Sada Chiranjiv Shree 420 books and stories free download online pdf in Gujarati

Sada Chiranjiv Shree 420

સદા ચિરંજીવ શ્રી ૪૨૦

કિશોર શાહઃસંગોઇ

રાજ કપૂર એક નોખો-અનોખો અભિનેતા અને દિગ્દર્શક છેે. એ રોમેન્ટીક હોવા છતાં ગમને મહોરું પહેરાવી ચહેરા પર મસ્તી પાથરતો મોજીલો હોવાનો ડોળ કરતો માણસ છે. પ્રેમના અતલ ઊંડાણના પ્રસંગો એની ફિલ્મોમાં સતત ડોકાયા કરતા હોય છે. શ્રી ૪૨૦ પણ સાકરના પડવાળી કડવી ગોળી જેવી ફિલ્મ છે. ફિલ્મમાં ઊંડા ઉતરતાં હાસ્યની ઓથે જગતની કડવી વાસ્તવિકતાઓ અને હૃદયનો વલોપાત નજરે પડે. જીવનમાં અને શ્રી ૪૨૦ માં રાજ કપૂરે ચાર્લી ચેપ્લીનને આત્મસાત કર્યો છે. આમ જુઓ તો બન્નેની પ્યાસ એકસરખી જ છે. એ પ્યાસના પડઘા એ બન્નેની ફિલ્મોમાં પડે છે. રાજ કપૂરની ફિલ્મોનો ઉપાડ રમૂજથી થાય. પ્રેક્ષકો ફિલ્મના પ્રવાહમાં આવી જાય પછી પ્રેમ પ્રગટે, પછી પ્રેમની નિષ્ફળતાની કરૂણા-હતાશા અને પછી...... કેટલીક વસ્તુઓ સોના જેવી હોય છે. કાળનો કાટ એમને લાગતો નથી. આ ફિલ્મની કથા જેટલી તે સમયે તાજી હતી, આજે પણ એટલી જ તાજી છે. કાળ ભલે બદલાય પણ માનવીના મન અને વલણ બદલાતા નથી. શ્રી ૪૨૦માં માનવીના મનના તાણાવાણા અને ગુંચવણોનેે ગીત-સંગીત અને રમુજમાં મઢીને રજુ કરવામાં આવી છે.

કલાકારો : રાજ કપૂર-નરગીસ-નાદીરા-નેમો-લલિતા પવાર-એમ.કુમાર-હરી શિવદાસાની-નાના પલસીકર-બુઢ્ઢો અડવાની-પેસી પટેલ-રમેશ મિન્હા-રસીદ ખાન-શૈલા વાઝ-એસ.પી.બેરી-કથાના-સત્યનારાયણ-શૈલેન્દ્ર-રાજુ-મન્સારામ-ઇફ્તેખાર-ઉમાદેવી(ટુનટુન)-અનવારી-ઇંદિરા-મીરજકર-ભગવાનદાસ-બીશંભર અને એક-બે સીનમાં સંગીતકાર જયકિશન.

કથા-સંવાદો : કે.એ.અબ્બાસ

પટકથા : કે.એ.અબ્બાસ-વી.પી.સાઠે

ગીત : શૈલેન્દ્ર-હસરત જયપુરી

ગાયક : લતા-આશા-મન્ના ડે-રફી-મુકેશ

કોરસ : કવિતા-ગાંધારી-રેખા-હમીદા-નીલકમલ

ફોટોગ્રાફી : રઘુ કરમારકર

સાઉન્ડ ડિરેકટર : અલ્લાઉદ્દીન

ઍડીટીંગ : જી.જી. મયેકર

નૃત્ય : સત્યનારાયણ

આર્ટ ડિરેક્ટર : એમ. આર. આચરેકર

સંગીત : શંકર જયકિશન

સંગીત સહાયક : દત્તારામ-સબાસ્ટીયન (દત્તારામે કેટલીક ફિલ્મોમાં યાદગાર સંગીત પણ આપ્યું છે.)

નિર્માણ-દિગ્દર્શન : રાજ કપુર

એવોર્ડ : આ ફિલ્મ માટે ફિલ્મ ફેરનો બેસ્ટ સીનેમેટોગ્રાફી એવોર્ડ રધુ કરમારકરને અને બેસ્ટ ઍડીટીંગ એવોર્ડ જી.જી. મયેકરને મળ્યો.

કથાસાર :

અલ્હાબાદના અનાથાશ્રમમાં ઉછરેલો અને ઇમાનદારી માટે સોનાનું મેડલ જીતેલો ગ્રેજ્યુએટ રાજ (રાજ કપુર) મુંબઇમાં નસીબ અજમાવવા આવે છે. એને પ્રબળ ઇચ્છા છે કે મુંબઇમાં એ કશુંક બનશે જ. મુંબઇમાં એને ભીખારી, ખિસ્સા કાતરૂ, પ્રેમાળ કેળાવાળી(લલિતા પવાર), રસ્તા પર રહેતા ફુટપાથવાસીઓના પરિચયથી એની મુંબઇ સર કરવાની સફર શરૂ થાય છે. એને પૈસા ઉભા કરવા ઇમાનદારીનું મેડલ ગીરવી રાખવું પડે છે. એ પૈસા પણ જુગાર રમાડનાર ખીસ્સાકાતરુઓ ચોરી લે છે. એ ફૂટપાથ પર આશરો લે છે. પૈસા માટે એ ચોપાટીની રેતીનું દંતમંજન પાવડર બનાવી વેચે છે અને જનતાને ખબર પડતાં માર ખાય છે. એ વિદ્યા(નરગીસ)ના પરિચયમાં આવે છે. વિદ્યા શિક્ષીકા છે. બન્ને પ્રેમમાં પડે છે અને સંસારના સપનાં જોવાનું શરૂ કરે છે. રાજ લોન્ડ્રીમાં નોકરી કરે છે. કપડાંની ડીલીવરી આપતાં એ માયા(નાદીરા)ના પરિચયમાં આવે છે. નાદીરા એની પત્તાબાજી જોઇ આફ્રીન થઇ જાય છે. માયા એને ડરાવી, ધમકાવી, મહોરું બનાવી પત્તા રમવા ક્લબમાં લઇ જાય છે. અહીં એ કરોડપતીઓના

પરિચયમાં આવે છે. ક્લબમાં એ કાલ્પનીક પીપલી નગરના રાજકુમાર તરીકે સ્થાપિત થાય છે. (એ પીપલી નગર આજનું

આમીરખાનવાળું પીપલી તો નહીં હોય ને ?) શેઠ સોનાચંદ ધર્માનંદ એનો ભેદ જાણી જાય છે. સોનાચંદની ભગીદારી પછી તો એ કરોડપતીઓના વમળમાં ઊંડે ઉતરતો જાય છે. પૈસાદાર બનીને વિદ્યાની નજીક જવાના પ્રયત્નોમાં એ ‘‘માયા’’ અર્થાત લક્ષ્મી

તરફ અનાયાસે ખેંચાતો જાય છે. સોનાચંદ શેઠ એની પત્તાબાજીની કળાનો ભરપૂર ઉપયોગ કરે છે. પૈસા ઓળવવાના અન્ય પ્રોજેકટો પછી એક પ્રોજેક્ટ આવે છે. હાઉસીંગનો. રાજના નામે એક નકલી કંપની ઊભી થાય છે. ગરીબો એમાં એમની બચતના પૈસા અને ઘરેણા ભરે છે. પછી થાય છે પૈસાની ઝૂંટાઝૂંટ. પૈસા માટે કરોડપતીઓનું બીભત્સ ભીખારીપણું તાદૃશ થાય છે. (આ ક્લાઇમેક્સ ફિલ્મમાં જ જોવા જેવી છે. એનું વર્ણન ન થઇ શકે) વિદ્યા આવીને રાજના આત્માને જાગૃત કરે છે. રાજને વાસ્તવિકતા સમજાય છે. આ દંભી અને જૂઠના જગતનો ત્યાગ કરીને, સૂર્યોદય સમયે રાજ અને વિદ્યા એક નવા જગતમાં નવું જીવન જીવવા તરફ આગળ વધે છે.

ંગીત-સંગીત : રાજ કપુરની ફિલ્મોમાં ગીત-સંગીતનું પાસું હમેશ મજબૂત રહ્યું છે. રાજને પોતાને પણ સંગીતની ઊંડી સૂઝ છે અને એ કોઇ પણ સંગીતકાર પાસેથી પોતાનું ધાર્યું સંગીત કમ્પોઝ કરાવી શકે છે. એના ખજાનામાં સ્ટોક મ્યુઝીક રૂપે બેકગ્રાઉન્ડ સંગીત પણ છલકાય છે. એ બેકગ્રાઉન્ડ મ્યુઝીક વર્ષો પછી રાજકપૂરની ફિલ્મોમાં ગીત સાથે મઢાઇને પ્રગટ થાય. બેકગ્રાઉન્ડ મ્યુઝીકમાં એક સ્થળે કીસીકી મુસ્કુરાહટોં પે હો નિસારનો ટ્યુન છે. પત્તા રમતો રાજ કપૂર આવારા હું અને મેરા જૂતા હૈ જાપાની સીટીથી વગાડે છે. એક સીનમાં ઘર આયા મેરા પરદેશી અને ક્લાઇમેક્સના દૃશ્યોમાં વાયોલીન દ્વારા વાગતી જાને કહાં ગયે વો દિનની ધૂન બેકગ્રાઉન્ડમાં રેલાય છે. એક સ્થાને મેરા નામ જોકરમાં સરકસના સરઘસના બેકગ્રાઉન્ડમાં જે સંગીત વાગે છે તે ધૂન અહીં પણ આપી છે. લાગે છે કે મેરા નામ જોકરના નિર્માણના બીજ આ ફિલ્મથી જ અંકુરીત થયા હશે. ગીતની વાત કરીએ તો એ સમયના ગીતોમાં પણ એક છૂપો સંદેશ રહેતોે. આપણે ગીતના મુખડા સાથે જ નિસ્બત ધરાવતા હોઇએ છીએ એટલે ગીતની ભીતરનો સંદેશ આપણે ઝીલતા નથી.

* મેરા જૂતા હૈ જાપાની (મુકેશ) : જૂતાને જાપાની કહ્યા છે. કદાચ એ કારણ પણ હોઇ શકે કે એ સમયે જાપાની વસ્તુઓ તકલાદી આવતી. રાજના જૂતા પણ ફાટેલા જ છે. આ ગીતમાં વાંસળીનો ઉપયોગ સુંદર થયો છે. આ ગીતમાં એક કડી છે,

‘‘ઉપર નીચેે નીચે ઉપર લહેર ચલે જીવન કી / નાદાં હૈ જો બૈઠ કિનારે પૂછે રાહ વતન કી. / ચલના જીવન કી કહાની રૂકના મૌત કી નિશાની.... ’’ ફિલ્મમાં ઉંચી-નીચી લહેરની પ્રતિતી કરાવવા રાજ ઊંટ પર સવાર છે. ઊંટ સવારી જીંદગીની લહેરોની જેમ ઊંચી-નીચી થાય જ. જીવન નદીની જેમ વહેતું હોવું જોઇએ અટકે તો ખાબોચિયું.

* દિલ કા હાલ સુને દિલવાલાઃ (મન્ના ડે) : આ ગીતમાં હોઠોના બુચકારાની ઇફેક્ટ ગીતને અલગ જ પરિમાણ બક્ષે છે. આ ગીતમાં ડફનો ઉપયોગ સરસ થયો છે. આ ગીતની એક કડી કરૂણ છે. ‘‘છોટે સે ઘર મેં ગરીબ કા બેટા /મૈં ભી હું માં કે નસીબ કા બેટા / રંજો ગમ બચપન કે સાથી આંધીઓં મેં જલી જીવન બાતી / ધૂપને હૈ બડે પ્યાર સે પાલા.’’ આ ગીતમાં હળવી રીતે ગંભીર શીખામણ પણ છે. ‘‘સુન લો મગર યે કીસી સે ન કહેના / તીનકે કા લેકર સહારા ન બહેના / બીન મોસમ મલ્હાર ન ગાના / આધી રાત કો મસ્તી ન લાના.’’ આ ગીતમાં રાજનો આંગિક અભિનય જોતાં લાગે કે એનું રોમેરોમ નૃત્ય અને અભિનયથી થરકે છે. એના સ્ટેપ્સની કમાલ તો ગજબ છે. આવા સ્ટેપ્સ રાજ કપૂર પછી ઋષી કપુરના હતા.

* ઇચક દાના બીચક દાના દાને ઉપર દાના ઇચકદાના (લતા-મુકેશ-કોરસ) ઉખાણાને ગીતમાં ઢાળવા એ રમતવાત નથી. બાળગીત જેવું આ ગીત પણ આટલા વર્ષો પછી અંતકડીમાં પહેલે સ્થાને બિરાજે છે. આ ગીતમાં છેલ્લે મુકેશનો એક અંતરો છે. આ ગીતમાં રાજ કપૂરનો આંગિક અભિનય નિખરી ઉઠે છે.

* પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ, પ્યાર સે ફિર ક્યોં ડરતા હૈ દિલ : (લતા-મન્ના ડે) : વર્ષાની મોસમનું આ પ્રણયગીત ચિરંજીવ પ્રણયગીત છે. આ ગીતમાં વાંસળી, બુલબુલ તરંગ (બેન્જો) અને એકોડર્ીયનની રમણીય જુગલબંધી છે. ગીતની શરૂઆતમાં પ્રેમના એકરાર પછીના મિશ્ર ભાવો નરગીરના ચહેરા પર ઝીલાય છે તો અન્ય શોટમાં નરગીસના મુખ પર એવા ભાવો કંડારાયા છે જાણે તન-મનથી એ પ્રેમની પરાકાષ્ટાએ પહોંચી હોય અને પૂર્ણ સંતોષ થયો હોય. આ ભાવો નરગીસ ફક્ત રાજકપૂર માટે

જ લાવી શકે. આ ભાવ-મુદ્રાઓ જોવા માટે તો ફિલ્મ જ જોવી રહી. આ ગીતની કેટલીક કડીઓ પણ રાજ-નરગીસના સંબંધની છડી પોકારે છે. ‘‘રાતોં દસોં દિશાઓં સે કહેગી અપની કહાનીયાં / ગીત હમારે પ્યાર કે દોહરાયેગી જવાનીયાં / મેં ન રહુંગી, તુમ ન રહોગેે ફિર ભી રહેગી નિશાનીયાં.’’

* મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે (મન્ના ડે) : આ નાદિરા અને રાજ કપૂર પર ફિલ્માવાયેલું પાટર્ી ગીત છે. વિદ્યા જ્યારે રાજને છોડી

જાય છે ત્યારે માયા (નાદિરા) આ ગીત ગાય છે. આ ગીતમાં રાજ કપૂર ભોળપણ છોડીને ખંધાઇને શરણે જાય છે. આ ગીતમાં નાદિરાની મારકણી અદાઓ, એની આંખોની ભાષા અને એનું દેહ લાલિત્ય અદ્‌ભૂત કંડારાયાં છે. સ્ત્રીને પૂર્ણ વસ્ત્રો પહેરાવીને પણ

એનું સંપૂર્ણ દેહ લાલિત્ય બિભત્સ બન્યા વિના છતું કરવું એ કળા રાજ કપૂર પાસે જ હતી. (જોકે મનોજ કુમારે એની દેશપ્રેમ ભરપૂર ફિલ્મોમાં પણ આમ જ કર્યું છે પણ એ રાજ કપૂરની ત્રીજી કાર્બન કૉપી જેવું લાગે.) અહીં રાજ કપૂરની એક બાબત

ઊડીને આંખે વળગે. એની ફિલ્મોમાં એકસ્ટ્રાઓ પણ સુંદર રહેતી. આ ગીતમાં પણ સારી પંક્તિઓ છે. ‘‘દુનિયા કે સાથ જો બદલતા જાયે / દુનિયા કે સાંચે મેં જો ઢલતા જાયે / દુનિયા ઉસીકી હૈ જો ચલતા જાયે.’’ નાદિરાના કેટલાક ક્લોઝ-અપ જોતાં એવું લાગે કે સુંદરતામાં એ નરગીસને પણ ટક્કર મારે. આ ગીતના સંગીતમાં ટ્રમ્પેટના બે પીસ પણ ગજબના છે. (કદાચ ક્રીસ પેરીએ વગાડ્યા હશે.)

* ઓ જાને વાલે મુડ કે જરા દેખતે જાના (લતા) આ ગીત વિદ્યા પર ફિલ્માવાયું છે. એ સમયે ગીતની બે આવૃત્તિઓ રહેતી. એક ખુશીનું ગીત અને બીજું કરૂણ ગીત. દા.ત. મુનીમજીનું જીવન કે સફર મેં રાહી. આ ગીત મુડ મુડ કે ના દેખની કરૂણ આવૃત્તિ છે. વિદ્યાનો આત્મા દેહમાંથી નીકળીને આ ગીત ગાય છે. અહીં કોસ્ચ્યુમનો વિરોધાભાસ પણ સરસ છે. વિદ્યાએ કાળી સાડી પહેરી છે જ્યારે એના આત્માએ સફેદ સાડી. આ ગીત જોતા કાગઝ કે ફૂલનું ‘‘વક્તને કીયા ક્યા હસીં સીતમ’’ યાદ આવી જાય. એની બે પંક્તિ પણ સરસ છે. ‘‘ફરિયાદ કર રહી હૈ ખામોશ નિગાહેં / આંસુ કી તરહ આંખ સે ન મુઝ કો ગીરાના / જરા દેખતે જાના. ’’ ખામોશ નિગાહેં ફરિયાદ કરે એ ગીતની કાવ્યાત્મક્ ઊંચાઇ છે. આ સાથે તલત મહમુદના ગીતની પંક્તિ પણ યાદ આવી જાય. ‘‘આંસુ સમઝ કે ક્યોં મુઝે આંખ સે તુમને ગીરા દીયા’’ આ ગીતની ફોટોગ્રાફીમાં સ્ટાર ઇફેક્ટ લૅન્સ વપરાયો છે જે સુંદર પરિણામ આપી જાય છે.

* રમૈયા વસ્તા વૈયા રમૈયા વસ્તા વૈયા : (રફી-મુકેશ-લતા) : આ ગીતમાં હૃદયની વાતો છલકાય છે. ફૂટપાથ પર વસતા, ગંગામાઇના માનેલા સંતાનો મનોરંજન માટે આ ગીત ગાય છે. આ ગીત પ્રચલીત થતું હાથગાડીવાળા, દૂધવાળા વિકટોરીયાવાળા જેવા સામાન્ય માણસો સુધી પહોંચે છે. રાજ અને વિદ્યા સુધી પણ પહોંચે છે. પ્રેમની ભગ્નતાનો તલસાટ આ ગીતમાં વ્યક્ત થાય છે. આ ગીતમાં બેન્જોનો સરસ ઉપયોગ થયો છે.

*શામ ગઇ રાત આયી કે બલમ આજા. (લતા) વરસાદી મોસમમાં પ્રેમીના મિલન માટેના તલસાટનું આ નૃત્ય ગીત છે.

મેરા જૂતા હૈ જાપાની (મુકેશ-લતા) : ફિલ્મને અંતે આ યુગલગીત છે. યુગલગીતના અંતે મેરા દિલ હૈ હિન્દુસ્તાની કડી સાથે ફિલ્મનો અંત આવે છે. આ શ્રી ૪૨૦ની રી-મેક થોડા વર્ષ પહેલા આવેલી એનું ટાઇટલ પણ ‘‘દિલ હૈ હિન્દુસ્તાની’’ હતું.

* ગીતો ઉપરાંત ફિલ્મમાં માત્ર મ્યુઝીકમાં એક ડૅન્સની સીક્વન્સ છે. ૩૧ ડિસેબરની રાત હોય એવું લાગે છે. કેટલાક પાત્રોએ મહોરા પહેર્યા છે.

સંવાદો :

રાજ : ક્યોં ભાઇ તુમ્હારી બમ્બઇમેં સબ બહેરે બસતેં હૈં ?

ભીખારી : બહેરે ભી ઔર અંધે ભી. ઉન કે કાન કૂછ નહીં સુન શક્તે સીવા રૂપિયોં કી ઝંકાર કે. યે બમ્બઇ હૈ મેરે ભાઇ બમ્બઇ. યહાં બિલ્ડીંગે બનતી હૈ સીમેન્ટ કી ઔર ઇન્સાનોં કે દિલ પથ્થર કે. યહાં એક હી દેવતા પૂજા જાતા હૈ, વહ હૈ પૈસા. યહાં સચ બોલ કર પેટ ભરને કા રાસ્તા ઢૂંઢને સે નહીં મીલતા ઔર જૂઠ બોલ કર પૈસે બનાને કે રાસ્તે ચારસો બીસ.

ભીખારી : યે બમ્બઇ હૈ મેરે ભાઇ બમ્બઇ. યહાં દૂસરોં કો ગીરતા દેખ કર સબ હસતે હૈ મગર જબ ખુદ ગીરતે હૈં તો હસના ભૂલ જાતે હૈ. (તાજેતરમાં રજુ થયેલી ‘‘ઢુંઢતે રહે જાઓગે’’ ફિલ્મમાં ભીખારીના મુખે આવા જ સંવાદો મૂકાયા છે.)

રદ્દીવાળો વોરો : સબ લોગ એક ઇરાદે સે મુંબઇ આતા હૈ. મુંબઇ કો કોઇ નહીં ખરીદ સક્તા. મુંબઇ સબકો ખરીદ લેતી હૈ ઔર અપના કામ નીકાલ કર કીસી રદ્દીવાલે કી દુકાનમેં ફેંક દેતી હૈ.

રાજ : ઇસ ઔંધી દુનિયા કો સીધા દેખના હો તો સર કે બલ પર ખડા હોના પડતા હૈ. જાનતે હૈં હવાલદાર સા‘બ, બડે બડે નેતા સબેરે ઊઠ કર શિર્ષાસન કરતે હૈ તભી દેશ કો સીધા કર પાતે હૈ.

રાજ : જો કહીં નહીં રહતે વો કહાં રહેતે હૈં ?

રાજ : જીસ દુનિયામેં આપ રહેતે હૈં વહીં ઇન્સાન કે દિલ ઔર દિમાગ કી નહીં કપડોં કી, શાર્ક-સ્કીન કે સૂટ, સીલ્ક કી કમીઝેં ઓર જ્યોરજેટ કી સાડીઓં કી કિમત હૈ.

રાજ : આજ ગરીબ હી ગરીબ કો નહીં પહેચાનતા. દુનિયા કો હસાને ખુશ કરને કે લીએ મૈને અપને મુહ પર નકલી ચહેરા લગા રખા હૈ. ઔર સચ પૂછીએ તો દિલ કા દર્દ ઔર આંખ કે આંસુ છુપાને કે લીએ યે બેવકૂફ મસ્કરે કા ખેલ બડી કામ કી ચીજ હૈ.

રાજ : આદમી કપડોં કો પહનતે હૈ, કપડે આદમી કો નહીં.

રાજ : જમાને ને હમારે લીએ કયા કીયા જો હમે જમાને કી પરવાહ હો ? જબ મૈં ભૂખા થા, દુનિયાને મુઝે ખાના નહીં દીયા. જબ મૈં બેકાર થા, દુનિયાને મુઝે કામ નહીં દીયા. જબ મૈં બેઘર થા, તો ઇસ દુનિયાને મુઝે રહેને કે લીયે મકાન નહીં દીયા. મગર અબ તુમ દેખોગી યે દુનિયા હમારી ઇજ્જત કરેગી. હમે ઝૂક ઝૂક કર સલામ કરેગી.

રાજ : ઇમાનદારી કા ઉપદેશ હમેશ ગરીબ આદમી કો દીયા જાતા હૈ. દિન ભર મહેનત કરો, કામ કરો, ફિર ઇમાનદારી કી રૂખી-સૂકી ખાકર ભગવાન કા શુકર કરો.

રાજ : અજીબ બાત હૈ, તુમ વિદ્યા બેચને આયી હો, મૈં ઇમાન ખરીદને આયા હું.

રાજ : જરા સોચો. હમ જૈસે લોગ પૈસે કે બગૈર કુછ ભી નહીં. દુનિયામેં સાંસ લેને કે ભી પૈસે પડતે હૈ.

વિદ્યા : મૈં ક્યા કરુંગી ઘર લેકર ? ઘર ઘરવાલે સે બનતા હૈ, ગૃહસ્થી સે બનતા હૈ.

રાજ : સુનાથા ઇન્સાન પહેલે બંદર થા મગર પૈસે કી લાલચમેં કુત્તા બન ગયા કુત્તા.

એ સમયનું આર્થીક પાસું : એ સમયે કેળા આઠ આને ડઝન મળતા હતા. સોનું ૮૦ રૂપિયા તોલો હતું. ત્યારે પાઘડી પણ હતી. ફુટપાથ પર રહેવાની ૩ રૂપિયા અને માત્ર સુવાની દોઢ રૂપિયો. ચાર આનામાં દંતમંજનની બાટલી વેચાતી. બે આનાની બે ચા મળતી. લોન્ડ્રીમાં કામ કરવાનો માસિક પગાર ૪૫ રૂપિયા હતો. જુગારમાં ૨૦ હજારની જીત મોટી ગણાતી. રાજ કપૂરની નકલી કંપની તીબેટ ગોલ્ડ કંપનીનો શેર ૧૦૦ રૂપિયામાં મળતો. (શેર બજારની આવી હરકતો આજે પણ ચાલે જ છે.)

દિગ્દર્શનના ઝબકારા : ફિલ્મના દરેક પાસા પર રાજ કપૂરની ચોક્ક્સાઇ જોવા મળે છે. એની ટીમ એને જોઇતું પરીણામ અને પરિમાણ આપે છે. ફિલ્મના ટાઇટલથી જ રાજ કપૂરનો ટચ જોવા મળે છે. ટાઇટલમાં એક હસતું મહોરું અને એક રડતું મહોરું દર્શાવી ફિલ્મના પ્રવાહોનો સંકેત અપાય છે. મેરા જુતા હૈ જાપાની ગીતમાં રાજ કપૂર પ્રથમ પગે ચાલતો હોય છે, પછી એ ઊંટ પર સવારી કરે છે. એ પછી એ હાથી પર છે અને છેલ્લે ફરી પગે ચાલતો રહે છે. ફિલ્મની કથા પણ આ જ ચક્ર પ્રમાણે ચાલે છે. પહેલા પગપાળા. પછી ઊંટ સવારી જેવા ઊંચા-નીચા થતા જીવનના મોજાં. પછી હાથી જેવી શાહી સવારીની જેમ પૈસાદાર બનવું અને છેલ્લે બધું તજીને ફરી જાપાની જૂતામાં પગપાળા નીકળવું. એ જમાનાથી આજ સુધી પોતાના આત્મા સાથે વાતચીત કરવાની પ્રથા ચાલુ છે. રાજ કપૂર અરિસામાં પોતાના આત્માને જુએ છે અને એની સાથે સંવાદ સાધે છે.

રાજ કપૂર માનવ મનની નબળાઇઓ છતી કરે છે. પોતે જ્યારે કડકો હતો અને જુગારમાં હારી ગયો ત્યારે એને બધા જ ચોર અને ૪૨૦ લાગ્યા, પણ જ્યારે એ મોટી હોટલોમાં પત્તાની અંચઇ કરે છે ત્યારે એને અંચઇનો ડંખ નથી રહેતો. ત્યારે એ અંચઇ કળામાં ખપાવવા માગે છે.

ફિલ્મના પાત્રોના નામની પસંદગીમાં ચોક્કસાઇ જોવા મળે છે. નાયકનું નામ રાજ છે. એને મુંબઇ પર રાજ કરવું છે. માતૃવાત્સલ્ય ધરાવતી કેળાવાળીનું નામ ગંગામાઇ છે. ગંગા જેવું પવિત્ર અને વિશાળ હૃદય છે એનું. નાયિકા શિક્ષીકા છે. એનું નામ વિદ્યા છે. વૅમ્પ પૈસાની પુજારણ છે. એનું નામ માયા છે. કોટન અને બુલીયન કીંગ ધનપતિનું નામ શેઠ સોનાચંદ ધર્માનંદ છે.

પાત્રોના વસ્ત્રોની પસંદગીની બાબતમાં પણ અત્યંત ચોક્ક્સાઇ જોવા મળે છે. ગામડિયા રાજ કપૂરની ટૂંકા પાયચાવાળી પેન્ટ, ફાટેલા જાપાની જૂતા, ઇંગ્લીશ કોટ અને રશિયન ટોપી. એની લાકડીને છેડે ગામઠી પોટકી. જ્યારે એ પૈસાદાર બને છે ત્યારે સૂટ અને બૉ ટાઇમાં શોભે છે. શેઠ સોનાચંદનું ઐશ્વર્ય બતાવવા એના સેક્રેટરીને રીમલેસ ચશ્મા પહેરાવાયા છે. ગંગામાઇ મરાઠી વસ્ત્રોમાં દર્શાવાઇ છે. વિદ્યાના સંસ્કાર અને એની સાદાઇ બતાવવા એને ગ્લેમરાઇઝ નથી કરાઇ. વસ્ત્ર પરિધાનમાં નાદિરા (માયા) મેદાન મારી જાય છે. માયાને ભાગે વેસ્ટર્ન ડ્રેસ આવે છે. ક્લાઇમેક્સના દૃશ્યમાં જ્યારે રૂપિયા લઇને ભાગી જવાની વાત

હોય છે ત્યારે નાદિરા નાગણ જેવા કાળા ડ્રેસ ઉપર ચિત્તાની ચામડી જેવો ઓવરકોટ પહેરેલી હોય છે. એ એની ચિત્તા જેવી

ચપળતા અને ખંધાઇ દર્શાવે છે. ગીત વિનાના એક નૃત્ય દૃશ્યમાં નાદિરા નાગણ જેવો ચમકતો કાળો ડ્રેસ પહેરે છે. આ નૃત્યમાં એ

રાજને પાશમાં લે છે. નાદિરા ડંખ આપતી ‘‘માયા’’ને તાદૃશ કરે છે. રદ્દીવાળા ચાચાની ટોપી વ્હોરા કોમનું પ્રતિનિધિત્વ કરે છે.

(હિન્દી ફિલ્મોનો ઇતિહાસ જોઇએ તો વહોરા કોમનું પાત્ર ગણીગાંઠી ફિલ્મોમાં જ દેખાશે)

અભિનય : બધા પાસાની જેમ રાજ કપૂરની ફિલ્મોનું આ મજબૂત પાસું છે. રાજનો ભોળો ચહેરો અને એ ભોળો ચહેરો જ્યારે ખંધાઇનું મહોરું પહેરે છે ત્યારે પણ દેખાતી ભોળી ખંધાઇ મન જીતી લે છે. રાજના અંગેઅંગમાં નૃત્ય નિખરે છે. નરગીસના

ચહેરાના ભાવો સરસ કંડારાયા છે. નાદિરાની તો વાત જ ન થાય. સિગારેટ હોલ્ડરમાં સિગરેટ પકડવાની એની સ્ટાઇલની કૉપી થઇ જ નથી શકી. સિગારેટના કશ લેવા અને ધુમાડાની રમત કોઇ એની પાસે જ શીખે. મુડ મુડ કે ના દેખ ગીતમાં એના દેહની લચક અનન્ય છે. એ માટે નૃત્ય દિગ્દર્શક અને દિગ્દર્શકની જહેમત જણાઇ આવે છે. નાદિરા હીરોઇન હતી પણ આ ફિલ્મમાં રાજ કપૂરે એને વૅમ્પ (ખલનાયિકા) બનાવી અને એ પછી એ હીરોઇન ન બની શકી એનો વસવસો નાદિરાને જીવનભર રહ્યો. માયાના પતિ તરીકે સંગીતકાર જયકિશન પણ થોડી વાર માટે દેખા દે છે. દર્શકો ફિલ્મ જોઇ અભિનય માણી શકે એટલે વધુ ઊંડાણમાં નથી જતો.

રાજ કપૂરનું એક વળગણ છે માછીમારો. એની ફિલ્મોમાં માછીમાર સ્ત્રીઓ અથવા પાત્રો હોય જ હોય. બોબીમાં તો આખો માછીમાર પરિવાર હતો. (ફિલ્મ હીટ જવાનું એ પરિબળ હશે ખરું ?) અન્ય નિર્માતા-અભિનેતાઓને પણ વિવિધ વળગણો

હોય છે એની વાત આપણે એમની ફિલ્મ સમયે કરીશું.

ફોટોગ્રાફી : રધુ કરમારકરની ફોટોગ્રાફી સ્વચ્છ અને સુરેખ છે. આઉટડોર દૃશ્યોમાં એ ૧/૪ અને ૩/૪ નું પરિમાણ જાળવે છે. કહેવાય છે કે બહુ ઓછા નિર્માતાઓ પ્યોર બ્લેક એન્ડ વ્હાઇટની ફિલ્મ બનાવતા. રાજ કપૂર એમાંના એક. બાકી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો ગ્રે ટોન આધારિત બનતી. રાજ કપૂરની ફિલ્મોમાં સુંદર ક્લોઝઅપનું પ્રમાણ પણ સારું જોવા મળે છે. પરફેક્ટ લાઇટીંગ સાથે ક્લોઝઅપમાં કલાકારો નિખરી ઊઠે છે. જ્યાં જરૂર પડી છે ત્યાં સ્ટાર ઇફેક્ટ લૅન્સનો ઉપયોગ થયો છે.

ચમકારા : આ ફિલ્મમાં કેટલાક પ્રસંગો એવા છે જે સમાજ પર ઊંડી છાપ છોડી ગયા છે. એ સમયે લલિતા પવાર અને રાજ કપૂરના સંવાદ લોકોમાં ચલણી થઇ ગયા હતા. ‘‘દો આને કા તીન કેલા, તો તીન આને કા દો કેલા નહીં ?’’

રાજ કપૂરની જુગારની બાજીમાં દૂરી-તીરી-પંજો હતાં. આટલી નબળી ગેમ હોવા છતાં રાજ કપૂર એ બાજી જીતી ગયો. આજે પણ દો-તીન-પાંચની બાજી રાજ કપૂર ગેમ તરીકે ઓળખાય છે.

૪૨૦ માણસોની દુનિયામાં રાજ કપૂર તો પ્યાદું હતો. એનાથી મોટા ૪૨૦ શેઠ સોનાચંદ ધર્માનંદની કારનો નંબર ૮૪૦ છે. એ સમયથી મહા ૪૨૦ માણસોને ૮૪૦ કહેવાની પ્રથા ઊભી થઇ.

એ સમયના ડૉકટરોના વલણનો પણ સંવાદ છે. રાજ કહે છે મને હૉસ્પિટલમાં ન લઇ જતા. ત્યાં ડૉકટરો વાતવાતમાં ઑપરેશન કરી નાખે છે.

રમૈયા વસ્તાવૈયા ગીતમાં એ સમયે ઉખડમાં ખંડાતા મસાલાનું દૃશ્ય છે. તહેવારોમાં અંબોડામાં વેણી ગુંથાતી.

એ સમયે ત્રણ પત્તામાં રાણી શોધોનો જુગાર ચાલતો જે આજે પણ ચાલે છે. ત્યારે ચા બનાવનારા પાણી ગરમ કરવાના બંબામાં ચા બનાવતા. (આજે આ બંબા દેખાતા નથી ) દિવાળીમાં રોશની થતી અને આજની જેમ જુગાર પણ રમાતો. ૫૫૫ સિગારેટ ટીનના ડબ્બામાં આવતી. ફિલ્મોના માધ્યમથી ભારતની જનતાને ઇન્ડીયન પીનલ કોડના ૪૨૦ અને ૩૦૨ કાયદા યાદ રહી ગયા છે.

શ્રી ૪૨૦ નખશીખ સુંદર ફિલ્મ છે જે બોધ પણ આપે છે. અભિનયનો એકડો શીખતા નવા નિશાળીયાઓએ ડાયલોગ ડીલીવરીના ચઢાવ-ઉતારનો અને કયા શબ્દો પર ક્યાં વજન આપવાનો અને ચહેરાના ભાવોનો અભ્યાસ કરવા આ ફિલ્મ ઊંડાણથી જોવી રહી. શ્રી ૪૨૦ જોતાં આ તારણો પણ ઓછાં પડે. વાચકો આ ફિલ્મ જોઇ વધુ તારણો કાઢે અને ફિલ્મ એન્જોય કરે એટલેે હું વધુ ઊંડે ઉતરતો નથી.

-કિશોર શાહ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED