Strini Vednana Bandhnoni Kavita - Bandini books and stories free download online pdf in Gujarati

Strini Vednana Bandhnoni Kavita - Bandini

સ્ત્રીની વેદનાના બંધનોની કવિતા : બંદિની (૧૯૬૩) -કિશોર શાહઃસંગોઇ

નિર્માણ-ડિરેકશન : બિમલ રોય

આસી. ડિરેકટર : ગુલઝાર-મૃદુલ દત્ત

સ્ક્રીન પ્લે : નબેન્દુ રોય

કથા : જરાસંધ

સંવાદ : પૉલ મહેન્દ્ર

કલાકાર : અશોક કુમાર-નુતન-ધર્મેન્દ્ર-રાજા પરાંજપે-તરૂણ બોઝ-આસીત સેન-ચંદ્રીમા ભાદૂરી-મોની ચેટર્જી-ઇફતેખાર અને અન્ય.

સંગીત : એસ.ડી. બર્મન

આસી. સંગીત ડીરેકટર : રાહુલ દેવ બર્મન

ગીત : શૈલેન્દ્ર-ગુલઝાર

સીનેમેટોગ્રાફી : કમલ બોઝ

ઍડિટીંગ : મધુ પ્રભાવળકર

આર્ટ ડિરેકશન : સુધેન્દુ રૉય

આસીસ્ટન્ટ ડિરેકટર : ગુલઝાર-મૃદુલ દત્ત

આસીસ્ટનટ સંગીત ડિરેકટર : રાહુલ દેવ બર્મન

સાઉન્ડ : દિનશા બિલીમોરીયા

હિંદી ફિલ્મ જગતમાં બિમલ રૉય મુઠ્ઠી ઉંચેરા સજર્ક. એમણે દો બીઘા જમીન, કાબૂલીવાલ, દેવદાસ, સુજાતા વગેરે ઉચ્ચ કક્ષાની ફિલ્મો આપી. એમાંની એક ફિલ્મ છે ‘‘બંદિની.’’ બંદિનીએ ભારતીય સ્ત્રીની વેદનાને વાચા આપી છે . બંદિનીએ ઘણા ઊંચા શિખરો સર કર્યા. આ ફિલ્મને ૧૯૬૩ની બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ ઍવોર્ડ મળ્યો. ૧૯૬૪માં આ ફિલ્મને ફિલ્મફેરનો બેસ્ટ મુવી ઍવોર્ડ મળ્યો. અન્ય ફિલ્મફેર ઍવોર્ડમાં નૂતનને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવોર્ડ, બિમલ રોયને શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઍવોર્ડ, કમલ બોઝને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફરનો ઍવોર્ડ, દિનશા બિલીમોરીયાને શ્રેષ્ઠ સાઉન્ડ રેકોર્ડિંગનો ઍવોર્ડ અને જરાસંધને શ્રેષ્ઠ સ્ટોરીનો ઍવોર્ડ મળ્યો.

કથા : આ વાત છે આઝાદી પહેલાના સમયની જ્યારે ક્રાંતિકારીઓ આઝાદીની લડત લડતા અને પકડાઇ જાય તો ફાંસી એ ચઢતા. આ સમયે નામ પ્રમાણે ગુણ ધરાવતી કલ્યાણી (નૂતન) બંગાળના એક નાના ગામના સદાશિવ નામના પોસ્ટ માસ્તરની પુત્રી છે. ખૂનના આરોપસર એને આઠ વર્ષની સજા થાય છે અને સી. ક્લાસ કેદી તરીકે જેલમાં જાય છે. સેવાભાવી સ્વભાવથી જેલમાં એ બધાના મન જીતી લે છે. જેલમાં દેવેન્દ્ર (ધર્મેન્દ્ર) ડૉકટર હોય છે. એક મહિલા કેદીને ક્ષયનો રોગ લાગુ પડતાં એની સારવાર માટે માત્ર કલ્યાણી તૈયાર થાય છે. કલ્યાણીને દદર્ીની ડ્યુટી સોંપાતાં જેલની મહિલા કેદીઓમાં ઇર્ષા જાગે છે. આ દરમિયાન કલ્યાણી ડૉ. દેવેન્દ્રના સંપર્કમાં આવે છે. ડૉકટર કલ્યાણી તરફ આકર્ષાય છે અને એના પ્રેમમાં પડે છે. એમનો પ્રેમ સંબંધ કેદીઓમાં અને જેલના સ્ટાફમાં ચર્ચાનો વિષય બને છે. કલ્યાણી દેવેન્દ્રને ચાહતી હોવા છતાં ખૂનનો ભૂતકાળ ધરાવવાના કારણે, દેવેન્દ્રની ભવિષ્યની જીંદગી કલંકીત ન થાય માટે દેવેન્દ્રના સ્વીકારનો ઇન્કાર કરે છે. કલ્યાણીના ઇન્કારથી નારાજ દેવેન્દ્ર રાજીનામું આપી નોકરી છોડી દે છે. જેલર એની પાસે રાજીનામાનું સાચું કારણ જાણી લે છે. સારી ચાલચલગતને હિસાબે સજા માફી થવા છતાં, જેલમાંથી વહેલા છૂટવાનો કલ્યાણી ઇન્કાર કરે છે. જેલર કલ્યાણીને દેવેન્દ્રનો સ્વીકાર કરવા સમજાવે છે. કલ્યાણી પાસેથી એનો ભૂતકાળ જાણવાની માગણી કરે છે. કલ્યાણી એનો ભૂતકાળ ડાયરીમાં લખી જેલરને આપે છે. ફ્લેશબેક શરૂ થાય છે.

કલ્યાણીને એક સેવાભાવી ભાઇ હતો. પૂર રાહતમાં સેવા કરવા જતાં એ પાછો ન ફર્યો. એ મૃત્યુ પામ્યો. કલ્યાણી કલાકો સુધી નદી કિનારે ભાઇને યાદ કરતાં, એકલતામાં સમય વિતાવતી. એ ભણતી અને પિતાની સેવા કરતી. આ સમયે ગામમાં એક ફ્રીડમ ફાઇટર બિકાસ ઘોષ (અશોક કુમાર)ને નજરકેદ રખાયો હોય છે. કલ્યાણી એના સંપર્કમાં આવે છે. એ સંપર્ક પ્રેમમાં પરિણમે છે. બિકાસ કવિતાઓનો ચાહક છે. એ કલ્યાણીના પિતા પાસે વૈષ્ણવ કવિતાઓ સાંભળવા એમના ઘરે જાય

છે. કલ્યાણી અને બિકાસ વધુ નિકટ આવે છે. કલ્યાણી અને બિકાસ ગોધૂલી વેળાએ તુલસીની સાક્ષીમાં દિવો પ્રગટાવી એકમેકને મનોમન સ્વીકારી લે છે. જાણે ગાંધર્વ લગ્ન કર્યા હોય.

એક રાત્રે તાવથી ધખતો બિકાસ કલ્યાણીને મળવા ઘરે આવે છે. એ બેહોશ જેવો થઇ ઢળી પડે છે. કલ્યાણી એને રાતે ઘરે રાખે છે. પોલીસની નજરે આ ચઢે છે. સવારે પોલીસ બીકાસનેે લેવા આવે છે ત્યારે અહીં રાત રહેવાનું કારણ પૂછી ધમકાવે છે, ક્લ્યાણીના ઘરને વેશ્યાનો કોઠો કહે છે. કલ્યાણીને આ બદનામીથી બચાવવા મૂંઝાયેલો બિકાસ જોશમાં આવી કલ્યાણીને પોતાની પત્ની ગણાવે છે. ગામડાના સમાજમાં હલચલ મચી જાય છે. બન્ને પિતાના આશીર્વાદ માગે છે. સદાશીવ સમય માગે છે. પોલીસ અધિકારી પણ બિકાસના વખાણ કરી સદાશીવને કલ્યાણીના લગ્ન બિકાસ સાથે કરવાની સલાહ આપે છે. આ બનાવ પછી પોલીસ બિકાસને ટ્રાન્સફર કરવાનું નક્કી કરે છે. બિકાસ જતાં પહેલા પિતા-પુત્રીને મળે છે. બિકાસ વિધી કર્યા વિના પિતા પાસે કલ્યાણીનો સ્વીકાર કરે છે. પિતા આ સંબંધને લગ્નની મંજૂરી આપે છે. બિકાસના ગયા પછી ગામવાસીઓના મહેણાં-ટોણાં શરૂ થાય છે. ગામવાસીઓ એમનો બહિષ્કાર કરે છે. બિકાસના આવતા પત્રો ધીમે ધીમે ઓછા થઇ બંધ થઇ જાય છે. બિકાસને લખાયેલા પત્રો પણ પાછા આવે છે. ગામમાંથી કલ્યાણીને ખબર પડે છે કે બિકાસે લગ્ન કરી લીધા છે. પોતાનો પાછો ફરેલો પત્ર કલ્યાણી ચૂલામાં નાખી દે છે. જાણે સંબંધનો અગ્નિસંસ્કાર કરતી હોય. ગામવાસીઓથી કંટાળેલી કલ્યાણી પિતાએ ગુસ્સામાં જાકારો આપતાં, ગામ છોડે છે. એ શહેરમાં એની બહેનપણીને ત્યાં આવે છે. એના આવતાં પહેલા એની વાતો ત્યાં પહોંચી ગઇ હોય છે. બહેનપણીને ત્યાંથી પણ એને જાકારો મળે છે.

કલ્યાણી શહેરમાં એક નર્સીંગ હોમમાં આયાની નોકરી સ્વીકારે છે. એને નિમ્ન કક્ષાના કામ કરવા પડે છે. અહીં એક મહિલા દદર્ી હિસ્ટીરીયાથી પીડાતી હોય છે. એ સતત ઝગડા કરતી હોય છે. વસ્તુઓ તોડફોડ કરી, મહેણા મારી, ધમકાવી, સ્ટાફને એ સતત ત્રાસ આપતી હોય છે. કલ્યાણીને એની ડ્યુટી સોંપાય છે. એક દિવસ એ મહિલાનો પતિ એને મળવા આવે છે. કલ્યાણી અરિસામાંથી એને જુએ છે. એ બિકાસ હોય છેે. કલ્યાણીના પગ નીચેથી જમીન ખસી જાય છે. એક દિવસ કલ્યાણીની બહેનપણી કહેવા આવે છે કે એને શોધવા શહેરમાં આવેલા એના પિતાને અકસ્માત થયો છે. તેઓને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. કલ્યાણી હૉસ્પિટલમાં જાય છે. એના પિતા મૃત્યુ પામ્યા હોય છે. પિતાના મૃત્યુથી આઘાત પામેલી કલ્યાણી બિકાસની પત્નીના અસહ્ય ત્રાસથી કંટાળી એને ઝેર આપી મારી નાખે છે. કોર્ટમાં કલ્યાણી એનો ગુનો કબૂલ કરે છે અને આઠ વર્ષની સજા પામે છે.

જેલર કલ્યાણીની ડાયરી વાંચીને દેવેન્દ્રની માતાને પણ ડાયરી વંચાવે છે. કલ્યાણીના લગ્ન દેવેન્દ્ર સાથે કરવા મનાવી લેે છે. કલ્યાણીને પણ દેવેન્દ્રની માતાનો લગ્ન માટે સંમતિનો પત્ર વંચાવે છે. કલ્યાણી દેવેન્દ્ર સાથે લગ્ન માટે તૈયાર થાય છે. કલ્યાણીની સજા સારી ચાલચલગત માટે માફ થાય છે. જેલર કલ્યાણીને દેવેન્દ્રને ગામે પહોચાડવા મહિલા વોર્ડન સાથે મોકલે છે. એક સ્થાને બોટમાંથી ઉતરીને ટ્રેન પકડવાની હોય છે. કલ્યાણી ધર્મશાળા જેવા ઓરડામાં ઉતરે છે. એ ઓરડાના પાટર્ીશન પાછળ બિમાર બિકાસ ખાંસતો હોય છે. કલ્યાણી એને જુએ છે. બિકાસનો મિત્ર કલ્યાણીને એના સમર્પણની વાત કરે છે. બિકાસ ઘોષની પાટર્ીના વડાને બિકાસે જણાવ્યું કે એક કન્યાને એણે સ્વીકારી લીધી છે. વડાએ બિકાસને એની મરજી ન હોવા છતાં આદેશ આપીને પૉલીસ ઑફિસરની પુત્રી સાથે લગ્ન કરવા ફરમાન કર્યું. જેથી ક્રાતીકારીઓ પોલીસની ભીતરની વાતો જાણી શકે. બિકાસની પત્નીની કલ્યાણીના હાથે હત્યા થઇ. બિકાસ ભાંગી પડ્યો. માંદો પડ્યો. જીવનમાંથી એનો રસ ઊડી ગયો. ક્ષય જેવા ચેપી રોગથી પીડાતો બિકાસ શહેર છોડી, બાકીની જીંદગી ગામમા વિતાવવાનું નક્કી કરી એને ગામ જતો હતો. બિકાસે કલ્યાણીને કહ્યું કે આ સમગ્ર બનાવો બાબતનો પત્ર એણે લખ્યો હતો પણ ત્યાં કોઇ ન હોવાથી પત્ર પાછો આવ્યો. આ સમગ્ર ઘટનાની જવાબદારી બિકાસે સ્વીકારી અને કલ્યાણીની માફી માગી.

કલ્યાણી દ્વિધાામાં પડી ગઇ. ટ્રેન અને બોટ છૂટવાનો સમય થયો. ઍન્જીનની સીટી અને બોટનું ભૂંગળું વાગવા માંડ્યા. સીટી અને ભૂંગળાની જાણે ખેંચતાણ ચાલી. કઇ તરફ જવું એ દુવિધામાં કલ્યાણીનું મન રહેંસાવા લાગ્યું. કશમકશના અંતે બોટ ઉપડવાની છેલ્લી ઘડીએ કલ્યાણી મન મક્કમ કરી, દેવેન્દ્ર પાસે જવાની ટ્રેન છોડીને બોટ તરફ દોટ કાઢે છે. બિકાસને મળી એના ચરણે પડે છે. જેલના બંધનમાંથી છૂટેલી કલ્યાણી પ્રેમના બંધનમાં બંધાય છે. અહીં બેકગ્રાઉડમાં ગવાતા ગીતનીે પંક્તિ સુંદર છે. ‘‘મૈં સંગીની પિયા કી, મૈં બંદિની હું સાજન કી.’’

ગીતો : આ ફિલ્મનું એક એક ગીત ઉત્તમ કવિતા છે જે સચીન દેવ બર્મને દિલથી સંગીતમાં ઢાળી છે. કવિ અને સંગીતકારનો અહીં સુંદર સમન્વય છે. ગીતોનું ફિલ્માંકન ગીતના ભાવો સાથે તાલમેલ રાખે છે. કવિતા-ગીતોના શબ્દો અને પંક્તિઓ ફિલ્મની વાર્તા અને પાત્રોની ગતિ સાથે તાલમેલ સાધતા રહે છે. એમાંની કેટલીક પંક્તિઓ તો ખૂબ જ હૃદયસ્પર્શી છે. આ ગીતો સરળ તળપદી ગામઠી બોલીને લીધે વધુ મધુર લાગે છે.

*ઓ પંછી પ્યારે..બોલે તું કૌનસી બોલી : (આશા) જેલમાં રહેતી મહિલા કેદી અને બહારના જગત વચ્ચે પંખી જ એક સેતું છે. કમનસીબે એની ભાષા નથી સમજાતી એટલે બહારના જગતની ખબર નથી પડતી. પોતાની જાતને પંખી ગણતા એ કહે છે ‘‘પાંખ બેકાર છે અને સાગર પાર કરવો છે.’’ જેલમાં કોટડીની બારીમાંથી જ વસંતનું આગમન ખબર પડે છે. આ ગીતના સંગીતમાં સૂપડામાં અનાજ છડવાના ધ્વનિનો, ઉખડમાં મસાલા કૂટવાના ધ્વનિનો અને ઘંટીથી અનાજ દળવાના ધ્વનિનો અદ્‌ભૂત સમન્વય કરાયો છે. (આર.ડી.બર્મન પોતાની ફિલ્મોમાં પણ ધ્વનિઓનો સમન્વય કરતા) દળણા દળતી સ્ત્રીનો પગ આ ગીતના તાલ સાથે સમન્વય સાધે છે, એ શોટ ખૂબ જ સુંદર છે.

* અબ કે બરસ ફિર ભૈયા કો બાબુલ....(આશા) બચપણ અને પિયરના વિરહનું આ ગીત છે. એની કેટલીક અર્થસભર પંક્તિઓ માણીએે. ‘‘અબ કે બરસ ફિર ભૈયા કો બાબુલ, સાવન મેં લેજો બુલાય રે./લૌટેંગી જબ મેરે બચપન કી સખીયાં દેજો સંદેસા ભિજાય રે./અંબુવા તલે ફિર સે ઝૂલે પડેંગે, રીમઝીમ પડેંગી ફુહારે/લૌટેંગી ફિર તેરે આંગન મેં બાબુલ સાવન કી ઠંડી બહારેં/ છલકે નયન મોરા કસકે રે જીયરા, બચપન કી જબ યાદ આયે રે/ બૈરન જવાની ને છીને ખીલૌને, ઓર મેરી ગુડિયા ચુરાઇ/બાબુલ કી મૈં તેરે નાઝોં કી પાલી, ફીર ભી હુઇ મૈં પરાઇ/બીતે રે જુગ કોઇ ચિઠીયા ન પાતી ના કોઇ મહિયર સે આયે રે.’’

જુવાનીને વેરણ કહેતાં એ કહે છે. જુવાનીએ રમકડાં છીનવ્યાં અને ઢીંગલી ચોરી લીધી. મુગ્ધતા ગુમાવીને જુવાની મેળવવાની આથી મોટી વ્યથા કોઇ હોઇ શકે ખરી !

* મત રો માતા લાલ તેરે...(મન્ના ડે) : રાષ્ટ્રભક્તિનું આ ગીત ફાંસી પામેલો ક્રાંતિકારી ફાંસીએ ચઢતા પહેલા ગાય છે. ગીતમાં એ કહે છે ‘‘જબ મૈં નહીં રહુંગા લેકિન જબ હોગા અંધીયારા /તારોં મેં તું દેખેંગી હસતા એક નયા સિતારા’’ ફાંસીએ ચઢેલા રાષ્ટ્રવાદી તારલાઓનું હવે ગ્રહણ થઇ ગયું છે.

* જોગી જબ સે તું આયા મેરે દ્વારે..(લતા) : ક્રાંતિનો ભેખ લીધેલો જોગી બિકાસ છે. કલ્યાણી એને સંબોધીને ગાય છે. આ ગીતની કેટલીક પંક્તિઓ માણીએ. ‘‘જોગી જબ સે તું આયા મેરે દ્વારે, મેરે રંગ ગયે સાંજ સખા રે. તું તો અખીયોં સે જાને જી કે બતીયાં, તો સે મીલના હી જુલમ ભયા રે./જાકે પનઘટ પે બૈઠું મૈં રાધા દિવાની/બિન જલ લીયે ચલી આઉં રાધા દિવાની/મોહે અજબ યે રોગ લગા રે./મીઠી મીઠી અગન યે કહે ન સકુંગી, મૈં તો છુઇમુઇ અબલા રે સહે ન સકુંગી/ મેરે ઓર નિકટ મત આરે ઓ જોગી. આ ગીતના ફિલ્માંકનમાં મુગ્ધ વયની કન્યાના પ્રેમનો ધબકાર અને થરકાટ ઝીલાયા છે. પ્રેમમાં પડેલી મુગ્ધ કન્યા લજામણીના છોડ જેવી હોય છે. સ્પર્શો તો તરત બિડાઇ જાય. નિસર્ગની સાક્ષીએ પ્રણયના એકરારનું આ ગીત છે.

* મોરા ગોરા અંગ લઇ લે..(લતા) : આ ગીતની પાશ્ચાદ ભૂમિકામાં રાધા-કૃષ્ણના સંબંધનો એક પ્રસંગ છે, એની એક કવિતા છે. પોસ્ટમાસ્ટર બિકાસને આ કાવ્ય ઊંડાણથી સમજાવતાં કહે છે : ‘‘રાત કે અંધેરે મેં છુપ કર રાધાજી શ્રી કૃષ્ણ સે મીલને જા રહી હૈ. ઇસ લીએ ઉન્હો ને શ્યામ રંગ કા સિંગાર કીયા હૈ. નીલે રંગ કી સાડી ઔર નીલે રંગ કે કંગન ઔર આંખોં મેં કાજલ ડાલા હૈ. લેકીન ફીર ભી જબ અંધેરે મેં ઉનકા ગોરા રંગ ચમક ઊઠતા હૈ તબ ડરતી હૈ, કોઇ દેખ ન લે. કહતી હૈ ‘ભગવાન મેરા ગોરા રંગ મુઝસે લે લો. મુઝે શ્યામ રંગ દે દો.’’ આ ગીતની કેટલીક પંક્તિઓ માણીએ. ‘‘મોરા ગોરા અંગ લઇ લે, મોહે શ્યામ રંગ દઇ દે, છુપ જાઊંગી રાત હી મે, મોહે પી કા સંગ દઇ દે./ કુછ ખો લીયા હૈ પાય કે, કુછ પા લીયા ગવાય કે./કહાં લે ચલા હૈ મનવા, મોહે બાવરી બનાય કે.’’ આ બાવરું મન, સામાજીક કાંટાની વાડ ઓળંગી જાય છે.

* ઓ જાને વાલે હો સકે તો લૌટ કે આના (મુકેશ) : આ અર્થસભર ગીત આજ સુધી લોકપ્રિય રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે. આ ગીતના કોરસમાં હમીંગના જે સૂર છે એ આજે પણ ગીતના શબ્દોની જેમ મનમાં ઘૂંટાયા કરતા રહે છે. આ ગીતના સુંદર એક શોટમાં દૂર જતી કલ્યાણીનો આકાર ઓળો થઇ અંધારામાં ઓગળી જાય છે. આ ગીત માણીએ : ‘‘ઓ જાને વાલે હો સકે તો લૌટ કે આના/યે ઘાટ, તું યે બાટ કભી ભૂલ ન જાના./બચપન કે તેરે મીત તેરે સંગ કે સહારે./ઢુંઢેંગે તુઝે ગલી ગલી સબ યે ગમ કે મારે/પૂછેગી હર નિગાહ કલ તેરા ઠિકાના/ દે દે કે યે આવાઝ કોઇ હર ઘડી બુલાયે/ફિર જાયે જો ઉસ પાર કભી લૌટ કે ન આયે/હૈ ભેદ યે કૈસા કોઇ કુછ તો બતાના.’’ ઉસ પારનું રહસ્ય શું છે એ આજસુધી ઉકેલાયું નથી.

* ઓ માઝી, મેરે માઝી, મેરે સાજન હૈ ઉસ પાર....(સચીન દેવ બર્મન) : સચીન’દાએ ઘણી ફિલ્મોમાં અર્થસભર ગીતો ગાયા છે. એમનો અનેરો કંઠ કોઇ પણ ગીતને ઊંચાઇ બક્ષે એવો છે. બંદિનીનું માઝીને ઉદ્દેશી ગવાયેલું આ ગીત માનસિક કશ્મકશનું ગીત છે. એની કેટલીક પંક્તિઓ...‘‘મન કી કીતાબ સે તુમ મેરા નામ હી મીટા દેના/ગુન(ગુણ) તો ન થા કોઇ ભી, અવગુન મેરે ભૂલા દેના./ મત ખેલ જલ જાયેગી, કહતી હૈ આગ મેરે મન કી./ મૈં બંદિની પિયા કી મૈં સંગીની હું સાજન કી.’’ આ ગીત સાથે ટ્રેનની સીટી અને સ્ટીમરના ભૂંગળાના અવાજનો સમન્વય છે. એ બન્ને વચ્ચેની ખેંચતાણ છે. કલ્યાણીએ કઇ તરફ જવું એ આ ગીતની પંક્તિઓ નક્કી કરી આપે છે.

સંવાદો : આ ફિલ્મમાં ચબરાકીયા સંવાદો નથી. જે સંવાદો છે તે જરૂરત મુજબના છે. ડૉ. દેવેન્દ્ર : મેરી રાય મેં અગર કોઇ એક બાર અપરાધ કર બૈઠે તો વહ હમેશાં કે લીએ અપરાધી નહીં બન જાતા./ અપને બીતે દિનોં કી પશ્ચાતાપ કી આગમેં ભવિષ્ય કો ન જલાઓ કલ્યાણી. /ક્યા લાભ ઓર હાનિ કા હિસાબ-કિતાબ હી જીવન કી સબ સે બડી બાત હોતી હૈ ?

અન્ય બાબતો : એ સમયે માંદગીમાં શક્તિના ખોરાક તરીકે બાર્લીનો વપરાશ હતો. જેલર રેલ્વે ગાર્ડ જેવો ગોળ ટૉપો પહેરતા. જેલર પોતાના મોભાને છાજે એમ સિગાર પીતા. સામાન્ય લોકો હુક્કો પીતા. બંગાળના વાતાવરણની ફિલ્મો દ્વારા બંગાળમાં હુક્કાનું ચલણ વિશેષ જોવા મળે છે. જેલરની ઑફિસમાં ટેબલ પાછળની ભીંત પર વાઇસરોયનો ફોટો લટકતો. ઘરોમાં ચૂલામાં લાકડા વપરાતા. ક્ષયના દદર્ીને અત્યંત ઘૃણાથી જોવાતો, એ અશપૃશ્ય જેવો ગણાતો. હવે ઓછી દેખાતી પેટ્રોમેક્ષ અહીં દેખાવ દે છે.

ડિરેકશનના ચમકારા : બિમલ રોય જેવા મોટા ગજાના દિગ્દર્શક ફિલ્મમાં પ્રતિક રૂપે એટલા શોટ સમાવે છે કે બધા શોટ લખીએ તો પાનાંના પાનાં ભરાય. મોટાભાગના આવા શોટ ચાર-પાંચ સેકંડના હોવા છતાં પ્રતિકાત્મક રીતે ઘણું બધું ઊંડાણથી કહી જતા હોય છે. આપણે આવા કેટલાક શોટ જોઈએ. કલ્યાણી જે સ્ત્રીની સારવાર કરતી હોય છે એ ઓરડાની બારીમાંથી ઠુંઠું દેખાય છે. સારવાર દ્વારા તબિયત સારી થતાં એ બારીમાંથી દેખાતું એ ઠુંઠું પર્ણ સભર થઇ જાય છે. દેવેન્દ્ર પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે ત્યારે કલ્યાણી પગના અંગૂઠાથી જમીન ખોતરે છે, પગ પાસેની માટી પંજાથી હટાવે છે. દેવેન્દ્ર જ્યારે કલ્યાણીના ખભા પર હાથ મૂકે છે ત્યારે જ જેલમાં ખતરાની ઘંટી વાગે છે. જાણે ઘંટી રણકીને જણાવતી હોય કે આ સંબંધ ખતરા જેવો છે. કલ્યાણી જેલમાં કપડું સીવે છે ત્યારે લાંબા હાથે બખીયા મારે છે, જાણે જીવતરને બખીયા મારતી હોય. દેવેન્દ્ર જ્યારે નોકરી છોડી જાય છે ત્યારે એની ઘોડાગાડીનો અવાજ સાંભળવા કલ્યાણી જેલની દિવાલ નજીક જાય છે. જેલમાં ‘‘સબ ઠીક હૈ’’ પોકારવાની એક પ્રથા હોય છે. જ્યારે કશુંક ઠીક નથી બનતું ત્યારે પણ આ પોકાર સરસ વિરોધાભાસ ઊભો કરે છે. જેમ કે કેદીને ફાંસી અપાયા પછી ચોકીદાર પોકારે છે -સબ ઠીક હૈ. કેદીને ફાંસી માટે લઇ જવાતો હોય છે ત્યારે કેદના મકાનનો પડછાયો રસ્તા પર પડે છે. પડછાયો રસ્તાને અંધકાર અને પ્રકાશમાં વહેંચી દે છે. જાણે જીવન અને મૃત્યુ વચ્ચે રસ્તો વહેંચાયો હોય, મત્યુના અંધકાર તરફ જતો આઝાદીનો લડવૈયો કેદી પ્રકાશમાં આગળ વધે છે. રાધા-કૃષ્ણની વાત સાંભળતી કલ્યાણી ચા ના કપમાં ચમચી ફેરવે છે જાણે પોતાના જીવનમાં સાકરની જેમ બિકાસ સાથે ઓગળતી હોય. નજરકેદ રહેલા બિકાસ ઘોષ અને કલ્યાણી વચ્ચે સમાજ અને બ્રિટીશ રાજની કાંટાળી વાડ રહેલી છે. બિકાસ જ્યારે ગામ છોડી જાય છે ત્યારે ફોરગ્રાઉન્ડમાં પર્ણ વિહોણું વૃક્ષ છે. એ આવનારા મુશ્કેલ દિવસોના પ્રતિક જેવું લાગ્યા કરે છે. ગામવાસીઓની ટીકાની ઉગ્રતા બતાવવા સૂર્યના તડકાની ઉગ્રતા દર્શાવાઇ છે. આ સૂર્યના ફોરગ્રાઉન્ડમાં વૃક્ષ છે જેના પડછાયા કૂથલી જેવા લાગે છે. બિકાસના જતાં જ કલ્યાણીની આંખો અને આકાશ બન્ને વરસી પડે છે. નિરાશ કલ્યાણી પિતાના મૃત્યુ પછી પાછી ફરે છે ત્યારે બારીનો લાંબો પડછાયો જાણે પિતાનો પડછાયો એની સાથે હોય એવું લાગે છે. પિતાના મૃત્યુુથી આઘાત પામેલી કલ્યાણીને બિકાસની પત્ની મહેણા મારે છે એ પછી સામેના મકાનમાં લોખંડનું કામ થતું હોય છે. હથોડાના ફટકા અને વેલ્ડીંગના ઝરતા તણખા કલ્યાણીની મનોસ્થિતીને પ્રતિકાત્મક આકાર આપે છે. કલ્યાણી ચા ગરમ કરવા સ્ટવ પેટાવે છે. સ્ટવની જ્વાળાઓ કલ્યાણીની મનોદશાને તાદૃશ કરે છે. આ જ પરિસ્થિતીમાં કલ્યાણી બિકાસની પત્નીને ઝેર પાઇ દે છે. ફિલ્મની ક્લાઇમેકસ સમયે બે અન્ય પાત્રો પ્રવેશે છે. સ્ટીમરનું ભૂંગળું અને ટ્રેનની સીટી. આ બન્ને પાત્રો મુખ્ય પાત્રને પોતાની તરફ ખેંચવાના પૂરતા પ્રયત્નો કરે છે. અંતે એકનું પલડું નમે છે.

બંદિની નખશીખ સુંદર ફિલ્મ છે. સીનેમેટોગ્રાફર કમલ બોઝને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. જ્યાં ફ્રેમીંગનો ચાન્સ મળ્યો છે ત્યાં સુંદર ફ્રેમીંગ થયું છે. ટાઇટલમાં જેલમાં ફરતો કેમેરા જેલની દિવાલ અને આકાશ વચ્ચે ૧/૪-૩/૪ નું પરિમાણ જાળવે છે. આઉટડોર ગીતોના ફિલ્માંકનમાં કુદરતને ખુબીથી વણી લેવામાં આવી છે. એમ તો કૅમેરાની મુવમેન્ટ એટલી બધી છે કે કેટલાય લેખ લખાય. ટુંકમાં કૅમેરાની ભાષા ફિલ્મની કથા સાથે સુંદર રીતે વણાઇ છે. કૅમેરાની ભાષાને મૂવમેન્ટને શબ્દોમાં ઉતારવી એના કરતાં ફિલ્મ જોઇને માણવાની મજા જ ઓર છે. બેકગ્રાઉન્ડ સંગીત પણ પ્રસંગને યોગ્ય અસર ઉપજાવે છે. એવું જ અભિનયનું છે. અભિનયમાં નૂતન મેદાન મારી જાય છે. ફિલ્મમાં મોટાભાગે એના ચહેરા અને આંખની મુદ્રાઓ પરદા પર છવાઇ જાય છે. શરમમાં પાંપણો ઝૂકાવતી વખતે આંખની કીકીઓ એક તરફ ઢાળવી એ લાક્ષણિક મુદ્રા છે. સમગ્ર ફિલ્મમાં નૂતનને ઘરેણા વિહોણી અને સાદા વસ્ત્રોમાં જ દર્શાવાઇ છે. સાદાઇમાં પણ એની ગરિમા નિખરી ઊઠે છે. અશોક કુમાર અને ધર્મેન્દ્ર એમની ભૂમિકા હળવાશથી નિભાવી જાય છે. ફિલ્મનું ઍડીટીંગ પણ ચૂસ્ત છે. બિમલ રૉય જેવા સજ્જ દિગ્દર્શકની ફિલ્મ જોવી અને માણવી એ પણ લહાવો છે. એ સમયની મોટાભાગની સ્ત્રીઓ બંદિની રહી છે. જન્મથી યુવાની સુધી મા-બાપની બંદિની અને લગ્ન થતાં પતિની બંદિની. બંદિની સ્ત્રીત્વનું પ્રતિબિંબ છે.

-કિશોર શાહ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED