ટંડન-કે.કે. રૈના-કમલ ચોપ્રા-વિજય રાજ-અમોલ પાલેકર-કે.કે. રૈના-પદાર્પણ : અભિમન્યુ શેખર સીંઘ

કથા : રૅન્સીલ ડી’સીલ્વા-રાકેશ મહેરા-કમલેશ પાંડે

ગીત : ગુલઝાર

સંગીત : અનુ મલિક-રણજીત બારોટ

ગાયક : અમિતાભ બચ્ચન-શોભા મુદગલ-હરીહરન-ચીત્રા-સુખવીન્દ્ર સીંઘ-વસુંધરા દાસ-અનુપમા-કે.કે.-નંદિતા દાસ-કવિતા મુન્દ્રા

ફોટોગ્રાફી : કિરણ દેવહંસ

ઍડીટર : પી.એસ.ભારતી

સ્ક્રીન પ્લે-ડિરેકશન : રાકેશ ઓમપ્રકાશ મહેરા

કથા : હંગેરીના પાટનગર બુડાપેસ્ટના સંરક્ષણ ખાતાની કચેરીની ભારતના સંરક્ષણ પ્રધાન (અમોલ પાલેકર) મુલાકાત લે છે. એમના રક્ષણની જવાબદારી મનોહર વર્મા ઉર્ફે મનુ વર્મા (અમિતાભ બચ્ચન) શિરે છે. એ સંરક્ષણ પ્રધાનને એસ્કોર્ટ કરે છે. પ્રધાન કચેરીમાંથી નીક્ળે છે ત્યારે એક હત્યારો રાઘવન ઉર્ફે રઘુ (મનોજ બાજપાઇ) ભરી બંદૂકે એમની રાહ જોતો ઊભો હોય છે. મનુને કશોક વહેમ આવતાં એ રસ્તો બદલે છે. પ્રધાન બચી જાય છે. પ્રધાન એમની પાસે રહેલી રહસ્યમય ફ્લોપી ડીસ્ક મનુને આપવાની વાત કરે છે.

બીજા દિવસે મનુ પ્રધાનને મળવા જાય છે. ફ્લોપી મળતાં જ મનુ પ્રધાનની હત્યા કરી નીકળી જાય છે. વાસ્તવમાં એ મનુનું મહોરું પહેરેલો હત્યારો રાઘવન હોય છે. જતાં પહેલા રાઘવન પ્રધાનના હાથમાં જોકરના મહોરાનું લોકેટ મૂકતો જાય છે. મનુ પ્રધાન પાસે આવતાં જ હત્યાની જાણ થાય છે. પ્રધાનના હાથમાંથી મનુને જોકરનું લોકેટ મળે છે. નકલી મનુ ઉર્ફે રાઘવન મનુનું મહોરું ઉતારીને આનંદ મનાવે છે. એ ખુશ થઇને બોલે છે : ‘‘ન કોઇ મરતા હૈ, ન કોઇ મારતા હૈ. યે મૈં નહીં કહેતા, કિતાબોં મેં લિખ્ખા હૈ. મૈં તો સીર્ફ નિમિત્ત માત્ર હું ઇસ કઠપુતલી કે ખેલમેં. મૈં એક હત્યારા હું. તુમ એક લાશ. બુરા નહીં માનના.’’ આ ભગવદ્‌ ગીતાના શબ્દો એના જીવનનો મંત્ર છે. એ દરેક મર્ડર પછી આ શબ્દો જ બોલે છે.

દિલ્હીમાં રક્ષામંત્રીની હત્યાનો રીપોર્ટ મનુ એના રૉના વડાને આપે છે. ફ્લોપી ગુમ થયાની વાત કરે છે. આ હત્યાના પરિણામે એની ટ્રાન્સફર ક્રાઇમ બ્રાન્ચમાં થઇ જાય છે.

મુંબઇમાં મહાદેવ(કે.કે. રૈના) નામનો અર્ધપાગલ-ધુની માણસ મહોરાં બનાવવાનો કુશળ આટર્ીસ્ટ છે. હત્યારો રાઘવન એનો ભાઇ છે. મહાદેવ એના ભાઇના વશમાં છે. સંરક્ષણ પ્રધાનની હત્યાનું રહસ્યની યેડા યાકુબ નામનો અંડર વર્લડનો ગુંડો જાણે છે. એ રાઘવનને બ્લેકમેઇલ કરે છે. રાઘવન એના માણસનું મહોરું પહેરી એની હત્યા કરી નાખે છે. યેડા યાકુબના હાથમાં જોકરના ચહેરાનું લોકેટ મૂકી સીફતથી નીકળી જાય છે.

યેડા યાકુબના ખૂનની તપાસ કરવા મનુને દિલ્હીથી બોલાવવામાં આવે છે. યાકુબના હાથમાં મળેલા લોકેટને જોઇ મનુ ચોંકી જાય છે. એ મુંબઇમાં રહીને રહસ્ય ઉકેલવાનો નિશ્ચય કરે છે. એની કુટુંબને પણ મુંબઇ બોલાવવાનું નક્કી કરે છે. એની કુટુંબમાં એની પત્ની સુપ્રિયા (નંદિતા દાસ) અને પુત્રી ગીતા છે.

રાઘવનને વડા પ્રધાનની હત્યાની સુપારી મળે છે. પૂનમની રાત છે. ચંદ્ર પૂર્ણ કળાએ ખીલ્યો છે. એક હૉટેલના ડાન્સ ફ્લોર પર ડાન્સર નીતા નૃત્ય કરતી ગાય છે : યે રાત... રાઘવન ત્યાં પહોંચે છે. રાઘવન ડાન્સર (રવિના ટંડન) નીતા સાથે રાત ગુજારે છે. સવારે મનુ અને એનો સાથી મિત્ર પ્રધાન હમીદભાઇ નામના ગુંડાની પૂછપરછ કરે છે. હમીદ રાઘવનનું નામ આપે છે. મુંબઇમાં નામચીન રાઘવનોની શોધ શરૂ થાય છે. મુંબઇમાં ૧૮ નામચીન રાઘવન છે. એમના રેકોર્ડ જોઇ, લીસ્ટ શોર્ટ કરાય છે. મનુ અને પ્રધાન એક રાઘવન પર અટકે છે. એ રાઘવન બચપણથી જ મેનીયાક છે. એણે એની માતાને ઘરમાં બાળી નાખી હતી. રીમાન્ડ હોમમાં એને ગીતાનું જ્ઞાન મળ્યું હતું.

રાઘવન તદ્દન મેનિયાક માણસ છે. એની ભાઇ મહાદેવને પજવતા એના સાથીની પણ એ નિર્મમ હત્યા કરે છે. રાઘવનનો પીછો શરૂ થાય છે. પહેલા તો એના ગાંડા ભાઇ મહાદેવની ભાળ મેળવી પ્રધાન એનો પીછો કરે છે. એ પીછો ટોપાઝ ડાન્સબાર સુધી લંબાય છે. ત્યાં એને રાઘવન મળે છે. એની વ્હીસ્કીના ગ્લાસમાં મહોરું મુકી રાઘવન ગુમ થઇ જાય છે. પ્રધાન મનુને બોલાવે છે, રાઘવનનો પીછો કરે છે. મનુ ત્યાં પહોંચે છે. એને મહોરાઓનો સ્ટુડિયો મળે છે. મનુ પ્રધાનને મળે એ પહેલા રાઘવન પ્રધાનની ક્રુર હત્યા કરી ગુમ થઇ ગયો હોય છે. શરૂ થાય છે પકડદાવની રમત.

મનુ ડાન્સર નીતા અને બીજા સાથીને અટકમાં લે છે. નિષ્ફળ પૂછપરછ કરે છે. બીજા સાથી પાસેથી ખબર પડે છે કે રાઘવન જંગલમાં છુપાયો છે. જંગલમાં રાઘવનનું રાજ છે. વિકરાળ વરૂઓ પણ એનાથી ડરે છે. મનુ પોલીસ પાટર્ી સાથે જંગલમાં જાય છે. રાઘવન એક પછી એક પોલીસોની હત્યા કરે છે. બચે છે મનુ. મનુ રાઘવનનો પીછો કરી એને એક ગુફામાં આંતરે છે. રાઘવન મનુ પર આક્રમણ કરે છે. ઝપાઝપીના અંતે મનુ એને પકડવામાં સફળતા મેળવે છે.

પ્રધાનને સ્થાને અજુર્ન શ્રીવાસ્તવ નામનો ઑફિસર નિમાય છે. એ વધુ પડતો આત્મવિશ્વાસી છે. મનુ રાઘવનની પૂછપરછ શરૂ કરે છે. ફ્લોપી વિશે રાઘવન કશું બોલતો નથી. લાલચ આપતાં પણ એ ડગતો નથી. એ મનુને માનસિક રીતે હંફાવે છે. કોર્ટમાં કેસ ચાલે છે. રાઘવનને ફાંસીની સજા થાય છે. રાઘવન જજ ચૌધરીને એના જંગલ રાજમાં, એની અદાલતમાં સજા કરવાની ચેલેન્જ કરે છે.

રાઘવનનો કેસ પૂરો થતાં મનુ ખુશ છે. એના ઘરે પત્ની બાળકો સાથે રામાયણનો એક અંશ ભજવીને ગાય છે : હટ જાઓ રાવણ, મારુંગી બાણ... નીતા ડાન્સર જેલમાં રાઘવનની મુલાકાત લે છે. ફાંસીની આગલી રાતે મનુ રાઘવનને ફ્લોપીના બદલામાં ફાંસી માફીની વાત કરે છે. રાઘવન ડગતો નથી. ફાંસીને માચડે જતાં રાઘવન એક ઑફિસરની રીવોલ્વર છીનવી મનુ પર ગોળીબાર કરી એને ઘાયલ કરે છે. મનુ સામે ગોળીબાર કરી રાઘવનને ઠાર કરે છે. ઘાયલ રાઘવન આંખો મીચી દે છે અને મનુ બેહોશ થઇ ઢળી પડે છે. મૃત રાઘવનનો આત્મા મનુના દેહમાં, એના મનોજગતમાં પ્રવેશે છે.

ઘાયલ મનુ હૉસ્પિટલમાં છે. સુપ્રિયા એને નોકરી છોડવાની જીદ કરે છે. મૃત રાઘવનના અસ્થિનો કબજો નીતા અને મહાદેવ લે છે. મનુને એની ભીતર રાઘવન જનમ્યાની ભ્રમણા થાય છે. અરિસામાં પોતાના પ્રતિબિંબને સ્થાને એ રાઘવન જુએ છે. રાઘવન એના મન પર કબજો લઇ લે છે. હવે મનુ ક્યારેક મનુ તો ક્યારેક રાઘવન હોય છે. એ પોલીસના ખબરી એવા પોતાના સાથીદારને રાઘવન રૂપે એની સ્ટાઇલથી ઠાર કરે છે. નોર્મલ થતાં જ મનુને એક નિદરેષને માર્યાનો ખ્યાલ આવતાં પસ્તાવો થાય છે. સુપ્રિયાનું મનોબળ મનુને આધાર આપી ટકાવે છે.

મનુ રાઘવનની ભાષા બોલતો થાય છે. રાત્રે એ રીવોલ્વર સાથે ઘરમાંથી બહાર નીકળે છે અને ભ્રમણામાં બગીચામાં સોફા પર બેઠેલા રાઘવન પર ગોળીઓ વરસાવે છે. સુપ્રિયાને મનુની આંખોમાં આવેલો ફરક જણાઇ આવે છે. મનુને મુંબઇમાં યોજનારા આંતરરાષ્ટ્રીય અણુ સંમેલનની રક્ષાની જવાબદારી સોંપાય છે. મનુના કૉમ્પ્યુટરમાં વડા પ્રધાનની હત્યાની વિગત જોઇ શ્રીવાસ્તવ તાજ્જુબ થઇ જાય છે. એના મનમાં શકના બીજ રોપાય છે.

સુપ્રિયા એક સ્વામી પાસે મદદ માટે જાય છે. સ્વામી એને પ્રેમ અને વિશ્વાસથી મનુને જીતવાની સલાહ આપે છે. એ રાત્રે મનુ રધુની અસરમાં દોરવાઇ ટોપાઝ હૉટેલમાં જાય છે. એ નીતાને મળે છે, જાણે રધુ મળતો હતો એ રીતે. નીતા રઘુની વાણીને પામી જાય છે પણ રધુને ઠેકાણે મનુનો જોઇ સ્તબ્ધ થઇ જાય છે. ગાંડ મહાદેવને વશમાં લઇ મનુ એને વિશ્વાસમાં લે છે કે એનો દેહ મનુનો છે પણ ભીતર રઘુ વસે છે. મનુ નીતા પાસેથી રઘુના અસ્થિ લઇ જંગલમાં ધોધ પર વેરે છે. નીતા એને રઘુ તરીકે સ્વીકારે છે. તેઓ મનુ રહેતો એ ગુફાઓમાં જાય છે. નીતા ગાય છે : આજા ગુફામેં આજ... એ રાત્રે મનુ ઘરે નથી પહોંચતો.

બીજા દિવસે એ સીધો ઑફિસે પહોંચે છે. સુપ્રિયા એને ફોન કરી કહે છે કે આજે એમની મેરેજ એનીવર્સરી છે. એમને સાથે ઉજવવાની છે. મનુને જસ્ટીસ ચૌધરીને આપેલી ચેલેન્જ યાદ આવે છે. એ જસ્ટીસને રેલ્વે વર્કશોપમાં લઇ જઇ, પોતાની અદાલત ભરી ફાંસીની સજા સુણાવી ફાંસીએ લટકાવી દે છે. આ દરમિયાન મનુ રધુની અસર હેઠળ અન્ય બે ગુંડાઓને ખતમ કરે છે. અવસ્થીને જસ્ટિીસ ચૌધરીની હત્યાનો પ્લાન પણ મનુના કૉમ્પ્યુટરમાંથી મળે છે. એ સજાગ થઇ જાય છે. જસ્ટીસને ત્યાંથી મળેલી મનુના શૂઝની છાપ અને એની ફિંગર પ્રીન્ટ મેચ કરવાનું કાર્ય કરે છે.

રાત્રે મેરેજ એનીવર્સરી મનાવવા મનુ અને સુપ્રિયા હૉટેલમાં જાય છે. બન્ને આનંદમાં નૃત્ય કરે છે. સવારે મનુ ઊઠે છે ત્યારે આખો બેડરૂમ વેરણછેરણ પડ્યો છે. સુપ્રિયા પણ એને ફ્લેટના એક ખૂણામાં રડતી મળે છે. મનુ એની પાસે એકરાર કરે છે કે એને કશુંક થાય છે. એ જણાવે છે કે કોઇ એના દેહમાં પ્રવેશે છે. અહીં અવસ્થી પગેરું ઝડપતાં મનુ તરફ આગળ વધતો જાય છે. સુપ્રિયા મનુની સ્વામી પાસે લઇ જાય છે. સ્વામી એના દેહમાં અન્ય આત્માના પ્રવેશની વાત કરે છે. ત્યાં જ રઘુનો આત્મા સ્વામી ઉંચકીને પાણીમાં ફંગોળી દે છે. એની ભીતર રહેલો દુઃશાશન પ્રગટતાં એ સુપ્રિયા અને ગીતાને ત્યાંથી ચાલ્યા જવા કહે છે. કારણ કે રાધવન બદલો લેવા તત્પર છે. સ્વામી એને ભીતરના શયતાન સામે લડવાની સલાહ આપે છે. ભીતરના પ્રેતને હટાવવાનો સમય છે : જ્યારે દિવસ નથી હોતો અને રાત નથી હોતી ત્યારે જ આ પ્રેત હટશે.

ખૂનના સ્થળેથી મળેલી ફીંગર પ્રીન્ટો અને શૂઝ પ્રીન્ટો મનુના શૂઝ અને ફિંગર સાથે મેચ થતાં અવસ્થી ડઘાઇ જાય છે. સવારે મનુ રઘુના ઘરે જવા નીકળે છે. અવસ્થી એનો પીછો કરે છે. સુપ્રિયા પણ પીછામાં સામેલ થાય છે. રઘુનો આત્મા મનુને વડા પ્રધાનની હત્યાની યાદ અપાવે છે. રઘુના ઘરે નીતા મળે છે. એ મનુને કહે છે કે હવે એ ગર્ભવતી થઇ છે. એ સંસાર વસાવવાના સપનાં જુએ છે. સુપ્રિયા આ જુએ છે. ત્યાં જ અવસ્થી આવીને મનુને અટકમાં લેવાનો પ્રયાસ કરે છે. ગોળીઓ ચાલે છે. નીતા ઘાયલ થઇ જાય છે. એ રઘુનું નામ લેતી આંખો મીચી લે છે.

મનુ પુત્રી ગીતા સાથે ગુફામાં જાય છે. એ ગીતાને બલીની વેદી પર મૂકી એનું ખૂન કરવાનો પ્રયત્ન કરે છે. સુપ્રિયા એને અટકાવે છે. મહાદેવ અને અવસ્થી પણ ત્યાં આવી પહોંચે છે. સુપ્રિયાને સ્વામીએ કહેલું વાક્ય યાદ આવે છે. દિન દિન નહીં હોતા, રાત રાત નહીં હોતી. અત્યારે ગ્રહણનો સમય છે. રાત અને દિવસનો સંધી કાળ છે. મનુનું વ્યક્તિત્વ રઘુ સાથે સંઘર્ષમાં ઉતરે છે. સુપ્રિયા મહાદેવને લમણે રીવોલ્વર મૂકી રઘુને મનુનું શરીર છોડવા કહે છે. મહાદેવ મનુ પર પિસ્તોલ તાકે છે. અંતે મનુ મહાદેવને ઠાર કરે છે. મનુ રાઘવનથી મુક્ત થઇ જાય છે.

વડા પ્રધાનની સુરક્ષાનું કાર્ય મનુ સંભાળે છે. ફ્લોપી વડા પ્રધાનની હત્યાનું ષડયંત્ર ખુલ્લું પાડે છે. કેસ પતી જતાં મનુ એની કુટુંબ સાથે દિલ્હી પાછો જાય છે. અવસ્થી એને ટ્રેન પર મૂકવા આવે છે. અવસ્થી કહે છે કે એણી જસ્ટીસ ચૌધરી અને અન્ય બે ગુંડાઓના ખૂનની ફાઇલ બંધ કરી દીધી છે. મનુ એને જોકરનું લોકેટ આપે છે. રઘુનું અટ્ટહાસ્ય વાતાવરણમાં ફરી વળે છે.

ગીત-સંગીત : ફિલ્મમાં છ ગીતો છે. આ ગીતો ફિલ્મના પ્રવાહ સાથે ગતિ કરે છે. એકેય ગીત વધારાનું હોય એવું લાગતું નથી. બધા ગીતના શબ્દો પણ ફિલ્મના કથાનક સાથે મેળ રાખે છે. રામ રાવણના પ્રાસંગીક ગીત સિવાય બધા જ ગીતો હૉટેલના ડાન્સફ્લોર પર ફિલ્માવાયા છે. જો કે આ ગીતો લોકપ્રિય ન્હોતા થયા. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત પણ સુંદર છે.

(૧) યે રાત : આ ગીતમાં રાતના વિવિધ પાસાંઓનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ઇલેકટ્રોનીક વાજીંત્રો આ ગીતને નિખારે છે.

(૨) યારાં ના કોઇ નહીં રબ્બા રબ્બા :આ ડિસ્કોથેકનું ગીત છે.

(૩) હટ જાઓ રાવણ, મારુંગી બાણ (અમિતાભ-નંદિતા દાસ) : અહીં રાવણવધની પ્રતિકાત્મક વાત ખૂબ જ સુંદર રીતે કહેવાઇ છે. આ કથામાં રામ કોણ ? રાવણ કોણ ? એ પ્રશ્ન સતત ઉપસ્થિત રહે છે. સીતા જેવી સુમિત્રાની તો સતત અગ્નિ પરીક્ષા થતી રહે છે. અહીં રાવણને જ્ઞાની-વિજ્ઞાની દર્શાવાયો છે.

(૪) રાત આતી હૈ, ચલી જાતી હૈ : આ ગીત પણ ડિસ્કોથેકમાં ગવાયું છે.

(૫) આજા ગુફામેં આજા : આ ગીતમાં જે સેટ છે એ આવારાના ડ્રીમ સીકવન્સના સેટની યાદ અપાવે એવો ભવ્ય છે.

(૬) બંદા યે બિન્દાસ્ત હૈ :

ડિરેકશન અને અન્ય બાબતો : રાકેશ મહેરાનું ડિરેકશન ખૂબ જ ચુસ્ત છે. અહીં એમણે પ્રતિકાત્મકતાનો ભરપૂર ઉપયોગ કર્યો છે. કેટલીક મુખ્ય બાબતો આપણે જોઇએ. રાઘવનની દોડની ઝડપ બતાવવા જંગલી વરૂઓનો પીછો કરતો એને બતાવ્યો છે. જેલમાં રાઘવનને ગોળી વાગે છે ત્યારે ઇન્સપેક્ટરનો પડછાયો રાઘવન અને મનુ વચ્ચે ક્રોસ થઇ ઊભો છે. જાણે એક તરફ જીવન છે અને બીજી તરફ મોત. આ ક્રોસ રાઘવનનું મૃત્યુ ઇંગીત કરે છે. અહીં મનુષ્યોના યુદ્ધમાં મહોરાંઓ સાંકેતીક રીતે સાથ આપે છે. આ ઉપરાંત પણ સાંકેતીક રીતે ઘણું કહેવાયું છે. આ ફિલ્મમાં ગીતો હોવા છતાં એની ગતિ જળવાઇ રહી છે, એ એક ખુબી છે. જસ્ટીસ ચૌધરીને ફાંસીની સજા આપતાં મનુ કારની હેન્ડબ્રેક છોડે છે, જાણે ફાંસીના તખતાનું લીવર ખેંચતો હોય એમ.

ફોટોગ્રાફી આ ફિલ્મનું ઉત્તમ પાસું છે. ફિલ્મના આરંભમાં બુડાપેસ્ટ નગરનું દર્શન કરાવવા કૅમેરા ખુબીપૂર્વક ફર્યો છે. ત્યાંની ઇમારતો અને એની કોતરણી બખુબીથી ઝડપાયા છે. જંગલમાં સ્ટંટના દૃશ્યો પણ અસરકારક રીતે ઝીલાયા છે. ઍડીટીંગ પણ ખૂબ જ ચુસ્ત છે.

અભિનયની વાત કરીએ તો અમિતાભ અને મનોજ બાજપાઇની અહીં સ્પર્ધા છે. બન્ને એકમેક માથે હાવી થઇ જવા માગે છે. એક પાત્રને બીજામાં ઢાળવાનો અભિનય બન્ને અદાકાર માટે ચેલેન્જ જેવો છે. આવા અભિનયની જુગલબંધી ‘દેવતા’ ફિલ્મમાં સંજીવ કુમાર અને ડેની વચ્ચે, ‘સૌદાગર’ ફિલ્મમાં દિલીપ કુમાર અને રાજકુમાર વચ્ચે થઇ હતી. હૉલીવુડની ‘ફેસ ઑફ્ફ’ ફિલ્મમાં પણ આવો દ્વંદ્વ હતો. રવિના ટંડન એક ડાન્સરનો રોલ અને નંદિની દાસ એક ગૃહીણીનો રોલ સુંદર રીતે અદા કરે છે. નંદિતા દાસને ફાળે તો સીતા જેવી ભૂમિકા આવી છે. એ વહેરાયા કરે છે.

ફિલ્મનું ટાઇટલ અક્સ પણ ખરેખર યથાયોગ્ય છે. ગુજરાતી ફિલ્મ રસીકોને આવું ટાઇટલ જરા અઘરું પડે કે આ શું કહેવા માગે છે. અક્સના શબ્દકોષમાં ઘણા અર્થ છે. જેમ કે : વેર-ઇર્ષા-દ્વેષ-બરાબરી-છાયા અને પ્રતિબિંબ. અહીં પ્રતિબિંબ કથાવસ્તુ સાથે જાય છે. એ જ રીતે પાત્રોના નામ પણ પૌરાણીક અપાયા છે. નાયકનું નામ મનુ છે. મનુ એક ઋષી હતા. મનુની પુત્રીનું નામ ગીતા છે. મનુની પત્ની સુમિત્રા છે. સુમિત્રા એ લક્ષ્મણની માતાનું નામ હતું. અવસ્થિનો આડકતરો અર્થ થાય છે -સ્થિર. આમ અહીં પણ સારો ટચ છે.

ફિલ્મની પટકથા ખૂબ જ ચુસ્ત છે. કારણ કે સાયકો-ક્રાઇમ થ્રીલર હોવાને નાતે અહીં ઢીલાશ ન ચાલે. કેટલાક નૃત્યોમાં કોરીયોગ્રાફી આંખમાં વસી જાય એવી છે. આ ફિલ્મમાં પ્રોડકશનની ટીમે જે જહેમત ઉઠાવી છે એ કાબીલે તારીફ છે. મહેરાએ આ ફિલ્મ હૉલીવુડ સ્ટાઇલે બનાવી છે. આ કથાવસ્તુ જો હૉલીવુડની ફિલ્મમાં હોત તો પ્રેક્ષકો પાગલની જેમ એને નવાજી દેત. પણ ઘરકી મુરઘી દાલ બરાબર. આવી સાયકો-ક્રાઇમ થ્રીલર એના સમય કરતાં પચ્ચીસ વર્ષ પહેલા આવી જે ભારતના પ્રેક્ષકો પચાવી ન શક્યા.

આવી જ ફિલ્મો હૉલીવુડમાં આવેલી. ‘ફેસ ઑફ્ફ’ અને ‘મેટ્રીક્સ’. જો કે બન્ને ફિલ્મોની કથાવસ્તુમાં અકસ કરતાં ફરક હતો છતાં કહી શકાય કે એ અક્સ પણ એ ફિલ્મોની બરાબરીની હતી. મેટ્રીકસમાં સૂક્ષ્મ દેહની વાત કરાઇ હતી, જ્યારે ફેસ ઑફ્ફમાં પાત્રના ચહેરાઓ બદલીની વાત હતી. ચહેરા બદલાતાં એક પાત્ર બીજા પાત્રના જગતમાં પ્રવેશવાની વાત હતી.

અક્સ આવી અને ગઇ. વેણીભાઇ પુરોહિતની ભાષામાં ‘હાથી પસાર થઇ ગયો અને આપણે સોડા-લેમન પીતા રહી ગયા.’ પ્રતિબિંબની વાત પર એક કાવ્ય :

નદીના લહેરાતા જળમાં

મેં મારું પ્રતિબિંબ જોયું

પ્રતિબિંબમાં હું લહેરાઇ રહ્યો હતો

પછી ઘરે જઇને

મેં બધા અરિસા ફોડી નાખ્યા.

-કિશોર શાહ kishorshah9999@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED